જિતેશ દોન્ગા.
જણ પહેલેથી જ તરવારિયો. રીડરબિરાદર તરીકે વર્ષોથી મારા સંપર્કમાં. હું દર વખતે જવાબ ન આપી શકું, તો ય માઠું ન લગાડે…મીઠું લગાડે. એન્જીનીયર થઈને ય અવનવા બિઝનેસ કે સાહિત્યના આઈડિયાઝ મોકલાવે. ફુરસદે વાત કરે. પૂજ્યભાવનો તો હું જ માણસ નથી, પણ એનો પ્રિયભાવ પૂરો મારા પર.
વાચન સારું હોય તો લેખનના ઉભરા આવવાના જ.જે અંદર જાય એ બહાર આવે. જિતેશ પોતાના વિશે તો ઘણું લખતો રહે, પણ પહેલી નવલકથા ‘વિશ્વમાનવ’ લખી, એના વિમોચનમાં હું GLF માં પહોંચું એવો એનો પ્રેમાગ્રહ. હું વાંચી તો ન શક્યો પણ પહોંચ્યો જરૂર યુવા ચેતનાને પોંખવા. એ ઇ બુક સ્વરૂપે સારી વંચાઇ. જિતેશનું વિઝન સંકુચિત નહિ પણ ગ્લોબલ એટલે તાવડો સારો તો ઘાણવો સારો ઉતરે.
પછી જાતભાતની સફરો એણે ફિઝિકલી એન્ડ મેન્ટલી ખેડી એવું ફેસબૂક જોઈને ને અમુક વાતચીત પરથી જાણી શક્યો. બેંગાલુરું પ્રતિલિપિમાં ગયા પછી પણ એક કથા લખવાનું ચાલુ રાખ્યું. મોટિવેશનનો જમાનો છે, પણ તો ય એણે ફિક્શન પકડી રાખ્યું. હું અંગત રીતે વાર્તા ને નવલકથા કે કવિતા જેવા સ્વરૂપનો ચાહક. સાહિત્યની સર્જકતાનો પ્રદેશ આ જ છે.
‘નોર્થ પોલ’ એની બીજી નવલકથા છે. હમણા જ મને મોકલી. હું અત્યારે બેહદ વ્યસ્ત વ્યાખ્યાનો ને પ્રવાસોમાં. ફોન પર વાત પણ ના કરી શકું. ઓન એનો જીદ જેવો આગ્રહ કે હું વિમોચન કરુ !
આખી તો ઈચ્છા છતાં હું વાંચી નથી શક્યો ઓન જે નજર નાખી એના પરથી એટલી વાત પકડાઈ ગઈ કે યુવાહવાની, જવાનીની વાત છે. વળી, વાત વેવલી નથી પણ વાસ્તવિક છે. ફ્લેવર ચગે એમાં યૂથ ને યંગીસ્તાનની. બાકી તો કેવી છે એ વાચક નક્કી કરશે.
જિતેશની વિશ એવી કે આ કથા મફત જ ડાઉનલોડ માટે મુકવી.ને મને સર્જકતા આમ સસ્તી થાય એ ગુજરાતીપણાનું અપમાન લાગે. સબ કુછ નહિ મિલતા રેડીમેઈડ એ મારું સ્પષ્ટ સૂત્ર. પ્રસિદ્ધ થવા કરતા સિદ્ધ થવાનો મોહ વિશેષ. મફત બાબતો પોતાનું મૂલ્ય તો ઘટાડે જ, પણ માર્કેટ પણ બગાડે. આપણા દેશની ક્રિએટીવીટી ફ્રીની ટેવ પડી એમાં ક્રિલેટિવ લોકો ફીના મોહમાં પરદેશી થઈ ગયા ! જિતેશે કહ્યું કે એની વાર્તામાં તાકાત છે. જો તમને લાગે કે આ નવલકથા વાંચીને તમારામાં કશો બદલાવ આવ્યો, જો તમને લાગે કે લેખકે મહેનત કરી છે, અને જો તમારો આત્મા કહે કે લેખકને કશુંક આપવું જોઈએ તો જીતેશને તમે પેમેન્ટ આપી શકો એની સાઈટ પર.
એની વે, પણ જિતેશ લાગણીથી છલોછલ છે, તો એના પ્રેમનો પ્રતિસાદ આપવામાં સિદ્ધાંતો મને નડે નહિ. વળી કામ તો યુવાનોનું જ છે..યુવાન લેખક, યુવાનીની વાત કરતું પુસ્તક, ટાર્ગેટ ઓડિયન્સ પણ યુવાનોનું. અને યુવાઓ માટે આપણે કંઇ પણ કરવા હરહમેંશ હાજર. કારણ કે, ગમે છે એ દુનિયામાં રહેવું. ક્વોલિટી યુથ વોઇસને પ્રમોટ કરવો એ મારી નૈતિક જવાબદારી બને. દબાવ્યા વિના નવી ટેલન્ટ્સને યોગ્યતા હોય તો દિલથી ચાહી છે. જિતેશની વાતો તો મારા વિચારોનું એક્સટેંશન ગણાય. એનામાં જે કશુંક કરી દેખાડવાનો સળવળિયો છે, એ મને ગમે છે. પાછું તપ પણ કરે ને તૈયારી ય. ખાલી તક ને તારીફની તમન્ના પર જીવતો નથી.
તો હવે નવલકથા જેવી લાંબી વાતને બદલે, સીધી નવલકથા જ હાજર છે. નવી તાજગી ને મને ગમતું કોલેજકાળનું રિફલેક્શન તો એમાં મહેસૂસ થયું છે. શૈલી પણ ફ્રેશ છે. એની ઈચ્છા મુજબ જ મારા દ્વારા લોન્ચ કરી આપણી સામે મુકું છું. રસ પડે તો મારો ધુબાકા. કરો ફ્રી ડાઉનલોડ ને વાંચો. આ રહી લિંક. કરો ક્લિક.
ઓલ ધ બેસ્ટ જિતેશ. કરો ફત્તેહ. થેન્ક્સ મને ગમાડવા માટે ને શાબાશ ગુજરાતીમાં જવાનીની મશાલયાત્રા આગળ વધારવા માટે 🙂
યે હુઆ ડિજિટલ લોન્ચિંગ ! નીકળી પડે નોર્થ પોલની સફરે…
North Pole – http://jiteshdonga.com/