RSS

Monthly Archives: March 2020

તો ઘરે બેઠાં હવે કરવું શું ?

corona 11

jayvaz@gmail.com 

Jay Vasavada article

જનતા કર્ફ્યું શબ્દ જ જ્યાં ઘણાને નવો ભાસે છે, ત્યાં વળી હોમ કવોરન્ટાઇન તો આપણે ત્યાં તદ્દન જુદા ભવની વાત લાગે એમ છે. જાતભાતના વાઈરલ મેસેજીઝનો રાફડો ફાટી નીકળ્યો છે. ઘેર બેસીને કરવું શું ? કેટલાક લોકોએ તો બીજાઓ માટે આખું ટાઈમ ટેબલ બનાવીને સવારના ધ્યાનપૂજાથી રાતના ટીવીદર્શનનું. કોઈકે વિડીયો બનાવ્યો. કોઈને અચાનક યાદ આવ્યું કે રવિવારનું નામ પરિવાર છે. છેલ્લા ૨૦ વર્ષથી વેકેશનમાં શું વાંચવું અને શું જોવું વગેરેની અવનવી યાદીના લેખો એકલપંડે જગત આખામાં ટ્રેન્ડ સેટ કરીને લખ્યા બાદ હવે અચાનક બધાને રસ પાડવા લાગ્યો છે શું જોવું ને શું વાંચવું ઘેર બેઠાં એનો !

પણ ભેજું ઘેર બેસીને વાંચતાવિચારતા કસ્યું હોય તો આઈડિયાની ખેતી ગૂગલજ્ઞાન વિના પણ થતી જ રહે. કોરોનાને કારણે જે ફરજીયાત હોમ આઈસોલેશન મળ્યું છે, એમાં શું કરવું ? કારણ કે, એકાદ દિવસના જનતા કર્ફ્યુથી રાતોરાત ટળે એવું આ યુદ્ધ નથી. આમાં તો જરૂર પડે ફરજીયાત મિલીટરી કર્ફ્યુની પણ પરદેશની જેમ જરૂર પડે. બોરડમ તો આધુનિક મનુષ્યનો સ્થાયીભાવ છે. કંટાળો તો ડાયાબિટીસને હંફાવી આજનો રાજરોગ ગણાવો જોઈએ. માણસ મનોરંજનથી પણ ઝટ કંટાળી જાય છે.

વળી, પ્રકૃતિગત રીતે આપણે કાયદાપાલક પ્રજા છીએ જ નહિ. ફટાકડા નહીં ફોડવાના કે ગુટકા નહિ ખાવાના કે સીટબેલ્ટ હેલ્મેટ પહેરવાના કે કેમિકલ કલર/ચાઈનીઝ દોરી નહીં વાપરવાના કે ઘોંઘાટ નહીં કરવાના વગરે ટ્રાફિકથી ફેસ્ટીવલ સુધી બેઝિક કહેવાય એવા કોઈ પણ કાનૂનનું સજા સિવાય સામેથી પાલન કરવાની આપણી આદત જ નથી. સરકાર લોકશાહીમાં પક્ષની નહિ, કાયદાઓની હોય છે. આપણે ધાર્મિક આસ્થાઓના એટલા ગુલામ છીએ કે આધુનિક વૈજ્ઞાનિક કાનૂનનું રાજ સ્વીકારી શકતા નથી. કોઈને એની તદ્દન ખોટી માહિતી બદલ ટોકો તો ય એ ટણીમાં આવીને સામા ટોણા મારવા લાગે છે. જેમ કે, કોરોના વાઈરસ માત્ર ૧૨ કલાક જ બહાર જીવે છે, એ તદ્દન હમ્બગ વાત છે. એ માટે પ્રોપર સાયન્સ રીડિંગ જોઈએ. માત્ર ડિગ્રી નહિ. ગળામાં ચાર દિવસ વાઈરસ આરામ કરીને પછી ફેફસામાં ફરવા જાય જેવી વાતો ય તદ્દન અદ્ધરતાલ છે.  પોતાની માન્યતાઓનું ધરાર બીજા પર અતિક્રમણ ઉર્ફે એન્ક્રોચમેન્ટ કરવું હોય, ત્યાં શાંતિથી ઘેર બેસવાનું ક્યાંથી ગમે ?

આપણે ઘેર બેસવાની વાતને પણ અનલિમિટેડ ટીવી-મોબાઈલ વાપરવાનો ચાન્સ માની લીધો છે. બેશક, એ ડિજીટલ ડિવાઈસને કારણે નજરકેદ જેવી સજા ફીલ ન થાય. કાશ્મીર જેવા જગતમાં અમુક સ્થાનો છે, જ્યાં મહિનાઓ સુધી પબ્લિક અનિવાર્ય જરૂર સિવાય મોબાઈલ કે ટીવી વેબ સ્ટ્રીમિંગ વિના ઘરમાં બેસવાથી ટેવાઈ ગઈ હોય. પણ ગુજરાત જેવા વિસ્તારોને આની વાર્તાઓ કરવા સિવાય અનુભવસિદ્ધ આદત નથી. મોબાઈલ કે ટીવી પણ એડિકશન બની જાય જો સતત એમાં ચેટ કરવાનું, એ ઘડી ઘડી જોયા કરવાનું, એમાં આંખો થાકે તો ય લાઈટ ફેંકતા વિડિયોઝ કે કાનમાં ઈયરપ્લગ ભરાવીને મ્યુઝિક સતત સાંભળતા રહેવાથી તો કોરોનાથી ડેન્જરસ માનસિક રોગ વધી જાય.

આ લોકડાઉનનું એક્શન ખરેખર તો વારંવાર કોલમે ચડીને પોકાર્યા કર્યું છે, એ સ્લોડાઉનનો ગોલ્ડન ચાન્સ આપે છે ! રેસ્ટ, એન્જોય. ડુઈંગ નથિંગ ઈઝ ઓલ્સો એ ટાસ્ક. દરેક વખતે બધા ફોન લેવા જરૂરી નથી. બધી જ વેબ સિરીઝ જોઈ લેવી ફરજીયાત નથી. બધું મેળવી લેવાની કે મોટીવેટ થઈને સતત બીજાને હરાવી એનાથી આગળ નીકળી જવાના જંગ લડ્યા કરવાની પણ જરૂર નથી. મોજ પોતાની જાત સાથે સમય વીતાવવાની ય આવવી જોઈએ જ્યાં કાયમ કોઈ બીજાનું અવલંબન કે આધાર જરૂરી ના રહે. અમુક મેમરીઝ મનમાં ય વાગોળવાની હોય. ભગવદગીતાના છઠ્ઠા અધ્યાયના દસમાં શ્લોકમાં યુગો પહેલા કહેવાયું : યોગી આશા અને પરિગ્રહથી મુક્ત થઈને એકાંતમાં ચિત્ત સ્થિર કરે !

પરિગ્રહ તો સમજ્યા અત્યારે સરકાર પણ ખોટી સંઘરાખોરીની ના પડે પણ આશામુક્ત ? હા, કારણ કે હોપ માણસને દોડાવે. આટલો ઓવરટાઈમ કરી લઉં તો આટલો પગાર વધશે. આટલું વાંચી લઉં તો આટલા માર્ક્સ આવશે. એક સ્વાદિષ્ટ સપનું તૈયાર થાય. ક્યારેક આવતીકાલ માટે જ ભાગાભાગી કરતા મનને શાંતિથી બેસાડીને આજનો લ્હાવો ય લેવો જોઈએ. આમે ય બધા જ તમને ઓળખે એવી સેલિબ્રિટી માટે તો જિંદગી જેલ થઈ જતાં એમણે એમના મહેલમાં સામે ચાલીને કાયમ કેદ જ રહેવું પડે છે. અમિતાભ હોય કે આલિયા થોડા ગલીઓમાં ખરીદી કરવા નીકળે ? એમને તો અડધી જિંદગી જ સેલ્ફ કવોરન્ટાઇન.

તો ચાલો, હવે લોકડાઉન તો આમ પણ નિશ્ચિત હોઈને વધુ લાંબો સમય ઘેર રહેવાનું થાય ત્યારે આ તો ઓફિસે / સ્કૂલે પણ કશું કરતા નહોતા એવી પોલ ન ખુલી જાય અને ફેમિલીની એકધારાપણાને લીધે એલર્જી ન થાય એ માટેની કેટલીક ઇન્ટરેસ્ટિંગ ટિપ્સ.

corona 13

(૧) જૂની દેશી ‘હોમ ગેઈમ્સ’નો જીર્ણોદ્ધાર :

રમતો તો શેરીઓની ય સાવ ખોવાતી જાય છે પછી આંધળો પાટો હોય કે નારગોલ. પણ આ તો ઘરમાં રમાતી રમતોની વાત છે. કેટલા લોકો વિથ ફેમિલી બેસીને જોડે પેલી મજ્જાની લાઈફવાળું કેરમ રમેલા ? જુગાર સિવાય તાશના પત્તાની ઢગલાબાજી રમેલા ? ગેઈમ તો સ્ક્રીન પર જ હોય એવી વાત આપણી સ્કીનમાં ઉતરી ગઈ છે. પણ એક સમયે ઘરમાં ચેસબોર્ડ શોખીનો રાખતા. અને આપણી જાણીતી સોગઠાંબાજી તો સાવ જ ભૂલાઈ ગઈ.એના તો ટ્રેનિંગ વર્કશોપ ગોઠવવા પડે એવી હાલત છે. યસ, ચોપાટ. રાજારાણી કોડીઓ કે પાસા લઈને રમતા એ મહાભારતકાળની રમત. કપડાં પર એના ચોકઠાંવાળું વીંટલું ય કેટલા ઘરમાં હશે ? સતત ચર્ચાઓ કરવાને બદલે એકના ચહેરાઓ સાથે રહીને રિફ્રેશ થવાય એનો નુસખો આ રમતમાં છે. લર્ન ઈટ.ઇટ્સ ફન. પેલો ‘નવો વેપાર’ જૂનો થઇ ગયો એ ય દુકાનો ઠપ્પ હોય ત્યારે કરવા જેવો ખરો. સ્વદેશી બોર્ડ ગેઈમ્સમાં સરતાજ એવી સાપસીડી ય શું ખોટી ? અને માસ્ટરમાઈન્ડ લખોટીથી કદી ઘરમાં રમ્યા છો ? સો એઝ જીગસો પઝલ.

cg1ન્યુક્લીઅર ફેમિલી હોય ને શૂન-ચોકડી વાળી ઓએક્સ રમવાથી તો પરસ્પર પ્યારનો ય ગુણાકાર થાય. પણ માત્ર આવું રમ્યા કરવાનું એમ પણ નહિ. બધા ફેમિલી મેમ્બર ઘેર ભેગા જ થયા હોય તો તો રાતના લાઈટો તમામ બાળવાને બદલે પેલી આંગળીઓ હથેળીઓથી આકાર બનાવવાની જુગજૂની આદિમાનવોની રમત ન રમી શકાય ? દીવાલ પર પડછાયાથી બકરી પણ બને અને ઘોડો પણ ! એવી જ પેલી કાતર ને કાગળની ઓરિગામી યાદ છે ? છેલ્લે વિમાન કયારે બનાવેલું કાગળનું એ તો કહો કે ભૂલાઈ ગયું ? ભૂંગળીવાળી કાગળની ને એમાં કાતરના કાપા મુકીને ખેંચીને આખું ઝાડ બને એ ટીચરે સ્કૂલમાં બતાવ્યું કદી ? વાંધો નહિ, ચોવટ કરવાને બદલે યુટ્યુબ પર શીખી લો. પણ જોડે બેસી પોલિટિકસની ચર્ચાઓ કે ફેમિલીની કૂથલી કરવાને બદલે રમવાનું ય કરી શકાય.

(૨) કિચન ક્રિએટીવિટી :

ના, રસોડામાં નવી રેસિપી બનાવવી એવું નહિ. હમણાં સીતાને લક્ષ્મણરેખા સામે લલચાવતા હરણ સાથે આજે ઘર બહાર નીકળતી સ્ત્રીને લલચાવતા કોરોનાનું એક કાર્ટૂન વાઈરલ થયેલું. પણ આજે હવે ઘરમાં એકલી સ્ત્રી જ શા માટે ? આખું ફેમિલી બતાવી શકાય. હોમ બધાનું છે. કોરોના તો ખાનદાન મહેમાન છે. જ્યાં સુધી બહાર નીકળીને આમંત્રણ ન આપો ત્યાં સુધી આવતો નથી ઘરની અંદર . માટે સ્ટે એટ હોમ,સ્ટે સેફ. પણ એમાં કિચન સહિયારું રાખો. માત્ર ગૃહિણી પર જ એનો મોજ નાખવાને બદલે એમાં મોજની ખોજ કરો.

cg2ફરગેટ કોરોના. અત્યારે આખું એક સ્વીગીઝોમેટો કલ્ચર છે જેમાં એકલા રહેતા છોકરા કે છોકરી રસોઈ બનાવતા જ નથી ને જુવાન ઉંમરે બીજા વધુ ગંભીર રોગનો ભોગ બને છે. હોમ કૂકડ ફૂડ સપ્તાહના પાંચ દિવસ માટે કમસે કામ જરૂરી છે. એકાદ દિવસ બહાર જઈ શકો,ફોર એ ચેન્જ. ને સારી જગ્યા ન હોય ,હાઈજીન ન હોય કે ભીડ બહુ હોય ને ઉતાવળે બધું જેમતેમ બનતું હોય ત્યાંથી તો સદંતર દૂર જ રહેવાનું હોય. મોટાભાગના ખાણીપીણીના નાના જોઈન્ટસ પણ હવે પહેલાથી બનાવેલું ફૂડ વધુ વાપરે છે. જેમ કે, આલુમટર સેન્ડવીચ ગરમ હોય પણ એનું પૂરણ ફ્રોઝન હોય. અને મોટી બ્રાન્ડેડ ચેઈનમાં ઘણું કેમિકલયુક્ત હોય. વન્સ ઇન એ વ્હાઈલ વાંધો ન આવે, પણ રોજ એરેટેડ સોફ્ટ ડ્રિંકસની જેમ એ ય ખરાબ. એટલે તાજું ઘરનું લીલા શાકભાજી ને ફળો-કઠોળ સાથેનું ભોજન થતું રહેવું જોઈએ.

તો શીખવામાં સમય વિતાવી શકાય આપણી ભાવતી વાનગી ઘેર ! એની ય એક ‘યુરેકા’ જેવી મજા છે ! આવડી ગયુંનું સેલ્ફ બૂસ્ટિંગ ! છાલ ઉતારતા ને શાક સમારતા ય બાળકોને શીખવી શકાય. સાથે મળીને ઘરની રસોઈનો એક ઉપક્રમ રાખી શકાય જેમાં સહેજે ગમ્મત સાથે ત્રણેક કલાક નીકળી જાય. ડાયેટ ફૂડના હોમ એક્સપેરિમેન્ટસ શરીર પર થાય એની આ તક છે. એ ઉપરાંત કિચન ક્લીન કરી ગોઠવવામાં ય હેલ્પ કરી શકાય. ને બચ્ચાંપાર્ટી ઘેર હોય તો રસોડામાં એને ગણિતવિજ્ઞાન પણ ભણાવ્યા વિના શીખવાડી શકાય. અડધો કપ દૂધમાં આખો કપ દૂધ મેળવો તો કેટલા થાય એ પણ ગણિત છે. વટાણાના દાણાથી ય સરવાળા બાદબાકી શીખવાની હોમ સ્કૂલ શરુ થઇ શકે. એવું જ ઉત્કલનબિંદુ, ગલનબિંદુ, પૃષ્ઠતાણ વગેરેનું સાયન્સ પણ આપણા રસોડામાં કેળવી શકાય એમ છે !

(૩) સેલ્ફ એન્ડ હોમ ઓર્ગેનાઇઝિંગ :

દિવાળી જેવા તહેવારોમાં તો હવે આપણે બિઝી હોઈએ છીએ, એટલે ઘર રૂપાળું થાય છે. પણ વ્યવસ્થિત નથી થતું. પણ આ ઘરના એકાંતવાસમાં લોકોને ડિજીટલ વગર ચેન નથી પડતું.કોઈને વિડીયો બનાવવા છે,કોઈને એફ્બીઇન્સ્ટા લાઈવ કરવું છે. સત્ય ને આનંદના શેરિંગ માટે યુઝ કરો એ અલગ વાત થઇ. પણ આ ગ્લોબલ બ્રેક મળ્યો એ જીવતરમાં માંડ એક બે વાર આવે એવો ચાન્સ છે, જયારે અધિકૃત રીતે બધું જ બંધ હોય. શેરબજાર કે બિઝનેસમાં ય રસ લેવાનો ન હોય. સરકાર ખુદ ઈચ્છે કે ઘરની બહાર ન નીકળો. સ્કૂલકોલેજ એક્ઝામ બધું જ હોલ્ડ પર છે. આ પરફેક્ટ સિચ્યુએશન છે , પેલી બડે બચ્ચનસાહેબની જીવન કી આપાધાપીમેં કબ વક્ત મિલા વાળી. આ ટાઈમ સેલ્ફ ઓડિટ માટે, ખુદની હેલ્થને અપગ્રેડ કરવા માટે ને રોજીંદી જંજાળમાંથી રીતસર નિરાંત મેળવી મુક્ત રહેવા માટે છે. કહો કે હિમાલય જવાના ફાયદા ઘેરબેઠા મળવાના છે !

cg 3તો એમાં શાંતિથી નકામું ક્લસ્ટર દૂર કરો.પહેલા મોબાઈલ-લેપટોપ વગેરેમાંથી. આડેધડ પડેલા ફોટા ઓર્ગેનાઈઝ કરી ફોલ્ડર બનાવો. નકામો કચરો ડિલીટ કરી એની મેમરી પર લોડ ઘટાડી દો, પછી બેક અપ લઇ લો. એવું જ કબાટો સામે ઉભા રહી કરો.વધારાની ચીજો જરૂર હોય એમને આપવા જુદી કરી પરોપકારની પૂર્વતૈયારી કરો. જુના ફોટા કે અગત્યના ડોકયુમેન્ટસ મોબાઈલ સ્કેન કરીને ડિજીટલ કરી નાખો. બારીઓથી ટીવી સુધીનું સાફ કરો. પુસ્તકો વાંચવાનું તો બધા કહે જ.પણ મ્યુઝિક કે બુકના શોખીન હો તો તો એનું કલેક્શન પહેલા સરખું ડુપ્લીકેશન થાય એમ ગોઠવો. યુઝ ધ બ્રેક. ભણવા કે કામ કરવામાં શિફ્ટ હોય એમ ઘરમાં વળગી જઈએ આ એજેન્ડા સેટ કરીને. એવી જ રીતે રસ હોય તો ઘરમાં નાનો બગીચો ટેરેસ કે બાલ્કનીમાં ય બનાવો.

ને પછી એકાદ દિવસનો સાદો ઉપવાસ ખાવાનું નહિ કે માત્ર ગ્રીન સૂપ પીવાનો કે એવું. શરીરની આંતરિક શુદ્ધિ. થોડું પ્રાણાયામ. યોગાસન. સ્ટ્રેચિંગ વગેરે. ડાયરી નહિ તો મોબાઈલમાં કેટલીક સરસ લાઈફ મોમેન્ટસનું રેકોર્ડિંગ. જેમ કે ઘરના વડીલોનો ઇન્ટરવ્યુ નાના બાળકો પાસે સવાલો પૂછી કરાવો અને મોબાઈલમાં કે હેન્ડીકેમમાં રેકોર્ડ કરો. કપલ રોમાન્સની ય આવી ‘મોમેન્ટ મેમરી’ બનાવી શકાય. ટુ ડુ જેવું ફ્યુચર ચેક લિસ્ટ. કોરોનાને લીધે પડેલા આર્થિક ફટકામાંથી બહાર નીકળવા માટે કઈ દિશામાં મહેનત કરવી એનું ચિંતન. નવી હેરસ્ટાઈલ કે નેઈલપોલિશ. ચેન્જ ધ લૂક. ઘેર જ રહેવાનું છે તો ખાવાનો સ્વાદ નહિ, પણ પ્રમાણ ઘટાડી ધરમાં જ શ્રમ કરવાનો. પાચન મજબૂત કરવાનું. ને બેહદ જરૂરી વાઈરલ એટેક સામે. પુરતી ઊંઘ લેવાનો આ ગોલ્ડન ચાન્સ જરાય જતો ન કરવો !

(૪) યાદોના બજારમાં એક લટાર :

કેટલીક ફેમિલી એક્ટીવિટી બધા ઘરમાં હોય ત્યારે કરવા જેવી છે. આપણા વારસાની વાતો મેસેજીઝમાં બહુ બધા કરે છે પણ લાઈફમાં એ ડાઉનલોડ કરતા નથી. તો નવી ને જૂની પેઢી વચ્ચે એક સેતુ, એક બ્રિજ બનાવીએ. જૂની જે વાર્તાઓ, પરીકથાઓ, લોકકથાઓ વાંચીસાંભળીને મોટા થયા આપણે એ નાના બાળકોને કહેવાની. વાંચવા દેવાની નહિ પણ વાંચી સંભળાવવાની. એમને ય પરિચય થાય ભાતીગળ ભૂતકાળનો. કહેવતો ક્યાંથી આવી એની બોધકથાઓ. લપલપિયા કાચબા જેવી બાળવાર્તા કે વા વા વંટોળિયા જેવી બાળકવિતાઓ. આપણો સાહિત્યવારસો. થોડા મોટા હોય તો પોસ્ટ ઓફિસ કે લોહીની સગાઈ જેવી વાર્તાઓ. કોઈ મોટી ઉમાશંકર જોશી કે રમેશ પારેખ કે મરીઝ કે મેઘાણી કે કલાપી જેવા કવિની રચનાનો ધાર્મિક ભજનની જેમ સમૂહપાઠ.

cg4ટીનેજર્સ ઘરમાં હોય તો વેબ સિરીઝના બાપ જેવા વર્લ્ડ ક્લાસિક લિટરેચરનું થોડું પઠન ને બાકીનું વાચન. ચાર્લ્સ ડિકન્સથી લિયો તોલ્સતોય સુધી. વિક્ટર હ્યુગોથી જુલે વર્ન સુધી. ઓસ્કાર વાઈલ્ડથી ઓ હેન્રી સુધી. મેરી કોરોલીથી આગાથા ક્રિસ્ટી સુધી. અલગ અલગ મૂડની કથાઓ લેવાની. કથાઓ જ . ફિલસૂફી નહિ. ફિક્શન. એ સાથે જોડાયેલા કાળખંડની રસિક વાતો. શોધવાનું નેટ પર પણ મળી જશે રેફરન્સનું જ્ઞાન. સાવ એક જ પ્રકારનો હિસ્ટ્રી મૂડ ન બને એ માટે ટેડટોક જેવા વિડીયો ય જોઈએ શકાય સાથે બેસીને. પ્રકૃતિ ને વિજ્ઞાનને સમજવાનો રિમાઈન્ડર છે કોરોના. એવી ડોકયુમેન્ટરી જોવાની જોડે બેસીને. વાઈરસ અપગ્રેડ થાય પણ નોલેજ અપગ્રેડ ન થાય એ ચાલે ?

પછી એક નાનકડી ફનગેઈમ. અંગ્રેજીનો લગીરે વિરોધ કર્યા વિના આપણી ભાષાનું જ્ઞાન વધારવાની રમત. શબ્દો રેર અર્થાત દુર્લભ થતા જાય વપરાશમાં એવા શબ્દોનો અર્થ કહેવા ને સમજાવવાનો. એના મુળિયાની વાતો કરવાની. કોઈ ફારસી હશે તો કોઈ સંસ્કૃત. શબ્દકોશ પણ ઓનલાઈન છે મફતમાં આખો. તળપદા કોઈ શબ્દનો અર્થ જાણવાનો. જેમ ‘ટાયલા’ શબ્દ એટલે શું ?નવી પેઢીને કહેવાનું કે જાનૂ,ચીકૂ,મેલા બાબુ કરે એ ! ખીખીખી. આપણી પાસે આવું બહુ પડેલું છે. થોડીક વાચનરુચિ જોઈએ. ઉલેચો એ ‘લોકલ વર્ડ પાવર’નો ખજાનો ઘેર બેઠાં.

જૂના લોકો પાસેથી ફોન પર માહિતી મેળવો એમના જમાનાના શબ્દોની. અને એને મરતા અટકાવી નવજીવન આપો. આવું જ વતનની કોઈ જૂની વાતો વિષે, આપણા જ પરિવારના ભૂતકાળ વિષે શક્ય હોય તસવીરો સાથે બેસીને કરી શકાય. પહેલા આમ હતું, પછી આમ થયું એ બધું. સાથે રહેવામાત્રથી એટેચમેન્ટ નથી વધતું. રસ પડવો જોઈએ એકબીજામાં સરખો. એવી જ રીતે ફિલ્મો જોઇને થાકો ટીવીમાં નેટ કનેક્ટ કરી વધ સાથે બેસી જગતના મોટા કલાકારો આર્ટ કલેક્શન કે ફેમસ મ્યુઝિયમની વર્ચ્યુઅલ ટૂર લઇને વિશ્વવારસાનું જ્ઞાન મેળવો. આફ્ટરઓલ, કોરોનાને કોઈ સરહદ ક્યાં છે !

(૫) ખત મૈં ને તેરે નામ લિખા :

આમ તો ઘરમાં નવરા બેઠાં નેટના સહારે એકાદ મહિનામાં તો નવી આખી ભાષા શીખી શકાય કોઈ દેશની. પણ એ વધુ પડતું લાગે તો મોબાઈલ સાઈડમાં મુકીને લખો. ના, લાઈકને પોસ્ટ શેરિંગ માટે નહિ. વોર્ડરોબની જેમ આપણા થોટ્સ ને ઈમોશન્સ ઓર્ગેનાઈઝ કરવા. જેમને મોઢા પર કશું કહી ન શક્યા હોઈએ એમને એ કોમ્યુનિકેટ કરવા. એ દોસ્ત હોઈ શકે દુશ્મન પણ. એ કોઈ ફિકશનલ કેરેક્ટર હોઈ શકે કે પછી વિદાય લઇ ગયેલું સ્વજન. અરે, સાથે ઘરમાં રહેતા ફેમિલી મેમ્બર પણ હોય ને કોઈ અબોલ પશુપંખી પણ. ગમતા સ્ટાર કે પોલીટિશ્યન પણ. રાધાને પત્ર લખો કે શેરલોક હોમ્સને. સચીન તેન્ડુલકરને લખો કે ગુજરી ગયેલા બાને. સામે રમતી દીકરી ને લખો કે વિચ્છેદ કરી ગયેલા પ્રેમીને લખો. મનોમન ગમતા હોય એવા લેખક કે ગાયિકાને લખો. મોકલવા હોય તો જ મોકલો. પણ લખો ખુદની અંદર ભરાયેલા વિચારોને નિચોવીને ખાલી કરવા માટે. રમૂજ લખો, દર્દ લખો. આસપાસની ગપસાપ લખો ને હૈયાવરાળની મૂંઝવણ લખો. મનમાં જ ઢબૂરી દીધેલી કોઈ પ્રાઈવેટ ઇન્ટીમસીની ફેન્ટેસી લખો કે ગમતી કોઈ ફિલ્મ કે ગણગણેલા ગીતની વાત લખો. ટૂંકમાં આ રીતે બહાર નીકળો ભીતરના પિંજરમાંથી અને ઘરની એકધારી ચાર દીવાલોમાંથી.

cg6એકધારાં સાથે બધા અચાનક ફરજીયાત સાથે રહે એ શરૂઆતમાં ભલે રૂપાળું ને રોમાંચક લાગે પણ પછી એનો ય થાક લાગતો હોય છે. એવું થાય કે ઓફિસ કે સ્કૂલ હતી તો સારું હતું, વચ્ચે ગેપ આવતો હતો. ચિબાવલી ફિલસૂફીના મેસેજીઝ આવું નહીં કહે કશું. પણ થોડીક ‘મી એક્ટીવિટી’ હોવી જોઈએ ઘરમાં ય. આ બધું પર્સનલ પત્રોમાં લખવાનું. પણ પછી ટાઈમ વધે તો જરૂરી ફરિયાદોના પત્રો જે તે સરકારી કે ખાનગી વિભાગને લખવાના. લખ્યું વંચાય સરકારમાં ય. કોઈ હોસ્પિટલના કે મોલના મેનેજમેન્ટ બાબતે ફીડબેક લખવાનો. એટલો સમય મોબાઈલ આપોઆપ બંધ રહેશે. પછી લાખો કોઈએ સારું કર્યું હિય એ યાદ કરી આભારના. ગ્રેટીટ્યુડ. અને છેલ્લે આપણો આવકજાવકનો , એસેટ ને લાયાબિલીટીનો હિસાબ લખવાનો જેથી કોરોના પછી મોઢું ફાડીને ઉભેલી મંદીમાં કેમ સ્માર્ટ સેવિંગ ને ફાઈનાન્સીયલ પ્લાનિંગ કરવું એની ખબર પડે !

મોબાઈલ છૂટે નહિ, તો એમાં ગમતા ગીત સાથે  શોર્ટ હોમ ફિલ્મ બનાવતા શીખો. અને કશું જ ન કરવું ક્યારેક એ પણ પ્રવૃત્તિ છે. ડુઈંગ નથિંગ ઈઝ ફાઈન આર્ટ. બહાર બધું બંધ થાય ત્યારે અંદરના દ્વાર ઉઘડે છે. કશું જ ન કરવું એ ય એક આપોઆપ થતી સાધના છે !

ઝિંગ થિંગ

nehal“સોશ્યલ ડિસ્ટન્સ થકી જ કોરોના વાઇરસને હંફાવી શકાય છે, ગરમીમાં કે કપૂરમાં મરે એની રાહ ન જુઓ. અંતર વધારવું ને એકબીજા સાથે સંપર્ક ઘટાડવો એમ સરકારની સત્તાવાર તબીબી સુચના છે.”

“ સાવ સાચું,. અમુક તો આપણી આજુબાજુ એવા અપલખણા હોય છે કે એનાથી ૧૪ દિવસ શું, આખી જિંદગી આઘા જ રહેવું છે. એમનું મુદ્દલે મોઢું જ નથી જોવું. સારું જેટલા ઓછા મળે એટલી બલા ટળે. સરકારને કહીએ આવા નમૂના કાયમી સોશ્યલ ડિસ્ટન્સમાં જ રહે એવું કરી જ દેજો બાપલિયા. અમારી તબિયત સારી રહેશે. હીહીહી” (નેહલ ગઢવી)

 

~ *જય વસાવડા*

ગુજરાત સમાચાર “અનાવૃત” ( લખાયા તારીખ ૨૧ માર્ચ શનિવાર , છપાયા ૨૫ માર્ચ બુધવાર )

 
9 Comments

Posted by on March 25, 2020 in Uncategorized

 
 
%d bloggers like this: