RSS

પ્રેમ અને ડ્રીમ : યૂં હોતા તો ક્યા હોતા…

27 Feb

lala-2
‘લા લા લેન્ડ’ માથે ઘાત તો ધારેલી જ હતી. ભારતીય લિબરલ્સના વન વે સેક્યુલરિઝમમાં જેમ એક પક્ષ તરફ અઢળક ઢળવામાં આવે છે. જેમાં આજની ૨૭ ફેબ્રુઆરીએ ગોધરાનો ડબ્બો ૫૯ કારસેવકોના જીવ લેતો બાળવામાં આવેલો એ ભૂલાઈ જાય પણ ગોધરાકાંડનાં હવાલે રાજકોટના યુવકોની  isis બ્રેઈનવોશિંગ કરી શકે, એમ એની આનુષંગિક રમખાણોની ઘટનાઓ યાદ રહી જાય…બાબરી ઢાંચાના ઉદાહરણો દેવાય પણ મલબો પાડવાના બદલામાં ડી કંપનીએ સેંકડો નિર્દોષોને ભૂંજી નાખેલા, ને પછી ય ક્સાબ કંપની હુમલો કરવા પહોંચી ગયેલી એ બધું વિસારે પાડી દેવાય. આવું જ અમેરિકન લિબરલ્સમાં ગે અને બ્લેક જેવી સામાજિક ઉપેક્ષાનો ભોગ બનેલાઓનું છે. ‘મૂનલાઈટ’ જેવી સારી ( એવોર્ડ તો ઠીક, ઓસ્કાર નોમિનેશનનું એક લેવલ તો હોય જ છે, સાવ લાલિયાવાડી એમાં હોતી નથી. માટે નોમીનેટ થયેલ લગભગ બધી ફિલ્મો સારી, જોવાલાયક તો હોય જ. ) ફિલ્મમાં વળી ગે ને બ્લેક બેઉ દુખતી રગ એકસાથે પકડવામાં આવી છે. એટલે જો વધુ મજબૂત હરીફો સામે પ્રમાણમાં નબળી એવી ‘૧૨ ઈયર્સ એ સ્લેવ’ અપસેટ સર્જી શકે તો એનાથી બેહતર મૂનલાઈટ ઘણો મોટો અપસેટ સર્જી શકે.

આ ભીતિ ઓસ્કાર અગાઉ મેં જ નહી, કેટલાય રસિયાઓએ અગાઉ વ્યક્ત કરેલી જ. આ મેરિટ ખાઈ જતી અનામતપ્રથા જેવું છે. બાકી ઓલમોસ્ટ ઇન્ડિયન એવી ‘લાયન’ પણ ખરેખર સરસ ફિલ્મ છે. પણ એમાં ગે અને બ્લેકના ધજાપતાકા નથી એ કેમ ચાલે ? 😉 રૂપાળો અને રૂપાળી છોકરી રોમાન્સ કરે એ ભલે નેચરલ હોય તો શું થયું , બે કાળા અને એય બે ય છોકરા જ પરસ્પર કરે એ પ્રેમ મહાન કહેવાય શું ? 😛 ચાંપલાઓ વાહ વાહ  કર્યા કરે. લુપીટા નિયોગી અને ફ્રેડા પિંટોને આમ જ બધા બ્યુટીફૂલ બ્યુટીફૂલ કહેતા ફરતા હતા. કેટલાએ આ ‘હોટ બ્યુટીઝ’ના વોલ પેપેર ડાઉનલોડ કર્યા ? એના કરતા અનેકગણી વધુ વખત સલમા હાયેક ખાનગીમાં સર્ચ થઇ હશે. ભલેને એવોર્ડ ના મળે એને ! ( એક્ટિંગની વાત નથી,પોલિટિકલ કરેક્ટનેસના નામે “સૃષ્ટિ વિરૂધ્ધના સત્યો” ની વાહવાહી કરવાના ડોળની વાત છે, વાસ્તવ એનાથી ઉલટું હોય છે એમાં તો મોદી કે ટ્રમ્પને ટોચ સુધી પહોંચવાનો ચાન્સ મળે છે !)

આજે તો શૂળીનો ઘા સોયથી ટળ્યો. છેલ્લે ‘પોપટિયા પડદો પાડ’ જેવો ટ્રેજીકોમિક ભગો સર્જાણો પછી બેલેન્સ કરવા ‘ટાઈ’નાં વિકલ્પે ટોસની જેમ બેસ્ટ ડાયરેક્ટર એકને અને બેસ્ટ પિક્ચર બીજાને આપી બે ય ને સાચવી લેવાનું ગઠબંધન આપણા નાયબ મુખ્યમંત્રીઓ જેવું જુનું ને જાણીતું છે. એટલે લા લા લેન્ડને બેસ્ટ ડાયરેક્ટર અને મૂનલાઈટને બેસ્ટ પિક્ચર આપવામાં આવ્યું, એમાં બલા ટળી. નહિ તો બીજી દરેક ડિઝર્વિંગ ફિલ્મો સામે મૂનલાઈટ ગે બ્લેક સાગા તરીકે છવાઈ જાત. ઓવરરેટેડ એરાઈવલ તો એટલું કન્ડમ હતું કે એનો ચાન્સ જ નહોતો. પણ મૂનલાઈટ તો પાછું સારું ય હશે જ એનાથી તો. એમ તો મેલ ગિબ્સનનું હોય એટલે ‘હેકસો રીજ’ ને ડેન્ઝ્લનું હોય એટલે ‘ફેન્સીઝ’ પણ કમ નહી હોય ને ‘માનચેસ્ટર બાય ધ સી’ પણ વખણાયેલું જ છે.

જો કે, આ બધા લાસ્ટ મોમેન્ટ ડ્રામામાં એ ભૂલાઈ ગયું કે ગોલ્ડન ગ્લોબ અને બાફટાની જેમ લા લા લેન્ડ  તો ઓસ્કારમાં ય મેઈન સ્ટ્રીમમાંઆ વર્ષે સૌથી વધુ એવોર્ડ લેનારી ફિલ્મ બનીને રેરેસ્ટ ઓફ રેર હેટ્રીક કરી ચૂકી છે. આજે છવાઈ જનાર ફિલ્મ તો લા લા લેન્ડ જ હતી. , છે અને રહેશે. વર્ષમાં દરેક ક્વોલીફાઈડ એવોર્ડ્સમાં સૌથી વધુ એને જ મળ્યા છે, અને આજના ઓસ્કારમાં ય હાઇએસ્ટ, બેસ્ટ ડાયરેક્ટર સહિત. એ ય આજના જમાનામાં એક મ્યુઝિકલ રોમેન્ટિક ફેરીટેલને ! સો, yes you guessed it right – અપુન ને તો પહેલે સે હી બોલ દિયા થા, ક્યા  😛

આ ફુલણજી કાગડો તો હમો જાણે હક્કથી થઇ શકીએ એમ છીએ તો બેશરમ થઈને થશું જ. 😀 પણ ઓન સિરિયસ નોટ, અમસ્તી જ લા લા લેન્ડ બધે ઝંડા નથી નાખતી. લૂક, ૧૧ ઓસ્કાર તો લોર્ડ ઓફ ધ રિંગ્સ -૩ ને મળ્યા હતા ને એ ય સુપરહિટ ને સારી હતી જ. પણ યાદ તો તમને મહાન ફિલ્મોની વાત નીકળે તો ગેરેન્ટીથી ‘ટાઈટેનિક’ જ આવશે. મૂનલાઈટ પાંચ વર્ષમાં ભૂલાઈ જશે. પણ લા લા લેન્ડ ટાઈમલેસ ક્લાસિક છે. ‘સાઉન્ડ ઓફ મ્યુઝિક’ કે ‘કાસાબ્લાન્કા’ની જેમ. કોઈ એવોર્ડ નહોતા ને ફિલ્મ હજુ રિલીઝ થઇ હતી ત્યારે જ એના પર માત્ર જોઇને જ હમો કોઈ ફિલ્મમેકિંગના અનુભવ વિના માત્ર ઓડિયન્સના અનુભવે ફિદા થઇ ગયેલા એ હવે જગ જાહેર છે. એક લેખ લખ્યો છે ને હજુ કમ સે કમ બે-ચાર લખી શકું એટલી અનુભૂતિ તો મારી પાસે છે. આજે જે થયું એ જ તો એક્ચ્યુઅલી ફિલ્મનો ક્લાઈમેક્સ પણ છે જ ને ! ઓલ્ટરનેટ રિયાલીટીમાં હેપી હાર્ટ ને એક્ચ્યુઅલ એન્ડ પોઈન્ટ પર અચાનક જ હેવી હાર્ટ ! આથી મોટી ઐતિહાસિક અંજલિ ડાયરેક્ટર ડેમિયનને બીજી કઈ હોય ?  જરાક વાર માટે, થઇ ગયું ને બધા ઓસ્કાર  જોનાર ને ને લેનાર ને ય કે….યૂં હોતા તો ક્યા હોતા ! ધેટ્સ લવ, ધેટ્સ લાઈફ. આ માટે ય લા લા લેન્ડ કાયમ માટે યાદ તો રહેશે જ  નવી પેઢીઓને !

તો વાંચો  ‘લા લા લેન્ડ’ જોઇને ૧૭ ડિસેમ્બરની મધરાતે ચાચા ગાલિબનાં આ જ ટાઈટલ સાથે લખેલો આ લેખ, જે ૨૧ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ ગુજરાત સંચારના અનાવૃતમાં છપાયો હતો.  એ ય વિચારજો કે ફિલ્મ ભલે અંગ્રેજી હોય, એના વિષે લખવાનો ઠેકો અંગ્રેજીનો જ નથી. અંગ્રેજીમાં લખાયા એની પહેલા ગુજરાતીમાં ય બંદાએ આવો લેખ  માતૃભાષામાં ઓરિજીનલ લખેલો છે. રસિયા હો તો આ તારીખ પછીના કે આસપાસના અંગ્રેજી લેખ સાથે એની ક્વોલીટી પણ સરખાવી લેજો  🙂 ફિલ્મના તો રાજકોટ ગેલેક્સી સિનેમાંના સહકારથી સ્પેશ્યલ શો કર્યા , અને આ લેખકડાના ભરોસે રીડરબિરાદરો એ એ હાઉસફુલ કર્યા…એ દાસ્તાન બહુ  જાણીતી છે. પણ  હજુ ય મેળ પડે તો એના શો કરવા છે, ને  વધુ લેખ પણ લખવા છે !

lala-1

બિના પંખો કા એક પરિન્દા, દુનિયા જીસ કો દિલ કહેતી હૈ, તેરી પાક હંસી કી આહટ સુન કે ઉડ જાતા હૈ (ઈરશાદ કામિલ)

la-la-land-featured-2

લવના મોસ્ટ મીનિંગફૂલ કોન્વર્સેશન્સ ક્યારે થાય? સ્વીત્ઝર્લેન્ડના પહાડો પર? કાશ્મીરના બગીચામાં? ફાઈવસ્ટાર હોટલની લોન્જમાં? એરબસ એ-૩૮૦ના બિઝનેસ ક્લાસમાં? ઝાકઝમાળ ક્રિસમસ પાર્ટીમાં? લક્ઝુરિયસ હવેલીના ભવ્ય બેડરૃમમાં? ઓવર ધ ડ્રિન્ક ઈન બાર?

ના. એ થાય રાત્રે કે ઢળતી સાંજે ચાલતાં ચાલતાં! પ્રિફરેબલી, આસ્ફાલ્ટની કાળી સડકો પર. બહુ બધા અવાજો અને અવરજવર ન હોય, દિવસની રોજીંદી ઘટમાળના કામ સૂરજ સાથે ઢળી ચૂક્યા હોય, મોબાઈલમાં વાગતી રિંગોમાં ઓટ આવે, થાકેલું ડીલ અને જરા ભરાયેલું દિલ હળવા થવા માટે ઝંખતું હોય, અને મનગમતી કંપની સંગાથમાં હોય, કોઈપણ રેન્ડમ ટૉપિક પર નોર્મલ વાતો બંધ જ ન થાય… વાટ (રસ્તો) ખૂટે, પણ વાતો ન ખૂટે!

હળવે હળવે ચમકતા તારા શીતળ પવનની ધીમી લહેરોમાં ગૂંથીને રૃપેરી ચાંદની આસપાસ રેલાવતા હોય કે ઢળતી સંધ્યાની કેસરી રતુમડી ઝાંય વૃક્ષોના પાંદડામાંથી ચળાતી આવતી હોય, કાં પંખીના ડહૂકા કાં ખળખળ વહેતા પાણીનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય… ને આવું કશું ન હોય, તો ય બે ધડકતા દિલ હોય, બસ!

આમાં શબ્દોનું બહુ મહત્વ નથી. આવા રોમેન્ટિક કોન્વર્સેશન્સમાં મૌન પણ બોલતું હોય છે. ઈનફેક્ટ, આંખો અને જીભ જુગલબંધી કરીને જાણે ઓટોમેટિકલી કોરિયોગ્રાફ થતું નૃત્ય રચતા હોય ત્યારે!

આ એવી મોમેન્ટસ છે, જે પૂરી થઈ ગયા પછી પણ પસાર થતી નથી! ઈનફેક્ટ, નાની નાની આડીઅવળી વાતો ભૂલાઈ જાય તો ય એ વખતે જે આનંદનો અહેસાસ થયો હોય છે, એ ભૂલાતો નથી! આ ફિલીંગ તો ધીરે-ધીરે સંવાદ અને સંગાથના સમાપન પછી પણ ‘ગ્રો’ થયા કરે છે. બીજમાંથી ફૂટતા ફૂલના છોડની જેમ એ મોસમ બદલાય એમ ખીલતી જાય છે!

સિનેમાઘરના અંધકારમાં કોઈ સભર ફિલ્મ જોયા પછી પણ આવી જ તૃપ્તિના ઓડકાર લાંબા સમય સુધી આવ્યા કરે છે. શૉ પૂરો થયા પછી પણ રીલ દિલોદિમાગમાં ફર્યા કરે છે. ફરી ફરી, ફરી ફરી એ રિ-વિઝિટ થયા કરે છે.

અને એક સીટ પર બેઠાં-બેઠાં એક અનોખા વિશ્વની સફર ખેડાયેલી એની યાદની મોસમ ઝરતાં-ઝરતાં પારિજાતની માફક કોમળ કોમળ સુગંધ પ્રસરાવ્યા કરે છે, ભીતરમાં!

***

આપણે બધા એકલા જ આવ્યા છીએ આ ધરતી પર. સ્વજનો મોટા કરે છે. મોટા થયા બાદ એ જ સ્વજનો બંધન લાગે છે, કારણ કે પોતાની પાંખ ફૂટે એની ઉંચી ઉડાન ભરવી હોય છે. ત્યારે જ મળી જાય છે, કોઈ સ્ટ્રેન્જર.

આપણાથી અલગ રીતે, અલગ પરિવારમાં, અલગ વાતાવરણમાં, અલગ વ્યક્તિત્વ સાથે ઉછરેલી કોઈ વ્યક્તિ… જે મળ્યા બાદ અજાણી નથી રહેતી. મજાની બની જાય છે.

શરૃ શરૃમાં હોય છે, સિમિલારિટિઝનું શેરિંગ. સરખા શોખ, સરખી વેદના, સરખી મંઝિલના હમસફર. અને થોડું અલગ પણ હોય છે કશુંક. જે રહસ્ય પેદા કરીને ખેંચે છે, ચૂંબકની જેમ!

પછી બે અજાણ્યાઓ આવે છે એકબીજાની કરીબ. મહેસૂસ કરે છે આત્માનું સંગીત અને આત્મીય બની જાય છે, એના અદ્રશ્ય તાલ પર! ખુદ સાથે વીતાવેલો જે સમય કંટાળો આપે છે, એ જ સમય કોઈ પ્રિયજનના સથવારે રૃપાળો થઈ જાય છે.

નાની નાની ઈંટોથી આખી ઈમારત ચણાય, અને એક આકાર બની જાય, એમ જ સેંકડો નગણ્ય લાગતી ક્ષણોની પાંદડીઓ બાજુબાજુમાં જોડાઈને એક પુષ્પ રચી દે છે, ધીરેથી ઉઘડીને મહેકતું! જેટલી સ્મોલ લિટલ મોમેન્ટ્સ વધુ, એટલો ફીલિંગનો સિમેન્ટ પાક્કો!

એવું થાય ત્યારે રચાય છે, સંગીત. ડુ યુ નો? મ્યુઝિક ઈન એન ઓલ્ડેસ્ટ આર્ટ! ચિત્રો ય માણસે પછી દોર્યા હશે. પણ પહેલાં તો સાંભળ્યું હશે સંગીત! પ્રકૃતિ પાસેથી, પોતાનાઓ પાસેથી. સૂર અને સ્વર. એમાંથી પ્રગટયું હશે નૃત્ય. તબલાં હોય કે બાંસુરી, વાયોલીન કે સિતાર, ગિટાર કે પિયાનો, ઢોલ કે સંતૂર… મ્યુઝિક એક મેજીક છે. મ્યુઝિક ઈઝ શેડો ઓફ લવ. જ્યાં પ્રેમ છે, ત્યાં ગીત છે, સંગીત છે.

એની તાન છાતીમાં રહેલા હૃદયને જેમ કઢાઈમાં મોહનથાળ તવેથાથી હલાવવાનો હોય એમ વલોવે છે. લાગણીઓની સરવાણીઓ સંગીતના સથવારે એકરસ થાય છે! જ્યાં શબ્દની સરહદ પૂરી થાય છે, ત્યાં સંગીતનું ભાવજગત શરૃ થાય છે.

મ્યુઝિકનું મેજીક લવ ફ્યુઅલ છે. પ્રેમની વસંત હોય કે બ્રેકઅપની પાનખર, આપણી વ્યક્ત થઈ ન શકતી લાગણીઓને સંગીતની લાઈફ સપોર્ટ સીસ્ટમ મળે છે! એમાં ય ફિલ્મો ન હોત, તો સંગીતના સાઉન્ડનું વિઝ્યુઅલ કોમ્બિનેશન સાથેનું અમરત્વ ન હોત!

ખાલી વાદ્યો વાગે તો ઘોંઘાટ થાય. રાગ અને રાગડા વચ્ચે પણ તફાવત હોય છે. મ્યુઝિકનું ય રિલેશનશીપ જેવું છે. બેઉમાં સુખ ત્યારે જ મળે જ્યારે ‘રિઝોનન્સ’ હોય. રિઝોનન્સ એટલે બે વેવલેન્થ મેચ થઈ જાય, એકબીજામાં બધા સૂર, અને સ્વર ભળી જાય, જેમ ગરબામાં ડ્રમની બીટ સાથે પગના ઠેકા આપોઆપ જુદા-જુદા હોવા છતાં મેચ થઈ જાય, એવું કંઈક. ફ્રીકન્વન્સીની ફાઈન ટયુન્ડ હાર્મની.

અને આવું સંગીત જ્યારે ફિલ્મી પડદે રણઝણે ત્યારે જો અભિનય અને કહાનીનો સ્ટ્રોન્ગ સપોર્ટ હોય, તો વગર ધ્યાનશિબિરે સમાધિ લાગી જાય!

પણ હા, એ માટે પ્રેમભીનું દિલ જોઈએ. મ્યુઝિકનું વાવેતર એ વિના ઉગી શકતું નથી. પ્રેમભીનું નહિ, તો પ્રેમભગ્ન હૃદય પણ ચાલે. જે પુરું થાય એ તો ભૂલાઈ જાય. પણ જે અધૂરું હોય એની તડપ શેરડીના મીઠા રસ ચૂસાઈ ગયા પછી ફાંસ જીભમાં ભોંકાઈને ધીમે ધીમે લાલ લોહીની ટશર કાઢે, એમ ભોંકાયા કરે!

પછી ગીત પડઘા બની જાય, સ્પર્શ પ્રેત બની જાય! ક્યારેક બે જણ મળે, ત્યારે એકબીજામાં ઠંડીમાં ટૂંટિયુ વાળી ધાબળાં નીચે ઢબૂરાઈને સૂતી હોય એવી પોતાની પ્રતિભા તણી શક્યતાઓ મનમીતના સહવાસમાં સફાળી ઠેકડો મારીને જાગી જાય. આપણી અંદરની રોશનીની અચાનક આપણને ઓળખાણ થાય.

પણ એલિઝાબેથ ગિલ્બર્ટ ‘ઈટ, પ્રે, લવ’માં લખે છે તેમ એવું ઢાંકણું ઉઘાડવા પૂરતું, છાલ ઉતારી ગર બહાર કાઢવા પૂરતું જ સોલમેટનું અવતારકૃત્ય હોય, એમ ક્યારેક એ વિખૂટા પડીને એવા દૂર ફંગોળાઈ જાય કે એમને મિસ કરીને રાહ જોવી કે ભૂલીને આગળ વધવું એ સમજાય નહિ.

એક સમયે જે ગીત મિલનના મહોત્સવનું હતું, એ પછી વિરહની વેદનાનું બની જાય. સંગીત એ જ છે, સંગ એ રહ્યો નહિ!

***

ફૈઝ અહમદ ફૈઝની મશહૂર એવી ટચૂકડી રચના છે : _વો લોગ બહુત ખુશકિસ્મત થે, જો ઈશ્ક કો કામ સમજતે થે… યા કામ સે આશિકી કરતે થે… હમ જીતે જી મસરૃફ (વ્યસ્ત) રહે, કુછ ઈશ્ક કિયા… કુછ કામ કિયા! કામ ઈશ્ક કે આડે આતા રહા, ઔર ઈશ્ક કામ સે ઉલઝતા રહા… ફિર આખર તંગ આકર હમને દોનોં કો અધૂરા છોડ દિયા!_

સાહિત્ય કે સિનેમાની કહાનીઓમાં ઈશ્ક હોય છે, પણ એના પાત્રો દેખાવ પુરતું કશુંક કામ કરતા હોય છે. રિયલ લાઈફમાં કામ મોટે ભાગે પ્રેમને ખાઈ જાય છે. બધાના સપના મોટાં થઈને, આગળ વધીને નામ કે દામ કમાવાના હોય છે. કોઈ કહેતું નથી કે મેચ્યોર થઇને પ્રેમ કરીશું!

એટલે તો કવિતા કરતાં સફળતાના પુસ્તકો વધુ વેચાય છે. પૈસા જોઈએ છે, પ્રાઈવસી જોઈએ છે, ગાડીબંગલા ને દોલતશોહરત જોઈએ છે. લાઈફનું સેટલમેન્ટ જોઈએ છે. અને એ બધા પાછળ દોડવામાં મોહબ્બત ડ્રાઈવિંગ સીટમાંથી કારની ડિકીમાં ફંગોળાઈ જાય છે, હપ્તે હપ્તે!

કોમ્પ્રોમાઈઝ એન્ડ કોન્ફલિક્ટ્સ લવનું ભક્ષણ કરી જાય છે. પ્રેમની મોસમ વાસંતી હોય ત્યારે ગુલાબી ધુમ્મસનું સૌંદર્ય હોય છે. પણ સમયના તાપમાં એ શબનમ, એ બાષ્પ ઊડી જાય છે. ને રહી જાય છે, બળેલા બાવળિયાના કાંટાળા ઠૂંઠા અને ચીરાઇ ગયેલી કડવી વાસવાળી ડામરની સડકો !

લવ ઈઝ એ ડ્રીમ. મેઘધનુષી સપનું હોય છે પ્રેમ. એક એવી દુનિયા જ્યાં સિતારાઓની સફર પરીઓની પાંખે ઊડીને કરી શકાય, એવી સૃષ્ટિ જ્યાં ફૂલો ગાય અને પતંગિયા નાચે, એવું વિશ્વ જ્યાં ચોકલેટની ખૂશ્બુ હોય અને વાઇનનો કેફ. જે મસ્ત મધુર જગત બહાર કશે ન હોય, પણ આપણે પ્રેમમાં હોઇએ કોઇના તો આપણી અંદર રચાવા ને ઉઘડવા લાગે ! જ્યાં કાંટા વિનાના લાલચટ્ટક ગુલાબો હોય અને આંખોમાં મોરપીંછ આંજેલા હોય ! જ્યાં સ્મિત એ ગીત બની જાય, અને વાતોમાં મ્યુઝિક સંભળાવા લાગે. જ્યાં કોઇ વૃધ્ધ કે જૂના થાય જ નહિ, હંમેશા યુવા અને તરોતાજા રહે ! જ્યાં પ્રકાશસંશ્લેષણની જેમ સનશાઇનના ઘૂંટડા પીવાતા હોય અને મૂનલાઇટના ચોસલાં ચવાતા હોય ! જ્યાં મેજીક કાર્પેટ પર વગર વિઝાએ પૃથ્વીની સફર થતી હોય અને રોમાંચના ઘૂઘવતા મોજાં અંદર સમંદર ડોલાવતા હોય !

આવો માયાવી કલ્પનાલોક એટલે લા લા લેન્ડ. કલરફૂલ મ્યુઝિકલ ડાન્સિંગ એવો પ્રેમનો પ્રદેશ, પરીલોક. આપણે જ્યારે ઉંધેકાંધ પ્રેમમાં પડયા હોઇએ ત્યારે આ વન્ડરવર્લ્ડના દરવાજા ખૂલે છે, અને એની સોહામણી રળિયામણી ઝલકનો આપણને રોમ રોમ સ્પર્શ થાય છે. એક અર્થમાં દરેક કળા, સિનેમા, સર્જન અને લા લા લેન્ડ છે. વાસ્તવ ભૂલાવી દેતી રંગબેરંગી દુનિયા !

પણ રોમાન્સના ડ્રીમલેન્ડથી આગળ ડ્રીમ્સ હોય છે લોકોને. પોતાની ઈનબિલ્ટ પેશનના, હિડન ટેલન્ટના, મહત્વાકાંક્ષાના. જેમ બહુ ચમકતું ગિફ્ટ રેપર પાતળું હોય પણ ખરબચડું લાકડું એનાથી લાંબુ ટકે, એમ જ લવનું લા લા લેન્ડ બ્યુટીફુલ છતાં ઓછી આવરદાનું તકલાદી નીવડે છે. પોતાની જાતને દુનિયાના રિજેક્શન સામે કમિયાબીના રેકગ્નિશન તરીકે મૂકવાનું ડ્રીમ લોંગ લાસ્ટિંગ છે.

રાજકારણીઓ કે ઉદ્યોગપતિઓ મોટી ઉંમરે પણ એમાં એક્ટિવ હોય છે. અને એમ્બિશનના ડ્રીમ સેક્રિફાઇસ માંગે છે. ભોગ માંગે છે, બલિ માંગે છે. તમારી ફીલિંગ્સનો, તમારી માસૂમિયતનો, તમારી ફુરસદનો.

પ્રેમમાં હોવું ને રહેવું તો નવરા માણસોનું કામ છે. એટલે જ પ્રેમ એકધારો એવો ને એવો હંમેશા રહી શકતો નથી. સ્વભાવ બદલાય છે, પ્રાયોરિટી ચેન્જ થાય છે. ઓપ્શન વધી જાય છે સુખી થવાના ! અને પ્રેમની કિંમત ચૂકવીને પોતપોતાના સપના પર ચોકથી અલગ-અલગ દિશામાં ફંટાઇ જતા એક રસ્તાની જેમ રિયલ લાઇફમાં મોટા ભાગના પ્રેમીઓ જુદા થઇ જતા હોય છે.

બાયોડેટામાં સ્પાઉઝના નામ લખાય છે, મ્યુઝના યાને આશિક-માશૂકના નહિ. સારા હોય એ વિશ કરીને ગુડ ફ્રેન્ડસ રહે, ને બાકી જેમ કોલેજના બડી ક્લાસમેટ્સ ધીરે ધીરે વૉટ્સએપ ગ્રુપ સિવાય મળતાં જ ન હોય, અને એકબીજાથી દૂર પોતપોતાના સંસારમાં ખોવાઇ જાય એવી ઘટનાઓ બની જાય છે.

પણ રહી જાય છે, દિલના ખૂણે પીપરમિન્ટ જેવી પેલી લા લા લેન્ડમાં વીતાવેલી ઉડનખટોલા જેવી મેજીક મોમેન્ટ્સની ખટમીઠી યાદ !

સ્વ. રાવજી પટેલની કવિતા છે : “એકલતામાં પણ ભીડ જામી કેટલી ? આ કો’ક મીઠી છોકરી જેવી હવા… મુજને ઘસાતી જાય. કાંટા બેઉ છલકાતાં, વધી અંધારાની હેલી. ડગલું ભરાતું માંડ ત્યાં, રોમ પણ જરી ઊંચુ ન થાય એવો હવાનો પાશ ! આ પુલની પેલે તરફના લોકમાં થોડું ફરી આવું. ડગલું ભરાતું માંડ…. રે, એક જણની ભીડનો મને ન્હોતો જરીએ ખ્યાલ !”

આ વૉટ્સએપમાં ટૂચકા ફેંકતો કવિ નથી. એટલે અહીં પારદર્શક, વજનહીન એવી હવા કવિને સ્પર્શે છે, એમાં દબાણ લાગે છે. હવા દેખાય નહિ, અનુભવાય. એમ કવિને છૂટી ગયેલા / રહી ગયેલા પ્રેમની અદ્રશ્ય યાદ ઘેરી વળે છે, જે સતત એમની સાથે જ ચાલે છે. પણ એમના સિવાય બીજા કોઇને દેખાતી નથી !

સૂસવાટા મારતા પવનમાં પર્વતશિખરે ફોટો પાડો, તો ફોટામાં એ આપણને ધસમસતો મહેસૂસ થતો પવન કોઇને દેખાય નહિ, પણ એનું પ્રેશર આપણને તો ખબર હોય !

પોએટ્રી હોય કે પિકચર, એનો ક્વોલિટી ટેસ્ટ એ જ છે કે, એમાં ખોવાઇ ગયા પછી આપણને એવી વાતો યાદ આવી જાય છે કે, જે હજુ સુધી યાદ છે કે કેમ, એની આપણને ય ખબર નથી હોતી !

પ્રેમ એટલે જ પરમનો મારગ છે, જ્ઞાન નહિ. ઈર્શાદ કામિલ એટલે જ કહે છે કે સમજદાર લોગ પ્યાર નહિ કર સકતે, સિર્ફ કારોબાર કર સકતે હે ! માઇકલ ફોકસડે લખે છે, એમ ‘લોસ્ટ ઈઝ એ પ્લેસ વ્હેન યુ એન્ડ આઈ મીટ !’ ક્યાંક ખોવાઇ જશો, તો પ્રેમને જડશો કે પ્રેમ તમને મળશે ! જસ્ટ લાઈક લા લા લેન્ડ. લિજેન્ડરી મૂવી !

***

માત્ર ૩૧ વર્ષના ડેમિયન શેઝલે ત્રીજી જ ફિલ્મ તરીકે બનાવેલી ‘લા લા લેન્ડ” ખામોશીમાં કોઇ થિએટરમાં જુઓ તો રૃંવે રૃંવે ઈશ્ક રાસડા લેવા લાગે ! ઑસ્કાર માટે હોટ ફેવરિટ ફ્રન્ટરનર ગણાતી આ ફિલ્મ ટાઇટેનિક ક્લાસનું દિલની આરપાર નીકળી જતું, ના કાયમ દિલમાં જ ડેરાતંબુ તાણીને રહી જતું અમર સર્જન છે.

વૉટ એ મૂવી ! જાણે સરોવર પર વરસાદ પડતો હોય કમળો અને ગુલાબોની સાક્ષીએ એવું લાગે જોતી, ના ના અનુભવતી વખતે ! લા લા લેન્ડ ઓલ્ડ રોમેન્ટિક મ્યુઝિકલ ચાર્મનો રિમાઇન્ડર છે. જરાય ડ્રામેટિક નહિ. છતાં ભારોભાર ડ્રામા ઊભો કરતા વાતચીતના સંવાદ, દેવતાઇ અસર ઊભી કરતા એના ચિરસ્મરણીય અને શબ્દોમાં ય ઊંડાણ ધરાવતા ગીતો, અને ફેન્ટેસીના માધ્યમે કહેવાતી રિયાલિટીની દાસ્તાન ! ઈટ્સ ફેસ્ટિવલ ઓફ કલર્સ.

આંખો, ભાવ, સ્પર્શથી વાત કરતા બે પાત્રોની કહાની લા લા લેન્ડ છે. મિયા (એમા સ્ટોન) એક વેઇટ્રેસ છે, પણ ‘રંગીલા’ની મિલીની જેમ સપના જુએ છે. એને એક્ટ્રેસ બનવું છે, પણ પારાવાર રિજેક્શન જ મળ્યા છે. ચાન્સ એન્કાઉન્ટરમાં એની પાસેથી પોતાની પર્સનાલિટી જેવી વિન્ટેજ ખખડધજ કાર લઇ પસાર થઇજતો સેબસ્ટીયન (રાયન ગૉસલિંગ) જાઝ મ્યુઝિકનો દીવાનો જુવાનિયો છે. ફિલ્મની જેમ જ એનો નાયક રેબેલિયસ ટ્રેડિશનલીસ્ટ છે. જૂની ભૂલાતી ભૂંસાતી જતી ખૂબસુરતીને નવા રૃપે રજુ કરીને બચાવી લેવાના સપના જુએ છે.

વાસ્તવની ઝીણી ઝીણી કતરણો પરોવીને કલ્પનાનો ચંદરવો ફિલ્મમાં રચાય છે. સિનેમેટાગ્રાફી અને લાઇટિંગ વિન્ટેજ છતાં બ્રાઇટ ટેક્નિકલર ટેક્સ્ટચર ઊભું કરે છે. બીજી મુલાકાત બંનેની થાય છે, એમાં કશુંક કનેકશન છે, એવું દર્શકને દેખાય છે પણ પાત્રોને થતું નથી.

પછીની મુલાકાતમાં અંતે એકબીજા નજીક આવે છે. નજીક પાર્ક થઇ હોવા છતાં પોતાની ગાડી દૂર છે, એવો દેખાવ કરી છોકરીની સાથે ચાલવા જતો હીરો, એમાં લિટરલી સિન્ડ્રેલાના ગ્લાસ સ્લીપર્સની જેમ શૂઝ બદલાવી થતું નૃત્ય અને સમીસાંજે રચાતી ફેરી ટેલ જેવી દોસ્તી… અને નિર્દોષ યુવા હૈયાઓનું થિએટરના અંધકારમાં જરાક નજીક સરકવું અને શરીરથી નહિ મનથી ઓગળવું અને ‘સિટી ઓફ ડ્રીમ્સ’ એવા લોસ એન્જલ્સમાં ભટકવું, પોતાની નવરાશના ખાલીપાને પ્રિયજનની સોબતથી ભરવી…

બેઉ નજીક આવે છે, સપનાના માધ્યમે. કારણ કે, બેયને કોઇ ઓળખતું ન હોય એવી ભીડમાંથી બહાર નીકળી ઉપર ઊઠવાના ઓરતાં છે. ફિલ્મની શરૃઆતમાં જ (અગેઇન, રંગીલાના ટાઇટલ સોંગ જેવી જ ભાવના ધરાવતા) ટ્રાફિક જામમાં ફસાયેલી કારના છાપરે કૂદકા મારતા યંગસ્ટર્સની દિલફેંક મસ્તી, એનર્જી અને સપનાની તાકાત બતાવાઇ છે. શરૃ શરૃમાં બેઉ એકબીજાની મદદ કરે છે. એકબીજાની અંદર પડેલી શક્યતાઓને પ્રેરણા આપી ઢંઢોળે છે. પણ ડ્રીમ્સ અધૂરાં હોય, ત્યારે પ્રેમ મધૂરો લાગે છે !

મીટિંગ ટુ મેટિંગની યાત્રામાં મીનિંગ ત્યારે બદલાય જ્યારે બેઉના કે બેમાંથી કોઇનું ડ્રીમ પુરું થાય, અને ત્યાંથી એ નજીકમાંથી દૂર સરકતું દેખાય કે બીજાને એના જજમેન્ટ્સમાં અસલામતી લાગે કે ફીલિંગ હોય પણ ટાઇમ બચે નહિ, એકબીજા માટે એ ટાંકણી પરપોટાંને ફોડી નાખે !

પાર્ટનર અને કરિઅર વચ્ચેની કશ્મકશ વાળી ટિપિકલ લાગતી વાતને એકદમ ફ્રેશ નોવેલ્ટી સાથે રજૂ કરાઇ છે. પિકચર પરફેક્ટ લાગતો રોમાન્સ કોઇના ય વાંક વિના ક્યારેક કેવી રીતે દીવાલ પરના રંગો કુદરતી ઝાંખા પડે એમ ફેડેડ થતો જાય… અને (સ્પોઇલર એલર્ટ) પારો-દેવદાસની જે એક ક્ષણ એવી સર્જાય જ્યાં પ્રેમની મુલાકાત સિમ્બોલિક રીતે બતાવાયેલા કેકના ધુમાડાનીજેમ મીઠાશને બદલે આંખો બાળી ગૂંગળાવે…

ફિલ્મના જ ગીતમાં ગવાય છે એમ… સિટી ઓફ સ્ટાર્સ, હુ નૉઝ ઈઝ ધિસ ધ સ્ટાર્ટ ઓફ વન્ડરફૂલ એન્ડ ન્યુ, ઑર વન મોર ડ્રીમ આઈ કેન નૉટ મેઇક ટ્રુ ! અને લા લા લેન્ડ ફિલ્મની સાથે આપણે પણ ફીલ કરતાં થઇ જઇએ છીએ.

આ ફિલ્મ ઓર્ગેઝ્મિક કુંડલિની જાગરણ જેવી છે. ગમે તેટલું લખો, એની અનુભૂતિને શબ્દોમાં ઢાળવી શક્ય નથી. એમાં લેયર્સ પણ એટલા બધા છે ! ગ્રીફિથ ઓબ્ઝરવેટરીના પ્લેનેટોરિયમમાં ‘રેબેલ વિઘાઉટ કૉઝ’ ફિલ્મમાં લોકેશન જોઇ ધસી જતા પ્રેમીઓ ગળાબૂડ પ્રેમમાં છે. ત્યારે હીરોઇનનો ડ્રેસ વાયબ્રન્ટ ગ્રીન છે. પણ પહેલું કન્ફ્રન્ટેશન બે વચ્ચે તડ પાડતું થાય ત્યારે દીવાલોનો રંગ ઉદાસ એવો ડલ ગ્રીન છે !

ફિલ્મનું સિમ્પલ સ્ટોરીટેલિંગ પણ બદલાતી સીઝન મુજબ ચેપ્ટર પાડીને કરાયું છે. બંને પાત્રોની રિલેશનશિપના ચેન્જ થતાં ગીઅર દેખાડવા ! એક જગ્યાએ ‘કાસબ્લાન્કા’ ની બારી પાછળ પેરાપ્યુલી લખેલું દેખાય છે, એ લા લા લેન્ડ જેવી કહાની ધરાવતી ૧૯૬૪ની ફ્રેન્ચ ફિલ્મને અંજલિ છે. ફૂટપાથ પરની દીવાલો પરના વિન્ટેજ પોસ્ટર્સ હોય કે કળાને અવગણી પોતાનામાં જ ખોવાયેલો રહેતો સમાજ બતાવતા દર્દીલા છતાં રમૂજી દ્રશ્યો હોય…

કરિઅરમાં રિજેક્શનનું દર્દ ઈમોશનલ આઉટબર્સ્ટ જેવા સીનમાં હીરોઇન કહે છે, એ આપણો ય અનુભવ હોય એમ લાગે. હીરો જેઝ મ્યુઝિક માટે જે પેશન ફીલ કરે એ આપણા ય જોશેઝનુનનું પ્રતિબિંબ લાગે. સામાન્ય માણસને ય સમજાય અને એક્સપર્ટસ પણ જેના લેયર્સ ઉકેલી શકે એવી ફિલ્મો રેર હોય છે.

લા લા લેન્ડ યાદ દેવડાવે છે કે ફિલ્મો કેવી હોય ને શા માટે બને. એના જ સંવાદ મુજબ પેશોનેટલી જે કરો, એ બીજાનું ધ્યાન ખેંચે જ. અને એ ય બતાવે છે કે કરણ જોહરો તથા આદિત્ય ચોપરાઓ કેવા કન્ફયુઝ્ડ છે, નવી જનરેશનને બતાવવામાં !

જે સપના આપણને ભેગાં કરે, એ જ ધીરે ધીરે વિખૂટાં ય પાડી શકે. અને પછી રહી જાય, અંદરોઅંદર જ ઘૂંટાતી એક અફસોસની વાત.. એક પળ માટે વીતેલી જીંદગીનું કામ છે કહીને ઈશ્કના ‘મરીઝો’ ખુદાને ગમે તેટલી વીનવણી કરે… જીંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ જો મકામ, ફિર નહીં આતે !

પોતપોતાની કરિઅર તરફ જતાં બેઉ પાર્ટનર વિચારે તો છે કે, ‘આપણું’ ( સાથે ) ભવિષ્ય શું, લેકિન… આપણે જે ચોઇસ કરીએ છીએ, એના ટપકાંઓનો ગ્રાફ જોડાઇને આપણી કિસ્મતના વિધિલેખ લખી નાખે છે.

પછી ફરી જવું હોય છે, ફુર્સત કે રાતદિનમાં પણ જઇ શકાય છે ખરું ? અને ગાલિબે લેખન શીર્ષકની એક લીટીમાં કહી એવી ઑલ્ટરનેટિવ રિયાલિટી લા લા લેન્ડનો માસ્ટર ક્લાઇમેકસ છે. કાશ, આમ જો થયું હોત તો… તો આપણી જિંદગી કેવા અલગ માર્ગે ત્યાંથી ફંટાઇ હોત !

ફિલ્મના કેરેક્ટર્સ અને સ્ક્રીપ્ટ રિમાઇન્ડર આપે છે : બધા આખી જીંદગી ખજાનો ભેગો કરતાં કરતાં એક જ ખજાનો શોધે છે : પ્રેમનો ! ટુ લવ, એન્ડ ટુ બી લવ્ડ ! આંખોથી કામ લેતા અભિનેતાઓ અને સંગીતકાર તથા સર્જકને સલામ.

*ઝિંગ થિંગ*

‘લવ ઈઝ એન્સર ઓફ ઓલ વ્હાયઝ…’ (અદ્ભુત ફિલ્મ કોલોટરલ બ્યુટીનો સંવાદ)
la-la-land-festival-poster

 
19 Comments

Posted by on February 27, 2017 in cinema, feelings, romance

 

19 responses to “પ્રેમ અને ડ્રીમ : યૂં હોતા તો ક્યા હોતા…

 1. નિરવ

  February 27, 2017 at 5:07 PM

  ક્ષમા કરશો સર , પણ ગેલેક્સી દ્વારા સ્પેશિયલ શો ક્યારે થયો અને ક્યારે ચાલ્યો પણ ગયો ! ખબર પણ ના પડી 😦

  [ જોકે આપે કદાચિત ફેસબુક પર શેર કર્યું હશે અને અમો વિચિત્ર બંદાઓ ફેસબુક પર ન હોવાથી ચુકી ગયા હઈશું ! ]

  Liked by 1 person

   
 2. discoverlakecitycom

  February 27, 2017 at 9:18 PM

  very nice a great

  Like

   
 3. deejay35(USA)

  February 27, 2017 at 10:47 PM

  વાહ ભાઇ વાહ, હજુ ઓસ્કારનું ટીવી પ્રસારણ રાત્રે જોઇને ઉંઘ પણ ઉડી નથી ત્યાં આપના બ્લોગની પહેલીજ ઈમેલમાં તેના ફોટા તેમજ રાત્રે જોએલનું ગુજરાતી કરણ વાચવાની બહુજ મઝા આવી ગઇ. આભાર. આરીતે હવે પછી નિયમીત બ્લોગની ઈમેલ મળતી રહેશે તો વાંચવાની મઝા આવશે.

  Like

   
 4. birju parekh

  February 27, 2017 at 11:38 PM

  Hats off to you Sir…

  Like

   
 5. mdgandhi21

  February 28, 2017 at 6:13 AM

  લખાણ સરસ છે, પણ, તમે ફીલમની વાર્તા લખી છે કે પછી કોઈ મસ્ત મજાના, સુંદર સુંદર સોને મઢેલા શણગારથી ભરેલા શબ્દોનો નિબંધ લખ્યો છે…??? તમે લખેલી વાર્તામાં સમજ ન પડી…

  Like

   
  • jay vasavada JV

   February 28, 2017 at 11:36 AM

   વાર્તા થોડી લખવાની હોય ? તો ત્યારે ફિલ્મ ન જોઈ હોય એની મજા ન બગડે ?

   Like

    
   • મનસુખલાલ ગાંધી

    March 1, 2017 at 6:26 AM

    મેં તો અમસ્તી મસ્તીભરી કોમેન્ટ લખી હતી, કોઈ દિલ દુભવ્વાનો વિચાર નહોંતો..

    Like

     
 6. Piyush S. Shah

  February 28, 2017 at 12:55 PM

  અદભુત લેખ …

  ફિલ્મ જોવાની ઉત્સુકતા ખુબ જ વધારી દીધી જય ભાઈ ..
  હવે તો જોવી જ રહી ..

  Like

   
 7. Keyur Thumar

  February 28, 2017 at 1:55 PM

  Good one

  Like

   
 8. Er Saeed Shaikh

  February 28, 2017 at 2:36 PM

  Wah Jaybhai, film to ek week pahelaj joi lidhi hati tyare jevi anubhuti thai hati ej anubhuti fari thi hraday ne zanzanavi gayee…. kya baat hai … actually mane Maulin Rougue film ni yaad aavi gayee e pan evij musical love story hati … ane la la land pan…. ….bahu saras…

  Like

   
 9. Ambarish Majmudar

  March 14, 2017 at 5:57 PM

  “આપણે જે ચોઇસ કરીએ છીએ, એના ટપકાંઓનો ગ્રાફ જોડાઇને આપણી કિસ્મતના વિધિલેખ લખી નાખે છે. ” Very well said. Life is nothing but a set of choices (and its consequences ) that we make. જેને આ સમજાય તેને શી ફરિયાદ ?i

  Like

   
 10. Mike LAL

  May 23, 2017 at 8:33 AM

  6th. edition of Bakshi’s recycling….

  Like

   
  • Mike LAL

   May 23, 2017 at 8:33 AM

   Need a courage to accept it…Sir

   Like

    

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: