RSS

Daily Archives: August 10, 2020

ઓડિસી : પરિવારના વિરહમાં ભટકેલા મુસાફરની કપરી કથા

ગેસ્ટ સ્પેશ્યલ આર્ટિકલ

odyssey

તો મહેરબાન કદરદાન વ્હાલા વાચકો વિવેચકો, માલમ JVની જલસાબોટમાં બેઠેલા વિશ્વ સાહિત્યસાગર ખેડવા હલેસાં મારતા અનુમોદકો……. મને મોકો મળ્યો છે પ્રિય જયભાઈની રંગબેરંગી દિવાલ પર મનગમતું ચિત્ર ચીતરવાનો. જે પહેલેથી જ એટલી બધી રંગબેરંગી અને વિવિધતાસભર મજબૂત છે કે કંઈ પણ લખતા પહેલા વિચાર વિતાડે કે સાલું કંઈ લોચા તો નહીં પડે ને. સારું લખવા જઈએ અને લિસોટા તો નહીં પડી જાય ને. છતાંય કોઈ અંગત સ્વાર્થ વગર પોતાના વાચકોને પોતાના જ હિટ બ્લોગ પર લખવા માટે તક આપવી એ પુરવાર કરે છે કે JVને પોતાના રીડરબિરાદર અને સાથીઓ પર કેટલી બધી લાગણી છે !!

*******

ઘર. હોમ. આવાસ. બંગલો. કિલ્લાથી લઈને ઝૂપડી સુધી. ફ્લેટથી લઈને ફૂટપાથ સુધી. એક નાનકડી સાંકડી અમથી સ્પેસ. પર્સનલ સ્પેસ. જ્યાં તમે આખા દિવસની દુનિયાદારીથી થાકીને પિટાઈને પાછા ફરો છો. આરામ ફરમાવા. જે સાચે જ પોતાના છે એમની સાથે શેર કરેલો પ્લેસ ફોર પીસ. જ્યાં શિસ્તની સમજાવટ કરતાં સુસ્તીની સજાવટ વધુ છે. જો બહુ બધી માથાકૂટ કરવાનો સ્વભાવ ન હોય, લેટ ગો સહજ રીતે થતી હોય, કામ વહેચવાના કરાર ને બદલે સામેથી હેલ્પ કરવાના પ્રેમાળ એકરાર થતાં હોય તો સ્વાગત છે તમારું હોમ સ્વીટ હોમમાં. જ્યાં કડવા કંકાસના વધુ પડતાં કુચા નથી, પણ પ્રેમની મીઠી ચાહ છે.

દોસ્તો, આજે વાત કરવી છે એવા જ એક મુસાફીરની. જે બહુ બધા કામ કર્યા પછી, લડાઈ લડ્યા પછી થાકી ગયો છે. જેના મન અને કદમ બેઉ હવે ઘરની દિશા ભાળી ગયા છે. નામ ઓડિસીયસ. ગ્રીક લિટરેચરના પ્રખ્યાત હોમરની ઓડિસી મહાકાવ્યનો મુખ્ય નાયક. જે લોકો હોમર અને ગ્રીક સંસ્કૃતિથી થોડાઘણાં પરિચિત છે તેમને તો ખબર જ હશે કે હોમરના બે ય મહાકાવ્યો ઈલિયડ અને ઓડિસી કેટલું બધું મહત્વ ધરાવે છે. (કેટલાકના મતાનુસાર તો હોમર આપણા રામાયણ અને મહાભારતથી પ્રભાવિત થઈને પણ આની રચના કરી એવા રિસર્ચ પેપર્સ પબ્લિશ કર્યા છે !) ઈલિયડની(ટ્રોજન વૉર) કથા તો ખાસ્સી એવી પ્રચલિત છે કે લગભગ બધાએ કશેક વાંચેલી/સાંભળેલી/જોયેલી હશે. એના પર આધારિત વોલ્ફગેંગે બનાવેલી બ્રાડ પિટવાળી ટ્રોય તો બેસ્ટ હિસ્ટોરીકલ વોર ફિલ્મોની લિસ્ટમાં હોય જ. આ વખતે લોકડાઉનમાં ટ્રોય ફરી જોઈ. થોડાઘણાં સ્ટોરી લગતા પ્રશ્નો ઉદભવતા ગુગલિંગ કર્યું. ગુગલિંગ કરતા ખબર પડી કે લોકોમાં ઈલિયડ ઘણી પ્રખ્યાત છે ઓડિસીના સામે. ઈવન કોઈ પ્રોપર હિટ ફિલ્મ પણ ઓડિસી પર નથી બની કે જેથી લોકોને આંખો દેખી યાદ રહે. ઈલિયડ જો યુદ્ધની મહાન ગાથા છે તો સામે ઓડિસી ઘરે પાછા ફરતાં પરિવારના વિરહમાં ભટકેલા મુસાફરની કપરી કથા છે. ઇલિયડમાં નવું ઘર(રાજ્ય!) જીતવાનો સંગ્રામ દેખાડે છે તો સામે ઓડિસી પોતાના ઘરે પહોચવાનો પ્રબળ પેગામ આપે છે.

હેલન
Artist:Evelyn de morgan

ઈલિયડને સંક્ષિપ્ત એક બે ફકરામાં સમાવતા જોઈએ તો સ્પાર્ટા અને ટ્રોય વચ્ચે શાંતિ જળવાઈ રહે તે માટે સ્પાર્ટાનો રાજા મેનેલોસ ટ્રોયના રાજકુમારોને( હેક્ટર અને પેરિસ ) પોતાને ત્યાં બોલાવે છે. પણ ત્યાં ટ્રોયનો રાજકુમાર પેરિસ (જેણે હજી કોઈ યુદ્ધ પણ નથી લડ્યું !!) સ્પાર્ટાના રાજા મેનેલોસની પત્ની હેલનના( બ્યુટીફુલ વુમન ઈન ધ વર્લ્ડ !! ) પ્રેમમાં પડી જાય છે અને એને ટ્રોય લઈ આવીને શાંતિની વાત તો ક્યાં રહી પણ યુદ્ધનું નોતરું આપી દે છે. ટ્રોય યુદ્ધના ભણકારા વાગે છે તો અહી મેનેલોસ ગુસ્સાથી લાલપીળો થયેલો પોતાના મોટાભાઈ એગ્મેમનોન પાસે મદદ માંગે છે. જે પહેલેથી જ સ્વાર્થી તેમજ ક્રુર છે અને દુનિયા જીતવાના દુષ્ટ સપના સેવે છે. ટ્રોય પર એની પહેલેથી જ નજર છે અને એને બહાનું મળી જાય છે આક્રમણ કરવાનું. એચિલીસ નામનો મહાન યોદ્ધા , ઈથાકાનો રાજા ઓડિસીયસ જેવા ખેરખાંઓ એગ્મેમનોનના દળમાં છે તો સામે પક્ષે ટ્રોયનો અભેદ્ય કિલ્લો છે. એચિલીસની એટલી બધી જવાની ઈચ્છા નથી પણ એની માતાને કહેવા પર એ રાજી થાય છે. એગ્મેમનોન પોતાનું દળ લઈને ટ્રોય પર ધામા નાખે છે. લોહિયાળ ઘમાસાણ યુદ્ધ થાય છે અને એ ય પાછું એક બે નહીં પૂરા દસ વર્ષ.

પેરિસને મેનેલોસ ધૂળ ચાટતો કરે છે. હેક્ટર અચિલીસના ભાઈ પેટ્રોક્લોસને મારે છે તો અચિલીસ હેક્ટરને ખતમ કરી નાંખે છે. આ સિવાય કેટલાય સૈનિકો કીડી મંકોડાની જેમ ધૂળમાં ભળી જાય છે પણ ટોળામાં ગણાતા પાયદળની એમેય ક્યાં ખાસ નોંધ લેવાય છે. પણ ઈન્ટરેસ્ટિંગ છે યુદ્ધનો અંત. જ્યાં લગભગ ગ્રીકસને ખબર પડી જાય છે કે કિલ્લો ભેદવા સિવાય કોઈ વિકલ્પ નથી એટલે તેઓ ત્યાંથી પાછા જતાં રહે છે. અહીં ટ્રોયના રાજાને ખબર પડતાં તેઓ તે સ્થળે પહોંચે છે તો જુએ છે એક લાકડાંનો વિશાળકાય ઘોડો(ટ્રોજન હોર્સ). વિવાદ થાય છે કે શું કરવું ? ઘોડાને રાખવો કે પછી બાળી મૂકવો ? ઘણા વિચાર પછી રાજા વિચારે છે કે હારીને ગયા છે તો પ્રતીક મુકીને ગયા છે. એને નષ્ટ કરી દેવું યોગ્ય નથી. એનું સન્માન થવું જોઈએ. એટલે યુદ્ધ જીત્યાની ખુશીમાં વાજતેગાજતે મહોત્સવ થાય છે અને એ વિશાળકાય ઘોડાની મૂર્તિને કિલ્લાની અંદર લાવવામાં આવે છે.

પણ સૂરજ આથમતાની સાથે જ ટ્રોય માટે આવે છે કાળીઅંધેર રાત. એ વિશાળકાય કૃત્રિમ ઘોડામાંથી નીકળે છે જીવતા ખડતલ સૈનિકો.(આ આખી યોજના ઓડિસીયસની હતી.) છળકપટથી અંદર ઘૂસેલા એ સૈનિકો કિલ્લાના દ્વાર ખોલી નાખે છે. એ સૈનિકો જે ક્યારેય પાછા ગયા જ નહોતાં પણ ઘાત લગાવીને બેઠા હતા એ બધા જ કિલ્લામાં ઘૂસવામાં સફળ થાય છે. એ રાત્રે થાય છે લોહીથી લથબથ કારમો નરસંહાર. જીતની ખુશીમાં પોઢેલા ગ્રીક્સ સૈનિકોને ઊંઘમાં જ હંમેશા માટે સુવડાવી દેવામાં આવે છે. બાળકો જીવતેજીવ જ આગમાં હોમાઈ જાય છે અને સ્ત્રીઓના ખુલ્લેઆમ રેપ થાય છે. ટ્રોય આખું આ એક પ્રેમકહાનીના યુદ્ધ યજ્ઞમાં હોમાઈ જાય છે અને ટ્રોયના રાજા પ્રિયમ તેમજ એચિલીસનું મૃત્યુ થાય છે. પેરિસ અને હેલન ત્યાંથી ભાગી છૂટે છે.

There is the heat of Love, the pulsing rush of Longing, the lover’s whisper, irresistible—magic to make the sanest man go mad.

– Homer, The Iliad

આ તો વાત થઈ ભયંકર સંગ્રામની. પણ મૃત્યુ નજીકથી જોયા પછી આંખોમાં સ્વજનો આંસુ થકી ઉપસી આવે છે. યુદ્ધ થયા બાદ બુદ્ધની શાંતિનો મર્મ સમજાય છે. એ વેદનાના વડલા નીચે જ બેસીને યાદો વાગોળવાનો વખત દરેકના જીવનમાં ક્યારેક દસ્તક દે છે. એમને એક વખત જોવામાં પણ જો આખી જિંદગી ખપાવી પડે તો ય એની પરવા થતી નથી. ઘર તરફ પાછા ફરતી વખતે મરાતુ દરેક હલેસું પત્ની, બાળકો સાથે વિતાવેલી પ્રેમસભર વાતો અને રાતોની યાદ આવતા વધું મજબૂત બને છે. ઠીક એવું જ થાય છે ઓડિસીના નાયક ઓડિસીયસ સાથે. દસ વર્ષ યુદ્ધમાં નીકળી જતા હવે ફેમિલીની સૂરત દરેક પળે હ્રદયમાં સાલે છે. એટલે પોતાના સાથીદારો સાથે નીકળી પડે છે હોમ સ્વીટ હોમની તલાશમાં. જ્યાથી ઓડીસીની શરૂઆત થાય છે. મૂળ કથા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે અને થોડીક અટપટી લાગે કેમકે અલગ અલગ જગ્યાએ ઘટતી અલગ અલગ ઘટનાઓનું બેકસ્ટોરીમાં વર્ણન છે. એટલે મેં વાંચવામાં સરળ પડે એવો સરળ ઓડિસીયસની મુસાફરીનો ભાવાનુવાદ કર્યો છે.

ઓડિસીની શરૂઆત થાય છે ટ્રોયના યુદ્ધના દસ વર્ષ પછી ઓડિસીયસના રાજ્ય ઈથાકાથી. જ્યાં પેનેલોપના (ઓડિસીયસની ખૂબસૂરત પત્ની) પતિની ગેરહાજરીમાં બૂરા હાલ છે‌. ૧૦૮ જેટલા દાવેદારો પેનેલોપના હાથ માંગવા માટે લાઈનમાં ઉભા છે પણ પેનેલોપ એમ ઝટ હાથમાં આવે એવી ડફોળ પણ નથી(બ્યુટી વિથ બ્રેઈન !!). એ દાવેદારો પણ પેરાસાઈટ બનીને લાંબા સમયથી અહીં જ પડ્યા પાથર્યા છે. ટેલેમાકસ ઓડિસીયસનો પુત્ર એ ય પિતાની ચિંતામાં છે.

દેવી એથેના, જેને ઓડિસીયસની ફિકર છે એ ભગવાનના રાજા ઝીયસને હવે ઓડિસીયસને ઘરે પહોંચાડવાની વિનંતી કરે છે અને ઝીયસ એની વાતમાં હામી પૂરે છે. દેવી એથેના ઓડિસીયસના પુત્રને મળવા જાય છે અને પોતાના પિતાને શોધવાની વિનંતી કરે છે. ટેલેમાકસ પિતાને શોધવા ટુકડી તૈયાર કરે છે અને નીકળી પડે છે દરિયાઈ માર્ગે. પહોંચે છે સ્પાર્ટા જ્યાંથી બધી શરૂઆત થઈ હતી. ત્યાં મળે છે એ મેનેલોસ અને હેલનને. હા, એ જ સુંદર હેલન જે પેરિસ સાથે ટ્રોય જતી રહી હતી અને યુદ્ધ માટેની મુખ્ય જવાબદાર પરિબળ બની હતી. પેરિસ કોક કારણોસર માર્યો ગયો અને હેલનને પોતાની ભૂલનું ભાન થતા મેનેલોસ પાસે પાછી આવી. બોલો લ્યો એક સ્ત્રી માટે કેટલુંય થયું, કેટલા જીવ હોમાઈ ગયા, આખેઆખા રાજ્ય બળ્યા એ બધુંય અંતે તો નાહક જ રહ્યું ને. શું પરિણામ મળ્યું હાથમાં ? કશું જ નહીં. ઉલટાનું એ હાથમાંથી કેટલાય માસુમ લોકોનું લાલ લોહી ટપકતું હતું.

લગભગ દરેક સંસ્કૃતિમાં ક્યારેક એક એવી હેલન રહી હોય છે જે મહાસંગ્રામનું કેન્દ્ર બની હોય. (કેટલાક વિદ્વાનોના મતાનુસાર આ મેનેલોસ અને એગ્મેમનોનની જ ચાલ હતી ટ્રોય પર કબજો જમાવવા) મેનેલોસ પણ પોતાના મિત્ર અને કોમરેડ ઓડિસીયસના પાછા ન ફરવા બાબતે વિલાપ કરે છે. સાથે ટેલેમાકસને એ પણ જાણવા મળે છે કે એગ્મેમનોન (મેનેલોસનો ક્રુર મોટો ભાઈ ) એ પણ ઘરે પાછા ફરતી વખતે એની પત્ની અને એના પ્રેમીના હાથે મૃત્યુ પામ્યો હતો. (હાય રે કાતિલ ઈશ્ક !!)

So, surrender to sleep at last. What a misery, keeping watch through the night, wide awake — you’ll soon come up from under all your troubles.

– Homer, Odyssey

હવે આવે છે બીજો ભાગ. સ્ટોરી ઓડિસીયસના લાંબા સફરની. આ ભાગ ઘણો જ ઈન્ટેરેસ્ટિંગ અને રોમાંચક છે. આ ભાગમાં ઓડિસીયસ કેવી રીતે અલગ અલગ જગ્યાએ અટવાય છે, મરતા મરતા બચે છે અને કાળની થપાટો ખાય છે એનું બેહદ સુંદર રીતે વર્ણન કર્યું છે. જમ્પ ટુ ઓગીગિયા ટાપુ, જ્યાં કેલિપ્સો (સુંદર અમર દેવી) ઓડિસીયસના પ્રેમમાં પડી ગઈ છે અને એને સાત વર્ષથી કેદી બનાવી દીધો છે. ઓડિસીયસ કેલિપ્સોની અમરત્વની ઓફર નકારી હજીય એની પત્ની પેનેલોપને યાદ કરે છે. ભગવાનના રાજા ઝીયસના આદેશ પર સંદેશાવાહક હર્મેસ દ્વારા ઓડિસીયસને છોડવાનું કહેવડાવે છે.

કેલિપ્સો કમને ઓડિસીયસને છોડવા રાજી થાય છે અને એને હોડી અને ખાવા-પીવાની વ્યવસ્થા કરી આપે છે. પણ ત્યાં વળી પોસાય’ડોન’ને (આ કોણ પાછું ?) જાણ થતાં એ ઓડિસીયસને મારવાનો પ્રયત્ન કરે છે પણ ઓડિસીયસ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થાય છે. ત્યાંથી તે નગ્ન અવસ્થામાં એક ટાપુ પર બેભાન અવસ્થામાં પહોંચે છે જ્યાં નૌસિકા તેની બહેનપણીઓ સાથે કપડાં ધોવા આવે છે. (એ ય પાછું નૌસિકાના સપનામાં દેવી એથેના કહે છે કે તારે કાલે કપડાં ધોવા જવાનું છે. જેથી તે ઓડિસીયસની મદદ કરી શકે. દેખા ઉપરવાલે કા પ્લાનિંગ 😉) ઓડિસીયસ નૌસિકાને મદદ માટે વિનંતી કરે છે અને નૌસિકા એમના માતા પિતા પાસે ઓડિસીયસને લઈ જાય છે. જ્યાં નૌસિકાના પિતા એને ઘરે પહોંચાડવાની ખાતરી આપે છે અને ઓડિસીયસ પોતાનો ટ્રોય યુદ્ધ વખતનો અને એના પછીનો ભૂતકાળ સંભળાવે છે.


વન્સ અપોન અ ટાઈમ ઈન ટ્રોય, ભયંકર યુદ્ધ પછી ઢગલો થયેલી લાશોના લોહી સુકાય એ પહેલાં ગીધ એ લાશો પર તુટી પડ્યા છે. ટ્રોયની ધરતી આ ભૂકંપ પછી ફરી ઉભી થવા મથે છે. ઓડિસીયસ તેના સાથીદારો સાથે બાર વહાણ લઈને નીકળી પડે છે પણ મધદરિયે તોફાન આવતા એ ખોવાઈને એક ટાપુ પર પહોંચી જાય છે જે પ્રખ્યાત છે લોટસ-ઈટર્સ(કમળખાઉ ) તરીકે. જ્યાં લોકોનું પ્રાથમિક ભોજન કોઈ અનાજ નહીં પણ નશાકારક કમળ જ છે. એવું કેફી કમળ જેને લઈએ તો નશો ચડતો જાય અને બધું સુખદુઃખ વિસરાઈ જાય. ઘરે પાછા ફરવાની ઈચ્છાઓ પણ. ઓડિસીયસના કેટલાક સાથીદારો પણ આ કમળ ખાઈને ત્યાં નશામાં આળોટે છે. ઓડિસીયસને આ વાત ખબર પડતાં બળજબરીપૂર્વક સાથીદારોને ત્યાંથી ખેંચી લઈ જવા પડે છે. ત્યાંથી તેઓ જઈ ચડે છે એક આંખવાળા રાક્ષસ પોલિફેમસના ટાપુ પર.

જ્યાં તેમને ખાવાપીવાનો તો ટેસડો પડી જાય છે પણ પાછા ફરવાની વાત કરતા પોલિફેમસ આડો ફાટે છે અને ગુફા બંધ કરી દે છે. પોલિફેમસ ઓડિસીયસના સાથીદારોને એઝ અ ડિનર એક પછી એક વાગોળવા મંડે છે. ઓડિસીયસ અહીં પાછી ટ્રોજન હોર્સ જેવી ગેમ રમી જાય છે. એ પોતાનું નામ Nobody(કોઈ નહીં ) જણાવે છે અને રાક્ષસને ખૂબ દારૂ પીવડાવીને સુવડાવી દે છે. રાક્ષસ ઉંઘી રહ્યો હોય ત્યારે ઓડિસીયસ એની આંખ ફોડીને એને આંધળો કરી નાંખે છે. રાક્ષસ પોતાના સાથીદારોને મદદાર્થે બુમો પાડે છે કે “Nobody had killed me, Nobody had attacked me !! “(કોઈએ મને માર્યો નથી, કોઈએ મારા પર હુમલો કર્યો નથી !! ).( ક્લેવર બ્વોય, ઓડિસીયસ 😎🤙).

રાક્ષસના સાથીદારોને લાગે છે કે પોલિફેમસ પી ગયો હશે એટલે બુમો પાડે છે એટલે એ લોકો બહુ હવા નથી આપતા એની વાતને. હવે જ્યારે રાક્ષસ પોતાના ઘેટાંને ચરાવવા ગુફાનો પથ્થર હટાવે છે ત્યારે ઓડિસીયસ તેના સાથીદારો સાથે ઘેટાંના પેટે વળગીને બહાર નીકળી જાય છે. ઓડિસીયસ જતા જતા પોતાની સાચી ઓળખ રાક્ષસને આપતો જાય છે. રાક્ષસના પપ્પા ઉર્ફે પોસાય’ડોન'( કુછ યાદ આયા ? ઉપર આવી ગયા !! )ને બદલો લેવાનું કહે છે.

Polyphemus

ઓડિસીયસ ત્યારપછી ઓલસ (પવનદેવ !!) સાથે રહે છે ત્યારે પવનદેવ તેમને પવનનું પોટલું પકડાવે છે જે તેમને સહીસલામત ઘરે પહોંચાડી શકે. જ્યારે તેમનું વહાણ તેમના રાજ્ય ઈથાકાની એકદમ નજીક પહોંચેલું હોય છે ત્યારે ઓડિસીયસ ઉપર ઊંઘતો હોય છે અને એના લાલચુ સાથીદારો નીચે પેલું પવનનું પોટલું હીરા-ઘરેણાંનું પોટલું સમજીને આખું ખોલી નાંખે છે. બધી હવા બહાર નીકળતા એક મોટું તોફાન ઉદભવે છે જે વહાણને બીજે કશેક ખેંચી લઈ જાય છે અને ઓડિસીયસની બધી મહેનત પર પવન (પાણી !!) ફરી જાય છે. વિચારો એક માણસ કેટલી વાર હારનો સામનો કરે છે અને ફરી પાછો ઊભો થાય છે.

ઓડિસીયસ પવનદેવ પાસે ફરી મદદ માંગે છે પણ પવનદેવ ધરાર ના પાડી દે છે. તોફાનમાં ફક્ત ઓડિસીયસનું વધેલું વહાણ પહોંચી જાય છે એક આયલેન્ડ પર જ્યાં તેમને મળે છે મેજિકલ દેવી સર્સ. જે અડધા સાથીદારોને જાદુથી ભૂંડમાં ફેરવી નાખે છે. હર્મેસ(ભગવાનનો સંદેશાવાહક) ઓડિસીયસને આ જાદુ અંગે ચેતવે છે અને જાદુનો અસર ન થાય એવી ‘મોલી’ (રસી, વેક્સિન જે અત્યારે આપણને નથી મળતી !! ) આપે છે. જાદુનો અસર ઓડિસીયસ પર ન થતાં સર્સ ઓડિસીયસના પ્રેમમાં પડી જાય છે (સૌથી મોટો જાદુગર તો ઓડિસીયસ થયો ને ? 😛) અને ઓડિસીયસ સાથે એક વર્ષ રહે છે. (ઓડિસીયસ સાથે સર્સના બે સંતાન પણ થાય છે. લેટિનસ અને ટેલેગોનસ.)

ત્યારબાદ ઓડિસીયસ ત્યાંથી રવાના થાય છે અને વિશ્વના પશ્ચિમ ભાગમાં એક બંદર પર પહોંચે છે જ્યાં તેને બધા મરી ગયેલા સ્વજનોની આત્મા મળે છે. પોતાના સાથીદારો, પોતાની માતા, એગ્મેમનોન, એચિલીસની આત્મા સાથે એ સમય વિતાવે છે. જસ્ટ થિંક ફોર અ વ્હાઈલ, શું વાત કરી હશે પોતાની માતાની આત્મા સાથે, એચિલીસ અને એગ્મેમનોન જેની સાથે આખી જિંદગી મેદાનમાં મૃત્યુ હાથમાં લઈ સાથે લડ્યા હોય. આ સમયે એને પોતાનું આવનારું ભવિષ્ય પણ જાણવા મળે છે. કથાનો આ ભાગ થોડો ડાર્ક અને ઈમોશનલ છે. ત્યાથી જ્યારે તેઓ પાછા ફરતા હોય છે ત્યારે રસ્તામાં તેમનો સામનો સાઇરેનથી થાય છે. હવે સાઇરેન એવા પ્રાણીઓનો સમૂહ છે જે એકદમ કર્ણપ્રિય મધુર એવું ભ્રમિક ગીત વગાડે છે જેથી અંજાઈને ત્યાથી પસાર થતાં નાવિકો મને કમને પોતાનું વહાણ પથ્થરની શિલાઓ બાજુ લઈ જાય જેથી કરીને અકસ્માત થાય. સર્સ તેમનાથી બચવા માટે એમને એક મોટો મીણનો ટુકડો આપે છે. હવે જ્યારે તેઓ ત્યાથી પસાર ત્યારે થોડુ થોડું મીણ પોતાના કાનમાં નાખી દે છે જેથી તેમણે ગીત જ ન સંભળાય. ત્યાંથી સર્વાઈવ કરીને નીકળતા તેમનો સામનો સ્કાયલા નામના રાક્ષસ જોડે પણ થાય છે. એકબાજુ રાક્ષસ તો બીજું બાજુ તોફાન. કેટલાક રાક્ષસની દાવત બને છે તો કેટલાક તોફાનના વમળમાં તણાય છે. જેમાં ઓડિસીયસ સિવાયના બધા મૃત્યુ પામે છે અને ઓડિસીયસ પહોંચી જાય છે કેલિપ્સો પાસે જે એના પ્રેમમાં પડી એને સાત વર્ષ કેદી બનાવી રાખે છે. (હોમરના ઓડિસીમાં ઓડિસીયસ અને કેલિપ્સોના એકપણ સંતાનનો ઉલ્લેખ નથી પણ બીજા ગ્રંથોમાં લેટિનસ નામના સંતાનનો ઉલ્લેખ છે.)

Scylla by Roger Payne

આ ભૂતકાળ સંભળાવ્યા બાદ જ્યારે ઓડિસીયસ ઊંઘતો હોય છે ત્યારે જ નૌસિકાના પિતા તેને વહાણમાં તેના રાજ્ય ઈથાકા પહોંચાડી દે છે. એ પોતે ચીંથરેહાલ ભિખારીના રૂપમાં રહે છે જેથી એના રાજ્યની સ્થિતિ જાણી શકે. પોતાની નકલી સ્ટોરી સંભળાવી તે ત્યાંના ખેડૂતોના ઘરમાં થોડા દિવસ રહે છે. એ ત્યાં એના પુત્ર ટેલેમાકસને પણ મળે છે અને બંને પેનેલોપને હેરાન કરતાં દાવેદારોને પણ મારવાનું નક્કી કરે છે. ઓડિસીયસને એના ઘરમાં એનો પાલતુ કુતરો એને ઓળખી જાય છે જેને એ નાનો હતો ત્યારે છોડીને ગયા હતા. એક કુતરો અને બીજી એની નોકરાણી જે એના પગ ધોતી હોય ત્યારે ઓડિસીયસનો ઘાવ ઓળખી જાય છે. બીજા દિવસે પેનેલોપનું સ્વયંવર થાય છે જેમાં એઝ એકસ્પેક્ટેડ ઓડિસીયસ એકલો જ જીતે છે. પેનેલોપ જીતેલા આદમી(ઓડિસીયસ) માટે પોતાના બેડરૂમમાંથી નોકરાણીને એક બેડ ખસેડીને વ્યવસ્થા કરી આપવાનું કહે છે પણ ઓડિસીયસ અકળાઈને કહે છે કે બેડ ખસી જ ન શકે કેમ કે ઓડિસીયસે એને ઓલિવના ઝાડમાંથી બનાવ્યું હતું જે સહેલાઈથી ખસી શકે નહીં. (આ વાત ફક્ત ઓડિસીયસ, પેનેલોપ અને નોકરાણી જ જાણતા હોય છે) જેથી પેનેલોપ ઓડિસીયસને ઓળખી જાય છે. ઓડિસીયસ અને ટેલેમાકસ પેલા પજવતા દાવેદારોને મારી નાંખે છે. સાથે ૧૨ નોકરાણીઓને ફાંસીએ ચડાવે છે જે એ દાવેદારો સાથે હતી. વીસ વર્ષના લાંબાગાળા પછી એક બાપ ને એનો પુત્ર મળે છે અને એક પતિને એની પત્ની. એક મુસાફરને એનું ઠેકાણું. પાછળ છુટી ગયેલી કઠિન અને રસપ્રદ કહાની. જેણે મૃત્યુ અને જીવન એકસાથે જોયા છે‌. જેણે એક રાત એના દુશ્મન, એના મોત સામે શરાબ પીવામાં કાઢી છે તો એક રાત એની પ્રેમિકાના ખોળામાં માથું ઢાળી પત્નીના યાદમાં. જેના સાથીદારોએ એને સાથ ઓછો પણ મુશ્કેલીમાં વધુ નાખ્યો છે. ૨૦ વર્ષના યુદ્ધ અને મુસાફરીના સમયગાળામાં જેણે સર્જનહારની બધી માયા જોઈ લીધી છે. જિંદગી જીતી ગયેલા એ નાયકને નમન. રોમાંચક જીવનસફરના એ વટેમાર્ગુને વંદન.

આ હતું ઓડિસી. ઓડિસીયસની જર્ની. જર્ની ટુ ધ હોમ. જર્ની ફોર સિકિંગ ધ હેપીનેસ. ઘર ગમે તેવું હોય છેવટે છે તો ખુશીઓનું જ સરનામું ને ?

~ સ્મિત પટેલ

અચ્છા વાચક તરીકે એની ફેસબુક પરની રમુજી છતાં જ્ઞાનવર્ધક કોમેન્ટ્સથી પરિચયમાં આવેલ સ્મિત સ-રસ લખી શકે છે. અને ઊંડો સાહિત્યરસિક અભ્યાસ ધરાવે છે,એનોપુરાવો જ આ લેખ છે ! jvpedia માં એનું અદકેરું સ્વાગત છે .

But the great leveler, Death: not even the gods can defend a man, not even one they love, that day when fate takes hold and lays him out at last.

-Homer,Odyssey                                                                                                                                           

 
5 Comments

Posted by on August 10, 2020 in art & literature, Uncategorized

 

Tags: , ,

 
%d bloggers like this: