ગેસ્ટ સ્પેશ્યલ આર્ટિકલ

લીલાછમ્મ વન વગડાના પટ્ટાઓ ભારત ની હરિયાળી ટપકાવે છે – જે પૂર્વીય દરિયાકાંઠાં ના વાંસના જંગલોથી માંડીને ઉત્તરપશ્ચિમ રણમાં ઝાડના ઝુંડ અને ઉષ્ણકટિબંધીય દક્ષિણના જંગલોથી ઉત્તરમાં ગાઢ હિમાલયના જંગલો સુધી વિસ્તરેલા છે. ભારતના વિવિધતસભર લોકો ની જેમ, આ જંગલો પણ ખૂબ વૈવિધ્યસભર છે, પરંતુ આ બધા માં એક મહત્વપૂર્ણ સમાનતા છે: તે બધાને પવિત્ર રાખવામાં આવ્યા છે. વિશ્વના ઘણા દેશોની જેમ, ભારતનો પણ પ્રકૃતિ ઉપાસનાનો લાંબો ઇતિહાસ છે, અને તે પ્રણાલી આજે પણ ખાસ કરીને વન ખાંચાઓની પૂજા દ્વારા ચાલુ છે. આ પવિત્ર વગડાઓ, જે સ્થાનિક દેવતાઓ અથવા પૂર્વજોની આત્માઓ ના નિવાસસ્થાન માનવામાં આવે છે, સ્થાનિક સમુદાયો દ્વારા સામાજિક પરંપરાઓ અને આધ્યાત્મિક અને ઇકોલોજીકલ મૂલ્યોને સમાવિષ્ટ કરનારા લોકો દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે. ઘણી પેઢીઓ થી સચવાયેલા, પવિત્ર વન (sacred groves) કુદરતી વનસ્પતિને કુદરતી સ્થિતિમાં રજૂ કરે છે અને આ જૈવવિવિધતાથી સમૃદ્ધ વનસ્પતિ અને પ્રાણીઓની ઘણી દુર્લભ પ્રજાતિઓ ને સંરક્ષિત કરે છે. વિશ્વ જેમ જેમ આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ આ ડિજિટલ વંટોળ પવિત્ર વન્ય ઉદ્યાનો ને ખાલી કરી રહ્યો છે અને પરંપરાઓ કે જેઓ તેનું રક્ષણ કરે છે તેને નબળી કરી રહ્યું છે. સદભાગ્યે, હજારો પવિત્ર વન હજી પણ બાકી છે અને ઘણા ગામોમાં પરંપરાગત પદ્ધતિઓ થી તેનુ સંવર્ધન કરવામાં આવી રહ્યું છે.

1730 માં રાજસ્થાન માં વૃક્ષો ના સંરક્ષણ આધારિત ધાર્મિક શ્રદ્ધાવાળી એક આદિજાતિ ” બિશ્નોઇ” એટલી મજબૂત હતી કે કેટલાક લોકોએ પવિત્ર વૃક્ષો બચાવવા માટે પોતાનો જીવ બલિદાન આપી દીધો હતો, એજ ચળવળ ઉપરથી પ્રેરણા લઈ હિમાચલ ના ટેહરી ગઢવાલ ખાતે 1970 માં “ચિપકો આંદોલન” ને દિશા મળી હતી, જેમાં ગામની સ્ત્રીઓએ વૃક્ષો ને બાથ ભરીને (ચીપકીને) અહિંસક પ્રદશન કર્યું હતું. બિશ્નોઇના સભ્ય જોહરા રામના જણાવ્યા મુજબ, ” વિશ્વમાં કોઈપણ પરિવર્તનની શરૂઆત સમાજની અંદર જ થવાની છે. પ્રકૃતિ અને વન્યજીવન સંરક્ષણ વિશેની આ બધી વાતો વધુ અસરકારક રહેશે જો દરેક વ્યક્તિ પૃથ્વી ને એક જીવંત, શ્વાસ લેતી ધરોહર તરીકે માનતું હોય અને આપણે જે રીતે જીવન જીવીએ તેમ તેના જીવન ટકાવી રાખવા માટે પણ લડવું જોઈએ “
સંભવત: ભારતમાં પવિત્ર પ્રાકૃતિક વનનું અસ્તિત્વ પ્રાચીન કૃષિ પૂર્વ યુગ અને શિકાર- યુગ થી છે અને તેનો દસ્તાવેજી સંદર્ભ રિગ વેદ, અથર્વ વેદ જેવા પ્રાચીન ગ્રંથો માં પણ જોવા મળે છે. વૃક્ષોને દેવતાઓ અને પૂર્વજોની આસ્થા માનતા, ઘણા સમુદાયો જંગલના પવિત્ર ક્ષેત્રોને આરક્ષિત રાખે છે અને તેમના રક્ષણની ખાતરી માટે નિયમો અને રિવાજો સ્થાપિત કરે છે. આ નિયમો જંગલથી જંગલ અલગ હોય શકે, પરંતુ વૃક્ષોના કાપવા, વન માંથી કોઈપણ સામગ્રીના સંગ્રહ અને પ્રાણીઓની હત્યા પર પ્રતિબંધ મૂકવા જેવા પાયા ના ઉદ્દેશ્યો તો સમાન જ જોવા મળતા હોય છે.આ રક્ષણાત્મક પ્રતિબંધોને પરિણામે, આ પવિત્ર વગડા અસંખ્ય વર્ષોથી સચવાય છે અને જૈવવિવિધતાના મહત્વપૂર્ણ સ્ત્રોત બન્યા છે.
ભારતના પવિત્ર વન્ય ઉદ્યાનો માં ઘણી વિવિધતા છે. કેટલાકમાં ફક્ત થોડા ઝાડ છે, જ્યારે અન્યમાં સેંકડો એકર કદ સુધી ફેલાયેલ વૃક્ષો હોય છે. કેટલીકવાર આ વન્ય વિસ્તાર મોટા જંગલવાળા વિસ્તારો ની ભીતર હોય છે, જ્યારે અમુક ખુલ્લા મેદાનો અથવા રણમાં વૃક્ષદ્વીપ તરીકે અસ્તિત્વ ધરાવે છે. ઘણા પવિત્ર જંગલોમાં તળાવો અને નદીઓ જેવા જળ સંસાધનો હોય છે, અને વનસ્પતિ સમૂહ જે જમીની ટુકડા ને આવરે છે તે વરસાદની ઋતુ દરમિયાન પાણીને શોષી લે છે અને દુષ્કાળના સમયે તેને મુક્ત કરે છે. વૃક્ષો જમીનની સ્થિરતામાં સુધારો કરે છે, જમીનનો ધોવાણ અટકાવે છે અને સુકા હવામાનમાં કૃષિ માટે સિંચાઈ પૂરી પાડે છે.
ઘણા જંગલોમાં, પૂર્વજો કે દેવતાને પ્રસન્ન કરવા અને સમુદાયની સુખાકારી માટે વાર્ષિક ધાર્મિક વિધિઓ થતી હોય છે. સારા સ્વાસ્થ્ય અથવા તાજા ઉગેલા પાક ની લણણી અથવા બાળકના જન્મ જેવી ઇચ્છાઓના બદલામાં, લોકો ટેરેકોટાના (પાકી શેકેલી માટી) આકૃતિઓના રૂપમાં, આસ્થા નું દર્શન કરાવે છે. જંગલ અને પહાડી મંદિરોમાં ટેરાકોટા ની મૂર્તિઓનું અર્પણ કરવું એ ગુજરાતના અનેક ભાગોમાં આદિવાસી પરંપરા માટે અભિન્ન રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં અંબાજી અને પૂર્વી ગુજરાતના પંચમહાલ ક્ષેત્રમાં પાવાગડની આસપાસ, દક્ષિણ ગુજરાત ના ડાંગ અને દેડીયાપાડા ના વિસ્તારો માં ટેરાકોટ્ટાના ઘોડાઓ અને અન્ય પ્રકૃતિ દેવી દેવતા ની પ્રતીઓ જોવા મળે છે.

ગુજરાત ના દાહોદ જિલ્લાના રતનમહાલ ના જંગલો ના દરેક ભીલ ગામમાં લોકો અહીંના વનને તેમના પૂર્વજો ની આત્માઓના રહેઠાણ સ્થળ તરીકે જુએ છે. આવનનું નામ “દેવતાઓનું વન” (દેવનુ વન) તરીકે ઓળખતા આવ્યા છે. આ વિસ્તારમાં કોઈ ઝાડ કાપવામાં નહીં આવેકે કોઈ પણ સંજોગોમાં જમીન ખેડવી નહિ જેવા નિષેધ અને પ્રતિબંધો થકી જંગલ વિસ્તારો ને બચાવી રાખ્યા છે.
કર્ણાટક ના દક્ષિણ કન્નડ અને ઉદૂપી જિલ્લામાં, નાગાબનાસ/નાગબનાસ તરીકે ઓળખાતા પવિત્ર વનુદ્યાનો તો કિંગ કોબ્રા, ઇન્ડિયન રોક પાયથન અજગર જેવા પ્રાણીઓની વિશિષ્ટ જાતિઓ માટે ઘણા સમય થી સુરક્ષિત છે સ્થાનિક સમુદાય ના માનવા પ્રમાણે લણણીના સમય પૂર્વે ડાંગરના ખેતરોમાં અજગર અથવા કોબ્રાના દર્શન ચાલુ વર્ષ માટે સારા પાક ની આશા ઠારે છે.
તમિલનાડુની પરંપરા પ્રમાણે કોવિલકાડુગલ એ ઇકોલોજીકલ વારસોનું એક આંતરિક લક્ષણ છે પરંતુ આ પવિત્ર વન ઉદ્યાન ના છેલ્લા અવશેષો જ બચ્યા છે આ એમાંના જંગલો છે કે જે એક વખત આ વિસ્તારોમાં મોટા પ્રમાણ માં વિકસ્યા હતા. ગાઢ વૃક્ષોની છાયામાં ત્યાંએક મંદિર, સામાન્ય રીતે માતા દેવીનું, જે ની સ્થાનિક સમુદાય દ્વારા પૂજા કરવામાં આવે છે જંગલ ના વાતાવરણ અને પવિત્રતા બંનેને બચાવવા માટે, ભૂતકાળમાં નક્કી કરેલા અનેક નિષેધ અને રિવાજો હજી પણ અસ્તિત્વમાં છે. તમિલ ભાષા ના સંગમ’ સાહિત્યમાં દેવી-દેવતાઓ સાથે વૃક્ષોને જોડવાની પરંપરા મળી આવે છે.

પૂર્વીય ભારત ના ખાંસી પર્વતમાળા માં લો લિંગ્ડોહ, લો કિન્તાંગ, અને લો નિઆમ નામે પ્રચલિત ધાર્મિક હેતુ દ્વારા સંચાલિત અથવા નિયંત્રિત જંગલો છે.આ જંગલો માં લાકડા અથવા વન પેદાશ ની કોઈ પણ વસ્તુ વેપાર અથવા વ્યવસાયના વેચાણ માટે દૂર કરવામાં પ્રતિબંધ છે, પરંતુ જો કોઈ લાકડા અથવા વન પેદાશો ધાર્મિક હેતુ માટે જરૂરી હોય તો, ફક્ત આ હેતુ માટે જ પરવાનગી મુખ્ય વન અધિકારી પાસેથી મેળવવામાં આવે છે. આ માટે ખાસી સમુદાય ના આગેવાનો દ્વારા વન્ય અધિકારીને સીમિત અધિકારો આપવામાં આવ્યા છે.

ભારતના સરકારી અને બિન-સરકારી સંગઠનો સાથે ઘણા સંરક્ષણવાદીઓ અને સમુદાયો સમજી ગયા છે કે વિકાસ, પ્રગતિ અને આધુનિકતાનો અર્થ પરંપરા થી મોં ફેરવી લેવાનો નથી, એના કરતાં પરંપરાગત શાણપણ આધુનિક સિસ્ટમોમાં એકીકૃત થઈ શકે છે અને તે આવશ્યક છે.ભારતના પવિત્ર વન ઉદ્યાનના રક્ષણનું કારણ ધ્યાન આકર્ષિત કરવું , અને પ્રાદેશિક સંરક્ષણ પ્રયાસો ગતિશીલ કરવા ખૂબ જરૂરી છે. સમુદાયો અને શાળાઓમાં પવિત્ર વન ઉદ્યાન માટે જાગૃતિ અભિયાન, લોકોને જૈવવિવિધતા સંરક્ષણના મૂલ્ય વિશે શિક્ષિત કરવા અને પરંપરાઓના પુનરુત્થાનને પ્રોત્સાહિત કરવાની દરખાસ્ત કરે છે.
જે પારંપરિક રિવાજ અને માન્યતાઓ ને કારણે આવા પવિત્ર વન વિસ્તાર સંરક્ષિત રહ્યો છે એને, “જંગલ છે તો પર્યાવરણ અને કુદરત નું સમતોલન છે” જેવા વૈજ્ઞાનિક તર્ક સાથે સાંકળીને લોક જાગૃતિ કેળવી એના સંરક્ષણ અને સંવર્ધન માટે સરકાર અને નાગરિક બધા લોકો એ પોતપોતાની પોતીકી જવાબદારી સમજી જવાબદારી નું વહન કરવું પડશે.
પર્યાવરણ અને વિજ્ઞાન બાબતે અવનવી વિગતો શેર કરતા આ યુવા મિત્ર એમની ટવીટ થકી પરિચયમાં આવ્યા. “જેવીપિડિયા”માં આવી જ અન્ય કલમો સંગાથે એમના જ્ઞાનનો લાભ સમયાંતરે એમની જ રજુઆત થકી મળતો રહેશે. એમની વિનંતીને માન આપી એમની ઓળખ અત્રે મુકાઈ નથી. – જય વસાવડા
This article is Curated by – @ardent_geroy