RSS

Daily Archives: July 25, 2020

થોરોનું વોલ્ડન : સન્યસ્તનો ટેમ્પરરી આઇડિયા શીખવતું તીર્થ

એક જમાનો હતો કે જ્યારે ડોક્ટર દર્દીને કહેતાં કે તમારે હવાફેરની જરૂર છે. શમ્મી કપૂર ફેમ જૂની ફિલ્મમાં હીરો હીરોઇન હવાફેર કરવામાં કાશ્મીર કે પેરીસ પહોંચી જતાં. આજકાલ ડોક્ટર આ સલાહ આપતા નથી, કદાચ હવાફેર કરતાં દવાઓ વધુ અક્સીર હશે. કોરોના યુગમાં વાતાવરણ બદલવું શક્ય નથી, તણાવયુક્ત વિચારોમાંથી કામચલાઉ મુક્તિ મેળવવી જરૂરી છે. મિડીયા, કૌટુંબિક ચર્ચા માત્ર કોરોના આસપાસ થવા લાગી છે, ત્યારે અલગ વિચારો મળવા જરૂરી છે. મૂળ સમસ્યા એ પણ છે, આપણે એ કુંડાળામાંથી બહાર નીકળવું જ નથી.

ગાંધીને સવિનય સત્યાગ્રહ શીખવનાર હેનરી ડેવિડ થોરોને હવાફેર અને કુદરત સ્પર્શી ગયાં હતાં. હેનરી ડેવિડ થોરો મૂળ અમેરિકન પણ ભારતીય સાહિત્યના અભ્યાસુ. ફિલોસોફર થોરો વર્ષ 1845માં એકાંતવાસ ગાળવા અમેરિકાના વોલ્ડન સરોવરના કિનારે ટૂંકા ગાળા માટે નિવાસ કરવા ગયા હતા. થોરો એટલું જ જાણવા માંગતા હતા કે જ્યારે આપણે મૃત્યુ પામવાના હોઇએ ત્યારે મૃત્યુનું જ્ઞાન હોવું જરૂરી છે. મૃત્યુ સમજવા ભરપૂર જિંદગી જીવવી પડે, જિંદગી માણ્યાની ભવ્ય પળો પણ સાથે હોવી જોઈએ. જે જીવી શકે એ તો મૃત્યુ સમજી શકે.

થોરો જિંદગી સમજવા એકલા વોલ્ડન સરોવર કિનારે પહોંચી ગયા. ઘરમાં લેપટોપ પર ફિલ્મ જોતી વેળાએ કોઇ બોલાવે તો ફિલ્મ રોકી દઇએ, લાઇફને ય કોઈ પોકારતું હોય તો કોરોના વેકેશનની જેમ પોઝ કરવી જરૂરી છે. બસ, લાઇફને પોઝ કરવા માટે થોરો વોલ્ડન લેક પર સામાન્ય જરૂરિયાત સાથે પહોંચી ગયા. જાતે જ વોલ્ડન સરોવર પર નાની ઝૂંપડી બનાવીને તેમાં બે વર્ષ, બે મહિના અને બે દિવસ એકાંત નિવાસ કર્યું. થોડી ચોપડીઓ, થોડી જરૂરિયાત અને નોટબુક સાથે શરૂ થઇ અનેરી યાત્રા.

તીર્થ સ્થાન પર તો ટોળે ટોળા જાય પણ આ તો પોતે જ બનાવેલું તીર્થ….. પોતાની મસ્તી, પોતાની દુનિયા. રોજ કરવાનું શું? કોઈ નિયમિત વિધિ કરવાની તો હતી નહીં, માત્ર પોતાના જ તિર્થમાં રોજ થતી કુદરતની ચહલપહલ નિસ્પૃહભાવે જોવાની… બસ કુદરતનો ખેલ ચૂપચાપ નિરખવાનો… દરેક સિઝનમાં બદલાતા કુદરતના રંગોને સ્થિતપ્રજ્ઞ થઈને જોવાના… જંગલમાં ભટકવાનું. કદાચ કોઇ મુલાકાતી મળવા આવે તો ત્રણ ખુરશી રાખેલી… દિવસમાં રખડવાનું, મુલાકાતી કાર્ડ મૂકીને રાહ જોઇને જતાં પણ રહે.. થોરો કુદરતની મોજ અને વૈવિધ્યતાને માણે અને જે અનુભવ થાય તે નોંધ કરે.

આડત્રીસ નોટ ભરીને અનુભવોની વૈવિધ્યતા લખી. વોલ્ડન લેક પરથી પરત આવ્યાના દશ વર્ષ પછી થોરોની લખેલી નોટ્સને પુસ્તક સ્વરૂપ આપવામાં આવ્યું. કોઈ જલદી નહીં કે આજે શીખ્યો તો કાલે જ્ઞાન આપી દઇએ. થોરોની ભાષામાં કહીએ તો એ વોલ્ડન કરતાં માનવજાતને જ્ઞાન આપતો પવિત્ર ગંગાકિનારો વધુ લાગતો હતો. થોરોની નોટ્સનું પુસ્તક પ્રકાશિત થયું, પુસ્તકનું નામ જ વોલ્ડન. દુનિયાની મોટાભાગની ભાષામાં વોલ્ડન પ્રકાશિત થયું. ગુજરાતીમાં પણ વોલ્ડન પ્રકાશિત થયું હતું. આમ તો અઢાર પ્રકરણમાં લખાયેલું આ પુસ્તક ભગવદ્દ ગીતાની જેમ કુદરતના પાઠ શીખવે છે.

ભગવદ્દ ગીતા હોય કે વોલ્ડન, લોકપ્રિય એટલા માટે છે કે આ પુસ્તકો સ્વઅનુભવમાંથી લખાયા છે. તેમાં કોઈ આસમાની સ્ટોરી નથી પણ મારા તમારા જીવનમાં બનતી ઘટનાઓને અનુભવીને લખી છે. થોરોના આ અઢાર પ્રકરણના પુસ્તકમાં અર્થતંત્રથી માંડીને ભારતીય ચિંતનની સમીક્ષા કરી છે. કલાકો સુધી થોરો એકાંતમાં બસ કુદરતને નીરખ્યા કરતાં, પાંદડાઓનો અવાજ, પક્ષીઓનો કલરવ, દેડકાંના અવાજ, સરોવરમાંથી આવતો પાણીનો અવાજ….આ બધા અવાજો સાથે અદભૂત અવાજ એટલે મૌનનો નાદ…. થોરો માનતા કે સત્યની શોધ કુદરતના સાનિધ્યમાં જ કરી શકાય. વોલ્ડનના નિવાસ દરમિયાન પુસ્તકમાં ધ્વનિ પર એક પ્રકરણ લખી નાખ્યું છે. પાછું અવાજની વાત કરતાં ખાલી અને ખોખલી વાતો નહીં પણ બિઝનેસ કરવા માટે હિંમત જોઈએ, એ માટે તમારો અવાજ હોવો જોઈએ એ પણ લખવાનું… માત્ર ભાગેડુ વાતો નહીં, પણ ખૂમારીથી દુનિયા ભોગવવાની વાત પણ કરવાની.

શિયાળામાં વોલ્ડન સરોવર કિનારે હોવા છતા પાણી જ ન મળે, બધે દોઢ બે ફૂટના બરફ….થોરો લખે છે કે પાણી શોધવા સવારે કુહાડી સાથે રાખીને નીકળુ અને જ્યાં ઓછો બરફ હોય ત્યાં બરફ તોડું… તોડેલા બરફ નીચે માછલી જોવા મળે તો એવું લાગે કે હું માછલીના ડ્રોઈંગ રુમમાં ફરી રહ્યો છું…. કલાકો સુધી માછલીના હલનચલન માણું. આપણી પાસે વરસાદ જોવાનો સમય નથી, સોશિયલ મિડીયામાં કોઈ લખે ત્યારે ખબર પડે કે વરસાદ આવ્યો. થોરોની સવાર એટલે નવી બનેલી માછલી નામના મિત્રો સાથે દોસ્તી શરૂ થતી. સુસંસ્કૃત ઘરોમાં જોવા મળે તેવી ‘હાશશશ’ નામની અદ્ભુત શાંતિ આ માછલીઓના નિવાસસ્થાને હશે એવું થોરો માનતા.

વરાહ અવતારની જેમ થોરો કહી દે કે પર્ચ માછલી જીવડાં ખાય, પિક્રેલ માછલી પર્ચને ખાય અને માછીમાર પિક્રેલ માછલી પકડે….યહી હૈ જિંદગી…. આપણા માટે સૌથી અગત્યની વાત, કોઈ ખાસ સાધનો વિના થોરોએ સરોવરને સતત નિરિક્ષણ કરીને સરોવરની ઉંડાઇ શોધી કાઢી. થોરોના મતે વોલ્ડન સરોવર વધુમાં વધુ એકસો બે ફૂટ ઉંડુ છે….. આ નિરિક્ષણના અંતે મજાની વાત લખી છે કે માણસજાત નિરિક્ષણ કરવાનો અભ્યાસ કરવાનું છોડી દીધો છે, સમય જ ક્યાં છે? બાકી પ્રકૃતિના તમામ સત્યની ઉંડાઇ નિરીક્ષણ કરીને શોધી શકાય.

થોરો બહુ સરળ સમજાવે છે કે વરસાદ પછી રસ્તામાં પડેલાં ગંદા ખાબોચિયાની ઉંડાઇ કોઇ માપવા જતું નથી પણ માત્ર દૂરથી જોવાથી જ ખબર પડી જાય છે કે કેટલું ઉંડાઇવાળું હશે…. આપણે ખાબોચિયાં પરથી વાહન લઇ જઇએ છીએ તો ઘણીવાર સાઇડ પરથી… માત્ર નજરથી ખાબોચિયું સમજાય છે. આ કળા આપણે ક્યાંથી શીખ્યા? ઓબ્ઝર્વેશનમાંથી… બસ સરોવરોની ઉઁડાઇ માપવી હોય તો સેમ ટુ સેમ ફોર્મ્યુલા… પણ સવાલ નજરને કેળવવાનો છે.

થોરો જંગલના અનુભવમાં મહત્વની વાત લખે છે કે માણસ પાસે પોતાના માટે સમય જ નથી, સાચી વાત તો એ છે કે, કોરોના જેવા વેકેશનમાં પણ પોતાના માટે સમય આપવાની દાનત નથી. એ જે ખાય છે એનો એને સ્વાદ જ ખબર નથી, એ જે જુએ છે એમાં કે એ જે સાંભળે છે એમાં કોઈ જાતનો રોમાંચ જ અનુભવતો નથી. મહદઅંશે ઇન્દ્રિયો ખતમ કરતો જાય છે, એટલે જ ખાઉધરો બને છે પણ સ્વાદ સમજી શક્તો નથી. થોરોના મતે ભારતીય સંસ્કૃતિએ તો કેવી રીતે ખાવું, પીવું કે સંભોગ કરવો તે પણ શીખવ્યું છે. જે જીવનમાં તુચ્છ ગણવામાં આવ્યું છે તે તમને ઉચ્ચતર સ્વરૂપ પર લઈ જઇ શકે છે. તેને માણવું પડે…. જિંદગીમાં કોઈ વસ્તુ નકામી નથી, નકામું બતાવીને છટકી જવાની દાનત બદલવાની જરૂર છે.

 

થોરો અંતે લખે છે કે, સરોવર કિનારે વિશાળ જ્ઞાન મળ્યું. એનો અર્થ એવો નહીં કે બાકીનું જીવન સરોવર પર જ પૂરું કરવું. દરેક કાર્યની સમયમર્યાદા તો હોવી જોઈએ, સતત નવસર્જન તો ચાલવું જ જોઈએ.

મને જે પ્રાપ્ત થયું છે તેના પરથી મારું જીવન ઉત્તમ કરવાનું છે, નહીં કે સતત સરોવર પર બેસી રહેવાનું….

આ સમજવું આપણા માટે થોડું મુશ્કેલ છે. એકવાર સંસાર છોડીને નર્મદા કિનારા કે હિમાલય પર ગયેલો સાધુ મહારાજ થોડી સમજ કેળવીને સમાજમાં પરત આવે તો તેનો સ્વીકાર કરતા શીખવો જોઈએ. ટેમ્પરરી સન્યસ્તની ફોર્મ્યુલા સ્વીકાર્ય હોવી જોઈએ, કશું કાયમી રાખવું જરૂરી નથી.

સાધુને સંસારમાં પાછા આવવાની વાતને પાપ ગણવું જોઈએ નહિ, એની કેપેસીટી મુજબ એને જ્ઞાન મેળવ્યું. ઈનફ ઈઝ ઇનફ….. જો વ્યક્તિને લાગે કે હવે પરત…ભલેને તેના સન્યસ્તમાં ઇશ્વરના દર્શન પણ થયા હોય તો પણ પરત આવવા માંગે તો આપણે તેનું સ્વાગત કરવું જોઈએ.

નર્મદા પ્રદક્ષિણા જેવા કામચલાઉ સન્યાસી જીવનની જેમ ટેમ્પરરી સાધુજીવનની ધર્મની દ્રષ્ટિએ પરવાનગી હોવી જોઈએ…..જો થોરો જેવા વિચારકો બનાવવા હોય તો…


~ દેવલ શાસ્ત્રી
 🌹

 
 
%d bloggers like this: