RSS

Author Archives: jay vasavada JV

About jay vasavada JV

Count Dracula : Angel's Advocate !

ટેરરિસ્ટ તોડે, આર્ટીસ્ટ ઘડે… : અને ભારતના ‘રતન’ સમો સર’તાજ’ સૂર્ય ફરી ઝગમગ થયો !


૨૬/૧૧ના મુંબઈ પર થયેલા ગોઝારા જેહાદી પાકિસ્તાની હુમલાના મુકાબલે ભારતના કળાવારસાના વિજયની પણ પહેચાન કરાવતા રાખમાંથી ફરી જન્મેલા ચિત્રની દાસ્તાન..
~ જય વસાવડા 

એક વખત એવું ગોઝારું હિચકારું કૃત્ય નાપાક પાકિસ્તાને કર્યું કે જેના જખ્મો રૂઝાવા અઘરા છે, છતાં હવે એ દૂરની ઘટના લાગે એટલું પુખ્ત ને મજબૂત ભારત છે. ૨૦૦૮ના ૨૬/૧૧નો મુંબઈ પર ટેરર એટેક. કસાબટોળીના ઉગ્રવાદી ઇસ્લામિક જેહાદી ત્રાસવાદીઓ અંધાધૂંધ ગોળીબાર કરતા મુંબઈને ઘમરોળવા આવ્યા. અને સિનીયર જમશેદજી તાતાએ અંગ્રેજોને ભારતનું કૌવત દેખાડી દેવા માટે શાનથી બનાવેલી ભારતદ્વાર સામેની તાજમહાલ હોટલ એમના ટાર્ગેટ પર હતી.

કારણ કે ઘણા કારણોસર તાજ માત્ર ફાઈવ સ્ટાર હોટલ જ નહિ, મુંબઈની વિશ્વભરના પ્રતિષ્ઠિત પહેચાન હતી. ભારતના રજવાડી ઠાઠ ધરવતા સોનેરી ઈતિહાસનું ટટ્ટાર ગરદને ઉન્નત મસ્તક હતું એ સેલિબ્રિટી કહેવાતા વિદેશીઓ સામે કે, દેશ ભલે બ્રિટિશ રાજની ગુલામીમાં રહ્યો, દેશવાસીઓમાં એવા રત્નો પડ્યા છે કે જે મોકો મળે તો જગત દંગ થઇ જાય એવી આતિથ્યભાવના તણો મહેલ ઉભો કરી દે.

૧૯૦૩માં બનેલી તાજ હોટલ સાથે લોકપ્રિય વાયકા એવી જોડાઈ ગઈ કે મુંબઈની ‘વ્હાઈટસ ઓન્લી’ એન્ટ્રી ધરાવતી એ સમયની અંગ્રેજોની વોટ્સન હોટલમાં જમશેદજી તાતાને પ્રવેશ ન મળતા એમણે અપમાનનો બદલો લેવા એ બનાવી હતી.પણ ઈતિહાસની નોંધ મુજબ એ ફિલ્મી લાગતી કહાની માત્ર કહાની જ લાગે છે. પારસીઓને અંગ્રેજો સાથે સારું ભળતું હતું અને એટલે જ આઝદી અગાઉ મોટા ભાગના ઉદ્યોગોમાં એમનો જ દબદબો હતો. ક્રિકેટથી પાર્ટીઓ સુધી. જાણકારો એવું કહે છે કે તાતાને એ વખતના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ગોરા એડિટરે મુંબઈ માટે એક શાનદાર પ્રતીક બાંધવાનું કહ્યું અને ભારતના મશહૂર આગ્રાના તાજની ભવ્યતા આણવા મોડર્ન મહાનગરમાં મળે એમ આજે ગેટ વે ઓફ ઇન્ડિયા સામે પછી બનેલા ટાવર રહિત ઉભેલી ડાયમન્ડ ઓફ ધ સી ગણાતી ભપકાદાર તાજમહાલ પેલેસ હોટલ તૈયાર થઇ.

એ વખતે ઘણું ‘ફર્સ્ટ’ એની સાથે જોડાયેલું હોઈ બ્રિટિશ રાજની ય એ પહેલી પસંદ હતી. ઇલેક્ટ્રિસિટી ધરાવટી સિટીની પ્રથમ ફાઈવ સ્ટાર ઉપરાંત, ટર્કીશ  બાથ, જર્મન એલીવેટર્સ, અમેરિકન ફેન અને ભારતનું પહેલું ૨૪ કલાકનું રેસ્ટોરાં ને ડિસ્કોથેક પણ ! આજે ભલે બીજી અનેક આલીશાન હોટલ એથી ચડિયાતી આવી. પણ એ વખતે અંગ્રેજોની જ એ પહેલી પસંદ હતી. પહેલા વિશ્વયુદ્ધમાં આર્મી હોસ્પિટલ બનેલી. પાકિસ્તાનના સર્જક જિન્નાહના પારસી પત્ની રુટી પણ અણબનાવ બાદ વર્ષો સુધી તાજમાં જ રહેલા ! ભાગલા વખતના વાઈસરોય માઉન્ટબેટન પણ અને વર્ષો બાદ ભારત મુલાકાતે આવેલા અમેરિકન પ્રમુખ બિલ ક્લીન્ટન પણ તાજના જ મહેમાન. તાતા પરિવારની તાજ એટલે આપણા કલ્ચરલ હેરિટેજ યાને સાંસ્કૃતિક વારસાનું શાશ્વત પ્રતીક હતી. કોઈ મ્યુંઝીય્મ્જેટલા તો એમાં પેઈન્ટિંગ્સ હતા.

અને હાફિઝો ને મસૂદો જેવા ટેરર ફેક્ટરીના બોસીઝને એટલે જ એ ટાર્ગેટ બનાવવું હતું.

તાજમાં જે કૈં ચાલ્યું, થયું એ જગતે જોયું જ છે. દેશ પરદેશમાં ફિલ્મો ય બની છે. પણ આજે વાત કરવી છે છતાં ય એક લગભગ અજાણી રહી ગયેલી હિન્દુસ્તાનની વાસ્તવિક છતાં કળાત્મક કહાણીની.

***

૨૦૦૦ની સાલમાં ન્યુ મિલેનિયમ આવતું હતું. જગતભરમાં એનો થનગનાટ હતો. એના રોમાંચના વધામણા તરીકે ભારતની ગૌરવશાળી બ્રાન્ડ તાતાના ચેરમેન રતન તાતાએ ભારતીય કલાના ઇતિહાસમાં જગતમાં સહુથી પ્રસિદ્ધ ને સૌથી મોંઘા એવા ચિત્રકાર મકબૂલ ફિદા હુસેનને ન્યુ મિલેનિયમની થીમ મુજબ તાજના રિસેપ્શન પર ચિત્ર બનાવી દેવાનું કહ્યું. હુસેને જીવ રેડીને અદ્ભુત અને ભવ્ય ચિત્ર બનાવી દીધું.એટલું વિશાળ કે કેમેરાની એક ક્લિકમાં સમાય પણ નહીં ! મૂલ્યવાન ચિત્રની કદર તરીકે એને તાજમાં જડાયેલા કોહીનૂરની માફક રિસેપ્શન પર જ મઢવામાં આવ્યું જેથી વિશ્વભરના પ્રવાસીઓ એને જુએ.

હુસેનના ચિત્રોની બજારકિંમત તો કરોડોની ગણાય, પણ આ ચિત્ર તો એની તાજ હોટલમાં પોઝિશનને લીધે અણમોલ ‘ધરોહર’ ગણાય. તાજના રિસેપ્શન પર જેહાદીઓએ અંધાધૂધ ગોળીબાર કરી રક્તપાત કર્યો એમાં આ ચિત્ર પણ કાયમી ધોરણે ખતમ થયું  હશે તો ? એ અફસોસ તો અનેક કળાપ્રેમીઓના મનમાં ધાસ્તીરૂપે હતો.

પણ ભારતીય વારસાના અઠંગ ચાહક એમ.એફ.હુસેન ત્યારે આયખાના નવમા દાયકામાં ય કડેધડે સાબૂત હતા. એમણે કહ્યું “અભી હમ જિન્દા હૈ !” હુસેનને કદી નહોતા ગમ્યા એ ભાગલા ને પાકિસ્તાનને લીધે એમની કળા નષ્ટ થાય એ વિચારવું એમને હરગીઝ પસંદ ન પડ્યું. ખુદ ગબ્બરે જ પીંછી ઉપાડીને ફટાફટ અદ્દલોઅદ્દલ જેવું મૂળ ચિત્ર હતું એવું જ જાતે જ ચીતરી આપવાની બાહેંધરી આપી ! ( news link : http://archive.indianexpress.com/news/terrortorn-taj-to-get-m-f-husain-touch-afresh/392882/ ) કળાના ક્ષેત્રે રિસ્ટોરેશનમાં ગણાય એવો દાખલા બહુ છે, જેમાં નવી પ્રતિકૃતિ એ જ જગ્યાએ આબેહૂબ મૂળ ચિત્રકાર જેવી જ બની હોય ! વળી, હુસેન તો ત્યારે ભારતમાં હલકા હોબાળાથી કંટાળીને નહોતા રહેતા. પણ પરદેશ રહી એમણે આ ચિત્ર હૂબહૂ ફરી દોરી આપવણી તૈયારી બતાવી !

હુસેન માટે આ કામ પૈસા માટેનું નહોતું. ત્રાસવાદી મશીનગનનો જવાબ ખામોશ રહી પણ મક્કમ થઈને પીંછીથી આપવાનું હતું. રતન તાતાએ ગદગદ થઇ એ ચિત્ર નવનિર્માણ પામેલી તાજમહાલ હોટલમાં ફરી એ જગ્યાએ લગાવી પાકિસ્તાનનું નાક વધુ એક વાર વગર છરીએ વાઢી નાખ્યું.

આજે ય મુંબઈ તાજમાં જાવ તો રિસેપ્શન પર ચિત્ર જોવા મળશે. હુસેને ચિત્ર બનાવ્યું, ત્યારે એમને સામાન્ય માણસ સુધી કળા પહોંચે એમાં બહુ રસ હતો, એ સ્વભાવે એમણે ચિત્ર સાથે એક નોટ પણ સમજૂતીમાં લખીને રાખી હતી. આજે ય તાજમાં જઈ રિક્વેસ્ટ કરો તો રિસેપ્શન પર એની પ્રિન્ટઆઉટ મળી જશે.

આપણે ત્યાં કળા સરખી રીતે ભણાવવામાં નથી આવતી અને પછી જેમની પાસે કોઈ ટેસ્ટ કે રેફરન્સ નથી હોતો, એવા અબૂધો એમના ગંધાતા ગળફા જેવા અલેલટપ્પુ અભિપ્રાયોની ઉલટીઓ જ કર્યા કરે છે, ત્યારે ઓનલાઇન ઇન્ડિયન ઇથોસ સાચવતી મોડર્ન આર્ટનો ય કલાસ મળે ને થોડીક આગવી આર્ટિસ્ટિક સેન્સ નોનસેન્સ કૉમેન્ટ કરનારાઓમાં દૈવયોગે કદાચ વિકસે એટલે આ ચિત્રોની નેટ પર ઉપલબ્ધ તસવીરો સાથે જ એ અંગ્રેજી નોટનો ગુજરાતી ભાવાનુવાદ અહીં પ્રસ્તુત છે. ચિત્રો ચીતરવાનું જેમ એક શાસ્ત્ર છે, એમ એને માણવાની ય એક કદરદાન નજર જોઈએ.

હુસેન સિવાયના ચિત્રકારો તો એમની હાઈબ્રો લાઈફના ઉમરાવશાહી ટાવરના પગથિયાં કદી ઉતરતા જ નહીં. ઉઘાડપગી રઝળપાટ કરી જનજનના ભારત સુધી હુસેન પહોંચેલા. ગેરસમજો બહુ વાઇરલ થઈ એમના વિશે પણ ઉપરવાળાએ નીચેવાળાઓની ખિલ્લી ઉડાડતા હોય એમ એમને આયુષ્ય, આરોગ્ય, કળા, માનસન્માન, નામના, સૌંદર્ય, રૂપિયા, દેશાવરના પ્રવાસો બધું જ ગિફ્ટમાં આપેલું. એની વે, આ તો ભારતની શાન નિરૂપતા અદ્ભુત ચિત્રની સમજણ છે. ચિત્રો ધ્યાનથી જોતા જાવ અને વાંચતા જાવ. :

***

પાર્ટ ૧ :

૨૦૦૦ની સાલમાં ડિજિટલ ક્રાંતિ / આઇટીના પગરણ તેજ હતા. એટલે આરંભે એ નિરૂપતો મોડર્ન સેટેલાઇટ સેલ્યુલર ટેકનોલોજીના પ્રતિનિધિરૂપ ટાવર છે. પણ એથી ઊંચો છે આપણો અશોક સ્તંભ. જે ભારતીય સર્જકતાના હજારો વર્ષોના વારસાનું પ્રતીક છે. રાષ્ટ્રીય પ્રતીકોમાં ચક્ર ને સિંહ સમ્રાટ અશોકના છે. સિંહ તો દુર્ગાનું વાહન. ભારતનું મૂળભૂત પરાક્રમ પ્રતીક (2015ના મેઈક ઈન ઇન્ડિયામાં ય સિંહ જ છે ને) એ સડસડાટ ઉપર જઈ રહ્યો છે. ભારત પ્રગતિના પંથે છે.

પછી છે સરસ્વતી ને કૃષ્ણનું એકસાથે પ્રતિનિધિત્વ કરતો મોર. અગેઇન નેશનલ સિમ્બોલ. અને ભારતના કણકણમા વ્યાપ્ત રંગબેરંગી લોકકલાઓથી ઉત્તમ શાસ્ત્રીય કલાઓની વિરાસતનું પ્રતીક. પછી આઝાદીની ચળવળમાં ઝંડો લઈ ચાલતા ક્રાંતિકારીઓ છે. યાને સ્વાતંત્ર્યસેનાનીઓનું સ્મરણ. પછી ખાદીની સાડીની કોર એટલે ગાંધીનિષ્ઠા (ને સાડી એ ય ભારતીયતા ! ) સાથે એક યુવા પ્રેમી યુગલ એકબીજા સાથે ‘હાર્મની’ રચી જાણે ઉડે છે. 

અર્થાત આપણી યુવાની, એમનો રાતોચોળ પ્રેમરંગ, કમનીયતા ને  નર-નારીની સમાનતાનું સાયુજ્ય. લાગણીની પરિવારભાવના. પછી છે કૃષ્ણ,મહાભારત અને કાળના પ્રતીક સાથે બુદ્ધના ધર્મનું ય પ્રતીક બનેલું સમય અને વિજ્ઞાનની ગતિ નિરૂપતું ધર્મચક્ર. ને છેલ્લે છે શાંતિદૂત કબૂતર. આવતીકાલે હળીમળીને સળી કર્યા વિના એકમેકમાં ઓગળવાની આશા.

પાર્ટ ૨ : 

હવે સ્કેલ ગ્લોબલ ઇન્ડિયાનો થાય છે. એક પુરુષ છે શક્તિના પ્રતીકરૂપે. જેના મસ્તકમાં ચિહ્નો છે સાયન્સની કેમિકલ ફોર્મ્યુલાના. અર્થાત ઇનોવેશન ને ટેક્નોલોજીમાં હરણફાળ. પાછળ છે ભારત જેની વેદકાળથી પૂજા કરે છે એ વિરાટ સૂર્ય. ( આપણા પ્લાઝ્મા રિસર્ચ સેન્ટરનું નામ પણઝ આદિત્ય છે ) યાને આપણું ઝળહળ આંજી નાખતું તેજ. સૂરજના રથને સાત ઘોડા હોય. ગતિનું નિરૂપણ કરતા હુસેનના ફેવરિટ અશ્વો છે. આપણો રથ નવી સહસ્ત્રાબ્દીમાં તોખાર તેજતર્રાર જવાની થકી હણહણે છે દુનિયામાં. ત્રણે ભાગમાં આખા ચિત્રનો મુખ્ય કલર ટોન સૂર્યતેજનો કેસરિયાળો કસુંબલ છે, એ નોંધ લીધી ? આખું તેજીલું તોફાન છે અહીં. અને છેલ્લે પ્રિઝમ છે. પિરામીડ રૂપે અનંત શક્તિના આહ્વાનની સાધના.

પાર્ટ ૩ :

અહીં ૨૦૦૦ની સાલમાં હુસેને કલ્પેલું આપણું ભવિષ્ય છે. એક બાજુ શનિનો ગ્રહ છે. યાને બ્રહ્માંડના રહસ્યો, કોસ્મોસની ક્યુરિયોસિટી. કહો કે ઈસરોનીં ઉડાન. પછી હવાને ચીરતા સુપરસોનિક વિમાનની પાંખ છે. અને વીજળીના ચમકારા જેવા ‘સાઉન્ડ વેવ્ઝ’ પણ ‘ચીતરાયા’ છે. યાને ગગનભેદી કડાકા. નીચે ઓલિમ્પિક કાળથી પહેચાન બનેલી ઓલિવવૃક્ષની ડાળી ગણો તો  મતલબ, સ્પોર્ટ્સ. ફિટનેસ, રમતજગત. અને ભારતના કોન્ટેકસ્ટમાં એ ફર્ન ગણો તો વનસ્પતિની ઔષધિ પણ થાય. અને આગળનું કબૂતર ધ્યાનમાં લો તો વિશ્વશાંતિ પણ ! ઉપર એક હથેળી છે. હથેળીમાં શું હોય ? ભારતીય જીવ તરત જ પોકારશે. હસ્તરેખાઓ.

યાને અકળ રહસ્યમય નીયતિ. અહીં હુસેને આલ્બર્ટ આઈન્સ્ટાઇનના સાપેક્ષવાદનું વિશ્વપ્રસિદ્ધ સૂત્ર મુક્યું છે. ઈ ઈઝ ઇકવલ ટુ એમસી સ્ક્વેર. યાને સ્પેસટાઈમના કાળ અને અવકાશના ભેદ. માનવજાત એ દિશામાં એકસાથે ‘વિશ્વગ્રામ’ બનીને  નવા યુગમાં આગળ વધશે એવું કળાકારણે શોભે એવું સ્વપ્ન. બાજુમાં પૂર્વ સાથે પશ્ચિમનો સુયોગ બતાવવા ગ્રીક ગોડેસ છે. ગ્રીસ એટલે પશ્ચિમી કળા, ગણિત, વિજ્ઞાન, સંગીત, શૌર્ય, પ્રેમ, મનોરંજનનું પારણું. જે એના ઘડામાંથી જાગતે રહોના અંતમાં નરગીસે ગરીબ વટેમાર્ગુ  રાજ કપૂરને પાયું હતું એમ કૂંજામાંથી પાણી આપે છે.

કૂંજો કે ઘડો પ્રાચીનકાળથી ભારતમાં તો શુભ સાંસ્કૃતિક પ્રતીક છે જ. જગતભરમાં એ ઉત્ખનનથી મળતી લુપ્ત સંસ્કૃતિનું ય પ્રતીક છે. માછલી તો અનેક સંસ્કૃતિમાં જળ થકી જીવનનું શુભ પ્રતીક ગણાય છે, એ તો ઘેર માછલીઘર રાખતી ગૃહિણી પણ કહી શકે. વહેતી કળા થકી જીવનરસની ધારાની ચરમસીમા આવે છે એક સિતાર અને એના ઉપર નાચતી સાત અપ્સરાઓમાં. યાને અલૌકિક સ્વર્ગીય આનંદની અનુભૂતિ. ચિત્ર સગવડતા ખાતર ત્રણ ભાગમાં છે.બાકી તો સંયુક્તપણે તાજના રિસેપ્શન પર નિહાળો ત્યારે, સૂર્યના તેજસ્વી સાત તેજીલા તોખારો સામે કાઉન્ટર ઈફેક્ટ આવે, સાત નર્તકીઓની. પહેલા ભાગની જેમ અહીં કેસરીયાળા મુખ્ય રંગ સાથે આકાશ અને પાણીનો વાદળી – બ્લ્યુ રંગ કોન્ટ્રાસ્ટ રચે છે.

– મકબૂલ ફિદા હુસેન.

***

હુસેને એ વખતે આપેલા ઇન્ટરવ્યુમાં બીજી ય રોકડી વાત કરેલી કે “મઝહબી ઉન્માદમાં આંધળા ત્રાસવાદીઓથી કોઈ કળા સહન નથી થતી. નવીનતાના વિરોધમાં એ લોકો જે અત્યાચાર કરે છે. એના વિરોધમાં મારા પ્રિય મુંબઈ માટે હું આખી સિરીઝ બનાવીશ.” હુસેન તો મુંબઈ ફરી ન આવી શક્યા ને અંતિમ શ્વાસ લંડનમાં લીધા. પણ એમણે એ વખતે તાતા પરિવાર માટે કહેલું કે “ આ સાચા દેશપ્રેમી શ્રીમંતો છે. બાકીના તો પૈસા પાછળ દોડતા શેઠિયા છે.આ કુટુંબે આર્ટની ય એટલી જ સેવા કરી છે. મારું ચિત્ર તો ઠીક, પણ અનેક અન્ય ઉમદા મોડર્ન આર્ટની કલાકૃતિઓ નષ્ટ થઇ હશે તાજ હોટલ પરના ખૂની એટેકમાં, એ કદી નહિ બને નવી ! મારો જીવ બળી ગયો  એ વિચારીને. મારું ચિત્ર હું બીજાના જીવ બચાવવા પોતાનું બલિદાન આપનારા અને ભારતનું નામ રોશન કરનારા તાજ હોટલના સદગત સ્ટાફને અંજલિ આપવા રહેશે !

અખબારી અહેવાલો મુજબ મૂળ ચિત્રનો સંપૂર્ણ નાશ થઇ ગયેલો. પણ આર્ટફિલ્ડના અમુક જાણકારો મુજબ મૂળને હિચકારા હુમલા પછી રિસ્ટોરેશન ટચ અપ કરવામાં આવ્યું. ઇન શોર્ટ, એ ક્લાસિક પેઈન્ટિંગ નવનિર્માણ પામેલી તાજમાં આજે ય સોહે છે. ને રતન તાતાએ ફરી એ જ જગ્યાએ યથાવત રાખ્યું, જ્યાં અડીખમ એ આખી દુનિયાનું સ્વાગત કરે છે. અને આવતીકાલની ઉજ્જવળ સવારની આશામાં રંગપૂરણી કરે છે. ક્યારેક બધું નોર્મલ થાય ત્યારે મુંબઈ જઈ સાક્ષાત દર્શન કરવામાં કોઇ ફાઈવ સ્ટાર ફી નહીં લાગે.

શોખ હોય તો મૌર્ય વંશ ( ભૂલી ગયા ચંદ્રગુપ્ત મૌર્ય ?)ની થીમ પર સજાવેલી પાટનગર દિલ્હીની ( હવે આઈટીસીની માલિકીની ) મૌર્યા હોટલમાં ય જવું. લટાર મારવાનો કોઈ ચાર્જ નથી. હા, પોસાય તો એના રેસ્ટોરાં ‘બુખારા’માં પંજાબી સ્વાદનો લ્હાવો ચૂકવા જેવો નથી. ત્યાં ય આટલું જ વિરાટ એવું હુસેનનું ચિત્ર છે. ટાઈટલ છે : ‘રાગ’. જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીત ‘દોરવા’માં આવ્યું છે ! એ રિસેપ્શન પર નથી, પણ લાઉન્જમાં છે. એટલું વિરાટ કે એ ય ત્રણ ભાગમાં જ મુકાયું છે. એની વાતો ફરી કોઈ વાર.

***

પણ આવી આપણા જ વારસાની વાતોમાં રસ કેટલાને છે ? દક્ષિણ ભારતના પ્રાચીન મંદિરોના શિલ્પોના ફોટા ફોરવર્ડ કરી હરખાઇ જનારા એવા વસ્ત્રાભૂષણોવાળી અપ્સરા સામે નીકળે તો કાગારોળ કરી મુકે દુભાયેલી લાગણીઓની. આ બધું અત્યારે યાદ આવ્યું, એનું કારણ લેટેસ્ટ સમાચાર છે. ૧૯૮૭માં આપણી નેવીમાં જોડાઈને ૨૦૧૭માં સેવાનિવૃત્ત થઇ અલંગના ભંગારવાડે તૂટવા જનાર વિમાનવાહક જહાજ આઈએનએસ વિરાટના !

અત્યારે યોગ્ય રીતે જ ઘણા પ્રવાસનપ્રેમી મિત્રો એને આવા સ્ક્રેપયાર્ડમાં ભાંગવાને બદલે મ્યુઝિયમમાં ફેરવી નવી પેઢી એ નિહાળી શકે એ માટે માંગ કરી રહ્યા છે. જેમ ન્યુયોર્કમાં તગડી ટિકિટ સાથે યુએસએસ ઇન્ટ્રાપિડ વોરશિપ પર ભવ્ય મ્યુઝિયમ બનેલું છે પાણી પર. બ્રિટનમાં ને યુરોપના અમુક દેશોમાં ય છે.

આપણે ત્યાં અગાઉ ૧૯૯૭માં નિવૃત્ત થયેલા યુદ્ધજહાજ આઈએનએસ વિક્રાંતનું મ્યુઝિયમ મુંબઈ કફ પરેડ ખાતે બનેલું. પણ ઓનલાઈન દેશભક્તિની કોમેન્ટસ મફતમાં કરવી ને પૈસા તથા સમય ખર્ચીને દેશના અવનવા વારસાને જાણવામાણવા પ્રવાસ કરવો બેઉ ચીજો અલગ છે. લોકો આવ્યા નહિ ખાસ જોવા ને સાચવણી મોંઘી પડતી હતી. અંતે મુલાકાતીઓના અભાવે ફ્લોપ મ્યુઝિયમમાં જીર્ણ થયેલ વિક્રાંત ૨૦૧૪માં સ્ક્રેપમાં ગયું ! તાતા જેવા કોઈ શ્રેષ્ઠીનો સહયોગ ન મળે તો આવી કદર હોય છે આપણા અવનવા વારસાની વાસ્તવમાં જનતા અને જનતાના મોટા ભાગના પ્રતિનિધિઓને ! ક્યાં છે આવા રસિક કદરદાન મહાજનો ?

અને હા, વિક્રાંત ને વિરાટ પણ ભારતીય નામો ધારણ કર્યા પહેલા હર્ક્યુલિસ ને હર્મિસ નામના મૂળ તો બ્રિટીશ જહાજો હતા ! પરદેશમાં તો એ દેશોના ખુદના બનાવેલા જહાજોના મ્યુઝિયમ બને છે. હજુ વિજ્ઞાનમાં પોતીકા સર્જન કરવામાં ને કળામાં પોતીકા સર્જન પોંખવામાં આપણે બહુ લાંબી મજલ કાપવાની છે.

ક્સાબ જેવા કચરાઓ તો કચડાઈ જશે. પણ કારીગરીનો હુન્નર યાને “કસબ” આપણો દેશના દુશ્મનોને સાચો જવાબ છે.

ફાસ્ટ ફોરવર્ડ

“૨૦૨૧માં આપણે સહીસલામત જીવીએ એ જ આપણી સાચી મૂડી. બાકી નફાખોટના હિસાબ આ વર્ષે કરવા જેવા નથી.” ( રતન તાતાના  નામે ફરતો થયેલો પણ જેમનો રચેલો હોય એમનો હીરા જેવો મેસેજ. )

ગુજરાત સમાચાર સ્પેક્ટ્રોમીટર, ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૦. 

બ્લોગબોનસ : હુસેનના જ નહિ,જગતના અને ભારતના તમામ અદ્ભુત ચિત્રોના તજજ્ઞ અને પ્રેમી એવા અમદાવાદની આર્ચર આર્ટ ગેલેરીના આર્ટ એક્સપર્ટ અનિલ રેલિયાએ જેવીપીડીયા માટે  ખાસ એમના કલેક્શનમાંથી કોન્સેપ્ટ આર્ટ મોકલાવ્યું છે. જે હુસેને ૨૦૦૨માં આ ચિત્ર દોરતા પહેલા બનાવેલું. મોટા પ્રોજેક્ટ પહેલા આવી રીતે મહાન કલાકારો પહેલા કોન્સેપ્ટ બનાવે, ને પછી એમાં ઇનપુટસ ઈમ્પ્રુવાઈઝેશન બાદ ફાઈનલ આર્ટ બને. લો, ક્લિક કરી ઝૂમ કરો ને  નિહાળો .


એમના અવસાન વખતે લખેલા હુસેન પરના લેખોની પબ્લિક ડિમાંડથી તો આ બ્લોગ શરુ થયેલો. એ આખું કલેક્શન પહેલી જ બ્લોગ પોસ્ટમાં છે.

 
3 Comments

Posted by on September 27, 2020 in art & literature, heritage, india, travel

 
 
%d bloggers like this: