RSS

સાંસ્કૃતિક ક્રાંતિ (Cultural Revolution) : ચીનના ઈતિહાસનો લોહિયાળ દશકો : ભાગ ૧

30 Jul

ગયા લેખમાં આપણે ચાઇનાની ભૂતકાળની એક ઘટના “ધ ગ્રેટ લીપ ફોરવર્ડ” વિશે વાંચ્યું હતું, ના વાંચ્યું હોય તો હમણાં જ વાંચો નીચે આપેલ લિંક ઓપન કરીને.

ધ ગ્રેટ લીપ ફોરવર્ડ : ચીનના ભૂતકાળની ભૂતાવળ દાસ્તાન

ધ ગ્રેટ લીપ ફોરવર્ડની આપત્તિજનક નિષ્ફળતા અને વિનાશક પરિણામો બાદ ચાઇનાના સરમુખત્યાર માઓ જેડોંગને તેના પદ પરથી નીચે ઊતરવું પડયું હતું. ૧૯૫૯માં સેન્ટ્રલ કમિટી સામે તેમની ભૂલો સ્વીકાર્યા બાદ લિયું શાઓકી(પ્રથમ વાઇસ ચેરમેન-કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના)ના માર્ગદર્શન હેઠળ સરકારનું નિયંત્રણ આયોજકો અને અર્થશાસ્ત્રીઓને સોંપવામાં આવ્યું જેમણે ગ્રેટ લીપ વખતની નીતિઓની ટીકા કરી હતી. માઓ એ પાર્ટી અને સરકારી અધિકારીઓને વધુને વધુ શક્તિશાળી અને કાર્ય બળમાં ઉપર જતાં જોયા . ગ્રેટ લીપ ફોરવર્ડ ની નિષ્ફળતાથી કેન્દ્રીય કમિટીના નીતિનિર્માણમાં તેનું મહત્વ ઓછું થતું ગયું.

આમ માઓને તેના વહીવટમાં વિરોધીઓને નીચે લાવવા અને પોતાને વફાદાર રહે એવા નવા કર્મચારીઓ સ્થાપિત કરવા માટે એક શસ્ત્રની જરૂર વર્તાઈ હતી. માઓને આ હથિયાર ચીનના યુવાનોમાં ભાળ્યું કારણ કે તેમની પાસે પાર્ટી પ્રચારનો મોટાભાગનો હિસ્સો હતો જે તેમના સમર્થકોથી ભરેલો હતો. અને “ધ લોંગ માર્ચ – the long march” (આ ઘટના પર પણ વિસ્તારે લખીશું) ને લીધે ભેગી થયેલ અપાર લોકપ્રિયતાને કારણે, જુવાનિયાઓ તેના આહ્વાનને ખૂબ જ ઉત્સુકતાથી પ્રતિક્રિયા આપે એ નિશ્ચિત હતું અને આમ ચીનમાં આ લોહિયાળ દસકાનો પ્રારંભ થયો. આ સાંસ્કૃતિક ક્રાંતિ ૧૯૬૬માં જીવંત થઈ અને ૧૯૭૬માં માઓ જેદોંગના મૃત્યુ સુધી ટકી હતી.

હંગેરીમાં સામ્યવાદી સરકાર વિરુદ્ધ થયેલા બળવાઓથી પ્રેરણા લઇ ને માઓને તેની પાર્ટીને પાઠ ભણાવવાનું સૂઝ્યું, આમ કરીને તે પોતાની પ્રતિષ્ઠા પાર્ટીમાં ફરીથી સ્થાપવા માગતો હતો. અને આમાં તેણે યુવા વિદ્યાર્થીઓને હથિયાર ની માફક વાપર્યા. દા.ત. તેની એક હાકલથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ નાનજીંગ સિટીના મેયરની ઓફિસની સામે લોકશાહી અને માનવાધિકારના સૂત્રો પોકારતા એકઠા થયા હતા. દેશભરમાં વિવિધ શહેરોમાં વાસ્તવિક આવક ઓછી હોવાની, નબળા આવાસ અને નબળાં કલ્યાણ લાભોની ફરિયાદ કરતાં ઘણા કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો જેમકે શાંઘાઈ શહેરમાં કેટલાક કામદાર દેખાવકારો હજારોની સંખ્યામાં ઉમટ્યા હતા.

આ વિરોધ કાંઈ શહેર પૂરતા જ સિમિત ન રહેતા ગામડાઓ સુધી વિસ્તરેલા હતા. ધ ગ્રેટ લિપ ફોરવર્ડ માં થયેલા દમનકારી અને અમાનુષી અત્યાચારને કારણે લોકોમાં બળવાની ભાવના ઉદભવી હતી, લોકોના મનમાં કપૂરના ચોસલાની માફક ગુસ્સાની ભાવના ધરબાયેલી હતી જેને માત્ર એક ચિનગારી ની જરૂર હતી. એમાં પણ તેમના ભૂતપૂર્વ ચેરમેન માઓ ઝેડોંગ ના સમર્થનથી તેમનામાં વિરોધ કરવા નો આત્મવિશ્વાસ પ્રબળ બન્યો. ઉપરથી માવો એ સામ્યવાદી સરકાર દ્વારા થયેલી કેટલીક ગંભીર ભૂલોને પણ ઉજાગર કરી અને આ બધી ભૂલો માટે અમલદારશાહી, કટ્ટરવાદ, અને જમીની લેવલે વહીવટ ની ખોટ ને જવાબદાર ગણાવી.

માઓએ મોટાભાગે લોકોને અપીલ કરી કે, તેમની ફરિયાદોના અવાજને બુલંદ કરે જેથી કરી પાર્ટીના અધિકારીઓ તેમની ફરિયાદોનું હવાલીકરણ કરીને કાર્યમાં સુધારો કરવામાં મદદ કરે જેથી સામાજિક અન્યાય નો નિવારણ થઈ શકે. ટૂંક સમયમાં જ ટીકાઓનો દોર ફાટી નીકળ્યો, પરંતુ માઓની ગણતરી ખોટી પડી, તેને આશા હતી કે કાર્યકરો તેના સંકેતોનું પાલન કરશે અને પાર્ટીને સજા કરશે, જે પાર્ટી એ માઓ જેદોંગને બંધારણમાંથી બહાર કાઢવાનું વિચાર્યું હતું. તેના બદલે લોકોએ લોકશાહી અને માનવાધિકારની તરફેણમાં તીખા સૂત્રો લખ્યા અને કેટલાક લોકોએ તો સામ્યવાદી પાર્ટીને સત્તા છોડી દેવાની પણ માંગ કરી. પાછળથી આ જ વિરોધીઓને અધિકાર વાદીઓ(Rightists) તરીકે ગણાવીને વખોડી નાખ્યા હતા અને ઘણાને તો દૂરના મંચૂરિયા તથા શિંજિયાંગ જેવા દૂરદરાજ ના અંતરિયાળ વિસ્તારોમાં કાળી મજૂરી કરવા માટે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.

Chairman Mao swimming the Yangtze River

આ બધા ઉપરાંત, રશિયામાં જેમ સ્ટાલિનના મૃત્યુ બાદ સત્તા પર આવેલ નિકિતા ખૂર્શકોવ દ્વારા સ્ટાલિનની નીતિઓનું વિઘટન કરી તેને વખોડવામાં આવ્યું હતું તે જ રીતે ચાઇનામાં પદ પરથી નીચે ઉતર્યા બાદ તેની જગ્યા પર આવેલા લિયું શાઓકી પણ નિકિતા ખૂર્શકોવની જેમ તેની બધી નીતિઓને વખોડીને, મૃત્યુ બાદ તેની છબી ને બદનામ કરશે એવો ડર માઓ ને સતાવતો હતો. તેથી જ તેની બાદ સત્તામાં આવેલા નેતાઓ પ્રત્યે જનતાને ભડકાવવાનું તેણે શરૂ કર્યું. પરંતુ આમ ભડકાવીને ભેગી કરેલી જનતા કરતા લોકોનો વિશ્વાસ કેળવીને તેમને પોતાના તરફ સમર્થન માં ઊભા રાખવા વધુ કારગર અને હિતાવહ લાગ્યા.

૧૯૩૪-૩૫ માં કરેલ “ધ લોંગ માર્ચ (The Long March) ના અભિયાન થકી જે રીતે માઓ લોકોનો હીરો બન્યો હતો એજ રીતે ફરી એકવાર લોકો ના મનમાં પોતાના માટેની પ્રતિષ્ઠા અને આદર પાછો મેળવવા લોકો ની આંખે ચડે એવું અભિયાન કરવું જરૂરી લાગ્યું અને આ યોજનાને પડદે લાવવા તેણે ૧૯૬૬ની વસંતમાં, ચાઇનાની અને સાથોસાથ એશિયા ની સૌથી લાંબી નદી યાંગત્ઝી (યિંગત્સી) નદી માં તરવાનો કાર્યક્રમ યોજ્યો અને ભારે ભીડ અને અસંખ્ય ફોટોગ્રાફર તથા રિપોર્ટર, ન્યુઝ પેપરના પ્રથમ પન્ના પર મોટી ખબર ને કારણે સમગ્ર દેશમાં તેના જુસ્સા અને શક્તિનું પ્રદશન સાબિત થયું. વધારે ઉંમર ને કારણે જેટલા પણ તેને કમજોર, અશક્ત, શક્તિવિહીન માનતા હતા બધા લોકોમાં સોંપો પડી ગયો ! (જરા વિચારો, આજે આપણા પ્રધાનમંત્રી આવું એડવેન્ચર ટાઇપ કૈક કરે તો જુવાનિયાઓમાં કેવો કિલકિલાટ થઈ જાય , અરે તમે રશિયાના પુતિન ભાઈને જ જુઓ ને કડકડતી ઠંડીમાં સબમરીન પર ચડીને ગાત્રો થીજાવી નાખતા પાણીમાં ડૂબકી મારવા પર યુવા વર્ગ માટે કેવાક આદર્શ થઈ જાય છે. માઓનું લોજીક પણ કંઇક આવું જ હતું યુવાનોને આકર્ષવાનું અને એ વખતના યુવા વર્ગ માટે તો આ કુલ એટીટ્યુડ સાબિત પણ થયું.)

Poster War during Cultural Revolution

આ સંસ્કૃતિ ક્રાંતિની ખરી શરૂઆત પોસ્ટર દ્વારા વિરોધથી શરૂ થઈ, આ માટે વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા તેમને બ્રશ, શાહી અને જૂના સમાચારપત્રો આપવામાં આવ્યા જેના પર તેઓ આ બ્રશથી અને શાહીની મદદ થી લખી શકે તથા શક્કરિયાના રસ થી બનાવેલા ગુંદર તેમને આપવામાં આવ્યા જેના થકી તેઓ યુનિવર્સિટી,સરકારી ઓફિસોની દીવાલો અને રસ્તામાં ઠેરઠેર આ પોસ્ટરોને ચિપકાવવામાં આવ્યા. આપણા ભારત દેશમાં પત્રકારિતા જે રીતે લોકશાહી નો ચોથો સ્તંભ છે એની જગ્યાએ ચાઇના માં પત્રકારિતા એ પાર્ટીના મુખપત્ર નું કામ કરતું હતું અને તેનું સૌથી મોટું ઉદાહરણ હતું “પીપલ્સ ડેઇલી (People’s Daily)” નામનું સમાચાર પત્ર.

બળવા ને લગતા દરેક પોસ્ટરો અને સાહિત્યને આ સમાચાર પત્રમાં છાપવામાં આવતા હતા જેનાથી આ વિરોધને વધુ વેગ મળ્યો. એનાથી પણ વધુ હોય તેમ રેડિયો સ્ટેશનો માં પણ પીપલ્સ ડેઇલી સમાચાર પત્ર ના લેખો નું પ્રસારણ કરવામાં આવ્યું અને લોકો ના મનમાં ઠસાવવામાં આવ્યું કે, જો આપણે ઉગ્ર વિરોધ નહીં કરીએ તો “કામદારોના પ્રતિનિધિત્વ થી ઉભી થયેલી આ સમાજ વ્યવસ્થા નું સ્થાન મૂડીવાદી સરમુખત્યારશાહી લઈ લેશે.” અને કહેવાય છે ને કે અફવા એ સત્યતા કરતાં સાત ગણી વધારે ઝડપે ફેલાઇ છે અને એ સમયે પણ એવું જ બન્યું. દરેક જગ્યાએ અફવાઓનું બજાર બમણા જોરે આગની જેમ ફેલાઈ ગયું.

આ વિરોધ માં છ વર્ષની ઉંમર ની કુમળી બાલિકાઓ પણ ‘મારો…મારો’ ના નારા લગાવવા માંડી.આ બધા પાછળ ચેરમેન માઓની લશ્કરી સંગઠન અને રાજકીય ઘોષણા ની એ કટ્ટર દૃષ્ટિ હતી જેમાં, પ્રત્યેક સ્ત્રી અને પુરુષ સૈનિક બને અને આ વિરોધ થકી ચાર જુનવાણીને બદલવા માંગતો હતો, જે આ પ્રમાણે હતી, (૧) જૂની સંસ્કૃતિ, (૨) જૂની વિચારધારા, (૩) જૂના રિવાજો, (૪) જૂની પરંપરા. પરંતુ સાચા શબ્દોમાં કહ્યે તો ચીન ભવિષ્ય કરતા ભૂતકાળ તરફ જઈ રહ્યું હતું.

આ પ્રચાર માધ્યમો થી પ્રોત્સાહિત થયેલા વિદ્યાર્થીઓ એ સૌથી પ્રથમ તેમના ફેકલ્ટી મેમ્બર પર પ્રહાર કરવાની શરૂઆત કરી જેમણે ભૂતકાળમાં તેમનું અપમાન કર્યું હતું. એ વખતનો માહોલ એવો હતો કે જે પણ શિક્ષક કે ફેકલ્ટી મેમ્બર ને શિક્ષા આપવી હોય તો તેમના કરેલા કથિત ગુનાઓને મોટા પોસ્ટરો પર લખવામાં આવતું અને તેની નીચે તેમને સુનવવામાં આવેલી શિક્ષા ને લાલ અક્ષરોથી લખવામાં આવતી. શિક્ષા રૂપે તેમના માથા પર ગદ્દાર તથા આપત્તિજનક શબ્દો લખેલી અણીદાર શંકુ આકારની ટોપી પહેરાવવામાં આવતી તથા અપમાનજનક અને અશ્લીલ ભાષામાં લખેલા પોસ્ટરો તેમના ગળામાં પહેરાવવામાં આવતા, તેમનું ઝુલુસ નિકાળવામાં આવતું, શાહીથી તેમનું મોઢું કાળું કરવું તો ઘણું સામાન્ય થઈ ગયું હતું.

જેમકે ફૂજીઆંન પ્રાંતની એક સ્કુલમાં પ્રિન્સિપાલના ગળામાં પથ્થરોથી ભરેલ બેગ તીક્ષ્ણ વાયર ની મદદથી લટકાવવામાં આવતી આ તીક્ષ્ણ વાયર તેમના ગળાના ભાગે ઊંડા જખમ કરતા છતાં પણ તેમને સ્કૂલના આખા કેમ્પસમાં વગર ચપ્પલ ફેરવવામાં આવતા અને “હું ગદ્દાર છું” એવા શબ્દો તેમની પાસે બોલાવવામાં આવતા તથા આજુબાજુ ઊભેલા વિદ્યાર્થીઓ ઈંડા, પથ્થરો અને છોડના કુંડા તેમના પર ફેંકતા.

માત્ર ફૂજીઆંન પ્રાંતમાં આ રીતે કેમ્પસ પર વિદ્યાર્થીઓ દ્વારા થયેલા અત્યાચાર અને દમન ને કારણે ૧૯૬૬ ના જૂન અને જુલાઈ મહિનામાં આશરે ૨-૩ ડઝન અધ્યાપકો, શિક્ષકો, આચાર્યો ને કાં તો મારવામાં આવ્યા કાં તો આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. અને અત્યાર સુધી તો હજી તે માધ્યમિક શાળાઓ સુધી જ સીમિત હતું. આ બધી ઘટનાઓ પર પડદો નાખવા ક્યારેક આ વિદ્યાર્થીઓને બલિના બકરા બનાવવામાં આવતા અને ઉપરી અધિકારીઓને બચાવવા તેમનું બલિદાન આપવામાં આવતું.

જો કોઈ વિદ્યાર્થી આ અભિયાન માં સાથ ના આપે તો તેને અધિકારવાદી (Rightist) કહી વખોડી નાખવામાં આવતો અને તેના પર પણ દમન અને અત્યાચાર ગુજારવામાં આવતો. એમાં પણ એ વખતે સંતુલનના નામે ૧% વિદ્યાર્થીઓ ને મનસ્વી રીતે અધિકારવાદી (Rightist) તરીકે જાહેર કરી કારણ વિના તેમને રીબાવવામાં આવતા. અને આ બલિદાનો માટે આ ક્રાંતિના વિરોધીઓને જવાબદાર ઠેરવી ને આ અભિયાન ને વધુ હિંસક અને ઉગ્ર બનાવવામાં ઉપયોગમાં લેવાતા.

રેડ ગાર્ડ (Red Guard) નો જન્મ:

યુવાન વર્ગમાં સૌથી વિશ્વસનીય સાથીઓમાં માઓ માટે વિદ્યાર્થીઓ ખૂબ જ મહત્વના હતા કારણ કે તેઓ ચાલાકી કરવા માટે સરળ, લડવાની ઉત્સુકતા વાળા, અને વધુ સક્રિય ભૂમિકા ની લાલસા ધરાવતા હતા અને બળવાની આ ક્રાંતિ માટે તેમના પર નિર્ભર રહેવું એ માઓ સતત રીતે માનતા આવ્યા હતા. 1 ઓગસ્ટ માઓએ ટીસિંઘુઆં (Tsinghua) યુનિવર્સિટી સાથે જોડાયેલ માધ્યમિક શાળાના યુવાનોના એક જૂથને ટેકો આપવા માટે વ્યક્તિગત પત્ર લખીને મોકલ્યો અને કહ્યું કે, “બળવો એકમાત્ર ન્યાયિક રસ્તો છે”.

આ વિદ્યાર્થીઓના જૂથે રેડ ગાર્ડ (Red Guard) નામની પોતાની સંસ્થા સ્થાપિત કરી. આ બધાને માઓ દ્વારા લિન બિયાઓને(લિયું શાઓકી બાદ તેની જગ્યા પર આવેલ વાઇસ ચેરમેન-કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના , મિનિસ્ટર ઓફ નેશનલ ડિફેન્સ) લખેલા વ્યાપક પત્રથી પ્રેરણા મળી હતી, જેમાં ચેરમેને લોકોને દૈનિક કુશળતા શીખવાની સાથે, તેમના સામાન્ય દૈનિક કાર્ય ઉપરાંત, લશ્કરી કુશળતા શીખવા વિનંતી કરી હતી.

આ જૂથ ના બધા વિદ્યાર્થીઓ એવા વર્ગ માંથી આવતા હતા જેમના માતાપિતા પાર્ટીમાં ઊંચા હોદ્દા પર હોય અથવા પૂર્વ ક્રાંતિ માં ભાગ લીધેલ હોય. આમ આ વિદ્યાર્થીઓ સંપન્ન કુટુંબ થી આવતા હતા અને પોતાને શુદ્ધ ખૂનના વંસંજ માનતા હતા. પરંતુ પાછળ થી તેમાં અન્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ચેરમેન માઓના આશીર્વાદ થકી રેડ ગાર્ડે ઉથલપાથલ કરવાની શરૂઆત કરી તેઓએ ચેરમેન માઓ અને તેમની ક્રાંતિને મૃત્યુ સુધી બચાવવા ના શપથ લીધા. પોતાને માઓ ના વિશ્વાસુ લડવૈયા તરીકે જોતાં તેઓએ તેમના સામાન્ય પહેરવેશ છોડી દીધા અને સૈન્ય ગણવેશ પહેરવાનું શરૂ કર્યું.

red guards at Tienanmen square

ચેરમેન માઓ તરફથી પ્રશંસાપત્ર મેળવ્યા બાદ રેડ ગાર્ડ્સે સૌ પ્રથમ ટીસિંઘુઆં (Tsinghua) યુનિવર્સિટી સાથે જોડાયેલ માધ્યમિક શાળાના પ્રિન્સીપાલ અને વાઈસ પ્રિન્સીપાલ ને ખૂબ માર્યા અને તેમના માથાના વાળ ને સળગાવી નાખ્યા, કેટલાક લાકડાના દંડા થી તો કેટલાક તાંબા ના બક્કલ વાળા પટ્ટા થી તેમના પર વાર કરતા હતા. ચેરમેન તરફથી છૂટો દોર મળતા આ રેડ ગાર્ડ્સ કહેવાતા વિદ્યાર્થીઓ છાકટા બની ગયા. 13 ઓગસ્ટના રોજ તેમને વધુ પ્રોત્સાહન મળ્યું કેમકે વર્કર સ્ટેડિયમમાં હજારો વિદ્યાર્થીઓ ની એક સમૂહ રેલી યોજવામાં આવી જ્યાં થોડા અઠવાડિયા અગાઉ રેડ ગાર્ડ્સ ને ધમકી આપનારા પાંચ નાગરિકોને એક મંચ પર ઉભા રાખવામાં આવ્યા અને તેમને અપમાનિત કરીને ખૂબ જ ખરાબ રીતે મારવામાં આવ્યા.

એ વખતે રેલીમાં સ્ટેજ પર ઝુઉ એન લાઇ (ચાઇનાના પ્રથમ પ્રધાનમંત્રી) રેલીના અધ્યક્ષ હોવા છતાં તેમણે હિંસાને રોકવા નો કોઇ જ પ્રયાસ કર્યો ન હતો. ત્યારબાદ આ રેડ ગાર્ડને સૌથી મોટો ટેકો ૧૮ ઓગસ્ટના દિવસે મળ્યો જ્યારે ૧૦ લાખ કરતાં વધારે જુવાન વિદ્યાર્થીઓ ટીયાનનમેન સ્ક્વેર, બેઈજિંગ પર એકઠા થયા અને ત્યાં તેમનું ચેરમેન માઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું તથા લિન બિયાઓ દ્વારા જલદ ભાષણ આપવામાં આવ્યું જેમાં, ઉત્સાહિત યુવાન વિદ્યાર્થીઓને તમામ જૂના વિચારો, જૂની સંસ્કૃતિ, જુના રિવાજો અને શોષણ કરનારા વર્ગની જૂની પરંપરાઓને નાશ કરવાની અપીલ કરવામાં આવી. આજ દિવસે ચેરમેન માઓએ બાહુ પર લાલ રંગ નો “રેડ ગાર્ડ” લખેલો પટ્ટો બાંધીને સહમતીના હસ્તાક્ષર દીધા અને પોતાનું પૂર્ણ સમર્થન તથા પોતાના અંગત લશ્કર તરીકે આ રેડ ગાર્ડ્સ ને જાહેર કર્યું.

One of Red Guard tying Armband on Chairman Mao’s Arm

રેડ ગાર્ડ્સનો અત્યાચાર :

રેડ ગાર્ડ્સના અમાનુષી અત્યાચારના નિશાને મુખ્યત્વે જમીન માલિકો, ધનવાન ખેડૂતો, સાંસ્કૃતિક ક્રાંતિના વિરોધીઓ, અધિકારવાદીઓ, ગદ્દારો, જુના સરકારી એજન્ટો, મૂડીવાદના હિમાયતીઓ, ઉદારવાદીઓ, વૈચારિક બૌધિક વર્ગના લોકો હતા. કેટલાકને ઇલેક્ટ્રિક શૉક આપવામાં આવતા, બાળકોને તેમના પગ દ્વારા લટકાવવામાં આવતા અને ચાબુક મારવામાં આવતા. નૃ:શંસતા ની હદ તો દેખો, દેક્સિંગ પ્રાંત માં એક પરિવાર ના લગતા વળગતા ૩૦૦ જેટલા સંબંધીઓને માત્ર એટલા માટે મારવામાં આવ્યા હતા કારણ કે હત્યારાઓ સુનિશ્ચિત કરવા માંગતા હતા કે તેમના સગાસંબંધીઓ પાછળથી ભવિષ્યમાં બદલો ના લઈ શકે !

મોટાભાગના મૃતદેહોને અવાવરૂ કૂવાઓ અને સામૂહિક કબરો માં દફનાવવામાં આવતા હતા એક કિસ્સામાં તો આ કબરો માંથી દુર્ગંધ એટલી બધી તીવ્ર બની ગઈ હતી કે ગ્રામજનોએ કબરોમાંથી લાશ ખોદી કાઢીને તેમને તળાવમાં ફેંકી દીધી હતી. બેજિંગ એકલામાં જ રેડ ગાર્ડ્સ દ્વારા દરરોજની ૧૦૦થી પણ વધારે આવી હત્યાઓ થતી હતી. ટીયાનનમેન સ્ક્વેર માં ચેરમેન માઓ સાથેની મીટીંગ પછી રેડ ગાર્ડ્સના વિદ્યાર્થીઓ માં હિંસા નો આફરો ચરમસીમા એ પહોંચી ગયો હતો. તેમના અનુસાર ક્રાંતિની આડે આવતા દરેકને ખત્મ કરવા એ તેમનું સૂત્ર બની ગયું.

૧૯૬૬ સુધી પૂરા દેશમાં આશરે ૫૦,૦૦૦ જેટલી કબરો એ વિદેશીઓની હતી તેમાંથી આશરે ૨૫,૦૦૦ કરતાં પણ વધારે કબરોને આ સાંસ્કૃતિક કાંતિ દરમિયાન નુકસાન પહોંચાડવામાં આવ્યું. નવીન વિચારો અને પરંપરા ના ઓથા તડે, રેડ ગાર્ડ સુશોભનના છોડ (જેવા કે આપણે ત્યાં મની પ્લાન્ટ) અને ફૂલોને નકામા અને મૂડીવાદી વિચારધારાની નિશાની માનતા હતા તેથી જ ફૂલોની દુકાનો અને નર્સરીઓ ને તોડવામાં આવી. ક્રાંતિ વિરુદ્ધ કાવતરાના સંદેશ હેઠળ ગમે તે નાગરિકની તપાસ અને લૂંટફાટ એ તો સામાન્ય બની ગયું હતું.

રોજેરોજ આમ દરેક શહેરોમાં લૂંટફાટ થી ભેગો કરેલો સામાન ગાડીઓમાં ભરીને એક શહેરથી બીજા શહેરમાં લઈ જવામાં આવતું અને ક્યારેક તો તેને કારણે ટ્રાફિક પણ થઈ જતો હતો. પૂજાનો સામાન, વૈભવી વસ્તુઓ પ્રતિક્રિયાત્મક સાહિત્ય, વિદેશી પુસ્તકો, વિદેશી ચલણ, જૂની જમીન લેવડદેવડના દસ્તાવેજો, રાષ્ટ્રવાદી યુગના દસ્તાવેજો વગેરે નો સળગાવીને અથવા જલદ પ્રવાહીમાં ડુબાડીને નાશ કરવામાં આવતો.

peng dehuai, Chinese army Marshal

સંસ્કૃતિ ક્રાંતિના આ જુવાળમાં સૈન્ય પણ યાતનાઓ ભોગવવામાં બાકાત રહ્યું ન હતું કેટલાક લશ્કરી સરદારો એ રેડ ગાર્ડ નો શિકાર બન્યા હતા અને તેમને જાહેર સભાઓમાં કલાકો સુધી અપમાનિત કરવામાં આવતા તથા માર મારવામાં આવતા હતા. ડિસેમ્બર ૧૯૬૬માં પેંગ દેહુઈ જે ચાઈનીઝ આર્મીમાં માર્શલ હતા જેમણે ૧૯૫૯માં લ્યુશન ખાતે ધ ગ્રેટ લીપ ફોરવર્ડ બાબતે ચેરમેન માઓનો નો વિરોધ કર્યો હતો, તેમને શિચુઆનમાં શિકાર બનાવવામાં આવ્યા અને જિયાંગ કિંગ(ચેરમેન માઓનાં ચોથા પત્ની)ના આદેશો પર રેડ ગાર્ડની ટીમ દ્વારા તેમને બેઇજિંગ સાંકળ પહેરાવીને પાછા લાવવામાં આવ્યા હતા !

જ્યાં જાહેર સભામાં તેમને રેડ ગાર્ડ દ્વારા મારવામાં આવ્યા હતા નજરે જોનારા કહેતા હતા કે, ” જેમણે આખી જિંદગી ક્રાંતિ માટે લડત કરી જેમને ચાઇનાના દરેક જણ જાણતા હતા જો તેને પણ આ અરાજકતામાં કોઈ રક્ષણ ન હોઈ તો આપણા સામાન્ય લોકોનું શું?”

Wang Guangmei Liu Shaoqi’s wife

એપ્રિલ, ૧૯૬૬ માં ચેરમેન માઓના પત્ની જિયાંગ કિંગ અને ઝુઉ એન્લાઇ ટીસિંઘુઆં (Tsinghua) યુનિવર્સિટી ખાતે વાંગ ગુઆંગમેઇ (લિયું શાઓકીના પત્ની અને એક સમયે ચાઇનાના પ્રથમ મહિલા) ને અપમાનિત કરવાનો કારસો રચ્યો અને કેટલીક મહિલા રેડ ગાર્ડએ તેમને ઊંચા ગળા નો ચુસ્ત ફીટ ડ્રેસ અને ઊંચા હીલ વાળા પગરખાં તથા સ્કર્ટ પહેરવાની ફરજ પાડી તથા ગળામાં પ્લાસ્ટિક ના દડા ની માળા પહેરાવીને જાહેર મા ક્ષોભજનક અવસ્થામાં ઊભા રાખી લોકોનો ટીકા તથા નિમ્ન કક્ષા ની ટિપ્પણી નો સામનો કરાવ્યો.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~૧~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

રેડ ગાર્ડસ નો અમાનુષી અત્યાચારનો દોર બીજા કેટલાક વર્ષો સુધી ચાલુ જ રહ્યો હતો જેના વિષે વિસ્તારથી આગળના સોપાનમાં જોઈશું.

વાંચક મિત્રોનો રસ જળવાઈ રહે એ આશયથી આ વિષયને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે આગળ આવતા લેખમાં આપણે સાંસ્કૃતિક ક્રાંતિના આગલા સોપાનમાં વધારે વિસ્તારથી એ સમય માં લોકો પર થયેલી યાતનાઓ અને ચેરમેન માઓ ના અવસાનથી થયેલ તખ્તાપલટ અને આ સાંસ્કૃતિક ક્રાંતિ પર મુકાયેલ પૂર્ણ વિરામ વિશે જોઈશું.

This article is Curated By @ardent_geroy

વાંચક મિત્રો, લેખ માટે આપના સલાહ સૂચન તમે ટ્વીટ થકી કે ટ્વીટર પર ડાયરેક્ટ મેસેજ થકી :  @ardent_geroy પર આપી શકો છો.

 
3 Comments

Posted by on July 30, 2020 in education, heritage, history

 

Tags: , , , , ,

3 responses to “સાંસ્કૃતિક ક્રાંતિ (Cultural Revolution) : ચીનના ઈતિહાસનો લોહિયાળ દશકો : ભાગ ૧

  1. jinu2020

    August 1, 2020 at 7:02 PM

    Great efforts to find out details. good article. Pradeep Ga;a.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: