RSS

Daily Archives: September 7, 2020

ક્રિકેટનાં લિજેન્ડ એમ.એસ.ધોની ઉર્ફે માહીભાઈની મેદાનની અંદર-બહારની કેટલીક જાણી અજાણી વાતો:

-ધોનીની બાયોપિકમાં સુશાંત સિંહ રાજપૂત કેમ? 2015માં નીરજ પાંડેને ભારતીય ક્રિકેટના લિજેન્ડ એમ.એસ. ધોની પર ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. ધોનીના ફ્રેન્ડ અરુણ પાંડે એ નીરજ પાંડેના મગજમાં આ વિચાર ઇન્સ્ટોલ કરેલો. ધોનીએ ફિલ્મ બનાવવાની મંજૂરી આપ્યા પછી નીરજ પાંડે એ જ્યારે સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે ધોનીએ પહેલો સવાલ એ પૂછ્યો કે મારો રોલ કોણ કરશે? ત્યારે નીરજ પાંડે એ આત્મકથા સ્પેશિયાલિસ્ટ અક્ષય કુમારનું નામ સજેસ્ટ કર્યું. નીરજ પાંડે સાથે બેબી, સ્પેશિયલ છબ્બીસ જેવી હિટ ફિલ્મો આપી ચૂકેલા અક્ષય કુમાર આ ફિલ્મ માટે હોટ ફેવરિટ ગણાતા હતા. પણ ધોનીએ વચ્ચેથી જ વાત કાપીને નીરજ પાંડેને કહ્યું કે સુશાંત સિંહ રાજપૂતને ટ્રાય કરીએ તો કેમ રહેશે? અને પછી ‘એમ.એસ.ધોની: ધી અનટોલ્ડ સ્ટોરી’માં અને સુશાંતે કેવો ઇતિહાસ રચ્યો એ જગજાહેર છે.

-સાક્ષી જે હોટેલમાં ઇન્ટર્નશીપ કરતી હતી એ ઔરંગાબાદની હોટેલના મેનજરે ઇન્ટર્નશીપ પુરી થયા પછી એક ફેરવેલ પાર્ટી આપેલી. ત્યારે ધોનીને એ પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું અને મેનેજરે ધોની અને સાક્ષીની ઓળખાણ કરાવી હતી. ધોની અને સાક્ષી આમ તો સ્કૂલમાં સિનિયર-જુનિયર હોવાથી એકબીજાને ઓળખતા જ હતા. પણ આ મુલાકાતને એક ફોર્માલિટી સમજીને સાક્ષી તો ભૂલી ગઈ. કારણ કે ક્યાં વિશ્વભરમાં નામ કાઢી ગયેલો એક ટોપ લેવલનો સેલિબ્રિટી અને ક્યાં એક હોટેલ મેનેજમેન્ટની સ્ટુડન્ટ! પણ આપણા માહીભાઈ આ મુલાકાત ભૂલી ના શક્યા અને એણે સાક્ષીને મેસેજીસનો મારો શરૂ કરી દીધો. સાક્ષીને શરૂઆતમાં લાગ્યું કે કોઈ દોસ્ત મજાક કરતો હશે. પણ જ્યારે એને ખાતરી થઈ કે મેસેજવીર તો ગબ્બર પોતે જ છે ત્યારે એને નવાઈ લાગી. અને એ લવસ્ટોરી મેરેજ સુધી પહોંચ્યા પછી આજે દસ વર્ષે પણ પતિ-પત્નીનો પ્રેમ અગાઢ છે.

-2011ના વર્લ્ડકપ પહેલા બેંગ્લોરની એક ફલાઇટ કલબે ભારતીય ક્રિકેટ ટીમને કોઈક સેરેમની માટે આમંત્રણ આપેલું. ત્યારે ટીમના કોચ ગેરી કર્સ્ટન હતા. એ કલબના નિયમ પ્રમાણે કોઈ વિદેશીને કલબમાં એન્ટ્રી ના મળી શકે. પણ ધોનીએ કર્સ્ટન માટેની લાગણી ખાતર ક્લબનું નોતરું જ ઠુકરાવી દીધું. કર્સ્ટન આજે પણ એ વાતને યાદ કરીને કહે છે કે સબંધ નિભાવતા કોઈ ધોની પાસેથી શીખે.

-2016 ટવેન્ટી ટવેન્ટી વર્લ્ડકપમાં બાંગ્લાદેશના ક્રિકેટર શબ્બીર રહેમાનને ધોનીએ જે રીતે ચિત્તા જેવી દોડ લગાવીને આઉટ કર્યો ત્યારે રહેમાનને ધોની માટે લવહેટની લાગણી થઈ ગઈ. બેય વચ્ચે સારી એવી ગુરુશિષ્ય જેવી દોસ્તી થઈ ગઈ. રહેમાને એકવાર મજાકમાં ધોનીને કહ્યું કે તમારા જેવા સિક્સ મારવાની ટિપ્સ આપો. અને બની શકે તો તમારું બેટ પણ આપો. ધોનીએ હસતા હસતા કહ્યું કે સબ ખેલ કોન્ફિડન્સ કા હૈ… પછી રહેમાનને સરપ્રાઈઝ થાય એ રીતે ધોનીએ પોતાનું બેટ ગિફ્ટ કર્યું અને શરત મૂકી કે ભારત સામેની મેચ સિવાય તમામ ટીમો સામે આ બેટ વાપરી શકે છે.

-આજે આપણો હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર તરીકે ક્રિકેટની દુનિયા હચમચાવી રહ્યો છે. પણ 2016 માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓસ્ટ્રેલિયા સામેની જ મેચમાં બોલર તરીકે હાર્દિકના હાંજા ગગડી ગયેલા. પહેલી જ ઓવરમાં ત્રણ વાઈડ ફેંકીને ઓગણીસ રન આપીને ધોવાઈ ગયેલા હાર્દિકને લાગ્યું કે આપણી કરીઅર હવે અહીંયાંથી જ પુરી. પણ ધોનીએ કોઈ લાંબી સલાહ આપ્યા વગર એની અસ્સલ સ્ટાઈલમાં હાર્દિક પાસે આવીને કહ્યું કે તું બસ ઇતના યાદ રખ કી તું ભારત કે લિયે ખેલ રહા હૈ….પછી તો એ જ મેચમાં હાર્દિકે બે કંગારુઓને પેવેલિયનમાં મોકલી આપ્યા. આ કબૂલાત પણ ખુદ હાર્દિકે જ એક ઇન્ટરવ્યૂમાં કરેલી.

-રોહિત શર્મા આજે વિશ્વનો શ્રેષ્ઠ ઓપનર ગણાય છે. પણ એક સમયે એનું સ્થાન બારમાં ખેલાડી તરીકે પણ જોખમમાં હતું. રોહિતના શબ્દોમાં…”2011નો વર્લ્ડકપ હું ગુમાવી ચુક્યો હતો. 2013 ચેમ્પિયન્સ ટ્રોફી વખતે મુરલી વિજય-શિખર ધવન એસ્ટાબ્લીશ થઈ ચૂક્યા હતા. વળી, ચોથા નંબરે કાર્તિક પણ પ્રેક્ટિસ મેચોમાં બે સેન્ચુરી ફટકારી ગયો હતો. મારે તો પાંચમા, છઠ્ઠા કે સાતમા કોઈ પણ નંબરે બસ રમવું જ હતું. ત્યાં ધોનીએ એને પર્સનલ મળીને પૂછ્યું કે તું ઓપનિંગમાં ઉતરે તો કેમ રહેશે? અને મેં ગભરાતા ગભરાતા હા પાડી દીધી….આજે રોહિત વગર આપણી બેટિંગની કલ્પના પણ આવે છે?

-2011 વર્લ્ડકપની ફાઈનલમાં સચિન, સેહવાગ અને કોહલી આઉટ થયા પછી દરેક ક્રિકેટ પ્રેમીને ઇંતેજારી યુવરાજ માટે હતી. આખી ટુર્નામેન્ટમાં ઓલરાઉન્ડર દેખાવ કરીને યુવરાજે બહુ આશા જન્માવી હતી. પણ બધાના આશ્ચર્ય વચ્ચે યુવરાજને પેડ બાંધેલી હાલતમાં પેવેલિયનમાં જ રાખીને ધોની મેદાનમાં ઉતર્યો. એ મેચમાં એણે કેવી રીતે ભારતને વિશ્વવિજેતા બનાવ્યું એ તો સૌ કોઈ જાણે જ છે. પણ પાછળથી એનાલિસિસમાં ઘણા મોટા માથાઓને એમ લાગ્યું કે ધોનીએ હીરો બનવા માટે આમ કર્યું હશે! ધોનીએ તો ક્યારેય આખી બાબતની ચોખવટ ના કરી. પણ નજીકના અંગત સૂત્રોએ ધોનીના મનની વાત જાહેર કરી કે ભારતે શ્રીલંકા સામેની ફાઇનલમાં વચ્ચેની ઓવરોમાં વિકેટ રખાવી બહુ જરૂરી હતી. અને એના માટે ફરજીયાત નિયમ એ હતો કે મુરલીધરન અને પરેરા જેવા બોલર્સની ઓવરોમાં ટકી રહેવું. ધોની તો આ બોલરો સાથે આઈપીએલમાં રમી ચુક્યો હતો અને એક જ ટીમમાં હોવાથી આ બન્નેની રગેરગ જાણતો હતો. ધેટ્સ વ્હાય…..

-2007 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામેની ફાઈનલ મેચમાં આખા દેશનો શ્વાસ અઘ્ધર થઈ ગયેલો, ત્યારે ધોનીએ પાકિસ્તાનીઓને પણ નવાઈ લાગે એ રીતે નવાસવા જોગિંદર શર્માને આખરી ઓવર આપેલી. જો કે મિસબાહ શ્રીસંતને કેચ આપી બેઠો અને ભારતે ક્રિકેટની દુનિયામાં વર્લ્ડ ચેમ્પિયન તરીકે નવા પાયા નાંખ્યા. પણ જો પાકિસ્તાન જીતી ગયું હોત તો??? ધોની અને જોગિંદર બન્નેએ પ્રેસ કોન્ફરન્સમાં કબૂલાત કરેલી કે આ નિર્ણય પાછળ બહુ ઊંડા પ્લાનિંગ જ નહોતા. મિસબાહે હરભજનને આગલી જ ઓવરમાં બહુ ક્રૂર રીતે ઝૂડી નાંખેલો. એમ પણ મિસબાહ સ્પિનરોને ગાંઠતો નથી. એટલે ઓપશનના અભાવે જોગિંદરને ઓવર આપવાનું નક્કી કર્યું. માહીએ જોગિંદરને આશ્વાસન આપતા કહ્યું કે જો ભારત હારી જશે તો પુરી જવાબદારી મારી….અને રેસ્ટ ઇઝ ધી હિસ્ટ્રી…

We_Will_Miss_You_Mahi

-ડો.ભગીરથ જોગિયા

 
Leave a comment

Posted by on September 7, 2020 in fun, india, inspiration, life story

 
 
%d bloggers like this: