ગેસ્ટ સ્પેશ્યલ આર્ટિકલ

આ લખ્યાંને તો બે-અઢી વર્ષ થયા હશે,પણ એ કાકા હજીયે ક્યારેક દેખા દઈ દે છે મારી સ્મૃતિમાં,મીઠીની જેમ જ!
થોડા દિવસો પહેલા રાત્રે સપનું આવ્યું એમાં આ કાકા બીડી ફૂંકતા બેઠા હતા,વર્ષો જૂના ઝાડના ઓટલા પર… તો થયું આજે એમની વાત ફરી અહીં મૂકું.
હું એક્સ્ટર્નલ બી.એ. કરું છું એ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીમાં ત્રણ વર્ષ પૂરા થયા મને. એ ત્રણ વર્ષમાં છ વાર કોલેજ જવાનું થયું છે. પરંતુ દર વખતે કૈંક એવું સાંભળવા મળે, કોઈક દ્રશ્ય એવું જોવા મળે જે મનમાં અંકિત થઈ જાય, અમીટ છાપ છોડી જાય. એમાંથી અમુક કિસ્સાઓ યાદ આવે છે. એક અત્યારે કહું.
ઓપન યુનિવર્સીટી હોવાથી મોટા ભાગના લોકો 35-40 વર્ષના હોય છે. વલ્લભ વિદ્યાનગરની કોલેજમાં મારું એક્ઝામ સેન્ટર છે. પરીક્ષા આપવા આવતી લગભગ બધી જ સ્ત્રીઓ મમ્મી હોય છે, છેવાડાના ગામડાની હોય છે અને પુરૂષો મોઢામાં માવો કે તમાકુ ભરીને પેપર લખવા આવે છે!પણ તેમની નિયત મને ગમે છે.
એકવાર એક વૃદ્ધ કાકા(આશરે 70 વર્ષની ઉંમર) અને એક માથે લાજ કાઢેલી સ્ત્રી (ઉંમર આશરે 25) એકસાથે કોલેજના ગેટની અંદર પ્રવેશ્યા.ત્યાં બાંકડા પર કાકા બેઠા અને વહુએ એની થેલીમાંથી પુસ્તકો કાઢ્યા અને બાજુના થોડા દૂરના બાંકડા પર બેસીને વાંચવા લાગી. પેપરનો ટાઈમ થયો એટલે એ વળી લાજ કાઢીને ઉભી થઇ અને થેલી પેલા કાકાને આપી. અને પછીનું વાક્ય સાંભળીને મારી આંખો સાવ જ ભીની થઇ ગયેલી.કાકા બોલ્યા “કોલેજમાં આવો ન પેપર લખવા બેહો ત્યારે માથે નહીં ઓઢો તો ચાલશે વહુ. હું તો આમ ઠેઠ આઘે બેહવાનો.. ઠેઠ આ કોલેજની બાર.જોવો આ હેંડ્યો” અને કાકા ડગુમગુ ચાલે કોલેજની બહાર નીકળી ગયા.
અહીં મારે એવી કોઈ ચર્ચામાં નથી ઉતરવું કે માથે ઓઢવાનો રિવાજ હોવો જોઈએ કે નહીં! અથવા કાયમ માટે કેમ એ વહુને ના ન પાડી શકે માથે ઓઢવાની! મને ફક્ત એટલું સમજાયું એ વખતે કે ગામડેથી આવતો એક વૃદ્ધ – જે પોતાની આગવી માનસિકતા સાથે 70 વર્ષથી જીવી રહ્યો છે- તે એના સમયથી એક ડગલું આગળ ભરીને એની વહુની પરીક્ષા માટે સાથે આવે છે છેક કોલેજ સુધી, અને એને એટલા સમય દરમિયાન માથે ઓઢવા જેવા રિવાજથી મુક્તિ પણ આપે છે, વહુને સંકોચ ન થાય એ માટે કોલેજની બહાર જઈને બેસે છે!
શું લડવાનું ફક્ત યુદ્ધોમાં જ હોય છે? ખોટી માનસિકતા સામે લડવું ને એમાંથી જાત પાર ઉતારવી એ પણ બહુ મોટા પુણ્યનું કામ છે. હેં ને?
~ Brinda Thakkar
બ્રિન્દા એન્જીનીઅરિંગ ના સાયન્સમાં ભણતી ત્યારે પણ સાહિત્યનો શોખ. પછી એની જ કારકિર્દી બનાવી. દક્ષિણ ભારતમાં પ્રતિલિપિ સાથે કામ કરીને. હેપિલી મેરિડ લાઈફ સાથે પોપ્યુલર રાઈટર ,બ્લોગર,યુટ્યુબર છે. સ્વનિરીક્ષણ સાથે માનવીય વિષયો પર સંવેદનાસભર લખે ને બોલે છે. આજની ભારતીય સ્ત્રીનો યુવા અવાજ છે. JVpediaમાં એનું સ્વાગત છે. ~ જય વસાવડા