RSS

ડિજીટલ પેન્ડેમિક: એક વિડીયોગેમમાં અકસ્માતે ફાટી નીકળેલા રોગચાળામાંથી મળેલો મહત્વનો બોધપાઠ

27 Aug

આજનાં કોવિડ-૧૯ પેન્ડેમિક સમયે માનવ પ્રતિક્રિયાનું પ્રતિબિંબ પંદર વર્ષ પહેલાં એક વિડીયોગેમની આભાસી દુનિયામાં સર્જાયેલા ડિજીટલ પેન્ડેમિકમાં જોવા મળેલું.

ગેસ્ટ સ્પેશ્યલ આર્ટિકલ


કોવિડ-૧૯ જેવો રોગચાળો જ્યારે ફાટી નીકળે ત્યારે એનો ઇલાજ, સારવાર અને વેક્સિન માટેનાં પ્રયત્નો તો પૂરજોશમાં ચાલે જ. પણ એ સાથે એ રોગચાળા સામે સામાન્ય પ્રજાની પ્રતિક્રિયાઓ સમજવાનું પણ એટલું જ જરૂરી છે. લોકોની પ્રતિક્રિયા કેવી હશે એની અગાઉથી જાણ હોય તો લોકડાઉન, ક્વૉરન્ટીન, સોશ્યલ ડિસ્ટન્સિંગ વગેરેનું આયોજન સફળતાથી થઇ શકે. અને લોકોની પ્રતિક્રિયાઓ સમજવા માટે અગાઉનાં એપેડમિક્સનો અભ્યાસ કરવો પડે.

સ્પેનિશ ફ્લૂ, સાર્સ, સ્વાઇન ફ્લૂનાં ઉદાહરણો તો દુનિયા સામે છે જ, પણ એ સિવાય આજથી પંદર વર્ષ પહેલાં ૨૦૦૫માં એક એવું પેન્ડેમિક આવેલું કે જેણે અત્યારનાં કોરોના વાયરસ આઉટબ્રેકમાં નિષ્ણાતોને સંશોધન માટે ઉત્તમ સામગ્રી પૂરી પાડેલી. આ પેન્ડેમિકનું નામ હતું ‘કરપ્ટેડ બ્લડ’, જેનો લાખો લોકો ભોગ બનેલા! પણ રિયલ લાઇફમાં નહિં, વર્ચ્યુઅલી. આ પેન્ડેમિક શરુ થયેલું અત્યંત લોકપ્રિય એવી વર્લ્ડ ઓફ વૉરક્રાફ્ટ નામની ઓનલાઇન વિડીયો ગેમમાં. એ સમયે અંદાજે ચાલીસ લાખ જેટલાં પ્લેયર્સ સક્રિય રીતે આ ગેમ સાથે જોડાયેલાં.

રસપ્રદ વાત એ છે કે, વિડિયો ગેમમાં હોવા છતાં આ આઉટબ્રેક કૃત્રિમ નહોતો પણ એકદમ ઓર્ગેનિક હતો. એટલે કે, વિડીયો ગેમ પોતે એવી રીતે ડિઝાઇન નહોતી થયેલી કે, પ્લેયર્સને કોઇ રોગચાળામાંથી બચવાનું ટારગેટ આપેલું હોય, પણ ગેમ બનાવનાર કંપની બ્લિઝાર્ડ એન્ટર્ટેઇનમેન્ટની પ્રોગ્રામિંગની ભૂલનાં લીધે એમની જાણ બહાર ગેમની આભાસી દુનિયામાં આ રોગચાળો ફાટી નીકળ્યો. અને આપણી ન્યુઝ ચેનલોની ભાષામાં કહીએ તો અફરા તફરી મચી ગયેલી.

આખી ઘટનાને વિસ્તારથી સમજતાં પહેલાં, આ ગેમ વિશેની થોડીક પ્રાથમિક માહિતી જાણવી જરૂરી છે. વર્લ્ડ ઓફ વૉરક્રાફ્ટ એ MMORPG એટલે કે, Massively multiplayer online role-playing game પ્રકારની વિડીયો ગેમ છે. એટલે આમાં બે, ત્રણ, ચાર નહિં પણ હજારો-લાખો લોકો એકસાથે ઇન્ટરનેટ દ્વારા જોડાઇને આ ગેમ એકસાથે રમી શકે. રોલ-પ્લેઇંગ એટલે દરેક પ્લેયરને ગેમમાં એક કેરેક્ટરનો રોલ ભજવવાનો હોય છે. દરેક કેરેક્ટરની પોતાની આગવી વિશેષતા હોય.

ગેમ શરૂ કરતાં પહેલાં પ્લેયરે પોતાનું કેરેક્ટર પસંદ કરવાનું. વર્લ્ડ ઓફ વૉરક્રાફ્ટમાં કેરેક્ટરનાં મુખ્ય ત્રણ પ્રકાર હોય છે: ટેન્ક, ડેમેજ ડીલર અને હીલર. ટેન્ક પ્રકારનાં પ્લેયર્સ દુ:શ્મનોનો માર ઝીલે. ડેમેજ ડીલર્સ દુ:શ્મનો દ્વારા થતા નુક્શાનનું સંતુલન કરે. અને હીલર્સ સારવાર કરીને બીજા કેરેક્ટર્સને સાજા કરે. આ બધાય પ્રકારનાં રોલ્સનું બેલેન્સ જળવાય એ રીતે પચીસ-પચાસ પ્લેયર્સ ભેગા થઇને ગીલ્ડ (ટીમ) બનાવે, જરૂરી સાધન સામગ્રી ભેગી કરે અને પછી નીકળી પડે એક મિશન માટે. બધાયનું ટીમવર્ક જેટલું સારું એટલી વધુ સફળતા મળે.

હવે મૂળ ઘટનાક્રમ પર આવીએ. સપ્ટેમ્બર ૧૩, ૨૦૦૫ના દિવસે બ્લિઝાર્ડ એન્ટરટેઇનમેન્ટે આ ગેમમાં અપડેટ રીલીઝ કર્યો. અને એમાં આ ગેમની આભાસી દુનિયામાં એક આખો નવો એરિયા ઉમેર્યો, જેનું નામ હતું ઝુલ-ગરબ. આ ઝૂલ-ગરબમાં જીતવા માટે ઉપર કહ્યું એ રીતે તૈયાર કરેલી ટીમે ઘણાંબધા દુ:શ્મનોને હરાવીને છેલ્લા સુપરવિલનનો સામનો કરવાનો આવે જેનું નામ, હક્કાર – ધ સૌલફ્લેયર.

હક્કાર – ધ સૌલફ્લેયર

‘કરપ્ટેડ બ્લડ’ એ આ હક્કારનો એક સુપરપાવર છે. એની સામેની લડાઇ વખતે એ થોડી થોડી વારે આ સુપરપાવરનો ઉપયોગ કરે અને ટીમમાંથી કોઇ એક પ્લેયરને એ બિમારી આપે, જેનાથી એનું લોહી શોષાય અને પોતે વધુ શક્તિશાળી બને. એટલું જ નહિં, પણ આ બિમારી પાછી ચેપી. એટલે એ પ્લેયરની આસપાસનાં પ્લેયર્સને એનો ચેપ લાગે! એના લીધે ટીમમાં જેના પર આ ‘કરપ્ટેડ બ્લડ’નો હુમલો થાય એણે બીજા બધાય પ્લેયર્સથી દૂર ભાગીને ટેમ્પરરી ક્વૉરન્ટીન થઇ જવું પડે અને પછી હીલર રોલ વાળો પ્લેયર આવીને એની સારવાર કરે. એ સાજો થાય પછી જ બીજા મેમ્બર્સ સાથે મળીને લડવાનું ચાલુ કરી શકે. જો સમયસર સારવાર ના થાય તો એ કેરેક્ટરનું રામનામ સત્ય હૈ પણ થઇ શકે.

ગેમમાં પ્લેયર્સને મદદ કરવા માટે અલગ અલગ વિશેષતા અને શક્તિ ધરાવતાં જાનવર પણ હોય, જેમને જરૂર પ્રમાણે બોલાવીને કામ પૂરું થયે ડિસમિસ કરી શકાય. જેમ કે, હક્કાર સામે ની લડાઇમાં હન્ટર કે વૉરલોક પ્રકારનાં પેટ્સનો ઉપયોગ થઇ શકતો. કરપ્ટેડ બ્લડનો ચેપ ખાલી પ્લેયર્સને જ નહિં, પણ આ જાનવરોને પણ લાગે. ગેમની મૂળ ડિઝાઇન પ્રમાણે આ જાનવરને ડિસમિસ કરીએ એટલે ચેપ જતો રહેવો જોઇએ. જેથી બિમારી ઝૂલ-ગરબ એરિયા સુધી સિમિત રહે અને બીજા એરિયામાં ના ફેલાય.

પણ ગેમનાં પ્રોગ્રામિંગમાં એક ચૂક રહી ગયેલી. એટલે થયું એવું કે, ચેપગ્રસ્ત જાનવરને ડિસમિસ કર્યા પછી ઝૂલ-ગરબમાંથી બહાર નીકળી જઇએ. પણ એ જ જાનવરને ફરીથી બોલાવીએ તો એનો ચેપ ફરીથી એક્ટીવેટ થઇ જાય. અને એ ફરીથી બિમારીનાં કેરિયર તરીકે કામ કરે. એટલે ‘કરપ્ટેડ બ્લડ’નો રોગ માત્ર ઝૂલ-ગરબ પૂરતો સિમિત રહેવાની જગ્યાએ આભાસી દુનિયાનાં બીજા એરિયામાં પણ ફેલાવા લાગ્યો.

હવે આ ગેમમાં ખંધા ખેલાડીઓ કે જે ઉપલા લેવલ પર પહોંચી ચૂક્યા છે એમની હેલ્થલાઇન વધુ હોવાથી આ બિમારીમાંથી જલ્દી સાજા થઇ જાય, પણ જે નીચલા લેવલનાં પ્લેયર્સ પાસે હેલ્થલાઇન ઓછી હોવાથી ઉકલી જાય. આના લીધે નીચલા લેવલનાં પ્લેયર્સ માટે ગેમમાં ટકવું જ અશક્ય થઇ ગયું. જેમ અત્યારે કોવિડ-૧૯ ઓછી રોગપ્રતિકારક શક્તિ વાળા કે અગાઉથી ડાયાબિટીસ જેવી બિમારી ધરાવતાં દર્દીઓ માટે વધુ ઘાતક સાબિત થઇ શકે છે એમ જ.

એ ઉપરાંત ગેમમાં અમુક નોન-પ્લેયર કેરેક્ટર્સ હોય જે ગેમનો ભાગ હોય પણ એ સ્વયંસંચાલિત હોય, કોઇ પ્લેયર્સ દ્વારા કંટ્રોલ ના થતાં હોય. દા.ત. હથિયાર બનાવતો લુહાર કે ચીજ-વસ્તુઓ વેચતો દુકાનદાર. ગેમમાં આ કેરેક્ટર્સ એવી રીતે ડેવલપ થયેલાં કે એ મરે નહિં. પણ પ્રોગ્રામિંગની ચૂકને લીધે એમને ઇન્ફેક્શન લાગી શકે અને એ પણ કેરિયર તરીકે વર્તે. જાણે મજબૂત રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં એસિમ્પ્ટોમેટિક કેરિયર્સ.

આ રીતે ‘કરપ્ટેડ બ્લડ’નો રોગ જોતજોતામાં ઝૂલ-ગરબની બહાર વર્લ્ડ ઓફ વૉરક્રાફ્ટની આખી દુનિયામાં ફેલાઇ ગયો અને ટપોટપ લાશો પડવા લાગી! ઘણાં પ્લેયર્સ કે જે હક્કાર સુધી તો ઠીક, ઝૂલ-ગરબમાં પણ ગયા નહોતાં એમનાંય કેરેક્ટર અચાનક ટપોટપ મરવા લાગ્યાં અને આખેઆખા શહેરો હાડપીંજરોનાં ઢગલાઓથી ભરાવા લાગ્યા! જેમ કોરોના વાયરસનો હાલપૂરતો કોઇ ચોક્કસ ઉકેલ નથી, એમ જ આ ‘કરપ્ટેડ બ્લડ’ માટેનો પણ શરૂઆતમાં કોઇ ઉકેલ નહોતો. તો હવે કરવું શું?

કરપ્ટેડ બ્લડથી થયેલો વિનાશ

એક ઉપાય એ હતો કે, ‘હીલર’ નો રોલ ભજવી રહેલાં પ્લેયર્સ ઇન્ફેક્ટેડ લોકોની સારવાર કરી આપે. પણ એમની સારવાર કરવામાં હીલર્સને પોતે પણ ઇન્ફેક્શન લાગવાની શક્યતા હતી. છતાંય ઘણાં ‘હીલર્સ’ સ્વેચ્છાએ જ પોતાનાં આભાસી જીવ અને વાસ્તવિક મોજને દાવ પર લગાવી બીજા પ્લેયર્સની સારવાર કરવા પહોંચી ગયેલાં. એક્ઝેક્ટલી લાઇક આપણાં ફર્સ્ટ રિસ્પોન્ડર્સ અથવા ફ્રન્ટલાઇન વર્કર્સ, કે જે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ મહિનાઓથી દર્દીઓનો ઇલાજમાં જોડાયેલાં છે.

એની સાથે બીજો રસ્તો હતો: ‘ક્વૉરન્ટીન’. જેમ અત્યારનાં પેન્ડેમિકમાં શરદી-ઉધરસ-તાવ જેવા લક્ષણો હોય એમને ક્વૉરન્ટીન થવાની સલાહ અપાય છે, એમ જ બ્લિઝાર્ડ એન્ટરટેઇનમેન્ટે પણ એવી અપીલ કરેલી કે જે પ્લેયર્સ ‘કરપ્ટેડ બ્લડ’ થી ઇન્ફેક્ટેડ હોય એ બધાએ પોતાનાં ઓનલાઇન સ્ટેટસમાં પોતે ઇન્ફેક્ટેડ હોવાનો ઉલ્લેખ કરવો કે જેથી બીજા હેલ્ધી પ્લેયર્સ એમનાંથી દૂર રહે. ઘણાં પ્લેયર્સ સ્વસ્થ હોવા છતાંય પોતાની રીતે જ ક્વૉરન્ટીન થઇ ગયેલાં. તો કેટલાંક બીજા પ્લેયર્સની મદદ માટે પણ કૂદી પડેલાં.

પણ આ બધાયમાં કેટલાંક અળવીતરાઓ પણ હતાં કે, જે જાણી જોઇને બીજા શહેરોમાં જઇને પેલા ઇન્ફેક્ટેડ પેટ્સને પાછા બોલાવીને બીજા લોકોને ચેપ લગાડીને મજા લેતાં. અમુક ઉપલા લેવલ પર પહોંચેલાં ઇન્ફેક્ટેડ પ્લેયર્સ પોતાનું ઓનલાઇન સ્ટેટસ બદલ્યા વગર જાણીજોઇને ઇન્ફેક્શન ફેલવતાં. રીયલ લાઇફ પેન્ડેમિકમાં પણ અમુક લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગને અવગણીને ફરવા નીકળી પડતાં હોય છે એમ જ. થોડાં વખત પહેલાં સમાચારમાં આવેલું કે એક આવળચંડો ગ્રોસરી સ્ટોરમાં જઇને વસ્તુઓને ચાંટી આવતો. ટેક્સાસમાં અમુક લોકોએ તો વળી કોરોના પાર્ટી કરેલી!

પરિણામે આ બધાય ઉપાયો નિષ્ફળ ગયા અને છેવટે અઠવાડીયા પછી બ્લિઝાર્ડે એમનાં સર્વર રીસેટ કરવા પડેલા. પણ રીયલ લાઇફમાં એ શક્ય નથી. પણ આ આભાસી દુનિયા અને વાસ્તવિક દુનિયાનાં પેન્ડેમિક્સમાં કોઇ સમાનતા છે, તો એ લોકોની વર્તણુકમાં છે. અને એમાંથી અમુક મહત્વનાં મુદ્દા શીખવા મળે છે:

  • અમેરિકા જેવા દેશનાં ઘણાં લોકો જેની હિમાયત કરે છે એ રીતની, ફરજીયાત લોકડાઉનને બદલે પ્રજાને પોતાની મરજીથી સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાની સ્વતંત્રતા સફળ થઇ શકે નહિં.
  • ચેપગ્રસ્ત લોકોને સરકાર જાતે જ (મોટાપ્રમાણમાં ટેસ્ટિંગ દ્વારા) ઓળખીને અલગ ના તારવે, તો રોગ ફેલાતો અટકાવી શકાય નહિં.
  • આ દુનિયામાં પરપીડન વૃત્તિ ધરાવતાં અળવીતરાઓ હોય છે, તો સાથે સોનુ સૂદ જેવા પરોપકારીઓ પણ હોય છે. જો સરકારો આવા મદદનીશ લોકોનાં કામને વ્યવસ્થિત રીતે ચેનલાઇઝ કરી શકે તો સામાન્ય પ્રજાને પડતી તકલીફોમાં ઘણી રાહત આપી શકાય છે.

વર્લ્ડ ઓફ વૉરક્રાફ્ટ ગેમનાં ફેનમાંથી કેટલાંક રોગચાળાશાસ્ત્રનાં નિષ્ણાતો પણ હતાં અને એમણે પોતે આ ‘કરપ્ટેડ બ્લડ’ની ઘટના નજરે જોયેલી. એમને આ ઘટના રસપ્રદ લાગતાં એના વિશે રીસર્ચ પેપર્સ લખેલાં, કે જેથી ભવિષ્યનાં વાસ્તવિક પેન્ડેમિકમાં એનો સંદર્ભ લઇ શકાય. એ વખતે તો કોણે વિચાર્યું હશે કે, પંદર વર્ષ પછી એમનું રીસર્ચ આટલું સુસંગત સાબિત થશે!

નોંધ: ‘કરપ્ટેડ બ્લડ’ની ઘટના વિશે મેં તાજેતરમાં ‘Wild Wild Tech’ નામનાં પોડકાસ્ટમાં સાંભળ્યું. ઉપરનું વિષ્લેષણ આ પોડકાસ્ટમાંથી મળેલી માહિતી પરથી મેં મારી રીતે કર્યું છે.

~ પર્યંક કંસારા

રીડરબિરાદર પર્યંક કંસારા અમેરિકામાં રહીને ય ફાંકડી ગુજરાતીમાં લખી છે. ટેકનોલોજીની વાતો પણ રસપ્રદ વાર્તાની જેમ સમજાવી શકે છે. આધુનિક મિજાજથી મસ્તમૌલા રમૂજ તો એમની હથોટી છે. એમનું JVpedia માં હાર્દિક સ્વાગત છે. ~જય વસાવડા 

 
6 Comments

Posted by on August 27, 2020 in entertainment, science

 

Tags: , , ,

6 responses to “ડિજીટલ પેન્ડેમિક: એક વિડીયોગેમમાં અકસ્માતે ફાટી નીકળેલા રોગચાળામાંથી મળેલો મહત્વનો બોધપાઠ

  1. bimalvyas

    August 27, 2020 at 1:40 PM

    👍સરસ અને નવીન માહિતી..

    Liked by 1 person

     
  2. Minal

    August 29, 2020 at 5:48 AM

    વાહ, વાહ… જોરદાર! સરસ લખાણ અને માહિતી! 👍🏼👌🏼

    Liked by 1 person

     
  3. parvezradiowala

    August 31, 2020 at 2:14 PM

    તમારું વિષ્લેશણ બહુજ સરસ છે, આભાર.

    Liked by 1 person

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: