RSS

લવ ઇન ધ ટાઇમ ઓફ કોરોનાઃ ઇક બગલ મેં ચાંદ હોગા, ઇક બગલ મેં રોટિયાં!

07 Jun

France Extends Coronavirus Lockdown As Cases Spread

જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ

ત્યારે આપણા ખમીસને ખીસું નથી હોતુ,

તે પેલીનો હોય છે,

પેલી તેની હોય છે.

કદરૂપો ગવૈયો રંગમાં ગાતાં ગાતાં

જેવો સુંદર દેખાય

તેવા આપણે સુંદર હોઇએ છીએ.

જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ,

ત્યારે આપણે આપણે નથી હોતાં:

આપણે હોઇએ છીએ કોઇક અનોખા જાદુગરઃ

કંડમ પાંસળીમાં

ગંધે ઉભરાઇ જતા ફૂલબાગ ખીલવનાર

ક્યારેક પણ કદીક પણ કોઇએ એક કાળે

પ્રેમ કરવો હોય ભલે ચીલાચાલુ તો પણ

તેણે તેના ફિક્કા ચહેરાને સુખચંદ્ર કહેવો.

તેને હોય પંચોત્તેરનો બેઝિક તો પણ

તેણે તેને સાદ કરવો રાજા કહીને.

તેના જન્મદિવસે તેણે લાવવો યાદ કરીને

પાણી છાંટેલો જૂઇનો ગજરો છ પૈસાનો.

(અચ્છી વસ્તીમાં તે રાતના સસ્તો મળે છે.)

છ બાય છની ખોલીમાં પોપડા ઉખડેલાં,

લંગડા ટેબલ પાસેના કાટ ખાધેલા ખાટલાને

તે બંને એ કહેવાનો ‘શયનમહાલ’

આ બધું સોગંદ ખાઇને કહું છું કે, 

સાચું હોય છે.

કારણ જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ,

ત્યારેજ આપણે સાચા હોઇએ છીએ

ચૂમીને એકાદ વાર

જ્યારે પેલી પ્રેમ કરે છે

ત્યારે તે તેને ગાઇને બતાવે છે

કંપતા બેસૂર અવાજમાં :

તેને પણ તે સૂર દેખાય છે પોપટી પાંદડી જેવાં.

કારણ ત્યારે પેલી પોતે જ એક ગીત હોય છે,

કારણ ત્યારે પેલો પોતે જ એક ગીત હોય છે.

પછીથી જીભ દાઝે છે, હોઠ બળી જાય છે.

વાસી ભજીયાનાં બળેલા ઓડકારા આવે છે જિંદગીને.

મોમાં ભરાઇ જાય છે કડવા દ્વેષનું થૂંક.

પણ તે થૂંકતો નથી જગત પરઃ

કમમાં કમ એક વાર ગળી જાય છે તે સમજણથીઃ

કારણ પેલીએ સીવેલા હોય છે તેના- તેના રાજાનાં-

બે જ ફાટેલા પુરાણાં શર્ટ ફરી ફરીને

અને પેલાએ થીંગડા મારેલા પાલવથી

તેણે સાંધેલું હોય છે એક આકાશ.

મંગેશ પાડગાંવકરની આ મરાઠી કવિતાનો અનુવાદ સુરેશ દલાલે (હુ એલ્સ?) વર્ષો પહેલાં કરેલો. કવિતા લાંબી છે. સ્કિપ ઘણા કરે, પણ એ એક સ્નેપશોટ છે. આપણી આસપાસ જીવતા ધબકતા આમ આદમી કહેવાતા ઇન્સાનોમાં ધબકતી પ્રેમધારાનો. હા તાજમહાલનો શહેનશાહી પ્રેમ નહિ, ત્યાં પથ્થર ઉંચકતા મજૂરના હાથપગના છાલામાંથી વહેતા લોહીનો પ્રેમ!

વન્સ અપોન એ ટાઇમ, ડચેસ ઓફ ડેવનશાયર આપણા જયપુરના મહારાણી ગાયત્રીદેવી માફક અનુપમ સુંદર હતી. રાજકુમારીના માનમાં દરબારી કવિઓ ચીકણી ચીકણી પ્રશંસાના કાવ્યો લખતા. સુંવાળા ચાંપલા શબ્દોથી વખાણ કરતા. એક દિવસે એ ઘોડાની બગીમાં સવાર થઇને નીકળી, ત્યારે એક જુવાન ઝાડુવાળો ત્યાં સફાઇ કરતો હતો. બેહદ બ્યુટીફુલ ડચેસને એ તો આભો બનીને જોતો જ રહી ગયો. એ જોઇને રાજકુમારીએ જ્યારે એની સામે જોયું, ત્યારે એણે કહ્યું ”આહા, તમારું રૂપ એવું તો તેજવાળું છે, એવું ગરમાગરમ (ફાયરી હોટ) છે, કે મન થાય છે કે મારી ચૂંગી પેટાવી લઉં એ ઝાળમાંથી!”

પાછળથી એકવાર ડચેસે કહ્યું હતું કે ”એ અભણ ઝાડુવાળાએ એમ જ એની તમાકુની ચલમ પેટાવવાનું કહીને જે મારા વખાણ કરેલા, એ આજીવન નહિ ભૂલું. એવી રો પેશનવાળી પ્રશસ્તિ કોઇ કવિના બચ્ચાએ મારી કરી નથી!”

કોરોના કાળમાં સતત મોતની વાત આસપાસ ઝળૂંબે, ત્યારે એના એન્ટીડોટ રૂપે મદહોશ ઇશ્કની વાત પણ થવી જોઇએ. હેડલાઇનમા ન્યૂઝ ચમકે છે. અચ્છા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા ઉર્ફે અંજનાએ કોરોનામાં બે મહિના ઘેર બેસવાનું થયું, એનાં લાંબા સમયથી મનમાં ઘોળાતી વ્યથાને અંતે આકાર આપીને છૂટાછેડાની નોટિસ પતિને મોકલાવી દીધી. બધા ઇરફાન નથી હોતા. ઓન સ્ક્રીન પણ, ઓફ સ્ક્રીન પણ.

ઇરફાનના ગુજરી ગયા પછી (ઇરફાને આજીવન જેનું નામ- ધર્મ બદલાવ્યો નહોતો, પોતાના નામ પાછળનું ખાન જરૂર દૂર કરેલું એ) જીવનસંગિની અને લેખિકા સુતપાએ અંગ્રેજીમાં પારિજાતના ફૂલોની મહેક જેવી એક પોસ્ટ પતિની યાદમાં લખેલીઃ તમારી સાથે કાયમ બધું મેળવ્યું જ છે. કદી કશું ખોયું નથી. (સિવાય કે આ તમને ખોવા પડયા) હવે એ વાવીશું જીવનમાં. મારી એક જ ફરિયાદ રહી, પ્રેમથી તમે મને એટલી બગાડી (કાઠિયાવાડી શબ્દ વધુ એપ્રોપ્રિયેટ છેઃ ‘ફટવી’) નાખી, કે હવે મને જેવી તેવી બાબતોમાં રસ જ નથી! તમારી સ્મૃતિમાં વાવ્યો છે પ્રિય રાતરાણીનો છોડ, તમારી જેમ જ એ અંધારામાં ય ફેલાવ્યા કરશે એની મહેક!”

એક રિશ્તા યે ભી, એક રિશ્તા વો ભી! બોલ્ડ વાઇફ સાથે મોહમ્મદ કૈફના લગ્ન પુરબહાર ટકે, ને- મોહમ્મદ શામીના તૂટી જાય! કોરોના કાળમાં જ લગ્ન પછી જેણે ફિલ્મ કરિઅર છોડી દીધેલી, એવી ફૂટડી અભિનેત્રી મેગન ફોકસે પણ ત્રણ સંતાનો અને દસ વર્ષના લગ્નજીવન બાદ કડવાશ વિના ‘પરસ્પર સંમતિ’થી છૂટા થવાનો નિર્ણય હમણા જ લીધો છે. ઘેર ફુરસદમાં બેઠા પછી ઘણા લોકોને શું કરવું એની ક્લેરીટી વધી ગઇ છે! રાઇટર હોય કે ડોકટર – ઘણા ફેમસ લોકોને ફુરસદ મળતા લોકડાઉનમાં લાંબા સમયે કોલ કરો તો ખ્યાલ આવે કે એ તો હવે એમના પાર્ટનરથી અલગ/સેપરેટ થઇ ગયા છે.

ઠીક છે. એમની પર્સનલ લાઇફના ડિસિશન છે. એ મુદ્દો નથી. વૈભવી બંગલાઓમાં, ઓરડે ઓરડે એસીમાં, મખમલી પોચાં ગાદલાઓને સોફાઓમાં, ચકચકિત મોંઘીદાટ ગાડીઓમાં સવારના ગુલાબ પરની શબનમ તડકામાં સૂકાઇ જાય એમ કદાચ પ્રેમનું બાષ્પીભવન થઇ જાય છે. ઝળહળ ચમક રહે છે, ખળખળ ઉષ્મા નથી રહેતી. લવ પછી એક્સપિરિયન્સને બદલે એક્સપ્રેશન બને છે. ને રહેતા રહેતા એક્સપ્રેશન પણ ખામોશ થતા કેવળ સોશ્યલ નેટવર્ક પરનું એક્ઝિબિશન બનીને રહી જાય છે! દર્શન નથી રહેતું, બચે છે કેવળ પ્રદર્શન!

***

અને એ જ સમયમાં ફોટા સહિત સમાચાર ચમકે છે. રામુ ધોરમારે. કોઇ સ્ટાર સ્ટેટસ ધરાવતું નામ નથી. પેટિયું રળવા મધ્યપ્રદેશથી હૈદ્રાબાદ ગયેલો મજૂર છે. બાલાઘાટ જીલ્લાના એના ગામ એને પાછા ફરવું છે. રોજીરોટી તો છે નહિ. પાછા ફરવાની સુવિધા કે પૈસા નથી. બે વર્ષની દીકરી છે, પ્રેગનન્ટ પત્ની છે. પોતાના આરામદાયક ઓરડાઓમાં મોબાઇલ મચડતા અનર્થશાસ્ત્રીઓ કહેશેઃ છોકરાં જ પેદા ન કરાય ને! પણ ગરીબો માટે બાળકો ય આવકનું એક સાધન છે એ વાત જવા દો તો યે સરખું જીવન તો નથી આપતા, બે બાળકો ય હોય એ અધિકાર ને આનંદ છીનવી લેવો છે? વાઇરસ થોડા માત્ર કોરોના નામના જ હોય!

તો રામુ નીકળી પડયો પગપાળા. લાંબી સેંકડો કિલોમિટરની મુસાફરી. ભરતડકે નાની ચપ્પલ વગરની દીકરી કે સગર્ભા વાઇફ ચાલી શકે એમ નથી. રામુ તો મજૂર છે, રાજા રામજી ય નથી. પણ એની સીતાને ખાતર એણે રથ નહિ તો એક ગાડી બનાવી. અને પ્લાસ્ટિકના ટુકડાઓને દોરડેથી જોડીને. મૂળ એક કન્સ્ટ્રકશન સાઇટ પર નજર પડી થાકીને. કોઇ સર્વાઇવલ સ્ટોરીના હોલીવૂડ હીરો જેવું દિમાગ લડાવ્યું એણે. બાંધકામના અનુભવે એન્જિનિયરથી આગળ નીકળેલી પ્રેક્ટિકલ સ્કિલને કામે લગાડી અશક્ત ભિખારીઓ જેવી લાકડાની ગાડી વ્હીલચેરના અભાવે ફેરવતા હોય છે, એવી ગાડી બનાવી. પત્ની- દીકરીને એમાં બેસાડી દોરડેથી ખેંચતો ગયો.

20200523_171139અને ચાલતો ગયો. ચાલતો ગયો. ડામરની કાળી – સડક. ધોમધખતો કાળઝાળ સૂરજ. અને એક પતિ, એક પિતા, એક પરિવારનો ધરી જેવો પરસેવે રેબઝેબ પુરુષ. થોડી તાકાત અને ઝાઝા પ્રેમે એણે ખેંચ્યો સ્વજનનો ભાર. ઓલમોસ્ટ આઠસો એક કિ.મી.નું અંતર સત્તર દિવસની એકધારી યાત્રાથી કાપ્યા બાદ છેક મહારાષ્ટ્ર બોર્ડર પર રાજેગાંવ પાસે પોલીસવાળો એક મળ્યો, જે મશીનને બદલે માણસ નીકળ્યો. થર્મલ ગનના સ્કેનિંગ બાદ આપવીતી જાણી એણે. પેલી બે વર્ષની બચ્ચીને નવા સ્લીપર અપાવ્યા. પતિ-પત્નીને ખાવાનું ને પાણી ભરી દીધું અને પેલી કામચલાઉ ‘કાર્ટ’માંથી છૂટકારો અપાવીને વાહનમાં બેસાડીને ઘરભેગા કર્યા! વર્દીમાં ય વડચકાં નહિ, વ્હાલ હોઇ શકે! એ કોઇ શાહુકાર નહિ હોય, એણે ય પગારના બે છેડા એના પરિવાર માટે ભેગા કરવા પડતા હશે. તો ય પ્રેમથી એણે નામ છપાવવાની ખેવના વિના મદદ કરી.

એ બે વરસની બાળકી માટે કાંડાની કોણી સુધી નસ ફુલાવી એને અને એની મા ને ખેંચતો બાપ સુપરહીરો જ ને! એ પ્રેગનન્ટ પત્ની માટે એતો મજૂરીમાં ય બેકાર બનેલો ભરથાર તો ગ્રેટેસ્ટ લવર ઓન ધ પ્લેનેટ ને! ક્યા માર સકેગી દુનિયા ઊસે, જો પ્યાર કો પા કે જીતા હૈ! કઇ સ્ત્રીને એવો મરદ પામવો ન ગમે, જે એને ધોળે દહાડે બાવડાંના બળે ગાડીમાં બેસાડી ચાલીને ચામડાફાડ તાપમાં ખેંચી શકે? ભરેલા પાકિટના ખરીદાયેલા લેધરમાં કડક નોટોને કાર્ડસ હોય છે, આવો પ્રેમપસીનો નહિ!

પ્રેમની તો કસોટી જ કટોકટીમાં થાય. દિલ્હીમાં એક પતિને પત્નીના લફરાંની શંકા ગઇ તો એણે પત્નીના પ્રેમી અને આખા કુટુંબને બનાવટી હેલ્થ વર્કર્સ મોકલી, કોરોનાની રસીના નામે ઝેરના ઇન્જેકશન આપી દીધા! આ નફરત સપાટીએ આવી ગઇ વાઇરસને લીધે મોકો મળ્યો તો! અંદર ઝેર ભરીને બેસો તો મોકો મળ્યે ઝેર બહાર આવે. પણ ભીતર અમૃત હોય પ્યારનું તો?

પૂછો તામિલનાડુના કુંભકોણમમાં 60 વરસના વૃદ્ધ અરિવાઝાગનને. ‘ક્વિક ગન મુરૂગન’ને બદલે ક્વિક ગન અરિવાઝાગનની ફિલ્મ બને એવી લવસ્ટોરી. ગ્લેમર ભલે ન હોય, પાવર છે એમાં ! અરિવાઝાગનની પત્નીને કેન્સર છે. એની ટ્રીટમેન્ટ ગામથી 140 કિમી દૂર જવાહરલાલ નહેરૂ ઇન્સ્ટીટયૂટમાં થતી હતી, જ્યાં દર મહિને દવા મળતી હતી. અચાનક લોકડાઉન લાગી ગયું. કેન્સરગ્રસ્ત પત્નીની પીડા વધી, સહન ન થઇ શકે એવા દર્દને લીધે પત્નીની જ નહિ, પતિની આંખમાં ય પાણી આવી ગયા ! કોવિડને લીધે વાહનવ્યવહાર બંધ હતો, ને કોવિડ સિવાયની પણ બીમારીઓ તો હોય ને.

એની પાસે કોઈ કાર કે બાઈક પણ નહોતી. હતી તો જૂની સાઈકલ. પત્નીને પાછળ બેસાડી સવારે 5 વાગે નીકળ્યો, ને વચ્ચે બે કલાક જેટલો કુલ ટુકડે-ટુકડે આરામ કર્યો ને રાતના છેક હોસ્પિટલ પહોંચ્યો. આમ તો ત્યારે એ ય બંધ હતી. પણ સિક્યુરિટી ગાર્ડે આખી કરમકહાણી સાંભળી ડોક્ટરને વાત કરી. ડોક્ટરે ખાસ આવી, તપાસી દવા આપી જ એક સાથે મહિનાની. પણ પોતાના ગજવામાંથી આખી વાત જાણીને 8000 રૂપિયા રોકડા ય આપ્યા અને પતિ પત્નીને પરત જવાની વ્યવસ્થા એમ્બ્લુયલન્સમાં કરી આપી. અગેઇન, એ ડોક્ટર કોઈ અબજપતિ નહિ હોય, પણ એની પાસે સરસ્વતી હશે જ. માણસાઈના દીવા ઝાંખા લાગે પણ અંદર અજવાળું કરી દે !

20200523_171358એ યુગલનો દીકરો રવિ તો રોજમદાર મજૂર છે, ને ચેન્નઇ ફસાયેલો હતો. પણ 140 કિમી પત્નીની પીડા માટે એને લઇ સાઇકલ ચલાવવાનું કોરોનાને હંફાવી શકે એવું તાકાતવાન ફેફસું હતું, સાહસ કરવાનું જીગર હતું ને જીવન સાથે વીતાવ્યું, એ લાઇફ પાર્ટનરને પ્રેમ કરતું દિલ હતું ! મૂડીમાં બસ, મુઠ્ઠી એક ગુલાબભરેલી મહોબ્બત ! કેન્સર પણ એકવાર સલામ કરે ! આ ય ‘પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેકશન’નથી ? ઉંમર ભલે ચિઠ્ઠીઓ લખવાની ન હોય, ભણતર ભલે સ્નેપચેટ કરવાનું ન હોય, જીવતર ભલે ગોલ્ડ ચેઇન ગિફ્ટ કરવાનું ન હોય – પણ શબ્દોને બદલે વર્તનથી પ્રગટ થતો બેસુમાર પ્યારનો ખુમાર તો હતો ને. એ ખુદ કહે છે કે સમજાતું નથી કે આઠ વર્ષે એકધારી પાછળ વજન સાથે સાઈકલ કેમ ચાલી ? એ પ્રેમને લીધે ચાલી, દિલદાર બરખુદાર !

જે પ્રેમને લીધે ગુરૂગ્રામની પંદર વર્ષની જ્યોતિએ રીક્ષા વેંચાઈ જતા કોવિડ પછીની બેકારીમાં અકસ્માતમાં ઘાયલ પિતાને પાછળ બેસાડીને 1200 કિમી સાઇકલ ચલાવી દરભંગા પહોંચાડવા અને હવે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સાઈકલિંગ ફેડરેશનની તાલીમનું વિચારે છે. જે પ્રેમને લીધે એક રશિયન યુવતી એના હિમાચલમાં કૂલુ ખાતે રહેતા પ્રેમીને પરણવા નોઇડા આવી. ત્યાં બેઉ મળ્યા, એક ટ્રકમાં છૂપાઈને સિમલા પહોંચ્યા ને ઝડપાઈ ગયા ? પોલિસે ફરિયાદ નોંધીને ક્વોરન્ટાઇન કર્યા ત્યારે ‘હમ પ્યાર કરનેવાલે, દુનિયા સે ન ડરનેવાલે’ ગીત ગાતા હતા કે નહિ, એ છપાયું નથી.

***

આવી સેંકડો સ્ટોરીઝ આપણી આસપાસ ધરબાયેલી હશે. ટાઈટેનિક ટાઈપ. જેમ્સ કેમેરૂનની એ ક્લાસિક ફિલ્મની થીમ હતી : બહારની અચાનક આવતી કુદરતી આપત્તિ (જેમ કે આઈસબર્ગ) સામાન્ય માણસોના પ્લાન્સ એન્ડ ડ્રીમ્સ કેવા ઉંધાચત્તા કરી શકે છે ! જે પોતાના પાર્ટનર સાથે કેદ થઇ ગયા દિવસો સુધી ઘેર, એમની વાતો જુદી. એમાં તો એવું ય થયું હોય કે માંડ સાથે વીતાવવાનો સમય મળતા પ્રેમ વધ્યો હોય, એકબીજાની નવેસરથી ઓળખાણ થઇ હોય. કે એ જ કારણસર ઉલટું થયું હોય !

સતત સાથે રહીને ‘અબખે’ પડી જવાયું હોય ને એકબીજાની સાચી ઓળખાણ થતાં પ્રેમ ઘટયો પણ હોય, સોશ્યલ ડિસ્ટન્સિંગ આવી ગયું, આંગળા પર સેનિટાઇઝડને મોઢા પર માસ્ક આવી ગયું. આમાં જુલિયેટની બાલ્કનીએ ચડી ને એને બાહુપાશમાં ભીંસી તસતસતું ચુંબન કરતાં રોમિયોનું શું થાય એ તો ક્યાંય ન્યુઝમાં છે જ નહિ ! કેટલા લવ અફેર્સ માત્ર મોબાઈલ ચેટમાં રહી ગયા હશે, ને એમાં ય સતત ફેમિલીની બાજનજર કોઇને કામ આવી ગયો હશે ! ચોરીછૂપીથી મળવાના બહાના ને જગ્યાઓ બેઉ બંધ ! ન રેસ્ટોરાંનું ખૂણાનું ટેબલ, ન અંધારા થિયેટરની કોર્નર સીટ !

આને લીધે ઉભી થતી એંઝાયટી કે ફસ્ટ્રેશનની હેલ્થ પર સાયકોસોમેટિક અસર કેવી થાય, એની ચર્ચા આપણા એકવીસમી સદીમાં અવળા પગલે ચાલીને વધુને વધુ ધર્મજડસુ અને મર્યાદાવાન થતા દેશમાં નહિ થાય.

સેક્સલાઇફ બોરિંગ કે ડ્રાય થાય, એના ય ઇમોશનલ ટ્રિગર્સ દબાય ને સંબંધમાં ઉઝરડા પડે, એની ‘પોઝિટિવ’ વિડિયોના ધોધમાર વરસાદમાં ચર્ચા જ નહિ થાય. આફર-ઓલ, આપણા ફેમિલી તો પવિત્ર પીપળે ઉગે છે, રોમાન્સ કરવો તો માત્ર ભગવાનો માટે રિઝર્વ્ડ છે !

એટલે બાળકોને ઘેરબેઠાં ઓનલાઈન કોચિંગ આપશો, પણ પેલા આંખો મેળવી ચોરવાનો ને સ્પર્શની લહરથી રોમાંચિત થઇ ઝૂમી ઉઠવાનો ટીનએજ અહેસાસ ઝૂમ મીટિંગમાં ક્યાંથી આવશે ? 

જાણીબૂઝીને અમે અળગા ચાલ્યા કે પાલવ અડક્યાનો વહેમ છે, એવું સમરની સફરમાં કોઈ જગ્યાએ ભીડમાં ચહેરો જ નહિ દેખાય માસ્ક પાછળ તો ફીલ કેમ થશે ? સતત સાથે જ રહેવું ઘેર, એટલે સતત કોઇને રાજી રાખી રીઝવવાના પ્રયાસો ‘મી સ્પેસ’ની મોકળાશ વિના કરતા રહેવા યાને હવા-ઉજાસની બારી વિનાનો બંધિયાર ઓરડો. પછી ક્યારેક એનાં પોપટા ઉખડી જાય સજાવેલા વોલપેપરના, અને સ્વભાવના ‘ટ્રુ કલર્સ’ દેખાઈ જાય. તો, કેટલી જવાન જીંદગીઓનાં સાથે હરવા ફરવાનું આખું એક વરસ છીનવાઈ ગયું, ને કંઈક દંપતીઓ તો ‘બાગબાન’ના અમિતાભની જેમ અલગ- અલગ જગ્યાએ ક્વૉરન્ટાઇન થઈ ફોન પર ‘મૈં યહાં તું વહાં’ ગણગણતા થઈ ગયા !

મોબાઇલ યુગમાં આમ પણ ફેસ ટુ ફેસ વાતો થતી નહોતી હવે ટિન્ડર જેવી ડેટિંગ એપ્સમાં ત્રીસ ટકાનો વધારો ટેક્સ્ટ ચેટમાં નોંધાયો છે. ચેટ કરીને મળવાની ડિનર, ડાન્સ ડેટ તો નક્કી થતી હતી. હવે તો નૈનમટક્કા, કિટ્ટાબુચ્ચા બધું ય વર્ચ્યુઅલી સ્ક્રીન પર ! રાજકોટમાં પતિ માટે ગુટકા લેવા લાઇનમાં ઉભી રહેલી ગૃહિણીનું ન્યુઝ કવરેજ આવ્યું તો ક્યાંક પત્ની માટે પોલકું લેવા પુરુષ ઉભો હશે ને લાઇનમાં. એ રીતે ય કાર્ડ કે કેન્ડલલાઇટ ચોકલેટ કેક વિના પ્રેમપ્રદર્શિત કરી શકાય હજુ !

કોઈક લગ્ન અટકી પડયા હશે, તો કોઈ સગાઈમાંથી છટકી ગયું હશે. ક્યાંક મિલન બાકી રહી ગયું હશે, તો ક્યાંક વાતો ખૂટી ગઈ હશે. ‘કંઈક ઓફિસમાં કે કૉલેજમાં ‘છાનું ને છપનું’ જે સપનું ગુલાબી રમતું હશે એના પર કોરોનાની ફ્લડ લાઇટ આવી ગઈ હશે. ક્યાંક ન ગમતી વ્યક્તિ સાથે ધરાર રહેવાની મજબૂરી હશે, તો કયાંક મનગમતી વ્યક્તિ સાથે ન રહી શકવાની મજબૂરી હશે ! કોઈ ડિપ્રેસ થયું હશે, તો કોઇ ફ્લર્ટી. કોઈ એકલવાયું તો કોઈ બિન્દાસ. કેટકેટલી પ્રેમકહાનીઓ ગૂંથાઈ હશે અધૂરી ગૂંચવાઈને કોરોનાકાળમાં !’

ગ્રેબિયલ ગાર્શિયા માર્કવેઝની ‘લવ ઇન ધ ટાઇમ ઓફ કોલેરા’ કથાની વાત એક વેલેન્ટાઇન્સ ડે પર કરેલી. આ સમય છે, જ્યારે સ્ટ્રેસ વધે તો ઇમ્યુનિટી ઘટે. માટે જીવનનો એ સાર ગ્રહણ કરવાનો છે કે જીવવાનું, એમાં રોમાન્સનો આનંદ ભોગવવાનો – આ કદી વેઇટિંગ મોડ પર રાખવું નહિ. કોન જાને કિસ ગલી મેં જીંદગી કી શામ ઉપ્સ કોરોના આ જાયે ! માટે આઇસોલેશન પહેલા લવ કરોના !

અને એટલે છેડયા આજે એ પ્રેમપ્રકરણના સૂર જેના નાયકો પાસે ગાડી નથી. પણ લાડી છે. ઇશ્ક ખાતર કુરબાન થવાની, ફના થવાની જાનદાર ઝિંદાદિલી છે. ‘આશિકીનો સૂફી રંગ જ સ્વેચ્છાએ સમર્પણનો છે.’ ‘હું’ને બદલે ‘તું’નો છે.

જર્મન નાટયકાર બર્તોલ બ્રેખ્તને પૂછાયું કે કપરા કાળમાં ય ગીત ગાઈ શકાય ? ને એમણે કહેલું : ‘હા, કાળા, કઠણ કાળના ગીત ગાવાના, પણ ગાવાનું નહિ છોડવાનું !

પરફ્યુમ, હેરસ્ટાઇલ, મેકઅપ ડ્રેસિંગની પેલે પાર ખરબચડા કદરૂપા ચહેરાઓ પાછળ પણ પ્રેમ નામનો પ્રદેશ છે. કારણ કે એનું સરનામું માત્ર ચહેરો નથી, છાતી છે, આંખ છે. દિલ છે, નજર છે.

હર્ષ બ્રહ્મભટ્ટે એટલે જ લખ્યું હશે :

દૂર સુધી ચોતરફ કેવળ ઉદાસીના ખડક

સાવ ટાંચા સાધનોથી ત્યાં બનાવવાની સડક

રાહ જોતાં હોય છે ત્યાં પ્રેમના નિર્મળ ઝરણ

માત્ર ઉપરથી જ જે દેખાય છે કાયમ કડક !

roots_of_love_by_jebale_d6s24gv-pre

ફાસ્ટ ફોરવર્ડ

दिल-ए-बेक़रारी है कब मुलाकात हो

न जाने कब लोकडाउन खत्म हो

बागीचों के खाली कोने पूछते है

कब आयेंगे वो चुपके से बैठने वाले लैला मजनू

कॉलेज के कोने,केंटीन खाली बैंच पूछते है

कब आयेंगे वो फकीरी लिबासों के नवाब

चायवाला भी गमगिनी से पूछता है

कब आयेंगे वो आवारा चाय संग धुंआ उड़ाने

ठहरीं हुई बस की सीटे पूछती है

कब आयेगा वो जोड़ा सफर में साथ बैठने !

कॉलेज केम्पस,केंटीन, बसअड्डे सब पूछते है

कब आयेंगे वो आशिक़,आवारा,लफंगे बदमाश !

~ रिजवान खोजा “कल्प”

 

#જય વસાવડા ‘ગુજરાત સમાચાર’ તા. ૨૪ મે ૨૦૨૦નું ‘સ્પેક્ટ્રોમીટર’

 
1 Comment

Posted by on June 7, 2020 in india, inspiration, romance, youth

 

One response to “લવ ઇન ધ ટાઇમ ઓફ કોરોનાઃ ઇક બગલ મેં ચાંદ હોગા, ઇક બગલ મેં રોટિયાં!

  1. Rajendrasinh jadeja

    June 10, 2020 at 4:03 PM

    Am so lucky to receive that kind of message,

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: