RSS

હવે તો ભીંજાવ,વરસાદ ના સમ 💙

13 Jul

અને દિવસોના અસહ્ય ઉકળાટ, બફારા અને દઝાડતી ગરમી પછી અચાનક એ આવ્યો, ધોધમાર આવ્યો, અનરાધાર આવ્યો……
Sudden, surprising, unexpected,
Just like ‘love’

રવિવારે એક ફ્રેન્ડ સાથે શોપિંગ પર નવી જ કૂર્તી પહેરીને ગયેલી અને એ.સી.શોપમાં બેઠા હતા,સાડીઓ ખરીદી કરી ત્યાં દુકાનદાર અને તેના માણસો દોડીને દુકાન બહાર જવા લાગ્યા, મે પૂછ્યું કંઈ થયું? તો કહે વરસાદ ચાલુ થયો છે બહાર કપડાના પેકિંગ પડ્યા છે જે લેવાની દોડધામ છે……અને એ જ સેકન્ડે ઉભા થતા મે કહ્યું, ફટાફટ બિલ બનાવો શોપિંગ થઈ ગઈ છે્….
દુકાનદાર : અરે મેડમ બહુ વરસાદ આવે છે પલળી જશો થોડીવાર બેસો,રહી જાય પછી જાજો….
મોટા અટ્ટહાસ્ય સાથે એમને મે જવાબ આપ્યો કે શું વાત કરો છો?? પાગલ છો??……….ક્યારેક આવે એને જવા દેવાય?? એ વરસતો હોય ને અંદર બેઠા રહેવાય? બેઠા રહી શકાય ખરા???? એને ખોટું ના લાગે??

અને દુકાનદાર ને આશ્ચર્ય માં મૂકી હું બહાર નીકળી ગયેલી, એ સમયે થયેલો થનગનાટ અને આનંદ તો મારો ચહેરો જોયો હોય તો ખબર પડે… એટલી ઉપરવાળાની કૃપાદ્રષ્ટિ તો ખરી આપણા પર કે હજુ અંદરના બાળપણને મરવા નથી દીધું, એને કૂકૂ કરતી કોયલ,ઘૂઘૂ કરતા કબૂતરો,દૂર ક્યાંક ટેહૂંક ટેહૂંક કરતા મોરલાઓ , ધોધમાર વરસાદ, ઝરણા,નદી,પહાડ, જંગલોની નિરવ શાંતિ એના તરફ સતત ખેંચે છે……

તમે જ્યારે કુદરતને પ્રેમ કરતા હો ત્યારે તમારે કહેવું નથી પડતું, તમારા ચહેરા પર એ ઝળકતુ હોય છે…… શાક લેવા ગયા હો ,ઓફીસ થી પાછા ફરતા હો અને પાછા ફરતા વરસાદ માં પલળી જાવ, તો તમે વરસાદ ને ચાહો છો એવું ન હોય……એ તો નછૂટકે પલળ્યા કહેવાય સમજ્યા?? દુનિયાદારી,લોકો,કપડા,સ્થળ,કાળ નું ભાન ભૂલાય જાય વરસાદ આવે ત્યારે અને તમે મંત્રમુગ્ધ અને હિપ્નોટાઈઝડ થઈ બસ ખેંચાતા જાવ એના તરફ ત્યારે તમારા ચહેરા પર અદભૂત નૂર અને શાંતિ ઝળકતા હોય છે….બસ એ સાબિત કરે છે કે તમે કુદરતને અને કુદરત તમને કેટલા ચાહે છે!
તમે કુદરત પાસે ભરેલા હૈયે ન જઈ શકો……એને ચાહવા માટે ખાલી થવું પડે,એને પામવા નગ્ન થવું પડે (સામાજિક રીતિરીવાજો અને નિયમો રુપી વસ્ત્રો ને ઉતારીને ફેંકવા પડે) , નિર્ભય થવું પડે (લોકો જુએ છે, તાકે છે,શું કહેશે વગેરે જેવા ડર થી મુક્ત થવું પડે) હજારો લાખો લોકો જોતા હોય તો પણ શું? ગાંડા કહેશે એજ ને?? ખરેખર ગાંડા તો એ બધા કહેવાતા સભ્ય લોકો છે તો એમની ચિંતા મૂકો ને યાર…….. ફક્ત પાંચ મિનિટ વરસાદ ના ટીપાને ચહેરા પર ઝીલવાથી વરસાદ પ્રેમી નથી થઈ શકાતું, સાંગોપાંગ એના રંગમાં રંગાઈ શકો?? એનો શ્યામ રંગ તમારા શરીર પર ધારણ કરવા તૈયાર હો તો જ તમે કલાકો એનીસાથે રહી શકો. કારણકે વરસાદ એને ચાહનારાને થોડો પોતાના ઘન નો શ્યામ રંગ જરુર આપે છે…નસીબદાર હો તો એના રંગે રંગાઈ શકો……😇

હવે તમે કહેશો કે વરસાદ માં ન્હાય એને જ વરસાદપ્રેમી ન કહી શકાય. હા સાચું. વરસતા વરસાદને તમારા મોબાઈલ, ટી.વી. અને તમારી દુનિયા ને સાઈડમાં મૂકીને કલાકો સુધી નિહાળ્યા કરવાની ધીરજ છે? રસ્તા પર હો કે ઘરે એને વરસતો સાંભળી શકો છો? ફક્ત જોવાનો જ નથી હોતો એ કંઈક કહેતો હોય છે બસ એ કાં તો સાંભળી શકો, કાં તો શરીર પર ઝીલી ને, કે આલિંગી ને અનુભવી શકો……

જ્યારે હું વરસતા વરસાદ ને જોવામાં,ભેટવામાં, ચૂમવામાં અનુભવવામાં મગ્ન હતી ત્યારે રોડ પર પોતાની જાતને કુદરત થી બચાવવાની મથામણમાં નીકળી રહેલા અસંખ્ય લોકો કંઈક અચરજ, ધૃણા , કટાક્ષ, રમૂજ ,આનંદ થી મને જોવામાં મગ્ન હતા 😂

ગાડીમાં થી નીકળી વરસાદ થી બચીને દોડીને સાઈડમાં ઉભી જતી યુવાન સ્ત્રી કંઈક અજીબ રીતે , વરસાદને લીટરલી અચાનક આવવા બદલ ગાળો દઈ રહેલી એક છોકરી નાક ફૂલાવીને, મારી પાછળ થી છત્રી લઈને પસાર થઈ રહેલો એ પુરુષ દયા થી, બાઈક પાર્ક કરી દોડીને છાપરા નીચે ઉભીને વાળ ઝાટકી ને ફોનમાં બડબડી રહેલો યુવાન પુરુષ કંઈક બેદરકારી થી , પાર્કિંગમાં રહેલી ગાડીમાં એ.સી.ચાલુ કરી સિગારેટ પી રહેલો પેલો આધેડ કોઈ ગરીબે જાણે કંઈક ગૂનો કરી નાખ્યો હોય એ રીતે અને પોતાના પૌત્ર ને તેડીને વરસાદ માણતા જઈ રહેલા એક દાદા હસીને મને જોઈ રહેલા હતા ત્યારે મને પેલા દાદા સિવાય બધાને જોઈને એમ થતું હતું કે આ લોકો ની આ પૃથ્વી ઉપર જરુર જ શું છે? 😂 જોક્સ અપાર્ટ, બધા અલગ અલગ સમસ્યાઓ નો સામનો કરી રહ્યા હશે કોને ખબર? પણ બે ઘડી બધું ભૂલી ન શકે ????

ખુદકો ઈતના ભી ના બચાયા કીજીયે,
બારીશ હો તો ભીગ જાયા કીજીયે….

દુનિયામાં કોણ એવું છે જેને કોઈ જ તકલીફ નથી?? તો ? જીવવાનું નહીં ? ફક્ત શ્વાસ લેવા ,ખાવું ,પીવું,કમાવું, ઉઠવું, જાગવુ,બેસવું, ભાગવું ,ન ખુશ રહેવું ન અન્ય ને ખુશ રહેવા દેવા કે ન ખુશ જોઈ શકવા એને જીવવું ન જ કહેવાય .
દિવસ દરમિયાન તમે એવું શું કરો છો જે તમે ઈચ્છો છો? જે તમને જોઈએ છે કે ખુશી આપે છે. અન્ય ને દેખાડવા નહીં પણ તમારા દિલોદિમાગ ને શાતા અને આનંદ આપે એવું કંઈ કરો છો? કોઈની પરવા કર્યા વગર ખૂલીને હસો છો? અચાનક મન થતા થોડીવાર માટે પણ બંક મારી કે બહાના કરી દુન્યવી કામોથી છટકીને તમારી જાતને બધાથી મૂકત કરી ફક્ત પોતાની જાત ને ખુશી થાય એવું કંઈ કરો છો?
જો જવાબ ” ના ” હોય તો સમજો કે તમે બધા મરી ગ્યા છો બસ સળગાવવાના કે દફનાવવાના બાકી છે એમ સમજવું.
વરસાદ તમને થોડો સમય પણ બધી પીડા , દુઃખ અને તકલીફો ભૂલવાનો મોકો આપે છે અને એ સમયે પણ બંધાઈ રહેવાનું હોતુ હશે કંઈ?? રસ્તા પર એકબીજા ના હાથ પકડી ભીંજાઈ ને ચાલી રહેલા પ્રેમીઓ, બાઈક પર એકલા જ નીકળી પડેલા યુવાનો,ખાબોચિયાં ના પાણીમાં છબછબિયાં કરતા અને રસ્તે નીકળતા લોકોને ન ગમે તો પણ પાણી ઉડાડી રહેલા બચ્ચાઓ મને બહુ ગમે છે. હું એ તમામ લોકોને ચાહું છું જે કુદરતને,વરસાદ ને ચાહે છે.

એ કેવું આશ્ચર્ય છે ને કે જે માણસ પોતાની જાતને અન્ય લોકો તરફની બિનજરૂરી નફરત, ગુસ્સો, કપટ, કાવાદાવા, બનાવટ, સ્વાર્થ,ઝૂઠ વગેરે જેવા દુર્ગુણો થી નથી બચાવી શકતો એ પાછો પોતાની જાતને કુદરતથી બચાવતો હોય છે! બચવું જ છે તો આ બધાથી બચો ને ,વરસાદ થી બચીને શું થશે? કોરા રહેવાશે એમ સમજો છો? અને ઓલરેડી આ બધા અવગૂણોથી નિતરી રહ્યા છો એનું શું તો પછી ????

અને ચોમાસામાં તો ભાઈ વરસાદ જ આવે અને એ સતત આવે કે ક્યારેક આવે એને હમેશાં માણવાનો જ હોય. દુનિયામાં કદાચ એવો કોઈ માણસ નહીં હોય જે જીવનમાં ક્યારેય ભીંજાયો ન હોય. પછી એ વરસાદમાં હોય કે પ્રેમમાં પણ ભીંજાવું અનિવાર્ય છે. અને કુદરત તો જે કંઈ પણ આપે કે છીનવે એ કશું આપણા હાથમાં નથી, એટલે જે વગર માગ્યે મળે છે એને માણતા શીખી જાવ તો બારેમાસ ચોમાસું જ છે…..અને બારેમાસ હૈયુ પણ ભીનું જ રહેશે ….❤️

તો ભાગો અને જીવો ,સમય ભાગી રહ્યો છે,વર્ષો વીતી રહ્યા છે, કયા વર્ષે, કયા દિવસે કયા સમયે કઈ સેકન્ડે હતા ન હતા થઈ જશો અને ફોટા પર સુખડનો હાર ચડી જશે ખબર પણ નહીં રહે અને ત્યારે અફસોસ ન કરવો હોય તો અત્યારે જીવો. પણ ખરા અર્થમાં …….

દિલિપ રાવલ ના શબ્દોમાં કહું તો,

હવે કહું છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે
પછી હળવેથી સંકોચાવ ને વરસાદ ના સમ છે

અમે નખશીખ ભીંજાયા, તમે તો સાવ કોરાકટ
જરા ખોબો ભરી ને ન્હાવ ને વરસાદ ના સમ છે

અમે આપ્યા છે સમ એ સમનું થોડુ માન તો રાખો
ચલો સમ તમે પણ ખાવ ને વરસાદના સમ છે.

અનરાધાર વરસાદ મુબારક ❤️💙
-Jનક (કૃષ્ણપ્રિયા)

 
 

One response to “હવે તો ભીંજાવ,વરસાદ ના સમ 💙

 1. surtilalahurtilala

  July 14, 2021 at 8:50 AM

  ‘છમ’ ‘છમ’ વરસતા વરસાદ મા, જૉબન ના જામ છલકાયા, પ્રેમ નો ઍકડૉ હૈયે ગુંથી,
  કઇક કેટલાય માનખ ગુંચવાયા!

  સરક્યો સડસડાટ તારા તન માહ્ય્લો, રેલો મુજને ભીંજ વે, તુ ચાલે ધીમી ધીમી મને જોઇ,
  ને ઘરે તારી બા તને ખિજવે!

  આવ્યુ તુ પુર ને તણાયો તો હું બાદ મા, તારા નામ ના મદ મા, ભેરવાયો હું વમળ મા!

  જો પછી ચઢી ચાનક તને હેલી માણવાની, સુકાઇ નથી એ રંગત હજી, તને પામવા ની.

  જાણી લે કે તુ ભલે કરતી રમત ઝબુક્તી વિજળી ની, ઉપર વાદળ અને નીચે ધરા વચ્ચે, તારી મારી રમત હવે જામવાની!

  (ગૌરાંગ ઊપાધ્યાય, ૧૮ જુલાઈ ૨૦૧૪)

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: