RSS

સંજય દત્તથી લઈને સુશાંત સુધી, ઓબામાથી લઈને અઘોરીઓ સુધી, ચાલો ડ્રગ્સની દુનિયામાં જ્ઞાનની ડૂબકી લગાવીએ ઇતિહાસથી લઈને વર્તમાન સુધી…

30 Sep

અમેરિકન મેગેઝીન ‘હાઈ ટાઈમ્સ’ જેનો સ્થાપક ટોમ ફોર્કેડ પોતે જ એક જમાનામાં ડ્રગનો વેપલો કરતો અને પાછળથી એ જ બેનંબરી નાણાંના જોરે 1974માં આ મેગેઝીન ઉભું કર્યું. સમાજસેવક બની ગયેલા ટોમે નશા અને નશેડીઓ વિશેની સ્ટોરીઓ થકી એવી જમાવટ કરી કે એની પાંચ લાખ કોપીઓ દર મહિને ખપી જતી. આ ‘હાઈ ટાઈમ્સ’ મેગેઝીનના ચીફ એડિટર સ્ટીવન હેગરે 2017-18 આસપાસ આખા જગતમાં ડ્રગ્સના ઇતિહાસની સ્ટોરી લખીને સનસનાટી મચાવી દીધેલી.

એ સ્ટોરી પ્રમાણે આજના માનવ ઉર્ફે હોમો સેપિયન પહેલાના હોમીનોઈડસ એક ખાસ પ્રકારના ઘાસનો ઉપયોગ અગ્નિ પેટવવા અને માંસ પકવવા માટે કરતા હતા. ત્યારબાદ ગ્રીક અને પર્શિયામાં એવું તારણ નીકળ્યું કે કેનાબિસ (ભાંગ, ગાંજો, મારીજૂઆના) નામના આ ઘાસને ગુફામાં સળગાવવાથી તમામ બેક્ટેરિયાનો નાશ થાય છે. અને વાતાવરણ શુદ્ધ થવાથી રોગમુક્ત રહી શકાય છે.

કહેવાય છે કે યહુદીઓ જ્યારે બરબેરીયન ગુલામ બન્યા ત્યારે એક ધાર્મિક માન્યતા તરીકે પ્રચલિત થયું કે કેનાબિસનો ધુમાડો શ્વાસમાં લેવાથી આત્મા કે સ્પિરિટ એની ઉંચાઈએ પહોંચીને સ્વતંત્રતા મેળવવા માટે એમને શક્તિશાળી બનાવશે. (જો કે આ શક્તિશાળી બનવાની ભ્રમણા માત્ર નશાની અસર હતી એ સદીઓ પછી પુરવાર થયું.) એક માન્યતા તરીકે કેનાબિસ ઘાસને દૂધમાં મેળવીને પીવાથી પુરુષાતન વધારી શકાય છે. આમ યેનકેન પ્રકારે કેનાબિસનો ઉપયોગ ધાર્મિક તથા તત્કાલીન વિજ્ઞાનમાં મેડિસિન તરીકે ખૂબ પ્રચાર પામ્યો.

હવાઈ યુનિવર્સિટીના બોટનિસ્ટ માર્ક મર્લિને એક અભ્યાસ દરમિયાન ચાઈનામાં 2500 વરસ જૂની કબરોમાંથી કેનાબિસમાં રહેલા મુખ્ય તત્વ THC-ટેટ્રાહાઇડ્રોકેનોબિનોલના અંશો શોધી કાઢ્યા. અને વિગતે સંશોધન પછી સાબિત થયું કે ત્રણ-ચાર હજાર વર્ષથી ચીનમાં પણ ધાર્મિક, ઔષધીય અને ઉત્સવના ભાગરૂપે ગાંજાનો ઉપયોગ બેસુમાર થતો હતો. હાવર્ડ મેડિકલ સ્કૂલના સાયકોલોજી પ્રોફેસર કહે છે કે માણસને ભૂખ,તરસ અને સેક્સ પછીની ચોથી પ્રાથમિક જરૂરિયાત ‘નશો’ જ છે.

ભારતમાં કેનાબિસની એન્ટ્રી વિશે અમુક નિષ્ણાંતોના કહેવા મુજબ બે માન્યતાઓ જવાબદાર છે. એક તો ભગવાન શિવની ભાંગ પીવાની પૌરાણિક કથાઓ અને બીજું, ઋગ્વેદની એક વાચા ‘અપમા સોમમ, અમ્રિરતા અભુમાં’ અર્થાત હવે અમે સોમરસ પીધો હોવાથી અમે અમર થઈ ગયા છીએ. જો કે આ સોમરસ કે અમૃત હકીકતમાં કયુ તત્વ હતું એના ચોક્કસ અભ્યાસપૂર્ણ તારણો મળ્યા નથી.

ટૂંકમાં ઇતિહાસ ભલે જુદો જુદો હોય પણ લગભગ બધા જ દેશોના લોકો કોઈને કોઈ ધાર્મિક કે વૈજ્ઞાનિક માન્યતાઓ મુજબ કેનાબિસ ઉર્ફે ગાંજા ઉર્ફે ભાંગ ઉર્ફે મોડર્ન મારીજૂઆનાનો નશો સદીઓથી કરતા આવ્યા છે. (અમેરિકન ઉચ્ચારણ મારિયાના.)

મનપાંચમના મેળા જેવા અમેરિકામાં 17મી સદી પછી કેનાબિસનો નશો એ હદે પ્રચલિત બન્યો કે બીજી બધી સાચી ખોટી વાર્તાઓ લોકો ભૂલી ગયા ને અમેરિકાના યુવાનો ધીરેધીરે આ નશામાં ખોવાય ગયા. અમેરિકા કરે એ દુનિયા કરે એ નકલખોરીથી ભારત સહિતના દેશોમાં પણ ફરીથી મારીજૂઆનાની ફેશન પુરબહારમાં આવી. અને એવી આવી કે જગતભરમાં 1960-70ની આસપાસ ડ્રગ્સનો મુદ્દો ચર્ચાવા માંડ્યો. પહેલા અમુક વેસ્ટર્ન કન્ટ્રીઝ અને અંતે, 1984-85માં ભારત સરકારે મારીજૂઆનાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો. અને જગતભરમાં શરૂ થયું ડ્રગ્સ માફિયાઓનું રાજ. કુદરતી ગાંજાની લતે ચડી ગયેલા લોકોની તલબ દૂર કરવાનો ગેરકાયદેસર વેપલો કેમિકલ યુક્ત ડ્રગ્સમાં પરિવર્તિત થયો.

જો કે અમેરિકા અને બીજા વેસ્ટર્ન દેશોમાં લેવાય છે એ ફોકિસ મીથોક્સિ, ડ્રેગન ફ્લાય, હૂંગા અને અરબી ચાય જેવા ડ્રગ્સ હજી ભારત સુધી ખાસ પહોંચ્યા નથી. (સોમાલિયાના આતંકવાદીઓ અતિશય શક્તિશાળી બનવા માટે અરબી ચાયનો ભરપૂર ઉપયોગ કરે છે.) ભારતના સેલિબ્રિટીઓ અને શ્રીમંત નબીરાઓ જેના રવાડે ચડ્યા છે એવા મુખ્ય ડ્રગ્સ LSD, મેન્ડ્રેક્સ અને મારીજૂઆનાની અમુક ઇફેક્ટસ અને સાઈડ ઇફેક્ટસ જાણી લેવા જેવી છે.

મેન્ડ્રેક્સમાં રહેલું મિથાકવિલોન ઊંઘ અને હિપ્નોટિક ઇફેક્ટ માટે, LSD- લિસર્જિક એસિડ ડાયઇથાઇલ્ડેમાઇડ હેલ્યુજીનેશન અસર માટે અને, મરિજૂઆનામાં રહેલું THC-ટેટ્રાહાઇડ્રોકેનોબિનોલ ચિંતામુક્ત થવા માટે નશેડીઓ લેતા હોય છે. આ તમામ સાયકોડેલિકસ એજન્ટ અથવા તો સાયકોએક્ટિવ ડ્રગ્સ લેતા જ દિમાગમાં રહેલા સેરેટોનિન સાથે મિક્સ થઈને માણસને એ કાલ્પનિક આનંદ આપે છે, જે એની નોર્મલ માનસિક સ્થિતિમાં એ અનુભવી શકતો નથી. પરિણામે શરૂઆતમાં આનંદ અને શાંતિની અનુભૂતિ માટે અને પછી વ્યસન તરીકે માણસનું મગજ સતત આ ડ્રગ્સ માટે તલબ અનુભવતા રહે છે. (ડ્રગ્સના એક ડોઝની માંગણી માટે ઘણા યુવાનો ચોરી, લૂંટફાટ કે ખૂનખરાબા પર પણ ચડી ગયા હોવાની ઘટનાઓ આપણી આસપાસ બનતી રહે છે.)

ભારતના થોડા (માત્ર થોડા જ.) સદભાગ્યે ઉપર્યુક્ત ખતરનાક ડ્રગ્સને બદલે મોટેભાગે મારીજૂઆનાનો નશો જ વ્યસનની ફેશનમાં ભેરવાયો છે. એનું કારણ એની પ્રમાણમાં સસ્તી કિંમત અને આસાનીથી ઉપલબ્ધિ હોઈ શકે. છતાં એની સાઈડ ઇફેક્ટસમાં આંખે ધૂંધળું દેખાવું, બોલવામાં જીભે લોચા વળવા, ચક્કર અને અશકિત જેવી તકલીફોનો ભોગ બની શકાય છે. બાકી અન્ય ડ્રગ્સના ઓવરડોઝમાં તો નપુંસકતા, હૃદયરોગ, કિડની ફેઈલયોર કે મૃત્યુ પણ થઈ શકે છે.

જો કે અમુક વૈજ્ઞાનિકોએ દાવા કર્યા છે પણ ખરા કે આ ડ્રગ્સ યોગ્ય માત્રામાં લેવામાં આવે તો એનાથી કલ્પનાશક્તિ, ઇમ્યુનિટી અને આત્મવિશ્વાસમાં ઘણો સુધારો શક્ય બને છે. (આ કદાચ સાચું હોય તો પણ એના વિશે વિગતે લખીએ તો વાંદરાને નિસરણી બતાવવા જેવું થાય.)

આમ ડ્રગ્સનો ભૂતકાળ, અને એના લખણો જાણ્યા પછી આપણે હવે સમજીએ કે 1984-85માં રાજીવ ગાંધીની સરકારે ગાંજા-મારીજૂઆના સહિતના ડ્રગ્સ પર પ્રતિબંધ મૂકીને, NCB- નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને મેદાનમાં લાવ્યું ત્યારથી આજ સુધી ભારતમાં એનો ગેરકાયદેસર ખેલ કેવોક ચાલે છે???

ભારતમાં મુંબઈ અને દિલ્હીના યુવાનો ડ્રગ્સને રવાડે છેલ્લા ત્રીસેક વરસથી ચડ્યા છે. (પાપી પશ્ચિમની નકલખોરી?) પંજાબ તો ડ્રગ્સનું ધામ છે એ આપણે ‘ઉડતા પંજાબ’ જેવી ફિલ્મોમાં જોઈ જ લીધું. એ સિવાય સુરત, અમદાવાદ, બેંગ્લોર જેવા મેટ્રોપોલિટન શહેરો સુધી આ દુષણ સારા એવા પ્રમાણમાં પહોંચી ગયું છે અને ભયજનક રીતે વ્યાપાર-પ્રચાર વધી રહ્યો છે.

ટુરિસ્ટ સ્પોટસમાં ઋષિકેશનું નામ ગાંજા માટે બહુ બદનામ છે. તો નોર્થમાં કસોલ ‘મીની ઇઝરાયેલ’ કહેવાય છે કારણ કે ઇઝરાયેલી ટુરિસ્ટસના કારણે ડ્રગ માફિયાઓ ત્યાં પણ પહોંચી ગયા છે. કુલુ-મનાલીની ‘પાર્વતી વેલી’ જે ચરસના ઉત્પાદન માટે પ્રખ્યાત છે ત્યાં ‘મલાના ક્રીમ’ તરીકે નશાખોર પ્રવાસીઓ માલતા રહે છે.

પંજાબમાં અફીણનું ગેરકાયદેસર વાર્ષિક ટર્નઓવર લગબગ 7500 કરોડ જેટલું મનાય છે. આ સિવાય સ્મેક, હેરોઇન, કોકેઇન જેવા ખતરનાક ડ્રગ્સના મુખ્ય સપ્લાયર્સ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇરાક છે. આ દુષણ ફક્ત પંજાબ પૂરતું સીમિત ના રહેતા મુખ્ય ઉત્પાદક તરીકે અફઘાન અને ઈરાનના રોલ ઉપરાંત મુખ્ય વિલન પાકિસ્તાન પંજાબની 550 કિમી લાંબી બોર્ડર પરથી આખા ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરે છે. ડ્રગ્સ સપ્લાયનો આ આખો રૂટ ‘ગોલ્ડન ક્રેસન્ટ’ તરીકે ઓળખાય છે. વિદેશમાં મ્યાનમાર, થાઈલેન્ડ અને લાઓસ જેવા દેશોને જોડતી ડ્રગ્સ સપ્લાયની કડીનો રૂટ ‘ગોલ્ડન ટ્રાયેન્ગલ’ તરીકે ઓળખાય છે.

સ્ટુડન્ટસનો મેળાવડો હોય એવું શહેર કોટામાં તો નશેડી વિદ્યાર્થીઓ અને મવાલીબ્રાન્ડ વિધાર્થીઓન સપ્લાયર તરીકે હોવાથી દરરોજ 40-50 લાખનું ડ્રગ્સ ખપી જાય છે. બચ્ચા, ડિબિયા, ટીકીટ, માલ જેવા કોડવર્ડ સાથે (NCB ની પકડમાં ના આવ્યા હોય એવા બીજા ઘણા કોડવર્ડ પણ હશે જ!) વોટ્સએપ ગ્રુપથી લઈને હોમડિલિવરી સુધીની પદ્ધતિઓથી ડ્રગ્સ આસાનીથી મળતું રહે છે.

આપણા અમુક ગંજેરી બાવાસાધુઓ ચિલ્લ્મ( ગાંજા અને તમાકુનું મિશ્રણ) ફૂંકી ફૂંકીને જ કદાચ અધ્યાત્મની કે પરમજ્ઞાનની દુનિયામાં પહોંચી ગયા હશે કે એવો ભ્રમ પાળી બેઠા હશે. કેટલાક બનાવટી તકસાધુઓ તો હવે તો પાક્કા નશેડી ગયા હશે. પણ કદાચ કોઈ વિદ્વાન સાધુસંતોએ જો ગાંજાનો 5000 વર્ષનો ઇતિહાસ ભણાવ્યો હોત કે કોઈ પ્રખર પંડિત સોમરસ કે અમૃત પીને અમર થવા વિશે સાચી માહિતીનો નિચોડ આપણને આપી ગયા હોત તો કદાચ પરિસ્થિતિ જુદી હોત! અને જો આપણા યુવાનો-સેલિબ્રિટીઓ જો પાપી પશ્ચિમને રવાડે ના ચડ્યા હોત ! (જે બાબતમાં પશ્ચિમનું અનુકરણ કરવા જેવું છે એ તરફ આપણી નજર જતી જ નથી.) તો આજે ભારતમાં આ દૂષણ વકર્યું ના હોત…

અને…આપણે બધા સુશાંત, રિયા, દીપિકા વિશે ન્યૂઝચેનલોમાં પડ્યા પાથર્યા રહીને, બે ચાર મહિના માથા મારી મારીને મગજમાં ઘોબા ના પાડ્યા હોત!😉

ડો.ભગીરથ જોગિયા

 
1 Comment

Posted by on September 30, 2020 in history, india, science, youth

 

One response to “સંજય દત્તથી લઈને સુશાંત સુધી, ઓબામાથી લઈને અઘોરીઓ સુધી, ચાલો ડ્રગ્સની દુનિયામાં જ્ઞાનની ડૂબકી લગાવીએ ઇતિહાસથી લઈને વર્તમાન સુધી…

  1. bimalvyas

    September 30, 2020 at 4:43 PM

    Informative .👍👌

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: