RSS

Daily Archives: July 4, 2020

શાહજહાં રિટર્ન્સ ઉર્ફે ગિટાર ફોરેસ્ટ: એક આધુનિક શાહજહાંએ પોતાની મૃત પત્નીની સ્મૃતિમાં સર્જેલા ઉપવનની ગાથા…

ગેસ્ટ સ્પેશ્યલ આર્ટિકલગિટાર ફોરેસ્ટ


ગૂગલ પર મોડી રાતે રખડપટ્ટી કરતાં એક એવો ફોટો જોયો કે જેના વિશે ડિટેઇલમાં ઘૂસણખોરી કરવાનું મન થઇ ગયું. અને પરિણામે જે જન્નત પ્રાપ્ત થયું એનાથી મન રંગબેરંગી બની ગયું.

આર્જેન્ટિનમાં રહેતો ખેડૂત નામે પેડ્રો માર્ટિન યુરેટા. અને ખુબસુરત પત્ની નામે ગ્રેસીલિયા રેઇઝોઝ. હમ બને તુમ બને એક દુજે કે લિયે જેવી ખુશખુશાલ મધ્યમવર્ગી જિંદગી. પણ કુદરતની દુનિયામાં કોઈ જ જીવતા માણસની જિંદગીનો કાર્ડિયોગ્રામ ક્યારેય સીધી લીટીમાં ચાલતો નથી. આમ જ યુરેટા-ગ્રેસીલિયાની સડસડાટ પસાર થતી જિંદગીમાં એક રોદો આવ્યો.

70 વરસની આયુએ પહોંચેલો ખેડૂત યુુરેટા


એક દિવસ ગ્રેસીલિયા ઢળી પડી સદાયને માટે મૃત્યુની શૈયામાં. ‘બ્રેઇન એનયુરિઝમ’નામનો રોગ જે સામાન્ય રીતે આટલો જોરદાર આંચકો અચાનક આપતો નથી પણ યુરેટાને ભયંકર આઘાત આપી ગયો. મૃત્યુ વખતે ગ્રેસીલિયા માત્ર પચ્ચીસ વરસની. એકલતામાં ને ગમગીનીમાં થોડા વરસો કાઢયા પછી યુરેટાને યાદ આવ્યું કે પત્નીને ગિટાર બહુ ગમતું. ને એ વિચારબીજમાંથી એણે આખું વટવૃક્ષ ઉભું કરવાનું વિચાર્યું. માત્ર ઉપમા પૂરતું નહીં,પણ સાચે સાચું..

એણે પોતાના ચાર સંતાનો સાથે મળીને ગિટાર શેઈપમાં 7000 વૃક્ષો વાવ્યા.લગભગ એક કિલોમીટર લંબાઈમાં એક દાયકાની જતન પછી સાઈપ્રસ અને યુકેલિપ્ટસના આ વૃક્ષો તસ્વીરમાં દેખાય છે એટલા સુંદર ગાર્ડન રૂપે દુનિયાની નજર સમક્ષ આવ્યા. નામકરણ થયું ‘ગિટાર ફોરેસ્ટ.’


ઉડતા વિમાનમાંથી જોઈ શકાય એટલું વિશાળ ને એટલું જ બ્યુટીફૂલ આ ફોરેસ્ટ યુરેટાએ જોયું નથી. કારણ કે એને ઉડવાનો નો ડર લાગે છે. પણ આજે 70 વરસે પહોંચેલો યુરેટા એમ વિચારીને ખુશ છે કે એની ગ્રેસીલિયા સ્વર્ગમાંથી આ ગ્રીન ગિટાર જોઈને ખુશ થતી હશે.

ગિટાર ફોરેસ્ટની હેલિકોપ્ટરમાંથી તસ્વીર
જેની તસ્વીર ક્યારેય વૃદ્ધ ના થઇ શકી એવી યુરેટાની પત્ની ગ્રેસીલિયા રેઇઝોઝ

બાદશાહ શાહજહાંએ જેટલી સરળતાથી તાજમહેલ ઉભો કર્યો, એટલું આસાન યુરેટા માટે ‘ગિટાર ફોરેસ્ટ’ સર્જવું સહેલું નહોતું. કોઈક એને પાગલ કહેતું, ઘણા લોકો એની મજાક ઉડાવતા, તો ડાહ્યા માણસો એની અવગણના કરતા. પણ શાહજહાંનો તાજમહેલ હોય કે, દશરથ માંઝીએ મૃત પત્નીને જે તકલીફ પડી એ બીજાઓને ના પડે એ માટે પહાડ તોડીને બનાવેલો રસ્તો હોય, કે આર્જેન્ટિનાના સામાન્ય ખેડૂતે બનાવેલું આ ઉપવન હોય… પણ આ બધા પ્રેમીઓમાં એક લ.સા.અ ઈશ્વરે મુક્યો છે. અને એ છે પોતાની પ્રિય વ્યક્તિની સ્મૃતિઓની પીડાના કેન્દ્રનો વિસ્તાર કરી જગતભરમાં અમરત્વ પામે એવા સુખદ સંભારણાઓ કંડારતા જવા…

પ્યાર હમારા અમર રહેગા,યાદ કરેગા જમાના
તું મુમતાઝ હૈ મેરે ખ્વાબો કી, મેં તેરા શાહજહાં..

~ ડો. ભગીરથ જોગિયા


આ લેખના લેખક ડો. ભગીરથ જોગિયા વ્યવસાયે તબીબ હોવા ઉપરાંત એક ઉમદા વાચક, સજ્જ લેખક પણ છે. રાજકારણથી સાહિત્ય સુધીના વિવિધ વિષયોની રેંજ સાથે સંતુલિત વાસ્તવવાદી દૃષ્ટિકોણ એ એમની આગવી હથોટી છે. JVpedia પર અવારનવાર એમના જ્ઞાનનો લાભ મળતો રહેશે એનો આનંદ છે.  ~ જય વસાવડા  

 
 

Tags: , ,

 
%d bloggers like this: