RSS

Daily Archives: July 28, 2020

ચોપાટ રમવા આવો પટમાં..

chopat

 

લોકડાઉનની તકલીફો સાથે જ તેનો એક ફાયદો જરૂર થયો કે કુટુંબના સભ્યોને એકબીજા સાથે વધુ સમય ગાળવાની તક મળી. આના સદુપયોગ રૂપે અનેક જૂની રમતો કબાટ અને પેટીમાંથી બહાર નીકળી. પત્તા, કેરમ અને ચેસ સજીવ થઈ ઊઠ્યાં.

આમાં જૂના જમાનાની અત્યંત લોકપ્રિય અને હમણાં વિસરાતી રમત ફરીવાર ઊભરી આવી તે છે ચોપાટ. આવો આજે, ચોપાટની બાજી માંડીએ…

ચોપાટ શબ્દ સંસ્કૃત ‘ચતુષ્પાટ’ પરથી આવેલો છે. તેની શરૂઆત તો પુરાણકાળથી થયેલી છે. શંકર-પાર્વતી ચોપાટ રમતાં તેવો સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે. આ રમતનું જરા જુદું સ્વરૂપ દ્યૂત તરીકે પ્રખ્યાત હતું. જો કે દ્યૂતક્રીડાને વર્જ્ય ગણવામાં આવતી.

હસ્તિનાપૂરની રાજ્યસભામાં કાપુરુષો દ્વારા ખેલાયેલી દ્યૂતક્રીડા સમાજની અધોગતિનું એક કારણ બની રહી તે જાણીતું છે. આ જ રીતે નળરાજા પણ દ્યુતને કારણે પાયમાલ થઈ ગયેલા. ઉત્તરભારતમાં ‘ચૌસર’ તરીકે જાણીતી આ રમત ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોપાટ અથવા સોગઠાંબાજી તરીકે ઓળખાય છે. સ્થળ પ્રમાણે રમતના નિયમોમાં થોડા-ઘણા ફેરફાર જોવા મળે છે.

મોટાભાગની ચોપાટ કપડાંમાંથી બનાવેલી હોય છે, જેમાં અનેક પ્રકારના ભરત-ગૂંથણ જોવા મળે. સોગઠાં પણ સાથે જ રાખી શકાય એટલા માટે ચોપાટમાં ખિસ્સા બનાવ્યાં હોય છે. નામ પ્રમાણે ચોપાટમાં ચાર પાટ હોય છે, એટલે ચાર ભાગ. દરેક ભાગમાં ચોવીસ ખાનાં. બધાં થઈને છન્નું. આમાં બાર ખાના, જેને ‘ફૂલ કહેવાય છે, ‘સુરક્ષિત’ હોય છે, તેના ઉપર રહેલી સોગઠી મારી ન શકાય. ચાર ભાગની વચ્ચે આવેલ ભાગને ‘ઘર’ કહેવામા આવે છે.

એક સમયે ચાર ખેલાડી રમી શકે. જો કે વધારાના ખેલાડીઓ કોઈના ‘પાર્ટનર’ બનીને રમતમાં ભાગ લઈ શકે. દરેકને ભાગે ચાર સોગઠાં આવે. સોગઠાનો રંગ લાલ, લીલો, પીળો અને કાળો હોય. (જો કે એક રંગના સોગઠાંની ટોચમાં જુદા રંગનું ટપકું હોય એટલે ચોપાટમાં રંગભેદ નથી!) અમુક સ્થળે લાલ સોગઠાંને ગાય, લીલાને પોપટ, પીળાને ઘોડા અને કાળાને ભેંશ કહેવામાં આવે છે.

રમતનું લક્ષ્ય પોતાની ચારેચાર સોગઠીને ઘરની બહાર કાઢીને, આખી ચોપાટની મુસાફરી કરાવીને, પાછી ઘેર પહોંચાડવાનું હોય છે. જીવનની જેમ જ આમાં વચ્ચે આવતા અવરોધોથી બચીને, આવેલા સંજોગો સ્વીકારીને, જરૂર પડે તેટલા પ્રયત્ન કરીને, લક્ષ્ય પ્રાપ્ત કરવાનું હોય છે. ચોપાટની અનેક વાત જીવન સાથે પણ સુસંગત હોય છે તે જોઈશું.

સોગઠીની ચાલ દાણા (નંબર) ઉપરથી નક્કી થાય છે. દાણા પાડવા માટે કોડી અથવા પાસાનો ઉપયોગ થાય છે. રાજ-રજવાડાઓમાં પાસાથી રમાય જ્યારે વિશાળ જનસમુદાયમાં કોડીથી. સામાન્ય રીતે સાત કોડીને મુઠ્ઠીમાં હલાવીને પટમાં ફેંકવામાં આવે છે. (અમુક ‘માહિર’ લોકો મુઠ્ઠીમાં રાખેલી કોડીને મેનીપ્યુલેટ કરીને ધાર્યા દાણા પાડી શકે છે, આ ચાલાકીને ‘પહોંચી વળવા’ કોડીઓને છાલિયામાં રાખીને ફેંકવામાં આવે છે) કેટલી કોડી ચત્તી છે અને કેટલી ઊંધી, તેના પરથી કેટલા દાણા પડ્યા તે નક્કી થાય છે. સામાન્ય રીતે નીચે મુજબની ગણતરી હોય છે.

સાતેય કોડી ઊંધી -: ૭ દાણા.

chopat 3

૨૫ દાણા

૧ કોડી ચત્તી, ૬ ઊંધી -: ૧૧ દાણા

૨ કોડી ચત્તી, ૫ ઊંધી -: ૨ દાણા

૩ કોડી ચત્તી, ૪ ઊંધી -: ૩ દાણા

૪ કોડી ચત્તી, ૩ ઊંધી -: ૪ દાણા

૫ કોડી ચત્તી, ૨ ઊંધી -: ૨૫ દાણા

૬ કોડી ચત્તી, ૧ ઊંધી -: ૩૦ દાણા

સાતેય કોડી ચત્તી -: ૧૪ દાણા

રમતની શરૂઆત કોણ કરશે તેની માટે દાણા ફેંકવામાં આવે છે. જેના સૌથી વધુ દાણા પડે તેનો વારો પહેલો. (ટાઈ થાય તો ફરીવાર દાણા ફેંકવાના, સુપરઓવર!)

૧૧, ૨૫ અને ૩૦. આ ત્રણ દાણાનું વિશેષ મહત્વ. સોગઠી પટમાં લાવવા માટે આ ત્રણમાંથી એક દાણા આવે તે જરૂરી છે.

chopat 2

ચોપાટની રચના

શરૂઆત પોતાના પટમાં આવેલા ડાબી તરફના ‘ફૂલ’ ઉપરથી કરવાની.

આવા ખાસ દાણા પડ્યા હોય તો એ ખેલાડી બીજીવાર દાણા ફેંકી શકે. પરંતુ જો ઉપરાઉપરી ત્રણવાર આવા ખાસ દાણા પડે તો બધાં દાણા બળી જાય અને બીજાનો વારો આવે! (નિયમ ઘડનારનો મનસૂબો ‘સતત સફળતા’ સારી નહીં એ બોધપાઠ દેવાનો હશે?).

સોગઠી પટમાં આવે પછી ડાબેથી જમણે ચાલે. (એન્ટિક્લોકવાઇઝ). ક્રમાનુસાર દરેક ખેલાડીનો વારો આવે અને આવેલા દાણા મુજબ રમત આગળ વધે. દરેકની સોગઠીની મુસાફરી તેના પટમાં આવેલા ડાબી તરફના ‘ફૂલ’થી શરૂ થાય.

ખેલાડીની ચારેય સોગઠી જ્યારે પટમાં આવી જાય ત્યારબાદ ૨૫ અને ૩૦ દાણા આવે ત્યારે એક બોનસ પોઈન્ટ, ‘પઘડું’, મળે. આ પઘડું બીજી કોઈ સોગઠીની ચાલ માટે પણ ઉપયોગમાં લઈ શકાય. ૨૫ અને ૩૦ દાણાની ચાલમાં બહુ રસપ્રદ ગણિત અને ભૂમિતિ છે. દરેક પાટમાં સત્તર ખાના હોય છે જેમાં સોગઠી ચાલે, ઘરની કોલમ બાદ કરતાં બે કોલમના ૧૬ અને વચ્ચેનું સત્તરમું. ૨૫ દાણા આવે તો આઠ ખાના ગણીને જે ખાનું આવે તેની

પછીની પાટની બીજી કોલમમાં જે સંલગ્ન ખાનું હોય ત્યાં સોગઠી આવે. ઉદાહરણ તરીકે આકૃતિમાં બ્લેકની જમણી કોલમમાં ફૂલમાં સોગઠી હોય અને પચીસ દાણા આવે તો ચાર દાણા એ કોલમના. પછીનો આખો પાટ (લાલ રંગનો) ઠેકીને સામેની કોલમના ચાર ખાના ચાલીને સોગઠી મૂકવાની. સત્તર વત્તા આઠ એટલે પચીસનો હિસાબ! (ન સમજાયું? માંડો ચોપાટ અને અજમાવો આ ગણતરી) આ જ રીતે ત્રીસ દાણા માટે તેર ખાના ચાલવાના. ચોપાટમાં ‘આઠ ઘર પચ્ચીસ’ અને ‘તેર ઘર ત્રીસ’ બહુ જાણીતાં વાક્યો છે.

એક ખેલાડીની સોગઠી જે ખાના ઉપર હોય તેના ઉપર બીજા ખેલાડીની સોગઠી આવે તો તે પહેલી સોગઠીને મારી શકે. આને ‘તોડ’ થયો કહેવાય. જો કે ફૂલ ઉપર બેઠેલી સોગઠીને મારી ન શકાય, (સિવાય કે ગાંડી સોગઠીથી, જેના વિષે આગળ ઉપર જાણીશું.). ફૂલ સુરક્ષિત સ્થાન કહેવાય એટલે તેના ઉપર જુદા જુદા રંગની સોગઠીઓ સાથે રહી શકે. (નો મેન્સ ઝોન!)

‘તોડ’ ન થાય ત્યાં સુધી સોગઠી ઘરમાં પાછી ન જઈ શકે. એકવાર તોડ થઈ જાય પછી બધી સોગઠીઓ ઘરમાં જઈ શકે. (અવતારકૃત્ય પૂરું ન થાય ત્યાં સુધી સ્વધામ ન જવાય!)

આખી ચોપાટની પરિક્રમા કરીને કોઈ સોગઠી પોતાના ઘર તરફ આવે અને વચ્ચેની કોલમની અંદર જાય પછી તેને મારી ન શકાય. આ સોગઠી ‘બુંધ’માં પડી એમ કહેવાય અને તેને આડી કરી દેવામાં આવે. પછી તે પડેલા દાણા મુજબ ઘરમાં પ્રવેશે અને તે ‘પાકી’ ગઈ ગણાય. આમાં મજાની વાત એ છે કે ઘરની કૉલમ તરફ ગતિમાન સોગઠીને જરૂર કરતા વધુ દાણા આવે, અને તે દાણાનો ઉપયોગ કોઈ બીજી સોગઠીને ચલાવવા માટે ન થઈ શકે, તો ‘ખડું’ થાય. એટલે ફરીવાર આખી ચોપાટની પરિક્રમા કરવાની. દાખલા તરીકે કોઈ સોગઠીને પોતાના ઘરની કોલમમાં જવા માટે માત્ર આઠ દાણાની જરૂર છે અને તેનાથી વધુ પડે તો ખડું થયું ગણાય. એકવાર ઘરની કોલમમાં સોગઠી જાય પછી ખડું ન થાય.

કોઈ એક રંગની બે સોગઠી એક જ ખાના ઉપર આવે તો ‘જોડ’ બની કહેવાય. આ જોડને એકલી સોગઠી ન મારી શકે. જોડવાળી સોગઠી જ મારી શકે.

હવે મજાનાં વેરિએશનની વાત. કોઈ ખેલાડી ઇચ્છે તો તે પોતાની પાકી ગયેલી સોગઠીને ‘ગાંડી’ કરી શકે. આ ગાંડી સોગઠી દાણા પ્રમાણે જમણેથી ડાબે ચાલે. (ક્લોક્વાઈઝ). ગાંડી સોગઠી ફૂલ પર બેઠેલી સોગઠીને પણ મારી શકે. ગાંડી સોગઠીનો ‘છૂટકારો’ કોઈ સોગઠી તેને મારે ત્યારે જ થાય. તે બીજી સોગઠી માફક સ્વધામ ન જઈ શકે!

એક જવલ્લે જ બનતી પરિસ્થિતીની વાત. જો કોઈ ખેલાડીની ત્રણ સોગઠી આખી ચોપાટ ફરીને એના ઘરની કૉલમના શરૂઆતના ખાના, એટલે ફૂલ પર બેઠી હોય, તો આને ‘પેટઘર ફાંદો’ આવ્યો કહેવાય. આ સોગઠીઓને હરિફની કોઈ એક સોગઠી પણ મારી શકે, ભલે પછી તે ફૂલ પર બેઠી હોય! (ત્રણે ત્રેખડ થાય એટલે આ નિયમ આવ્યો હશે?)

રમતને અંતે જે ખેલાડીની બધી સોગઠી પાકી ન હોય તે હાર્યો ગણાય. જે ખેલાડીની ચારેય સોગઠીઓને મારી નાખવામાં આવી હોય તેણે ફરીવાર તોડ કરવો પડે. પહેલાનો તોડ ન ચાલે. જો કોઈ ખેલાડી તોડ ન કરી શકે અને બાજી હારી જાય તો તેને ‘નતોડિયું પડ’ ખાધું કહેવાય અને આ સૌથી વધુ નામોશીભરી હાર કહેવાય. આવી હારને લગતી એક રસપ્રદ વાર્તા ‘રઘડો નતોડ’ શ્રી ચુનીલાલ મડિયાએ લખી છે.

ચોપાટને મનુષ્ય સ્વભાવ અને તત્વજ્ઞાન સાથે પણ જોડવામાં આવે છે. મોરારિબાપુનો ‘સોગઠાંબાજી સાર’બહુ પ્રસિદ્ધ છે. લીલા સોગઠાંને સાધુચરિત, લાલને ક્રોધી, કાળાને કામી અને પીળાને લાલચુ લોકો સાથે સરખાવવામાં આવે છે. ચોપાટના ૯૬ ખાનામાંથી ૧૨ ખાના બાદ થાય તો ૮૪ વધે છે. આ રીતે ચોપાટ ઉપર થતાં ભ્રમણને ૮૪ જન્મના ફેરા સાથે સરખાવવામાં આવે છે.

ચોપાટ પરથી સાપસીડી અને લ્યુડો રમત આવી છે તેમ માનવામાં આવે છે.

છે ને આ રસપ્રદ રમત અને તેનો ઇતિહાસ? તો માંડો બાજી અને ફેંકો દાણા!

~ નીતિન ભટ્ટ
chopat 4

નીતિનભાઈ ઉમદા સાહિત્યરસિક અને અચ્છા અનુવાદક અને ઓલરેડી ‘રાઈટર’ એવા રીડરબિરાદર છે. અનુભવી હથોટીથી આગાથા ક્રિસ્ટીની રહસ્યકથાઓ કે પોલીએના જેવી સુંદર કૃતિઓ ગુજરાતીમાં આપી છે. એમનો સ્નેહ ડિજીટલ માધ્યમોમાં ય સતત મળતો રહ્યો છે. એમનું સર્વાંગી જ્ઞાન પ્રેરણારૂપ છે. ખાસ વિનંતીથી એમણે JVpedia માટે આ લેખ લખ્યો છે. એમનું સ્વાગત છે. ~ જય વસાવડા

 
 
 
%d bloggers like this: