RSS

કાળમુખા કોરોનાના ઈલાજમાં શરૂઆતમાં બહુ ગાજેલી દવાઓ કેટલી સફળ કેટલી નિષ્ફળ?

07 Nov

સાત મહિનામાં કોરોનાએ વિશ્વ આખામાં કોહરામ મચાવ્યો છે. દરેક દેશોએ પોતપોતાની રીતે જુદી જુદી દવાઓ મેદાનમાં ઉતારી. પણ નિષ્ણાંત ડોક્ટરો, જાગૃત નાગરિકો કે પછી કોરોનાનો ભોગ બની ગયેલા દર્દીઓ (જો શિક્ષિત હોય તો) અનુભવે સમજ્યા હશે કે સારવારની ગાઈડલાઈન સતત બદલાયા કરે છે. મતલબ કે ડોક્ટરો અને રિસર્ચર્સ પોતે જ કદાચ કન્ફ્યુઝ છે કે મજબૂર છે..

એપ્રિલ-મેં માં ભારત સરકારે કોરોનાનાં ઈલાજ માટે હાઇડ્રોકિસક્લોરોકવીનનો એ હદે પ્રચાર કર્યો કે ભારતના નાગરિકો તો ઠીક, અમેરિકા સહિત બીજા વીસ દેશોએ ભારત પાસે આ દવાના ઓર્ડર માટે હાથ લંબાવવા પડ્યા. હાઇડ્રોકસી-ક્લોરોકવીન ખરેખર તો મેલેરિયા, આર્થરાઈટીસ કે લ્યુપ્સ જેવા ઓટોઇમ્યુન ડિસીઝ માટે વર્ષોથી વપરાતી સામાન્ય દવા છે. આ HCQ માં ઇન વિટરો લેબ રિસર્ચમાં એન્ટી વાઇરલ અસરકર્તા તરીકેના ગુણ દેખાયા. અને દેશભરમાં સામાન્ય પ્રિસ્ક્રિપ્શનમાં પણ વપરાશ વધવા માંડ્યો. શરૂઆતમાં પોઝિટિવ દર્દીઓ સિવાય શંકાસ્પદ દર્દીઓમાં પણ આ દવા મુખ્ય સારવાર તરીકે અપાવા લાગી. મહાસત્તાના કહેવાતા માથાભારે ટ્રમ્પ તો HCQ ભારત પાસેથી મેળવવા માટે મરણિયા થઈ ગયેલા. પણ પછી શું થયું?

વિગતે રિસર્ચ પછી માલુમ પડ્યું કે જે દર્દીઓ HCQ ની સારવાર થકી સાજા થયા હતા એ કદાચ ‘કાગનું બેસવું ને ડાળનું પડવું’ જેવો સંયોગમાત્ર હોવો જોઈએ. વળી, ડાયાબિટીસ અને હૃદયરોગના દર્દીઓ માટે આ દવા થકી કાર્ડિયાક એરેસ્ટનો ભય તો રહેલો જ હતો. ઉપરાંત, ઘણા સેન્સિટિવ દર્દીઓમાં જણાયું કે એઝીથ્રોમાયસિન જેવી એન્ટીબાયોટિક સાથે HCQ લેવાથી બહેરાશ, દ્રષ્ટિની ખામીઓ જેવી લાંબાગાળાની આડઅસરો ઉભી થઈ શકે છે. પરિણામે જે દવાના કાળાબજાર થવા સુધીની ડિમાન્ડ ઉભી થઇ હતી એને બદલે હોંશિયાર ફિઝિશયન્સના પ્રિસ્ક્રીપ્શનમાંથી એનું પત્તુ જ કપાય ગયું.

ત્યાર બાદ આવ્યું ‘ફેવીપિરાવીર’નું મોંઘુદાંટ ચક્કર. ગ્લેનમાર્ક ફાર્માએ બનાવેલી આ દવાને ‘ભારતીય ઔષધીય મહાનિયંત્રક’ દ્વારા મંજૂરી અપાય ગઈ. કિંમત કેટલી? તો ફક્ત 103 રૂપિયાની એક ટેબ્લેટ, અને 34 ગોળીના પેકિંગના 3500 રૂપિયા! અને હડડડ હુડ કરતા બધા પાછા રાજીના રેડ થઈ ગયા. ‘ફેબીફ્લુ’ બ્રાન્ડનેમ હેઠળ માર્કેટમાં અવેલેબલ આ દવા બેશક યોગ્ય એન્ટી વાઈરલ હોવાથી કોરોનાને અમુક અંશે નાથવામાં કારગત નીવડી. પણ અંદરખાને ઉપલા લેવલના નિષ્ણાંતોને કંઈક ખામીયુક્ત લાગ્યું હશે કે માર્કેટમાં એન્ટીવાઇરલ રેમિડેસીવીર ઇન્જેક્શનને મંજૂરી સરકારશ્રી તરફથી મળી.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપ્યા પછી 4000 રૂપિયાની કિંમતનું આ એન્ટીવાઇરલ ઇન્જેક્શન ટપોટપ ખપી જવા માંડ્યું. અને નિષ્ણાંત ડોકટરોના અભિપ્રાય મુજબ એ ખરેખર અસરકારક નીવડ્યું. ફરીથી આઇસીએમઆરને શું સૂઝ્યું કે એમણે જાહેરાત કરવી પડી કે આ ઇન્જેક્શનના બેફામ ઉપયોગથી કિડની-લીવરને ભયંકર નુકશાન થાય છે. વળી, મધ્યમ કક્ષાએ વકરેલા કોરોના પૂરતી જ રેમડેસિવીર અસરકારક છે. મૃત્યુદર ઘટાડવામાં આ ઈન્જેકશન ખાસ સફળ થયું નથી એવું ખુદ આઇસીએમઆરે સ્વીકારવું પડ્યું. માટે,ડોકટરોને પણ ખૂબ સાવચેતી પૂર્વક આ ડ્રગ પ્રિસ્ક્રાઈબ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો.

મેં મહિનામાં એક હાઈ લેવલની મિટિંગ થઈ. જેમાં ICMR, NCDC, DGCI, AIIMS, DGHS અને WHO ના પ્રતિનિધિઓ સામેલ હતા. આ જોઈન્ટ મિટિંગનો હેતુ હતો રેમડેસિવીર અને ફેવિપિરાવિરની અસરકારકતા. આ મિટિંગના એકાદ મહિના પછી યુનિયન હેલ્થ મિનિસ્ટરે કહ્યું કે આ બન્ને દવાઓમાં કોરોનાને નાથવા માટેના કોઈ મજબૂત પુરાવાઓ મળ્યા નથી. જે દેશોમાં આ દવાઓ ભરપૂર વપરાય છે, ત્યાં નથી તો મૃત્યુદર ઘટ્યો કે નથી હોસ્પિટલાઈઝેશન પિરિયડ ઘટ્યો. માટે હાલના તબક્કે એઝીથ્રોમાયસિન અને હાઇડ્રોકસી-ક્લોરોકવીન જ શ્રેષ્ઠ ઉપાય છે.

હવે વાત કરીએ એક તબક્કે કોરોનાના મારણનું અમોઘ શસ્ત્ર ગણાયું એ ‘ટોસિલેઝુમેબ’ ઇન્જેક્શનની. 45 હજારની એમઆરપી વાળું આ ઇન્જેક્શન કાળાબજારમાં દોઢ-બે લક્ષ રૂપિયામાં પણ વેચાયું. માનો કે એની હરાજી થઈ. સ્ટોક ખૂટી પડ્યો તો સરકાર માથે માછલાં પણ ધોવાયા. આ પછી પણ ઇકોનોમિક ટાઈમ્સને એક ઉપરી અધિકારીએ આપેલી નનામી માહિતીમાં જણાવાયું કે ગંભીર દર્દીઓમાં ધાર્યા મુજબનો રિસ્પોન્સ આ ઇન્જેક્શન આપી શક્યું નથી. હા, અમુક સબકોવિડ ગ્રુપના દર્દીઓમાં યોગ્ય સમયે, યોગ્ય પરિસ્થિતિમાં આપવામાં આવે તો ટોસિલેઝુમેબ જરૂર કારગત નીવડે છે.

આમ છતાં, શરૂઆતના ત્રણ જ મહિનામાં લગભગ 22 કરોડ જેટલી HCQ ટેબ્લેટ ફક્ત ભારતમાં જ ખપી ગઈ. એ સિવાય, ફેવિપિરાવીર-રેમડેસિવિરનું ઓગસ્ટ મહિના સુધીનું વેચાણ 220 કરોડનું થઈ ચૂક્યું છે. ટોસિલેઝુમેબના ટ્રાન્ઝેક્શન અંગેનો કોઈ હિસાબ હજી બહાર પડયુ હોવાની જાણ નથી. (સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રેકોર્ડબ્રેક કેસ આવ્યા ત્યારે આ વેચાણ ક્યાં પહોંચ્યું હશે એ ફક્ત કલ્પનાનો વિષય છે.)

એલોપથીની વાત બાજુએ મૂકીએ તો આયુષ મંત્રાલયે હોમિયોપેથી ડ્રગ આરસેનિક આલ્બ-30 કોરોનામાં અસરકારક હોવાની જાહેરાત કરીને ગામેગામ ફરતા ધનવંતરી રથમાં વહેંચણી કરાવી છે. આ દવામાં તમામ વાઇરસને હરાવવાની શકિત છે. કોરોનાની સ્પેસિફિક વાત કરીએ તો શરદી, ખાંસી, તાવ જેવા વાઇરલ રોગના લક્ષણોને નાથવાની ક્ષમતા તેમજ ખાસ તો રોગપ્રતિકારક શકિત વધારવાની ક્ષમતા હોવાથી આયુષ મંત્રાલય આરસેનિક આલ્બ-30 ને ખૂબ મહત્વના હિસ્સા તરીકે જાહેરાત કરે છે. છતાંય, આ દવા સ્પેસિફિક કોરોના માટે તો નથી જ.

આયુર્વેદમાં ક્ષેત્રે આયુષ મંત્રાલયે હાલમાં જે ચાર દવાઓને ફ્રન્ટ લાઈનમાં રાખી છે એ ચાર દવાઓ અણુતેલ, આયુષ-64, સંશમની વટી અને અગસ્ત્યહરીતકી રસાયણ હળવા કોવિડ લક્ષણોને નાથી શકે છે. તો પણ આયુષ મંત્રાલયે આ દવાઓને લક્ષણો મુજબની દવા એટલે કે સિમ્પટેમેટિક દવાઓ તરીકે જ મહત્વ આપ્યું છે. ઉપરાંત, ઇમ્યુનિટી બુસ્ટર અર્થાત રોગપ્રતિકારક શકિત વધારવાની ક્ષમતા જ આ દવાઓના પ્રમોશન માટે પાયાનું કારણ છે.

તો દોસ્તો… આયુર્વેદ, હોમિયોપથી સને એલોપથી એમ ત્રણેય પાસાઓની કોરોના સામેની લડાઈમાં મહત્વ અંગેની ઉપરછલ્લી ચર્ચાઓ આપણે કરી. આ ચર્ચાનો હેતુ નેગેટિવિટી ફેલાવવાનો બિલકુલ નથી. પણ સાયન્ટિફિક તથ્યોના અભ્યાસ અને અનુભવ પછીની વાસ્તવિકતા છે. એવું પણ નથી કે ઉપર ચર્ચાઓ કરી એ તમામ દવાઓ સદંતર નિષ્ફળ જ છે. આ જ દવાઓ કરોડો દર્દીઓને કોરોનાનાં મુખમાંથી પાછા ખેંચી લાવવામાં સફળ નીવડી છે. પણ, સંપૂર્ણ ઈલાજ શોધવાનો હજી બાકી છે એવું આપણા મોદીસાહેબ જ સ્વીકારીને સાવધ કરી રહ્યા છે.

આ દવાઓ પૂર્ણતઃ સફળ નથી માટે ઘરે બેસીને ઘરગથ્થુ ઉપચારોના અખતરા ના કરવા. કારણ કે સાયન્ટિફિક લેબ રિસર્ચ, ડિગ્રીધારી ડોકટર્સ અને આધુનિક હોસ્પિટલનો કોઈ વિકલ્પ નથી.

લાસ્ટ બટ નોટ લિસ્ટ… કોરોના હોય કે અન્ય કોઈ પણ વાઈરલ રોગ, આપણા શરીરથી વધીને કોઈ મોટો ઈલાજ નથી. શરીર જ ધીમે ધીમે વાઈરસને નાથવા માટે જરૂરી એન્ટિબોડી બનાવી લે. જરૂર છે ફકત સાવચેત રહેવાની. વ્યસનો-ફાસ્ટફૂડથી દુર રહીને રોગપ્રતિકારક શકિત ચટ્ટાન જેવી રાખવાની. ચરબીરહિત-પ્રોટીનયુક્ત, પાતળું-ચુસ્ત શરીર જાળવવાની, મગજમાં બિનજરૂરી કચરો ભેગો કર્યા વગર મસ્તીથી જીવવાની… તો કોરોના થોડા સમયમાં એવો દોટ મૂકીને ભાગશે કે ફરી ક્યારેય મોઢું નહિ બતાવે…

ડો.ભગીરથ જોગિયા

 
Leave a comment

Posted by on November 7, 2020 in education, gujarat, india, science

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: