ગેસ્ટ સ્પેશ્યલ આર્ટિકલ

સપનાઓ અને પ્રેમ માં એક સામાન્ય મૂંઝવણ એ હોય છે કે શું સાચું માનવું અને શું નહીં. એક સતત થતો સવાલ કે આંખો સામે નું આ દ્રશ્ય કોઈ દૂર ક્ષિતિજ પર દેખાતી મંઝિલ છે કે પછી તરસ્યા મન ને થતો આભાસ.
ઉર્ધ્વગમન એ પ્રકૃતિ નો સ્વભાવ છે. નાનું સરખું બીજ પણ જમીન માં વાવ્યા પછી અંકુર બની ને ઉર્ધ્વગમન કરે છે. કારણ કે પ્રકૃતિ એ જ એના માં એ સતત ઉપર તરફ ની સફર ખેડવા નો સ્વભાવ મુક્યો છે. એ બીજ કે જે જમીન માં દટાયેલું હતું એ જ એક દિવસે ઊંચું વૃક્ષ બને અને એની ઊંચી ડાળીઓ હવા માં વટભેર લહેરાય.
માણસ નું જીવન પણ સ્વભાવે બીજ જેવી જ ઉર્ધ્વગામી ઘટના છે. સપના જોવા એને ગમે. સપના ઓ જ એના જીવન ની દિશા અને ગતિ નક્કી કરે. ઓસ્કાર વાઈલ્ડ કહેતા કે ” We all are in gutter, but some of us are looking at the stars.” બસ આજ તો છે જે મનુષ્ય ને પૃથ્વી ગ્રહ પર ના બધાં જીવો થી અલગ બનાવે છે. માણસ સપના જોવા ની અને એની પાછળ પોતાની જાત ને ખપાવી ને એને સાકાર કરવા ની ક્ષમતા ધરાવે છે. આજુ બાજુ ની દુનિયા ને એ વ્યક્તિ કદાચ પાગલ અને delusional પણ લાગી શકે પણ લા લા લેન્ડ ફિલ્મ ના સોન્ગ “Here’s to the fools who dream, crazy as they may seem..” ની જેમ આ પાગલ જેવા લાગતા સપના જોવા વાળા “fools” જ છે જે આ દુનિયા પર પોતાની છાપ છોડી જાય છે. પછી એ કળા અને સાહિત્ય જગત હોય કે સાયન્સ અને ટેકનોલોજી નું.
પણ હવે આવીએ મૂળ સવાલ પર કે જ્યારે કોઈ સપના ની સફર ખેડનાર મુસાફર ને રસ્તા માં જે કઈ પણ દેખાય, એમાં શું સાચું માનવું અને શું નહીં. અને ત્યારે આપણે વિચારવું પડે મહત્વકાંક્ષા ની આ બે શક્ય એવી સંભાવના ઓ વિશે. મહત્વકાંક્ષા એ healthy તો છે જ અને જીવન માં હોવી પણ જોઈએ જ. પણ એટલી જ મહત્વ ની વાત છે વાસ્તવિકતા સાથે જોડાઈ રહેવું. આગળ વાત કરી એમ એક બીજ વૃક્ષ બને અને ઊંચાઈ ને પામે એમાં એની ઉર્ધ્વગમન ની મહત્વકાંક્ષા ના જોરે એના સપનાઓ ના સાકાર થવા ની ઘટના તો સો ટકા સાચી, પણ એ શક્ય બન્યું કારણ કે એના મૂળિયાં જમીન માં બહુ ઊંડા છે. બીજ થી વૃક્ષ બનવા ની ઘટના માં કોઈ પણ કાળે એણે જમીન નો સંપર્ક કે જમીન સાથે નું એનું જોડાણ ગુમાવ્યું નથી. બસ આજ સંબંધ છે સપનાઓ અને વાસ્તવિકતા નો. સપનાઓ ના સાકાર થવા માટે એના મૂળિયાં વાસ્તવિક્તા ની જમીન માં ખૂબ ઊંડા હોવા જોઈએ. અને યાદ રાખવું જોઈએ કે મહત્વકાંક્ષા એ એક ઘોડો છે જે ઘોડેસવાર ને મંઝિલ સુધી પહોંચાડી શકે છે. પણ જો ઘોડો બેકાબુ બની ને સવાર પર હાવી થઈ જાય તો એ જ ઘોડો પોતાના સવાર ને જમીન પર પટકી દે. આવી બેકાબુ બનેલી મહત્વકાંક્ષા કે જેના પર વાસ્તવિકતા ની કોઈ લગામ હોતી નથી એ સપના ના મુસાફર ને મૃગતૃષ્ણા ના રણ માં ભટકાવે છે અને ઘણીવાર તો જીવ નો ભોગ પણ લે છે.
ઓસ્કાર વાઈલ્ડ ને પાછા યાદ કરીએ તો એ કહેતા કે “Ambition is the last refuge of the failure.” જેવી રીતે હાર્યો જુગારી બમણું રમે એ રીતે નિષ્ફળ માણસ ઘવાયેલા ઈગો ને પંપાળવા વધુ ને વધુ “ઊંચા” સપનાઓ જોયા કરે, અને આમ એ પોતાની જ મહત્વકાંક્ષા ના ચક્રવૃધ્ધિ વ્યાજ જેવા જાળ માં ફસાતો જાય.
એટલે જ સપનાઓ જોવા અને એને સાકાર કરવા દિલ-ઓ-જાન થી લડવું, કારણ કે સપનાઓ વિના નું જીવન કબ્રસ્તાન જેવું છે, પણ હંમેશા યાદ રાખવું કે મહત્વકાંક્ષા ના ઘોડા પર વાસ્તવિકતા ની લગામ હોય, જેથી સવાર ઘોડા ની સવારી કરે નહીં કે ઘોડો સવાર ની…
– ધનવંત પરમાર
વર્ષોથી રીડરબિરાદર એવા યુવાન ધનવંત પરમારના મેસેજીઝ કે કોમેન્ટ પણ ખાસ્સ્સા અભ્યાસપૂર્ણ અને સંતુલિત હોય. ઉત્તમ વાચનથી યુવાન કેવા સરસ કેળવાય એના ઉદાહરણ જેવા એમનું JVpediaમાં સ્વાગત છે. ~ જય વસાવડા
Girish Tarwani
August 20, 2020 at 3:12 PM
Good article! The author has rightly explained the ambition and how important it is not to lose sight of the reality.
LikeLike