RSS

Daily Archives: July 6, 2020

પોતીકો વરસાદ ❤️

ગેસ્ટ સ્પેશ્યલ આર્ટિકલ

ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
તમને તમે ગમવા માંડ્યા હો તે બીજું કોઈ ન જાણે!
– રમેશ પારેખ

આ દુનિયામાં દરેકનો પોતાનો એક વરસાદ હોય છે જેને કોઈ ચોમાસાની જરુર નથી હોતી પણ હા એ પોતીકો વરસાદ માણી શકતી વ્યક્તિ ચોમાસાને બીજા કરતા કદાચ વધુ અનુભવી શકતી હશે એવુ મને લાગે છે.

વરસાદ ના આગમન થી ખુશખુશાલ થઈ ને કળા કરીને નાચતા અને ટહૂકાઓથી વગડા ભરી દેતા ખુશખુશાલ મોર ને કોણ જુવે છે એનાથી કંઈ ફર્ક પડે છે? નહીં ને? એને તો બસ વાદળાઓ બંધાય , આકાશ કાળું ડીબાંગ થાય અને વરસાદ ની આગાહી લઈને અષાઢી વાયરો વાય એટલે રાજીના રેડ થઈને કેવા ટહુકવા લાગે છે.

બસ એમ જ કંઈક મને થવા લાગે છે વરસાદ જોઈને. એનુ કારણ શું છે મને નથી ખબર બસ કુદરતના દરેક સ્વરૂપ ને હું ચાહું છું, અનહદ ચાહું છું. પછી એ શિયાળાની કડકડતી ગુલાબી ઠંડી હોય કે ધોધમાર વરસતો વરસાદ હોય કે, ધીમી ધારે પડતો પ્રેમીઓ ને ગમે એવો વરસાદ હોય કે પછી ચામડી બાળી નાખતો તડકો હોય , આ બધા ને હું ખૂબ ચાહું છું. જીવન માટે આ બધું જ જરુરી છે. તો એના થી પોતાની જાતને દૂર રાખવુ કઈ રીતે શક્ય છે? પણ તકલીફ એ છે કે આપણે એની સાથે જીવીએ તો છીએ પણ સતત ફરિયાદો કરવાની આપણને આદત છે નહીં? થોડાક વરસાદ પડતા બૂમો પાડીએ, ઠંડીનુ કે ગરમી નુ પ્રમાણ વધતા વાતાવરણ ને કોસવા લાગીએ સાચું ને? પણ એકવાર ચાહી ને જુઓ ને, એને વ્હાલ થી ભેટી જુઓ ને,કુદરતને ચાહવા લાગશો તો કદાચ એટલી બધી ઠંડી કે તડકો નહીં લાગે એની લેખિત ગેરેન્ટી 😜


જેને પ્રેમ કરતા હો એનું તો બધું જ ગમે ને?

હું માનું છું કે પ્રેમ કરવા માટે કુદરતથી ઉત્તમ પ્રેમી કોઈ નથી આ જગતમાં, કુદરત ક્યારેય દગો નથી દેતી કે ન કદી તમને એકલા પાડે છે, એ સતત તમારી સાથે વાતો કરે છે જો તમને સાંભળતા આવડે તો . પણ એને સાંભળવા કાનની જરૂર નથી બસ એક જીવંત હ્દય અને સંવેદના હોય એટલું કાફી છે.
તમે કદી વરસાદી વાયરાને અનુભવ્યા છે? ચહેરા ને અડીને ઉડતો પવન તમારા ગાલને સ્પર્શ કરતો હોય છે,ત્યારે કોઈ નશીલા પ્રેમી જેમ તમારા વાળ રમાડતો હોય છે, સહેલાવતો હોય છે. અને વરસાદી વાયરાની ઠંડક શરીરને અંદરથી રોમાંચિત કરી દે છે જેમ અધીરા પ્રિયતમનો સ્પર્શ રોમ રોમ જગાડી પુલકિત કરી દે બસ એમ જ અને પછી એ ધોધમાર ને અનરાધાર તૂટી પડે છે.

તમને ઝીલતા આવડે તો પ્રેમનો આ અદભુત પ્રકાર છે આ જ્યાં કોઈ સ્વાર્થ નથી,મતલબ નથી,દગો નથી,બનાવટ નથી, મજબૂરી અને સમાજ ના બંધનો નથી. એ તો બસ વરસે છે મન મૂકીને પણ શું આપણે એને ઝીરવી શકીએ છીએ?

અને એટલે જ કુદરત કદી બિમાર નથી પાડતી અરે એ બિમાર પાડી જ ન શકે . આપણી એને સહન કરવાની ક્ષમતા નથી એટલે આપણે વરસાદ ને દોષ આપીએ છીએ કે એના કારણે શર્દી થઈ, તાવ આવ્યો કે ઠંડી ચડી . પણ એક વાત કહું? કોઈનો અનરાધાર છલકતો પ્રેમ ઝીરવવા પણ કાળજું જોઈએ . જેવા તેવાનુ કામ નહીં પ્રેમમાં ટકી રહેવાનું અને જે પ્રેમ કરે છે એતો ગમે તે થાય પ્રેમ કરવાનું કઈ રીતે મૂકી શકે ?

બસ કદાચ એટલે જ મને આજસુધી વરસાદે કદી બિમાર નથી પાડી . હું એને પસંદ નથી કરતી. ચાહું છું, અનહદ ચાહું છું. સતત કલાકો સુધી એની સાથે પલળુ છું, ડાંગ ના જંગલો હોય કે પોળો ના જંગલો ,સતત વહેતા ઝરણાઓ અને નદીઓમાં માથાબોળ ન્હાઉ છું વરસતા વરસાદ મા પરંતુ મજાલ છે કે કદી મને બિમાર કરી હોય? આ તો ખુદના શરીરના કોષો જ દુશ્મન નીકળ્યા અને મસ્ક્યુલર ડીસ્ટ્રોફી નામક અસાધ્ય અને અસાધારણ બિમારી જન્મી. આમ પણ પોતાના જ દગો આપે😜 બાકી કુદરત તો મને ખુબ ખૂબ ચાહે છે.
કદાચ નાનપણથી સતત વરસાદ મા પલળતી આવી છું એટલે એને હું રાસ આવી ગઈ છું અને મને એ 😘


સાચું કહેજો વરસાદ પડે ત્યારે તમે પહેલી વાર જેની સાથે વરસાદ મા પલળેલા એ ક્ષણ એ સમય એ સ્થળ ની યાદ આવે કે નહીં? વરસતા વરસાદ મા કોઈની સાથે બાઈક પર રખડ્યા હો કે કોઈને પહેલી વાર મળેલા હો ને વરસાદ પડ્યો હોય કે પછી એવો કોઈ વરસાદ જે ફક્ત તમારો જ હતો એ બધું જ નજર સામે આવે કે નહીં? ભલે તમે ના સ્વીકારો પણ યાદ આવે આવે અને આવે જ એમાં કોઈ બેમત નથી યાર. અને યાદ આવે તો યાદ કરી લેવાનું, એ પળ યાદ કરી બહાર નીકળી વરસાદ ને ભેટી આંખો બંધ કરી પાંચ મિનિટ જૂની ક્ષણોમાં જીવી લેવાનું યાર (કીસીકો પતા નહીં ચલેગા😜) , યાદ કરી દુખી શું કામ થવાનું? જે સમયે જે હતું એ તો બેસ્ટ લાગતું હતું ને? તો એ યાદ કરીને વરસાદ માણો ને યાર. ઘરના બારી બારણાં બંધ કરી અંદર પૂરાઈ રહીને જાત પર ત્રાસ શું કામ કરવાનો? એટલીસ્ટ બારી પાસે બેસીને હાથ લાંબો કરીને છાંટા ને તમારી હથેળી ઓ પર પડવા તો દો. પછી જુઓ કેવી મજા પડે છે. ક્યારેક મોબાઈલ, ટી.વી., વાતચીત બધું જ બંધ કરી,બાલ્કનીમાં બેસી બસ એને ફક્ત સાંભળો તો પણ મજા પડશે . ફક્ત શરીર બાલ્કનીમાં બેઠું હશે બાકી તમે તો ક્યાંક કોઈ સાથે વરસાદ માણતા હશો. ❤️

જબ મીલે થોડી ફુરસત, કરલે પૂરી તુ હસરત, હૈ તુજે ભી ઈજાઝત કરલે તુ ભી મહોબ્બત 😘


અને કોઈ સાથે એવી મીઠી યાદ ન હોય ને તો મને યાદ કરી વરસાદ મા પલળીને એક મસ્ત મજાની આદુ વાળી ચા પી લેજો પછી કોઈ ચોમાસામાં કંઈ યાદ નહીં કરવું પડે. તમારો પણ પોતીકો એક વરસાદ હશે .
અને પછી વરસાદમા તમે સો ટકા પ્રામાણિક હશો એટલીસ્ટ તમારી પોતાની જાત સાથે, અને એ કહેવા શબ્દોની જરુર નથી તમારો ચહેરો જ કહી દેશે કે તમારી એ ખુશી બનાવટી છે કે પ્રેમ થી ફાટફાટ થતા હ્દયમા થી નીકળી રહી છે. ❤️ – જનક (ક્રૃષ્ણપ્રિયા)

कभी बरसते मेघ से,
दिल की बातें बोल !

भीग ज़रा बरसात में,
छाते को मत खोल !!!-cp

Seize the moment dear💃
જનક પરમાર વરસાદની જેટલો જ પોતે જ્યાં પ્રિન્સિપાલ છે, એ શાળાના બાળકોને પ્રેમ કરે છે. અને પ્રિય જીવનસાથી દુર્ગેશ તિવારીને પણ. પોતાની શારીરિક તકલીફો સામે અડીખમ ઉભી રહીની જીવનરસથી છલોછલ પ્રેરણાની મિસાલ છે. અને મસ્તીની ધમાલ છે. JVpediaમાં એના ય સર્જનો વખતોવખત માણવા મળશે, એનો લીલોછમ આનંદ. ~ જય વસાવડા
 
 
%d bloggers like this: