RSS

કોરોનાસુરને ખતમ કરતું વજ્રાયુધ કેમ ઝટ જડતું નથી ?

01 Jun

ગમે ત્યારે સજીવ-નિર્જીવ ગણાતો વાઈરસ માણસથી પહેલા એનું અસ્તિત્વ પ્રાપ્ત કરી ચૂક્યો છે. તો લાખો વર્ષ પહેલા આપણા પૂર્વજો ઝાડની ડાળીએથી બે પગે ચાલતા ચાલતા ગુફામાં સૂતા થયા, ત્યારે ન તો કોઈ લેબ હતી ને ન કોઈ મીડિયા કે સરકાર. તો એ આદિમાનવો કેમ બચી ગયા કે આપણે બધા પેદા થઇ શક્યા ને હજુ આ લખવાવાંચવા સુધી વિકસીત પણ થઇ ગયા ?

સવાલો પૂછતા રહેવાથી જ સત્યની પ્રાપ્તિ થાય એ બાબતે ધર્મ અને વિજ્ઞાન સહમત છે. સવાલ ૧૯૧૦માં ન્યુયોર્કના રોકફેલર સેન્ટરમાં બાયોલોજીસ્ટ તરીકે કામ કરતા પેટોન રૌસને થયો. બન્યું એવું કે એક શ્રીમંત મહિલા હરિફાઈમાં જીતેલી પોતાની મરઘી બીમાર પડતા એને બતાવવા આવી. રૌસે જોયું તો એ ખાસ પ્રજાતિની મરઘીની છાતીમાં કેન્સરની ગાંઠ હતી !

આવું કેમ થયું એના કેવળ કૂતુહલને લીધે એ ટ્યુમરના ટિસ્યુઝ રૌસે બીજા મરઘીના બચ્ચાંમાં કેન્સર સેલ ને અન્ય બેક્ટેરિયાની સફાઈ કરીને  દાખલ કર્યા તો ય એ કાતિલ કેન્સર એમાં ય ફૂટી નીકળ્યું ! કેન્સર ચેપી નહિ પણ જનીનજન્ય રોગ ગણાય, છતાં ય આવું ? માટે જગતને ભેદી એનિમલ વાઈરસ આર.એસ.વી. વિષે જાણવા મળ્યું. રોકેટ જેવું નામ ધરાવતો એ ‘રૌસ સાર્કોમા વાઈરસ’ હતો, જે ભયાનક રેટ્રોવાઈરસ કૂળનો હતો.

રેટ્રોવાઈરસ એટલે એવો વાઈરસ કે, જેના શરીરમાં એ દાખલ થાય એ યજમાનના ડીએનએમાં જ પોતાની જેનોમ પ્રિન્ટ છાપી દે, એટલે રોગપ્રતિકારક શક્તિને ઉઠાડતી મહેમાન આવ્યાની ડોરબેલ વાગે જ નહીં. હવે માનો કે એ કોઈ પુરુષના શુક્રકોષ ( એ ય છે તો કોષ જ ને !)માં કે સ્ત્રીના એગ કહેવાતા બીજમાં ટૂંટિયું વાળીને ઘૂસીને પડ્યો હોય તો બંનેના મિલન ફલન પછી એ ભ્રૂણ બાળકના ગર્ભ તરીકે બને એમાં મમ્મી-પપ્પા પાસેથી ત્વચા , વાળ, આંખ ,ચહેરા વગેરેની પ્રિન્ટ જેમ મળે એમ વારસાગત આ વાઇરસની પ્રિન્ટ પણ મળે કે નહિ ? સંતાનમાં વાઈરસ પણ કોઈ પેજની ઝેરોક્સ કાઢો ને એમાં વચ્ચે જીવડું આવી ગયું હોય એ ય છપાઈ જાય એવું ! તો પેઢી દર પેઢી વાઈરસ પણ વણનોતરેલા મહેમાનની જેમ હ્યુમન જેનોમનો હિસ્સો બની આપણા શરીરમાં અદ્રશ્ય બેઠક જમાવતો રહે.

કટ ટુ, ૨૦૦૫. મૂળ ભારતના તામિલનાડુના પણ અનેક સુપરટેલન્ટની જેમ અમેરિકા સ્થાયી થઇ ગયેલા અને ન્યુરોવાઈરોલોજીમાં એવોર્ડવિનર વિજ્ઞાની ડોક્ટર બનેલા અવિન્દ્રનાથ પાસે એક એચઆઈવીનો પેશન્ટ આવ્યો. થોડા વર્ષો પહેલા એઇડ્સગ્રસ્ત થયેલા એ યુવાનના હાથ પગ હલાવવાની શક્તિ જ ‘સ્કલીરોસીસ’ કહેવાતા દિમાગી જ્ઞાનતંતુઓના રોગથી જતી રહેલી.

ડો.નાથે શોધ્યું કે એચઆઈવીને લીધે એ દર્દીના શરીરની ઓવરઓલ ઈમ્યુનિટી ( રોગપ્રતિકારક શક્તિ ) નબળી પડતાં – બહારથી હુમલો થાય ને કિલ્લો તૂટતાં રાજાએ આજીવન કારાવાસમાં કેદ કરેલા કેદીઓ ય અચાનક છુટ્ટા થઇ લૂંટ કરવા લાગે, એમ વારસાગત રીતે એના શરીરમાં પેઢી દર પેઢી ગુપ્ત રૂપે કોપી થતા ગયેલા એક વાઈરસે ડીએનએની સાંકળ એઇડસને લીધે તૂટી જતાં અંદરથી એટેક કરેલો. પણ એ એચઆઈવીની જેમ બાહ્ય ‘સંક્રમણ’થી નહોતો આવ્યો. પહેલેથી જ અંદર હતો. હેરી પોટરના લોર્ડ વોલ્ડેમોર્ટને લોહી મળતા એ ફરી સક્રિય થાય એમ જંઝીર નબળી પડતા ‘જીવતો’ થયેલો ! પછી તો ખબર પડી કે ‘જીનેટિક ખામી’ ગણી લેવાય એવા ટાઈપ વન ડાયાબિટીસ ને સ્ક્રીઝોફોનીયા પાછળ પણ એ કારણભૂત હોઈ શકે.

‘એ’ એટલે ફોસિલ જીવાશ્મિની જેમ આપણા શરીરમાં થીજેલા પડેલા વિવિધ વાઇરસો. આદિમાનવ પૂર્વજોએ કોઈ સુવિધા વિના જયારે આરંભના વાઈરલ એટેક સામે જંગ લડેલો ત્યારે જબ્બર ખુવારી વેઠવી પડેલી. પણ રિપ્રોડકશન માટેના ‘બેઝિક ઈન્સ્ટિંકટ’ એવા આકર્ષણને કારણે નવી પેઢીઓ પેદા થતી રહી. જે સર્વાઇવર હતા એવા મજબૂત જીન્સ જ ફોરવર્ડ થયા. સાપ ગયા ને લિસોટા રહ્યા એમ કેટલાક વાઈરસ કેદી તરીકે આદિમાનવોના ડીએનએમાં કાયમ પથારો કરી પડ્યા રહ્યા. મૃત જ હતા એટલે ઈમ્યુનિટીની સિક્યોરિટી સિસ્ટમે એમને થ્રેટ ન ગણ્યા. પણ હઠીલા હતા એટલે ડીએનએમાં ચોંટેલા જ રહ્યા. આજે હ્યુમન જેનોમમાં ૮% હિસ્સો આવા સુષુપ્ત વાઇરસોનો છે !

સુષુપ્ત એટલે બહારથી હિમાલયના બર્ફીલા ખડકની જેમ નકકર લાગે પણ જો ગરમીને લીધે બરફ પીગળે તો પાણી મોકળું થાય ને પૂર આવી જાય એમ પડેલા. ફ્રાન્સમાં હર્વ પેરોં ને ઈટાલીમાં એન્ટોનિયા ડોલેઈએ ૧૯૯૦ના દસકમાં એના પર સંશોધનો મલ્ટીપલ સ્કલીરોસીસને લીધે કર્યા. જાણે આપણી અંદર યુગોથી બોમ્બ પડેલો છે, પણ એનું ટાઈમર અજ્ઞાત છે.

પણ એ વાઇરસોની જિન્દા લાશો બાબતે લાખો વર્ષો પહેલા આપણી ઈમ્યુનિટીએ અગમચેતીની નીતિ બનાવી એ પરાણે પ્રીત કરી ચોંટી ગયેલા વાઈરલ જેનોમ કોડને, આપણા ડીએનએનું ભણવામાં પેલી સર્પાકાર સીડી જેવું મોડલ આવે છે – એમાં અંદરની સાઈડ ‘ફિટ’ કરી દીધા ! એને સજીવન થવા પ્રોટિન જોઈએ અને એ રૂપાંતર સ્વીચ ઓફ જ રહે એ માટે એને ફરતે કવર કરી લેવાયું. જેથી જરૂરી પ્રોટીન બહારની નોર્મલ ‘સર્કિટ’ને જ મળે. પણ અસ્ક્માત જૂની વારસાઈ પેટી ખુલે ને ભૂતાવળ બહાર નીકળે એમ ફરતી એ વાડાબંધી સ્ટ્રેસને લીધે તૂટી શકે છે ! એ સ્ટ્રેસ કોઈ ઇન્ફેકશનને લીધે આવે કે પછી સતત અને સખત ટેન્શનના માનસિક સંતાપને લીધે !

માટે બહુ લપિયા ને ચીકણા ન થવું. રોમેન્ટિક રંગીનમિજાજ થવું. મોજમાં રહેવું, ને વ્યસનમુક્ત જાતમહેનતથી જલસા કરી ચિત્ત પ્રસન્ન રાખવું એ ય મહાન ઔષધ જ છે, રોગો સામે !

***

એક્ઝામમાં ન પૂછાય એવો બેઝિક ક્વેશ્ચન. કોરોના વાઈરસને બંગાળીબાબુ હિન્દી બોલતા હોય એમ કોરોના કેમ કહેવાય છે ?

કોરોના વાઈરસનો ફોટો જુઓ. ગોળાકાર ઉપર નાના-નાના સેકડો ટોપકા દેખાય છે. એક્ચ્યુઅલી, આપણા સૂર્ય ફરતે ય આવા ટોચકા છે. પણ સળગતા સૂર્યની મહાતેજસ્વી સપાટીને કારણે દેખાતા નથી. પ્રકાશનો એ અણીદાર કોરોના પૂર્ણ સૂર્યગ્રહણ વખતે કાળા પડેલા સૂર્ય ફરતેની રિંગ સ્વરૂપે જોવા મળે. જેનું યોગ્ય નામાભિધાન આપણે ત્યાં થયું છે : સૂર્યકંકણ. જૂની રજવાડી ડિઝાઈનનું સોના કે હીરાનું કંગન જેમાં વર્તુળાકાર ફરતે ચમકતા દાંતા હોય. એ આકારને લીધે નામ પડયું કોરોના. 

આજકાલનો નથી. જૂનો શોધાયેલો છે. ૨૦૧૩માં ય ચામાચીડિયામાંથી માનવજાતમાં આવ્યો એની હોહા નાના પાયે થયેલી. સાર્સનો ઘાતક નીવડેલો રોગચાળો પણ એક પ્રકારના કોરોના વાઈરસનો જ હતો. એટલે ડેટોલ જેવા જંતુનાશકો પર એનું નામ છે. એમાં કોઈ કાવતરું નથી. પણ આ એનું વધુ આધુનિક અને અપગ્રેડેડ સ્વરૂપ છે. એટલે એનાથી થતા રોગને ‘સીઓવીઆઈડી/ કોવિડ૧૯’ એવું નામ અપાયું, છતાં બધા કોરોનાને જ રોગ કહી ચલાવી લે છે.

વાઈરસ એટકની તો ફલાણી નવલકથામાં આગાહી હતી એવું માનીને ય દંગ થઇ જવાની જરૂર નથી. વિશ્વમાં વૈજ્ઞાાનિકો દાયકાઓથી ચેતવણી આપતા જ રહ્યા છે. અનેક વાર્તા અને ફિલ્મોનો આ પ્લોટ છે. ‘આઈએમ લીજેન્ડ’થી લઈને ‘રેસિડેન્ટ ઈવિલ’ સુધીની પોપ્યુલર ફિલ્મોમાં આવો પ્લોટ બહુ વખત આવી ગયો છે, જ્યાં રાતોરાત માનવવસાહતો વેરાન થઈ જાય, પૃથ્વી સૂમસામ થઈ જાય. આ બધી ફિલ્મોના વિલનનું નામ છે : વાઈરસ ! ‘ડૂમ્સ ડે’ હોય કે ‘આઉટબ્રેક’ આ જ વાત છે. કોરોનાનું આરંભનું વર્ઝન ચીનમાં બેટ યાને ચામાચીડિયામાંથી આવ્યું એ પછી બનેલી સોડરબર્ગની રોગચાળા પરની એમેઝોનમાં ઉપલબ્ધ ફિલ્મ ‘કોન્ટેજીયન’માં એ બતાવાયું છે.

આગાહી તો ૨૦૧૮માં ચીનમાં આવેલી ટૂંકી વાર્તા ‘મિસ બોક્સ મેન’માં ય આવી જ વાઈરસ પ્રભાવિત દુનિયાની હતી. ચીની લોકો પાસે દુકાળમાં અનાજ ન લીલોતરી શાકના અભાવે જાતભાતનો ચીતરી ચડે એવો માંસાહાર કરવાનો લાંબો ઈતિહાસ છે. એમને હજુ ખાંડવી કે પાતરાંના સવાદની ખબર જ નથી. મોટા ભાગના વાઈરસ પ્રાણીઓમાં સુષુપ્ત હોય પણ માણસના સંપર્કમાં સીધા આવે ત્યારે એક્ટીવ થઇ જાય છે. સીધું કોઈ પશુપંખીનું લોહી પીવાથી નહિ, કારણ કે પાચકરસો એને ખતમ કરી નાખે હોજરીમાં. પણ જખમ ખુલ્લો આવે, બોડી ફ્લ્યુઈડસની એઈડ્સના એચઆઈવીની જેમ આપ લે થાય કે નાક-મોં-સ્પર્શથી શ્વાસમાં આવે ત્યારે.

કોરોનાના પ્રમુખ લક્ષણોમાં એટલે જ શ્વાસ ચડવો ને થાક લાગવો છે. અને ટ્રેજેડી એ છે કે નોર્મલ ફ્લુ અને એમાં શરૂઆતના તબક્કે ભેદ કરવો જોઇને મુશ્કેલ છે. એટલે રાહ જોવી પડે. દર્દીને એકાંતવાસ ઉર્ફે આઈસોલેશનમાં રાખવો પડે. એટલી સુવિધા ય ક્યાંથી ઉભી થઇ શકે જો રોગ ઝડપથી ફ્રેલાય તો ? ફ્લુનો વાઈરસ તો ગરમી વધે એમ ગાયબ થઇ જાય છે દર વર્ષે.

કોરોનાનું એવું થવું જોઈએ પણ થશે કે કેમ એ બાબતે એકમતી નથી. કારણ કે નવો છે. એટલે વેઇટ એન્ડ વોચની પેનિક સિચ્યુએશન છે. વાસ્તવમાં એ સમજવું જોઈએ કે જેના પર કોઈ એન્ટીબાયોટિક દવાઓ લાગુ જ નથી પડતી એવાઈરસ છે કઈ બલા ?

લેટિન ભાષામાં વાઈરસ એટલે પોઈઝન. ઝેર. વાઈરસ પૃથ્વીની સજીવસૃષ્ટિનો બહુ જૂનો જોગી છે. આ માઈક્રોબ-વિષાણુ-વિશે પારાવાર પરીક્ષણો થાય છે, પણ આજે ય માનવજાતિનું જ્ઞાાન તેવા વિશે ભાંખોડિયા ભરે છે. એ સજીવ પણ છે, અને નિર્જીવ પણ. વાઈરસ આમ તો ઝેરી સ્વભાવના દગાખોર માણસ જેવો જ છે. પોતે જ્યાં રહે, જ્યાંથી શક્તિ મેળવે એ હોસ્ટ (યજમાન)ને જ ખતમ કરવાની તાકાત અને તાસીર એ ધરાવે છે !

વાઈરસ અત્રતત્રસર્વત્ર (કેટલાંક જાણકારોના અનુમાન મુજબ તો અખિલ બ્રહ્માંડમાં) સર્વવ્યાપી છે. પરમ ચૈતન્યની માફક અદ્રશ્ય અને સર્વશક્તિમાન છે. દરિયાના પાણીનાં એક ટીપાંમાં એક અબજ (જી હા, અબજ !) વાઈરસ હોઈ શકે છે. એમાં ય વળી અપરંપાર વૈવિધ્ય છે. ૧૦૦ લીટર પાણીમાં પ્રકારની દ્રષ્ટિએ એક લાખથી વધુ જાતના વાઈરસો હોઈ શકે ! બધા જ માણસને કનડતા નથી. પણ એકચ્યુઅલી જીવતા બોમ્બ છે, ગમે ત્યારે કુદરત એના એક ઈશારે તેને સંહાર માટે ‘એક્ટિવેટ’ કરી શકે છે !

વાઈરસને રોગચાળાના ત્રાસવાદીમાં ફેરવવાનો કુદરતી ટ્રેનિંગ કેમ્પ આપણે જેમની ધરતી-આકાશ છીનવી લેવામાં લગીરે કસર નથી રાખી એવા પશુ-પંખીઓમાં ચાલે છે ! જગતમાં હાહાકાર મચાવી દેતા મસમોટા ઘાતક રોગોનું પાર્સલ કુદરતે માણસના સરનામે જંગલી પ્રાણીઓની કુરિઅર સવસ દ્વારા રવાના કર્યું છે ! સ્ટેનફોર્ડ જેવી યુનિવસટીઓમાંથી બાયોલોજીના વિજ્ઞાાનીઓ ૧૦૦ સંશોધકોની ટીમ બનાવી છેલ્લા વીસ વર્ષથી જગતભરના ‘સંવેદનશીલ ક્ષેત્રો’ ગણાતા જંગલો ખૂંદી બેઠા છે. ‘ગ્લોબલ વાયરલ ફોરકાસ્ટિંગ ઈનિશ્યેટિવ’ (જીવીએફઆઈ) જેવી એમની સંસ્થા જાણે કુદરતના રહસ્યમય સેબોટેજ પ્લાન પર ગોઠવેલા ‘સર્વેલન્સ કેમેરા’નો પાઠ ભજવે છે. કોંગો, લાઓસ, માડાગાસ્કર, મલેશિયા, ચીન, કેમેરૂન, બ્રાઝિલ, કેન્યા…કોને ખબર પૃથ્વીના કયા ખૂણે નવો વાઈરલ બોમ્બ ચૂંપચાપ એસેમ્બલ થઈ રહ્યો હોય !

બેઝિકલી, જગતને સર્વનાશના ભુજપાશમાં લઈ લેનારા અનેક જીવલેણ રોગો આવ્યા છે. પશુઓમાંથી ! એઈડ્સ વાંદરાઓની ભેંટ છે, તો હિપેટાઈટિસ બી ગોરિલ્લાઓની ! પ્લેગ ઉંદરોએ આપ્યો છે, તો મલેરિયા મકાકે ! ડેન્ગ્યુ, ઈબોલા, યેલો ફીવર બધાના વાઈરસ ‘પ્રાઈમેટ્સ’ ગણાતા પ્રાણીઓમાં શસ્ત્ર(?)સજ્જ થયાં છે. પાડોશી બાંગ્લાદેશમાં ચામાચીડિયાથી જ ફેલાયેલા નિપાહ વાઈરસમાં ૩૫ મૃત્યુ થયા હતા ! પણ હજુ કોરોના કયા પશુમાંથી વુહાન પ્રાંતની એનિમલ માર્કેટમાંથી આવ્યો, એ જાણી શકાયું નથી. કદાચ ક્યારેય જાણી નહિ શકાય, કારણ કે ચીનમાં એ માર્કેટ તો ધોવાઈને સાફ થઇ ગઈ. ફોરેન્સિક પુરાવાઓ ય જતાં રહ્યા. 

ઘણા રોગનો ભોગ તો અંદરો-અંદર પશુ-પંખીઓ જ બને છે. ટાઈપ એ ઇન્ફલુએન્ઝાના વાઈરસ જેવા કેટલાક વાઈરસ એના મૂળ કરિઅર ગણાતા પંખીડાઓ માટે ભયજનક નથી, પણ ત્યાંથી માણસ સુધી પહોંચે તો ડેન્જરસ છે. હડકવા જેવા રોગો જે તે રોગિષ્ટ પશુના સંપર્કમાં આવેલા માણસ પૂરતા જ સીમિત રહે છે. એચઆઈવી જેવા તો માણસમાં પ્રવેશ્યા પછી પશુસૃષ્ટિને બદલે મનુષ્યમાં જ ‘અઠે દ્વારકા’ કરીને બિરાજી જાય છે !

આ ‘આત્મઘાતી દસ્તો’ માણસમાં પહોંચે છે કેવી રીતે ? એક તો જંગલી શિકારીઓ દ્વારા, જે આ પશુ-પંખીનો શિકાર કરતા એમના આંતરિક અંગોના સંસર્ગમાં આવે છે કે પોતાના શરીર પરના જખમમાંના લોહી સાથે શિકારનું લોહી-સાહજીકતાથી ભળવા દે છે. બીજા પેટ (પાલતુ) એનિમલ્સ કે ફાર્મ (ગાય, ડુક્કર, મરઘી) એનિમલ્સ મારફતે અને ત્રીજા માંસાહારમાં બેફામ બનેલા માનવીઓ દ્વારા ! જેમકે, લેટેસ્ટ પેશકશ એવો કોરોનાવાઈરસ !

‘સ્પેનિશ ફલુ’ના નામે ઓળખાતા ઈન્ફલુએન્ઝાનો આતંક પહેલી વખત પ્રથમ વિશ્વયુદ્ધના અંતકાળે યુરોપ-અમેરિકામાં ત્રાટક્યો હતો અને બે થી અઢી કરોડ માનવોનો અધધધ મૃત્યુઆંક ‘સ્કોર’ કરીને રીતસર દુનિયાની છાતીનાં પાટિયાં બેસાડી દેતો ખૌફ પેદા કરી ગયો હતો. એ વખતની વસ્તીનો એક ટકો સાફ થઇ ગયેલો એમાં. આ ‘મહામારી’નો મુખ્ય શત્રુ ઓર્થોમિકઝોવાઈરસ છેક ૧૯૩૩માં ઓળખાયો હતો. પછી તેની સામે એન્ટીબોડીઝ પ્રોગ્રામ કરતી રસી વિકસાવાઈ ! કોઈ પણ એન્ટીવાઈરલ રસી હકીકતે એ વાઈરસથી જ બને.

કોઈ પણ ફ્લુના વાઈરસની સપાટી પર બે પ્રકારના પ્રોટીન હોય. એક ઉપસેલા દાંતા જેવું હિમોગ્લુટાનીન, જે એને અન્ય શરીરના કોષમાં ગાબડું પાડી દાખલ થવામાં મદદ કરે. વળી, એ કોષમાં દાખલ થયા બાદ તેના જ માલમસાલાના ઉપયોગથી વાઈરસ પોતાની નવી આવૃત્તિનો ગુણાકાર (જેતે યજમાન રોગીના ભોગે) કરે અને એ નવા વાઈરસને કોષ તોડી બહાર નીકળી ફેલાવા માટે ભીંગડા જેવું બીજું પ્રોટિન જોઈએ,જેને કહેવાય ન્યુરામિનિડેઝ.આ ન્યુરામિનિડેઝ ૯ પ્રકારના હોય અને હિમોગ્લુટાનીન ૧૬ પ્રકારના ! માટે બંનેની સીરીઝ બને.

સ્વાઇન ફ્લુનો વાઈરસ એટલે એચવનએનવન નામે ઓળખાયેલો. આ હોરર ફિલ્મોમાં વળગી જતા ભૂતની જેમ કોઈના શરીરમાં પ્રવેશીને પછી પોતાની કોપી કરવા માટે એ યજમાનના રસોડે ધાડ પાડતો હોવાથી કોઈ પણ વાઈરલ ઇન્ફેકશન વધે ત્યારે નબળાઈ વધે છે. શક્તિ વાઈરસ પણ ચૂસે ને લડવા માટે રોગપ્રતિકારક દ્રવ્યો બનાવવા શરીર પણ વાપરે. એટલે જ એનો મોટો ઉકેલ છે : રેસ્ટ. આરામ. 

વાઈરસ માત્ર હોસ્ટમાં ‘ઘોસ્ટ’ વેડાં કરીને શાંત પડતો નથી, એને ધર્મગુરુઓ કે નેતાઅભિનેતાઓની જેમ પ્રચારપ્રસારનું ભારે ઘેલું હોય છે. કુદરતનો મૂળ ધર્મ જ રિ-પ્રોડકશન છે. એટલે ફૂલોમાં રંગસુગંધ છે, માણસમાં જાતીય આકર્ષણ છે. ફ્લુ એવરેજ એક માણસને ચેપ લગાડે તો કોરોના ચારને એવો અંદાજ છે. છીંક, ઉધરસ જેવા ફલુના લક્ષણો ખરેખર તો વાઈરસને નવા નિશાન પર ‘થ્રો’ કરવા માટેની પ્રોગ્રામ્ડ તરકીબો છે. તાવ હકીકતમાં તેની સામે લડતી શરીરની આંતરિક લડાઈને કારણે આવતો તપારો છે. આપણા શરીરે ઉત્ક્રાંતિ અને વિજ્ઞાાનની રસીની સહાયથી ઈન્ફલુએન્ઝાના જુના વાઈરસને ઓળખી એને મારી હટાવવાની લશ્કરી તાકાત કેળવી લીધી છે. 

પણ આ નવો ૨૦૧૯ના અંતમાં ત્રાટકેલો ‘સાર્સ-સીઓવી૨’ કોરોનાવાઈરસ વાઈરસ ‘છૂપો રૂસ્તમ’ બની કારગિલમાં ભરવાડોના વેશમાં નાકાબંધી તોડી પાકિસ્તાની સૈનિકો ભરાયેલા, એમ શરીરના કોષોમાં પેસે છે. પછી પોતાની નકલો તૈયાર કરવા શરીરની શક્તિની ચોરી કરે છે. (માટે થાકની ફરિયાદ થાય છે) શેતાન વાઈરસો ઘણી વખત પોતાના શિકારને એટલે જલદી સ્વધામ પહોંચાડતા નથી કે એની મારફતે (એને જીવિત રાખી) વઘુમાં વઘુ શિકાર સુધી ફેલાઈ શકે (જેમકે, પ્રમાણમાં લાંબુ જીવતા એઇડ્સના દર્દી !).

માટે એનો સપાટો તરત સપાટી પર દેખાતો નથી અને ઘણી વખત ખબર પડે ત્યાં સુધીમાં એની બોડી સીસ્ટમને ભરખી જવામાં વાઈરસ સફળ થઈ જતાં દર્દી મૃત્યુ પામે છે. પ્રારંભિક તબક્કે થોડી દવાઓની સહાયથી શરીરને લડાઈમાં ટેકો આપી શકાય. શરીરની ઈમ્યુનિટી સીસ્ટમ સારી હોય, ડાયાબિટીસ કે હાઈપરટેન્શન જેવા બીજા રોગ ન હોય તો તેને હંફાવી શકાય છે.

***

કોરોના દાયકાઓ પહેલા ઓળખાયેલા ઘરાનાનું નામ છે. કુલ સાત પ્રકારના કોરોના ઓળખાયા છે. ઓસી૪૩, ૨૨૯ઈ, એચકેયુ૧, એનએલ૬૩ તો કમ સે કમ એક સદી કરતા વધુ સમયથી પરેશાન કરે છે. એલર્જી અને ઋતુઓ સિવાય ત્રીજા ભાગની શરદી માટે કારણભૂત છે. બીજા બે ‘મર્સ’ અને ‘સાર્સ’ છે, જે રોગો જન્માવે છે. અને આ લેટેસ્ટ આવ્યો એ સાર્સસીઓવીટુ યાને નોવેલ ( નવો ) કોરોના વાઈરસ. એટલે અમુક દવાઓ કે પુસ્તકોમાં કોરોના લખ્યું હોય એ જૂના વર્ઝન. આ અપગ્રેડેડ. ઠંડી હવા સૂકી હોય, ત્યારે ફેફ્સાંની ફરતેનું રક્ષણાત્મક પ્રવાહી થોડું પાતળું થાય એટલે શરદી ઝટ થાય. પણ આ નોખો છે. એટલે એની શરૂઆત થઇ ત્યારે ઓસ્ટ્રેલિયામાં ઉનાળો હોવા છતાં ડોકાયો હતો. આપણે ત્યાં ઘરગથ્થુ અનુમાનો છતાં પણ આ ગરમીમાં તો કેસ વધી જ ગયા !

અમુક જગ્યાએ રિકવર થયેલાને ઉથલો આવ્યાના સમાચાર છે. હજુ એમાં ટેસ્ટ રિપોર્ટની ખામી હતી કે ઈમ્યુનિટી કાચી પડી એ સ્પષ્ટ નથી. કોરોનામાં જૂના મિગ પ્લેન કરતા આધુનિક રફાયલ પ્લેન વધુ મારકશક્તિ ધરાવે એવું થયું છે. આગળ વિગતે સમજાવેલું એમ વાઈરસ માનવશરીરમાં દાખલ થાય પછી એની સપાટી પર રહેલા સ્પાઈકસ ઉર્ફે ‘દાંતા’ વડે જગ્યા આપણા કોષના ડીએનએમાં પ્રવેશે છે, જેથી એની માલસામગ્રી અને ફેક્ટરીનો ઉપયોગ કરી પોતાની કોપી બનાવે. એ.સી.ઈ.ટુ નામના આપણા કોષના પ્રોટીનને એ દાંતા જાણે શિકારી કૂતરાની જેમ સૂંઘી લે છે અને વળગી જાય છે. એ ઘટના એટલે વાઈરલ ઇન્ફેકશન.

અગાઉના સાર્સ કરતા અત્યારના કોરોનામાં દાંતા વધુ તેજ ધાર છે. વળી ટોચ પર બે ભાગમાં વહેંચાયેલા છે, જે માત્ર કવર છે. એની ચોળીની શિંગની જેમ બે ફાડ થાય ત્યારે જોડાણ થાય. એ ક્રિયા કોરોનામાં અગાઉ કરતા ઝડપી છે, અને એમાં સહાયકારક એન્ઝાઈમ ( ઉત્સેચક ) છે ફ્યુરીન, જે વળી માનવશરીરમાં મોટા ભાગના કોષોમાં મળી આવે છે ! કહો કે કોરોના તાળું તોડવા વધુ મજબૂત ‘ગણેશિયો’ લઇ ફરતો ધાડપાડુ છે. સામાન્ય ચેપમાં આપણી રેસ્પિરેટરી સીસ્ટમ યાને શ્વસનતંત્રમાં ઉપલો ભાગ ઝપટે ચડે. ગળું, નાક વગેરે, નીચે ફેફસાં સુધી સીધો ચેપ ન જાય. પણ કોરોના બેઉ ભાગમાં સરખો હુમલો કરી શકે છે. એટલે એના ચિહ્નો દેખાય ત્યાં સુધીમાં શ્વાસની પરેશાની અસાધારણ વધી શકે.

મૂળ આપણા ફેફસાંમાં બે પ્રકારના સેલ્સ હોય .એક મ્યુક્સ. ચીકણો કફ બહાર આવે તો ગમે નહિ, પણ એનોય રોલ હોય છે, બાહરી બેક્ટેરિયા વાઈરસ વગેરેથી મૂળ અંગને સુરક્ષિત રાખવાનો અને લ્યુબ્રિકેશનની જેમ એ સાવ સૂકાઈ ન જાય એ કાળજી રાખવાનો. અને બીજા સિલીયા, જે આવા બાહ્ય સૂક્ષ્મ કચરાની સફાઈ કરતા હોય. કોરોના એ સફાઈ કામદાર સિલીયાની જ પહેલા સફાઈ કરે છે. એટલે ફેફ્સાંમાં ભંગાર જમા થતો જાય. એ ‘ભંગાર’માં એસીઈટુ ને લીધે કોરોનાને દરવાજો દેખાડનાર આપણા શરીરના કોષો ય હોય જેની અંદર જઈને કોરોના એનો રસકસ ચૂસીને ખતમ કરી નાખે. એને લીધે ફેફસાંનું કાર્ય અવરોધાય, એ વધારાના તત્વો બહાર ન ફેંકી શકે અને કફ-શ્વાસની તકલીફ થાય.

આવા હુમલા થાય ત્યારે શરીરની સિક્યોરિટી જેવી ઈમ્યુનિટી સીસ્ટમ સામાન્ય રીતે ઇન્ફેકશનના ચોવીસ કલાકમાં એલર્ટ થઇ વળતો પ્રતિકાર કરે જ. એટલે તો બધા પોઝિટીવ રિપોર્ટવાળા દર્દીઓની સીધી સ્વર્ગલોકની ટિકિટ ફાટી નથી જતી. પણ જો એની તાકાત વધતી ઉંમર, કુદરતી જીનેટિક ખામી કે અન્ય રોગો ઓલરેડી હોય એની સામે મોરચાબંધી કરવામાં વપરાઈ ગઈ હોઈને નબળી પડી હોય તો કોરોના વધુ ઝડપી આગેકૂચ કરે. કોઈ પણ ભોગે શહીદ થઈને ય છેલ્લા શ્વાસ સુધી લડવાની તાલીમને લીધે ઈમ્યુનિટીના સૈનિકો વળતો જવાબ તો આપે જ. એટલે અંદર સોજો ને બહાર એ લડાઈનો સંકેત આપતો તાવ આવે.

વાઈરસ અપગ્રેડ થાય પણ અમુક વડીલોના મગજ અપગ્રેડ ન થાય એટલે કહ્યા કરે કે તાવ આવવા દેવો જોઈએ ને ગરમીમાં વાઈરસ એની મેળે ખતમ થાય. પણ એ ઇન્ફેકશન પર આધાર રાખે. એમ જ તાવ આવવા દો તો ક્યારેક ડેન્ગી જેવા તાવમાં દર્દી દિવસોમાં યશ ચોપરાની જેમ સ્વધામ પહોંચી જાય ! એન્ટીબાયોટિક બેકટેરિયલ ઇન્ફેકશન સામે સહાય કરે. એન્ટીવાયરલ વાઈરસ સામે. પણ ચેપ ઓળખવો પડે. ને વાઈરસમાં મોટે ભાગે સારવાર સીમ્પટોમેટિક હોય. ઉધરસ હોય તો એની રાહત, શ્વાસ ચડે તો એની, કળતર કે નબળાઈ થાય તો એની. એટલે જ હાઈડ્રોક્સિક્લોરોક્વીન જેવી અમુક દવાઓ બહુ અસરકારક છે એવું કેટલાક માને છે, એ ય નિષ્ણાત ડોક્ટરની સલાહ કે દેખરેખ હેઠળ લેવાવી જોઈએ. કારણ કે દીવો વધુ પ્રકાશમાન તો મેશનો જથ્થો ય વધુ. સાઈડ ઈફેક્ટમાં લીવર, કિડની, જાતીય ક્ષમતા ય પ્રભાવિત થઇ જાય !

તો જયારે કોરોના જેવા નવા તોફાની સામે ઈમ્યુનિટી લડવા નીકળે ને ખુવાર થાય ત્યારે એના નેચરલ રિસ્પોન્સ મુજબ ઈમ્યુનિટી આપણા શરીરને બચાવવા વધુ જોરદાર ને ઝડપી હુમલો કરે. એ માટે વધુ ‘સૈનિકો’ મોકલવા પડે. એમની ઝડપી હેરફેર માટે લોહીનું પરિભ્રમણ કરી કોશિકા/નળીઓ/વેસલ્સ પોતાની આડશ હટાવે ને ખુલે. જેણે લીધે પ્રાણવાયુ ઓક્સિજનની કેપેસિટી ઘટે, એ લોહી મારફતે વાઈરસ બીજા અંગો લીવર, આંતરડા, હૃદય  કે કિડની સુધી પહોંચવા લાગેને એ ફેફેસાંના કાર્યમાં અવરોધ કરે. પછી ‘ધૂંધવાયેલી’ ઈમ્યુનિટી તળપદીમાં કહીએ તો ‘ઘાંઘી’ બની જાય. ને આક્રોશમાં આવી વ્યૂહરચના ફગાવી કેસરિયા કરીને મનફાવે તેમ લડવા લાગે.

એ વખતે જે ઘટના બને, એને સાયટોકાઈન સ્ટોર્મ કહેવાય. સાયટોકાઈન ઈમ્યુન સીસ્ટમના એલાર્મ પ્રોટીન્સ છે. એ વાઈરસ જેવા શત્રુઓનું લોકેશન નક્કી કરીને ટાર્ગેટ આપે. પણ અફરાતફરી વધી જાય ત્યાં એ બઘવાઈ જાય ને પછી લોચા પડી જાય એના સિગ્નલમાં. એટલે મરણિયા મૂડમાં આવેલ ઈમ્યુનિટી જ્યાં ગોળી મારવાની હોય ત્યાં મિસાઈલ લોન્ચર ફટકારે. મતલબ, ચેપગ્રસ્ત કોષની સાથે સાજા કોષનો ય ઉલાળિયો કરી નાખે. સિક્યોરિટી જ બંગલામાં તોડફોડ કરે ત્યારે શરીર લાચાર થઇ જાય ને પોતાના અંગોની કામગીરી ગુમાવતું જાય. ઘટના લંબાય તો ઓર્ગન ફેઇલ્યોર સુધી પહોંચી જાય ! અથવા ક્યારેક કોરોનામાંથી સાજા દર્દી મોટી ઉંમરના હોય તો લંગ્સને કદાચ થોડું કાયમી નુકસાન થયું હોય.

પણ આવું ન થાય તો તંદુરસ્ત દેહની મજબૂત ઈમ્યુનિટી વેશપલટો કરીને ઘુસેલા વાઇરસને ઓળખીને મારી હટાવે. અને એ વાઈરસની ‘ફિંગરપ્રિન્ટ’ જેવી ઓળખાણ ‘સ્ટોર’ કરી લે, જેથી બીજી વાર દરવાજે જ સીસીટીવીમાં ફોટા મુજબ ગુનેગાર ઓળખાય એમ એ ઝડપાઈ જાય. બસ, અહીંથી શરુ થાય ઉકેલની સફર !

***

વાઈરસ સામે રસી ( વેક્સીન ) વર્ષોથી રામબાણ ઈલાજ બની છે. શીતળા હોય કે પોલિયો, રોગને ઉગતો જ ડામવો. અંદર ફેલાય પછી ઘરમાં નુકસાન થાય એમ લડવું એ કરતા દરવાજેથી જ મારી હટાવવો. પણ એ માટે જોઈએ એન્ટીજન. એન્ટીજન જે તે વાઈરસ માટે ફ્લેગનું કામ કરે ઈમ્યુનિટીને એક્ટીવ કરવા. વાઈરસ જ્યારે સાજા કોષના પ્રોટીનને પહેલા ‘પટાવી’ ને અને પછી ‘પતાવી’ને ઘુસણખોરી કરે એ તબક્કામાં એન્ટ્રી લેવલ પર એન્ટીજન દ્રવ્યો એ જગ્યાને ‘માર્ક’ કરી દે. જેથી ઈમ્યુનિટી ત્યાં સર્જિકલ સ્ટ્રાઈક કરી દે. એ માટે જાસૂસી એન્ટીજન જે -તે વાઈરલ પ્રોટીનને ઓળખતા હોય એ જરૂરી છે. એ ‘એન્ટી’ ની ઉલટી ‘પ્રો’ટીન ડિઝાઈન શરીર બનવે એટલે ઇન્ફેકશનનો ખેલ ખતમ ! માટે વેક્સીન તો જ બને જો વાઈરસની બ્લુપ્રિન્ટ જાણીતી થાય.

નવો કોરોના એ રીતે પૂરો ઝડપાઈ ગયો છે લેબોરેટરીમાં. પણ વેક્સીન માટે ઇબોલા પછી હવે એથી ઘણા વધુ જીવલેણ નીવડેલા કોરોનામાં હ્યુમન ટ્રાયલ, યાને અલગ અલગ પ્રકૃતિ-બેકગ્રાઉન્ડ-ઉંમર વગેરેના દર્દીઓ પર એની ચકાસણી ફરજીયાત છે. પહેલાની જેમ ઉંદરો પર પ્રયોગ પૂરતા નથી. નહિ તો એક જગ્યાએ કારગર રસી બીજે સૂરસુરિયું નીવડે.

ટ્રેડીશનલ એપ્રોચ તો ‘લાઈવ એમ્યુનેટેડ’ રસીનો છે. વાઈરસમાંથી વેક્સીન બનાવવાના નામે વાઇરસને જ શરીરમાં નિયંત્રિત દાખલ કરીને શરીરને એ માટે ફોજ શસ્ત્રસજ્જ કરવાની આગોતરી તાલીમનો છે. પણ અમુક કેસમાં એટલે વેક્સીનના ય એ ખુદ ‘વાઈરસ કરિઅર’ હોઈને રિએક્શન આવે. જે વળી કાબૂમાં આવે એવા જ રહે એનું ય પહેલેથી ધ્યાન રાખવું પડે. મોટા ભાગની રસી આ રીતે બને છે, જેમાં લશ્કર જે તે વાઇરસની બ્લુપ્રિન્ટ ઓળખી એને આગમન સાથે મારી હટાવવા સાબદું હોય. પણ એચઆઈવી જેવો વાઈરસ શરીરમાં પ્રવેશી પોતાને અંદર જ અપગ્રેડ કરતો જાય, ત્યારે આટલા વર્ષે ય એની રસી એટલે શોધી શકાઈ નથી. કારણ કે, અહીં વાઈરસ પોતાની આંગળાની છાપ બદલવા જેટલો ચાલાક નીવડ્યો છે.

અત્યારે કોરોનાનો ડેટા મેળવાઈ રહ્યો છે. ત્યારે અમેરિકાની ‘મોડેર્ના’ જેવી કંપની હજુ સુધી માણસમાં કદી નથી કામમાં લેવાઈ એ ‘આરએનએ’ બેઝ્ડ રસીની ખોજમાં છે. આરએનએ કોષની ઉત્પાદક ફેક્ટરી છે.  ચેતવણી માટે બહારથી રસીના રૂપે વાઈરસ આખો દાખલ કરિ શરીર એન્ટીબોડીઝ બનાવે એની રાહ જોવાને બદલે બદલે માત્ર એની બ્લ્યુપ્રિન્ટ દાખલ કરી કોષને જ કેમ એની સામે લડવા તૈયાર ન કરાય ? સમજવા ખાતર કહો કે લોક ડાઉન થયેલા કારખાનામાં પ્લાન ફેંકવામાં આવે છે. એવી આશાએ કે કોઈ જાણકાર કારીગરના હાથમાં આવશે ને એ મુજબ એ નવું મિસાઈલ બનાવી રેડી રાખશે ડોર ઓપન થાય ત્યારે કાઉન્ટરએટેક માટે !

આઈડિયા સરસ છે, ઝડપી પણ છે બીજા વિકલ્પો કરતા પણ કામિયાબી માટે કોઈ પાછલો રેકોર્ડ નથી એટલે અખતરો જ છે. ન્યુકિલઇક એસિડ બેઝ્ડ વેક્સીનનો આવો બીજો રસ્તો ડીએનએ બેઝ્ડ છે. કહો કે, સીધા કારખાનામાં પ્લાન ફેંકવાને બદલે, કલેકટર ઓફિસમાં ફેંકવામાં આવે છે કે કોઈ અધિકારી એ મેળવે ને ફેકટરીમાં પહોંચાડી દે ! એક સ્ટેપ વધુ, પણ આશા વધુ યોગ્ય હાથમાં એ આવવાની ! એક રસ્તો ‘રિકોમ્બિનન્ટ વેક્ટર’ કે ‘સબયુનિટ’ બેઝ્ડ એપ્રોચનો છે. અનેક રસ્તા છે. વાઈરસને બદલે લેબમાં એકઝેટ એને ઓળખી બનાવાયેલા ફક્ત કૃત્રિમ એન્ટીજન આપણામાં દાખલ કરવામાં આવે કે પછી એવા એન્ટીજન પેદા કરતું જીન ( જનીન) જ દાખલ કરવામાં આવે.

એ માટે ય તડામાર કામ ચાલુ છે. ભારત કે ચીનમાં પ્રોડક્શન માટે પાર્ટનર રાખી રિસર્ચ મોટે ભાગે અમેરિકા, ફ્રાન્સ, જર્મની, બ્રિટન પશ્ચિમની અલાયદી બાયોટેક કંપનીઓ કરે. ફાર્મા કંપનીઓમાં તો રસી બનાવવા માટે અત્યારે ચાર જ કંપની પાસે અનુભવ છે. જીએસકે, જોન્સન એન્ડ જોન્સન, ફાઈઝર અને સનોફી. એક તો આ કામ ખર્ચાળ છે, બિલ ગેટ્સ જેવા અબજોનું દાન એ માટે આપી ચૂક્યા છે. ને વળી એકદમ અણીશુદ્ધ ચોકસાઈ માંગી લેતું છે. જરાક ગરબડ થયા તો રસીના બદલે એમાં વાઇરસની જ પ્રિન્ટ હોઈને રોગ પ્રવેશી જાય ને સાજાને બદલે માંદા થવાના ચાન્સ રસી દરવાજા ઉઘાડા કરી નાખે તો વધી જાય !

કોઈ પણ નવો વાઈરસ દાખલ થાય ત્યારે જવાબ આપવા શરીર જે સેના તૈયાર કરે એમાં પહેલા ફ્રન્ટલાઈન સોલ્જર્સ હોય એ ‘આઈજીએમ’હોય. ઈમ્યુનોગ્લોબિન એમ મોલેક્યુલ્સ. એ ટેમ્પરરી હોય. એકાદ મહીના સુધી એક્ટીવ રહે, વાઇરસના પ્રોટીનનો મુકાબલો કરી એને નિષ્ક્રિય કરે ને પછી ગાયબ થઇ જાય. પછી એન્ટ્રી થાય સેકન્ડ ઇન કમાન્ડ એવા ‘આઈજીજી’ની. ઈમ્યુનોગ્લોબિન જી. આઈજીએમના સાત-દસ સિવસ પછી એ આવે. પેલા એસઆરપી હોય તો આ બ્લેક કેટ કમાન્ડોઝ. જે વર્ષો સુધી, ક્યારેક આજીવન રહે. જે એન્ટીબોડીઝ ટેસ્ટ ફટાફટ લેવાય એમાં લોહીમાં આઈજીએમ મળે, તો તાજું ઇન્ફેકશન. એની જોડે આઈજીજી પણ મળે તો એકાદ મહીના જૂનો ચેપ. ને માત્ર આઈજીજી મળે તો પૂર્ણ સાજો દર્દી. અલબત, આ સેન્સિટીવિટી ટેસ્ટમાં સ્પેસિફિક કોરોના સામેનું આઈજીજી છે કે નહિ એ જાણવું થોડું કઠિન પડે ને એમાં વાર લાગે.

આવા સાજા દર્દીઓ બ્લડ બેગ બની શકે, રસી ન શોધાય ત્યાં સુધી. એમનું લોહી લેવાય ને પ્લાઝમાની જેમ કોરોના સામે એમના શરીરે સફળતાપૂર્વક જે એન્ટીબોડી ( હાઈપરઈમ્યુન ગોબ્યુલીન ) કુદરતી પેદા કર્યું હોય, એને અબરખ જેવા ચળકતા પીળા રંગના દ્રાવણ તરીકે છુટું પાડી બીમાર શરીરમાં દાખલ કરવામાં આવે. જેથી એ લોહીમાં ભળીને દર્દીને ફાઈટ આપવા કુમક વધારી સાજો કરી દે. પણ આમાં એ યોગ્ય સમયે લેવાઈ જવું જોઈએ. કાયમ માટે એ અસરકારકતા ન રહે. ને એક સાજી વ્યક્તિ બીજા બે થી દસ સુધીનાને એ આપી શકે. તો કોને આપવું એ દાતા નક્કી કરે કે મારા મિત્રો ને સગાઓને જ આપો ? કે સરકાર ? એમાં લાઈનમાં લાગવગ ચાલે તો ? પાછલે બારણે એવા લોહીના કાળા બજાર થાય તો ? પછી કિડની જેવું થયા કે નિયંત્રણ એટલા મુકવા પડે કે કિડની સ્વસ્થ ઘણી હોય, પણ દર્દી મેળવી ન શકે ને મૃત્યુ પામે !

કોરોના બાબતે આફૂડી ‘હર્ડ ઈમ્યુનિટી’ બનશે – એટલે ચેપ ન લાગ્યો હોય એ લઘુમતીમાં હોય ને ચેપનો સામનો કરેલા બહુમતીમાં હોય એવી ઘટના – એ અભિગમ પણ કાગળ પર જ સારો લાગે. મોતની સંભાવના હોઈ એવું જોખમ કોઈ લે નહિ. માટે એકાદ વરસ સુધી એની દવા કે વેક્સીન રાતોરાત હાથમાં આવે તોય બધે જ પહોંચે એની શક્યતા ઓછી છે. ત્યાં સુધી લોકડાઉન હટે તો ય સોશ્યલ ડિસ્ટન્સ ને હાઈજીનની ટેવ પડવી એ જ સલામત માર્ગ છે. દર્દીઓ વધે તો ભારતમાં દર હજારે હોસ્પિટલ બેડ માત્ર ૦.૭ જ છે. અમેરિકા કે ઇટાલી કરતાં ક્યાંય ઓછા !

પણ સાવધ રહેવાનું છે. ફાટી પાડવા જેવું નથી.અત્યાર સુધી જગતે લાખો દર્દી જોયા, એમાંથી દસ ટકાથી ય ઓછા મૃત્યુ થયા છે. વસતિ જોતાં કોરોના કોઈ પ્રલય નથી. એક પણ માઈક્રોબની માએ હજુ એવી સવા શેર સૂંઠ નથી ખાધી કે માણસને પૃથ્વી પર હંફાવી દે. કોરોનો હજુ બચ્ચું છે. આપણે એના વડવાઓને પચાવીને લાખો વર્ષ પ્રગતિ કરી ચૂક્યા છીએ !

ફાસ્ટ ફોરવર્ડ

ડાયનોસોરક્રેઝી અમેરિકામાં મશહૂર ફની મિમ : જ્યુરાસિક પાર્ક ફિલ્મોથી ફેમસ પેલા વિકરાળ જડબાં ફાડતા ટી રેક્સનો અંત કેવી રીતે આવ્યો ? કારણ કે, એનું મોઢું બંધ જ નહોતું રહેતું ને માસ્ક હતા નહિ !

જય વસાવડાનું ગુજરાત સમાચાર તા. ૧૯ એપ્રિલ ૨૦૨૦માં છપાયેલું સ્પેક્ટ્રોમીટર તા. ૧૫ માર્ચ ૨૦૨૦ના લેખમાંથી પૂરક હિસ્સા સાથે.

 

 
4 Comments

Posted by on June 1, 2020 in education, science

 

4 responses to “કોરોનાસુરને ખતમ કરતું વજ્રાયુધ કેમ ઝટ જડતું નથી ?

 1. nikhilshah9

  June 1, 2020 at 5:30 PM

  Verh very good article. Nicy explained in fluid language

  Like

   
 2. સુરેશ ત્રિવેદી

  June 1, 2020 at 10:30 PM

  કોરોના વાયરસ વિશે અથ થી ઈતિ સુધીની તમામ માહિતી અહીં રસપ્રદ શૈલીમાં રજૂ કરી છે.
  વાઈરસ વિશેની ઘણી અજાણી વાતો અહીં ઉજાગર થઈ છે.
  ખરેખર વાંચવા લાયક અને માણવાલાયક સુંદર લેખ.

  Like

   
  • Leena

   June 5, 2020 at 7:39 PM

   Very nice easy to understand article. Reminded of d great magazine ‘Scope’

   Like

    
 3. સત્વ

  July 26, 2020 at 11:16 PM

  ઘણી જાણકારી મળી.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: