ગેસ્ટ સ્પેશ્યલ આર્ટિકલ
લોકડાઉનનુ લોલક .. સતત ગતિ કરી દુનિયાના વે’હવાર અને તહેવારમાં અર્થતંત્રનો પ્રાણવાયુ ફૂંકતી જીવનની ધમણને અચાનક ઉતરી આવેલા કોરોના નામધારી અદ્રશ્ય અસુરના કારણે હાંફ ચડી.જોકે હાંફને હળવી કરવા ફરજીયાત “લોક-ડાઉન” કરી અંતરના કમાડને ઉઘાડવાનો અવસર અને સમય પણ ભયાનક કોરોનાસુરના કારણે મળ્યો.એટલા પુરતો કોરોનાસુરને માફ્યો જાવ.
વાત આપણે અંહિ છેલ્લા ત્રણ ચાર મહિનામાં ચવાઈને ચુથ્થો થઈ ગયેલા અને મન મસ્તિષ્ક પર હાવિ થઈ ગયેલા કપાતર કોરોનાની નથી કરવી. વાત કરવી છે ચાર દિવારો અને છત નીચે રેહતા પણ ચોક્સ સમયે જ ભેગા થતા પોતાના જ સ્વજનો જે લોકડાઉન પેહલા સ્વ-જન હોવા છતા ક્યાંક અજાણ્યા લાગતા જણોને જાણવાનો મોકો આપતા ઘરકેદ જેવી મિઠડી સજાના સંસ્મરણો આપી જતા વેકેશનની.એમાં પણ ખાસ ઘરના મોટેભાગે પુરુષોને લાગતા રહસ્યમયી “રસોડા”ની.
. લોકડાઉન જેવા ધરાર આવી પડેલા વેકેશનમાં ઘરની સ્ત્રીઓએ રસોડાને “પાક-શાસ્ત્ર” ની પ્રયોગશાળામાં પરીવર્તિત કરી નાંખ્યુ.આખી દુનિયાને એક તાંતણે બાંધી રાખનાર જાળ જેવા ઈન્ટર’નેટ’ ના પ્રતાપે યુ ટ્યુબ જેવુ હાથવગુ હથિયાર હોવાથી ઘરની સ્ત્રીઓએ પાણીપુરી, દાબેલી, વડાપાંઉ, સમોસા, ભેળ,ખમણ,ફાફડા, જલેબી, શ્રીખંડ, કેક જેવા અવનવા વ્યંજનોમાં હાથ અજમાવી કસબ કેળવ્યો.તો સામે છેડે નવરાશને દુર કરવા અને કંટાળાને કાપવા ઘરના ગૃહમંત્રીની લાગણી અને માગણીને ધ્યાનમાં લઈ સ્ત્રીઓના QUEENDOM જેવા રસોડામાં વિધીવત કંકુપગલા પાડ્યા.
જે પુરુષને અડધી રાત્રે ભૂખ લાગે તો ચવાણાનો ડબ્બો શોધવા પણ ગુગલ મેપનુ નેવીગેશન ચાલુ કરવુ પડતુ હોય એવા પુરુષોનુ પણ હવે રસોડામાં આગમન થયુ હતુ.અજમો અને જીરાનો ભેદ જેને બર્મુડા ટ્રાયંગલ જેવો લાગતો હતો એ પુરુષ હવે ધીમે ધીમે વઘારના છમકારા બોલાવતો થયો હતો.મલ્લ કુશ્તીના અખાડામાં મણ મણના મગદળ મસ્તી અને સહજતાથી ફેરવતા હોય એવા પુરુષો ત્યારે ઓરસીયા પર સો ગ્રામનુ વેલણ ફેરવવામાં અટવાણા હતા.અલગ અલગ રાસાયણોના દ્રાવણોનુ માપ પ્રમાણથી સંયોજન કરતા સાયન્ટિસ્ટો રસોડામાં સ્વાદ અનુસાર મીઠાના માપમાં મુંઝાતા.
મોટા મોટા સ્કાયસ્ક્ક્રેપરોને હોંશથી ચણી નાખનાર ઈજનેરો કાથરોટમાં કણકને ગુંદવામાં ગોથે ચઢેલા હતા.વર્તુળના વ્યાસની વ્યવહારીક વ્યાખ્યા કરતા ગણિતજ્ઞો પોતાના માપેલા વર્તુળની પરીઘની બહાર જતા રોટલીના ગોળાકારમાં પણ ગુંચવાણા.એકદંરે દરેક વર્ગ,વય અને વ્યવસાયના પુરુષે લોકડાઉનમાં મળેલા વેકેશનમાં ક્યારેક ને ક્યારેક તો રસોડામાં ઘરની સ્ત્રીના અન્ડર એક્સપર્ટ ઓબ્ઝર્વેશનમાં પોતાના કાંડાનુ કૌવત અજમાવ્યુ ખરુ.
સતત તોળાતા રોગચાળા અને આર્થીક તંગીના ભયે ક્યારેક સંબધોમાં એક તણાવ પણ ઉભો થયો હશે.પણ મજબૂત મન અને પરિવારની હૂંફ અને સતત બંધાવાતી હિમ્મતે હળવાશ પણ પેદા કરી.ખુબ હસ્યા, ખુબ રોયા પણ હશો.મોકળા મને એક બીજા સાથે, પરીવાર સાથે વાતોથી વરસ્યા પણ હશો. મનગમતુ કરવાનો ફરી ફરીને બાળપણ જીવવાનો મોકો આપતી કોડી,સાપ સીડી, લુડો,ચોસઠ, વેપાર જેવી રમતો રમી ફરી એજ બાળપણમાં જીવવાનો મોકો પણ પરાણે પણ પછી પ્યારા લાગતા લોકડાઉને આપ્યો.
કદાચ કુદરતે પણ પોતાની ઈચ્છાઓના ઘોડા પર બેસી જીવવા માટે સતત suffer કરતા માનવીને સ્વ સાથે, સ્વજનો સાથે સંવાદ કરવા, ઘડી બે ઘડી નિરાંત આપવા જ આ પરિસ્થિતિનુ નિર્માણ તો નહી કર્યુ હોય ને? આવનારા સમયમાં જ્યારે આ પરિસ્થિતિ નહી હોય ત્યારે પણ થોડો સમય પોતાના માટે, પોતાના સ્વજનો માટે જરુરથી કાઢજો.ક્યારેક અમસ્તુ અમસ્તુ ઘરના દરવાજે “લોક-ડાઉન” કરી ભીતરના કામાડ ખોલજો.એમા બધાને આવકારજો.એષ્ણા, તૃષ્ણાઓને બાજુએ રાખી કચકચાવીને જીવજો કોણે ખબર પછી આ સમય, આ સ્વજનો હોય ના હોય…!!
“હરઘડી બદલ રહી હૈ રુપ જીંદગી, છાંવ હે કભી કભી હૈ ધૂપ હે જીદંગી. હરપલ યંહા જી ભર જીઓ, જો હે શમા કલ હો ના હો… “

~ કૃણાલ દરજી.
જૂના જોગી એવા રીડરબિરાદર કૃણાલ દરજી જીવનસંગિની એકતા સાથે રસોઈના પ્રયોગો કરવા ઉપરાંત હળવા હૈયે ભારે જવાબદારીઓ સાથે જીવે છે. કોરોના સામે ટક્કર આપીને મોજથી જીવવામાં પરોવાઈ ગયા છે. JVpedia માં એમનું સ્વાગત છે. ~ જય વસાવડા