ગેસ્ટ સ્પેશ્યલ આર્ટિકલ
હસી તો ફસી, વન ઓફ માય ફેવરીટ મુવી. એમાં એક નાની છોકરી હોઈ છે જે ખુબ ઈન્ટેલીજન્ટ હોઈ છે. સામે એક છોકરો હોઈ છે એ પણ એટલો જ ઈન્ટેલીજન્ટ હોઈ છે. (પણ પછી એ છોકરો સાત વરસથી એક છોકરીને સેટ કરવામાં પડ્યો હોઈ, કઈ કરી શકતો નથી.. હા હા. જો કે આ આડી વાત થઇ). આ ઈન્ટેલીજન્ટ છોકરી એક મસ્ત ડાયલોગ બોલે છે “અગર મેં આઈડિયા હોતી ઔર તુમ ટેકનોલોજી , હમારી પતંગ ક્યાં મસ્ત હોતી નાં ” (પછી છેલ્લે એ છોકરો સમજી જાય છે અને પેલી છોકરીને મુકીને આ આઈડિયાને પકડે છે. પાછી આડી વાત થઇ ગઈ.. હા હા ).
પહેલા ટેક્સી શોધવી કેટલી અઘરી હતી. મેઈન રોડ પર જાઓ કે ટેક્સી સ્ટેન્ડ જાઓ ત્યાંથી એક ટેક્સીવાળા સાથે ભાવતોલ કરી સેટિંગ પાડી ઘર પર લઇ આઓ. અને આજે? એક એપ ડાઉનલોડ કરો , એડ્રેસ નાખો અને ટેક્સી ઘરના દરવાજે હાજર ! ટેક્સીનો રેટ અને બધું પહેલેથી જ ફિક્સ. તમારે દુર રહેતા કોઈ સ્વજનને ગીફ્ટ મોકલવી છે. પહેલા તમે ગીફ્ટ ખરીદતા, પછી કુરિયરવાળાને ત્યાં જતા અને કુરિયર કરાવતા. અને હવે ? એક વેબસાઈટ ખોલો (કે એપ), કોઈ પ્રોડક્ટ ચૂઝ કરો, તમારા સ્વજનનું એડ્રેસ નાખો , ગીફ્ટ માટેનું ચેક બોક્સ ચેક કરો. ગીફ્ટમાટે નો મેસેજ નાખો અને વસ્તુ ગીફ્ટ થઈને હજારો માઈલ દુર રહેતા સ્વજનના ઘરે પહોચી જશે ! (અરે ગુગલ મેપ ને કેમ ભૂલાય? એ તો પર્યોટકો માટેનો ભગવાનથી પણ વિશેષ છે ) આ બધું કેમ શક્ય બન્યું ? આઈડિયા અને ટેકનોલોજી થી જ તો !
નવો બીઝનેસ સ્ટાર્ટ કરવા, આ દુનિયામાં કૈક નવું ઇનોવેટ કરવા માટે શું જરૂરી છે ? એક આઈડિયા ? તમે માનો કે નાં માનો, ઘણા લોકોને નવા નવા આઈડિયા આવતા જ હોઈ છે. તમે જ વિચારી લ્યો તમારી પાસે કેટલા આઈડિયા પડ્યા છે ? ખાલી આઈડિયા આવવાથી તમે સફળ ના થઇ જાવ. તે આઈડિયા કેવી રીતે ઈમ્પલીમેટ કરવો એ પણ વધુ અગત્યનું છે. ફેસબુક જેને બનાવ્યું છે એ માર્ક ઝુકરબર્ગનું જ ઉદાહરણ લઈએ તો એને એવી કૈક સોસીયલ નેટવર્ક બનાવવાનો આઈડિયા આવ્યો કે જેમાં મિત્રો કનેક્ટ રહી શકે. હવે ખાલી આ આઈડિયાથી એ ફેસબુક ના બનાવી શક્યો હોત. એ આઈડિયા સાથે એને ફેસબુક કેમ બનાવવું એની ટેકનોલોજીનું પણ જ્ઞાન હતું. (એ આઈડિયા સાથે ફેસબુક બનાવી ઈન્ટરનેટ પર મૂકી દીધું અને આજે તમે બધા ત્યાં જ રહો છો ..હા હા ).
હવે પ્રશ્ન છે,
૧. તમારી પાસે આઈડિયા છે, પણ ટેકનોલોજીનું જ્ઞાન નથી. તો શું કરવું ?
૨. આઈડિયા પણ છે , ટેકનોલોજીનું પણ જ્ઞાન છે. પણ ટાઈમ નથી ! ?
તમારી પાસે આઈડિયા છે, પણ ટેકનોલોજીનું જ્ઞાન નથી. આ કેસમાં બે વિકલ્પ છે , એક કે તમે જાતે ટેકનોલોજી શીખતા જાવ અને આઈડિયા ઈમ્પ્લીમેન્ટ કરતા જાવ. આ ઘણો સમય માંગી લ્યે. અને બીજો પ્રોબ્લેમ એ છે કે જેવું તમે વિચાર્યું હોઈ એવી પ્રોડક્ટ નાં પણ બને ! બીજો વિકલ્પ એ છે કે તમે કોઈ ટેકનોલોજી એક્સપર્ટને હાયર કરી લો કે જેને એ આઈડિયા કેવી રીતે ઈમ્પલીમેન્ટ કરવો એનું જ્ઞાન હોઈ. આ વિકલ્પમાં તમને તમારો આઈડિયા ક્લીયર હોવો જોઈએ. જે વ્યક્તિને હાયર કરો એ વિશ્વાશું હોવો જોઈએ. (બાકી તમારા આઈડિયા પર કોઈ “બીલ ગેટ્સ” બની જાય ).
હવે બીજો પ્રશ્ન કે તમારી પાસે આઈડિયા પણ છે અને એ આઈડીયાને પ્રોડક્ટ કેમ બનાવવી એ પણ ખબર છે પણ ટાઈમ નથી કે રૂપિયા નથી ! આ પ્રશ્નમાં સૌથી પહેલા તમને તમારા આઈડિયા પર પૂરો ભરોસો હોવો જોઈએ. એ આઈડિયાની વેલ્યુ તમને ખબર હોવી જોઈએ. એ અઈડ્યાની વેલ્યુ પરથી રૂપિયા માટે તમે ક્યાયથી પણ ઇન્વેસ્ટર્સ શોધી શકો. સારા આઈડિયા પર રૂપિયા વરસાવવા માટે ઘણા મીલીનીયોર્સ પડ્યા છે. પે એટીએમ , ફ્લીપકાર્ટ ,ઓલા વગેરે આટલી ઓફર્સ ક્યાંથી આપે છે ? ( ઇન્વેસ્ટર્સના રૂપિયે જ તો ! ).
પણ શું આ આઈડિયાને ઈમ્પલીમેન્ટ કરવા, દુનિયાને બદલાવવી એટલી જ ઇઝી છે? જવાબ છે “ના”. તમને ટેકનોલોજીનું જ્ઞાન હોઈ કે નાં હોઈ , તમારી પાસે રૂપિયા હોઈ કે નાં હોઈ, દુનિયાને કૈક નવું આપવા માટે જાતને ઘસી નાખવી પડે છે, તમારી કમ્ફર્ટ નોકરી કે ઇઝી લાઈફ છોડીને રિસ્ક લેવું પડે છે. આઈડિયા ઈમ્પ્લીમેન્ટ થઇ જાય પછી પણ એ ચાલશે કે નહિ એ નક્કી હોતું નથી. ઘણા સ્ટાર્ટઅપસ વેચાય જાય છે તો ઘણાનું બાળ મરણ થઈ જાય છે.
અત્યારે કોઈ આપણા દેશને ઓરીજીનલ આઈડિયાની ખુબ જ જરૂર છે, જે દુનિયાભરની કમ્પનીઓને ટક્કર આપી શકે.
Part -2 ઓરીજનલ આઈડિયા જ ના હોઈ તો ? – રીડીઝાઈન !!
રિડિઝાઇન માટે પરફેક્ટ સમય ચાલી રહ્યો છે. ઘણી બધી ચાઈનીઝ એપ બંધ થઈ ગઈ છે, વડાપ્રધાન સહિત બધા સ્વદેશી વસ્તુઓ વાપરવા માટે આગ્રહ કરી રહ્યા છે ત્યારે બહાર નવી નવી તકોના ઢગલા થયા છે. ટિકટોક, ઝૂમ એપ, કેમ સ્કેનર જેવી એપ્સના સ્વદેશી વર્ઝન લોકો શોધી રહ્યા છે. આ ઉપરાંત બીજી એપ્સ અને પ્રોડક્ટ્સ માટે પણ લોકો સ્વદેશીમાં વિકલ્પ શોધી રહ્યા છે કે સ્વદેશી વર્ઝન આવે તો લોકો ટ્રાય કરી શકે.
પહેલા આઈડિયાને રિડિઝાઇન કરવો એટલે શું? આઈડિયા માર્કેટમાં પહેલેથી જ હોય પણ હરીફાઈ ના હોય કે હજુ એમાં થોડો સુધારો કરીને મૂકી શકાય એમ હોય તો એ જ આઈડિયાનો પોતાની રીતે ડિઝાઇન કરીને બઝારમાં મુકવો. ઉદાહરણ તરીકે એમેઝોન શોપિંગ વેબસાઈટ પહેલેથી જ હતી. ફ્લિપકાર્ટએ સારી ડિઝાઇન સાથે ભારત માટે અલગથી એ જ કોન્સેપ્ટ પર સાઇટ મૂકી.
1. ત્યારે ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન, ઇબે સિવાય ભારતમાં કોઈ પોપ્યુલર વિકલ્પ નહોતા.
2. ત્યારે હજુ જૂજ ભારતીયો જ ઓનલાઈન શોપિંગ કરતા હતાં.
ફ્લિપકાર્ટને હજુ આમાં તકો દેખાણી અને પહેલી વખત “કેશ ઓન ડિલિવરી” સ્કીમ સાથે ઓનલાઈન શોપિંગ પોર્ટલ બઝારમાં આવ્યું અને સક્સેસફુલ રહ્યું. આવી જ રીતે ઓલા, સ્વીગી જેવા સ્ટાર્ટઅપ આવ્યા. શું આ ચોરી નથી? ના. ચાઈના આખું રિસર્ચ કરતા રીડીઝાઈન પર જ વધુ વર્ક કરે છે. દરેક પ્રોડક્ટ એક કરતા વધુ કંપનીઓ થોડા થોડા ફેરફાર કરીને વેચતી જ હોય છે ને ! ટિક્ટોક જેવી પોપ્યુલર એપ પણ સંપૂર્ણ ઓરીજનલ આઈડિયા તો નહોતો જ.
હવે વાત એ છે કે બીજા દેશમાં તમને કોઈ સારો આઈડિયા દેખાય જે આપણા દેશમાં નથી તો તમે એને આપણાં દેશ પ્રમાણે રિડિઝાઇન કરી શકો. કોઈ સફળ વિદેશી પ્રોડ્કટને કોપી કરીને સ્વદેશી બનાવી નાખવી એટલી સહેલી પણ નથી. હમણાના જ ઉદાહરણની વાત કરીએ તો જીઓ મીટએ ઝૂમ વિડિઓ ચેટ એપની બેઠેબેઠી કોપી મારી લીઘી. તો શું જીઓ એપ ઝૂમને રિપ્લેશ કરી નાખે?
જવાબ છે ના. ઝૂમે જે આટલા વર્ષોમાં પાછળના સર્વરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું હોઈ, એમની પાસે સ્પીડ માટેના, યુઝર્સનો ઓછો ડેટા વપરાય એ માટેના સોર્સકોડ કે પેટેન્ડેડ આઈડિયા હોય એ જીઓ પાસે ના હોય. પરંતુ સમય જતા ધીમે ધીમે ઈમ્પ્રુવમેન્ટ કરીને, ભારતના યુઝર્સ પ્રમાણે બદલાવો કરતા રહે તો જરૂરથી સફળ બની શકે.
આ વાત ફક્ત સોફ્ટવેરમાં જ નહિ, બધી પ્રોડક્ટ્સ પર લાગુ પડે છે. નાનકડા ચાઈનીઝ રમકડાંથી માંડીને સ્પેસશટલ સુધી બધે જ. કપડાં હોય કે કાર, ફ્રિજ, વોશિંગ મશીન, ટીવી જેવા રોજિંદા ઉપકારણો કે મોબાઈલ, લેપટોપ હોય બધાને રીડીઝાઈન કરીને માર્કેટમાં મૂકી શકો. ખાલી એટલું જ ધ્યાન રાખવાનું કે જે ફાઇનલ પ્રોડક્ટ બને એ માર્કેટમાં બીજી પ્રોડક્ટ્સને હરીફાઈમાં હંફાવી શકે એવી હોવી જોઈએ. બાકી ઘણી ભારતીય કંપનીઓ, વિદેશી કંપનીઓ સામે આવીને હાંફી ગઈ છે. માઇક્રોમેક્સ યાદ છે ને ? ટાટા મોટર્સ, ગોદરેજ જેવી બીજી કંપનીઓ પણ જે તે સેગ્મેન્ટમાં હરીફાઈમાં ઘણી પાછળ છે.
કેવી પ્રોડક્ટ બીજી પ્રોડક્ટ્સને માર્કેટમાં ટક્કર આપી શકે ? જે પ્રોડક્ટ ગ્રાહકોના દિલ જીતી શકે.
પહેલી વાત તો તમારી પ્રોડક્ટ લોકો સુધી પહોંચવી જોઈએ. લોકો સુધી પહોંચ્યા પછી લોકોને વાપરવામાં મજા આવવી જોઈએ, સરળ લાગવી જોઈએ. જે તે પ્રોડક્ટની ક્વોલિટી જે માર્કેટમાં પહેલા હોય એના કરતા વધુ સારી હોવી જોઈએ. પ્રોડક્ટમાં કૈક એવું ફીચર વધારે હોવું જોઈએ જે પહેલાની પ્રોડક્ટમાં ના હોઈ. પ્રોડક્ટની કિંમત જે તે સેગ્મેન્ટ પ્રમાણે હોવી જોઈએ. ખાલી ભારતીય પ્રોડક્ટના નામે ખોખલી પ્રોડક્ટ હશે તો, ટૂંક સમયમાં જ કોઈ તમારા આઇડિયાને રીડીઝાઈન કરી તમારાથી સારી પ્રોડક્ટ મુકશે જ !!
“તકોની નદી વહી રહી છે, તમારા પર છે કે વહેતા પાણીને જોવું, એમાં હાથ ધોવા, કે ધુબાકા મારીને નહાવું “
~ અંકિત સાદરિયા
અંકિત દક્ષિણ ભારતમાં રહીને ગુજરાતીપણું જાળવી અવનવા વિષયો પર તરોતાજા લખાણ કરતો યુવા રીડરબિરાદર છે. આધુનિક જ્ઞાનને રમુજી અને સરળ ભાષામાં પીરસવું એ એની ખાસિયત છે. JVpediaમાં એનું સ્વાગત છે ~ જય વસાવડા
~ અંકિત સાદરિયા
અંકિત દક્ષિણ ભારતમાં રહીને ગુજરાતીપણું જાળવી અવનવા વિષયો પર તરોતાજા લખાણ કરતો યુવા રીડરબિરાદર છે. આધુનિક જ્ઞાનને રમુજી અને સરળ ભાષામાં પીરસવું એ એની ખાસિયત છે. JVpediaમાં એનું સ્વાગત છે ~ જય વસાવડા