RSS

સિત્તેર વરસથી પ્રજાસત્તાક બન્યા છતાં પ્રજા તરીકે આપણે કેટલા સતર્ક છીએ???

03 Feb

થોડાક મહિનાઓ પહેલા મને કોરોના થયો ત્યારે દસ દિવસ આઇસોલેશનમાં રહેતા એક વિચાર આવ્યો. મારે લોકોની તકલીફ વિશે લોકડાઉનથી લઈને, કોરોનાના પ્રમાણમાં ઓછા ટેસ્ટિંગ કે કોર્પોરેટ હોસ્પિટલમાં બેફામ બિલ વિશે શા માટે લખવું જોઈએ? શા માટે રઝળતા બેકાર મજૂરોની વેદના વ્યક્ત કરવી જોઈએ? શું કામ ગરીબ કોરોનાગ્રસ્ત દર્દીઓની વેદનાને વાચા આપવી જોઈએ?

લોકડાઉનમાં બેકારી, ગરીબી અને દર્દીઓની હાલાકી એની ચરમસીમાએ હતી ત્યારે પણ મારી ઇન્કમ તો કાયમી ધોરણે ચાલુ જ હતી. ઇવન મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે અમુક મોટી હોસ્પિટલના હમઉમ્ર અને સિનિયર ડૉક્ટર્સના સતત ફોન મેસેજ આવ્યા કરતા કે દોસ્ત, કંઈ પણ તકલીફ લાગે તો કહેજે. ચિંતા ના કરતો. મોંઘીદાટ દવાઓના સેમ્પલ્સ પણ અમુક દોસ્તોએ પહોંચાડ્યા. છતાં મારે શું કામ અમુક નવરા ફેસબુકીયાઓની દલીલોનો સામનો કરીને ય સતત લખવું જોઈએ? એ પણ કોઈ પુરસ્કાર કે રાજકીય એજન્ડા સાથે સ્નાનસુતકનો સંબંધ ના હોવા છતાં? અને હૃદયમાંથી એક આવેગરૂપી જવાબ આવતો કે આ દેશમાં કરોડોની વસ્તીમાં હું એક જ નાગરિક નથી. એટલે પોતે સલામત રહીને ચૂપ રહેવાનો સ્વાર્થ એક જાગ્રત નાગરિક તરીકે પાલવે નહિ. લોકશાહી-પ્રજાસત્તાક રાષ્ટ્રના એક સભ્ય હોવાને નાતે આટલી ફરજ ના નિભાવીએ તો જીવતર ધૂળમાં પડ્યું કહેવાય…

આટલી પૂર્વધારણા બાંધ્યા પછી ડેમોક્રેટિક રાષ્ટ્રના મુખ્ય મુદ્દા પર આવીએ. બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ તાજેતરમાં જ ગઈ. બિહારની પરિસ્થિતિ જોતા નીતીશ સરકાર પંદર વર્ષ સત્તામાં હોવા છતાં બીજા રાજ્યોમાંથી બેકાર થઈને આવેલા મજૂરો માટે કોઈ વ્યવસ્થા ના થઇ શકી. બિહારી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની 70 ટકા જગ્યાઓ ખાલી હોવાથી ઘણા લોકો સારવાર વગર જ તરફડીને ગુજરી ગયા. છતાં ચૂંટણી વખતે નીતીશકુમાર બીજેપી સાથે રામમંદિરનો પ્રચાર કરવામાં મચી પડેલા. ( આ એ જ નીતીશકુમાર હતા જે 2015માં મોદીની વિરુદ્ધમાં પ્રચાર કરતા ત્યારે ભારત માતાકી જય બોલવામાં વાંધો ઉઠાવતા હતા!) અને ચૂંટણીનું પરિણામ જુઓ. બેશક, મતમાં માર પડ્યો પણ, મરતા મરતા ય જીતી ગયા… આ છે પ્રજાની જાગૃકતા?

આ તો તાજેતરનું ઉદાહરણ છે એટલે વિગત લખી. બાકી યુપીમાં અખિલેશ-મુલાયમ હોય કે બંગાળમાં પહેલા વામપંથીઓ અને હવે મમતા કે કેન્દ્રમાં અડધી સદીવરાજ કર્યું હોય એવી કોંગ્રેસ હોય. ધર્મ, જ્ઞાતિ, કુળ વગેરે ક્ષુલ્લક બાબતોમાં જનતા એવી ભેરવાય જતી રહી છે કે પોતાની જીવન જરૂરિયાત જ ભૂલી ગઈ છે. એક નાગરિક તરીકેની ફરજો અને હક્કો આપણે રાજકારણીઓની ચુંગાલમાં ફસાયને ભૂલી જ ગયા છીએ.

બંગાળમાં છેલ્લા સાત આઠ વરસથી કોઈ સરકારી ભરતી થઈ નથી, ગરીબી બેકારીએ માઝા મૂકી છે. અને મમતા-શાહ હજી પણ હિંદુ-મુસ્લિમ ખેલ કર્યા કરે છે. યુપીમાં વરસો સુધી પ્રજા ખલનાયક રાજકારણીઓનો હાથો બનીને રમખાણોમાં ત્રસ્ત થઈ ગયા હતા. છતાં એમની આંખ ઉઘડતા ઘણા વર્ષો નીકળી ગયા. યોગીજીએ યુપીમાં નિઃસંદેહ સારું કામ કર્યું છે. કોરોનાની કામગીરીમાં ટોપ ફાઈવ મુખ્યમંત્રીઓમાં હું યોગીજીને ત્રીજું સ્થાન આપું છું. પણ, વિકાસ દુબે જેવા ગેંગસ્ટરની દાદાગીરીથી લઈને અઢળક હત્યા-બળાત્કારો બાબતે એ પણ કોઈ રાજકીય કારણોસર પોતાનો અસલી મિજાજ ગુમાવી ચુક્યા હોય એમ સ્પષ્ટ લાગે છે. તમિલનાડુની આગામી ચૂંટણીમાં તો ગ્રાઉન્ડ રિપોર્ટ્સ જોતા જ સમજાય ગયું કે આખી વોટબેંક જનતાને લોલીપોપ આપીને જ રમાડાય છે. ઇવન, મોદીજી પોતે જે 2014માં વડાપ્રધાન હતા અને ગુજરાતમાં મુખ્યમંત્રી ત્યારથી આજે 2021 સુધીમાં ઘણી બાબતોમાં આંખ આડા કાન કરતા થઈ ગયા છે.

નેક્સ્ટ મહત્વનો મુદ્દો છે અભિવ્યક્તિની આઝાદી…વર્ષોથી બંગાળ અને કેરળમાં લેફ્ટ-વામપંથીઓનો દબદબો રહ્યો છે. એમની વિરુદ્ધ કોઈની તાકાત નહોતી કે અસહમતી પ્રગટ કરે. ( શિવસેના-બીજેપીમાં જેમને તાનાશાહી દેખાતી હોય એમણે વામપંથીઓની દાદાગીરીઓ વિશે ગૂગલ કરી લેવું.) એ લેફટીઓનો માર ખાઈ ખાઈને મમતા બેનર્જીએ સત્તા મેળવી અને, પ્રજા રાજી રાજી થઈ ગઈ. હવે, એ મમતાના ભક્તોનો જ ત્રાસ એવો વધી ગયો છે કે કદાચ બીજેપી ઘણી સીટ ખેંચી જશે. પણ બીજેપી ત્યાં ગરીબી બેકારી દૂર કરવાને બદલે જો ઉગ્રતાથી ધાર્મિક ધ્રુવીકરણ જ કર્યા કરશે તો અંતે પ્રજા ઊલમાંથી ચુલમાં જ પડશે. આપણે રાજસ્થાનમાં જોયું જ છે કે કોંગ્રેસ ભાજપ વારાફરતી રાજ કરે છે છતાં રાજસ્થાનમાં રણમાંથી દરિયો તો શું એક મીઠી વીરડી પણ ઉભી નથી જ થઈ. આ છે આપણા તમામ રાજકીય પક્ષોની વરવી હકીકત! તો આમાં જનતા છે જ ક્યાં?

આપણે ભારતીયો એક પ્રજા તરીકે ભોળા અને શ્રદ્ધાળુ છીએ. આપણે એકાદ નેતા કે એકાદ રાજકીય પક્ષને ક્યાં તો હદથી વધારે ચાહીએ છીએ ક્યાં તો હદબહારની નફરત કરીએ છીએ. પણ રાજકીય પક્ષો આપણા માટે વફાદાર છે ખરા? હવે તો ચૂંટણી પછી તરત જ ધારાસભ્યો ખરીદ અભિયાન શરૂ થઈ જાય છે. કોંગ્રેસીઓ વેચાવા તત્પર હોય છે અને ભાજપની ખરીદશકિત અમાપ છે જ. ગોવા અને મધ્યપ્રદેશમાં એ જ ખેલ થયો. (મૂળ આ સ્ટાઇલ ઇન્દિરા ગાંધીની હતી, જે હવે મોટાપાયે મોદી-શાહે હાઇજેક કરી લીધી. )

એ સિવાય ગઠબંધન સરકારના હાસ્યાસ્પદ કજોડા પણ આપણે જોઈ જ લીધા છે. રાષ્ટ્રવાદી બીજેપી કાશ્મીરમાં મહેબુબા જેવી શુદ્ધ ખલનાયિકા સાથે જોડાય જાય. આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે જાય. કટ્ટર હિન્દુત્વનું પરમેનન્ટ લાયસન્સ ધરાવનારી શિવસેના કોંગ્રેસ-શરદ પવાર સાથે ગઠબંધન કરીને પણ પોતાનો એજન્ડા પાર પાડી લે. (મહારાષ્ટ્રના આ ગઠબંધનમાં બન્ને એવા ભેરવાયા છે કે સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં મરાઠાઓની વોટબેંક માટે શિવસેનાને ઔરંગાબાદનું નામ બદલીને લગભગ ‘સંભાજીનગર’ કરવું છે. પણ, કોંગ્રેસ-એનસીપી એમાં અવરોધક છે… એટલે જ કદાચ રાજકીય કિંગમેકર પ્રશાંત કિશોરે કહ્યું હશે કે જો રાજકારણ તમારી કારકિર્દી ના હોય તો કોઈ નેતાઓના ચાહક ના બનો કે વિરોધીઓ પણ ના બનો. નેતાઓ તો ગમે ત્યારે પક્ષપલટો કરી લેશે કે અન્ય સમાધાનો માટે એકબીજાને ભેટી પડશે. પણ નાગરિકો તાળીઓ પાડતા કે ટેબલો ઠોકતા રહી જશે.

જનતા રાજકારણીઓના પ્રભાવમાં આંધળી થઈ જાય ત્યારે લોકશાહીના રક્ષકો તાનાશાહ બની ભક્ષક થઈ જાય છે. ઇન્દિરાજીએ ઇમરજન્સી લાગુ પાડી ત્યારે રાજીવ ગાંધી સહિત ઘણા ડાહ્યા વિદ્વાન કોંગ્રેસીઓએ એમને આ પગલું ઘાતક ગણાવેલું. બંગાળના ઘણા ભદ્રલોક મમતાથી વર્ષોથી નારાજ છે. બ્યુરોક્રેટસ પોતપોતાની રીતે એમને સમજાવતા રહે છે. પણ, મમતાદીદીને હમણાં સત્તાનો મદ ચડેલો છે. 1987-88માં પંજાબના ખેડૂતોએ આંદોલન કરેલું ત્યારે રાજીવ સાહેબના હાંજા ગગડી ગયેલા. છતાં એમણે એ ખેડૂતોને દિલ્હી સુધી આવતા રોકેલા. અને પછી પાણીમાં બેસી જવું પડ્યું હતું. આજે એ જ પરિસ્થિતિ ત્રીસ વર્ષે મોદીજીની આગેવાનીમાં રિપીટ થઈ છે ત્યારે, જોઈએ આગળ શું નિર્ણય લેવાય છે.

1947થી લઈને 2021 સુધીમાં આવા હજારો દાખલાઓ મળી રહેશે. પણ પરિણામ કેમ શૂન્ય? કારણ એક જ… આપણે ફક્ત પ્રજા જ બનવાનું પસંદ કરીએ છીએ. નાગરિક બનતા આપણે શીખ્યા જ નથી. આપણે આપણા ઉદ્ધાર રાજકારણીઓને સોંપીને પોતે ફરજમુક્ત થઈ જઈએ છીએ. અને તમામ જોર સોશિયલ મીડિયામાં ઠાલવી દઈએ છીએ. એ ઉન્માદ લાંબો ટકતો નથી. બહુમતી ઉન્માદના ઢગલામાં ઘણા સાચા સુર દબાય જાય છે અને પરિસ્થિતિ સુધરતી જ નથી. એ આપણી નાગરિક તરીકેની નિષ્ફળતા છે. જે દેશની ઘોર ખોદવામાં કંઈ જ બાકી નથી રાખતી.

રાજકારણીઓ ભલે ધર્મ, જ્ઞાતિ, કુળને આધારે આપણને અફીણી ગોળીઓ પીવડાવ્યા કરે. એમનો તો એ જ પેશો છે અને એ જ એમની જિંદગી. અને કમ્યુનિસ્ટ બનવું, સેક્યુલર બનવું, ધાર્મિક બનવું કે રાષ્ટ્રવાદી બનવું એ કોઈ ગુનો નથી. પણ એની રાજકીય કઠપૂતળીઓ બનીને મગજ એમાં જ વ્યસ્ત રાખવું એ આપણી સામાજિક-આર્થિક-શૈક્ષણિક ક્ષેત્રની અધોગતિ તરફ જવાની નિશાની છે. કોઈ નાગરિક કદાચ એ વિચારધારાઓમાં માનતો હોય તો એ પણ ખોટું નથી જ. પણ સમાંતરમાં એક બાબત કાયમ વિચારવી કે આપણે ઉચ્ચ શિક્ષણમાં હજી ઘણા પગલાંઓ લેવાના છે. વિશાળ દેશમાં આરોગ્યની બાબતમાં હજી આપણે ઘણા પાછળ છીએ. કોલેજોમાં તોતિંગ રૂપિયા ચૂકવ્યા પછી પણ નોકરીઓ માટે યુવાનો અટવાયા કરે છે. આવા અઢળક પડકારોની યાદી બનાવવા બેસીએ તો વરસોનાં વરસ લાગે!

કહેવાનો ભાવાર્થ એ જ કે મત ગમે એને આપો, ગમે એ નેતાને ચાહો, ગમે એને નફરત કરો એ કદાચ ચાલી જશે. પણ પોતાના મૂળભૂત અધિકારો અને હક્કો વિશે સવાલ ઉઠાવતા શીખો. રાજકારણીઓને એટલું તો આત્મદર્શન થવું જ જોઈએ કે યે નયા ભારત હૈ, ઇસે સ્કૂલ ભી ચાહિયે, કોલેજ, હોસ્પિટલ ઔર નોકરી ભી ચાહીએ. લાપરવાહી જ્યાદા ચલને વાલી નહિ હૈ. અબ તો ચોબીસ મેં સે છવ્વીસ ઘંટે કામ કરના હી હોગા….

-ડો.ભગીરથ જોગિયા

 
3 Comments

Posted by on February 3, 2021 in history, india, inspiration

 

3 responses to “સિત્તેર વરસથી પ્રજાસત્તાક બન્યા છતાં પ્રજા તરીકે આપણે કેટલા સતર્ક છીએ???

  1. Vimala Gohil

    February 3, 2021 at 7:02 AM

    ” ઇવન, મોદીજી પોતે જે 2014માં વડાપ્રધાન હતા અને ગુજરાતમાં મુખ્યમંત્રી ત્યારથી આજે 2021 સુધીમાં ઘણી બાબતોમાં આંખ આડા કાન કરતા થઈ ગયા છે.’

    Like

     
  2. bimalvyas

    February 3, 2021 at 12:44 PM

    Best. Balanced article .

    Like

     
  3. jinu2020

    February 4, 2021 at 1:53 PM

    very very bold article.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: