RSS

Daily Archives: July 27, 2020

ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ : નવી જનરેશનને વળગેલી બીમારી!

ગેસ્ટ સ્પેશ્યલ આર્ટિકલ

ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ. ૨૧મી સદીની જનરેશનને આ વિચિત્ર બીમારીએ ભરડો લીધો છે. ડ્રાઈવિંગ દરમિયાન બીજી એક્ટિવિટીમાં ધ્યાન આપવું તેને ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ કહેવાય છે. ડિસ્ટ્રેક્ટ એટલે ગૂંચવણ, વ્યાકૂળતા. ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ એટલે વાહન ચલાવતી વખતે બીજી એક્ટિવિટીમાં ધ્યાન આપવાના કારણે ડ્રાઈવિંગમાં થતી ગૂંચવણ-મુંઝવણ-ગરબડ.

ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ એટલે ત્રણ પ્રકારની એક્ટિવિટી: પ્રથમ, આંખથી કંઈક અન્ય દૃશ્ય જોવું. બીજું, શરીરથી ડ્રાઈવિંગ સિવાયની એક્ટિવિટી કરવી અને ત્રીજું, વાહન ચલાવવા સિવાયના કોઈ બીજાં જ સારા-ખરાબ વિચારોમાં ખોવાયેલું રહેવું.

ડ્રાઈવિંગ વખતે જીપીએસમાં જોવું, હોર્ડિંગ્સ તરફ નજર નાખવી એ બધુ વિઝ્યુઅલ ડિસ્ટ્રેક્શન કહેવાય છે. ખાવું-પીવું, વાતો કરવી, મોબાઈલમાં કંઈક સર્ચ કરવું કે વિડીયો-ફોટોગ્રાફ્સ જોવા વગેરેને મેન્યુઅલ ડિસ્ટ્રેક્શન કહેવાય છે. એટલે કે શરીરથી ડ્રાઈવિંગ સિવાયની પ્રવૃત્તિ કરવી. ડ્રાઈવિંગ દરમિયાન શરીર ડ્રાઈવિંગ સીટ ઉપર હોય, પરંતુ મન ક્યાંક બીજે હોય તેને કોગ્નિટિવ ડિસ્ટ્રેક્શન કહેવાય, એટલે કે વાહન ચલાવતી વખતે માનસિક રીતે બેધ્યાન રહેવું.

ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગના કારણે છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી માર્ગ અકસ્માતો ભયજનક રીતે વધ્યાં છે અને ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગનું સૌથી મોટું કારણ છે: સ્માર્ટફોન.

***

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ડ્રાઈવિંગ દરમિયાન વધતા જતાં સ્માર્ટફોનના વપરાશ બાબતે અહેવાલ તૈયાર કરાવ્યો હતો. એ અહેવાલમાં જાણવા મળ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલના કારણે અકસ્માતોનું પ્રમાણ એક ટકાથી લઈને ૧૧ ટકા થયું હતું. મોબાઈલના કારણે થઈ રહેલાં માર્ગ અકસ્માતોમાં પાંચ વર્ષમાં ૧૦ ટકાનો વધારો થયો હતો.

અમેરિકન ટ્રાન્સપોર્ટેશન વિભાગની નોંધ પ્રમાણે મોબાઈલમાં મેસેજિંગ કરવાના કારણે અકસ્માતની શક્યતા ૨૩ ગણી વધી જાય છે છતાં વાહનચાલકોના વલણમાં ખાસ કોઈ ફરક પડતો નથી. અમેરિકામાં ૩૦ ટકા લોકો ડ્રાઈવિંગ દરમિયાન મેસેજ કરે છે. કુલ એક્સિડેન્ટ્સમાંથી આઠ ટકા એક્સિડેન્ટ્સ ચાલુ ડ્રાઈવિંગે વોટ્સએપમાં મેસેજ કરવાથી થાય છે.

બ્રિટનમાં ૩૫ ટકા વાહન ચાલકો ચાલુ ડ્રાઈવિંગે મેસેજ-ફોન કરે છે. નિયમો કડક હોવા છતાં મોબાઈલનો ઉપયોગ ઓછો થયો ન હતો તેને આ દેશોએ ચિંતાજનક બાબત ગણાવી હતી. ઈટાલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે ઈટાલીમાં થતાં ૮૦ ટકા અકસ્માતો પાછળ કોઈને કોઈ રીતે મોબાઈલ જવાબદાર હોય છે. યુરોપિયન સંઘના એક અહેવાલમાં કહેવાયું હતું કે નશો કરીને ડ્રાઈવિંગ કરવું તે યુરોપમાં અકસ્માત થવાનું પહેલું મુખ્ય કારણ હતું અને બીજું કારણ હતું મોબાઈલ.

ફોનમાં વાત કરવી, મેસેજ કરવા કે સોંગ ચેન્જ કરવાના કારણે રોડ ઉપરથી ધ્યાન હટે છે અને તેના કારણે અકસ્માતો થાય છે એવી નોંધ યુરોપિયન સંઘના એ અહેવાલમાં થઈ હતી.

વિશ્વના અડધો અડધ દેશોમાં તો મોબાઈલના કારણે કેટલા અકસ્માતો થાય છે તેનો કોઈ ડેટા જ અવલેબલ નથી. ભારતમાં ય આવો અહેવાલ હજુ બે-ત્રણ વર્ષથી જ તૈયાર થાય છે. અમુક દેશોએ ગંભીર સ્થિતિ પારખીને ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ પણ મૂક્યો છે. એ પ્રયાસો કરનારા દેશોમાં ભારતનો ય સમાવેશ થાય છે.

***

સેવ ઈન્ડિયા ફાઉન્ડેશનના સર્વેમાં ચોંકાવનારું તારણ નીકળ્યું હતું કે ૬૦ ટકા ભારતીયો ડ્રાઈવિંગ વખતે મોબાઈલનો ઉપયોગ કરે છે. વાહન ચલાવતા ૧૦માંથી ૬ નાગરિકોનું ધ્યાન મોબાઈલમાં હોય છે. તે હિસાબે માત્ર ૧૦માંથી ચાર વાહનચાલકોનું ધ્યાન ડ્રાઈવિંગ વખતે રસ્તા ઉપર હોય છે.

૪૭ ટકા ભારતીયોને ડ્રાઈવિંગ વખતે ફોન આવે છે અને એમાંથી મોટાભાગના લોકો રિસિવ કરીને જવાબ આપે છે. વળી, ડ્રાઈવિંગ કરનારા ૯૪ ટકા લોકો એ વાત કબૂલે ય છે કે રસ્તા ઉપર મોબાઈલનો ઉપયોગ કરવો ખતરનાક છે અને તેમ છતાં મોબાઈલનો ઉપયોગ ટાળતા નથી.
અચ્છા, એનાથી ય રસપ્રદ વાત એ છે કે જ્યારે આ જ વાહનચાલકો પેસેન્જર બનીને વાહનમાં બેસે છે ત્યારે એમાંના ૯૬ ટકા તેના ડ્રાઈવરને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા રોકે-ટોકે છે. મતલબ કે પોતે જે કરતા નથી તે બીજા પાસે ભારપૂર્વક કરાવે છે!

આપણે ત્યાં સ્થિતિ એવી છે કે કાર-બાઈક લઈને નીકળો તો આપણી કાર-બાઈક કોઈને ન ટકરાય તેનું ધ્યાન તો આપણે રાખવું જ પડે છે, પણ બીજો આવીને આપણને ટકરાવી ન જાય એનું ય ધ્યાન આપણે જ રાખવું પડે છે. દરેક વાહન ચાલક પોતાનું વાહન અન્યને ન ટકરાય એટલું ય ધ્યાન રાખે તો દેશમાં ૩૦ ટકા અકસ્માતો તો એક ઝાટકે ઓછા થઈ જાય!

એ સર્વેક્ષણમાં ૨૦ રાજ્યોને આવરી લેવાયા હતા અને એમાં વળી એવું તારણ ય નીકળ્યું હતું કે દક્ષિણ ભારતની તુલનામાં ઉત્તર ભારતમાં ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવાનું વલણ ૧૦ ટકા વધારે છે. પુરુષોની તુલનાએ મહિલાઓ વધુ મોબાઈલનો ઉપયોગ કરે છે. દેશના ૨૦થી ૪૦ વર્ષના વાહન ચાલકોમાં ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલનો ઉપયોગ કરવાનું પ્રમાણ ૮૦ ટકા જેટલું ઊંચું છે. ૪૦થી ૬૦ વર્ષના વાહન ચાલકોમાં માત્ર ૧૦ ટકા જ ચાલુ ડ્રાઈવિંગે મોબાઈલનો ઉપયોગ કરે છે. આ બાબતે વડીલો પાસેથી આપણી જનરેશને ધડો લેવા જેવું ખરું!

2017માં કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં અહેવાલ આપતા કહ્યું હતું એ પ્રમાણે મોબાઈલમાં વાત કે મેસેજ કરવાના કારણે દેશમાં એક વર્ષમાં ૪૯૭૬ અકસ્માતો થયા હતા અને એમાં ૨૧૩૮ લોકોના મોત થયા હતા. મોબાઈલમાં વાત કે મેસેજ કરવાની બેદરકારીના કારણે ૨૧૩૮ લોકોએ અકાળે રસ્તા ઉપર જીવ ખોયો હતો એનાથી ય ગંભીર બાબત તો એ હતી કે તેમાંથી ૧૫૦૦ લોકોની વય ૨૦થી ૩૫ની વચ્ચે હતી અને એમાંથી ઘણાં ખરા બાઈકચાલક હતા. બીજા અર્થમાં કહીએ તો ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલમાં વાત કરવાનું બાઈકચાલકો માટે વધુ જોખમી છે.
***
ભારત સરકાર સહિત વિશ્વની સંખ્યાબંધ સરકારો ટીવી, અખબારની જાહેરાતોની મદદથી ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરવાની નાગરિકોમાં માનસિકતા કેળવાય તે માટે પ્રયાસો કરે છે. ઘણી ખાનગી કંપનીઓ કર્મચારીઓના સેફ્ટી પ્રોગ્રામ હેઠળ ડિસ્ટ્રેક્ટેડ ડ્રાઈવિંગ બાબતે ઝુંબેશ ચલાવતી થઈ છે.
એમ તો કારમાં સેફ્ટી સિસ્ટમ વધુ પાવરફૂલ થવા લાગી છે. કારમાં બ્લુટૂથથી વાત કરી શકાય એવા ફીચર્સ એડ થયા છે, પરંતુ બાઈકચાલકો માટે જોખમ ઓછું થતા વાર લાગશે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશને ભારપૂર્વક કહ્યું હતું કે વિવિધ સરકારો જે ઝુંબેશ ચલાવે છે તે અપૂરતી છે. માસ મીડિયાનો બહોળો ઉપયોગ કરીને લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો વધુ સઘન રીતે કરવા જરૂરી છે. જો મોબાઈલનો ઉપયોગ આમને આમ ચાલશે અને કડક કાયદા અમલી નહીં બને તો આગામી દિવસોમાં વિશ્વના એકેય રસ્તા સુરક્ષિત નહીં હોય.


દેશમાં વર્ષે ૧,૫૦,૭૮૫ લોકો માર્ગ અકસ્માતનો ભોગ બને છે ! વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલો પ્રમાણે વિશ્વમાં દર વર્ષે ૧૩-૧૪ લાખ લોકોના મોત માર્ગ અકસ્માતમાં થાય છે. માર્ગ અકસ્માતનો ભોગ બનતા વિશ્વના ૧૪ લાખ કમભાગી લોકોમાંથી દોઢ લાખ લોકો તો એકલા ભારતના હોય છે.

નીતિન ગડકરીએ રજૂ કરેલા અહેવાલ પ્રમાણે ૨૦૧૭માં ૪,૮૦,૬૫૨ માર્ગ અકસ્માતો થયા હતા અને એમાં ૧,૫૦,૭૮૫ લોકોના મૃત્યુ થયા હતા. દેશમાં એક કલાકમાં સરેરાશ ૫૫ અકસ્માતો થયા હતા અને એમાં ૧૭ લોકોના મોત થયા હતા. એટલે કે દરરોજ ૪૦૦ ભારતીયો રસ્તા ઉપર દમ તોડી દે છે.

માર્ગ અકસ્માતોમાં તેના અગાઉના વર્ષ કરતા ઘટાડો થયો હતો, પરંતુ ચિંતાજનક રીતે મૃત્યુદરમાં વધારો થયો હતો. માર્ગ અકસ્માતમાં જેમના મૃત્યુ થયા હતા એમાંથી ૪૬ ટકા લોકોની વય ૧૮થી ૩૫ની વચ્ચે હતી. પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કેસના આધારે આ અહેવાલ તૈયાર થાય છે. તે હિસાબે ઘણાં નાના-મોટા કિસ્સા કે જે પોલીસ સ્ટેશનમાં નોંધાતા નથી એની સંખ્યા ગણીએ તો માર્ગ અકસ્માતોનું વાસ્તવિક પ્રમાણ ઘણું વધારે છે.

રીપોર્ટ મુજબ ૧૩ રાજ્યોમાં ૮૬ ટકા અકસ્માતો થાય છે. તમિલનાડુ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગણા, છત્તીસગઢ, પશ્વિમ બંગાળ, હરિયાણા, કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર અકસ્માતોની બાબતે સૌથી ખતરનાક સાબિત થયા હતા. યુટર્ન અને વળાંકો ઉપર ૩૭ ટકા અકસ્માતો થયા હતા.
ઈન્ટરનેશનલ રોડ ફેડરેશનના અંદાજ પ્રમાણે ભારતને દર વર્ષે રોડ અકસ્માતના કારણે ૨૦ અબજ ડોલરનું નુકસાન થાય છે.

~ હર્ષ મેસવાણિયા

પ્રિય હર્ષ મેસવાણિયા નવી પેઢીના તેજસ્વી પત્રકાર અને મારા યુવા પૂર્તિસંપાદક છે. હળવી રમૂજ સાથે અવનવું જગતભરનું જ્ઞાનવિજ્ઞાન લખતા રહે છે. સમ્યક શાંત સ્વભાવ અને ઉમદા વ્યક્તિત્વ ધરવતા ,માટીમાં રોપાયેલા મહકદાર મૂળિયાંવાળા સહજ સરળ યુવાન છે. જેમની ધગશ સતત નવું શીખવા અને સમજવા બાબતે અખંડ રહી છે. ~ જય વસાવડા

 
Leave a comment

Posted by on July 27, 2020 in india, management, travel, youth

 
 
%d bloggers like this: