RSS

Daily Archives: July 15, 2020

મહાભારતનું મહાત્મ્ય !


ગેસ્ટ સ્પેશ્યલ આર્ટિકલ

Mahabharat-Clean-Creative-BG_01_Eng[1]

મહાભારતનો પ્રસિદ્ધ શ્લોક છે.

धर्मे चार्थे च कामे च मोक्षे च भरतर्षभ ।

यदिहास्ति तदन्यत्र यन्नेहास्ति न तत्क्वचित ।।

હે જન્મેજય ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ પુરુષાર્થો અંગે જે આ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે તે બીજે પણ નિર્દિષ્ટ છે અને જે અહીં નથી તે અન્યત્ર કોઇ ગ્રંથમાં કહેવામાં આવ્યું નથી.આવો જ એક બીજો સાવિત્રી શ્લોક..

उर्ध्वबाहुविरोमेष्य न च कश्चच्छ्रृणोति मे ।

धर्माद् अर्थश्च कामश्च स किमर्थं न सेव्यते ।।

બંને હાથ ઊંચા કરીને હું પોકારી રહ્યો છું પણ મને કોઇ સાંભળતું નથી.ધર્મથી જ અર્થ પ્રાપ્તિ થાય છે તથા અન્ય કામનાઓ પૂરી થાય છે છતાં લોકો ધર્મનું પાલન કેમ કરતાં નથી !

અહીં ધર્મ એટલે આપણા આજના સ્થૂળ અર્થમાં નથી. કેવળ કર્મકાંડ અને ઈશ્વર ઉપાસના એ ધર્મ નથી.


***

काल: पचति भूतानि काल:संहरति प्रजा: ।
निर्दहन्तं प्रजा: कालम् काल: शमयते पुनः ।।
(आदिपर्व-१-१८८)

કાળ જ પ્રાણીમાત્રનું પોષણ કરે છે, અને તે જ પ્રજાનો સંહાર પણ કરે છે. કાળ પ્રજાને બાળે છે અને પછી પ્રજાને સંહાર કરતાં કાળને પણ કાળ જ ફરીથી શાંત કરે છે.

આદિપર્વના પ્રથમ અધ્યાયના 161 શ્લોક એ સંપૂર્ણ મહાભારતની અનુક્રમણિકા છે. કુરુક્ષેત્રના યુદ્ધ પછી ધૃતરાષ્ટ્રના પક્ષે ત્રણ ,ને પાંડવ પક્ષે સાત વ્યક્તિ જીવીત છે. અઢાર અક્ષોહિણી સેના ખતમ થઇ ગઇ છે. ત્યારબાદ ધૃતરાષ્ટ્રનો વિલાપ અને તેને સાંત્વના આપતા સંજય સતયુગ -ત્રેતાયુગમાં થઇ ગયેલા મહાન કર્મવાન,ધર્મવાન અને શક્તિશાળી રાજાઓની આખી નામાવલી આપીને ધૃતરાષ્ટ્રને આશ્વાસન-સાંત્વના આપીને કહે છે કે આવા મહારથીઓ પણ કાળના મુખમાં હોમાઈ ગયા છે. મૃત્યુ અફર છે, કાળ શાશ્વત છે એનો સ્વિકાર કરવો જ રહ્યો. એવું કહીને અંતે ઉપરનો શ્લોક કહે છે. રાજાઓની નામાવલી ઘણી લાંબી છે અને નામો પણ એવા અદ્ભૂત છે કે અહીં ઉતારવી શક્ય નથી.

ત્યારબાદ સૂતવંશી ઋષિ ઉગ્રશ્રવા મહાભારતનું મહાત્મ્ય આલેખતા કહે છે કે -જે વ્યક્તિ આ મહાભારતની ફક્ત અનુક્રમણિકા અધ્યાય ને અંત સુધી સાંભળે છે તે કોઇ દિવસ દુઃખ થી વિચલિત થતો નથી, પડી ભાંગતો નથી. એનાથી ય વિશેષ અનુક્રમણિકા અધ્યાયનો થોડોક પણ પાઠ પ્રાતઃકાળે કે સંધ્યા સમયે કરે તો દિવસ રાત્રીના તમામ પાપો ધોવાય જાય છે.(અલબત્ત આ વાક્યમાં કુતર્કો નથી નથી કરવાના,એની વ્યંજના સમજવાની છે) મહાભારત આખું વંચાય નહીં ને ઘરમાં પણ ન રખાય એ વાતનો આદિપર્વના પહેલાં અધ્યાયમાં જ છેદ ઉડી જાય છે.

આજે જે મહાભારત નું વિશાળ સ્વરૂપ છે તે કોઇ એક વ્યક્તિનું હોઇ શકે નહીં. મહાભારતમાં જ આ વાતની પુષ્ટિ કરતાં પ્રમાણો છે. સૌ વિદ્વદ્જનો જાણે છે કે આ ગ્રંથ આરંભે ‘જય’ તરીકે પ્રસ્થાપિત થયો છે. પહેલા જ ચરણમાં ततो जयमुदीरयेत् કહેવામાં આવ્યું છે. તથા ગ્રંથની સમાપ્તિ માં સ્વર્ગારોહણ પર્વ માં जयो नामेइतिहासोडयं ચરણ છે. એટલે નિર્વિવાદ રુપે આ ગ્રંથ નું ઓરિજિનલ નામ તો ‘જય’ જ છે એ સ્પષ્ટ થાય છે.

હવે આ ‘જય’ નામના ગ્રંથમાં મૂળ 8800 શ્લોક હશે એવો નિષ્કર્ષ વિદ્વાનો એ આપ્યો છે. કારણકે ગ્રંથની શરૂઆતના શ્લોકોમાં સર્જકે अष्टौ श्लोकसहस्त्राणि,अष्टौ श्लोकशतानि च એમ બિલકુલ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે. ને આ શ્લોકો હું જાણું છું, શુક એટલે કે શુકદેવજી જે વેદ વ્યાસના પુત્ર છે એ જાણે છે ને ત્રીજો કદાચ સંજય જાણતો હોય અથવા ન પણ જાણતો હોય ! આના વિશે ચર્ચા છે પણ અહીં વિષયાંતર થશે.

પરંતુ મૂળવાત આપણને પજવે છે કે તો પછી 8800 માં થી લાખ એટલા બધા શ્લોકો કેવી રીતે થયા. એમાં ક્ષેપકો થતાં ગયા એ સામાન્ય લોજીક આપણે સૌ જાણીએ જ છીએ. પણ કઇ રીતે થયા એ જાણવું મજાનું છે. વ્યાસજીએ આ જય ગ્રંથ પોતાના પાંચ શિષ્યોને ભણાવ્યો એમાં ના પહેલાં શિષ્ય વૈશમ્પાયન એ રાજા જન્મેજયને આ કથા સર્પસત્ર માં સંભળાવી ને એનો વિસ્તાર કર્યો. જન્મેજયના પિતા પરીક્ષિત ને તક્ષક નાગે દંશ દીધો એટલે વેરભાવ થી આ નાગયજ્ઞ નું આયોજન જન્મેજયે કરેલું છે એ આખું આખ્યાન આદિપર્વના આરંભે જ છે પણ મહાભારતમાં આખ્યાનો વિશે વાત કરીશું ત્યારે વાત. પણ ટૂંકમાં આ પ્રસંગે વૈશમ્પાયન ઉપસ્થિત છે ને એમણે જન્મેજયને એના પૂર્વજો ની કથા ‘જય’ નામે કાવ્ય તરીકે વ્યાસજીએ શીખવી હતી એ સંભળાવી. સ્વાભાવિક રીતે જ સાયકોલોજી નો નિયમ છે કે મૂળ વાત એક જગ્યાએ થી બીજે જાય એટલે એમાં વધારો ઘટાડો તો થવાનો જ. વૈશમ્પાયન પણ એક કુશળ વક્તા ને કથાકાર હતા ને એમણે વાત ને લડાવીને કહી એટલે શ્લોક સંખ્યા 24000 થઇ ગઇ. ને એનું બીજું નામ ‘ભારત’ થયું.
 
આ સમયે ઋષિ ઉગ્રશ્રવા પણ ઉપસ્થિત હતાં. જે મહાભારતમાં સુતપૌરાણિક કે સુતપુત્ર તરીકે જાણીતા છે. આ સંવાદ ઉગ્રશ્રવા એ શૌનક ઋષિએ આદરેલા યજ્ઞસત્ર માં નૈમિષારણ્યમાં સૌના આગ્રહથી સંભળાવી… નિરાંતે ને લંબાણપૂર્વક. સુતજીએ પોતાની આ કથાનો ઉલ્લેખ ‘મહાભારત’ નામે કર્યો છે,ને એમાં एक शतसहस्त्रम् શ્લોકો છે એમ કહ્યું. આમ પોતે સાંભળેલા 24 હજાર શ્લોક ને એક લાખ સુધી લંબાવીને મહાભારત ગ્રંથ બનાવી દીધો છે. નિષ્કર્ષ એ જ કે વેદ વ્યાસ રચિત ‘જય’ કાવ્ય, જે વર્તમાનમાં માં આપણી પાસે છે એ વૈશમ્પાયન અને સુત ઉગ્રશ્રવા દ્વારા વિસ્તાર, પ્રસાર પામીને એકલાખ શ્લોકો નો દળદાર ગ્રંથ બન્યો.જેનું નામકરણ સુતજીએ આ રીતે સમજાવ્યું છે महत्वात् भारत्वाच्च महाभारतमुच्यते । મહત્વ અને ભારને લીધે આને મહાભારત કહેવાય છે. થોડી દાર્શનિક રીતે મહા+ભા+રત એટલે કે ભા=વિદ્યા,મહા ભા એટલે મહાન વિદ્યા અર્થાત્ બ્રહ્મ વિદ્યા અને રત એટલે — માં ડૂબેલું . આમ મહાભારત એટલે બ્રહ્મવિદ્યામાં જે અનુરાગી છે એવું. ટૂંકમાં મહાભારતમાં સમગ્ર વિશ્વની વિદ્યાઓ સમાવિષ્ટ છે એવો અર્થ સંકેત છે.

જોકે ભલે કહેવાય છે એક લાખ શ્લોક પણ એક લાખ શ્લોકની એકેય આવૃત્તિ હજુ સુધી મળી નથી. પણ આપણી પ્રજાને પોતાની વાત ને ગ્લોરિફાઇ કરવામાં આનંદ મળે છે. જયારે મહાભારત ને એક લાખ શ્લોક નું કહેવાય છે ત્યારે એમાં હરિવંશ પુરાણના 12હજાર શ્લોકની પણ ગણતરી કરી લેવામાં આવી છે છતાં પણ ગણતરી સાથે 83000 અને વધુ માં વધુ 98000 જ થાય છે. પછી આધુનિક યુગમાં તો અનેક પ્રકાશકોએ આવૃત્તિઓ મનફાવે એમ બહાર પાડી છે. એ ઉપરાંત અત્યારના કથાકારો એ લોકકથાકારોએ અનેક વાર્તાઓ ઓઠા રૂપે ,ટુચકાઓ રુપે ઉમેરાતા ગયા જે મહાભારત નામે પ્રચલિત છે !

મહાભારત ને નામે ગમેતેમ ને વાહિયાત વાતો એટલી બધી ઉમેરાઈ કે એક પ્રકારની અરાજકતા વ્યાપી ગઇ. આમાંથી બહાર નિકળવા માટે પૂણેની ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટે 50 વર્ષો ની અથાગ મહેનત,આ ક્ષેત્રે જુદા જુદા સંશોધકો અને વિદ્વાનોની સેવાઓ લઈને એક ભગીરથ કાર્ય કર્યું છે. લગભગ એક હજાર જેટલી હસ્તપ્રતો ચકાસી તથા ઉપલબ્ધ તમામ પ્રકાશિત આવૃત્તિઓ ની ચકાસણી કરી. અને મહાભારતની એક અધિકૃત વાચના વીસ ભાગમાં પ્રકાશિત કરી છે. જોકે આટલી મોટી મહેનત ને અંતે પણ આ અથાહ સાગરમાં હજુ પણ અનેક વિરોધી વાતો છે ને હજી પણ સંશોધન ને અવકાશ છે એમ સંપાદકે ખુદ સ્વીકાર્યું છે. સંપાદક શ્રી ના જ શબ્દોમાં ” આ વાચના પૂર્ણત્વને ભલે પામી શકી નથી અને વધુ સંશોધનો પર પૂર્ણવિરામ મુકી શકી નથી અને આમ છતાં, જ્યાં સુધી આ પૂર્ણવિરામ સુધી પહોંચી ન શકાય ત્યાં સુધી એને જ અધિકૃત માનવામાં ડહાપણ છે.”

વિશ્વમાં કોઇપણ વ્યવસ્થા કે વાત સંપૂર્ણ નથી પણ જ્યાં સુધી સંપૂર્ણતા પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જે છે એને જ અનુસરવામાં જ શાણપણ છે. જે લોકોને દરેક વાતે વાંધો હોય છે એમણે પોતે આનાથી આગળ સંશોધનો કરીને પછી કહેવું. નહીંતર જે છે એ માનીને ચૂપ રહેવું., ઢંગધડા વિનાના તર્કો કરવા નહીં. મહાભારત કે રામાયણમાં ઇતિહાસ અવશ્ય છે જ.. પણ કોરો ઇતિહાસ નથી. કારણકે એ પ્રતિભાવાન ને મેધાવી સર્જક નું સર્જન છે. એટલે એમાં કલ્પના ની ભવ્યતા, પ્રતીકો તથા રૂપકોનો અંબાર છે, એ સમજવા માટે આપણે એક સહૃદય ભાવકની કક્ષાએ પહોચવું પડે. લુખ્ખા લોજીક થી કાંઇ અર્થ ન સરે. કાવ્યનો ધ્વનિ અર્થાત્ પ્રતીયમાન અર્થ મહત્વનો છે. મહાકવિની વાણી સત્યની લગોલગ હોય છે.9મી સદીનો કાવ્યશાસ્ત્રી આનંદવર્ધન કહે છે એમ…

प्रतीयमानं पुनरन्यदेव वस्त्वस्ति वाणीषु महाकविनाम् ।

यत् तत् प्रसिद्धावयवातिरिक्तं विभाति लावण्यभिवांगनासु ।।

મહાકવિની વાણીમાં પ્રતીયમાન અર્થ સુંદરીઓના શરીરનાં પ્રસિદ્ધ અંગોમાં રહેલા લાવણ્યની જેમ ભાસિત થાય છે.

~ બિમલ વ્યાસ


બિમલ વ્યાસ અનુભવી અને વિદ્વાન અધ્યાપક છે.  પ્રાચીન સાહિત્ય અંગે ઊંડું જ્ઞાન ધરવતા અને અર્વાચીન જીવનને રસથી ચાહતા ગુણિયલ રસિકજન છે. JVpedia ને એમનો લાભ વખતોવખત મળતો રહેશે એનો આનંદ. ~ જય વસાવડા  

 

 
 
 
%d bloggers like this: