RSS

Monthly Archives: April 2020

લોકડાઉનમાં બત્રીસ ફિલ્મોના પકવાન !

spec movie photo 2020
ગુજરાતમાં જ નહિ, ભારતભરમાં અણધાર્યું પણ બેહદ અનિવાર્ય એવું ફેમિલી વેકેશન શરૂ થઈ ચૂક્યું છે. પણ આ વેકેશન ફરવા તો શું બહાર જવાનું પણ નથી એ બધા જાણે છે. આ વાઇરસ સામે જંગની ટોળાબંધી- તાળાબંધી છે જેનાં ઘર-આંગણાની બહાર પગ મૂકવાનો નથી. બહારના કોઈ પણથી સુરક્ષિત છ ફીટનું અંતર જાળવવાનું છે.

નેચરલી, આમાં હર કોઈની ડિમાન્ડ હોય મસ્ત મજાની ફિલ્મોની. વાંચવાનો શોખ હોય તો ય એ બૂક તાબડતોબ ઓર્ડર ન થઈ શકે તેવી સ્થિતિ છે. બધાં જાણે જ છે. માટે આપણે દુનિયાભરમાં છેલ્લા વીસ વર્ષથી જે અનોખો ટ્રેન્ડ સેટ કર્યો છે, એ વાર્ષિક ચેકલિસ્ટ શરૂ કરી દઈએ. વેબ પ્લેટફોર્મની બધાને ખબર છે જ. એમેઝોન, નેટફ્લિક્સ, હોસ્ટાર પર મોટા ભાગની મળી જાય. બાકી ગૂગલ પે/ યુ ટયુબ મૂવીઝ પર હોમ વ્યૂઇંગના પૈસા ભરી દઈને. (મફત તો વેબ પ્લેટફોર્મ પર પણ નથી.) ને વર્સ્ટ કમ વર્સ્ટ ડાઉનલૉડ કરી શકાય.

બુકના તો પાર્સલ પણ બંધ છે અત્યારે કોઈને વાંચવી હોય તો ! ભારતમાં સૌથી વધુ ટીવી ને વેબ સ્ટ્રીમિંગને અત્યારે વ્યુઅર્સ મળે છે, એવા રિપોર્ટ્સ છે. જગતભરમાં આવું જ છે. ઇન્ટરનેશનલી એ માટે ખાસ કેટલાક મૂવીઝ કે પ્રોગ્રામ્સ મુકવામાં પણ આવ્યા છે. એક ધંધો બંધ થયો છે થિયેટરોનો, ત્યારે બીજો વધી ગયો છે. હોમ વ્યુઈંગનો. વેબ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોય, એવી ફિલ્મો પર જ ફોકસ કરવું પડે. અત્યારે હજુ મોજ માણવાનો, નવું જાણવાનો ટાઈમ જ ટાઈમ છે. તો ચાલો ક્વિકલી આંગળી ચીંધ્યાનું પુણ્ય મેળવી લઈએ, અગાઉ જેની ભલામણ ન કરી હોય એવી અવનવી ફિલ્મોના ખજાના તરફ.

આપદધર્મ જોતાં. જેના પર લેખ લખાઈ ગયા છે એવી ‘ધ સર્ચિંગ’ કે ‘ધ રૂમ’, ‘હર’, ‘આઇ એમ લીજેન્ડ’, ‘ઇન્સ્ટીન્કટ’, ‘ગેટ આઉટ’, ‘રેડ આય’ ફિલ્મો જોવાનો આ આદર્શ સમય છે. જેનો અગાઉના લેખોમાં ઉલ્લેખ થઈ ગયો છે, એવી ’10, ક્લોવરફિલ્ડ લેન’ કે ‘ધ ઇન્ટ્રુડર્સ’ કે ‘પરફેક્ટ સ્ટ્રેન્જર્સ’, ‘ગોડ્સ ઑફ ઇજીપ્ત’ કે ‘ડિર્સ્ટબીયા’, ‘સ્ટાર ડસ્ટ’ જોવાનો પણ. કારણ કે, એમાં કોઈમાં ક્વૉરન્ટાઇનની વાત છે, તો કોઈમાં વાઇરસની. કોઈમાં નેચર સાથેની છેડછાડની વાત છે તો કોઈમાં એકલા ઘરમાં પુરાઈ રહેવાની એટલું જ જરૂરી છે હિન્દીમાં રહસ્ય, શાદી મેં જરૂર આના, કરીબ કરીબ સિંગલ, બરેલી કી બરફી, દે દે પ્યારદે, ચિલ્લર પાર્ટીનું રિવિઝન કરવાનું.

એવી જ રીતે હોટસ્ટારને ડિઝની પ્લસે ખરીદી લીધું પછી આખી એનિમેશન ફિલ્મોની સીરિઝ હિન્દીમાં મૂકી છે જેમ કે, ટોય સ્ટોરી એવી જ જોવા જેવી સીરિઝ આખી ‘આઇસ એજ’, ‘ઇન્ડિયાના જોન્સ’ અને ‘નેશનલ ટ્રેઝર’ છે. પ્યોર એડવેન્ચર ફન જર્ની: 1-2, અને ‘સેન્ટર ટુ અર્થ’ અને ‘મિસ્ટીરિયસ આઇલેન્ડ’ સાથે ‘માડાગાસ્કર’ 1-2-3 અને હિન્દી થઈને એમેઝોન પર આવેલી ઓસ્કારવિનર પેરસાઇટ કે હોટસ્ટારપરની ‘અપ’ અને ‘વોલ ઇ’ પણ ખરી જ. આ બધા વિષે અગાઉ વાત થઈ હોવા છતાં રિમાઇન્ડર જરૂરી છે. એક- એક નામ સર્ચ કરીને તૂટી જ પડો. બધું સપરિવાર જોઈ શકાય એવું ફેમિલી એન્ટરટેઇનમેન્ટ છે. ગાય રિચીના બેઉ ‘શેરલોક હોમ્સ’ ચૂકાઈ ગયા હોય તો જોઈ જ કાઢજો, દિમાગની ધાર નીકળશે નેટફ્લિક્સ પર ! ગુજરાતી ફિલ્મો ‘રતનપુર’, ‘ચલ મન જીતવા જઈએ’ અને ગુજરાતી ‘બેક બેન્ચર’ પણ રિપિટ કોર્સમાં લેવા જેવી ખરી.

ચાલો, આ ક્વિક રિકેપ સાથે હવે શરૂ કરીએ જેવી સ્પેશ્યલ ચેકલિસ્ટ :  આટલું જોતા થાવ, બીજો પછી આપીશું હજું ઘરમાં જ જડબેસલાક રહેવાનું છે, એ ભૂલતા નહિ યારો.

(1) ક્યોર ફોર વેલનેસ : ઓરિજીનલ ‘પાઇરેટ્સ ઓફ કેરેબિયન’ સીરિઝના સર્જકના સર્જક ગોર વર્બોન્કીની આ લાજવાબફિલ્મ નેટફ્લિક્સ ઇન્ડિયાએ હિન્દીમાં ડબના ઓપ્શન સાથે મૂકી છે. રહસ્યના તાણાવાણા અને સ્વીત્ઝર્લેન્ડ- જર્મનીના એક્ઝોટિક લોકેશન. એમાં ય કોઈ પણ બીમારીને નાથી, હંફાવી સદાકાળ માટે યુવા રહીને જીવવાના અમરત્વના સપનાની થીમ અત્યારે તો જોવી ગમે જ.

પણ ઘૂંટી, ઘૂંટીને સમજવા જેવો તો એ ફિલ્મનો ઓપનિંગ ડાયલોગ છે. સારાંશ વાંચો ”આપણા બધાની અંદર એક બીમારી છે. જીંદગીનો સ્વાદ કડવો બનાવે એવી. પણ આપણું શરીર બળવો કરે અને મન ચીસો ન પાડે ત્યાં સુધી આપણે એની ઉપેક્ષા કરીએ છીએ. મનુષ્ય એક જ એવી પ્રજાતિ છે, જેના જીનેટિક કોડમાં શંકા (ડાઉટ)ની ગિફ્ટ મળેલી છે. આપણે બનાવીએ, ખરીદીએ, વાપરીએ એ મટીરીયલ એક્સેસના ભ્રમમાં જીવીએ છીએ. એ માટે આપણે બીજાને અને ખુદને છેતરીએ છીએ. બીજાને પછાડી ટોચ પર પહોંચવાની રમતને આપણે નામ આપ્યું છે : એચિવમેન્ટ”

આવું લખીને એ પ્રતિષ્ઠિત કંપનીનો ડાયરેક્ટર એક યુરોપિયન રિસોર્ટમાં સ્વાસ્થ્યની તલાશમાં સંપત્તિ છોડીને જાય છે, જેની સહી કરાવવા કંપની એક જુવાનને મોકલે છે. પણ ઉપરઉપરથી ઠીકઠાક દેખાતા રિસોર્ટમાં ઘણું ય ગરબડવાળું છે. ભેદભરમથી ભરપૂર !

(2) અનનોન : ઘુરંઘર ફિલ્મમેકર રોમન પોલાન્સ્કીની હેરિસન ફોર્ડ અભિનીત કલ્ટ ક્લાસિક ફિલ્મ હતી ‘ફ્રેન્ટિક’ જેમાં હિચકોકીયન સસ્પેન્સ સ્ટાઇલમાં એક ડોક્ટરની પત્ની ગુમ થઈ જાય છે. (નબળી હિન્દી નકલ મહેશ ભટ્ટની ‘ક્રીમીનલ’ અને સુનીલ શિલ્પા શેટ્ટીવાળી ‘પૃથ્વી’) એ પ્લોટ પછી જગત આખામાં રિટોલ્ડ થતો રહે છે. સ્પેનિશ ડાયરેક્ટર જ્યોમે કોલેટ સેરાની ‘અનનોન’ એ જ લાઇન પર બનેલી ટકાટક સસ્પેન્સ થ્રીલર છે. એક સ્કોલર સાયન્ટીસ્ટ પ્રેમાળ પત્ની સાથે કોન્ફરન્સમાં ભાગ લેવા બર્લિન ઉતરે છે પણ એની બેગ ટેક્સીમાં ભૂલાઈ જતાં હોટલેથી એરપોર્ટ પાછો જાય છે જેમાં એને એક્સિડન્ટ નડે છે. બેહોશીમાંથી ભાનમાં આવે ત્યારે અડધી યાદદાશ્ત જતી રહી છે. પણ નામ, કામ, કોન્ફરન્સ બધું યાદ છે. પણ હોટલે ફરી પહોંચે છે. તો એની જગ્યાએ એના નામથી એની પત્ની સાથે જ કોઈ અજાણ્યો માણસ ગોઠવાઈ ગયો છે.

જે સાવ અલગ હોવા છતાં એને પ્રાઈવેટ ટોક કે ઈમેઈલની પણ ખબર છે ! અને શરૂ થાય છે દિલધડક એન્ડ !
લીયામ નીસન અભિનીત આ થ્રીલરથી ડાયરેક્ટર એક્ટરની જોડી એવી જામી કે એક એકથી ચડિયાતી ફેમિલી સસ્પેન્સ થ્રીલર્સ એમણે આપી છે એ જ ટીમ ને નખની સાથે આંગળીને ટેરવા ચાવી જાવ એવા સસ્પેન્સફુલ પ્લોટ. જેની અગાઉ ભલામણ થઈ ચૂકી છે એ ‘નોનસ્ટોપ’ અને ‘કોમ્યુટર’ પણ આ જોડીની જ ફિલ્મો. બધી જ નેટફ્લિક્સ પર. ત્રણેય જોઈ લો. અચૂક.
(3) ક્રોલ : જ્યોને કોલેટ એરા જેવા જ એક આલાતરીન સ્પેનિશ ડાયરેક્ટર છે : એલેહાન્દ્રેે આવી. એ ય ફિલ્મો અંગ્રેજીમાં બનાવે છે. વરાયટી બનાવે પણ થ્રીલર પર જબરી પક્કડ. અગાઉ ભલામણ થયેલી ‘હોર્મ્સ’ જેવી બેનમૂન ક્રિએટીવ રોમેન્ટિક સસ્પેન્સ ફિલ્મ પણ એમની બનાવેલી. એડલ્ટ ફન જેવી 2010ની ‘પિરાન્હાડી’ પણ એમની ‘ગોર’ કહેવાય એવી લાશો ને ન્યુડ બીચ પાર્ટીઝ્ડ બતાવતી પ્યોર એન્ટરટેઈનર ફિલ્મ પણ આ ક્રોલ (પેટ ઘસડાઈને ચાલવું) એમની ફેમિલી ફિલ્મ છે. અમેરિકામાં જોરદાર હરિકેન આવ્યો છે. તોફાનમાં રોડ બ્લોક છે. પાણી ભરાતા જાય છે પૂરના. એમાં એક જુવાન દીકરી એના ઘરડા બાપને શોધવા એના ઘેર જાય છે. ઘાયલ પિતા તો મળે છે, પણ ઘરના બેન્ડમેન્ટમાં ભરાયેલા પાણીમાં ખૂંખાર મગરો ચડી આવ્યા છે. વોટ નેકસ્ટ ? એ યુવતીનો જુઝારુ જંગ મગરો અને તોફાન સામે. માંજરી આંખો ધરાવતી કાયા (એ કુટડી હીરોઈનનું નામ છે. મેઝ રનર ફિલ્મ સીરિઝમાં ટેરીઝા બનેલી)ની અદાકારી પણ તૂફાની છે. ગૂગલ મૂવીઝ પર છે.

(4) ધ ઈમ્પોસિબલ : કોરોના આવ્યું એના અગાઉ આવેલી સુનામીની આફત ભૂલાઈ ગઈ. આપત્તિ તો દરેક કાળઝાળ હોય જ છે. જીંદગીના નકશા ફેરવી નાખનારી. એમાં ય આ નામ જેવા જ ગુણ ધરાવતી માની ન શકાય છતાં ફિલ્મી પડદે નહિ, પણ સાચે જ બનેલી ઘટનાઓની ચેઈન ધરાવતી ફિલ્મ તો અત્યારે અચૂક નેટફિલક્સ પર જોવા જેવી છે. આઈલેન્ડના દરિયાકાંઠે વેકેશન ગાળવા એક પરિવાર આવ્યો છે. મમ્મી-પપ્પા ને ત્રણ દીકરા જેમાં બે તો સાવ નાનકડાં છે. અને અચાનક સુનામીનું મોજું આવે છે. પાંચે ય જણ એકબીજાથી દૂર વેરવિખેર ફંગોળાઈ જાય છે. બધું તહસનહસ. ભાષા ન સમજાય એવો અજાણ્યો દેશ. મા તો બચે છે, ને મોટો દીકરો ય એને મળે છે. પણ બાકીના ? જીવે છે ? જીવતા હોય તો મળે કેવી રીતે ? ફોન પણ નથી. સામાન નથી. અને પાણી જ પાણી.

શું થાય છે, એ જોવાનું શરૂ કરશો પછી બંધ નહિ કરી શકો. એમાં આફતમાં એકબીજાને ટેકો કરવા ઉભી રહેતી માનવતાની ય વાત છે. સરહદો કૂદાવીને હમ સબ એક હૈ અને જાપાનીઝ ફેમિલી બ્રિટીશ થઈ ગયું છે અહીં. પણ સાચી બનેલી ઘટના કંટાળો ન આવે એવી ખૂબીથી મૂકાઈ છે. (કાશ, આપણા ભૂકંપ માટે ય આવા સ્ટોરીટેલર્સ મળે !) બોટમલાઇન : રામ રાખે, એને કોણ ચાખે ?
(5) એસ્કેપ રૂમ : એમેઝોન પરની આ નવી નક્કોર થ્રીલરમાં બધું જ છે. સો જેવી ગેઈમ્સ છે, પણ લોહીના ફુવારાવાળી કાપાકાપી નથી. ‘ધ ક્યુબ’ જેવો સસ્પેન્સ છે, પણ બોરિંગ નથી. છ અજાણ્યા જણને એક ભેદી આમંત્રણ મળે છે. ઈનામ માટે એક ગેઈમ રમવાનું. જેમાં અલગ-અલગ ઓરડાઓમાંથી રસ્તો શોધી આગળ વધવાનું છે. નિર્દોષ લાગતી ગેઈમ જોતજોતામાં ભયાનક ડેથ ટ્રેપ બની જાય છે ! છ વ્યક્તિમાંથી કોણ બચે છે ? કેવી રીતે શોધે છે આફતમાંથી રસ્તો ? દરેક રૂમમાં કેવી કેવી રીતે નવા નવા છટકાં ગોઠવાયેલા છે ? મજેદાર થ્રીલર.
(6) ગેઈમ નાઈટ : ઘરમાં બેઠાં બેઠાં કરવું શું ? રમતો રમવાની ગેઈમ્સ. એકબીજાને બહુ પ્રેમ કરતું ક્યુટ કપલ છે. મેક્સ અને એની. જેને બાળક નથી થતું. પતિને એના પૈસાદાર ભાઈ બૂ્રકસની સફળતાનો છૂપો કોમ્પલેક્સ પણ છે. એ યુગલ બીજા એક મિત્રને એક કપલને બોલાવી વીકએન્ડમાં ગેઈમ્સ રમે છે. ત્યારે સીન-સપાટા સાથે પેલા બૂ્રકસભાઈ એન્ટ્રી કરીને કહે છે, કે આ શું રમો છો. આવો મારી ઘેર ગેઈમ રમવાનો શોખ હોય તો. ને બૂ્રક્સ બધાને ઈમ્પ્રેસ કરવા વળી એક એજન્સી ગેઈમ રમાડવા માટે નાટક કરતા કલાકારોની ભાડે રાખે છે, ને પછી…
પછી તો ધમાચકડી ! ઈસ રાત કી સુબહ નહીં વાળી અફરાતફરી ! એક બાજુ દિલચસ્પ રહસ્યને બીજી બાજું ફેફસાફાડ કોમેડીને વચ્ચે ચાલતો હસબન્ડ-વાઈફનો રોમેન્ટિક ટ્રેક જલસો પડી જશે નેટફિલક્સ પર આ ઘેરબેઠાં જોવાનો !
(7) બ્યુટીફૂલ ક્રીચર્સ : હેરી પોટર મીટ્સ ટ્વાઈલાઇટ જેવી ફિલ્મ હોય તો કેવા આનંદના ઘોડાપૂર આવે ? આ ફેન્ટેસી રોમેન્ટિક ફિલ્મ મલ્ટીસ્ટારર ને બ્યુટીફૂલી શોટ તો છે જ. પણ હૃદયસ્પર્શી ય છે. મૂળ તો આખી કેમી ગાર્સિયા અને માર્ગારેટ સ્ટ્રોલની નોવેલ સીરિઝ પરથી જ છે. પણ એટલા સરસ ડાયલોગ્સ છે કે જાણે પ્યોર પોએટ્રી ! એક દૂરસુદૂરનું અમેરિકન ગામ છે. જ્યાં કશું ખાસ થતું નથી એટલે એક મા વિનાનો ટીનેજર યુવાન બોર થાય છે. એની હાઈસ્કૂલમાં એક છોકરી આવે છે, જે વિશાળ જુનવાણી હવેલીમાં કાકા સાથે રહે છે અને જાદુગરણી હોવાની અફવા છે. પછી ચોરી ચોરી ચૂપકે ચૂપકે પ્રેમમાં પડે છે. બાદમાં ખબર પડે છે કે એ છોકરી તો રોલિંગની દુનિયાના ‘વિઝાર્ડસ’ જેવા ભૂતિયા જાદુગર કાસ્ટર ફેમિલીની છે. ને શરૂ થાય છે બ્રાઇટ સાઇડ અને ડાર્ક સાઇડ વચ્ચેના તોફાન. જેમાં અર્થ જડે છે, પ્રેનો, ત્યાગનો, શ્રદ્ધાનો, ઇશ્વરનો, માનવતાનો ! કાવ્યમય સંવાદો, જાદૂઈ એકશન અને વાસંતી બગીચા જેવો રોમાન્સ. માહોલ આસપાસ બનાવી દેતી ફિલ્મ છે. મસ્ટ સી.
(8) ડમ્બો : ભલે ટીમ બર્ટનની હોવા છતાં નબળી એકટિંગને લીધે ફ્લોપ ગઈ હોય, પણ આ ડિઝનીની એક ક્યૂટ ક્યુટ મદનિયાંની વાર્તા માંડતી ફિલ્મ બચ્ચાંઓને ખોળામાં બેસાડીને અત્યારે જોવાનું ભૂલવા જેવું નથી. હોટસ્ટાર પર છે. વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી, ની જે ફીલિંગ કુદરતે આપણી આસપાસ રાખી છે ને, એનો પ્રકૃતિએ વાઇરસથી આપેલો રિમાઇન્ડર પાકો કરાવે એની ફિલ્મ છે ઉડતા હાથીની. એન્જોય.
(9) પતિ, પત્ની ઔર વોહ : સંજીવકુમારવાળી બી.આર.ચોપરાની ઓરિજીનલ તો ચકાચક હતી જ. પણ કાર્તિક આયર્ન અને ભૂમિ પેડનેકરવાળી ફિલ્મ એમેઝોન પર અત્યારે હળવાફૂલ કરી દેશે, એની ગેરેન્ટી. શરૂઆત જરાક ધીમી લાગશે, પણ પછી તો જૂના હંગામા-હેરાફેરીવાળા પ્રિયદર્શનનો યુગ તાજો કરાવી દે એવા ધાણીફૂટ રમૂજી સંવાદોની સમઝટમાં જ પૈસા વસૂલ છે. ધ્યાન ન આપો તો અમુક મસ્ત રમૂજો ચૂકાઈ જાય એવું બને. અને રિમેક પણ સાવ જુદી જ રીતે બનાવી છે. નાના-નાના પાત્રો અને કેમિયો રોલ (સની સિંહ ને સ્ટુડન્ટ રાકેશ બનતો અભિનેતા) ય ઉપસી આવે ! જોઈ હોય તો ય ઘેર બધા સાથે ફરીવાર જોવા જેવી. આટલી સારી કોમેડી તો હમણા આયુષ્યમાનની આવેલી ‘ડ્રીમગર્લ’ નહોતી જ.
(10) સ્કાય ઇઝ પિંક : વિચિત્ર લાગતા ટાઇટલને લીધે અને કોઈ હેવી આર્ટી ફિલ્મ હશે એવા તદ્દન ખોટા પ્રમોશનને લીધે ફરહાન-પ્રિયંકા અભિનિત આ હિન્દી ફિલ્મ ભાગ્યે જ કોઈએ જોઈ. સીધી નેટફ્લિક્સ પર આવી ગઇ. પણ જુઓ તો ખબર પડે કે આંસુ આંખમાં આવે એવી વાત કેવી હસતા હસાવતા કહેવાઈ છે ! ઇટ્સ લોકડાઉન સ્પેશ્યલ ફિલ્મ. રમૂજથી રજુ થયેલી એકદમ સંવેદનશીલ કુટુંબકથા. આકાશ બધાનું વાદળી જ હોય એવું જરૂરી નથી. કોઇનું ગુલાબી પણ હોય. એકબીજાના ટેકે ઉભેલા બાળકો ને પેરન્ટસ જ સાચી ‘લાઇફ’ છે. બાકી બધું તો ‘વર્લ્ડ’ છે, એ સમજાવતી સુંદર ફિલ્મ !
(11) ઓક્સિજન : એમેઝોન પરની આ ગુજરાતી ફિલ્મ ચૂકવા જેવી નથી. એટલા માટે કે રિલીઝ વખતે થિયબેટરમાં ભલે અન્ડરરેટેડ રહી, પણ ગોવિંદાને લઇને રાજકુમાર હિરાણીએ કે અમિતાભને લઇને ઋષિકેશ મુખર્જીએ બનાવી હોત એવી એની વાર્તા છે. (સારી વાર્તાની તલાશમાં અત્યારે લોકડાઉન થઇ એની રિટાયર થયેલા શાહરૂખે આ રિમેકથી હિન્દીમાં કમબેક કરવા જેવો છે !) ગુજરાતી ફિલ્મની આવી મસ્ત ઓરીજીનલ પ્લોટની સ્ટોરી હોય જેનારાઇટ્સ બીજી ભાષામાં વેંચી શકાય એ તો કમાલ કહેવાય. જુઓ, વિથ ફેમિલી એક છત નીચે ખાસ !
(12) વન્ડર પાર્ક : ઘેર બેઠાં એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ કરાવતી એમેઝોન પરની હિન્દીમાં ય ઉપલબ્ધ એવી ચિલ્ડ્રન એનિમેશન ફુલ ઓફ જોય એન્ડ કલર્સ. અને એક ઉપયોગી મેસેજ. ઇમેજીનેશન કરતા રહો તો નવા નેશન પણ બનાવી શકશો  !
(13) ઇન્ફ્રેડિબલ્સ ટુ : હોસ્ટાર પર હિન્દીમાં ય ઉપલબ્ધ કુલ ઓન ફેમિલી જલસો ! આ ય એક પરિવારની જ સ્ટોરી છે. હિટ ફિલ્મ છે. પણ લોકડાઉનમાં તો ખાસ જેવી ગમે એવી છે, કારણ કે એમાંય ઘરમાં રહીને એકબીજાના ‘સુપરહીરો’ બનતા ફેમિલી મેમ્બર્સ છે !

