પૂજ્ય બાપુ,
તમારા જન્મને દોઢસો વરસ જેટલો સમય થઇ ગયો,પણ આજેય જગતમાં એક દિવસ એવો નથી જતો જ્યારે દુનિયાના કોઈક ખૂણે તમારું નામ ના લેવાતું હોય.મહાપુરુષો કંઇક થઈ ગયા ને હજી થતા રહેશે,પણ આ દેશ માટે ગૌરવપ્રદ વાત એ છે કે આટલા વિશાળ ફલકને આવરી લેતો પુરુષ હજી પેદા થવો બાકી છે.
હજી આજે પણ અમારા રાજકારણીઓને તમારું નામ લીધા વગર ચાલતું નથી.અને હજી આજે પણ તમને ગાળો આપવાથી આ દેશમાં બુદ્ધિજીવી સાબિત થઈ શકાય છે.
બાપુ, કદાચ તમે નાની મોટી ઘણી ભૂલો કરી હશે.અંગત જીવનમાં કે જાહેર જીવનમાં. પણ અમારે એ ધ્યાનમાં લેવું નથી. અમે તો ચાહક છીએ તમારી અદ્વિતીય લોકપ્રિયતા ના…
તમે અહિંસાને આઝાદીનું હથિયાર બનાવ્યું.એ અમારા ઘણા દેશભક્તોને ખૂંચે છે.એક યુવાન તરીકે ક્યારેક મને પણ ખૂંચે.પણ પછી સમજાયું કે અહિંસા તમારી ચોઈસ હતી,તમારો વિશ્વાસ હતો.કાયરતા નહોતી. તમે જો ધાર્યું હોત તો હિંસાના રસ્તેય લાખો સેવકો સંગઠિત કરીને લોહીની નદીઓ વહાવી શક્ય હોત.કારણ કે રસ્તો ગમે તે હોય પણ સફળ થવા માટે તો આંતરિક શક્તિ જોઈએ. અને એની ક્યાં અછત હતી તમારી પાસે!
આજે નાદાન-અજ્ઞાન યુવાનો કદાચ બોખલા-વેવલા ડોસા તરીકે ઓળખતા હશે,પણ વાંક એમનો નથી.એમણે આફ્રિકામાં પાંચ ફીટ ને સાત ઈંચ ઉંચા એવા બેરિસ્ટર ગાંધી જોયા નથી.
એમને કદાચ ખ્યાલ નથી કે બંગાળમાં કોમી રમખાણો ફેલાવ્યા પછી મુખ્યમંત્રી કમ વિખ્યાત ગુંડા હસન સહરાવરદીએ તમારા પગે પડીને બધું શાંત પાડવા આજીજીઓ કરી હતી ને તમે ઉપવાસ કરી ને રમખાણો અટકાવ્યા હતા.
બાપુ તમને ખ્યાલ છે? હમણાં એક ફેશન ચાલી છે આપણાં કેટલાક દેશવાસીઓમાં.તમને ગાળો આપીને ભગતસિંહ અને સુભાષબાબુને હીરો ચિતરવાની.બન્ને હીરો જ છે એવું અમે ને તમે બેય માનીએ છીએ,પણ તમારા અપમાન ના ભોગે નહીં.ભગતસિંહ માટે તમે કઈ જ ના કર્યું એવા મનઘડત આરોપો મુકવાની.પણ ભગતસિંહ ને તમારા માટે કેટલું માન હતું ને તમે ય એ યુવાનોની ફાંસી અટકાવવા સીધો વાઇસરોઈને પત્ર લખેલો એ જાણવાની તસ્દી કોઈ લેતું નથી.
અમને મજા તો ત્યારે આવે જ્યારે વિન્સ્ટન ચર્ચિલ જેવા ધુરંધર પણ તમને ‘અર્ધનગ્ન ફકીર’ કહીને અપમાનિત કર્યા પછી ય સ્વીકારે કે’એ ડોસામાં જરૂર કંઈક આદ્યાત્મિક શક્તિઓ છે.’
અમને ત્યારે પણ બહુ મજા આવે જ્યારે માઉન્ટબેટન જાહેર કરે કે ‘જગતના ઇતિહાસમાં બુદ્ધ અને જીસસ પછી ગાંધીનું નામ અમર રહેશે.'(એમને રામ ને કૃષ્ણ વિશે ખ્યાલ ન હોય ને!)
ખેર, તમારા ભૂતકાળના વખાણો જવા દઈએ તો મોડર્ન વિશ્વમાં ઓબામા,દલાઈ લામા અરે સ્ટીવ જોબ્સ પણ અવારનવાર તમને યાદ કરતા રહે છે.આઈન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિક પણ તમને’આવનારી પેઢીઓનો રોલમોડેલ’તરીકે નવાજ્યા હતા!
ચાલો તમારા વખાણ બહુ કર્યા.થોડીક ફરિયાદ કરી લઈએ.અમને તમારા બ્રહ્મચર્ય નાં સિદ્ધાંતો ખાસ સમજાતા નથી.ને અમે એમાં માનતા પણ નથી.પણ એમ અમે આંખો બંધ કરીને તમારા પગલે ચાલ્યા કરીએ એ તો તમને પણ ના જ ગમે!
અને હા,બ્રહ્મચર્ય પરથી તમારા આંધળા પગલે ચાલતા દંભી ગાંધીવાદીઓ યાદ આવ્યાં.એ લોકો જે રીતે ખાદીઓ પહેરીને સ્ત્રીઓથી ભાગતા રહે છે એ જોઈને એમની દયા આવી જાય છે.એમને કોણ સમજાવે કે તમે જ સ્ત્રીઓને આંદોલનોમાં તક આપીને એમનામાં આત્મવિશ્વાસ ભરેલો. અરે તમારી નિકટની સાથીદારોમાં પણ કેટલી સ્ત્રીઓ હતી એનું લિસ્ટ તો એમને આપો!
અમને પાકિસ્તાનને અપાવેલાં પંચાવન કરોડ પણ ખૂંચે. પણ ત્યારે તમે કહેલું કે પાકિસ્તાનનો નાશ એના પોતાના કારણે થશે.એ ઇતિહાસ ભારતને નિમિત્ત નહીં બનાવી શકે. આજે પાકિસ્તાનનની હાલત જોઈને અમારે કહેવું પડે કે ‘જહાંપનાહ,તૂસ્સી ગ્રેટ હો…’
તમારા વ્યક્તિત્વને મુલવવાનું મુલતવી રાખીએ તો ય તમે વ્યક્તિ મટીને વિષય થઈ ગયા છો એવું તો તમારા દુશ્મનોએ પણ સ્વીકારવું પડે. જેનાં પર વિશ્વ આખામાં પચાસ હજાર ઉપર પુસ્તકો લખાયા હોય એવો પ્રેમ પછીનો પહેલો વિષય તમે જ છો.
એની વે બાપુ, હિસાબ કિતાબ કરવા બેસીએ તો વરસોનાં વરસ લાગે! વી ઓલ લવ યુ વેરી મચ…અને એમાંય કોઈ વિરોધ કરે તો કહીં જ દઈએ કે ‘તાકાત હોય તો નોટ પર સે ફોટું હટા કર દિખા…’
લી. તમારા રસ્તે કદી ના ચાલી શકનારો, પણ તમને સદાય માનનારો તમારો ચાહક…
ડો. ભગીરથ જોગિયા
bimalvyas
October 8, 2020 at 6:08 PM
Perfect 👍
LikeLike
Ravi Gadhiya
October 10, 2020 at 4:04 PM
Ahha….jordarrr
LikeLike