સ્થિતિ એવી છે કે વેકેશન ફરજીયાત હરવાફરવા ગયા વિના ઘેર રહેવાનું પહેલા આવી ગયું અને પરીક્ષાઓ અમુક હવે આવવાની છે, અને રિઝલ્ટ જેમના આવ્યા એમના ય એડમિશન પછીનું નવું સત્ર ક્યારે કેવું હશે એનો કોઈ પાક્કો અંદાજ અત્યારે આવે એમ નથી. જે ઈન્ટરનેટ કે મોબાઈલ ટેકનોલોજીને બધા વખોડતા હતા એ જ જીવાદોરી બની રહી છે, ને ઓનલાઈન કલાસીસ માટે મા-બાપે ફરજીયાત બાળકોને મોબાઈલ કે લેપટોપ / ટેબ વાપરવા દેવા પડ્યા છે ! તાજેતરમાં બિલ ગેટ્સે આ સમયમાં વાંચવા જેવી બુક્સ ને જોવા જેવી ફિલ્મો ને સિરીયલોનું પર્સનલ રેકેમેન્ડેશન લિસ્ટ બહાર પાડ્યું. પણ જગતભરમાં દર વર્ષે જાહેર કટારમાં આવા લિસ્ટસ મળે એ અહી શરુ થયેલા ટ્રેન્ડનું ય આ વીસમું વર્ષ છે. જે માનવજાત માટે વસમું થઇ પડ્યું છે. તો પેશ એ ખિદમત હૈ – આ વખતનું વિડીયો લિસ્ટ. છેડે લિંક પણ યુટ્યુબની રેડીમેઈડ પીરસી છે, હોં !
(૧) આલાવિટા : આ ઈટાલીયન શબ્દનો અર્થ થાય આલા એટલે ટુ / તરફ અને વિટા એટલે સરસ જિંદગી. આ નામથી અવનવા શોઝ માટે જગવિખ્યાત ફ્રેન્ચ કેનેડિયન કંપની ‘સર્કે દ સૂલી’ એ પુરતો જ આખો સ્પેશ્યલ શો બનાવેલો. અહીં જેનો આંખે દેખ્યો અહેવાલ લખેલો એ ૨૦૧૫ના ઇટાલીના મિલાન વર્લ્ડ ફૂડ એક્સ્પોમાં રોજ રાત્રે પરફોર્મ થતો એ. ઓપન શો હોવાને કારણે કોઈ પણ શૂટ કરી શકે એવી છૂટ હતી. એવો જ આ વિડીયો છે. પણ ક્વોલિટી, સાઉન્ડ એંગલ સરસ છે. કલાકનો ફેમિલી જલસો.
(૨) શ્વેતલાના તુલસી : આમ તો તુલાસી બોલાય. પણ આપણે તો તુલસી શા માટે ન કહીએ ? આફ્ટરઓલ આ રશિયન કન્યા તો કથ્થકથી કુચીપુડી સુધીના ભારતીય નૃત્યોના શાસ્ત્રીય નૃત્યોના પણ કોસ્ચ્યુમ સાથે સ્ટેપ્સ કરે છે અને “રશિયાઝ ગોટ ટેલેન્ટ”માં એણે કુમાર શર્મા સાથે જે પરફોર્મન્સ કરેલું એ તો વર્લ્ડ ફેમસ બન્યું. મૂળ એ અડધી ભારતીય છે. પિતા તેલુગુભાષી છે ને માતા રશિયન. પણ રાજ કપૂરની જેમ એના થાકી ય રશિય ભારતની કળા માટે ‘રસિયા’ બન્યું છે.
(૩) ‘મી’ ટેયલર સ્વીફ્ટ : હવે ટેયલર સ્વીફ્ટની ઓળખાણ તો આપવાની હોય નહી. વર્લ્ડ ફેમસ પોપસિંગર છે. ને ઓળખતા ન હો તો આ એનું સોંગ જોઈ લો.ઓળખી જશો. બહુ જ અદ્ભુત રીતે પિક્ચરાઈઝ થયું છે. કોઈ પરીકથા પાંચ મિનિટમાં જોઇ લીધી હોય એવું લાગશે ! વરસાદી ગીતો તો બહુ જોયા હશે પણ મેઘધનુષી વરસાદની કલરફૂલ ઈમેજીનેશન આ ગીતમાં જોઈ શકશો. આટલી કમાલ રીતે તો ઘણી વાર આખી ફિલ્મ અઢી કલાકની આપણે ત્યાં નથી બનતી ! રંગઝગમગ. જસ્ટ વોચ.
(૪) નોટ્સ ઓન એ સીન: વેનિટી ફેર મેગેઝીનનું નામ સાંભળ્યું છે? કોઈક વાર ઉધારના પોલિટીકલ મેસેજીઝ વોટ્સએપમાં વાંચવા સિવાય પણ ગ્લોબલ વાંચવાનું ચાલુ રાખવું જોઈએ. પણ આમાં તો યુટ્યુબ પર જોવાનું છે. વેનિટી ફેરની યુટ્યુબ ચેનલ અધધ ખજાનો ધરાવે છે પણ એમાં આ પ્લેલિસ્ટ સિનેમાના શોખીનો માટે બહુ કામનું છે. પ્લેલિસ્ટ છે એટલે એક પછી એક જોતા જજો. એમાં સાઠથી વધુ એવા વિડીયો છે, જેમાં વર્લ્ડ બેસ્ટ ડાયરેક્ટર્સ ખુદ પોતાની ફિલ્મનો કોઈ અગત્યનો સીન લે, અને એને સ્ટેપ બાય સ્ટેપ સમજાવે. ટેકનિકલ વિગતો સહિત. ક્યારેક તો સ્ક્રીન સ્ટિલ કરીને ડિજીટલ માર્કરથી દોરીને પણ ! ખૂબ શીખવા મળશે ફિલ્મમેકિંગ ઉપરાંત ફિલ્મો જોવા બાબતે ય ઘેરબેઠાં. નાઈવ્ઝ આઉટ, પેરેસાઈટ, જોજો રેબિટ, વન્સ અપોન એ ટાઈમ ઇન હોલીવૂડ, એવેન્જર્સ, લાયન કિંગ જેવી ફિલ્મોના ધુરંધરોનો ક્લાસ છે આ !
(૫) કમ સપ્ટેમ્બર : માધુરીની ( હા સંજય કપૂરને તે શું યાદ કરીએ ?) ‘રાજા’ ફિલ્મનું નજરે મિલી દિલ ધડકા સોંગ યાદ છે ? સાંભળતાવેંત આખી જિંદગી યાદ રહે એવી એની કેચી ટયુન આખેઆખી તફડાવેલી હતી. મૂળ અંગ્રેજી ‘કમ સપ્ટેમ્બર’ની બેઠ્ઠી કોપી. હવે એ જ યાદગાર ધુન જર્મનીમાં રહેતા પણ મૂળ અફઘાની એવા ઉસ્તાદ ગુલામ હુસેન પાસેથી અહીં સાંભળવા મળશે. ઉસ્તાદ રબાબના ઉસ્તાદ છે. જૂની ફિલ્મોના ગીતોમાં બહુ સાંભળવા મળતું એ મસ્તમૌલા તંતુવાદ્ય. કેવીમાંજા પડે છે એ સાંભળીને નક્કી કરજો !
(૬) ઈરફાન ઓન ન્યુઝઅવર : જયારે ટાઈમ્સ નાઉમાં હોઈને અર્ણવ ગોસ્વામી બેલેન્સ્ડ ચર્ચાઓ વધુ કરતા ને ઘાંટા ઓછા નાખતા ત્યારે ૨૫ જુલાઈ, ૨૦૧૬ના રોજ એક કલાકની એક અદ્ભુત ડિબેટ આવી હતી. જે ખરેખર ગ્લોબલ લેવલ પર આજે ય ચાલ્યાં જ કરે છે અને હજુ ય ચાલ્યા જ કરશે. હવે જન્નતનશીન એવા અભિનયસમ્રાટ ઈરફાન ( ખાન એણે પાછળથી કાઢવી નાખેલું )નું ત્યારે એક નિવેદન આવેલું બકરી ઇદમાં બકરા કાપવાના રિચ્યુઅલમાંથી મુક્ત થવાનું. જડસુ મુલ્લાઓ ઉકળી ઉઠેલા. ને એ ગુજરી ગયો,ત્યારે ય એ વર્ગ તો કકળાટ કરતો હતો. પણ આ ડિબેટમાં ઈરફાન બીજા ઘણા સાથે અને સામે એક સ્કોલરની જેમ જે ઝીંક ઝીલીને એકદમ મોડર્ન ગ્લોબલ થોટ્સ કલેરીટીથી મુક્યા હતા એ સમજવા માટે કલાક પૂરી ફાળવવી પડે ! તમામ જૂનવાણી અવાજો સામે એણે જોરદાર સ્પષ્ટ વિચારો મુકીને ઓર્થોડોક્સ ટાઈમમાં કેદ મઝહબ બાબતે રોકડું સ્ટેન્ડ લીધું હતું. વોચ ઈટ.
(૭) ગ્રેટ રિયલાઇઝેશન : પ્રોબેબ્લી ટોમફૂલેરી નામથી એક યુવાને યુટ્યુબમાં આ વિડીયો અપલોડ કર્યો. અને જોતજોતામાં વાઈરસ કરતા વધુ સ્પીડમાં વાઈરલ થઇ ગયો. પોઝોટીવ સંદેશ આપવા ધક્કામુક્કી કરતા વિડિયોઝનું ધોડાપૂર આવ્યું છે, ત્યારે સાચા અર્થમાં સકારાત્મક વિડીયો કોઈ હોય તો આ છે. બહુ થોડા શબ્દો ને ચંદ મિનિટો. બાળકને રાતના સુતી વખતે સંભળાવાતી વાર્તા જેવું ફોર્મેટ. એમાં આ ઘડીઓમાંથી આપણે પસાર થઈએ છીએ એ આપણા અતિરેકને લાગેલી કુદરતી બ્રેક છે, ને ક્યારેક તંદુરસ્ત થવા માટે થોડા બીમાર પડવું પણ જરૂરી છે, એવો સુંદર મેસેજ. જોશો તો અંદર લીલુંછમ વન લહેરાતું હશે એવું લાગશે !
(૮) મા સોંગ : કિર્તીદાન ગઢવીનું ‘લાડકી’ ફેમસ થયું, એ દીકરી માટે. આ જીગરદાન ગઢવીએ ગાયેલું અને મિલિન્દ ગઢવીએ લખેલું ખૂબસુરતીથી કેદાર ભાર્ગવે કમ્પોઝ કરેલું નવું સોંગ મધર સ્પેશ્યલ. બહુ સુંદર સરળ હિન્દીના શબ્દો. ભાવવાહી માતૃગીત. એમાં એક ચિત્રના સહારે જે એડીટિંગની કમાલથી વિડીયો બન્યો એ સાચે જ લાજવાબ. વર્લ્ડ ક્લાસ ક્વોલિટી એસ્થેટિકસની એક ગુજરાતી ગીતમાં.
(૯) અંગ્રેજી બોલતા શીખો : ટેડેકસ ટોકની કોઈ નવાઈ નથી હવે દુનિયાભરમાં. અવનવા વિષયો એમાં આવે છે ! જેની ભાષા અંગ્રેજી ન હોય એવી એવી જુલિયાએ જોય ઓફ માસ્ટરબેશન જેવા વિષય પર પણ ટોક આપેલી છે એમાં ! પણ આ ટોક પ્યોર એકેડેમિક હવા છતાં લસરક દઈને દૂધીના શાકની જેમ ગળે ઉતરી જાય એવી છે. એ છે લર્નિંગ ધ લેંગ્વેજ પર મારિયાના પાસ્કલની. પ્રેક્ટિકલ કોન્ફિડન્સ બૂસ્ટિંગ ટિપ્સ, હા, ટ્રેજેડી એક જ કે આવી વાતો ગુજરાતીમાં ઓછી છે. એટલે અંગ્રેજી શીખવામાં બહુ મુંઝાવું નહિ, એ માત્ર એ સાધન છે કોઈ મોટી તોપ નથી, એવું ય અંગ્રેજીમાં જ સાંભળવા મળે ! કેવી ફાંકડી વાત : બોલતી વખતે તમારી આવડત પર નહી, સામાને સમજાય એટલું જ ધ્યાન આપો, તો આસાન થઇ જશે વાત.
(૧૦) દોસ બ્રોઝ : એકદમ ફિરોઝ ખાન ટાઈપ સોંગ. કાં બોય હેટ. ઘોડા. ઘાટીલી કમનીય વળાંકોવાળી લચકદાર સુંદરીઓ. પ્યોર ઉમ્ફ ફેક્ટર. થોડી વધેલી દાઢી વાળા મર્દો. સેપિયા ટોન પથરાળ ગરમીનો. એમાં ધમાધમ રિધમ. એક વાર સાંભળ્યા પછી ત્રણવાર સાંભળવાની અને એક વાર જોયા પછી ચાર વાર જોવાનું મન થાય એવું ધૂમધડાકા સોંગ. બોસહોસ ગ્રુપનું. સ્ટાઈલ મીટ્સ રો સેન્સ્યુઆલિટી.
(૧૧) કોવિડ૧૯ એનિમેશન : ના, રામ ગોપાલ વર્માએ વાઈરસનો અવાજ કાઢીને ગયેલા ગીતની વાત નથી. ‘ન્યુક્લીયસ મેડિકલ મીડિયા’ નામની એક યુટ્યુબ ચેનલ છે લાખો લોકો ફોલો કરે એવી. ઓથેન્ટિક રીતે એમાં સ્કૂલના બાળકોને ય સમજાય એવી સરસ રીતે કોરોના વાઈરસ કેવી રીતે શરીરમાં પ્રવેશે છે ને પછી શું તોફાન મચાવે છે એની રસપ્રદ એનિમેશન ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ એન્ટ્રીની જોઈ લો પછી ફોલો અપમાં એમાં જ ફિલ્મ છે કે કોવિડ ગભીર સ્ટેજમાં પહોંચે ત્યારે શરીરમાં શું અને શા માટે થાય છે. સરકારો ન બનાવી શકે પણ બનાવવી જોઈએ એવી સાયન્ટીફિક ફિલ્મો છે. વેસ્ટર્ન એજ્યુકેશનની ક્વોલિટી પણ બયાન કરતી.
(૧૨) ડ્રીમ્સ ઓફ ડાલી : સાલ્વાડોર ડાલી. સરરિયલ પેઈન્ટિંગના વિશ્વમાં સરનું પાનું ! ટાઈમ નામનું એનું ચિત્ર તો જગતના શ્રેષ્ઠ ચિત્રોમાં સ્થાન પામે છે. ડાલી મ્યુઝિયમે આ પાંચ મિનિટની ફિલ્મ એના જ ચિત્રોના આધારે બનાવી છે. મૂળ તો વીઆર ગીયર ( વર્ચ્યુઅલ રિયાલીટી હેડફોન ) સાથે જોવાની ફિલ્મ છે. પણ એમ જ જુઓ તો ય એમેઝિંગ લાગશે. જાણે કોઈ ક્રિએટીવ આર્ટીસ્ટના દિમાગની અંદર પેસીને પલાંઠી મારી હોઈ, એવી અનુભૂતિ થશે ! ચિત્રોને લોકભોગ્ય બનાવવાનો કેવો અનેરો પ્રયોગ !
(૧૩) દેવી : કાજોલ અને નેહા ધૂપિયાની હાજરીને લીધે પ્રસિદ્ધ થયેલી આ શોર્ટ ફિલ્મ હજુ ન જોઈ હોય તો લોકડાઉનમાં જોઈ નાખવા જેવી છે. આપણે મોટી મોટી પરંપરાની વાતો કરીને અંતે તો તમામ ધર્મોની ઓથ લઇ સ્ત્રીઓને સેકન્ડરી સિટીઝન જ ગણીએ છીએ. એની વે, આવું વાંચવું પણ હવે રૂટિન થઇ જય ત્યારે સટલી એક મોટો મેસેજ આપી જતી આ ફિલ્મ વિશે વધુ કશું કહીને મજા બગાડવી નથી.જુઓ ને સહેજ મગજ કસી લેશો એટલે સમજાઈ જ જશે.
(૧૪) ફોલ્ડેડ વિશ : ના, વળી અંગ્રેજી એમ માની ગભરાતા નહિ. આ સુંદર એનિમેશન ફિલ્મ ડાયલોગની કોઈ ભાષાની મોહતાજ નથી. આ જાપાનીઝ ફિલ્મ મૂળ તો ગયા વર્ષે ટીબીના રોગને ધ્યાનમાં રાખી બની હતી પણ હવે કોવિડ સાથે જોડાઈ ગઈ છે. જાપાનની એક એવી માન્યતા છે કે કાગળની હજાર ઓરિગામી આર્ટ કોઈ બાળક બનાવે તો એનો ઘાતક રોગમાંથી છૂટકારો થાય. એને આધાર તરીકે લઇ આ કૃતિ રચાઈ છે. એનિમેશનની ક્વોલિટી માટે ય જોવા જેવી. આ ફિલ્મ નાનકડી છતાં ખાસ્સી ઈમોશનલ છે.
(૧૫) ગુજરાતી વ્યાકરણ : નામ સાંભળીને જ ભડકી જાય છે ઘણા. આપણી ભાષાનું વ્યાકરણ છે ય જરા અટપટું . ખટપટ ઓછી કરીને જરૂર છે એને કાયમ માટે આધુનિક જવાન જનરેશન ( જાણી જોઈ પેઢી નથી લખ્યું !) માટે સરળ સહજ નવીન બનાવવાની. પણ નિયમો તોડવા માટે ગાંધીજીની જેમ એ સમજવા તો પડે ને ! વરિષ્ઠ વિદ્વાન રક્ષાબહેન દવે જેવા નિષ્ણાતો જો વર્ગમાં ભણાવે તો અઘરું નહિ, પણ રસાળ લાગે. એ વિદૂષી નારીનો આખો વર્ગ ઓનલાઈન ‘એજ્યુસફર’ નામની ચેનલમાં છે. આ ય પ્લેલિસ્ટ છે એટલે એક પછી એક જોતા જજો. દરેક ગુજરાતીઓએ આમ તો વિદ્યાર્થીઓ જ નહિ, સપરિવાર અને શિક્ષકો સાથે ય અચૂક જોવા જેવા વિડિયોઝ. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ય કામ લાગશે.
(૧૬) દિવાળીબહેન આહીર : દિવાળીબહેન ભીલના નામથી તો જૂની પેઢીના ગુજરાતી ગીતરસિયાઓ વાકેફ હોય જ. એ તો દિવંગત થયા. આ દિવાળીબહેન જાણીતા છે પણ બીજા યુવા સુપરસ્ટાર ગાયિકાઓ જેટલા નહિ. પણ એમની આ ચેનલમાં જઈ એમના વિડીયો કે પ્રોગ્રામ જોવા પાછળનું કારણ એમનો અનોખો રણકદાર અવાજ ! આ વોકલ કોડ્સ બજારમાં વેંચાતા ન મળે ને સરકારી સહાયના પેકેજથી પણ ન ખીલે. એ તો આનુવંશિક ભેટ છે ઈશ્વરની. કચ્છની ધરતીમાંયથી ગુંજતો થયેલો ઇન્ટરનેશનલ લેવલનો અવાજ છે આ.
(૧૭) સ્ટે હોમ : ઓલરેડી ૧૬ વર્ષ પહેલા જયારે પહેલી વાર ન્યુયોર્કમાં ફેન્ટમ ઓફ ધ ઓપેરા જોયું ત્યારે એના પર લખાઈ ગયેલું. પણ હમણાં ક્યાંય જે મુકાતું નથી, (કારણ કે હજુ બ્રોડ વેમાં શો ચાલે છે) એ ફેન્ટમ ઓફ ધ ઓપેરા થોડા સમય માટે કોરોનાને લીધે ‘શો મસ્ટ ગો ઓન’ ચેનલ પર ફ્રી બતાવવામાં આવ્યું. એનું આ ફેન્ટમનું મેઈન સોંગ છે. સવા મિનિટ માટે ય એ જોવા અને સાંભળવા જેવું એટલે છે કે બ્રોડ વે પર નાટકોના પ્રોડક્શન કયા સ્કેલ પર કેવા ભવ્ય થાય છે, એનો અંદાજ આવે ! અત્યારે તોએ રંગીન શેરીઓ સૂનીપડી છે.પણ એની દમામદાર રોનકની ઝલક મળે !
(૧૮) બોલ રાધા બોલ : અહા અહા… કયા ગંગાજમની બાત હૈ ! વિડીયો લગભગ કુવૈતનો છે. રાજ કપૂર સ્વર્ગમાં બેઠા બેઠા લહેરમાં આવી ગયા હશે ! આગલો પાછલો સંદર્ભ ખબર નથી પણ આ અરેબિક વરઝનમાં મોરપીંછ જેવી મધુરતા લાગશે ! કટ્ટર કરમિયાંઓ ભલે અપપ્રચાર કરતા પણ આપણું ગીત એ ય રાધાના નામનું આરબોએ કેવી સુંદર હલકથી ગાયું છે ને એરેન્જમેન્ટ પણ ચકાચક. સંગીતસંસ્કૃતિ ને ધાર્મિક-રાજકીય સરહદ ન હોય, બસ ભાવસમાધિ અનહદ હોય એની વધુ એક સાબિતી. જરૂર સાંભળો. ઈન્સ્ટન્ટ ફરગેટેબલ આજના ફિલ્મ મ્યુઝિક સામે મેલોડી કોને કહેવાય એનો બૉલીવૂડ રિમાઇન્ડર પણ મળશે, ને ઢીંચાક રિમિક્સની તોડફોડ વિના ય રેટ્રો સોંગ્સનું કેવી રીતે નવીનીકરણ થાય એ પણ માણવા જડશે ! સો, બોલ રાધા બોલ યે પસંદ આયા કિ નહી ?
(૧૯) સાહિત્ય આશુતોષ રાણા : હિન્દી ફિલ્મોમાં અમિતાભ બચ્ચનની જેમ શુદ્ધ ઉચ્ચાર સાથે હિન્દી બોલી અને વાંચી શકે એવા જૂજ અભિનેતાઓમાં મનોજ વાજપેયી જેવું જ નામ છે આશુતોષ રાણા. એમની પાસે તો પોતીકી આગવી સ્ટાઈલ છે કેમેરા સામે સ્ક્રિપ્ટ વિના બોલવાની.કવિતાપાઠ તો સભાને જગાડી દેતો કરે જ. પણ સાથોસાથ વ્યંગ્યની તેજ ધાર કિતાબ લખે. અભિનેત્રી પત્ની રેણુકા શહાણેની ટવીટસ પણ એવી જ ધુંઆધાર હોય. આ વાતચીતમાં રાણાજી બરાબર ખીલ્યા છે. દેશ બાબતે સ્પષ્ટ વિચારો સાથે. વિચારક સાહિત્યકારની જેમ. કટાક્ષથી ચીરી નાખ્યું આજના સંકુચિત રાજકારણને. બેશક સાંભળવા જેવું.
(૨૦) ક્રોધ : અત્યારે કોરોનાને લીધે આવેલા લોકડાઉન અને મંદીની એક આડઅસર જોઈ. ઓનલાઈન કે ઓફલાઈન લોકોનું ચીડિયાપણું વધતું જાય છે. મુક્ત મને હસી નથી શકતા. જતું નથી કરી શકતા. ડાઘિયાની જેમ વડચકાં ભારે છે. નાનાની નાની વાતમાં પોતાનો સાથે ય વાંધા પડ્યા જ કરે છે. જે મસ્તી અને મોજમાં નથી રહેતા એવા લોકોને તો બીજાની મોજમસ્તીની અલગારી ફકીરી જોઇને ય જાણે કાંટા ભોંક્યા હોય એમ ગરમી ચડી જાય છે. દરેક માણસ ખુદની લાયકાત જોયા વિના બીજાનો જજ થવા મેન્ટલ થઈને ફરતો હોય એવો કઠિન કાળ છે. આવા સમયે આ મોરારિબાપુની ત્રિવેન્દ્રમ કથાનો નાનકડો વિડીયો આપણા જ વારસાના ડહાપણની વાત સાથે મુકે છે, કે પ્રાચીન સમજણ મુજબ કયા સમયે ગુસ્સો ન કરાય. તબિયત માટે પણ સ્ટ્રેસ ઓછો એ સારું જ.
ફાસ્ટ ફોરવર્ડ
“ ઘરની અંદર ( વીજળીના અભાવે ) અંધકાર થયા, એની મને ચિંતા નથી. પણ ફિકર તો બહાર ( સમજણના અભાવે ) ફેલાયેલા અંધકારની છે.” ( ફિલ્મ બ્લેકઆઉટનો સંવાદ)
~ જય વસાવડા ૩૧ મે, ૨૦૨૦ રવિવારે ‘ગુજરાત સમાચાર’ની કટાર “સ્પેક્ટ્રોમીટર”માં છપાયેલો લેખ.
Jaimin madhani
June 19, 2020 at 8:06 PM
જમાવટ થઈ ગઈ!
LikeLike
ASHWIN DADHANIA
July 16, 2020 at 3:48 PM
Sir. જનરલ નોલેજ નો તમે સમુદ્ર ખોલી દીધો દિલ બાગ બાગ થઈ ગયું
LikeLike