RSS

Category Archives: feelings

खुसरो बाजी प्रेम की मैं खेलूँ पी के संग।जीत गयी तो पिया मोरे हारी पी के संग।। ❤️

પ્રેમ માં માણસ કઈ હદ સુધી જઈ શકે ? પ્રેમીઓ એકબીજા ની પરીક્ષા લેતા હોય છે અવારનવાર આવા બેતૂકા સવાલો પણ કરતા હોય છે ને?

આ સવાલ જ બેબૂનિયાદ છે કારણ કે પ્રેમ માં કોઈ હદ હોતી જ નથી .બેહદ ,બેશરમ,બેફીકર,નફ્ફટ અને બેબાક હોય એ જ તો પ્રેમ……. હું જાતીભેદ નથી કરી રહી પણ જ્યારે એક સ્ત્રી ખરેખર પ્રેમમાં હોય છે ત્યારે એને કોઈ જ બંધનો નથી નડતા,એ કદી પીછેહઠ નથી કરતી, એને સમાજે બનાવેલા નીતિ નિયમો અને રસમો સાથે કોઈ જ સંબંધ નથી રહેતો. એકવાર એ નક્કી કરી લે પછી બધું જ ગૌણ થઈ જાય છે. એનામાં ડર જેવું તત્વ નથી બચતું કારણકે પ્રેમ એ એના માટે પૂજા અને દૈવીય ઘટનાથી જરાય કમ નથી હોતો,અને જેને એ પ્રેમ કરે છે એ ક્યારે એના માટે ઈશ્વરની સમકક્ષ થઈ જાય છે એ એને પણ ખબર નથી હોતી.


આ પ્રેમ ફક્ત કોઈ હાડમાંસ ધરાવતા પુરુષ તરફ જ હોય એ જરાય જરુરી નથી,સ્ત્રી ની પોતાની એક કાલ્પનિક દુનિયા પણ હોય છે જેમાં એ પોતાની જાત સાથે સંવાદો કરતી રહે છે. અને એ જ્યારે પ્રેમમાં હોય છે ત્યારે એ કુદરત,ઈશ્વર ,પ્રાણી કે મનુષ્ય …. સૃષ્ટિના દરેક જીવોને ચાહવા લાગે છે. એ ચાહવા છતાં કોઈને નફરત નથી કરી શકતી. એ સ્વંય પ્રેમ જ બની જાય છે. એનો પ્રેમ વ્યક્તિ થી મટીને સમષ્ટિ માટે વિસ્તૃત થઈ જાય છે એ સતત પ્રેમ આપતી રહે છે પરંતુ એને શું જોઈએ છે એ કોઈ નથી જાણી શકતું. એને ખૂબ ચાહતો પુરુષ પણ ક્યારેક નથી સમજી શકતો..સ્ત્રી પોતે પણ નથી જાણતી કે એને શું જોઈએ છે….અને બસ એ કશ્મકશ એ વિરહ એ તડપ એની અંદર સતત સળગતા રહે છે જે સુવાસ રુપે દુનિયા આખીને મળે છે…


પ્રેમમાં ગળાડૂબ સ્ત્રી ને કહેવું નથી પડતું કે એ પ્રેમમાં છે.. એના રુંવાડે રુંવાડે પ્રેમ ફરકતો તમે જોઈ શકો અને અનુભવી પણ શકો. એનું અંગ અંગ નાચતું હોય છે,એની આંખો બોલતી હોય છે કે એ પ્રેમમાં છે,એનો ચહેરો એના હ્રદયના ભાવને ચાહવા છતાં નથી છૂપાડી શકતો……જેમ ગુલાબ સ્વંય એની સુગંધ નથી ફેલાવતું તેમ છતાં આપણને એની સુવાસ પોતાની તરફ ખેંચે છે,એની સુંદરતા આકર્ષે છે પણ એની નજીક જવામાં કાંટા વાગવાનું જોખમ પૂરેપૂરું હોય છે…..બસ એ જ રીતે પ્રેમમાં મગ્ન દુનિયા ની દરેક સ્ત્રી સુંદર જ દેખાય છે……… …..અને જ્યારે એ સ્ત્રી ને એનો પ્રેમ નથી સમજી શકતો કે નથી મળતો ત્યારે પણ એને કોઈ ફર્ક નથી પડતો કારણકે એનો પ્રેમ એ કક્ષાએ પહોંચી ગયો હોય છે કે હવે એને કોઈની શારીરિક હાજરી હોવા ન હોવાથી પણ ફર્ક નથી પડતો એતો બસ પ્રેમમાં હોય છે….અને એ પ્રેમમાં એ સતત સળગતી રહે છે ,એ પ્રેમની જ્વાળાઓ એના ચહેરા પર કંઈક અજીબ નૂર ઉત્પન્ન કરે છે કે એની નજીક જતાં દરેક વ્યક્તિ એની એ ચમકથી અંજાય જતા હોય છે…. આવી સ્ત્રી ને પ્રેમ કરવા કેવું કલેજું જોઈએ વિચારો?? એ સળગતી આત્મા ને બાથ ભરવા ખુદ સળગવાની તૈયારી હોય તો જ એની નજીક જઈ શકો બાકી બળીને રાખ થઈ જાવ.


અને જો એકવાર એને ભેટી શક્યા તો પછી તો ક્યાં કોઈ આવરણો બાકી જ રહે છે? બે આત્મા ઓ સાથે સળગતા રહે છે અને જોનારને પછી ત્યાં એક જ જ્યોત દેખાય છે. પ્રેમ ની પરાકાષ્ઠા એ શરીર,ધન,રુપ,સ્ટેટસ ,ધર્મ,જ્ઞાતિ, પરિવાર, સમાજ,દુનિયા આ બધું જ ગૌણ બાબત બની જાય છે….

તમને થશે એવું બધું ફિલ્મો માં થાય…..ના રે…..આવું બધું તો પ્રેમમાં થાય…થાય નહીં બસ થતું જાય……કોઈ અદ્રશ્ય શક્તિ કરાવતી જાય…..જો આવી કોઈ બેબાક સ્ત્રી નો પ્રેમ તમને મળ્યો હોય તો ઉપરવાળાની કૃપા સમજી એની સાથે બળવાની તૈયારી રાખજો પણ પીછેહઠ ન કરતા….


પ્રેમ ના નામે ચરી ખાતા,ફેરવતા,કમીટમેન્ટથી ભાગતા, સમાજ અને પરિવાર ને આગળ ધરી છટકી જતાં દંભીઓ પ્રેમના “પ” સુધી પણ નથી પહોંચી શકતા એને શું ખબર કે પ્રેમ નથી એટલે જ તો આ બધું વચ્ચે આવે છે.
ખરેખર તો આપણે પ્રેમમાં પડતા જ નથી હોતા,પ્રેમ આપણામાં પડતો હોય છે, પ્રેમ કોઈ નસીબદાર ને વળગતો હોય છે…..એ આપણને પસંદ કરે છે આપણે એને પસંદ નથી કરતાં…
અને આ બાબત જેને સમજમાં આવી જાય છે એને પ્રેમમાં બધું જ કબૂલ હોય છે….જીંદગી ભર એ એકલા જ પ્રેમમાં સળગી શકે છે અને દુનિયાની નજરમાં ગાંડા,વેવલા,મેનિયાક પણ બની જાય છે પણ એને શું ફેર પડે????
જ્યારે કોઈ પુરુષ આવો પ્રેમ કરે છે ત્યારે સમાજમાં એના ઉદા.અપાય છે પણ સ્ત્રી આવો પ્રેમ કરે છે ત્યારે એને મોટાભાગે ચારીત્ર્યહીન અને વંઠેલ ની ઉપમાઓ મળે છે એ પણ હકિકત છે. આવી પ્રેમમાં ગળાડૂબ સ્ત્રી સાથે આંખો પણ ન મીલાવી શકાય જો તમે એના પ્રેમ ને લાયક ન હો તો. એ જ પ્રેમ ની તાકત છે. સ્ત્રી તરછોડાયા પછી પણ પ્રેમમાં ગળાડૂબ જ હોય છે.એ આગળ વધી જાય છે, પ્રેમી સાથ છોડી પણ દે તોય પ્રેમ એનો સાથ નથી છોડતો…..એ સૂધબુધ ખોઈ બેસે છે અને એ પ્રેમ જ એને ઈશ્વરની નજીક લઈ જાય છે….
હસીન દિલરુબા માં પંડિત જી કહે છે ને,

“પાગલપન કી હદ સે ના ગુઝરે તો વો પ્યાર કૈસા , હોશ મે તો રિશ્તે નિભાયે જાતે હૈ”

એટલે તો કે છે ને કે….. “જબ છબ દેખી પીહુ કી સો મૈ અપની ભૂલ ગઈ….”
અને મજનૂ ત્યાં જ હોય જ્યાં લૈલા હોય, હિર ત્યાં જ હોય જ્યાં રાંઝા હોય……ગમે તેવા વ્રત કરો કે માનતા માનો તમારામાં હિરત્વ ન હોય તો રાંઝા ન જ મળે સીધી વાત છે…..
ઘણી છોકરીઓ ને કહેતા જોઈ છે કે મને પણ યાર આવો પ્રેમી/પતિ/પાર્ટનર મળી જાય તો કેવું સારું! પણ એ એવો એટલે છે કારણકે સામે જે તે પાત્ર છે,એની જગ્યાએ કોઈ બીજું હોત તો એ સંબંધ શક્ય જ નથી જે અત્યારે છે. બધું બન્ને પક્ષે થાય …તમારે કૃષ્ણ જેવો પ્રેમી જોઈતો હોય તો તમારી અંદર રાધા હોવી અનિવાર્ય છે. કૃષ્ણ એ કૃષ્ણ જ એટલે છે કારણકે રાધા છે અને રાધા એ રાધા એટલે છે કારણકે એની પાસે કૃષ્ણ છે……સમજ્યા??
-Jનક (કૃષ્ણપ્રિયા)❤️

 
 
%d bloggers like this: