RSS

Daily Archives: January 21, 2021

છોડ સારે ઝમેલે,દેખ ફૂલો કે મેલે, કીતની હસીન હૈ યે દુનિયા 💃 😇

જ્યારે તમે બાળક ની જેમ બાળક સાથે ખડખડાટ હસી શકો ને, જ્યારે ફુલો ના રંગ અને સુગંધ તમને હમેશાં આશ્ચર્ય મા નાખી દે, જ્યારે પવન થી લહેરાતા ખેતરો તમને એ.સી. રુમ કરતા વધુ ઠંડક આપવા લાગે, જ્યારે નદીમાંથી સીધા જ ખોબો ભરીને પાણી પીવામાં અને છબછબિયાં કરવામાં જીવ ને મજા પડી જાય, જ્યારે વહેતા ઝરણાઓ સાથે વહી નીકળવા નુ મન થઇ જાય, ગીચ જંગલો ના સન્નાટા તમને બે હાથ ફેલાવી ને બોલાવતા હોય એવુ લાગે, જ્યારે પહાડો પર એકલા ઉભા રહીને ગળુ ફાડીને કોઈને બોલાવવામાં પડતા પડઘામા તમને પહાડ નો પ્રેમ મહેસૂસ થવા લાગે, જ્યારે કેટલાય કકળાટ કરતા દંભી લોકો ના ઘોંઘાટ ની વચ્ચે પણ દૂર કોઈ લીલાછમ ઝાડ પર બેઠેલી કોયલ ની મીઠી કુક તમને સંભળાવા લાગે, જ્યારે દરિયા ના પેટાળમાં પડેલા રહસ્યો એના મોજાઓ પાસેથી ઉકેલતા શીખી જાવ, જ્યારે ઉગતા અને આથમતા સૂરજ પાસેથી જીંદગી ની ફિલસૂફી જાણી જાવ, છત પર પડ્યા પડ્યા ચાંદા ની વચમાં બેસીને રુ કાંતી રહેલી પેલી ડોસી સ્પષ્ટ દેખાવા લાગે, ઉડતા વાદળો ના મનગમતા ચહેરા બનાવતા શીખી જાવ, કે વરસતા વરસાદ મા મન નો મોર સુજ્ઞ જનો ની ચિંતા કર્યા વગર નાચવા લાગે ,અને સુક્કા ભઠ્ઠ રણની દઝાડતી રેતીમાં રહેલુ મૃગજળ નુ સૌંદર્ય તમને પ્રેમ નો પાઠ ભણાવતુ લાગે, કોઈ બાહ્ય વાતો થી ફર્ક પડવાનું બંધ થવા લાગે, લોકો ના કટાક્ષ અને ઉપેક્ષાઓ ને ભીના વાળ ના પાણીની જેમ ઝાટકી નાખીને હવામાં વાળ લહેરાવતા ચાલી નીકળો , યંત્રવત નહીં સંપૂર્ણ જાગૃત પણે શરીર ની તમામ ઈન્દ્રિયો આસપાસ બનતી ઘટનાઓ ને માણવા લાગે ને ,


ત્યારે તમને આખી દુનિયા ગમવા લાગશે , જેમજેમ કુદરત ને પ્રેમ કરતા જશો એમ એમ તમારા આસપાસ ની દુનિયા અને આસપાસ ના લોકો બ્લર થવા લાગે છે, જે બોલશે એ સંભળાશે જ નહીં કારણકે તમારી ઈન્દ્રિયો એ જે સાંભળી લીધુ છે, જે જોઇ લીધુ છે, જે અનુભવી લીધુ છે એના નશામાં થી તમે બહાર જ નહીં નીકળી શકો. તમને સમજાય ગયુ છે કે આ બધા જ લોકો કેટલો કિમતી સમય વેડફી રહ્યા છે . અને એમની એ નાસમજ પર કોઈ મસ્ત મૌલા ફકીર ની જેમ એક અટ્ટહાસ્ય કરી આગળ વધતા ધીરે ધીરે તમે શીખતા જાવ છો. અને જીંદગી જીવવી સરળ થતી જાય છે.

એટલે જ જીંદગી ને ઘુંટડે ઘુંટડે પીવામા જે મજા છે એ સત્ય કોઈ સંત મહાત્મા નહીં પણ કુદરત પાસેથી તમે શીખી ગયા છો અને એટલે દુન્યવી બે પગ વાળા પ્રાણીઓ ની હવે બહુ જાજી અસર તમારા પર નથી થતી , કોઈ જડ વ્યક્તિ ને કંઈપણ સમજાવવા મા સમય બગાડવા કરતા કોઈ બાળક સાથે મસ્તી કરવી તમને વધુ સાર્થક લાગવા લાગે છે, લોકો ના કોઈ પણ ખરાબ વલણો અને મંતવ્યો નુ ક્ષણિક જ દુઃખ લાગે અને પછી તમે તમારી મોજમા તમારા સાથી નો હાથ પકડીને હસીને ચાલતા થઈ જાવ છો. શું નથી એની ચિંતા કર્યા વિના જે મળ્યું છે એમાં જ રાજી રહેતા અને જીવનની કિંમત સમજવા લાગો છો. તમારું આખું અસ્તિત્વ સુખમય અને પોઝિટિવ થવા લાગે છે, તમને બધું જ પ્રેમ કરવા લાયક લાગવા માંડે છે અને ધૃણા,ઈર્ષ્યા, કપટ મા રચ્યા પચ્યા રહેતા લોકોને જોઈને એમના પર દયાભાવ જાગે કે કેટલી અજ્ઞાનતા મા જીવન નો સરી રહેલો અનમોલ સમય વેડફી રહ્યા છે અને એમને ખબર જ નથી! પરંતુ હવે તમને કોઈને સુધારવા ની ઈચ્છા નથી થતી, હવે તમારામાં સ્વીકારભાવ આવતો જાય છે . અને એ સ્વીકાર ભાવ તમને જીવનથી નજીક લેતો જાય છે. એક ક્ષણ પણ બગાડવી તમને પોસાય એમ નથી વ્યર્થ વ્યકતિઓ ની વ્યર્થ દલીલો સંભળાતી બંધ થવા લાગે છે કારણકે જીવન ક્ષણભંગુર છે એ સમજાય ગયું છે . અને કુદરતની જેમ નજીક જાવ એમ અહેસાસ થવા લાગે છે કે ખરેખર જીવન તો આ છે. આપણે તો ફક્ત શ્વાસ લઈ રહ્યા છીએ.


અને જ્યારે આવુ સ્ટેટ ઓફ માઇન્ડ થઈ જાય ને તો ખુશીયા મનાઓ . આપ ઈશ્વર કો બહોત પ્યારે હો યે ઉસ બાત કા પ્રમાણ હૈ .
-Jનક (ક્રિષ્ણપ્રિયા)

 
 
%d bloggers like this: