RSS

Daily Archives: November 29, 2017

જે નિખાલસપણે કહેવું છે, જરા કહી તો શકાય… પ્રેમમાં એક દિન એવો કોઈ કજીયો નીકળે !

winter rose on a grave

Some say love, It is a river,
that drowns the tender reed
Some say love, It is a razor,
that leaves your soul to bleed
Some say love, It is a hunger,
an endless aching need
I say love, It is a flower,
and you, Its only seed

Its the heart of afraid of breaking,
that never learns to dance
Its the dream afraid of walking,
that never takes the chance
Its the one who won’t be taking,
who cannot seem to give
And the soul afraid of dying,
that never learns to live

When the night has been too lonely
and the road has been too long
And you think that love is
only for the lucky and the strong
Just remember in the winter,
far beneath the bitter snows
Lies the seed, that with the sun’s love
in the spring becomes the rose.

એકદમ આસાન અંગ્રેજીમાં લખાયેલું આ વિખ્યાત ફિલ્મગીત ‘ધ રોઝ’ એમેન્ડા મેકગ્રુમે લખ્યું અને બેટ મિડેલરે પહેલીવાર ગાયું. શબ્દોના પ્રાસ મેળવતાં મેળવતાં અહીં સર્જકે પ્રેમનો અભાસ તારવ્યો છે. પ્રેમ હળવેકથી ખળખળ વહેતી નદી છે કે લોહી નીંકળતા જખ્મો કરતું રેઝર ? કે પછી કદી શમે નહિ એવી દેહની ભૂખ ?

જે દિલને તૂટવાની બીક હોય (એ પગ મચકોડાવાની બીકે નૃત્ય શીખી ન શકાય એમ) કદી નાચી નહિ શકે. સપનું બહુ ગમી જાય એને જાગવામાં બીક લાગતી હોય છે, પણ જીવવાનું તો વળી વાસ્તવમાં જ છે. જે કશું મેળવતા જ નથી ને અંદરથી સાવ ખાલી રહે છે, એ કોઈને કશું આપી શકતા ય નથી. (લાગણીઓની લેવડદેવડની વાત છે). જો ચોવીસે કલાક મોતની બીક રાખો તો એક પળ પણ જીવી ન શકાય.

અને જ્યારે શિયાળાની ગુમસુમ રાતો એકલતાને ખેંચતી લંબાતી જાય, ને થાકેલા કદમો માટે ચાલવાના રસ્તા એકદમ લાંબાલચક થતા જાય… ને જીંદગીની સફરનો વટેમાર્ગું એમ વિચારે કે લવ તો લકી લોકોને કે ધરખમ ઉસ્તાદોને જ સાંપડે… ત્યારે જ યાદ કરો હાડ થીજાવી નાખતો બરફીલો શિયાળો. જેમાં થીજી ગયેલા હિમની નીચે ધરબાયેલું હશે એક નાનકડું પુષ્પબીજ. ને સૂરજના હૂંફાળા તડકા જેવા પ્રેમનો સ્પર્શ એને થશે, ત્યારે એ ઉલ્લાસથી વસંતમાં એમાં ગુલાબ ખીલશે !

અહા, સો પોએટિકલી સાયન્ટીફિક ! ઈરશાદ કામિલ અમસ્તા કહેતા હશે કે ‘કવિતા યેં પ્રેમિકાયેં હોતી હૈ… આઠવીં કી કલા, દસવીં કી આશા… બારહવીં કી શૈલી, ચૌદહવીં કી શહનાઝ… સમય કી ગર્દ મેં દબે રાઝ !’ કવિએ અહીં સ્માર્ટલી ઉંમરના તબક્કા સાથે છોકરીઓના નામના અર્થોમાં ગૂંથીને સર્જકતાની સફળતાના ક્રમિક તબક્કા કેવા વર્ણવ્યા એ પરખાયું કે ? અને કોલેજકાળને ચૌદમું-પંદરમું કહેવું એ જ તો છે જાણીતી વાતોને અજાણ્યો રંગ આપતી નજર !

એવી જ કેટલીક નિતાંત (સ્ટાર્ટ ટુ એન્ડ) મનમંદિરમાં દીવડાં પ્રગટાવતી – કેટલીક રોમેન્ટિક ફિલ્મોની બારિશ ઉપરાછાપરી થઈ ગઈ. એક જ પ્રેમના અઢળક રંગ વાર્તા-કવિતા-સિનેમામાં સતત નીખરતા હોય છે. આ અક્ષયપાત્ર સદીઓથી ખાલી નથી થયું. પણ આ બધી ફિલ્મોમાં એક કોમન થ્રેડ છે, ઈશ્કનો. મેલ-ફિમેલ રિલેશનશીપનો… ફીલિંગ્સનો.

***

listen
   
પ્રેમ થાય કઈ રીતે ?

માનવજાતને સતાવતા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં ‘બિગ બેંગ’ કરતાં વધુ મોટો સવાલ આ છે. એનો જવાબ મિસ્ટિરીયસ છે, એટલે તો એટ્રેક્ટીવ છે. એકદમ ટપોરી લેંગ્વેજમાં કહો તો ‘છોકરી પટાવવાની કળા શું ?’ (આ ઈન જનરલ, બાકી પહેલા ને આજે તો વધુ પ્રમાણમાં બિન્દાસ છોકરી પણ ગમતા છોકરા ‘પટાવવા’ની ટ્રાય જરૃર કરે !)

ઘણા હડફાઓ એવું માનતા હોય છે કે શર્ટના બટન ખુલ્લા રાખી, જૂના વિલન રણજીત જેવી આંખોથી જોઈને કોઈ સીટીમાર કોમેન્ટ કરવાથી છોકરી ઈમ્પ્રેસ થઈ જાય. અમુક બળદિયાવ એવું ય માને કે શરીર પર ચોસલાં જેવા ગઠ્ઠા કસરતથી જમાવી એ દેખાડવાથી લડકી ફિદા થઈ જાય. સ્ત્રીને પણ સુડોળ શરીર ચોક્કસ ગમે જ. પણ એમ ઘેલી થઈ ચોંટી પડવાવાળી તો એ જ હોય જેના મગજમાં ગડીઓને બદલે ચરબીના ગઠ્ઠા હોય.

ઘણા ચંપકોને એવો ભ્રમ હોય છે કે દેશ-પરદેશની હોટ ગર્લ્સ જે આધુનિક મસ્તીખોર હોય, માદક વસ્ત્રો પહેરી વિહરતી હોય ને ખિલખિલ હસતી તસવીરો ખેંચાવતી હોય એ ‘ઓપન ફોર ઓલ’ એનું ચૂંટણીસભાનું ઈન્વિટેશન હશે. ના, એમ કોઈ અવેલેબલ હોતું નથી. ને સહજતાથી હાથ પકડે કે હગ કરે, પણ એમ કઈ પ્રેમમાં પાગલ થઈ પથારીમાં તરત હમબિસ્તર પણ ન થઈ જાય.

વ્યાવસાયિક રૃપજીવિનીઓની વાત જુદી છે, પણ બાકી એવી રીતે હોટલની વેઈટ્રેસ પણ પ્રેમદીવાની થવા રેડી ન હોય. આવી વાતો મોટા ભાગે ગમાર બેવકૂફો, સસ્તા વિકૃતો ને બાકી ગાડી ચૂકી ગયેલા પેસેન્જર્સ વટ મારવા કરતાં હશે કે ‘સારુ થયું આ ગાડીમાં ચડવા ન મળ્યું. ડબ્બામાં ભીડ બહુ હતી, ગંદકી બહુ હતી વગેરે… વગેરે…’ ખાટી દ્રાક્ષના હોલસેલ શિયાળભાઈઓ !

તો પછી ટ્રિક ગણો તો ટ્રિક, સિક્રેટ ગણો તો સિક્રેટ શું છે – ફોલિંગ ઈન લવનું ? ફર્સ્ટ સ્ટેપ તો એટ્રેકશનનું બાહ્ય દેખાવ જ. બિલકુલ સહી. સેટેલાઈટને ઓરબીટમાં પહોંચાડતા બૂસ્ટર રોકેટની જેમ એનું સ્ટાર્ટ કરાવી દે આ પ્રોસેસ. પણ લવ એને જ કહેવાય કે સમય જતાં એ રોકેટ ખરી પડે ને પ્રેમનો સેટેલાઇટ અનંત અવકાશમાં તરતો રહે. ઈગ્નિશનથી કાર સ્ટાર્ટ થાય. પણ દોડે તો ફ્યુઅલથી. વોટસ ધ ફ્યુઅલ ઓફ લવ ? જેને લીધે દેખાવ પહેલા જેવો ન રહ્યો હોય, ત્યારે ય પ્રેમ રહ્યો કે વધ્યો હોય ?

આમ તો અટપટો ભેદી પ્રદેશ છે આ. જેમાં ઘણું બધું ‘હરિઈચ્છા બલિયસી’ કે ‘ઈન્શાલ્લાહ’થી થાય છે. ન થતું હોય તો ય ‘આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે’ એ તો હકીકત છે. છતાં ય કોન્ફિડન્સથી ફિલ્મી પડદે ને રિયલ લાઈફમાં ય પ્રેમનો સ્પાર્ક હળવે હળવે પેદા કરી શકનારા કલાકાર હીરો હોય છે. એમના ભાથામાં એવું ક્યું બ્રહ્માસ્ત્ર હોય છે, જે બીજા જીગરજાન ચાહનારા પ્રેમીઓ પાસે નથી હોતું ?

એ છે કન્વર્સેશન. વાતચીત. શબ્દોથી, ઈશારાથી, સ્પર્શથી, આંખોથી થતું મ્યુચ્યુઅલ કોમ્યુનિકેશન, બોલતા ન ફાવે પણ કન્વર્સેશન કરતા ફાવે એ વોટ્સએપમાં ચેટ કરીને પણ સામાના મનમાં ફીલિંગ પેદા કરી શકે. કોમિક જોકરવેડાં નહિ પણ ક્યારેક હળવેકથી સિચ્યુએશન મુજબ સ્માર્ટ હ્યુમરની કટ ફટકારવાની ગિફટ હોય તો એ કર્ણના કવચ કુંડળ જેવું વરદાન ગણાય. માત્ર સમય પારખવાની આવડત જોઈએ. ક્યારે મૌન, ક્યારે અને કેવી જોકિંગ કોમેન્ટ.

વાતવાતમાં પરાણે ગોઠવેલું નહિ પણ સહજ સસ્પેન્સ પણ ક્રિએટ થાય, થોડીક જેન્યુઈન કેર પણ દેખાય અને સામાને સ્પેશ્યલ ફીલ કરાવતી (ઓન્લી ફોર યુ ટાઈપની) અંગત સિક્રેટસ કે વ્યૂઝ શેરિંગની ઓનેસ્ટી પણ પ્રગટ થવી જોઈએ. સૌંદર્ય માટેના સાપોલિયાં સિવાય એનાથી પ્રભાવિત-મોહિત-ચકિત થયાનો ભાવ આંખોમાં ટપકવો જોઈએ. ચેટ ઘણી થાય ને કરવાની. પણ એમાં વચ્ચે ખામોશી આવવી જોઈએ. લાંબા લાંબા પેરેગ્રાફ – ડાયલોગ્સના જમાના ગયા !

ચેતન ભગતની નોવેલ્સ કે આનંદ રાયની ફિલ્મોનો જાદૂ આ પરસ્પર બેડમિન્ટનમાં ફેંકાતા શટલ કોક જેવા કન્વર્સેશનમાં છુપાયેલો છે. ફીલિંગ એન્ડ ફનનું બેલેન્સ્ડ કોમ્બિનેશન. યુ નો ‘મૈ ને પ્યાર કિયા’નો સંવાદ ? “દોસ્ત વો હૈ, જીસે મિલને કો જી ચાહે… બાત કરને કો જી ચાહે !” એટલે તો પત્રોથી મોબાઈલ મેસેજ સુધી રોમાન્સ અનલિમિટેડ છલકાતો જ રહ્યો છે. સુનિયે કહીયે…. કહીયે સુનિયે… કહતે સુનતે બાતો બાતો મેં પ્યાર… હો જાયેગા ! ધીરે ધીરે સામાનું મૌન પણ સમજાવા લાગે એ તબક્કો આવી જાય.

આ વાતચીત એટલે ચાંપલા “હાઉ આર યુ, ગુડ નાઈટ” વાળી ટોક નહિ. કમ્પેનિયન એટલે એવું પાત્ર જ્યાં ખીલી ઉઠે અવનવા રંગોની વાતો. અણુ-પરમાણુની, સંગીત ને સિનેમાની, સાહિત્ય ને પ્રવાસની, ખાણીપીણી ને સ્કૂલની યાદોની, કડવા અનુભવો અને ખારાધૂધવા અધૂરા સપનાઓની, સેક્સ એન્ડ ઈરોટિકાની, કોઈની ઘાટીલી કાયા અને કોઈના ઘેઘૂર કંઠની, જીવનના અર્થની, ઈશ્વરની શોધની, દૂર-સૂદૂરની આકાશગંગાઓની, બારીએ ટહૂકતા બુલબુલની.

નદીકાંઠાના લીલા ઘાસની, પહાડ પરના કાળમીંઢ પથ્થરની, કોઈ કોમન ફ્રેન્ડના સ્વભાવની, કોઈ સાંજે ચાલતા અભાવની, મધરાતે ઝાપટેલી ચોકલેટની, પ્રભાતે કરેલા યોગાસનની, બોલેલા જૂઠાણાની, પકડાઈ ગયેલી નબળાઈઓની, ગમતા પરફ્યુમની સુગંધની, ન ગમતા રંગની, શાકમાંથી દૂર કરાતી કોથમીરની, ચોરછૂપી પીધેલા જામની, બચપણના ટીચરની, બૂઢાપાના વૈદની… !

પ્રેમ કરો તો ખબર હોવી જોઈએ કે કઈ બાબત રાતના ઉજાગરા કરાવે છે ? કઈ અસલામતી બાબતે માણસ જરાક ટચી છે… ક્યાં ઉતાવળ કરે છે ને ક્યાં ડરે છે. શું સાચે જ ગમે છે. શું કરવાથી ચીડ ચડે છે. આના કોઈ ફોર્મ ભરીને અપાતા નથી. આ તો કાનને બદલે હૃદયથી સાંભળો, આંખને બદલે મગજથી જુઓ તો ખબર પડતી જાય. સપાટી  પર શરૃ થયેલા સંબંધોમાં આ ફ્રીકવન્સી મેચિંગની વેવલેન્થ પકડાતી નથી. બેઉમાં કે બેયમાંથી એકમાં એટલી ડેપ્થ જ હોતી નથી કે ખોદે તો માટી નીકળે. એટલે તળિયે પાવડા ટકરાય છે.

વન વે ચાલતી ફાલતુની ડસ્ટબીન સમજીને થતી વાતો તો ઓવર ઈરિટેટિંગ છે. વાતોના નામે પિંજણ કરનારા, વિવેચક બની કાયમ એકની એક કચકચ કરનારા ને જરાય રસિકતા કે સ્માર્ટનેસ વગર સમય વેડફીને હેવી હથોડા જેવી ઉધાર ફિલસૂફીઓ ફટકારનારા લપિયાઓની ય કમી નથી. જેને એ લોકો વળી મહાન પ્રેમ સમજતા હોય છે !

વોટ્સઅપ ? ક્યા હાલચાલ હૈ ? એવા સવાલો જ પૂછ્યા કરવાને બદલે માત્ર મુશીમુશી ને બદલે થોડા સંવાદ કેળવવાના આવા કોમ્યુનિકેશન વધતા જાય, જો એ ન થાય ત્યારે એનો જરાતરા પણ ખાલીપો વર્તાતો જાય – શેર કરવાનો કોઇક ઉમળકો ગળામાં આવીને અટકે, રસ્તો ખૂટે નહિ…. એમ સામાની નાનીઅમથી નોનસિગ્નિફકન્ટ ટોકના ભણકારાનો તલસાટ જાગે એમ મહોબ્બતની મેંદીનો રંગ આવે ! આમાં બહુ પ્લાનિંગ કે સ્ટ્રેટેજી થઈ શકે નહિ, થાય તો લાંબી ટકે ય નહિ. આખરે બે માણસો તો જોઈએ ને, જેને આ કોમ્યુનિકેશન ચાલુ રાખવું હોય !

આ ‘ખટ્ટીમીઠી નોકઝોક’નું સ્ટેજ આવે નહિ તો રિલેશન ફોર્મલ જ રહે. લાઇફટાઇમ. ગેરેન્ટીડ. ઈન ફેક્ટ, જ્યારે આ તમામ વર્બલ ને નોન વર્બલ કન્વર્સેશન્સની ભીનાશ સૂકાઇ જાય, પછી જ રિલેશન રણની રેતી જેવા ખૂંચે છે. સ્વીટ ટોક પછી લડાયક કે કચકચ લાગે છે. આ તંતુ પહેલા કપાય છે, પછી લવમાં બ્રેકઅપની તિરાડો આવે છે.

યારીદોસ્તીનું ય આમ જ સમજવું. એટલે જ ઉગ્ર કે તીવ્ર નહિ, પણ થોડો ઝગડો ય જોઇએ. રિલેશનની ઈંટો વચ્ચે સિમેન્ટ તરીકે. આવા કજીયા કરી શકાય એ ય વ્હાલ ને વિશ્વાસ છે, સામાની સમક્ષ આપણે હોઇએ એવા દેખાઇએ તો વાંધો નહિ આવે. એકબીજાના ઈમ્પરફેકશનના સ્વીકારથી તો લાઇફમાં પરફેક્ટ લવસ્ટોરી રચાતી હશે ! કોઇનો ઉકળાટ, ઉચાટ ત્યારે જ સહન થાય, જ્યારે એને આપણે સાચા દિલથી પ્રેમ કરતા હોઇએ.

અને લાઇફની જેમ જ લવમાં કોઇ ડેસ્ટિનેશન હોતું નથી. જર્ની જ હોય છે. મંઝિલે પહોંચીને ય શું કરવાનું છે ? ગેલ, ગમ્મત ને ગપસપ જ ને ! માટે પ્યાર એ જ નિત્ય યાત્રા. સનાતન સમાગમની સુહાની સફર. વેલ, નૉટ સો સુહાની. એમાં બમ્પી રાઇડ પણ હોવાની. સીધા સ્મૂધ આંચકા કે વળાંક વગરના રોડ તો ધરતી શું આકાશમાં ય નથી. પ્લેનમાં ય થોડાક આંચકા કે ખલબલી તો આવે જ્યારે સીટ બેલ્ટ ટાઇટ રાખવા પડે.

પણ જરાક ક્લીઅર ટ્રાન્સપેરન્ટ ડિસ્કશન્સ થાય, ડિફરન્ટ સિચ્યુએશન્સમાં પરસ્પરના રિએકશન્સ નોંધાય, પછી એ ભરોસો ‘ભાવ’માં ભરતી લઇ આવે, સ્નેહનો સુધારો થાય. અને આમ  ઈવન ઈન મેરેજ પણ એકબીજા ડિસ્કવર થતા જ રહે, તો એ નાની નાની મોમેન્ટ્સની મોજ મોટી મોટી કોમેન્ટસથી રિશ્તાને સુરક્ષિત રાખે !

અલબત્ત, કન્વર્સેશનમાં કન્ફયુઝન થાય ત્યારે ઘણી વાર કોઇ ત્રીજાની જરૃર પડે – ગૂંચ ઉકેલીને ગાડી પાટે ચડાવવા, કે પછી કોઇ એવું કે જેની હાજરીથી કોઇ એકને જરાક જલન થતાં ખુદની ભીતર ઊઠેલા ખેંચાણની પરખ થાય. ક્યારેક દૂર જવાથી દ્રશ્ય આખ્ખું કેમેરાની ક્લિકમાં આવે છે. ક્લોઝ અપ્સ અધૂરા રહી જતા હોય છે.

અને એટલે જ પ્રેમ કાયમ પરફેક્ટ કેન્ડલ લાઇટ સેટ અપમાં પાંગરતો નથી. એ જરાક ‘ટેઢીમેઢી’ રીતે ખરબચડા બેકગ્રાઉન્ડમાં પણ ખીલે છે. ગુલદસ્તા પરફેક્ટ હોય છે, ગુલાબના છોડ તો અનિયમિત આકારના હોય છે. રિયલ લવના બેકગ્રાઉન્ડમાં એક્ટીવાની પાછલી સીટ હોય છે, રીક્ષાની ઘરઘરાટી હોય છે, ટ્રેન સ્ટેશનના પગથિયાં કે ધર્મસ્થાનકની આરતી બંદગી પ્રેયર હોય છે.

ટુવાલથી ટિફિન સુધી એ વિસ્તરે છે. બીજાના લગ્નના ફુલેકામાં ફૂલેફાલે છે. ઓઢણી સલવાતા ઈયરફોનના વાયર કે શર્ટના કોલર સાથે ઘસાતી કાબરચીતરી દાઢી સુધી ફેલાય છે. સાંકડમોંકડ બાંકડે બેસી ખવાતી ખારી શિંગથી એક ફિલ્મની બે ટિકિટ સુધી પહોંચે છે. હોંઠ પર લિપસ્ટિકની જગ્યાએ ચોંટેલા આઈસ્ક્રીમ અને નાકમાં મૂછને બદલે અથડાતી કોઇના શેમ્પૂની ખૂશ્બુ પિઝા ને  પાણીપૂરીની જેમ રોમાન્સના  વિટનેસ બને છે.

બોટમલાઇન ઈઝ કે વાત કરતા ન આવડે તો કોઇ છોકરી (કે સેલિબ્રિટી પણ) ધ્યાન ન આપે તો ઈમાન ક્યાંથી આપે !

qr 3

***
   
કરીબ કરીબ સિંગલ. શાદી મેં જરૃર આના. તુમ્હારી સુલુ. લવની ભવાઇ. ચાર ફિલ્મો એકધારી ચાલી ગઇ. ત્રણ હિન્દી, એક ગુજરાતી. બધામાં પ્લોટ ને કેરેક્ટર્સ અલગ-અલગ છે. ડિફરન્ટ ટ્રિટમેન્ટ ને થીમ છે. પણ લ.સા.અ. યાને લઘુતમ સાધારણ અવયવી છે : પ્રેમનું પ્રત્યાયન. લવ કન્વર્સેશન્સ.

કોઇ જૂની રંગભૂમિના ક્વૉટબલ ક્વૉટ ડાયલોગ્સ જેવા નહિ, પણ રિયલ કન્વર્સેશન્સ. ચારેય ફિલ્મો મસ્ટ સી એવી મસ્ત છે. આપણી અધૂરપને પૂરી કરે એવી. ધ બેસ્ટ એમોંગ ઓલ ઈઝ કરીબ કરીબ સિંગલ. પણ બીજી બધી પણ ગુલાબ સાથે મોગરા, જૂઇ, પારિજાતની  જેમ મહેકતી જ છે.

ફુરસદે જેના પર લખવાનું મન થાય, પણ લખવા કરતાં વધુ એક વાર એ જોવાનું મન થાય એવી વર્લ્ડ ઓવર બેસ્ટ રોમેન્ટિક ક્લાસિકના દરેક લિસ્ટમાં સ્થાન પામતી ફિલ્મ ૨૨ વર્ષ પહેલા આવેલી : બિફોર સનરાઇઝ. (પછી એની એટલી જ સરસ બે સિક્વલ્સ આવી) એમાં ય ફેમિનિઝમથી ફેરી ટેલ્સ સુધીના, ચુંબનથી ચિત્ર સુધીના કન્વર્સેશન્સ જ હોય છે.

beforeબે પાત્રોની એક નગરમાં થતી બહારની અને ભીતરની સફરની યાત્રા છે. સિતારાઓની સાક્ષીએ ઊઘડતા સ્પર્શથી, શરાબની હાજરીએ જોવાતી  હથેળીઓની વાતો ! એ ફિલ્મમાં સિગારેટના કશ પછી ઊઠતી ધુમ્રસેરોની જેમ હતી. બાકી બધી અહીં નોંધી એ ફિલ્મનો થોડો થોડો ભાગ ને કરીબ કરીબ સિંગલની કરીબ કરીબ કહાની એની યાદ દેવડાવે છે.

પ્રેમકહાની તો સરખી જ હોય છે. એક લડકા, એક લડકી. ને પછી ત્રિકોણ – ચતુષ્કોણ કે બીજા બધા ટવીસ્ટના તડકા ભડકા. પણ એની તરોતાજા રિફ્રેશિંગનેસ રાઇટર ને ડાયરેક્ટર પાત્રોને અને એમની ઝીણીઝીણી આદતોને ઉત્તમ અભિનેતાઓની મદદથી કેવી રીતે રજૂ કરે એમાં હોય છે.

કશાક હાર્ટફેલ્ટ કન્વર્સેશન્સ થયા હોય તો પછી જ્યારે વિખૂટાં પડીએ, અને એ કોલાહલ શમે ત્યારે બે ઘટનાઓ થાય : પહેલું, એ સભર સાર્થક સંવાદની યાદ આપણને કશીક વગર સ્યુગરની મધુરતાનો રસઝરતો અનુભવ કરાવે. બીજું, એનો અભાવ અંદરથી ઉધઇની જેમ આપણને ખોતરી નાખે. એસિડિક જલદતાથી એ મિસિંગ મહેસૂસ થાય.

પડદા પર આ ઉપસાવવું અઘરું છે. દિગ્દર્શક અનુભવ સિંહાએ આખી જિંદગીમાં જેટલી બનાવી એના કરતાં પત્ની રત્ના સિંહાએ એક જ ફિલ્મ ક્યાંય વધુ સરસ બનાવી, એવી ‘શાદી મેં જરૃર આના’માં આમ જ નાયક-નાયિકામાં ફીલિંગના અંકુર ફૂટે છે, પણ પછી બધું તૂટેફૂટે છે.

એમાં જબ્બર સરપ્રાઇઝિંગ ને ફિલ્મી હોવા છતાં ફીલિંગ્સની દ્રષ્ટિએ રિયલ એવો રિવેન્જ, આક્રોશ, નફરતનો કાતિલાના વળાંક છે. કૃતિ ખરબંદા ને અન્ય કલાકારો સાથે રાજકુમાર રાવના અત્યારે ચાલતા આ ગોલ્ડન ઈયરના ડ્રીમ રનમાં એણે શાનદાર, ધુંઆધાર પરફોર્મન્સ આપ્યું છે. ફિલ્મ નાટક કરે છે ફેમિનિઝમનું, પણ વાસ્તવમાં કાબેલ સ્ટોરીટેલર એના ભાવકને ગાફેલ રાખી સરપ્રાઇઝ આપે એવો સેકન્ડ હાફ છે.

Dhun-Laagi-Song-from-Love-ni-Bhavai (2)‘લવની ભવાઈ’ પોસ્ટરથી જ ખબર પડે એમ ત્રણ પાત્રોના તાણાવાણામાં ગૂંથાતા-ગુંચવાતા સંબંધની વાત છે. મેચ્યોર ‘કૂલ’ ટ્રીટમેન્ટ, કસાયેલા અભિનયની રમઝટ ‘પ્રેમમાં પડયા પછી ઉડવાનું હોય’ એવા યૂથફૂલ ફીલિંગ્સને ફિલસૂફીમાં ઢાળતા સંવાદ ને સંગીત બધું જ ખરું. પણ કૉર એલીમેન્ટ છે : લવ હેપન્સ. બહુ બધી ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોફેશનલ ટોક કરનારને ય હ્યુમરસ પ્લસ મીનિંગફુલ કન્વર્સેશન્સ ચંદ દિવસોમાં જે રીતે ખેંચી લે છે, ત્યાં પૈસા કે સલામતી કે પ્રતિષ્ઠા પણ ટૂંકી પડે. વ્હાલમ જીતાય વાતચીતથી. ‘કોઈ આપણને ગમવા લાગે ત્યારે એનું બધું જ ગમવા લાગે !’ વાહ.

qar 3‘તુમ્હારી સુલુ’ વળી જુદી જ ભાત કંડારતી ને જુદી જ વાત માટેની સુંદર ફિલ્મ છે. પણ એનું એક એલીમેન્ટ છે, મિડલ ક્લાસના લવિંગ કપલ બનતા માનવ કૌલ અને વિદ્યા બાલન વચ્ચેના કન્વર્સેશન્સ. રોજના, ઘરના, મોબાઇલના, ઘરકંકાસના, ડચકારા અને જીભડાના પણ ! પાડોશના ઘરમાં ચાલતા હોય ને આપણે બારીમાંથી જોતા હોય એવું લાગે. સુરેશ ત્રિવેણીએ અહીં ખામોશીનો બખૂબી ઉપયોગ કર્યો છે. ગૃહિણીની આઇડેન્ટીટીની પ્રેમાળ જદ્દોજહતની વચ્ચે.

એન્ડ કરીબ કરીબ સિંગલ. આમાં બે પાત્રો સાવ ટીનએજ ટોળટપ્પાવાળાં નથી. જીંદગીના ઉઝરડાએ કરચલીઓ જેમની આંખો નીચે મૂકી દીધી હોય એવા મધ્યવયસ્ક છે. ઓપોઝિટ છે પ્રકૃતિથી. બેઉં ભૂતકાળમાં સંતુષ્ટ પણ વર્તમાનથી અસંતુષ્ટ છે. પણ સ્ત્રી ભવિષ્યને ભયથી જુએ છે. શંકાથી સાવચેત રહીને. પણ પુરૃષ, અનુભવે મોજીલો થયો છે. સેન્સેટિવ, કૅરિંગ અંદરથી હોવા છતાં બહારથી જાણી જોઇને રંગબેરંગી ને લાઉડ છે. એનો એક સતત ચાલતો કટાક્ષ છે. બનાવટી ડિજીટલ દેખાડાની પ્લાસ્ટિક થતી જતી સૃષ્ટિ સામે.

ને શું ગજબનાક એકટિંગથી એ પાત્ર નિભાવ્યું છે ખાનો મેં ખાન ઈરફાને ! ફિલ્મની રાઈટર ગઝલ ધાલીવાલ પહેલા પુરૃષ હતી, પછી સ્ત્રી ઓપરેશન કરાવીને થઇ છે, એટલે મર્દ-ઔરત બેઉ સેન્સિબિલિટી એણે એવી ઝીલી છે કે ડાયરેકટર તનુજા ચંદ્રા અનટચ્ડ લોકેશન પર વધુ ફોકસ કરે તો ચાલે. ફિલ્મ પૂરી થાય ને આપણને થાય કે અરે આ ‘સિંગલ’ એવા કપલનો સંગાથ કાયમ માટે છૂટી ગયો ! અહીં પણ અઢળક શાયરાના ને સટલ મોમેન્ટ્સ છે.

‘બિફોર સનરાઇઝ’નો ડાયલોગ છે : જગતમાં મેજીક હોય તો એ છે ”એટેમ્પ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ સમવન શૅરિંગ સમથિંગ.” આવા શૅરિંગ સમજવામાં પૂરી સફળતા તો ન ય મળે. પણ તો શું ? મહત્વનો છે : એટેમ્પ્ટ. આવા સમજણના સંવાદ માટેનો પ્રયાસ. (શીર્ષક : મરીઝ)

Qarib-Qarib-Single-1

ઝિંગ થિંગ

તુમ્હારી યાદ સે ફુરસત ઘડીભર કી નહીં મિલતી
યે કૈસી નૌકરી હૈ ? એક છુટ્ટી ભી નહીં મિલતી !

(મિલિન્દ ગઢવી)

અનાવૃત : ગુજરાત સમાચાર ૨૯ / ૧૧ / ૨૦૧૭

 
16 Comments

Posted by on November 29, 2017 in cinema, feelings, romance

 
 
%d bloggers like this: