બે વૃક્ષ મળે ત્યારે,
સોના અને રૃપાનું
પ્રદર્શન નથી કરતા.
માત્ર સૂરજના પહેલા કિરણનો
રોમાંચ આલેખે છે.
બે પંખીઓ મળે ત્યારે,
રેલ્વેના ટાઇમટેબલની
ચિંતા નથી કરતાં.
કેવળ સૂરને
હવામાં છુટ્ટો મૂકે છે.
બે ફૂલ મળે ત્યારે,
સિદ્ધાંતોની ગરમાગરમ
ચર્ચા નથી કરતાં.
ફકત સુવાસની
આપ-લે કરે છે.
બે તારા મળે ત્યારે,
આંગળીના વેઢા પર
સ્કવેર ફીટના સરવાળા-બાદબાકી
નથી કરતાં…
અનંત આકાશમાં
વિરાટના પગલાંની
વાતો કરે છે!
વિવિપિન પરીખની આ કવિતામાં પ્રકૃત્તિનો પ્રકાશ છે, અને માણસની વિકૃતિ પર કટાક્ષ છે. કઇ વિકૃતિ? દરેક બાબતની અદ્દભૂત અનુભૂતિ અનુભવવાને બદલે એનું વિવેચન કર્યા કરવાની, નાની મોટી ગણત્રીઓ અને હિસાબોમાં ક્ષણને ખોઇ નાખવાની- દરેક બાબતમાં ગહન ચિંતન કે અર્થ કે સંદેશ શોધ્યા કરવાની વૈચારિક વિકૃતિ!
અને આનંદ નામની વસંત આડે આ વિચાર નામનું પાનખર છે. જયાં કેવળ ખોટા ચહેરા ઓઢીને ભપકાંનું લુખ્ખું પ્રદર્શન છે, જયાં સતત કોઇ પારકાંને રાજી કરી એનું પ્રમાણપત્ર મેળવવાની ભાગદૌડ છે, જયાં નિરાંતજીવે કશું માણવાની ફુરસદ નથી, જયાં મૌનની ભાષા ઉકેલવાની આવડત નથી- ત્યાં પુષ્પ નથી, ત્યાં રંગ નથી, ત્યાં પતંગિયા નથી. ત્યાં વસંત નથી!
અધ્યાત્મના નામે, ફિલોસોફીના નામે, વિદ્વતાની વાહવાહી મેળવવા માણસ દરેક બાબતની સમજૂતી શોધતો ફરે છે. જયાં સમજૂતી વધી જાય છે, ત્યાં સૌંદર્ય ઘટી જાય છે! આર્ટ કેન લોસ્ટ ઇટ્સ હાર્ટ ઇન એકસપ્લેનેશન્સ! અમુક બાબતો બસ ચાખવાની, ભોગવવાની, જીવવાની હોય છે. ચમચી લઇને બટાકાવડાને વીંખીપીંખી નાખી, અંદર જીરૃ છે કે વરિયાળી એ છૂંદીછૂંદીને શોધ્યા કરવા કરતા મજા બટાકાવડાં ગરમ હોય ત્યારે ગપ્પ દઇને ચાવી જવામાં છે! એમાં સઘળા નિબંધો આવી ગયા! ચુંબન બે હોંઠથી એના પર ભાષણ કરવાનો વિષય નથી, બીજા બે હોઠ સાથે એને જડબેસલાક ભીંસી દઇને જીભના ટેરવાઓથી મધુરસ ચાખવાનો વિષય છે!
વાસંતી રૃપથી છલોછલ છલકાતી રસવંતી સ્ત્રીઓ કેટકેટલી આ દુનિયામાં ફૂલોની જેમ જ કોમળ પાંદડીઓ અને વચ્ચે મધુરસ રાખીને ખૂશ્બો ફેલાવતી સર્જનહારે ઘડી છે! બેહિસાબ, બેનમૂન બ્યુટીઝ! એક જૂવો ને બીજી ભૂલો. અને એમાં બહુ કમ્પેરિઝન કરનારા રીયાલિટી શોના જજ બનવાની જરૃર નથી. બી ધ પરફોર્મર. એન્જોય ધ ડાન્સ. લિવ ધ મ્યુઝિક. ગીત તો કોઇપણ ગમી જાય, બધા આપણા કાનના જલસા માટે જ બન્યા છે. એના વાડાબંધી ને ખાના પાડીને મોજની ખાનાખરાબી શું કરવાની? આર.ડી. બર્મનનું હોય કે એ.આર. રહેમાનનું…. શંકર- જયકિશનનું હોય કે શંકર એહસાન લોયનું- ગમી ગયુંને? તો સાંભળો ને મસ્તીમાં ધુબાકા મારો!
આપણી આસપાસના જગતમાં કેટલીયે એવી ચીજો છે, જેની હયાતી- જેનું હોવું જ બસ, સૌંદર્ય છે. સ્તનોના ગૌર વળાંકની ખેંચાતી પણછમાંથી તકાતા એન્ટી-ગ્રિવેટી તીરમાં જે આકર્ષણ અનુભવાય છે, એ એની મેમોગ્રાફીના એકસ-રેમાં નથી. મેમોગ્રાફી કરનારા લેબ ટેકનિશ્યનોની દુનિયા એટલી ઉભરાતી જાય છે, કે ઊંડા ઉતરવાના વિચારવિવેચનમાં એ સ્પર્શ, સુગંધ, દ્રશ્ય, ધ્વનિ, સ્વાદની પંચેન્દ્રિયોની પાર્ટી મિસ કરે છે. પરમાત્માને આપણે આપણી મરજી મુજબ બનાવીને લડયા કરીએ છીએ, પણ પરમાત્માએ જે જગત બનાવ્યુ છે એને કોઇપણ લેબલ કે પૂર્વગ્રહ કે સરહદો કે અભિમાન વિના જોઇએ છીએ ખરા?
ઇશ્વર નામના કલાકારે કેટલીયે ચીજો આપણા માનવમનને અર્થહીન લાગે, એવી સર્જીને સાચવી છે- વિકસાવી છે. ઘાસમાં ઉગેલા જંગલી ફૂલો, કોઇ વહેતા ઝરણાંની આસપાસ પડેલા ચિત્રવિચિત્ર આકારના ભીના પથ્થરો, કોઇ વૃક્ષની ડાળીએ ચોંટેલું પીંછુ, કોઇ પહાડના ઢોળાવ પર ફેલાતી રૃપેરી ચાંદની- આ બધી પ્રેકિટકલી જૂઓ તો બેમતલબની ચીજો છે. પણ સેન્સિટિવલી માણો તો એનો અર્થ છે એનું સૌંદર્ય. એની અસર. એની હાજરી. નકામી લાગણી બાબતો પણ દુનિયાને સમૃદ્ધ, રિચ બનાવતી હોય છે. રેતીના કણ ફાલતુ છે. પણ એનાથી જ અફાટ રણ અને સમંદરના કિનારાઓ રચાય છે. વાદળોથી લઇને જંગલો સુધી કેટલીયે આવી અનિયમિત ડિઝાઇન્સના કોમ્બિનેશન્સ રોજ રચાય છે! અને ભલે એમાં સ્થૂળ આકારની ટિપિકલ નમણાશવાળી મુલાય સુંદરતા ન હોય, એના ખરબચડાપણાનું, એની કાળાશનું એના ભેંકાર સૂનકારનું પણ એક સૌંદર્ય છે! સુંદરતા માત્ર બગીચામાં જ હોય એવું નથી. વગડાને પણ પોતાનો વૈભવ હોય છે!
આપણે બધી જ બાબતની સમજૂતી શોધવામાં, તર્કો લડાવી કારણોનો વિચારવામાં, અર્થ માટે કજીયાકંકાસ કરવામાં બહુ સમય બરબાદ કરીએ છીએ. પણ બ્યુટી એકસપિરિયન્સનો વિષય છે, એકસપ્લેનેશનનો નહિં. સતત શિકારી કૂતરાની જેમ આકુળવ્યાકુળ થઇને બધી બાબતના મીનિંગ ને પર્પઝ શોધ્યા કરવાની જરૃર નથી.
રિઝન-ખુલાસની તલાશમાં સતત સંઘર્ષનો સ્ટ્રેસ અનુભવવાની જરૃર નથી. જીવનમાં બધું જ સમજી લેવાના ફાંફાં મારવા નહિ, કે એવું અભિમાન કેળવવું નહિ! એના કરતાં ફુલોની પાસે, વહેતા પાણીના કાંઠે થોડીક વાર બેસીને રંગીન થવું, શોખીન થવું. જે રહસ્ય સમજાય નહિ, એમાં જ જાદૂનો રોમાંચ લાગે છે!
* * *
સિગ્મંડ ફ્રોઈડે એક ‘પ્લેઝર પ્રિન્સિપલ’ આપેલો. માણસ માત્ર પ્લેઝરની પાછળ પાગલ છે, એનો સિધ્ધાંત. જાણ્યે અજાણ્યે દરેક માણસ પોતાના ધારેલા, જાણેલા, અનુભવેલા. ઈચ્છેલા કોઈ ને કોઈ સુખ પાછળ દોડે છે. આધ્યાત્મિક શાંતિ, મોક્ષ, સાદગી, સાધના પણ એક પ્રકારનું સુખ છે એના પ્રવાસીઓ માટે (પણ મોટાભાગના માટે એ નકલચી જેવી કસરત બની જાય છે- એ અલગ વાત થઈ!). એવું નથી કે ભારતીય વારસો ફક્ત ત્યાગ-વૈરાગનો જ છે. નારાયણ ભટ્ટના ‘સ્તવચિંતામણિ’ ગ્રંથમાં શ્લોક છેઃ ત્રૈલોક્યેઅપ્યત્ર યો યાવાનાનન્દઃ કશ્ચિદીક્ષ્યતે, સ બિન્દુર્યસ્ય તં વન્દે દેવમાનંદસાગરમ. સંસ્કૃતિની મોટી મોટી ગુલબાંગો હાંકનારાઓને આવું કંઈ સમજાય નહિ, અનુવાદ કરી દેવો પડે. અર્થે એવો છે કે ત્રિલોકમાં જ્યાં, જે અને જેટલો આનંદ દેખાય છે, એ તો જેનું બિંદુ છે એવા આનંદસાગરદેવ (પરમ ચૈતન્ય)ને હું વંદન કરું છું! વાહ, વિશ્વ રમણીય છે. રમવાની મજા પડે તેવું. એમાં ભૂલકાંની આંખોનું ભોળપણ પણ હોય અને મઠ્ઠા-બાસુંદીનું ગળપણ પણ હોય. એમાં જેકવેલીન ફર્નાન્ડીઝનો ડાન્સ પણ હોય અને ડિવિલીયર્સની સિકસર્સ પણ હોય!
જે ઝાઝું વિચારે અને દરેક ઘટનાનું એનાલિસિસ કરવા બેસે કે બહુ બધી ગઈ કાલની ભૂતાવળ અને આવતી કાલની ચિંતાઓ સાથે રાખીને જ જીવે એ આનંદ નામની ગિફટને ખોઈ નાખે છે. સો સેડ, સો બેડ. ઘણા તોફાની છોકરડાંઓને રમકડાંને રમવા કરતા એને તોડવામાં વધુ રસ પડે છે. એક વાર હૃદયસ્થ કવિ રમેશ પારેખે ચાલતા ચાલતા ખભે ધબ્બો મારીને કહેલું ”ગંદકી વીણતી આંખ ગમાણ સુધી પહોંચાડે, પણ ગોકુળ સુધી નહિ! એ માટે છાણ ચૂંથવાને બદલે મોરપીંઠ પર આંગળીઓ ફેરવવી પડે!”
ક્યા બાત હૈ! ગાલે ગુલમહોરની ગલીગલી થઈ જાય એવી વાસંતી વાત છે. માણસે મગરની ચામડી પહેરી લીધી છે, અને આસપાસ કોઈ પરાણે પકડી રાખેલી વિચારધારાનો ખારોઉસ દરિયો હોય છે કે ભક્તિભાવના અતિરેકનું રણ હોય છે. રણ કે દરિયામાં શું ખબર પડે વાસંતી સુગંધની? એ માટે ખુલતા, ખીલતા, ખરતા ફૂલો પાસે જવું પડે! વસંત કંઈ કેલેન્ડરમાં જુઓ ને આવે નહિ. એ તો બસ ફૂટે! જેમ ડાળીએ પાન ફૂટે, કન્યામાં યૌવન ફુટે, શિશુને વાચા ફૂટે, આંબાને કેરી ફૂટે, પલાશને કેસૂડાં ફૂટે, કોયલને ટહૂકા ફૂટે એમ આપણું ચિત્ત મધુમય થાય એટલે અંદર વસંતો ફૂટે અને પછી આપણા શબ્દોમાંથી યે સુગંધો છૂટે!
અને જર્મન લેખક પેટ્રિક સુસ્કીન્ડ કહે છે તેમ ”ગંધમાં શબ્દો, દેખાવ, લાગણીઓ કે ઈચ્છાઓ કરતાં વધુ તાકાત છે! કારણ કે, એ તમારી મરજીની મોહતાજ નથી. એ શ્વાસની સાથે જ આપણા ફેફસામાં ફરી વળે છે. આપણને અંદરથી ભરી મૂકે છે અને એમાંથી છૂટવાનો કોઈ ઉપાય નથી!”
એટલે જ જેની વાત વિના વસંત અધૂરી ગણાય એવા કવિશ્રેષ્ઠ કાલિદાસ ‘માલવિકાગ્નિમિત્રમ’ નાટકમાં વસંતમાં પ્રણયક્રીડા કરવા માટે યુગલોના ‘પ્રમદવન’ની વાત છેડીને કહે છે કે, વસંતનો સુવાસિત પવન અંગ પર રેશમી સ્પર્શવાળી હથેળીની જેમ ફરી રહ્યો છે! યુવતીઓને શરમાવવા જ વસંતે પુષ્પોનો વેશ કાઢયો છે. લાલ અશોક વૃક્ષની ચમક સ્ત્રીઓના રતુમડાં હોંઠ કરતાં પણ વધુ સુંદર છે. શ્યામ, શ્વેત, લાલ ફુલો નારીના મુખશ્રૃંગારને ઓવરટેઈક કરે છે! ફુલો જાણે સ્ત્રીના ચહેરા પરનો ચાંદલો! અને રાજા અગ્નિમિત્ર પણ વસંતના વધામણા માટે વૃક્ષોની હારમાળાથી બહાર નીકળતી પ્રિયા માલવિકાને જોઈને કહે છે (થેન્કસ ડો. ગૌતમ પટેલએ આખા નાટકના કરેલા અનુવાદને!)ઃ ”ગોળ નિતંબ આગળ વિશાળ, કમરે પાતળું, સ્તનપ્રદેશે ઉન્નત અને નયને વિસ્તૃત એવું આ તો મારું જીવન (પ્રિયતમા) જ આવી રહ્યું છે!”
યસ, લવ ઈઝ ઈન ધ એર વિથ અરોમા ઓફ ફલાવરી પરફ્યુમ! ફીલિંગની ફુલગુલાબી મોસમ આવી ચૂકી છે. વસંત અને વેલેન્ટાઈન્સની આહટ આવે છે. અને હા, સુગંધ જ નહિ- સંગીતનું પણ આવું જ છે. હજુ યે સ્વાદને ઈન્કાર કરી શકો અને કરમ ફૂટયા અક્કલમઠ્ઠા હો તો સૌંદર્ય તરફ આંખ મીંચી શકો- પણ ગંધ છાતીમાં ઉતરે એમ કાન દ્વારા સંગીત પણ મનમાં રણઝણે છે. કાને આપોઆપ પડે જ. એમાં ઈન્કારનો અધિકાર નથી. જેમ મલપતી કોઈ સુંદરીની લચકતી ચાલના હિલોળા પાછળથી જોઈને જે તરંગો પુરૃષચિત્રમાં ઉઠે, એની સમજૂતી શક્ય નથી એમ જ સંગીત સાંભળ્યા પછી ચડતા ખુમારની સમજૂતી પણ શક્ય નથી!
* * *
યાની. ભારતની આઝાદીના પર્વે ૧૯૯૭માં તાજમહાલ ખાતે કોન્સર્ટ કરવા આવેલો ત્યારે અમુક સંસ્કૃતિનો ઉચ્ચાર પણ સાચો કર્યા વિના એની રક્ષા કરવા નીકળેલાઓએ એને કોઈ કેબ્રે ડાન્સર સમજીને એની સામે હોબાળો કરેલો. પણ એકવાર એણે જે દિવ્યભવ્ય સ્વર્ગીય રમણીય સંગીત રેલાવ્યું, એ દૂરદર્શન પર જોઈ-સાંભળીને આખું ભારત એના કેફમાં ડૂબી ગયેલું! જાણે સંગીતની જાદૂઈ છડીથી સઘળી દલીલો ખામોશ થઈ ગઈ અને બધા મૌન ભાવસમાધિમાં તરવા લાગેલા!
ત્યારે કળી બનીને ફૂટેલા સપનાનો ગુલકંદ થયો વીતેલી વસંતપંચમીની પૂર્વસંધ્યાએ! વડોદરાના દૈદીપ્યમાન લક્ષ્મીવિલાસ પેલેસની ગગનચુંબી છત્રછાયાના સોનેરી અજવાળે યાનીની કોન્સર્ટ સુખદ સુહૃદયોની સોબતમાં (આ સોબત પણ હવે ભૂલાવા લાગેલો પણ કેવો મધમીઠો શબ્દ છે, નહિ?) સાંભળવા મળી! કહો કે, સાંભળવાનું નહિ એમાં તરવાનું સાંપડયું! પરફેક્ટ સરાઉન્ડ સાઉન્ડ સંભળાય એવી સેન્ટર્ડ પોઝિશન મિત્રોના પ્રયત્ને બાકાયદા ટિકિટ ખર્ચીને મેળવી, અને એક-એક વાદ્ય સેપરેશનથી સંભળાય… વાયોલિન, ગિટાર, ડ્રમ, હાર્પ, કોંગો, ટ્રમ્પેટ બધા સાથે તાલ મિલાવે એમ પર્પલ, બ્લ્યુ, સિલ્વર, રેડ, યેલો, ગ્રીન, ઓરેન્જ લાઈટસ નાચે અને હૈયાનો એક-એક ધબકાર સંગીતમાં ઓગળતો જાય! જાણે વસંત રૃમઝૂમતી કાનને ચૂંબનોમાં નવડાવી દેતી હોય એવી અનુભૂતિ સિતારામઢયા આકાશની નીચે!
ગ્રીસમાં જન્મેલો યાની અલગારી ઓલિયો છે. બચપણથી પ્રકૃતિના ખોળે રમ્યો છે. વર્ષો સુધી એણે સંગીતને સાધ્ય કરવાનું તપ કર્યું છે. એ કહે છે કે કળા માત્ર ભેટ નથી કે ખોળામાં પડે. સર્જકતા અંદર હોય તો પણ એને પરિશ્રમ કરી ઘડવી પડે છે. આજે અમેરિકામાં ભવ્ય મહાલયમાં રહેતો યાની સંગીતઋષિ છે. પહેલી પ્રિયા શેરી સાથેનો ઉત્કટ રોમાન્સ અને પછી વિચ્છેદની પીડા એણે કાળજીથી ગુલાબની પાંદડીને કોઈ મલમલના રૃમાલમાં વીંટીને રાખે એમ નાજુકાઈથી સંગીતમાં ઉતારી છે. એના ગીતો ધોધની લહેરની જેમ ભીંજવી જાય છે, શબ્દો વિના! કારણ કે, એમાં અંદર અનુભવાતા અવ્યક્ત અવ્યાખ્યાયિત પ્રેમની પૂનમભરતી છે, અને તૂટેલા રડતા દિલની અમાસઓટ છે. એનું સંગીત કાબેલ કસબીઓના વાજીંત્રોમાંથી નહિ, પણ એણે તીવ્રતાથી અનુભવેલી લાગણીઓ અને રસિકતાથી જોયેલા જીવનનું પ્રતિબિંબ છે. યાનીને લાઈવ માણવો એટલે જાણે ભવસાગરની વચ્ચે સૌંદર્યના બગીચામાં ઉડતા ઉડતા આકાશને આલિંગન આપી, દરિયાના તળિયે સૂઈ જવું!
પણ આ યે લેખ છે. શબ્દો. જેમાં બધું સૌંદર્ય, સંગીત, સ્વાદ, સુગંધ અને સ્પર્શ વર્ણવી શકાય એમ નથી. એ તો જાણવું નહિ, માણવું પડે. રમેશ પારેખ કહેતા વસંત એટલે નિબંધોના કાગળમાંથી ઉડાવાતી પતંગ!
ઝિંગ થિંગ
તૂ ખુદ ભી અગર આ જાયે, તો ખૂશ્બૂ મેં નહા જાયે
હમ ઘરકો તેરે જીક્ર સે, લોબાન કિયે હુએ હૈ!
(રાહત ઈન્દોરી)
samir
February 12, 2016 at 11:26 AM
‘Within Attraction’ and ‘Rain Must Fall’ are my Favorite.
LikeLike
dkpandit
February 12, 2016 at 12:47 PM
वसंतना वधामणा ,जत लखवानु के आपने पहेला ,जाण्या वयाच्या नहोता, पहेला मोरारी बापुना संस्कृत सत्रमा साम्भल्या त्यारे मने गमेलु । ता 17 जानयुआरि 2016 रविवार भाईदासमा मारा पार्टनर श्री एन के परीख स्मरणांजलिमा कौमुदिबहेन कार्यक्रममा संचालक हता त्यारे सांभल्या, पछी पुरषोत्तम तमे उदय अने कौमुदी बहेन साथे लिधेल फोटो तमने FB पर मोकल्योतो।एज सांजे फरी मोरारी बापू वाळा कार्यक्रम क्लिप जोई ।ते पछी हु ऍफ़ बी पर तमने काई लखु छु।ऊपर लखेल वात अनुभूति मारी कोई चर्चा नहीं ।मारी पासे कौमुदीबहेन द्वारा गवाएल चोर्यासी रंगनो साथियो तेमने पहेली वार AIR पर गएल छे ते में उदयने कहेलु के तेनी ऑफिसमा आपयु छे ते तेनी तेदिवसनि अनुभूति।पछी कोई समाचार नथी ते आजनि परिस्थिति । बाकि ज्यासुधि थाय त्या सुधि आजनि घडी ते रालियामणि । धर्मेन्द्र पंडित
LikeLike
bindiya
February 12, 2016 at 10:18 PM
already commented on ur post JV….
પણ આ યે લેખ છે. શબ્દો. જેમાં બધું સૌંદર્ય, સંગીત, સ્વાદ, સુગંધ અને સ્પર્શ વર્ણવી શકાય એમ નથી. એ તો જાણવું નહિ, માણવું પડે. રમેશ પારેખ કહેતા વસંત એટલે નિબંધોના કાગળમાંથી ઉડાવાતી પતંગ!
LikeLike
Nidhi Vaghela
February 12, 2016 at 10:45 PM
મસ્ત..હો જય ભાઇ
LikeLike
pravinshah47
June 22, 2016 at 8:23 AM
સરસ લેખ. ક્યારેક એનાલીસીસ કરવા કરતાં વસ્તુનો આનંદ માણતાં શીખવું જોઈએ.
LikeLike
vijay parmar
August 29, 2016 at 5:24 PM
Jay bhai…jsk
LikeLike
હરીશ દવે (Harish Dave)
December 25, 2016 at 4:08 PM
તમારા લેખનું ધ્યાનાકર્ષક શીર્ષક મને અહીં ખેંચી લાવ્યું, જયભાઈ. સાચે જ, તેની સમજૂતિ ન હોય! બીજી વાત- મને પ્રથમ ફકરાનો શબ્દ ‘અનુભૂતિ’ ગમ્યો.
આપણે આપણા ભૌતિક અસ્તિત્વ સાથે એવા જકડાઈ ગયા છીએ, આપણી બુદ્ધિશક્તિ પર એવા મુશ્તાક થઈ ગયા છીએ કે દરેક ચીજ, દરેક ઘટનાને ઇંદ્રિયોથી જ જાણવા-નાપવા-તોલવામાં ખોવાયેલા રહી છીએ. આપણે કહેવાતા વૈજ્ઞાનિક દ્રષ્ટિવાળા એવા રેશનાલિસ્ટ બનવા પ્રયત્ન કરીએ છીએ જેને એનાલિસિસ સિવાય કશામાં રસ નથી. ત્યાં તમને અનુભવ મળશે, પણ તમે અનુભૂતિ ખોઈ બેસશો. અનુભૂતિ કદાચ ઇંદ્રિયોથી શરૂ થશે, પણ તે તમને ઇંદ્રિયાતીત દુનિયામાં લઈ જશે.
બિથોવન, મોઝાર્ટ તો સ્વપ્ન હતાં! આજે આપણી સામે યાની છે. આપ સાથે સહમત થતાં કહું કે યાની સંગીતની દુનિયાની બાદશાહતનો અલગારી ઓલિયો છે. તમે નસીબદાર, વડોદરાનો પ્રોગ્રામ માણી ધન્ય બન્યા! મેં આગ્રાનો પ્રોગ્રામ ટીવી પર ભાવ વિભોર થઈ માણ્યો હતો. અદભુત! એક્રોપોલિસ તો લેપટોપ પર વારંવાર માણું છું.
સત્યમ શિવમ સુંદરમ … તેની સમજૂતિ ન હોય!
સુંદર લેખ…
LikeLike
Bhumi Varmora Gopani
June 8, 2017 at 6:57 PM
લેખ સારો છે એમ કહેવાની જરૂર નથી…
“સુંદરતા માત્ર બગીચામાં જ હોય એવું નથી. વગડાને પણ પોતાનો વૈભવ હોય છે!”👌😙એક જ વાક્યમાં કેટલું બધું… એકદમ સંત્ૠપ્તતાનો અહેસાસ…
રોકડામા જ જો હિસાબ થઈ જાય
તો ઉધાર ની ક્યાં કોઈ પરવા છે
લાગણી ને લાગણી મળી રહે
બસ આવું જ એક સપનુ છે….😉😋
Thanks Jay…😋😋
LikeLike