
મોંગલ આક્રમકોએચીન પર હુમલો કરીને સત્તા મેળવી. નવા શાસકોએ નવી પ્રણાલી શરૂ કરી. પરદેશી વ્યાપાર વધારવા પરદેશી લોકોના પ્રવાસને ઉત્તેજન આપતો.
વેનિસના બે વેપારી ભાઇઓ વેપાર કરવા ચીન વાયા ઇરાન થઇને પહોંચ્યા. એકનું નામ નિકોલો પોલો અને બીજાનું નામ મૅફીયો પોલો.
તે સમયનો મોંગોલ રાજા, કુબલાઇખાનને પોતાના પ્રતિનિધિઓને ઇરાન મોકલેલા. આ ભાઇઓ મોંગલ પ્રતિનિધિઓને મળ્યા. બંને ભાઇઓએ પોતાની સાથે આવવા પેલા પ્રતિનિધિઓએ તૈયાર કર્યા. બંને ભાઇઓ પેજીંગ કુબલાઇખાનને મળ્યા.
કુબલાઇખાને બંને ભાઇઓનું સ્વાગત કર્યું. બંને ભાઇઓએ ખ્રિસ્તી ધર્મ વિષે ચર્ચા કરી. કુબલાઇખાનને રસ પડ્યો. સો જેટલા સારા ખ્રિસ્તી ધર્મગુરુઓ લાવવા કહ્યું, બંને ભાઇઓ વતન આવ્યા.
યુરોપ આ સમયે અંધકાર યુગમાં હતું. આર્થિક રીતે યુરોપ નાદારી તરફ હતું. યુરોપમાં નાના રાજ્યો એકબીજા સાથે નહિ જેવા કારણોસર લડતા અને આખું યુરોપ અંધશ્રદ્ધામાં બરબાદ થવા પર હતું.
પેલા બંને ભાઇઓ બે વર્ષ પછી બે ધર્મગુરુ અને નિકોલોના માર્કો નામના પંદર વર્ષના પુત્રને સાથે લઇને ચીન જવા નીકળ્યા. યુરોપથી આ ત્રણેય જણા આખો એશિયા પસાર કરીને જમીન માર્ગે નીકળ્યા હતાં, આ માર્ગે આજે ચાલીને ચીન પહોંચવુ હોય તો એક વર્ષ લાગે. બારમી સદીમાં આ ત્રણેયને મુસાફરોને સાડા ત્રણ વર્ષ થયાં.
આ ત્રણેય પ્રવાસીઓએ જે માર્ગ પસંદ કર્યો હતો તેને દુનિયા સિલ્ક રુટ કહેતી હતી, કેમ કે આ માર્ગ દ્રારા ચીનથી યુરોપમાં સિલ્ક પહોંચતું હતું. આ માર્ગમાં અડધેથી દક્ષિણ તરફ પ્રવાસ કરીએ તો ભારત આવે.એશિયા, આફ્રિકા અને યુરોપ વચ્ચે વ્યાપાર સિલ્ક માર્ગે થતો. ચીન, ભારત, ઇજીપ્ત, આરબ દેશોથી માંડી રોમ સુધી સિલ્ક રૂટથી વ્યાપાર થતો.
ભારતથી મસાલા, કિમતી પથ્થર અને કપડા જતાં. યુરોપથી સોનું, ચાંદી, કાચ અને શરાબ આવતો, ઈંગ્લીશ એ જમાનામાં પણ હતો…સળંગ આખો માર્ગ પસાર કરીને વ્યાપાર કરવાવાળા જવલ્લે જ હતા. એક શહેરથી બીજા શહેર સુધી વ્યાપાર થતો, એ રીતે સામાન બંને તરફના દેશોમાં ફેલાતો.
***
આપણી મૂળ વાત, પેલા ત્રણ જણા સાડા ત્રણ વર્ષ મુસાફરી કરતાં રહ્યા. તેઓ અનેક ભાષા, સંસ્કૃતિ અને સમાજોના પરિચયમાં આવ્યા. યુવા માર્કોને ચીની ભાષા આવડી ગઇ, કુબલાઇખાનને આ વાત સ્પર્શી ગઇ. યુવા માર્કો કુબલાઇખાનનો વિશ્વાસુ સાથી બન્યો.
માર્કોને ચીનમાં મહત્વની જવાબદારી મળી, આ જવાબદારી નીભાવવામાં સત્તર વર્ષ પૂરા થયા. માર્કો અને તેના પિતાને હવે પોતાનો દેશ યાદ આવતો હતો, તેમને સ્વદેશ પરત જવું હતું, પણ ફસાઈ ગયા હતા.
નસીબે સાથ આપતાં એક ઘટના બની. ઇરાનના શાસકની પત્ની ગુજરી ગઇ, તેને ફરી લગ્ન કરવું હતું. તે કુબલાઇખાનનો કઝીન થતો, ઇરાનના શાસક માટે કન્યા પહોંચાડવાની જવાબદારી સારા પ્રવાસીઓ હોવાથી ત્રણે પોલોને મળી, એ બહાને રાજા તરફથી વતન જવા માટે મોકો મળતો હતો.
માર્ગમાં ખબર પડી કે ઇરાનનો શાસક મરી ગયો, તો તેના પુત્ર સાથે પેલી કન્યાનું લગ્ન કરાવી પોલો બંધુઓ ચોવીસ વર્ષ પછી પોતાના વતન પહોંચ્યા. તેમના માટે વતન બદલાઈ ચુક્યું હતું.
અચાનક વિશ્વનો ઇતિહાસ બદલતી ઘટના બની. વેનિસ પર જીનેવાએ હુમલો કર્યો. વેનિસની હાર થઈ અને પેલો માર્કો પોલો જેલમાં ગયો. જેલમાં બેઠા બેઠા પોતાના સંસ્મરણોને યાદ કરતાં કરતાં એક પુસ્તક લખ્યું, ધ ટ્રાવેલ્સ ઓફ માર્કો પોલો.
આ પુસ્તકમાં એશિયા વિશે માહિતી લખી, ભારત સહિત એશિયન દેશો અતિ ધનિક હોવાની વાતો લખી. આ પુસ્તકની કિર્તી આખા યુરોપમાં ફેલાવા લાગી. ધીમે ધીમે આખા યુરોપમાં પુસ્તક વંચાવા લાગ્યું. નાની નાની વાતોમાં લડાઇઓ કરતાં યુરોપને સમજાયું કે પૈસો તો એશિયામાં છે.
માર્કો પોલોએ યુરોપમાં એશિયા વિષે પ્રવર્તતી ખોટી માન્યતાઓ ખતમ કરી. કૂતરાનુ શરીર હોય અને માનવીનો ચહેરો ધરાવતા લોકો એશિયામાં રહે છે, એવી યુરોપમાં માન્યતા હતી. માર્કો પોલોએ ભારતના ખૂબ વખાણ લખ્યા હતા.
એશિયામા બસો પાંચસો લોકોને સમાવી શકે એવા જહાજો છે. તેણે ખાસ લખ્યું કે, ભારત ધનની ધરતી છે….બીજી તરફ કુબલાઇખાનનું મોંગોલ સામ્રાજ્ય તુટી પડતા જમીનમાર્ગ જોખમી બન્યો. સિલ્ક રૂટ સલામત ન હતો. યુરોપના સાહસિકોને એશિયા જવુ હતું, સમુદ્ર માર્ગ શોધવા તૈયાર થયો.
યુરોપના સાહસિકોની નજરમાં ભારત આવ્યું, એક સાહસિક આ પુસ્તકમાંથી પ્રેરણા લઇને ભારત આવવા નીકળ્યો, અને એ સાહસિક કોલંબસે અમેરિકા શોધી નાખ્યો. ધનદોલત શોધતી યુરોપિયન પ્રજા ત્રણસો વર્ષમા ચીન, જાપાન સહિત ભારત સુધી પહોંચી ગઇ….તે પછીનો ઇતિહાસ જગજાહેર છે….
એક પ્રવાસનું પુસ્તક દુનિયાના નકશા બદલવાની તાકાત ધરાવે છે…તમારી મેમરીમાં દુનિયાભરના અનુભવોના સ્મરણો પડ્યા છે…
ચલો કોરોનાયુગમાં આપણે પણ એવું કરીએ કે આત્મનિર્ભર થઈ ભારત બદલી નાખીએ…. નહિ તો કોઈ પ્રવાસી મજૂર પણ તેની ટ્રાવેલ્સ યાત્રા લખશે…

~ દેવલ શાસ્ત્રી
bimalvyas
August 26, 2020 at 2:02 PM
શસ્ત્ર કરતાં શબ્દની કિંમત અનેક ગણી છે જ.
LikeLike