RSS

Daily Archives: July 11, 2020

ગુરુપૂર્ણિમા વિના ય આજીવન કડવો,આકરો અને પીડાદાયક પણ મહત્વનો બોધપાઠ આપનાર ‘કોરોનાગુરુ’…

20200709_001753

આ વર્ષનો સાચો ગુરુ કોરોના છે. આખી જિંદગી પુસ્તકોમાંથી અને પ્રેરણાત્મક પ્રવચનોમાંથી કદાચ ના શીખી શકાય એટલું કોરોના થોડાક મહિનાઓમાં જ શીખવી ગયો. આ ગુરુપૂર્ણિમા કોરોનાને અર્પણ કરી દીધી.

-લોકડાઉનમાં ધંધા-રોજગાર બંધ રહ્યા પછી સમજાય કે આપણે મહિને કેટલું કમાઈએ છીએ એના કરતાં કેટલું બચાવીએ છીએ એ પણ મહત્વનું છે. લાખ રૂપિયા કમાઈને લાખ રૂપિયા ઉડાવનાર કરતા દસ હજાર કમાઈને એક હજાર બચાવનાર કટોકટીમાં સુખી રહી શકે છે.

-લાખો રૂપિયા કમાઈને કરોડોનું આડાઆવળું રોકાણ કે હેરફેર કરવાથી કદાચ પૈસાદાર દેખાઈ શકાય, પણ મહત્વકાંક્ષાઓ થોડીક માપમાં રાખીને બચત પર ધ્યાન આપ્યું હોય તો કુદરત જ્યારે બેકાર બનાવી દે ત્યારે શાંતિથી જીવી શકાય.

-મોજમજા, ખાણીપીણી અને હરવું-ફરવું એ જીવનનો એક ભાગ છે, એને જ જીવન માની લેવાની ભૂલ ના કરવી. ખિસ્સા અને બેંકમાં ભરપૂર બેલેન્સ હોય તો પણ ઘરની ખીચડી ખાઈને જલસો કરતા આવડવું જોઈએ.

-સંબંધો હોય કે કોરોના હોય, ગમે ત્યાં, ગમે તેવી વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી કે ભેટી પડવાથી ઘણીવાર બહુ મોટી મુશ્કેલીઓ આવી પડતી હોય છે. માટે જગત સાથે અમુક અંતર હંમેશા જાળવી રાખવું. અમુક વ્યક્તિઓને દૂરથી પ્રણામ કરવામાં જ સુખ રહેલું છે.

-અંગત જીવનમાં કટોકટી આવે ત્યારે મિત્રો-સગાઓની પરખ થાય છે, અને જાહેર જીવનમાં કટોકટી આવે છે ત્યારે સરકારની સજ્જતા સપાટી પર આવી જાય છે. બધું સલામત હોય ત્યારે બધા સારા જ લાગતા હોય છે.

-જેમ કોરોનાના ભયથી વારંવાર શરીર સેનિતાઈઝર વડે સાફ કરીએ એમ મનનાં વિકારો, નફરતની ભાવના, બીજાનું ખરાબ કરવાના નાપાક ઇરાદાઓ પણ સાફ કરતા રહેવા. સારા પુસ્તકો, સજ્જનોનો સંગ, અંતરાત્માનો અવાજ વગેરે હૃદય-મગજ માટેના સેનિતાઈઝર છે.

-જેમ કોરોના સામે શરૂઆતમાં વિજ્ઞાન, સંસાધનો અને સંપત્તિ હારી ગયા, એમ જીવનમાં પણ સાચી આફત આવે ત્યારે બુદ્ધિ, પૈસા, સંબંધો બધું જ લાચાર થઈને જોયા કરે છે અથવા તો હસ્યા કરે છે. ખુદને સજ્જ અને મજબૂત બનાવવા સિવાય બીજો કોઈ ઉપાય નથી.

-તકલીફ કોરોનામાં લોકડાઉનની હોય કે જીવનની હોય, લોકોની-સમાજની કંપનીમાં રહેવાની સતત આદત ના રાખવી. આપણી જાત જ આપણા માટે સાચી અને સલામત કંપની છે. પોતાનો જ સહવાસ કેળવવાની ટેવ પાડવી.

-અંગત જીવનમાં પણ ક્યારેક ફરજીયાત લોકડાઉન આવી પડતું હોય છે. ત્યારે બધી પ્રવૃતિઓ, કાર્યશીલતા અને મેનેજમેન્ટ ખોરવાય શકે છે. ત્યારે ઘાંઘા થઈને બહુ હવાતિયાં ના મારતા એ લોકડાઉન સ્વીકારીને કુદરતની ઈચ્છા પ્રમાણે જીવવું. એ તબક્કામાં સલામત રહીને બહાર નીકળો તો પછી ધૂંઆધાર બેટિંગ કરી શકાય છે.

-આ જીવન કુદરતે આપ્યું છે. આપણા અસ્તિત્વનો બહુ ફાંકો રાખવા જેવો નથી. એક ચપટીમાં કુદરત આપણને પંચમહાભૂતમાં ભેળવી શકે છે. કુદરતનો આભાર માનીને ખુશ રહેવું.

-તો બોલીએ…કોરોના દેવ કી જય… 😉

~ ડો. ભગીરથ જોગિયા

 

 
4 Comments

Posted by on July 11, 2020 in fun, management, philosophy

 
 
%d bloggers like this: