સોશ્યલ ડિસ્ટન્સ શબ્દ આજકાલ પોપ્યુલર થઇ ગયો છે. લોકો ‘તન દૂરી’ અને ‘આઘો મર’ જેવા અનુવાદો એના રમૂજમાં કરી રહ્યા છે. હિન્દી ફિલ્મોના સિડકશન સોંગ્સમાં આમંત્રણ માટે વપરાતો શબ્દ ‘ છૂઓ ના’ હવે સાંભળો તો માદકતાને બદલે મનાઈ જ સંભળાય ! આનો સાદો અને માન્ય ગુજરાતી અનુવાદ આભડછેટ થઇ શકે : છેટા રહો નહિ તો વાઈરસ આભડી જશે. પણ એ શબ્દ માન્ય હોવા છતાં ઊંચનીચની આપણે રોગની જેમ કેળવેલી અસ્પૃશ્યતાના વરવા ઈતિહાસને લીધે બધાને ઉપયોગમાં લેવો ગમે નહિ. કોઈને જન્મજાત કે જ્ઞાતિગત જ નીચા કે અછૂત માનવા એ તો કોરોનાથી અનેકગણો ખતરનાક માન-સિક વાઈરસ છે.
એક જમાનામાં રક્તપિત્તના દર્દીઓને ગામ બહાર જગત આખામાં ચેપ ન ફેલાય માટે બધી લાગણી ભૂલીને ક્રૂરતાથી મોકલી દેવામાં આવતા. એમાંથી તો આપણને અનેક સંવેદનકથાઓ અને સંત દેવીદાસ જેવા સેવાપુરુષ મળ્યા. ઘણા લોકો સૂતકને એની સાથે સરખાવે છે. એમાં હાઈજીનનું પાલન હતું. પણ ત્યારે માઈક્રોબ્ઝ યાને વાઈરસ બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણું કે સાબુની શોધ નહોતી. માટે માત્ર હાથમોં ધોવાથી કે માથાબોળ સ્નાન કરવાથી ધૂળ જાય, ચેપ નહી. માસિક ધર્મની સાહજિક પ્રાકૃતિક પ્રક્રિયાને અટકાવ માણી ઘણા રજસ્વલા સ્ત્રીઓને ખૂણે બેસાડી બધું અડવાથી અટકાવતા. કોઈ ચેપી રોગ ન હોવા છતાં માત્ર ભયને લીધે. આવા જડસુઓ પાછા આવા અમાનવીય અન્યાયને ‘સોશ્યલ ડિસ્ટન્સ’નું સાયન્સ સમજી જસ્ટીફાય કરવા જાય તો વાસ્તવમાં એવી માનસિકતાથી જ અંતર કેળવી લેવું. એક ચોક્કસ જમાતના લોકોની આવી જ જુનવાણી જડતાને લીધે ભારતમાં કોવિડ૧૯ના કેસ ઉલટા વધી ગયા.
એની વે, જેમ લોકડાઉન આગળ વધે છે એમ અમુક લોકો થાકે ને કંટાળે છે. પણ ખરેખર તો આપણો અંતરિયાળ વિસ્તારમાં ટેસ્ટિંગનો ઓછો દર જોતાં હજુ વધુ ટેસ્ટની જરૂર છે, એમ વધુ સમય માટે લોકડાઉન પણ જરૂર પડે અચાનક એની જાહેરાતને લીધે ઘરથી દૂર ફસાઈ ગયેલા લોકોના સેફ પેસેજની વ્યવસ્થા કરીને લંબાવવાની જરૂર તો ખરી. આમ પણ પ્રદૂષણમુક્તિ માટે એના ફાયદા પર્યાવરણને થયા છે, ભલે અર્થકારણને ન થયા હોય. જલંધરમાં ૨૧૩ કિમી દૂરના હિમશિખરો દેખાયા હવા ચોખ્ખી થતાં અને શ્યામ યમુના નદી માણસ ને ઉદ્યોગનો કચરો ઓછો થતાં નીતરીને ‘રાધા કયું ગોરી’ જેવી સ્વચ્છસોહામણી થઇ ગઈ ! ઘણા લોકોને તો કદી સ્વેચ્છાએ ન જ મળત એવો જાત ને ઘરપરિવાર માટેનો સમય મળ્યો છે.
પણ રોગચાળો નહિ તો ય કોઈ ઇન્ફેકશન જેવું ચેપી દરદ હોય ત્યારે અળગા રહેવાનો મેસેજ માત્ર સરકાર કે કાયદાનો નથી. પ્રકૃતિનો ય છે. કુદરતનું મુખ્ય કાર્ય સતત ઉત્ક્રાંતિનું છે. એટલે નબળા જીન્સ ફોરવર્ડ ન થાય એ જોયા કરે. પણ સાથસાથ બુદ્ધિશાળી માણસ કરતા વધુ નેચરલ પ્રોગ્રામથી કુદરત સાથે વધુ કનેકટેડ એવા પ્રાણીઓ પણ સેલ્ફ કવોરન્ટાઈન ને સોશ્યલ ડિસ્ટન્સનું કેવું પાલન કરે છે ખબર પડે.
૧૯૭૧માં એક પુસ્તક લખાયું હતું ‘ ઇન ધ શેડો ઓફ મેન’. જેના લેખિકા જેન ગુડાલે ટાન્ઝાનિયાના નેશનલ પાર્કમાં વાઈરસગ્રસ્ત પોલીયોથી પીડાતા મેકગ્રેગર નામના ચિમ્પાન્ઝીને એના ઝુંડે કેવી રીતે ફંગોળીને એને ‘નાતબહાર’ રૂખસદ આપી એ દ્રશ્ય જોયું ! ઘટના ૧૯૬૬ની હતી પણ પુસ્તક પછી ચર્ચાઈ ચડતા વધુ અભુસો થયા કે એપ યાને વાનરોમાં આવા દર્દીઓ હાથ લંબાવે કે ચીસો પડે તો ય ઘણી વાર બેદખલ કરીને એકલા પાડી દેવામાં આવે છે !
ચિમ્પાન્ઝીમાં આ વિઝ્યુઅલી દેખાતી ખોડખાંપણ માટે હશે એવું ધારવામાં આવ્યું શરૂઆતમાં. પણ મધમાખી અને અમેરિકન બુલફ્રોગ જેવા દેડકાઓના અભ્યાસે તો જુદું તારણ આપ્યું. મધમાખીમાં બેક્ટેરિયા અને બુલફ્રોગમાં યીસ્ટનું ઇન્ફેકશન લાગે એની ખબર બીજા નોર્મલ સાથીઓને એના શરીરમાંથી છુટ્ટા કેમીકલની ગંધ બદલાતા ( વધુ ગંદી થતા ) પડે છે, અને એ લોકો એને હડસેલીને દૂર કરી દે છે, એ ચેપ ફેલાય નહિ બીજામાં એટલે ! ઘણા માન્સાહારીઓની જે પ્રિય વાનગી છે એવા લોબસ્ટરમાં ય વાઈરલ ઇન્ફેકશન લાગે એટલે કોઈ ટેસ્ટિંગ કીટ વિના જ બીજાઓ જાણી જાય છે. બહારથી હેલ્ધી દેખાતા પણ અંદરથી ચેપગ્રસ્ત હોય એવા મેમ્બરને એ પણ આઈસોલેટ કરી દે છે કેમિકલ ગંધ બદલાતા !
પૃથ્વી પર જ નહિ દરિયામાં ય આવું જ છે. અમુક પ્રકારની વહેલ પણ આમ જ કરે છે. અમુક સજીવો તો વળી પ્રકૃતિએ જ એકલસૂડા હોઈ કાયમ હોમ લોકડાઉનમાં હોય એમ જ જીવે છે. ઓશન સનફિશ માત્ર પોતાના પર કોઈ જીવાત હોય એ દૂર કરવા પુરતી પોતાની જાતિની બીજી માછલી સાથે ભલે. બાકી એકલી જ રહે. બ્લ્યુ વ્હેલ ૧૦૦ ફીટ અને ૨૦૦ ટન ની વિરાટ પણ સફર એક્લી કરે છતાં સોનાર સીસ્ટમ જેવા કોમ્યુનિકેશનથી બીજોસાથે સંપર્કમાં રહે. ગ્રીન ટર્ટલ નામના કાચબા ય આમ સોલિટરી જીવ. એકાંતપ્રિય એટલે લાંબુ જીવે ને પુથ્વીના ચૂંબકીય ક્ષેત્રના આધારે પ્રવાસો કરે. રોકફિશ તો આજીવન પોતાનો ખડક ને એની આસપાસનું ઘર છોડે જ નહી. ઓક્ટોપસ તો સંગ બદલાવીને ધ્યાનસ્થ હોય એમ એક જગ્યાએ એકલા પડ્યા જ રહે ! પોલાર બીઅર લાગે તોતિંગ પણ મોટા ભાગે એકલા સૂતા જ રહે મસ્તીમાં રેસ્ટ ઈઝ બેસ્ટ !
હા, પણ કીડી માણસ જેવું સામાજિક પ્રાણી છે. એમાં ય ચેપ લાગ્યો હોય એ બિમારને દૂર તો કરે પણ એને સાવ તરછોડે નહિ. એની જુદી વ્યવસ્થા હોય એ જગ્યાએ એને નિવાસ કરવાનો. પણ જે ક્વીન યાને રાણી હોય એને એનાથી દૂર રાખવાની એટલે સુરક્ષિત રહે. કોરોના માટે જે બદનામ થયા એ બેટ્સ યાને ચામાચીડિયાઓ આવા બિમારને ફળના ટુકડા જેવો ખોરાક ફેંકીને આપે, પણ એની સાથે સંપર્ક તોડી નાખે ! હા, મેન્ડ્રિલ કહેવાતા વાનરોમાં થોડી ઉત્ક્રાંતિ થઇ હશે એટલે એ પોતાના બીમાર સાથીની ચાકરી કરે. પોતાનો સગો કે જૂથનો ન હોય તોય સાચવે. એને કંપની આપે એવું જરૂર નેશનલ જ્યોગ્રાફિકના સંશોધકોને જોવા મળ્યું !
ગપ્પી નામની ફિશ તો અન્ય ઘણા સજીવોની જેમ પાર્ટનર તરીકે હેલ્ધી ન હોય એવા કોઈ ઇન્ફેકટેડની ‘પ્રપોઝલ’ રિજેક્ટ કરે છે. માણસ તો હજુ પ્રેમમાં કે સંબંધમાં આવું નથી જોતો,પણ પર્કૃતીએ સૌન્દ્રનું આકર્ષણ મુક્યું છે જ એટલે આટલું પ્રબળ કે માત્ર તંદુરસ્ત પાર્ટનર જ મેટિંગ કરીને વધુ તંદુરસ્ત જીન પેદા કરે !
ગ્રોથ શું છે ? માત્ર મોટા કારખાના ને વધુ ક્લબ ? લકઝરીયસ કાર ને વિશાળ રસ્તા ? ના. પ્રાણીઓ કેવળ સોશ્યલ ડિસ્ટન્સ કેળવી શક્યા ત્યારે આપણે આ કેર એન્ડ શેરની સીસ્ટમ વિકસાવી એ ! મનુષ્યનું મગજ બધા કરતા વધુ ગડીવાળું તો થયું. પણ એનું દિલ યાને સંવેદનાતંત્ર પણ મોટું થયું. એટલે અજાણ્યાઓ સારવાર માટે શહીદ થનાર ચિકિત્સકો ને નર્સિગ કેરની ગાથાઓ આપણે ત્યાં આવી. કરુણા જેવો શબ્દ અને ઓળખાણ ન હોય એને ય મદદરૂપ થવાની ભાવના આવી. એટલે આ ફૂડ પેકેટ્સ ને સહાયનો ધોધ હોય છે સરકારને ઉપરવટ પ્રજાનો. માણસ નાગરિકશાસ્ત્રમાં ભણવામાં આવતું એમ પ્રાણી છે. પણ સામાજિક પ્રાણી છે. એ હળીમળીને રહે છે. કોઈકના દુઃખે સુખી ને કોઈકના સુખે સુખી થાય છે. ( એનિમલથી ય ઉતરતા એ જે કોઈકના સુખે દુઃખી અને કોઈકના દેખે સુખી થાય ! શેતાનની ઓલાદો !)
એટલે માણસો વળી એકબીજાને મળવા માટે હેન્ડશેક ને હગ લઇ આવ્યા. ભેટવા કે હાથ મેળવવા ( સાચો આપણો શબ્દ હસ્તધૂનન યાને હાથ મિલાવીને જોરથી હલાવવા )ની આખી ક્રિયા જ દૂર રહેવાને બદલે એકબીજાની કરીબ આવીને હૂંફ આપવાની હતી. તમે એકલા નથી, અમે તમારી સાથે છીએ એ ઝાઝું કહ્યા વિના જતાવવાની હતી. ડોન્ટ વરી, એઇડ્સ જેવા વાઇરસના રોગની શરૂઆતની ફડક પછી જેમ સેક્સ નોર્મલ થઇ ગયો એમ થોડા સમય બાદ માણસને એના વગર ચાલવાનું નથી, એટલે એ ય નોર્મલ થઇ જ જશે. ઉદાસીભરે દિન કભી તો ઢલેંગે.
પણ અત્યારે આપણે રાજી થઈએ છીએ ને થવું ય જોઈએ કે આપણું નમસ્તે પોપ્યુલર થતું જાય છે. બે હાથ જોડીને આંખી ને સ્મિતથી આદર આપવાની એ પરંપરા પાછળનું કારણ સ્પર્શ ન કરવાના સ્નાકોચ્થી આગળ આધ્યાત્મિક એવું અપાય છે કે સતત બીજાઓને સ્પર્શથી તમારી ઊર્જા જતી રહે. માટે જરૂર વિના એ ટાળવાનો. એટલે તો એમાં હાથ છાતીસરસા રાખવાના જેથી કોઈ નકારાત્મકતા સામી વ્યક્તિની આપણે સ્વીકારતા નથી,માત્ર આપણી હકારાત્મકતાથી આદર આપીએ છીએ એવો પણ ભાવ રહે ! પાછુ એમ તો ચુંબન પણ ભારતે શોધ્યું ને કામસૂત્ર પણ ! એટલે સાવ નિષેધ એનો રોમાન્સમાં તો નથી જ નથી.
પણ ટચ વિના ગ્રીટ કરવાની અમુક પરંપરા બીજે પણ છે. એના વિષે જાણો છો ? હા, એમાં ભારતના બુદ્ધની અસર ખરી ક્યાંક. થાઈલેન્ડના રાજા ભલે જર્મનીના રિસોર્ટમાં વીસ સેવિકાઓ સાથે કવોરન્ટાઇન થઇ ગયા. પણ ત્યાં આપણા નમસ્તે જેવી વાઈ પરંપરા છે. બે હાથ એક્વીજામાં પરોવી મુઠી વાળી છાતીસરસા લઈને સ્મિત કરવું. ચીનના ય અમુક ભાગમાં એ છે. એ અભિવાદન જ નહિ, માફી માટે પણ વપરાય છે. સાથે બોલવાનું સ્વાતી કા… ( સ્વસ્તિ યાને આપણા સંસ્કૃતમાં કલ્યાણના આશીશ્માથી આવ્યું હશે ?)
એવી જ ચીનથી જાપાન પહોંચી એની ઓળખ બની ગયેલી પરંપરા માથું અને કમરેથી ધડ નમાવવાની છે. બો ડાઉન કહેવાય એ નમન. શરૂઆતમાં માત્ર શાહી ઉમરાવો અને સમુરાઈ યોધ્ધાઓ જ એ કરતા.પછી ફેલાતું ગયું. મૂળ હેતુ એ જ કે સામા માણસ તરફથી માથા પર તલવાર ચાલવાનો ભય નથી એ બતાવવું. એમાં ય પાછો ફરક હોય. માત્ર માથું જ ઝુકાવે એ રજવાડી માણસ.બહુ નમે નહિ. અભિવાદન માટે બે હાથ સીધમાં કમર પર રાખીને માઠા સાથે ગરદન નમાવવાની. વિશેષ આદર માટે વધુ નમવાનું ને ને શોક દેખાડવા ૪૫ ડિગ્રી નમી જવાનું !
પૂર્વમાં જ વિજાતીય વ્યક્તિના સપર્શ બાબતે સ્ત્રીઓને પરદામાં રાખનાર ઇસ્લામમાં સ્પર્શ તો અજાણ્યા સાથે તરત હોય જ નહિ. એટલે આદાબ અને સલામ આવ્યા. મૂળ અસ્સલામ આલેકુમ નો અર્થ છે તમને શાંતિ હો. પીસ બી અપોન યુ. સામે જવાબ પણ વાલેકુમ અસ્સલામથી એ જ દુઆ પછી આપી દેવાનો. સામી વ્યક્તિને ટચ નહિ. પણ હાથ એ સલામ માટે હદય પર રાખવાનો આદર જતાવવા ને સહેજ ઝૂકવાનું. આંખોસુધી હથેળી લઇ જઈને અમુક જગ્યાએ આદાબ થાય . મૂળ વાત એ કે ડાયરેક્ટ અજાણ્યા સાથે સ્પર્શનો વહેવાર નહિ. હા, એની સુખાકારીની દુઆ જરૂર કરવાની.
એમ તો હાથ હલાવી ને વેવ સાથે હાઈ કે હેલો કહેવાનું પશ્ચિમમાં ય છે જ. મન ફાવે એમ ગમે તેને વળગીને બચીઓ કરવાનું નથી જ ! પણ લાકોટા કલ્ચરમાં તો આંખ પણ મેળવ્યા વિના માત્ર સીધા ઉભા રહીને જ દૂરથી અભિવાદન કરવાનું. તો ઝામ્બિયામાં હાથના આંગળાઓ પરસ્પર અંકોડા એકબીજામાં ભેળવીને પરોવવાના એ નમસ્તે જેવું અભિવાદન. ને એ જ મુદ્રામાં તાળીઓ પાડો હથેળીથી એટલે નિકટના સગાઓ માટે ખાસ ગાઢ અભિવાદન ટાઈટ હગની જેમ !
પણ આપણાથી આટલું અંતર પણ એમ તો આજે સહન નથી થતું. આ બધા અભિવાદન એ યુગના છે જયારે પુરુષો મોભી હતા. વાઘની જેમ રહેતા. માત્ર મેટિંગ પૂરતા અને બાળકો ઉછેરવા પૂરતા વાઘ નજીક આવે. બાકી એકબીજાથી દૂર રહે એવું. વળી લડાઈઓ સતત થતી.અજાણ્યા પર ઝટ ગળે મળવાના ભરોસામાં મોતનો ડર રહેતો. સ્પર્શમાં ઝેરની બીક રહેતી. અત્યરે આ લોકડાઉનનું ઘેર રહેવું ખૂંચતું નથી. કારણ કે ઇન્ટરનેટ છે, મોબાઈલ ને ટીવી છે. લાઈટ છે. વાતો કરનારા ને વિડીયો જોનારા ય છે. બાકી સાચેસાચ એકાકીપણાનું સોશ્યલ ડિસ્ટન્સ આવે તો ઘણા પાગલ જેવા થઇ જાય ને ઘરમાં કરડવા દોડે !
આપણે કેવળ સોશ્યલ નથી. અલ્ટ્રાસોશ્યલ છીએ. આપણે જે પ્રગતિ કરી એ ગ્રુપ બનાવીને. જે કળાઓ રચી એ સાથે મળીને. કોઈ સર્જક તો કોઈ ચાહક. રોમાન્સને રંગો ય શબ્દો ને ચિત્રોના આપણે આપ્યા. નગરરચનામાં કબીલાથી આગળનું સ્ટેજ છે. જ્યાં પાડોશમાં કે સફરમાં કોઈ અજાણ્યા મળે. સ્કૂલ કે બૂક કે સિનેમા – બધામાં કોઈં અન્ય જોડેના કનેક્શનની વાત છે. કચ્છનો ભૂકંપ હોય કે મચ્છુના પૂર એકબીજાના ટેકેટેકે જ આપણે બચ્યા છીએ. લોન્લીનેસ એ આપણા માટે હેપિનેસનો ઓપોઝિટ છે. બહુ લોકો ગમે નહિ ને હસીને બીજા સાથે હળવાભળવાની ચીડ ચડે એવા ધૂનીઓ માનસિક રીતે બીમાર જ હોય છે. બેશક, થોડા સમયે ફ્રેશ થવા જાત સાથેના સંવાદનું એકાંત જોઈએ. પણ સાવ એકલું કાયમ જ જીવવાથી ય ઘણી બીમારીઓ થાય, એ તો મેડિકલ ફેક્ટ છે. હળવા થવા માટે વાત ઠાલવવા માટે કોઈ સ્વજન જોઈ ફ્રેન્ડ જોઈએ. ઈમોશનલ પ્લેઝર માટે ટચ, હગ, કિસ જોઈએ. એ પણ એક સંવાદ જ છે ભાષા વગરનો !
પણ અત્યારે તો એટલું જ સમજવાનું કે આપણે સાવ જંગલી નથી કે ક્રૂર થઈને બીજાઓને એકલા પાડી દઈએ. બીમાર દાદ્રીને તો અસ્પૃશ્ય નથી સમજવાનો કે એનો તિરસ્કાર કરીને ભડકીએ. પણ એની સારવાર કરનાર કેરગિવર્સ, ડોકટર્સ કે નર્સ જેવા મેડીકલ પેરા મેડિક્લ સ્ટાફ, સતત આકરી ફરજ બજાવતા પોલીસ કે નર્સ સાથે સારો વ્યવહાર ને ઘંટડી એક વાર વગાડ્યા વિના સતત એમની સાચી કદર – પછી બેંકવાળા હોય કે શાકવાળા, પંપવાળા હોય કે વીજવાળા – એ ય આપણી કૃતજ્ઞતા અને અનુકંપા છે. જેણે લીધે આપણે આ જગત પર છવાઈ ગયા એ ફક્ત તાકાત નથી. એ તો હાથી પાસે ય હતી ને સિંહ પાસે ય. એ છે બુદ્ધિ અને લાગણીનું સંતુલન.
યાદ રાખો, આ ટોર્ચર લાગે તો ય ટેમ્પરરી છે. આપણે એકલા નથી પડવાનું. પણ લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સના ચુસ્ત અમલથી કાળમુખા વાઈરસને એકલો પાડી દેવાનો છે !
ઝિંગ થિંગ
“ દરેક માણસ પૃથ્વી પર નાનકડો ફેરો કરવા આવે છે. પણ શું કામ આવે છે એ બાબતે બેખબર રહે છે. કદાચ આપણે બીજાઓ માટે આવીએ છીએ,જેમ કોઈ આપણા માટે આવે છે. આપણું સ્મિત અને સુખ બીજાઓ સાથે જોડાયેલું છે. આપણું નસીબ બીજાના નસીબ સાથે જોડાયેલું છે. આ વીજળી કે પાણી કે સ=રસ્તા માટે લાખો લોકોએ મહેનત કરી છે. કેટલાકે તો જીવ આપ્યા છે. કોઈક મરી મહેનત પર જીવતા હશે ને હું કોઈકની મહેનત પર મોજ કરું છું. કોઈક દુઃખી કરે છે, તો કોઈક સુખી. આપણા થકી ય બીજાઓને એવા અલગ અનુભવો હશે. આપણે બધા કર્મથી એકબીજા સાથે જોડાયેલા છીએ, એ સમજવા ધરતી પર આવતા રહીએ છીએ !” ( આલ્બર્ટ આઇન્સ્ટાઇન )
જય વસાવડા “અનાવૃત”, ગુજરાત સમાચાર તા. ૮ એપ્રિલ ૨૦૨૦ બુધવાર.
amulsshah
April 10, 2020 at 8:10 PM
NOTHING NEW SAID BY MR.VASAVDA THIS TIME….HOPE ALL ARE FOLLOWING
LikeLike
Charul
April 10, 2020 at 11:14 PM
Definitely the article is a good one;new things to know; could recall writing of Bakshi;though style is different; Ibut original;totally follow as Gujarati language need Jay Vasavda more and more.
LikeLike
monalimankad
April 13, 2020 at 6:58 PM
Well articulate sir ..
Sent from Yahoo Mail on Android
LikeLike
Milind kumar Bhankhariya
April 28, 2020 at 8:25 PM
આમ તો સાહેબ પહેલાં તમને સાંભળ્યા ત્યારબાદ હવે તમારા સાહિત્ય ને વાંચ્યું મજા આવી 😊😊
LikeLike