
ગેસ્ટ સ્પેશ્યલ આર્ટિકલ
સોશ્યલ મીડિયા પર હમણાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે.વાર તહેવારે પ્રસંગોચિત સંસ્કૃત સુભાષિત કે શ્લોક પોસ્ટ કરવાનો.નવી પેઢીને સંસ્કૃત તરફ વળતી જોઈને ખૂબ આનંદ થાય.ગૌરવ લેવા જેવી બાબત છે.
“સંસ્કૃત(ના, સાંસ્ક્રીટ નહિ) ઇઝ ન્યુ કુલ”.મધર્સ ડે પર ગૂગલ પરથી સંસ્કૃત સુભાષિત કે એની કોઈ ઇમેજ ડાઉનલોડ કરી એને પિક આર્ટ નામની એપમાં એડિટ કરીને પોસ્ટ કરો તો “કુલ લાગે”.ઘણા એનો સ્ક્રીનશોટ લઈ એ જ પોતાના સ્ટેટ્સ પર પણ ચડાવે.વિચારપ્રેરક બાબત એ છે કે એમાંથી કેટલા લોકોને જે તે સુભાષિત કે શ્લોક મોઢે આવડે છે? ચાલો એ થોડું અઘરું લાગે, તો કેટલા લોકોને એનો અર્થ ખબર હોય છે? હોય તો બહુ સારી વાત કહેવાય અન્યથા “કુલ” લાગતો વિષય હોટ ટોપિક છે.ચર્ચા માટે,વિચારવા માટે,સુધારવા માટે.
કડવી વાસ્તવિકતા એ છે કે સંસ્કૃત ભાષા મરણ પથારીએ છે.અને સોશ્યલ મીડિયા દ્વારા પ્રચાર-પ્રસાર થાય એ ખૂબ પ્રશંસનીય હોવા છતાં પૂરતું તો નથી જ.માત્ર સવારે ઉભા થઇ એ દિવસને લાગુ પડતું સુભાષિત ,ક્વોટ કે એનો સ્ક્રીનશોટ ચડાવી દેવાથી નહિ ચાલે.ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરવાની, (મૃત ક્યારે થઈ? કોણે જાહેર કરી?એનું ડાઈન્ગ ડિકલેરેશન કરવાનો અધિકાર કોનો?) પુરાતન ભારતના મૂલ્યો અને આદર્શોને પુનઃસ્થાપિત કરવાની વાતો બહુ ચાલે છે,તાળીઓ વિણવામાં આવે છે.સાંભળવામાં બહુ સારું લાગે છે.
પણ જ્યાં સુધી સંસ્કૃત નહિ સમજાય ત્યાં સુધી સંસ્કૃતિ નહિ સમજાય. સંસ્કૃત હવે મરજિયાત વિષય છે.(મરવાનો થાય એ મરજિયાત કે શું?) અને જે લોકો ભણે છે એ પણ ભાષાંતરો ગોખી ગોખીને જ પાસ થઈ જાય છે એટલે એમને પણ સંસ્કૃત આવડતું નથી. (આ લખનાર પણ એ જ રીતે પાસ થયો છે એ કબૂલ!) પછી કોઈ બાબા,કોઈ સાધુ,કોઈ નેતા, કે કોર્પોરેટ વડાઓ જે ઝીંકમઝીંક કરે એમાં ડોકા ધુણાવ્યાં સિવાય છૂટકો નથી.
ઇતિહાસની ઘટનાઓ હોય કે આપણા મહાભારત અને રામાયણ જેવા મહાકાવ્યો! સમયાંતરે દરેકમાં મિશ્રણો થયા,કલાત્મક ફેરફારો અને કલ્પનાઓનો ઉમેરો થયો.દરેક કૃતિના ભાષાંતરો અને રૂપાંતરો આવ્યા અને હજુ આવતા જાય છે.(Interpretations and versions) ભૂતકાળમાં વેસ્ટર્ન વર્લ્ડમાં બાઇબલની વિરુદ્ધ કોઈ સાયન્ટિફિક થિયરી પણ રજૂ કરે કે સાબિત કરી બતાવે તો એમને ફાંસીએ ચડાવી દેવામાં આવતા.કેટલાય બુદ્ધિશાળી વિચારકો,તત્વચિંતકો અને વૈજ્ઞાનિકોએ એમ કરવા જતાં જીવ આપ્યા.પણ ભારતીય સંસ્કૃતિએ અમુક અપવાદોને બાદ કરતાં દરેક કલ્પના અને દરેક અર્થઘટનો અપનાવ્યા છે.પણ હવે સમય એવો આવી ગયો છે કે એમાંથી સૌથી વધુ વિશ્વાસપાત્ર (reliable) અને પ્રમાણભૂત (authentic) ગ્રંથ કે શાસ્ત્ર કયું?
એ શોધવું અઘરું બની ગયું છે.”ગીતા મારા મતે” એવું શીર્ષક રાખી બેસ્ટ સેલર પુસ્તક લખી નાખનાર અને નોટો છાપનાર કોઈ લેખકનો વિરોધ નથી, પણ એને જ સર્વસ્વ અને પ્રમાણભૂત માની લેનાર ભાવકનો વિરોધ છે.બની શકે એમના મતમાં ક્યાંક કોઈ ક્ષતિ રહી ગઈ હોય. એ ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં જે અર્જુનને કહી સંભળાવી એ ગીતા તો નથી જ. દરેક વ્યક્તિને ફ્રીડમ ઓફ સ્પીચ ,એક્સપ્રેશન અને ફ્રીડમ ઓફ ઓપિનિયન છે પણ અહીં પોતાનો મત બાંધવા માટે પણ સંસ્કૃત અનિવાર્ય છે.પોતે વાંચી,સમજી અને પોતાની બુદ્ધિ મુજબ મત બાંધવાની છૂટ લેતા થઈશું તો આ બધી બાબતો લેખે લાગશે.
અહીં વાત માત્ર આધ્યાત્મિક ગ્રંથો કે સાહિત્યની જ નથી.અન્ય તમામ પ્રાચીન ભારતીય શાસ્ત્રો કે જે આ ભવ્ય સંસ્કૃતિનો હિસ્સો જ છે એ તમામની છે.એ પણ સંસ્કૃતમાં જ છે.અમારે આયુર્વેદ હોસ્પિટલમાં એક વિદ્વાન ભાષણ આપવા આવેલા. એમણે શરૂ કર્યું,: ‘હું આર્યુવેદમાં બહુ માનુ છું. આર્યુવેદીક ઘણું સારું છે.બધા વાઇરસોની દેશી દવા કરી શકાય છે. ઋષિમુનિઓએ ઘણું રિસર્ચ કર્યું છે.’ જેમને આયુર્વેદ બોલતા પણ બરાબર નહોતું આવડતું (Are you ved?) એ મહાશયે આગળ ચલાવ્યું ,’ પણ બ્રિટિશરો આપણી સંસ્કૃતિને લૂંટી ગયા.’ અને પછી આખું ભાષણ રાજકીય રંગે રંગાઈ ગયું.તાળીઓ પડી ગઈ.
બસ આ જ થઈ રહ્યું છે. દેશ, સંસ્કૃતિ અને સંસ્કૃત સો કરોડી ફિલ્મો બનાવવાનો, ભાષણોમાં તાળીઓ વિણવાનો અને મત (opinion) બાંધવા કરતા મત (vote) ઉઘરાવવાનો વિષય બની ગયા છે.બાકી સંસ્કૃત તો હવે ફેશન બની ગયું છે. વિદેશોમાં વસતા ભારતીયો પણ યજ્ઞો કરાવે છે. વીડિયો કોલ દ્વારા શુદ્ધ ભારતીય બ્રાહ્મણને બોલાવે છે.એમની પાસે સંસ્કૃત શ્લોકો બોલાવે છે. મધર,ફાધર કે બ્રધર જેવા શબ્દો સંસ્કૃતની દેન હોવાનું ગૌરવ પણ લે છે. એકાદ દિવસ પૂરતા એને લગતા કવોટ્સ ચડાવે છે.એમના ભવ્ય મકાનનો એક ખૂણો ટેમ્પલ કહેવાય છે જેમાં ગીતાને પણ સ્થાન આપે છે. સંસ્કૃતમાં લખેલા ટીશર્ટસ્,કુરતા ,ટેટુઝ માર્કેટમાં ધૂમ મચાવે છે. એક પોર્ન એક્ટ્રેસે તો પોતાની કમર પર સંસ્કૃતમાં આકર્ષક ટેટુ ટ્રોફાવેલું છે.કુલ લાગે છે.
તમને થશે કે આ ભાઈને આટલી બળતરા કેમ ઉપડી છે? અને એમણે પોતે શુ કર્યું છે? એનોય જવાબ છે. એમણે જાતે પૈસા ખર્ચીને થોડા પુસ્તકો વસાવ્યા છે અને વાંચવા સમજવાનો પ્રયત્ન કરે છે. અમુક લોકોને સમજાવવાનો મૌખિક અને લેખિત પ્રયાસ પણ કર્યો છે.અને આ આર્ટિકલ(લેખ) પણ એનું જ પરિણામ છે. પણ આ ખંજવાળ ઉપડવાનું કારણ અમારા એક મિત્રની પોસ્ટ છે. જે કેનેડામાં ભણવા ગયેલા અને ત્યાં જ સ્થાયી થયા છે.” મધર્સ ડે” ના દિવસે મુકેલી એ પોસ્ટમાં એમણે લખેલું,
“જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી!”
~ મયુર સોલંકી
ડો. મયુર સોલંકી મસ્ત વક્તા ને અચ્છા વાચક છે. ઉંમરથી ઉપર પરિપક્વતા ધરાવે છે. મૂળિયાં પકડીને જગત આખાના ગગનમાં ઉડતા આવડે એવી યુવાચેતના ધરાવે છે. તેજસ્વી મૌલિક તર્કથી ધારદાર દલીલો કરી શકે છે. JVpediaમાં એમનું સ્વાગત છે ~ જય વસાવડા