RSS

સોલીટ્યુડના એટીટ્યુડથી તન્હાઇની ગહેરાઈ સુધી!

04 Aug
સોલીટ્યુડના એટીટ્યુડથી તન્હાઇની ગહેરાઈ સુધી!

“એકલા એકલા”…… કોઈ મસ્ત મજાના જમણની ડિશનો કે કોઈ સ્થળે ફરવા ગયા હોઈએ ત્યારે જેવો એનો ફોટો અપલોડ કરીએ એટલે તુરંત કોઈની આવી કોમેન્ટ આવી જ જાય.એકલા એકલા…અને આપણે કન્ફફયુઝ થઈએ કે હવે એને શું જવાબ આપવો! આ ઘટના તમારી સાથે પણ અનેક વાર બની હશે.પણ શું ખરેખર એકલા હોઈએ ત્યારે કોઈ પૂછવા આવે છે કે કેમ એકલા એકલા?

એકલા એકલા કેટલા આંસુ પડ્યા હશે અને કેટલા આપમેળે સુકાઈ ગયા હશે? એકલા એકલા કેટલા કેટલા કડવા ઘૂંટ પીધા હશે? મંઝિલ સુધી પહોંચતા સુધી કેટલા સુમસાન રસ્તાઓ પર એકલા એકલા સફર કરી હશે?ત્યારે કોણ આવેલું આંસુ લુછવા?કોણ આવેલું હાથ ઝાલવા?કોણ આવેલું દરેક વખતે રસ્તો બતાવવા?

જિંદગીની કેટલીય સફરમાં એકલા જ ચાલવાનું હોય છે. માતાના ગર્ભમાં,”એમ્નીઓટીક અંધકાર”થી લઈ જલતી ચિતાના પ્રકાશ સુધી.હંમેશા કોઈ સાથે રહે, એવી અપેક્ષા જ વ્યર્થ છે.પ્લાસેન્ટા કપાઈ જાય તો રડતો રડતો પણ માણસ સ્વંય શ્વાસ લેતા શીખી જતો હોય છે. ખરેખર અભાવને લીધે જ માણસ રડતો હોય છે.ચાહે ઓક્સિજનનો હોય કે પૈસાનો. એકલતા પણ અભાવને કારણે ઉદભવતી લાગણી છે.એટલે જ એકલતા અનુભવતા લોકો પણ કોઈના અભાવને કારણે રડતા રહે છે.જન્મ વખતે થતું રુદન સ્વભાવગત છે.આપણા હાથમાં નથી હોતું.પણ મૃત્યુ વખતે થતું રુદન અભાવગત છે.હસતા હસતા જવું કે રડતા રડતા એ આપણા હાથમાં જરૂર છે.કશુંક બાકી રહી ગયાની લાગણી જતાં જતાં પણ એકલા પાડી દે છે.

એકલતા,તન્હાઇ,લોનલીનેસ…! એ કેટલા બધા કવિઓ અને લેખકોને કન્ટેન્ટ આપે છે.દુઃખ,દર્દ,ગમગીની પણ ખૂબ વેચાય છે.જેનો અભાવ છે એવી વ્યક્તિને ભૂલી જવા માટે નશો કરવામાં આવે છે.કોઈ એવો નશો પણ હોવો જોઈએ જે જીવનમાં હાજર છે એવા લોકોને પણ યાદ કરાવે.અને એ બધા નશાથી ઉપર એક નશો છે સોલ્ટીટ્યુડનો નશો.એકલતાની ગુચી જેને માફક આવી જાય એને પછી કોઈ બીજા સસ્તા નશાઓની જરૂર રહેતી નથી.પોતાની મરજીના માલિક હોવું અને પોતાની ઈચ્છા મુજબ જીવવું,એથી મોટી રાજાશાહી બીજી શુ હોય? એકલતા એ મેનોપોઝ જેવી અવસ્થા છે,કોઈને ચીડિયા સ્વભાવના કરી મૂકે તો કોઈને સ્થિતપ્રજ્ઞતાની હદે શાંત કરી મૂકે.

એકાંત પણ એક સાધના છે.જો એમાં આનંદ આવવા લાગે એ લોકો માટે એ ચિદાનંદરૂપ શિવોહમ જેવી અવસ્થા છે.બહાર ભટકતા ચિત્તને સ્વયંમાં સ્થિર કરવાની આ અવસ્થા છે.જાત સાથે સમય પસાર કરવા મળે.સ્વયંને ઓળખવા મળે.વાતવાતમાં વચ્ચે આવતો “હું” કેટલો ક્ષુલ્લક છે, અને એ જ હુંકાર કેટલો શક્તિશાળી પણ છે એ સમજાય.આત્મચિંતન અને દર્શનનો આ સમય છે.ભૂતકાળમાં કરેલી ભૂલો નજર સામે તાદ્રશ્ય થાય છે.ઉદાસી,ક્રોધ,પસ્તાવો આ બધા નકારાત્મક ભાવોના રસ્તા પર ચાલી માણસ એક પરમ આનંદની અવસ્થા સુધી પહોંચી શકે છે.જ્યાં પ્રેમ,કરુણા,હર્ષ વગેરેની અનુભૂતિ થાય છે.

એકાંતમાં પોતાના માટે પ્રેમ વધી જાય.અને જો પોતાને પ્રેમ કરવો હોય તો પોતાને માફ કરતા પણ શીખવું પડે.પોતે કરેલી ભૂલો સ્વીકારી ભવિષ્યનું માઇક્રો પ્લાનિંગ કરી શકાય.લાંબા એકાંતવાસને અંતે લોકો કામ,ક્રોધ જેવા માનસિક વિકારો કે વ્યસનમાંથી પણ મનોમંથન કરીને વોરિયરની જેમ બહાર આવતા હોય છે.બની શકે આ એકાંત તમારા જીવનનો લાઈફ ચેઇન્જિંગ નિર્ણાયક ભાગ હોય. આજકાલ આ જ કન્સેેેપ્ટને લઈને ઘણાં આશ્રમો અને હિલિંગ સેેન્ટર્સ પણ બની રહ્યા છે. જ્યાં બેેેઝીકલી તમને આ પ્રકારનું એકાંત મળે એવી વ્યવસ્થા કરવામાં આવે છે.

“હોમ અલોન” નામની એક ફિલ્મ બાળપણમાં લગભગ બધાએ જોઈ હશે.એકલા રહીને પણ કેવી મોજ કરી શકાય એનો અંદાજ નાનકડો કેવિન કેટલી સરસ રીતે આપે છે.ઘરમાં એકલો પડી રહીને મનગમતું મ્યુઝીક સાંભળતા પલંગ પર કુદકા મારે છે,નાચે છે,ગાય છે,ભાવતું જમવાનું ઓર્ડર કરી જમે છે તો વળી ચોર અને બીજી આવી પડેલી આફતોનો બુદ્ધિપૂર્વક સમનો પણ કરે છે.

કેટલી બધી મજાઓ છે જે એકલા એકલા પણ લઇ શકાય અને સાથે કોઈ ન હોય તો પણ એટલી જ મજા આપતી હોય છે.બાઇક લઈને રોડટ્રીપ પર નીકળી પડો કાનમાં ઈયરપલગ્સ ચડાવીને.મૌસમ સારી હોય તો બની શકે કે કુદરતે આપણા માટે કેટલી સુંદર દુનિયા બનાવી છે એનો અહેસાસ પહેલીવ્હેલી વાર જ થાય.ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમ બન્ને વધી જશે.આપણા જ જાણીતા વિસ્તારમાં પણ આપણે નોંધ ના લીધી હોય એવી કેટલીય બાબતો નજરે ચડશે.પાછળ કોઈ વાતો કરાવવા માટે ન હોય એટલે ઝાડ,પાન,પક્ષીઓ,પશુઓ એ બધા આપસમાં વાતો કરતાં જણાય.  ફૂલોની,માટીની,ગોબરની,ક્રીમફેક્ટરી કે બેકરીની એવી કેટલીય સુગંધોનો અનુભવ થશે. સાથે કોઈ ધ્યાન ખેંચે એવું ન હોય ઍટલે પાંચેય ઇન્દ્રિયો દ્વારા એના વિષયોની અનુભૂતિ થાય.

રસ્તાના ઉભા રહી પાણીપુરી,પેસ્ટ્રી કે મફીન્સ ખાઈ શકાય.કોઈ સાથે હોય કે ના હોય સ્વાદ તો એનો એટલો જ સરસ આવે.ચા પીતા પીતા સાવ અજાણ્યા વ્યક્તિ સાથે પણ સંવાદ શરૂ કરી શકાય.ઘણીવાર ફિલ્મ જોવા માટે બે ટિકિટ અને પોપકોર્નનો ખર્ચ વિચારીને પ્લાન કેન્સલ કર્યા હોય તો તમને એક ટિકિટનો ખર્ચ ઓછો લાગે અને એકલા હોવાથી પૈસા પણ વસુલ થઈ શકે.ઈમ્તિયાઝ અલી,રહેમાન,ભણસાલી,ઇર્ષાદ કામિલ,નેટફ્લિક્સ કે પ્રાઈમ જેવા નવા ભાઈબંદો મળે અને એમની સાથે રાતોની રાતો પસાર થઈ જાય.

ખુશવંત સિંઘે પોતાની પત્નીના નિધન બાદ રમુજમાં લખેલું કે હવે મને બેડની(પલંગની) બંને તરફથી ઉતરવા મળે છે.એ પણ એક લકઝરી જ છે ને! એકલા હોવાથી બેડ પર આડા ઉભા જેમ ફાવે એમ ઊંઘી શકાય.મૉટે ભાગે કપડાં તો ગંદા થાય જ નહીં.માત્ર અન્ડરગરમેન્ટ્સ વારંવાર ધોવા પડે એટલું જ.વાળ,દાઢી,નખ,ઊંઘ,દવાઓ બધી બાબતોનું ધ્યાન આપણે જાતે જ રાખવાનું.અરીસામાં પોતાને જોઈને પોતે જ પોતાને પ્રેમ કરતા આવડી જાય.ફર્નીચર,પુસ્તકો સહિત તમામ વસ્તુ આપણને ગમે એ રીતે ગોઠવી શકાય.અને અસ્તવ્યસ્ત હોય તોય શું? બંદા મસ્ત જ હોય! કોઈ કહેવાવાળું નહિ.કોઈ ટકટક નહિ. ત્રીસ રૂપિયાની સસ્તી સબ્જી રોટીની થાળી પણ ખાઈ લેવાય.સોલો ટ્રીપ પર જતાં ઘણા લોકો આ જ કારણથી એકલા ફરવાનું પસંદ કરતાં હોય છે.કોઈ સાથે હોય ત્યારે દરેક વસ્તુ એને પણ ગમે એવી રીતે કરવાની એક મ્યુચ્યુઅલ રિસ્પોન્સીબીલીટી આપણા પર આવી જતી હોય છે.

આપણે ટ્રેન કે ટ્રામની મુસાફરી કરી લઈએ પણ સામેવાળી વ્યક્તિને અનુકૂળ ન આવે તો? આપણે સ્ટ્રીટફૂડ કે વેજનોનવેજના ચોખલીયાવેડા કર્યા વગર જે મળે એ ખાઈ લઈએ પણ સાથે હોય એને એ ન ગમે તો ખાસ્સો સમય,શક્તિ અને પૈસા ખર્ચવા પડે.વાઈન હોય કે વુમન બધામાં અદ્રશ્ય લગામ આવી જાય.સામે કોઈ અટેંશન માગનાર બેઠી હોય અને કોઈ બીજીને જુઓ તો વળી નવું ટેંશન.આ તો બે ઘડી મજાક.પણ બધું બજેટમાં પતાવવાનું હોય ત્યારે આપણે એટલા પૈસા બચાવીને સ્કાય ડાઈવિંગ,સ્કુબા,પેરાગલાઈડિંગ જેવા એડવેન્ચર્સ કરવા માગતા હોઈએ અને સાથે હોય એ લોકોને એમાં રસ ન હોય તો વળી એની વ્યવસ્થા કરવાની એ અલગ.પણ એકલા હો તો આવી કશી જંજટ નહિ.થોડી ડીસીપ્લિન પણ આપોઆપ આવી જાય.જ્યાં પહોંચવાનું હોય ત્યાં સમયસર નીકળવાની,સમયે ઉઠવાની,ફોન ચાર્જ કરવાની બધી ભાન રાખવી પડે.મન ફાવે ત્યારે ઉઠવાની અને તૈયાર થવાની બેદરકારીઓ ન ચાલે.નહિ તો ભૂખ્યા રહેવું પડે એવુંય બને.

પ્લાનિંગ કરવામાં દિમાગ ઘસવું પડે અને જુગાડ કરતાંય આવડી જાય.અને સૌથી મોટી બાબત: જીવનનું એ જ્ઞાન આપોઆપ આવી જાય કે “હું” જ મારો શ્રેષ્ઠ મિત્ર અને “હું” જ મારો શત્રુ.મનના કોઈ ખૂણેથી વાગતું હોય કે “કોઈના કોઈ ચાહિયે પ્યાર કરનેવાલા” તો તરત અંદરથી જ બીજો જવાબ આવે “કિસકા હૈ એ તુમકો ઇન્તઝાર મેં હું ના”

જગતના કેટલાય મહાપુરુષો અને હસ્તીઓ પોતાની શીખવાની પ્રકિયામાં સોલો ટ્રાવેલનો મોટો ભાગ હોવાનું સ્વીકારી ચુક્યા છે. પોલો કોએલ્હોના જાણીતા પુસ્તક એન એલકેમિસ્ટનો નાયક પણ ખજાનાની શોધમાં આ જ રીતે એકલો નીકળી પડે છે અને ધનની સાથે જીવનનું જ્ઞાન પણ મેળવે છે.આવી જ કહાની નચિકેતાની પણ છે. નચિકેતા કોઈને સાથે લઈને યમરાજ પાસે ન્હોતો ગયો.

ભક્તિ અને કલાની સફર કરનારા તો ઢગલાબંધ ઉદાહરણો મીરા થઈ લઈ નરસિંહ અને ગાલિબ સુધીના મળશે.જેમણે એકાકી રહીને જ પોતાની સાધના કરી છે.

સંગીત કે બીજી ઘણી આર્ટ જાણતા આર્ટિસ્ટસ જાણી જોઈએ એકાંતવાસમા રહીને સર્જન કરતા હોય છે.અહીં લખીએ એટલા નામ ઓછા પડે એટલા બધા કલાકારો,વૈજ્ઞાનિકો,નેતાઓ,અભિનેતાઓ અને સંતોના ઉદાહરણો છે.જેમણે તનહાઈની ગહેરાઈથી “સોલ્ટીટ્યુડ”ના “એલ્ટીટ્યુડ” સુધીની એ સફર કરી હોય અને મોજથી જીવતા જીવતા જિંદગીને સામો સવાલ કર્યો હોય “અકેલે હૈ તો ક્યાં ગમ હૈ?”……

~ ડો. મયુર સોલંકી

 
2 Comments

Posted by on August 4, 2020 in education, philosophy, travel

 

2 responses to “સોલીટ્યુડના એટીટ્યુડથી તન્હાઇની ગહેરાઈ સુધી!

 1. Narendra

  August 4, 2020 at 11:24 PM

  Jaybhai,
  Like this idea .To introduce new writer.
  Narendra Mehta

  Like

   
 2. jay_barot09

  August 7, 2020 at 8:40 PM

  Very nice article “aj akala hovanu dukh param sukh ma balayu “Sent from my Samsung Galaxy smartphone.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: