
ભારતની રાષ્ટ્રીય કક્ષાએ સૌથી વધુ મનપસંદ વાનગી કઇ? આખા ભારતની સૌથી પ્રચલિત અને ખવાતી વાનગી એટલે પાણીપુરી. વિવિધતામાં એકતા એટલે આપણી રાષ્ટ્રીય વાનગી બનવાની ક્ષમતા ખાલી પાણીપુરીમાં જ છે. તમિલથી હિમાલય અને દ્વારકાથી નોર્થ ઇસ્ટ સુધી તેનું સામ્રાજ્ય છે.
પાણીપુરીની પ્રારંભ માટેની લોકકથા પણ રસપ્રદ છે, દ્રૌપદી લગ્ન કરીને સાસરે આવી. કુંતીને થયું કે રાજાને ઘરે મોટી થયેલી આ રાજકુમારીને ભોજન બનાવતા આવડતું હશે કે કેમ? મારા બધા પુત્રોના સ્વાદને સમજી શક્શે?
માતા કુંતિએ પરીક્ષા લેવાનું નક્કી કર્યુ, થોડો લોટ અને થોડું કરિયાણું અને શાકભાજી આપીને કહ્યું કે, મારા પુત્રોનું પેટ ભરી શકે એવી આઇટમ બનાવ, એઝ યુઝવલ દ્રૌપદીએ પાણીપુરી બનાવી. સાસુ એ વખાણ કર્યા અને પાંચ અલગ અલગ વિશિષ્ટતા ધરાવતા આ મહામાનવો પણ પાણીપુરીથી પ્રભાવિત થયા. બાય ધ વે, લગ્નસમયે દ્રૌપદી કેટલા વર્ષની હતી?
આ પાણીપુરીનો ઇતિહાસ, કદાચ દ્રૌપદીના પિયરમાં પાણીપુરી પોપ્યુલર હશે, રાજા દ્રુપદને પાણીપુરી પસંદ હશે…શી ખબર?
આપણે બધા સમજીએ છીએ કે આ લોકકથામાં દમ નથી, પણ આ વાત જેની જોડે જોડાયેલીલી છે એ પાણીપૂરીમાં દમ ખરો.
દક્ષિણ બિહારના મગધ વિસ્તારથી પાણીપુરી શરૂ થઈ અને ચીનના મુસાફરો આવ્યા તેમણે પણ નોંધ કરી… સારું છે ચાણક્યે પાણીપુરીનો ઉલ્લેખ કર્યો નથી, બાકી રાજનીતિ અને ઇકોનોમી પણ પાણીપુરી જેવી ટેસ્ટી થઈ ગઇ હોત…
પાણીપુરી આખા ભારતમાં અલગ અલગ નામથી અમીર ગરીબ સૌના હૈયે વસી ગઇ છે.
આપણા સાહીત્યમાં પાંચ પ્રકારના ભોજનની વાત કરવામાં આવે છે. શુદ્ધ ભારતીય ભોજન સમારંભમાં આ પાંચે પ્રકારનું ભોજન બનાવવામાં આવતું, જેમાં તમામ ઉંમર અને ગમતું ભોજનનો સમાવેશ થઈ જતો.
આ પાંચ પ્રકાર છે : ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય,ચોષ્ય અને પેય..
ભક્ષ્ય એટલે જેને ચાવીને ખાવું પડે. ભોજ્ય એટલે સેમી લીક્વીડ, જેમાં દાંતને બહુ શ્રમ ન પડતો હોય એટલે કે ખીચડી…. લેહ્ય એટલે જેને ચાટીને ખાવું પડે. ચોષ્ય એટલે ચૂસીને ખાવું, કેરી…. છેલ્લે પેય એટલે પાણી કે સૂપ…..
એકાદ પ્રકારનો ઓછો વત્તો ઉપયોગ સાથે આ પાંચે પ્રકારના ભોજનનો સમન્વય એટલે પાણીપુરી. બાકી છ પ્રકારના સ્વાદ પણ પાણીપુરી એક જ વાનગી છે, એમાં મળે. એવું પણ માનવામાં આવે છે કે પાણીપુરીના પોષક તત્વો વાત, પિત્ત અને કફથી દૂર રાખે છે…તો હવે બાકી શું રહ્યું?
આપણા સાહિત્યમાં શાકમ્ભરી દેવી નામનું પુસ્તક છે, જેમાં મા દુર્ગા શાકથી જગતના તમામ વ્યક્તિઓનું પોષણ કરે છે. શાકપાર્થિવ પુસ્તકમાં શાકનું મહત્વ લખ્યું છે. સીતાજીના ત્યાગ પછી જનક રાજા પુત્રીને મળવા ગયા ત્યારે ફળોનું શાક બનાવવાની વાત લખવા છતાં પંડિત જગન્નાથ લખી નાખ્યું કે રોજ રોજ શાક ખાવું એ નિમ્ન મધ્યમ વર્ગની મેન્ટાલિટી છે. બોલો, હવે પાણીપુરી જ ખવાયને? આપણો કોઈ વાંક? બાય ધ વે, આપણા કામશાસ્ત્ર યુગના સાહિત્યમાં શાકના પણ દશ પ્રકારોનો ઉલ્લેખ છે.
પુરાણોમાં ઉલ્લેખ છે કે, ભોજનનો ખરો સ્વાદ તેને સુંદર રીતે સજાવટ સાથે પીરસવાથી આવે છે, આ બધું એક જ વાનગીમાં આવી જાય….
પાણીપુરીની ડીશને કશું કહેવું પડે? રસ્તા પર પડીયામાં પાણીપુરી પીરસતો ભૈયો પણ શાનદાર સર્વ કરતો લાગે અને લગ્ન સમારંભમાં સૌથી વધુ ગીરદી ધરાવતું કાઉન્ટર પણ પાણીપુરીનું, પાણીપુરી જાતે જ સજાવટ ધરાવે છે એને વળી બાહ્ય સજાવટની શું જરૂર?
પાણીપુરી હોય શું? દોઢ ઇંચનો ડાયા અને દોઢ ઇંચ હાઇટ… એમાં નાનકડું સ્વાદિષ્ટ સ્વર્ગ. થોડી તોડેલી પુરીમાં મસાલેદાર પાણી સાથે ચણા બટાકા સાથેનો મસાલો…. સોરી, અગત્યનું લારી પર પાણીપુરીનુ ભોજન પતી ગયા પછી ચૂરો ખાવાનું છે. જે વધુ ક્વોન્ટીટી અને ક્વોલિટીમાં ચૂરો આપે એને રીપીટ કસ્ટમર મળે, મેનેજમેન્ટ અને કોર્પોરેટ જગત માટે મહત્ત્વનું લેશન.
વેદકાલિન યુગમાં પણ કોરોનાયુગની જેમ આખું પરિવાર રસોઈ બનાવતું, તે સમયે રાજાઓ, ધનિકો અને ઉચ્ચ ગણિકાઓના કિચન અવનવી આઇટમો બનાવવા ધમધમતા રહેતા, પુરાણોના યુગમાં લગ્નના ભોજન સમારંભમાં ગણતરીમાં ભૂલ પડે એટલી વાનગીઓ મૂકવામાં આવતી, એવા ઉલ્લેખ આપણા સાહિત્યમાં છે.
પાણીપુરી પતે એટલે દહીં પુરી હોય, દહીંનો ઉલ્લેખ પણ રામાયણ માં હતો, ચાર પ્રકારના દહીંનો ઉલ્લેખ છે. મીઠું, તીખાશ સાથે, ચટપટું અને ખાટુ, તો દહીં પુરી એ સમયે હોઇ શકે… દહીં અને જવમાંથી બનતી વાનગી સત્તુનો ઉલ્લેખ છે.
પાણીપુરી તો વાતો લખવાનું એક બહાનું છે, ઘણી પૌરાણિક ગૌરવ થાય એવી વાતો લખી. સાથે સાથે ખાલી આટલી જ વાત કહેવી હતી જે ઋગ્વેદમાં પણ લખવામાં આવી છે કે “હે અન્ન, દેવોના મનમાં અપ્સરાની જેમ તમે રહેલા છો, ઇન્દ્ર પણ અસુરોનો સંહાર કરે છે એ માટેની શક્તિ તમારામાંથી જ પ્રાપ્ત કરે છે, તમને વંદન…”
માણસ અને દેવો અન્ન બાબતે સમાનતા ધરાવે છે, કોરોનાનો સંહાર કરવો હોય તો અન્ન જ હથિયાર છે. સારું જમો, આનંદપૂર્વક ભોજન લો અને જરૂરતમંદને ખાસ જમાડો…
~ દેવલ શાસ્ત્રી 🌹