હાડ ગાળતી ઠંડીમાં ક્યારેય રોડની સાઈડમાં બ્લેન્કેટ વગર સૂતા છો?
કાલે ખાવાનું મળશે કે નહીં એ ચિંતા સાથે પડખા ફેરવ્યા છે? ટૂંકા પગારમાં ઘરના દસ જણનુ પેટ ભરવા અને વ્યાવહારિક કામો માટે સમાજમાં રહેવા માટે લીધેલી લોન નહીં ભરાય તો? વ્યાજ નહીં ચૂકવી શકાય તો? આવો વિચાર આવતા તમામ તકલીફો ને બિમારીઓ ને અવગણી ગધેડા ની જેમ રાત દિવસ તૂટ્યા છો? બધું જ સરખું ચાલી રહ્યું હોય અને રાતોરાત બધું છીનવાઈ ગયું છે? જે શરીર પર ખૂબ પ્રેમ હતો એને બિમારી નું ગ્રહણ લાગ્યું છે કદી? એક સોય લાગતા પણ બૂમો પાડી ઉઠો છો પણ કદી હાથ પગમાં સળીયા નાખીને , સ્ક્રુ ફીટ કરીને કેવું દર્દ થાય એ અનુભવ્યુ છે?
કોઈને વર્ષોના વર્ષો દિલોજાન થી ચાહ્યા બાદ એક ઝાટકે તરછોડાઈ જાવ ત્યારે અંદરથી કદી મર્યા છો? નખશિખ પ્રામાણિક રહ્યા બાદ પ્રામાણિકતા પર પ્રશ્નો ઉઠ્યા છે? એક માણસ પાછળ જીંદગી વેડફી નાખ્યા બાદ પણ ચરિત્રહીન નુ લેબલ લાગ્યું છે? આખી જીંદગી ઉત્તમ સંતાન, ઉત્તમ પાર્ટનર, પ્રેમી,મિત્ર, ઈમ્પલોઈ,કલીગ,વ્યક્તિ રહ્યા બાદ પણ કદી અહેસાસ થયો છે કે આજસુધી તમારો ઉપયોગ જ થયો છે? એ પીડા પચાવી છે? એ વેદના એકલા જ ગળી જઈને પણ સતત હસતા રહ્યા છો? સંબંધો ની આમન્યા જાળવવા ઉપયોગ થવા દીધો છે પોતાની જાતનો? કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વિનાનું તમારું જીવન હોય અને છતાં લોકો તમને પાડવાની તાકમાં જ બેઠા છે એ ખબર હોવા છતાં મેન્ટલ હેરેસમેન્ટ સાથે પણ બધું અવગણી ખુશખુશાલ જીંદગી જીવ્યા છો? એ હદ સુધીની અવગણના,તિરસ્કાર, માનસિક ત્રાસ, આરોપો સહ્યા છે કે એમ થઈ જાય કે બસ હવે નહીં સહન થાય ? મરવા સુધી પહોંચી જાવ છો એવું થયું છે?
ઉપર લખ્યા એ પ્રશ્નો તો એક ટકો પણ નથી એવી તકલીફો અને પીડામાં જીવતા લોકોને મે જોયા છે. અને દારુણ ગરીબીમાં પણ લઘરવઘર કપડામાં, વીંખાયેલા વાળ ને ઝુપડા જેવા ઘરમાં પણ ખુશખુશાલ પતિ પત્ની ને,બાપ દિકરાને,મિત્રો ને, ફિલ્મી ગીતો પર વિડીયો બનાવતા ને નાચતા જોયા છે. મૌજથી સૂકો રોટલો ખાતા પણ વટ્ટથી જીવતા જોયા છે. કોઈ એક વ્યક્તિ નો વિશ્વાસ ને પ્રેમ ન મળતા આખી દુનિયા માટે પ્રેમ ન્યોછાવર કરતા લોકોને જોયા છે.સાજા શરીરે કંઈ ન કરી શકેલા લોકોને જીવલેણ અકસ્માત બાદ થયેલા ડીફોર્મ શરીર સાથે દુનિયામાં ડંકો વગાડતા જોયા છે. દિલ ફાડીને ચાહ્યા બાદ પ્રેમમાં મળેલી નિષ્ફળતાને ગળાનો ફંદો બનાવીને મરવા કરતા એ ગુસ્સાને કોઈ ધ્યેય પાછળ લગાડી ક્યાં ને ક્યાં પહોંચતા લોકોને જોયા છે.
એ જ તો જીવન છે જેમાં તમે વિચારો છો એવું કંઈ નથી થતું. અને છતાં સાવ મફતમાં મળેલા જીવનને અચાનક આવી પડેલી તકલીફ કે લાગણીહીન લોકોની ઉપેક્ષા કે ત્રાસ ના કારણે ટૂંકાવી દેવાનું? કાં તો બધું જ ઈગ્નોર કરતા શીખી જાવ અને નહીં તો લડીને હક્કનુ જીવતા શીખી જાવ. હા હું જાણું છું કે એટલું સહેલું નથી હોતું ખાસ કરીને લાગણીશીલ લોકો માટે , કારણકે હું અનુભવું છું.
આપણે ઈગ્નોર કરીએ શાંતિ થી જીવીએ ,જીવવા દઈએ પણ છતાં કેટલાક અસુર ના અવતાર સમા લોકોને એ કદી ગમતું નથી, તમે મજામાં રહો એ એમની ઈર્ષ્યા અને નફરતનુ કોઈ કારણ વગરનું કારણ બની રહે છે, તમને પાડવાના ,ફસાવવાના અને હેરાન કરવાના કોઈ મૌકા જતા નથી કરતા. એવા અળવીતરા અને વિઘ્નસંતોષીઓ ને પાછા એમના જેવાના સપોર્ટ મળી રહે છે અને સાચા વ્યક્તિ સાચા છે એવું જાણતા હોવા છતાં ખુલીને એની પડખે ઉભા રહેવાની હિંમત એક પણ નમાલામાં નથી હોતી, તમે જેને તમારા સમજીને બધું કહ્યું હોય એજ પીઠ પાછળ ડબલ ઢોલકી બનીને પેલા પાસે સારા થવાની તક જતી નથી કરતા અને પાછા એવું સમજે કે તમને કંઈ ખબર જ નથી. 🤣 તમારી ભલમનસાઈ અને સરળતાને તમારો ડર સમજી લે, સમજવા દેવાનો શું ફેર પડે??તમારા વિશે મન ફાવે એમ બોલે. બોલવા દેવાના શું ફેર પડે? તમને ખબર છે કે કોઈ સાંભળવા વાળું નથી એટલે બધું અવગણીને તમારી જીંદગી જીવતા હો પણ છતાં શાંતિ હજમ ન થાય આવાને અને સતત કાવાદાવા ઘડતા રે, ઘડવા દેવાના . કારણકે એમની પાસે કરવા માટે જીવનમાં બીજું કશું હોતું નથી. નવ્વાણું ગાળ સાંભળી લો તમે લાઈફમાં શાંતિ ઈચ્છતા હો તો , અને છતાં કોઈ અપલખણાઓ ન જ સૂધરે તો સો મી ગાળની રાહ નહીં જોવાની. પછી આ પાર કે પેલે પાર ની તૈયારી રાખવાની. તો જ જીવી શકો એ સીધી વાત છે.
સમાજમાં રહેવું હોય તો આવા હલકાઓ અને કારણ વગરનો ત્રાસ દેનારા અને ઈર્ષ્યાખોરો સાથે જ રહેવાનું છે એ માનસિક તૈયારી રાખો. તમે જે કામમાં સાચા છો એના પર જ પ્રશ્નો ઉઠશે ને તમે કંઈ નહીં કરી શકો, તમે તમારી નિર્દોષતા અને પ્રમાણિકતા સાબિત નહીં કરી શકો એવો પણ સમય આવશે. ભૂલ ન હોવા છતાં વારંવાર સોરી પણ કહેવું પડશે અને તિરસ્કાર અને આરોપોના કડવા ઘૂંટ પણ ઉતારવા પડશે કારણકે આ કોઈ પરીકથા નથી . અને ડ્રેગન તો પરીકથામાં પણ હોય જ છે ને? પણ યાદ રાખવું કે ડ્રેગનને પણ હરાવી શકાય છે .
આ બધું લખ્યું છે એટલે હું આવા ડ્રેગન્સ થી નિર્લેપ રહી શકું છું એવું નથી. ઘણી વાર એમ થાય કે ક્યાંક ભાગી જાંઉ જંગલમાં પણ પછી થાય કે એમ ભાગવું નથી. શોખથી બધું મૂકીને જતી રહીશ જીવવા માટે, પણ ભાગીશ નહીં.લાઈફમાં એક વાર મરવાનો પણ વિચાર આવેલો,પણ દિમાગ પર હાવી ન થવા દીધો એ વિચારને.એમ થયેલું કે નહીં જીવી શકાય પણ છતાં જીવી ગઈ. કેટલીય રાતો રડી છું, અવાજ ન નીકળે એટલી હદે ગળે ડૂમો આવી ગયો છે. લોકોના અનેક પ્રહારો સહન કર્યા છે. પણ હું નવ્વાણું પ્રહાર સુધી શાંતિ રાખી શકું છું. અને બસ એટલું જ શીખવાનું છે.
અને ડ્રેગન્સથી ભરેલી દુનિયામાં તમારે કઈ રીતે પરીકથા વાળી લાઈફ જીવવી એ તમારા હાથમાં છે. કાં તો એક ખૂણામાં બેસીને રડી લો,કાં તો લડી લો. ત્રીજો કોઈ ઓપ્શન જ નથી.-Jનક (ક્રિષ્નપ્રિયા) 💃
યે જીવન હૈ, ઈસ જીવન કા,
યહી હૈ યહી હૈ યહી હૈ રંગરૂપ…………. સમજ્યા? 😊
એન્ડ યેસ,
લાઈફ ઈઝ વેરી શોર્ટ સાઈબા, ઓલ્વેઝ બી હેપ્પી.
બડે બડે પ્રોબ્લેમ્સ વીલ કમ એન્ડ ગો,
થોડા chill મેરે ભાઈ……….નો ટેન્શન બેબી….😘
(માસ્ટર નું ગીત છે.ક્યારેક મરવાનો વિચાર આવે ત્યારે એકવાર સાંભળી લેવું) 🤗💃
( ઈતના કૌન પઢતા હૈ બે?😜)