
1. માતાપિતા અને સંતાનો: માતાપિતા હંમેશા પોતાના સંતાનોના સુખની કામના કરતા હોય છે. એમના ભવિષ્યની ચિંતા કરતા હોય છે. આ જ ઘેલછામાં સંતાનોના ભવિષ્યનો માર્ગ પોતે જ નિશ્ચિત કરતા રહે છે. જે માર્ગ પર પોતે ચાલ્યા છે. જે માર્ગની ધૂળ, કાંકરા,પથ્થર અને છાંયડા પોતે અનુભવ્યા છે એ જ માર્ગ પર સંતાન પણ ચાલે એવી એમની અપેક્ષા હોય છે. નિઃસંદેહ ઉત્તમ ભાવના છે. પણ ત્રણ પ્રશ્નો પર વિચાર કરવો અનિવાર્ય છે. શું સમયની સાથે પ્રત્યેક માર્ગ બદલાય નથી જતા? શું સમય હંમેશા નવા પડકારો લઈને નથી આવતો? તો પછી વીતેલા સમયનો અનુભવ નવી પેઢીને કઈ રીતે લાભ આપી શકે? સંતાનો માતાપિતાની છબી જરૂર હોઈ શકે. પણ ભીતરની ક્ષમતા તો ઈશ્વર જ આપે છે. તો જે માર્ગ ઓર પિતાને સફળતા મળી છે એ જ માર્ગ ઓર એના પુત્રને પણ સફળતા મળશે જ એવી ખાતરી છે? શું જીવનના પડકારો લાભદાયક નથી હોતા? દરેક નવા પ્રશ્નો અને પડકારો જ્ઞાન અને ક્ષમતાનો નવો અધ્યાય નથી? તો પછી આ પ્રશ્નો અને પડકારોને સંતાનોથી દૂર રાખવાની કોશિશ કરવી એ લાભકર્તા ગણાશે કે હાનિકારક? સંતાનોના ભવિષ્યના નિર્માણના આયોજન કરતા એના ચરિત્રનિર્માણ માટે પ્રયત્નો કરવાથી નવા પડકારોના ઉત્તરો મળવાની સંભાવનાઓ વધુ રહેલી છે. આવા વ્યર્થ પ્રયત્નો થકી માતાપિતા પોતાના સંતાનોને ભલે ભવિષ્યનું સુખ આપવા પ્રયત્નો કરતા હોય છે. પણ આપી બેસે છે પીડાના પૂર્વગ્રહોનું પોટલુ.

2. ઈચ્છાઓ, દુઃખ અને જ્ઞાન: કંઇક પામવાથી મળેલી સફળતા અથવા કંઈક ના પામવાથી મળેલી નિષ્ફળતા જ મનુષ્યના દુઃખનું કારણ છે. ઘણા લોકો ઈચ્છાઓ પાછળ એવી રીતે દોડ્યા કરે છે જાણે કે મૃગજળની પાછળ દોડતું હરણ. પણ એ નથી સમજી શકતો કે ઇચ્છાઓની અપૂર્ણતાના ગર્ભમાં જ જ્ઞાનનો પ્રકાશ હોય છે. ઈચ્છાઓ જ્યારે તૂટે છે ત્યારે જ્ઞાનપ્રાપ્તિની ઝંખના પ્રબળ બને છે. અપૂર્ણ ઇચ્છાઓમાંથી જ્ઞાનનું કિરણ પ્રવેશે

3. કર્મો અને પ્રાર્થના: ઈશ્વરની યોજનાઓને આપણી નિયતિ માનવી એ પ્રાર્થના છે. પણ એ યોજનાઓ તો આપણા કર્મોની પ્રતિકૃતિ રૂપે પ્રગટ થતી હોય છે. માટે કર્મોનો ત્યાગ કરીને નિયતીને આધીન રહેવું એ પ્રાર્થના નથી. જે પ્રાર્થના મનુષ્યના કર્મમાં બાધા બની જાય એ પ્રાર્થના નથી, પણ પરાજય છે.

4. અન્યાય, પ્રતિશોધ અને ધર્મ: જ્યારે કોઈ વ્યક્તિને કોઈ બીજી વ્યક્તિ થકી અન્યાયની લાગણી થાય છે ત્યારે વ્યક્તિ આકુળવ્યાકુળ બની જાય છે. પરંતુ અન્યાય કરનારને પશ્ચાતાપ થાય, અન્યાય ભોગવનારને સમાજ પ્રત્યે ફરીથી વિશ્વાસ જાગે એ જ ન્યાયનો સાચો અર્થ છે. પણ જેના હૃદયમાં ધર્મ નથી હોતો એ ન્યાય ત્યજીને વેર અને પ્રતિશોધનો રસ્તો અપનાવે છે. ન્યાય અને પ્રતિશોધ વચ્ચે બહુ ઓછું અંતર હોય છે. અને એ અંતરને ધર્મ કહેવાય છે.

5. સંકટ અને અવસર: સંકટ આવે ત્યારે એની સાથે અવસરનો જન્મ પણ થાય છે. પોતાની જાતને બદલવાનો અવસર, વિચારોને ઊંચાઈએ પહોંચાડવાનો અવસર, આત્માને બળવાન અને જ્ઞાનમંડિત બનાવવાનો અવસર. આટલું કરી શકીએ તો સંકટો સહેલાઈથી પર કરી શકશો. અન્યથા જગત માટે પોતે જ એક સંકટ બની રહેશો.

6. સંબંધો અને અપેક્ષાઓ: મનુષ્યના તમામ સંબંધોનો આધાર અપેક્ષા પર રહેલો છે. મનુષ્ય એને જ પ્રેમ કરી શકે છે જે એની અપેક્ષાઓ પુરી કરી શકે છે.પણ અપેક્ષાની નિયતિ જ છે ભંગ થવાની. કારણ કે અપેક્ષા મનુષ્યના મસ્તિષ્કમાં જન્મે છે. અન્ય વ્યકિતને એ અપેક્ષાઓની જાણ જ નથી થતી. ઋણ કરવાની તમામ ઈચ્છાઓ હોય તો પણ કોઈ મનુષ્ય અન્ય કોઈ મનુષ્યની અપેક્ષાઓ પૂર્ણ કરી નથી શકતો. અને ત્યાંથી સંઘર્ષ જન્મે છે.

7. સત્તા: સત્તાનું વાસ્તવિક રૂપ શું છે?એક મનુષ્ય જેટલા વધારે લોકોના જીવનને પ્રભાવિત કરી શકે, જેટલા વધારે લોકોની સ્વતંત્રતા પર અંકુશ રાખી શકે એટલા જ વધારે સમય માટે એ સત્તાનો અનુભવ કરી શકે.પણ વાસ્તવિક પ્રભાવ તો પ્રેમ,દયા, કરુણા અને ધર્મ પર આધારિત હોય છે. જ્યારે મનુષ્ય અધર્મ અને કઠોરતાથી સત્તા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરે છે ત્યારે તે અન્યોના હૃદયમાં વિદ્રોહ અને વિરોધને જન્મ આપે છે. હા, થોડા સમય માટે પોતે શક્તિશાળી હોવાનો અનુભવ જરૂર કરી શકે. પણ એ વાસ્તવિક સત્તા નથી.

8. ધર્મસંકટ: જીવનમાં એવો સમય જરૂર આવે છે જ્યારે બધા સપનાઓ, બધી આશાઓ ધ્વસ્ત થઈ જાય છે.જીવનના બધા આયોજન જ વિખેરાય જાય છે. એક તરફ ધર્મ હોય છે ને બીજી તરફ દુઃખ. આને જ ધર્મ સંકટ કહે છે. વાસ્તવમાં ધર્મ સંકટની ક્ષણ જ ઈશ્વર સમીપે જવાની ક્ષણ છે. જો આપણે સંઘર્ષોથી ભયભીત ના બનીએ, સુખ તરફ આકર્ષિત ના બનીએ અને આપણા ધર્મ પ્રત્યે દ્રઢ બનીએ તો ઈશ્વરનો સાક્ષાત્કાર અશક્ય નથી.

9.સંબંધોમાં સુખ અને દુઃખ: સંબંધોમાં વધારે સુખ અને ઓછું દુઃખ કંઈ રીતે પ્રાપ્ત કરવું? શું તમારા કોઈ પણ સંબંધોએ તમને સંપૂર્ણ સંતોષ આપ્યો છે? આપણું જીવન સંબંધો પર આધારિત છે. છતાં આપણને વધુમાં વધુ દુઃખ સંબંધોમાંથી જ મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અન્ય વ્યક્તિના કાર્ય અને સ્વભાવનો સ્વીકાર નથી કરી શકતો ત્યારે તે એ વ્યક્તિના વિચારોમાં પરિવર્તન લાવવાની કોશિશ કરે છે. પરિણામે જન્મે છે સંઘર્ષ. જો મનુષ્ય અન્ય વ્યક્તિનો સ્વીકાર કરીને પોતાની ભીતર પરિવર્તન કરવાની કોશિશ કરે તો સંઘર્ષને બદલે મળશે સંતોષ. અર્થાત સ્વીકાર જ સંબંધોનું વાસ્તવિક રૂપ છે. સ્વીકાર એ સંબંધોની આત્મા છે.


10. સત્ય અને તથ્ય: બધાના જીવનમાં એક પ્રસંગ એવો આવે જ છે જ્યારે હૃદયમાં સત્ય કહેવાનો ઉમળકો હોય છે, પણ મુખમાંથી સત્ય નીકળતું નથી. કોઈ ભય મનને ઘેરી લે છે. કોઈ ઘટના કે પ્રસંગ અંગે બોલવું કે પોતાનાથી કોઈ ભૂલ થઈ આય એનો સ્વીકાર સત્ય છે? નહીં… એ તો તથ્ય છે. છતાં ક્યારેક તથ્યની વાત કહેતા ડર લાગે છે. બીજાઓની ભાવનાને ઠેસ પહોંચવાની લાગણી થાય છે. આ બધા વિચારોનો ડર મનુષ્યને બોલતા રોકે છે. તો પછી સત્ય શું છે? જ્યારે ભય હોવા છતાં જ્યારે કોઈ તથ્ય બોલવાની હિંમત કરે છે ત્યારે એ સત્ય કહેવાય છે.
11. પરંપરા અને ધર્મ: પરંપરાઓમાં જ ધર્મ વસે છે. અને પરંપરાઓ જ ધર્મના રક્ષણનું કાર્ય કરે છે એ સત્ય છે. પણ શું ફક્ત પરંપરા જ ધર્મ છે? એક પથ્થરમાં શિલ્પ હોય છે, પણ એ પથ્થર શિલ્પ નથી. પથ્થરને તોડવો પડે છે, અનાવશ્યક ભાગ દૂર કરવો પડે છે. ત્યારે એમાંથી શિલ્પ બને છે. આ જ રીતે પરંપરાઓમાંથી ધર્મને શોધવો પડે છે.