(14) છપાક : હવે આમાં વધુ લખવાની જરૂર ખરી. થિયેટરમાં ભલે ન ગયા હો, હોસ્ટાર પર ચૂકતા નહિ !

(15) લેટર્સ ટુ જુલિયેટ : ઈટાલીને ઝટ કોરોના વળગ્યો જ એટલે કે ત્યાં પ્રવાસીઓ બહુ આવતા હોય, ચીનમાંથી પણ. એમાં ધરતી પર સ્વર્ગ જેવો પ્રદેશ હોય તો એ આપણા સેલિબ્રિટીઝ જ્યાં લગ્ન કરવા દોડે છે, એ ટસ્કાની. રળિયામણો ને રોમેન્ટિક. ત્યાં આકાર લે છે આ ડાયરેક્ટર ગેરી વિનિકની અકાળ અવસાન પહેલાની જીવનની છેલ્લી ફિલ્મ. એમાં ય સોહામણી અમન્ડા સીફ્રેન્ડ હીરોઈન એટલે બેનમૂન સૌંદર્ય બમણું થઇ જાય.મૂળ તો રોમિયો એન્ડ જુલિયેટ વાળી જુલિયેટનું વતન ગણાતું વેરોના ગામ ત્યાં આવેલું છે. જ્યાં ઘણા લોકોપોતાના પ્રેમપત્રો આજે ય મુકી જાય છે. એ હકીકત પર પાયો છે, આ ફિલ્મની કહાનીનો,જેમાં મંગેતર સાથે ત્યાં ફરવા ગયેલી નાયિકા એક ૫૦ વર્ષ જૂના પત્રનો જવાબ મસ્તીમાં લખે છે. એમાંથી શરુ થાય છે, એક યાદગાર તલાશ પચાસ વર્ષ પહેલા વિખૂટા પડેલા પ્રેમીની. હૃદયસ્પર્શી ક્ષણોનો આખો ગુલદસ્તો છે, આ પ્રેમતરબોળ ફિલ્મમાં નેટફ્લિકસ પર જોઈ લો. પછી નિરાંતે વાત.

(16) ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી એડવેન્ચર્સ ઓફ એડેલ બ્લાં સેક : ફ્રાન્સમાં ક્યારેક ઇંગ્લિશ ફિલ્મો ય બનાવી નાખનારા અને સાયન્સ ફિક્શનથી થ્રિલર સુધીની રેંજ ધરાવતા લુક બેઝોંએ ૨૦૧૧માં બનાવેલી ત્યાની ફેમસ કોમિક બૂક કેરેકટર પરની મોજેદરિયા જેવી ફિલ્મ ઇંગ્લિશ ડબીંગ સાથે એમેઝોન પર છે ! લારા ક્રોફટ મીટ્સ ઇન્ડિયાના જોન્સ જેવી મજેદાર ફેન્ટેસી રાઈડ. પેરિસની એક ફૂટડી યુવતી, જે સાહસિક એકસપ્લોરર છે. અને ઈજીપ્તમાં પોતાની બીમાર બહેનના ઈલાજ માટે એક પ્રાચીન વૈદનું મમી લેવા પહોંચી જાય છે, એની બહેનના ઈલાજ માટે. અને એ સમયે પેરિસમાં એક જાદૂઈ જીવવિજ્ઞાની મ્યુઝિયમમાં પડેલા એક ડાયનોસોરને જીવંત કરવાની કોશિષ કરે છે.અને વચ્ચે છે એક ખાઉધરો અને બોઘો ઇન્સ્પેકટર. પછી શરુ થાય છે મસ્ત મનોરંજક સફર. જેમાં નાઈટ ઇન મ્યુઝિયમ પાર્ટ ૧ અને ૨ ની પણ ઝલક છે.

vf 1

(17) હિસ્ટ્રી ઓફ વાયોલન્સ : ‘હમ’ ( વાસ્તવમાં લા મિઝરેબલ ) ટાઈપનો પ્લોટ આમ તો જૂનો ને જાણીતો કહેવાય. જેમાં કોઈ ક્રિમિનલ પોતાનો ભૂતકાળ દાટીને જીવતો હોય ફેમિલી લાઈફ. પણ ગ્રીન બૂકવાળા વિગો મોર્ટેન્સનને હીરો તરીકે ચમકાવતી આ ફિલ્મ એના સોલિડ એક્શન ઉપરાંત ઉત્તમ ટ્રીટમેન્ટ ખાતર જોવા જેવી છે,કેવી રીતે ટિપિકલ પ્લોટને ઈન્ટરેસ્ટિંગ સ્ટોરીટેલિંગથી જમાવી શકાય એ. ધીમે ધીમે જામતી જાય શરૂઆતમાં સાવ સિમ્પલ લાગતી આ એક્શન રિવેન્જ ડ્રામા ફિલ્મ. શાહરૂખખાને કમબેક માટે આવી કોઈ રિમેક સિલેક્ટ કરવી જોઇએ ! એમાં ય રેસ્ટોરાંનો ફાઈટ સીન તો રિવાઈન્ડ કરીને જોવાનું મન થાય એવો. પંદર વર્ષ જૂની હોવા છતાં ય તાજી.

(18) વેનિટી ફેર : ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ઓફિસરના સંતાન તરીકે ભારતમાં જન્મેલા વિલિયમ મેક્પીસ થેકરેની આ ક્લાસિક નોવેલ ૧૮૪૮માં આવી પછી અનેક વર્ઝન્સ એના આવતા રહ્યા છે. પણ નેટફ્લિકસ પર રહેલી મીરાં નાયરની ફિલ્મ તો હિન્દી ડબીંગમાં અવેલેબલ છે. કલરફૂલ વિઝ્યુઅલ્સ ઉપરાંત એની મજા એ છે કે એમાં ભરપૂર ઇન્ડિયન ટચ અપાયો છે. મૂળતો પેજથ્રી ફિલ્મની જેમ એ સમયની બ્રિટીશ હાઈસોસાયટીનો કટાક્ષમય એક્સ રે લેતી આ ગાથા છે. વળી એક ગરીબ પણ હોશિયાર અને મહત્વાકાંક્ષી નારીની ગાથા છે આ.બહાર પડી ત્યારે કેપ્શન હતું કે નોવેલ વિધાઉટ એ હીરો. રીઝ વિધરસ્પૂન બેકીનું પાત્ર જીવી ગઈ છે.અઢી કલાકમાં એકતા કપૂરની આખી એક સિરીયલ કુટુંબકથાની જોઈ હોય એવું લાગશે.

(19) એલોંગ વિથ ધ ગોડસ ભાગ ૧-૨ : એક પરગજુ ભલો બંબાવાળો. આગ લાગે ત્યાં ઝટ દોડી બધાના જીવ બચાવે. એની માં અને ભાઈને સાચવે. જુવાનજોધ ઉંમરે હજુ લગ્ન પણ નહોતા થયા અને એક આગ લાગેલી એમાં બીજાના જીવ બચાવતા એ અકાળે ગુજરી ગયો ! અને પછી શરુ થઇ એના આત્માની સફર ! એને સતત કચવાટ થયો કે મેં બધાનું ભલું કર્યું તોય મને આમ મારવાનું કેમ થયું. અને સ્વર્ગને બદલે શરુ થાઈ એની દેવાતાઈ લાગતા વિવિધ ‘લોક’ની સફર. જેમાં એને દેવદૂતો મળ્યા. અને કોઈ ગેઈમ જેવા ટાસ્ક મળ્યા, જેમાં એના કર્મો થકી એણે એ ચેલેન્જ પાર કરવાની હોય ને પછી…. મૂળ દક્ષિણ કોરિયાની ફિલ્મો છે.બહુ સરસ ડાયલોગ. નેટફ્લિકસ પર ઇંગ્લિશ સબટાઈટલ સાથે વાંચી શકશો. પણ ફિલ્મ આનંદ કરાવતા કરાવતા અદ્ભુત તત્વદર્શનના પાઠ ભણાવી દેશે. ભારતીય વેદાંત દર્શન સાથે ખૂબ નજીકનું તાદાત્મ્ય ધરાવતી કથા છે, પણ ઉપદેશ નથી. રસિક વાર્તા ને પાત્રો છે. બીજો ભાગ ’૪૯ ડેઝ’ તો આપણે બધા અદ્રશ્ય ઋણાનુબંધે કેવા બંધાયેલા છીએ એની રસગાથા છે !

(20) ફાઈવ ફીટ એપાર્ટ : અત્યારના કોરોનાકાળમાં તો યાદ રાખીને જોવા જેવી આ ફિલ્મની શરૂઆત જ હોસ્પિટલમાં થાય છે. એ ય એક તાજી જવાન થયેલી રમતિયાળ છોકરી ફેફેસાંના રોગ સિસ્ટિક ફાઈબ્રોસિસથી પીડાય છે, જેમાં લંગ ટ્રાન્સપ્લાન્ટ થાય તો જ થોડા વરસનું આયુષ્ય વધે. એ વિડીયોબ્લોગથી બધાના સંપર્કમાં છે. ત્યાં લંગ ઇન્ફેકશનવાળો જ એક બીજો છોકરો આવે છે વિલ, જેને નિયમ તોડવા બહુ ગમે છે. અને એમાં સૌથી મોટો નિયમ છે, હવે જાણીતો થયેલો સોશ્યલ ડિસ્ટન્સનો. એક બીજાથી છ ફીટ દૂર રહેવાનો. અને એ અંતર ઘટાડતી સંવેદનશીલ પ્રેમકથા એટલે ફાઈવ ફીટ એપાર્ટ. મસ્ટ સી. નેટફ્લિકસ પર !

(21) એન્ચાન્ટેડ : પરીકથાઓની પણ એક રેસિપી હોય. એક ભોળીરૂપાળી રાજકુમારી. એક સાવકી મા કે કાકી જેવી શેતાન ડાકણ. એક ફૂટડો વીર રાજકુમાર. અને થોડા ચમત્કારો ને જંગલના સાહસો. પણ ડિઝનીની આ ૨૦૦૭ની ફિલ્મ એમાં અફલાતૂન મોડર્ન ટવીસ્ટ લઇ આવે છે. જેમાં પરીલોકમાંથી એક શ્રાપિત પ્રિન્સેસ ધરતી પર ફૂટી નીકળે છે. ત્યાં મળે છે એક સરળ વકીલને. ખોવાઈ જાય છે ન્યુયોર્ક શહેરના જંગલમાં. અને પછી અવનવી ઘટનાઓની જોયરાઈડ શરુ થાય છે. ટિપીકલ પ્લોટને કેટલી સરસ નવી રીતે કહી શકાય એની રંગબેરંગી રજૂઆત. ડિઝની પ્લસ હોટસ્ટાર પર.

(22) લવિંગ વિન્સેન્ટ : એમેઝોન પ્રાઈમ પર ઓસ્કાર વિનર પેરેસાઈટ ( હિન્દી ડબીંગ સાથે ) ને ઈરાનીયન ‘સેપરેશન’ જેવી વર્લ્ડ સિનેમાની ફિલ્મો આવી છે. એમ આ પણ એની જોડે પ્રગટ થઇ છે. એક અદ્ભુત લહાવો છે આ. વિશ્વના ૧૨૫ ચિત્રકારોએ ૬૫,૦૦૦ ઓઈલ પેઇન્ટિંગ જગવિખ્યાત ડચ પેઈન્ટર વિન્સેન્ટ વાન ઘોઘની શૈલીમાં જ બનાવ્યા. વેદનાભરી નિષ્ફળ જીંદગીમાં અકાળ મૃત્યુ બાદ વિન્સેન્ટનો સિતારો એવો ચમક્યો કે આજે એના ચિત્રો કરોડોમાં વેંચાય છે. પણ આ એની સ્ટોરી બયાન કરતી ફિલ્મ એક માસ્ટરપીસ વિઝ્યુઅલ એક્સપિરિયન્સ છે. ગો ફોર ઈટ.

(23) ફ્રોડ સૈંયા : હા, ભદ્ર કહી શકાય એવી કોમેડી નથી. પ્રાઈમ પર જ અંગ્રેજીમાં રોન્ચી કહી શકાય એવી ફિલ્મ છે. કોઈકને ફૂહડ પણ લાગશે. પણ યુપીમાં બનેલી સત્યઘટના પરથી લગ્ને લગ્ને કુંવારા નટવરલાલ જેવા ઠગની વાર્તા તો આવી જ હોય ને. જેમાં એક ઉસ્તાદ પુરુષ પૈસા ખાતર બાર યુવતીઓને છેતરીને લગ્ન કરે એવી કહાની હોય. સ્વ. ઉપેન્દ્ર ત્રિવેદીના અભિનયસમ્રાટ નાટક ( મૂળ મરાઠી : તો મી નવ્હેચ )ની યાદ અપાવતી. અરશદ વારસી અને સૌરભ શુક્લાનીજોડી હોય એટલે બીજું કશું કહેવાનું હોય નહીં કોમિક ટાઈમિંગ બાબતે. ટાઈમપાસ ફન.

(24) ઓનવર્ડ : ડિઝની પ્લસ હોટસ્ટાર થવાનો ફાયદો એ કે અગાઉ જેના પર લખ્યું છે એવી ડિઝનીની ઘણી ક્લાસિક ફિલ્મો ટેંગલ્ડ, અપ,વોલ ઈ, ફાઈન્ડિંગ નિમો વગેરે હિન્દી ડબીંગ સાથે આવી ગઈ નવી અલાદ્દીન અને લાયન કિંગ સહિત. હજુ લોકડાઉન આવ્યું એના બે વીક પહેલા જ આવેલી આ ડિઝની પિક્સારની લેટેસ્ટ ‘ઓનવર્ડ’ ઈમેજીનેશન થકી કેવી ઈન્ટરેસ્ટિંગ ફિલ્મ બનાવી શકાય એનો લાજવાબ સબૂત છે. શરૂઆતમાં જૂની ને જાણીતી વાત લાગે તો ય રસ પડે.કરણ કે આખી દુનિયા જ મેજિક વર્લ્ડની બતાવી છે, જેમાં ધીરે ધીરે માણસો વધુ પડતા બુદ્ધિશાળી થતા ગયા અને ભોળપણનું ચાઈલ્ડહૂડ વન્ડરનું જાદૂ ભૂલતા ગયા. એમાં જરાક તોફાની, બાધા જેવા પણ બહાદૂર એવા મોટા ભાઈ અને માતા સાથે રહી મૃત્યુ પામેલા પિતાની યાદમાં હિજરાતા કિશોરને નુસ્ખો મળે છે, જેનાથી મૃત સ્વજન એક દિવસ માટે સજીવન થાય ને સાથે રહેવા આવે. ( વોટ એ ચાર્મિંગ ફેન્ટેસી !) એમાં થોડી ગરબડ થાય છે અને પછી શરુ થાય છે એક અનોખી ક્વેસ્ટનું એડવેન્ચર જેમાં છેલ્લે એક હ્રદયસ્પર્શી સંદેશ પણ ગૂંથી લેવાયો છે !

(25) એરેમેન્ટરી : નેટફ્લિકસ પરની આ ફિલ્મનું સબટાઈટલ છે – ધ બ્લેકસ્મિથ એન્ડ ધ ડેવિલ. એટલે લુહાર અને શેતાન. દાદાદાદીની વાર્તાઓ જેવું લાગે છે ને ? એવી જ જ સ્પેનિશ યુરોપિયન પરીકથા છે આ. જેમાં એક અકડુ લાગતા અને એકલા રહેતા લુહારની કોઢમાં ( આવા શબ્દોના અર્થ સમજવાના ય ઓનલાઈન ક્લાસ રાખવા પડશે કાં હવે ? ) એક અનાથ છોકરો ઘુસી જાય છે.અંદર જાય ત્યારે ખબર પડે છે કે બૂઢા લુહારે તો જમદૂત જેવા એક શેતાનને ભારાડી બનીને પૂરી રાખ્યો છે ! થોડી રમુજી ટચવાળી આ ફિલ્મનો મેસેજ મસ્ત છે. મોતથી બીવાનું નહિ. એને ય જીગર રાખીને પડકારો કરવાનો સામો !

(26) હાઉસ ઓન એ હોન્ટેડ હિલ : હોરર ફિલ્મમાં સસ્પેન્સ પણ હોય એટલે ડબલ પ્લેઝર. એ જ આગાથા ક્રિસ્ટીબ્રાન્ડ પ્લોટ. એક થ્રિલ રાઈડ બનાવનાર અનુભવી ધનકુબેર અને એની કામણગારી પત્ની પાંચ મહેમાનોને મધરાતે જ્યાં અગાઉ ભેદી રીતે પાગલોના મૃત્યુ થયેલા એ ભૂતિયા મકાનમાં પાર્ટી માટે બોલાવે છે. પછી શરુ થાય છે એક ડેન્જરસ ગેઈમ. જેમાં હોય છે ભૂતાવળ અને લાશો. અને ઘૂંટાતું રક્તરંગી રહસ્ય નેટફ્લિકસ પર. જુઉનું છતાં સોનુ એવું મનોરંજન.

(27) અબ્રાહમ લિંકન -વેમ્પાયર હન્ટર : આવું જ હોરર કરતાં એક્શન એન્ટરટેઇનર વધુ એવું આ પિક્ચર ગૂગલ મૂવીઝ પર છે. પહેલા તો એ ક્રિએટીવ ફ્રીડમ સર્જકોને કેવી હોય એનો પુરાવો છે. અમેરિકામાં આજે ય આરાધ્યદેવ તરીકે સ્થાન ભોગવતા કાલોનીગુલામી નાબૂદ કરનાર પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનની લાઈફ સાથે એક આખો ઓલ્ટરનેટિવ નેરેટીવ તૈયાર થયો છે. જેમાં યુવા લિંકન કેવી રીતે માના મોત પછી છુપી રીતે રહેતા લોહીતરસ્યા શેતાન વેમ્પાયર્સનો ખાત્મો કરવાનું મિશન હાથમાં લઈને નીકળે છે, એમાંથી પ્રમુખ થાય છે અને અને અંતે દિલધડક રીતે એ ગુલામીને અધિકાર માનતા ‘વેમ્પાયર’ સામે જીવસટોસટનો જંગ જીતે છે, એની જલસો કારવી દે એવી ફિલ્મ છે.

(28) બુલેટ વેનિશીઝ : ચાઈનીઝ સસ્પેન્સ ફિલ્મ. પણ એ ગ્રેડ ક્વોલિટી. હિન્દી રીમેકના રાઈટ્સ લેવા જોઈએ એવી. સબટાઈલ સંગાથે જોવા જેવી. એક નહિ પણ બે ખુરાંટ ડિટેકટીવ એકબીજાનું માથું ભાંગે એવા. અને એકપછી એક પડતી લાશો. જેમાં માણસ મરે પણ પણ ફોરેન્સિક તપાસમાં ગોળીનો ઘા હોવા છતાં ગોળી દેખાય જ નહિ ! એ સાથે ચીનમાં ફેક્ટરીના મજૂરોની બેહાલ જિંદગી અને ન્યાય બાબતે કેટલાક વિચારપ્રેરક સવાલો પણ ખરા. નેટફ્લિકસ પર.

(29) લો એબાઈડિંગ સિટીઝન : ટિપિકલ બોલીવૂડ મસાલા રિવેન્જ ડ્રામા વિથ એ સ્ટાઈલ. એમાં ય જેરાર્ડ બટલર હીરો. સાથે જેમી ફોકસ. એ જ કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટોની વાત. એક સીધાસાદા માણસના પરિવારની કતલ થાય અને વગદાર કાતિલો સીસ્ટમ સાથે સેટિંગ કરી છૂટી જાય. ઉલટું નિર્દોષ ફરિયાદી જ જેલમાં જતો રહે. પણ પછી એ ત્રાટકે તૈયારી સાથે આક્રોશ ને એક્શનથી ભરપૂર ધનાધન ફિલ્મ એ ય હિન્દીમાં ડબ એમેઝોન પર.

(30) બાયપાસ રોડ : નીલ નીતિન મુકેશે લખેલી અને એના ભાઈ નમન નીતિન મુકેશે ડાયરેક્ટ કરેલી આ સસ્પેન્સ થ્રિલર હિન્દી ફિલ્મને કોઈએ ખાસ ભાવ ન આપ્યો. પણ ઘેર બેઠાં નેટફ્લિકસ પર જોવામાં જરાય ખોટી નહિ. શરૂઆતમાં પડતી લાશ. રહસ્યમય પાત્રો, અને ધીમે ધીમે આવતા વળાંકો. અને એવા વળાંકો ધરાવતી ગ્લેમરસ હિરોઈનો પણ ખરી ! કોરિયન ફિલ્મ ‘ધ બોડી’ની ઇમરાન હાશમીવાળી હિન્દી રિમેક અને ઝી ફાઈવ પર વિક્રમ ભટ્ટની હીના ખાનવાળી ‘હેકડ’ જેમાં ડિજીટલ ફૂટપ્રિન્ટ્સવાળા ઓબ્સેસીવ કિલરની વાત છે – એ ય જોડાજોડ જોઈ નાખવી.બધી એક જ કૂળની છે. પણ ઘરે બેઠાં મજા આવે.

(31) સર્ચ પાર્ટી : નેટફ્લિકસ પર આવી ટનાટન સેન્સરમુક્ત રોન્ચી કોમેડી ફિલ્મોનો ભંડાર છે. આ હેંગઓવર મીટ્સ રોડ ટ્રીપ જેવી કોમેડી ફિલ્મ ટેન્શન ને મગજ બેઉ ભૂલાવી દે એવી છે. ત્રણ મિત્રો. એક એમાં શરારતી પણ દિલનો સાફ. તૂટતા લગ્ન. અપહરણ. કિડની ચોરવાનું રેકેટ, મેક્સિકન ડ્રગ માફિયા, કોર્પોરેટ પ્રેશર, લવલપાટા બધું જ ધૂમધડાકા સાથે કરાવતી ને માત્ર હસાવતી ટોટલ ધમાલ ફિલ્મ આવેલી એ જ ગોત્રની ફિલ્મ.

(32) થ્રૂબ્રેડસ : ડાર્ક ફિલ્મ. આજની સેલ્ફીઘેલી સેલ્ફિશ જનરેશનની રિયાલિટી. બે માલદાર અને દેખાવડી ટીનએજર બહેનપણીઓ અને એમના મનના ભેદી વમળો. એક જે કશું ફીલ નથી કરતી અને બીજી જે બધું ફીલ કર્યા કરે છે. એમાંથી ઉઠતાં સવાલ. રંગ બદલતા ચરિત્રો. આધુનિક નાટક લાગે. ધીમી, બધાને ન ફાવે. પણ એના લેયર્સ અને આર્ટીસ્ટિક પ્રેઝન્ટેશન માટે ય બેનમૂન.પુરી થયા પછી વિચારતા કરી મુકે ને કોઈ આખો લેખ લખવા પ્રેરે એવી ફિલ્મ ! નેટફ્લિકસ પર. હિન્દી ડબીંગ સાથે.

lj 9

*ઝિંગ થિંગ*

“ કોઈ સત્ય ભૂલતું નથી.પણ સમય જતાં બેહતર જૂઠ બોલતા શીખી જવાય છે.” ( હિન્દી ડબીંગ સાથે નેટફ્લિકસ પર ઉપલબ્ધ ટાઈટેનિક કપલ લિયો-કેટની મેરેજ પછી લવનું બાષ્પીભવન કેવું થાય છે, એ બયાન કરતી સ્લો ટોકેટીવ પણ હાર્ડ હિટીંગ હેવી ફિલ્મ ‘રિવોલ્યુશનરી રોડ’નો સંવાદ )

 

*ફાસ્ટ ફોરવર્ડ*
‘કેટલાય લોકો આખી જીંદગી બધું બદલાવે એવી એ ક્ષણના ઇન્તેઝારમાં વેડફે છે જે કદી આવતી નથી’
(‘બ્યુટીફૂલ ક્રીચર્સ’નો સંવાદ)
~જય વસાવડા
૨૯ માર્ચ રવિવારનું ‘સ્પેક્ટ્રોમીટર’ અને ૨૨ એપ્રિલ બુધવાર ‘અનાવૃત’ના લેખો એકસાથે.
 
7 Comments

Posted by on April 25, 2020 in art & literature, cinema

 
 
%d bloggers like this: