દિવાળી પર સુશોભન અને સજાવટને જેટલા ધ્યાનથી જુઓ છો, એટલા ધ્યાનથી દિવાળીના તહેવારના ઉખડતાં અને ઉમેરાતા રંગો જાણ્યા અને માણ્યા છે?
દિવાળી એટલે જાણે જીંદગીના દરેક મોરચે યુધ્ધવિરામ ! ફરી એક દિવાળી કમાડ પર ટકોરા મારે છે. ( સોરી, ડોરબેલ વગાડે છે!) વધુ એક વિક્રમ સંવત તારીખિયાના ફાટેલા પાનાની જેમ ‘ધ એન્ડ’ થવાનું છે. ‘નોસ્ટાલ્જયા’ યાને ભૂતકાળની સફર આમ તો વૃદ્ધત્વનું પ્રથમ લક્ષણ છે. ‘યાદયાત્રા’ માં બેંતાળીસ દિવાળી જોનાર આ લેખકડા પાસે જે નાનકડો સ્મૃતિસમુદ્ર છે … એમાં અવનવા રંગોના રત્નો બેસુમાર વેરાયેલા છે. લેટસ ડાઇવ !
સેવન્ટીઝ એન્ડ અર્લી એઇટીઝના આરંભકાળ સુધી દિવાળી પર બાળક તરીકે દિવાળીનું એક મોટું આકર્ષણ હતું- ‘ઝગમગ‘, ‘બુલબુલ’ વગેરે અઢળક ગુજરાતી બાળસામયિકોના દિવાળી અંકો! નાના શહેરોમાં વેકેશન પડયા પછી ટાબરિયાંવ કાગડોળે આવા અંકોની રાહ જોઇને બેસતાં. પાર્સલ આવે એટલે તાજ્જા ખુલેલા ઇસ્ત્રીબંધ દળદાર અંકો પર હાથ ફેરવીને એ છાતી સરસા ચાંપી ઘરભણી દોટ મૂકતાં! પપ્પાના પૈસે આ અંકો એકઠા કરી એના રંગીન પાનાઓ ફેરવવાનો એક રોમાંચ હતો. ટેલિવિઝન ત્યારે અજાયબી હતી. મોટેરાં પણ દિવાળીઅંકોના દીવાના હતા. અખબારી પૂર્તિઓ પણ દિવાળીની સામગ્રીથી છલકાય. થિયેટરો સૂના થઈ જાય!
બાળકો બસ બજારમાંથી આવેલા મમ્મી – પપ્પાની થેલીઓ ફંફોસીને નવા નવા બોકસ બહાર કાઢીને ઠેકડા મારતા જાય. ક્રિસમસના સાન્તાકલોઝની ‘મેઈક એ વિશ’ ની માફક દિવાળી પર જે માંગો તે હાજર! બચ્ચેલોગ માટે દિવાળી વોઝ જસ્ટ ફન, ફન એન્ડ ફન! તહેવારના દિવસોમાં છોકરાંઓને ખીજાવા પર પણ કર્ફયુ આવી જાય! લોઅર કે.જી.માં જ ટયુશન રખાવવું પડે અને વેકેશનમાં હોમવર્ક કરવું પડે… એવી ગળાકાપ હરિફાઇ હજુ આવી નહોતી. નવી પેઢીની પતિની જ રસોઇ માંડ કરતી આધુનિકા પુત્રવધૂઓ ત્યારે ખુદ બાળકીઓ હતી. અને જૂની પેઢીની કાકીઓ, મામીઓ, માસીઓ દૂર ગામેથી આવેલા ભત્રીજા- ભાણેજોને સાચવવા એ પોતાની સંયુકત કુટુંબની અણગમતી હોય તો ય અનિવાર્ય ફરજ ગણતી હતી. ધીંગામસ્તી અને ધાંધલ ધમાલનો ખુલ્લો પરવાનો એટલે દિવાળી ! લાલચટક ચાંદલા જેવા જ દેખાતા છૂટા ચાંદલિયાની ડબ્બી ખોલી ભટુરિયાઓ એને પથ્થર કે સાણસીથી ફોડીને હરખાતા.
કેટલાક પરાક્રમી કિશોરો તો પોટાશની લુગદીને લોખંડની લાંબા હાથાવાળી ‘ચાકી’માં ભરાવી, એને ટીપણી રાસની સ્ટાઇલમાં જમીન પર પછાડી- સસ્તો, સ્વદેશી અને ‘ઇકો-ફ્રેન્ડલી’ ધડાકો કરતાં! શેરીમાં ઉલાળીને લવિંગયા ફોડવાની છૂટ મેળવવા કોર્ટના ચૂકાદા વાંચવાની જરૂર નહોતી. નિર્દોષ બપોરિયા- સરપોલિયાનો દબદબો હતો. ફટાકડાની રોકેટ માટે પપ્પા પહેલાં ખાલી ડબ્બો કે બોટલ શોધતાં. મમ્મી હાથમાં ફૂલઝર લઇને હવામાં અક્ષરો બનાવતી!
બાળગોપાળો ફટાકડામાં મશગુલ હોય, ત્યારે મહિલા વર્ગ રસોડામાં ગુલતાન રહેતો. ફરસી પૂરી, તીખી સેવ, મઠિયા, ઘૂઘરા, મોહનથાળ, ઘારી, પૌંઆ-શીંગનો ચેવડો…. દિવાળીની મીઠાઇ જાતે જ બનાવવાની…. એમાં અડોશ-પડોશની મદદ લેવાય, બપોરે પાડોશણ આવીને આપણા ઘરની રાંધણક્રિયામાં શ્રમદાન આપે, અને સાંજે આપણે એના ઘરમાં!
દીવાલમાં પડેલું ગાબડું પાડોશી જોઇ ન જાય, એ માટે ત્યાં નવું કેલેન્ડર લગાડી દેવાતું. ખખડધજ ઇમારતનો રિનોવેશન અને વ્હાઇટવોશ દ્વારા ‘ફેસિયલ‘ મેકઅપ જરા સુખી કુટુંબો કરાવતા. અને સાફસફાઈનો એક મિલનમેળો ચાલતો. ઘરના બધા સભ્યો હોંશે હોંશે એમાં જોડાઈ જતાં. જૂની ચીજોમાં સંઘરાયેલી યાદોને પંપાળી એને દર વર્ષે વીમા પોલિસીની માફક રિન્યુ કરતા. એકને કચરો લાગે એ બીજાને ખજાનો લાગતો અને એમાં શું ફેંકવું અને શું રાખવું એની ન્યુઝઅવર જેવી ચીસાચીસીભરી ચર્ચાઓ થતી.
આ પ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે પપ્પા લાલ બોલપેન લઇને શુભેચ્છાના પોસ્ટકાર્ડ લખવા બેસી જાય. કલરફૂલ પ્રિન્ટેડ દિવાળી કાર્ડસની કાળજીથી પસંદગી થાય. મોંઘા કાર્ડ્સ મોકલનારનો વટ પડે. ને સસ્તું ઓ ય સારું કાર્ડ લેનારા અક્ષર મંદિરના સુવાક્યો અને કુદરતી દ્રશ્યો વાળા કાર્ડસ જથ્થાબંધ અન્નકૂટની જેમ ખરીદી લાવતા ! કોઈ શોખીનો ચીવટથી કાર્ડની ડિઝાઈન – લખાણ જાતે તૈયાર કરે.
વેપારીઓ દુકાનના ઓટલે દિવાળીટાણે વસ્તુઓનો સજાવટવાળો ‘ડિસ્પ્લે’ કરીને બેસી જાય. કોર્પોરેટ બોનાન્ઝાની ઓનલાઈન સાઈટ્સ તો કોઈએ જોઈ નહોતી. એટલે બે આંખની શરમે મધ્યમ-દરિદ્ર વર્ગ થોડીઘણી ઝગમગતી દિવાળીની ખરીદી પેઢી દર પેઢી ખાતું ચાલવતા શેઠિયાઓ પાસેથી કરતો. અને સામાન્ય ગ્રાહકને પણ ત્યારે રાજાપાઠમાં શરબત પીવડાવાતું. એનો દરજ્જો ના વધતો પણ દિવાળીએ દુકાનદારનાં મનની મોટાઈ વધી જતી. વેપારી ન હોય એવા પરિવારો માટે વાઘબારસ દિવાળીનો ‘વોર્મ અપ ડે’ ગણાય.એ દિવસથી કથ્થાઇ રંગના માટીના કોડિયામાં સૂતરની વાટ તેલમાં ડૂબાડીને ઘરના ગોખલે, દરવાજે, બારસાખે, બારીએ દીવડા પ્રગટાવવાની શરૂઆત થાય, જે ‘ભાઇબીજ’ના ભોજન સુધી ચાલે. પછી લાભપાંચમ ને સીધી શેરડીવાળી દેવદિવાળી!
એ જ દિવસથી આંગણામાં રંગોળીની પહેલી ઇનિંગ શરૂ થાય. પહેલાં છાણના લીંપણથી એક ચોકઠું તૈયાર થાય. મમ્મી પાકા બાંધેલા ફળિયામાં ‘ગેરૂ’ને પલાળી એનો પટ્ટો મારે. એના પર પછી ‘ફ્રી હેન્ડ’થી સફેદ ચિરોડીની ડિઝાઇન કે દીવડાંનું ચિત્ર દોરે, કળા કરતો મોરલો ચીતરે… પપ્પા રંગની કૂલડીઓ તૈયાર કરે. રંગપૂરણી ચીવટથી થયા બાદ બધા રંગોને ભેળવી, અખબારની કિનારીથી પાથરીને બેકગ્રાઉન્ડ બનાવાય.
ધનતેરસે આસોપાલવના પાંદડા અને શ્રીફળવાળો કુંભ જ ફરજીયાત રંગોળીમાં ચીતરાય. જેને રોજે રોજ ખાલી કબાટમાં અડીને પણ સ્પર્શસુખ પામવાનું હોય એવા નવા નવા કપડાંનું સત્તાવાર ઉદ્ઘાટન ત્યારે થાય. ડિટ્ટો તાજી બનેલી રસઝરતી રંગબેરંગી મીઠાઈઓ. મોંઘી ખરીદી ત્યારે પૂરબહારમાં ખીલે. અગાઉથી ધનતેરસના શુકનનો ડિલીવરી ટાઈમ લખાવ્યો હોય. મોટાભાગની દિવાળી સ્પેશ્યલ સામગ્રી એ દિવસે બજારમાં રુમઝુમ પધરામણી કરે ! દિવાળી હજુ બે-ત્રણ દિવસ ચાલવાની છે, એનો હરખ ધનતેરસે તિજોરીમાં સોનું નાં ધરાવતા પરિવારોને પણ ધનવાન બનાવી દે ! મોટી સ્ટારકાસ્ટ અને બેનરવાળી કોઇ ને કોઇ જબ્બર ઉત્કંઠા જગાવનાર ફિલ્મ દિવાળી પર ટપકી પડે અને ધનતેરસે પહેલી કલાકમાં જ ત્રણ દિવસનું બુકિંગ હાઉસફૂલ થઇ જાય! સારા સિંગલ સ્ક્રીન સિનેમાઘરનો ડોરકીપર ડાયરેક્ટર એજવા તોરમાં રૂઆબ છાંટતો થઇ જાય.
કાળીચૌદશે સાત ધાન (જેમ કે ચણા, જુવાર, બાજરી, મગ વગેરે)ને કરકરા દળાવી એના લોટના વચ્ચે કાણાવાળા (‘મિન્ટ વિથ એ હોલ‘વાળી ‘પોલો‘ પીપરમીન્ટથી મોટું કાણું, હોંકે!) ઘેરા કથ્થાઈ રંગના વડાં તળાય. તાજાં તળેલા વડા સાથે પાણીનો લોટો લઇને ચાર રસ્તા પડે એ ચોકમાં ‘કકળાટ કાઢવા’ જવાનું. વડાં વચ્ચે મૂકી ફરતે પાણીનું ચકરડું કરી પાછું જોયા વિના આવતાં રહેવાનું. એ વખતે આ બધું રહસ્યમય દિલચસ્પી જગાડતું. હેલોવીનની તો ફિલ્મો ય જોઈ નહોતી, પણ દિવાળીના ચળકાટમાં રોમાંચનો રંગ જીવંત અનુભવે પુરાતો. વડાંનો હાર હનુમાનના મંદિરે અડદ સાથે ચડાવી, ઘેર નવા આવેલા ફ્રીઝમાં રાખેલા દહીંવડા ઝાપટવાના!
દિવાળીએ તો અચૂકપણે કેસરી, લાલ, લીલા રંગની સાડી કે નવી સીવડાવેલી ચળકતી જોડી પહેરી સહકુટુંબ મંદિરે દર્શન કરવા જવાનું જ! એ દિવસે પૂરણપોળી કે બટેટાવડાંનું ભાવતું ભોજન લઇને આડા પડખે થઇ થપ્પી કરેલા દિવાળી અંકો વાંચવાના… એ રાતની રંગોળીમાં કંકુથી નાનકડાં પગલાં અને સાથિયો તો ફિકસ! રાતના દરવાજો ઉઘાડો રાખવાનો, જેથી લક્ષ્મી પધારે!
દિવાળીએ બધાં જ નવા – નવા થઈને બની ઠનીને રોજ મંદિરે દર્શન કરવા જતાં. સવારે દાન કરતા અને સાંજે મોજ ખાતર પાના રમતાં! જૂના રાચરચીલાં (ફર્નીચર), પડદા, સોફાકવર, ટેબલકલોથ ચાદર વગેરે બદલાઈ જતા. બાળકો મમ્મી – પપ્પાની આંગળી પકડી બજારમાંથી થોડાક રૂપિયામાંથી ઝાઝા ફટાકડા હોંશભેર થઈ આવતા. રોજ રાત્રે મિત્રો ભેગા થઈ ફટાકડા ફોડે. ખૂટી જાય તો નવા લઈ આવે! અમે ભૂલકાંથી તરુણ થયેલા ત્યારે ઝાઝા ફટાકડા ફોડવાને બદલે ખુલ્લી અગાશી પર જઇને લ્હાવો માણીએ. ગગનચુંબી સ્કાયક્રેપર્સ નહિં એટલે નગર આખાના ફટાકડાની રોશની નોનસ્ટોપ દેખાય! સંધ્યાટાણે મમ્મી નવા કોડિયામાં તેલ પૂરી, તેમાં સૂતરની વણેલી વાટ રાખીને ઘરના ગોખલે, પાળીએ, બારીએ દીવડા પ્રગટાવે હાથે બનાવેલા વાંસ કે રંગીન કાગળના ફાનસ લટકાવે. કોઈ વળી રોશનીની ઈલેકટ્રિક સીરીઝ દરવાજે લટકાવતા.
મોંઘા સેલાં કે જરીભરતના વસ્ત્રો આમ પહેરો તો જોણું લાગે, પણ દિવાળીએ પહેરો તો જમાવટ લાગે! બહારગામ ભણતા કે રહેતા ઘરના સભ્યો દિવાળીએ ઘેર પાછા આવે. ઘરની બહાર ફરવાનો કાર્યક્રમ હંમેશા દિવાળી પછી જ ગોઠવાય.લાભપાંચમ સુધી દિવાળીનો ‘હેંગઓવર‘ રહે. જે વેપારી કુટુંબ હોય એમાં વડીલો કડકડતાં ધોતિયા અને સંતાનો સફાઇદાર સફારી ચડાવી, માથું ઓળી શકાય એવા ચકચકિત શુઝ ચડાવી ચોપડાપૂજનની તૈયારી આરંભે. દિવાળીની સાંજના મૂહુર્ત કઢાવાય. વિવિધ ફળો અને મીઠાઇઓનો ભોગ તૈયાર કરાય.
ભાગ્યે જ દુકાનના પગથિયાં ચડતો મહિલાવર્ગ સેલાં, પટોળાં કે ઘરચોળા પહેરીને વરસે બે-ચાર વાર બહાર કઢાતા દાગીના ધારણ કરીને બચ્ચાં-કચ્ચાં સાથે પધારી જાય. દુકાનમાં કામ કરનારાઓના ‘બોનસ‘ના શુભ્ર શ્વેત કવર્સ તૈયાર હોય. અંદર લક્ષ્મીપૂજન ચાલતું હોય ત્યારે બહાર લક્ષ્મીછાપ ટેટા અને ગણેશબ્રાન્ડ ભંભૂના ભડાકા-તિખારાની રમઝટ બોલી હોય! પૂજન પૂરૂં થયે શુભેચ્છકોને પ્રસાદના પડીકાં મોકલાવાય. લાલ પૂંઠા પર સફેદ દોરાથી ટાંકા લીધેલો કાપડમઢયો નવો ચોપડો ‘ગાદીનશીન’ થાય! બીજે દિવસે બેસતાં વરસની સવારે એમાં ‘મિત્તિ મારવા’ યાને લાલ કંકુથી ‘શ્રી સવા’ એકી સંખ્યામાં ચાંદલા કરી એનું ઉદ્દઘાટન કરવા આવવાનું હોય! દાયકાઓ અગાઉ સૌરાષ્ટ્રના નાના ગામોમાં મુસલમાન કે વ્હોરા વેપારીઓને પણ આ પૂજન કરી બોણી કરતાં- કરાવતાં સગી આંખે જોયા છે.
દિવાળીની રાતના કોઈ સૂવે નહીં. નવા વરસની સવારે હરખાઈને સાલ મુબારક કરવા પહોંચી જાય. કોઈ ઘર ન રહી જાય તેવા વ્યવહારનું ખબરદારીથી પાલન થાય. દિવાળીની રાત એટલે કામનો ઢગલો.નવા લીધેલા પડદા લગાડાય. આસોપાલવના પાંદડાને સીંદરીની ગાંઠ મારી તોરણ બનાવાય. ઘીમાં કંકુ બોળીને મુખ્ય દ્વાર પર ‘લાભ’ અને ‘શુભ’ લખવામાં આવે.મજબૂતી એવી ઠસોઠસ કે ઘસો નહિં તો નવી દિવાળી સુધી એ અકબંધ રહે!
કબાટમાં સાચવી રાખેલા રેશમી ચાદરો- ગલેફ ગોઠવાય. મુખવાસની ડિશમાં સાકર મૂકાય.ઘરનો ખૂણેખૂણો ચોખ્ખો કરી લેવામાં આવે.આ બધું પરવારીને સૂવાની તૈયારી કરો ત્યાં વહેલી પરોઢે નમક વેંચવાવાળાનો ‘સ..બ..ર…સ’નો બુલંદ સાદ સંભળાય! શુકનની પહેલી ખરીદી થાય, પછી જ બીજે પૈસા ખર્ચી શકાય! નવા વરસનું ‘મેનુ’ ઉંધિયું જ હોય! બહેન ન હોય એટલે ભાઇબીજ ઘરમાં જ પૂરી થાય, પણ બહેન હોય તો ભાઇ ભોજન માટે ભાગે!
બેસતાં વરસે સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલાં કેટલાક થનગનભૂષણો દોડતાં આવી ગળે વળગી પડે. નવા સીવડાવેલા કે તૈયાર લીધેલા કપડાં, નવી વસાવેલી ઘરવખરી, વીતેલા વર્ષે મળેલી કે ખરીદેલી ઉપલબ્ધિઓ અને નવી બનાવેલી વાનગીઓને વરસમાં એક વાર સમાજ સામે રજૂ કરીને અહોભાવ અને આશ્ચર્ય જગાવવાની એકમાત્ર તક એટલે નવવર્ષદિન! એ દિવસે જે થાય એ આખું દિવસ થાય એવી માન્યતાને લીધે !
એ સવારે દુકાન કે ઘેર રોજીંદો વ્યવહાર રાખનાર ઝાડૂવાળા કે ચોકિયાતો ‘બોણી‘ યાને શુકનની બક્ષિસ લેવા આવે, તો મિત્ર બનેલાં ગ્રાહકો કંઇક ખરીદી ‘બોણી‘ કરાવવા આવે! નાના ગામોમાં તો જે જૂઓ તે ગળે મળે! બજારમાં બેસો તો ઓળખતાં ન હોય એ પણ ઉમળકાથી હાથ ખડી જાય એટલી વાર હાથ મિલાવી જાય. જો ગામમાં જ વડીલ સગાઓ રહેતા હોય તો પહેલા બધા ‘મોટા ઘેર’ દોડે! એમાં નાનું કુટુંબ હોય અને ઘેર કોઇ ન હોય તો ‘ક્રોસ’ થાય – પછી ધોખા થાય – માઠું લાગે – માફામાફી થાય – બીજે દિવસે ફરી જવાના કોલ દેવાય. ઘેર એક સાથે બે – ત્રણ કુટુંબો ભેગા થઇ થઇ જાય અને આગ્રહની અંધાધૂંધી થાય! અને રાત પડી કે પેટ તરબતર અને દેહ લોથપોથ!
દિવાળી એ વૈવિધ્ય અને પરિવર્તનનો મલ્ટીકલર ફેસ્ટિવલ છે. કાળચક્ર ફરતું ગયું. એક સમયે ‘વેલ કમ’ લખેલા રેડીમેઇડ થ્રી – ડી – સ્ટિકર્સ જાદૂ જેવા લાગતા અને એ લગાવ્યાનો હરખ લાભ પાંચમ સુધી ટકતો. ગ્લોબલાઈઝેશન પછી શહેરી રાજમાર્ગો પર આખું વરસ એટલી બધી ચકમકતી નિયોન લાઇટસના સાઇનબોર્ડસ અને હોર્ડિંગ્સ જોયા કે સ્ટીકર લેવાનું ય મન ન થાય! કોઇ કાળે દૂરદર્શન પર ‘ચિત્રહાર‘માં હિન્દી ફિલ્મોમાં જરીપુરાણા દિવાળી ગીતો જોઇને રાજી થવાનું રહેતું. હવે ટીવી પર રોજ દિવાળી જેવા ઠઠારા પ્રોગ્રામ્સમાં હોય છે.
ટેલિવિઝન ખાલી થાળી જેવું હતું. પછી સેટેલાઇટ ચેનલ્સની સ્વાદ્દિષ્ટ વાનગીઓ પીરસાવા લાગી. દિવાળી ધીરે ધીરે એડવર્ટાઇઝિંગ એજન્સીઓનું રમકડું બની ગઇ. બિગ બોનાન્ઝા ઓફર્સનું પ્લેટફોર્મ બની ગઇ. ૨૧મી સદીના પહેલા દાયકાના અંતે ટીવીને પર્વો માટે વિલન બનેલા મોબાઈલ ફોને હરાવી દીધું. શુભેચ્છામાંથી અક્ષર અને અવાજ ગયા. રહ્યા ફોરવર્ડ થતા મેસેજીઝ !
ફટાકડાના ખરીદી લિસ્ટમાં ‘નામ બડે ઓર દર્શન છોટે’ જેવા મોંઘાદાટ નવા આતશબાજીનાં ફિલ્મી ફટાકડાઓ ઉમેરાયા. એપલ સ્માર્ટ ફોનની જેમ એનું ઓપરેટિંગ અલાયદું શીખવું પડે! ગજવું હળવું થાય ને ટેભાં તૂટે, પણ મોભો ભારે થાય! શું થાય? જમાના સાથે રહેવું પડે ને! દીવડાને બદલે રંગીન મીણબત્તીઓ આવી! રંગોળી ચીતરવા માટે ટપકાવાળી વાંસની ભૂંગળી જતી રહી ને પ્રિન્ટેડ પૂંઠા આવ્યા. છાંટવા માટે જરી જુનવાણી થઇ ગઈ.
સરકારે બ્રિટિશ સીસ્ટમના અનુકરણમાં આર્થિક વર્ષ માર્ચથી એપ્રિલનું બનાવી દીધું ! કોઇ પણ તહેવારની તડાફડી પાછળ મૂળ તો નગદનારાયણની છમાછમ હોય છે. ધીરે ધીરે ચોપડાપૂજન એક ઉત્સવ મટીને ઔપચારિકતા બની ગઇ. વ્યવહાર વરાળ થઇ ગયો. ટેલી જેવા સોફ્ટવેર્સે રોજમેળના જમાઉધાર પર ચોકડા માર્યા. કેલેન્ડર અને કાર્ડમાંથી ટ્રેડલ પ્રિન્ટિંગ પર છપાયેલા દેવ – દેવીઓ કે ગામડાના અને નદીઓના કુદરતી દ્રશ્યો આઉટ થઇ ગયા. દટ્ટાને બદલે ડેટસ મોબાઈલમાં દેખાવા લાગી. મિનિપંચાંગવાળા વોલકેલેન્ડર આવી ગયા. ઝડપી જમાનાને પહોંચી વળવા જ્ઞાતિ કે સંસ્થાઓ આગોતરા ‘સ્નેહમિલન’ યોજવા લાગી! એ ય હવે તો વોટ્સએપ ગ્રુપમાં !
બાળકો માટેના દિવાળી અંકો અને શેરી રમતો ઠપ્પ થઇ ગયા, ફટાકડા ફેંકાફેકી ને ઘોંઘાટનો ત્રાસ બનતા ગયા. બાળકો મેગેઝીનને બદલે મોબાઈલ ગેઈમ્સમાં ખોવાઇ ગયા. એકબીજાની ઘેર ‘દિવાળી કરવા’ જવાનું મોંઘવારીમાં બંધ થઇ ગયું. ‘મીઠાં મોઢા’ની ડિશમાં સાકરે ખસીને સૂકામેવા માટે જગ્યા કરવી પડી. મુખવાસની ડિશમાં હવે તો ગળપણને બદલે ખાટી પીપરમિન્ટ, તીખા – લવિંગ, મસાલેદાર મુખવાસ ઔર ન જાને કયાં કયા ઉમેરાઇ ગયું છે. ડિશિઝ પણ ફેન્સી ક્રિસ્ટલની આવે છે. પહેલાં ઘેર બનાવેલ પકવાન ખવાતા, હવે ડિઝાઇનર પેકેટમાં ચોકલેટ મળે છે. ડ્રાય ફ્રુટસના બોક્સ ખો-ખોની જેમ એકથી બીજા સરનામે પાસ ઓન થાય છે.
ગૃહિણીઓ સ્વાધીન થતી જાય છે. હવે વાનગીઓ બનાવાતી નથી, સબ કુછ મિલતા હૈ રેડીમેઇડ! આયા, ખાયા, ખિલાયા, ઔર હો ગયા! કડક નોટોની બોણી પણ ક્રેડિટ કાર્ડમાં ખોવાતી જાય છે. રંગોળી કરવાની જગ્યા જ નથી. રંગોળીને ડેકોરેટિવ પેઇન્ટિંગ્સ કે શો પીસ ‘રિપ્લેસ’ કરી રહ્યા છે. સંબંધ ઉષ્માથી તાજા રાખવાને બદલે ઉધામાથી સાજા રાખવાના હવાતિયાં ચાલે છે. કઢેલાં દુધના સૂરસૂરિયાં થઇ ગયા… હવે કોલ્ડ ડ્રિન્કસની બોટલોના ક્રેટ ખડકાય છે. આખી દિવાળી ચાઈનીઝ પ્રોડકટસથી જ ભારત ઉજવે છે ! નવું વર્ષ તો ગુજરાત જેવા જૂજ રાજ્યોમાં ઉજવાય છે.
હરવર્ષે જૂના વિક્રમ સંવત સાથે દિવાળીની રોનકનો વધુ એક પોપડો ખરતો જાય છે. ઉમંગ અને ફુરસદ બે’યને ‘લૂણો’ લાગ્યો છે પરિવર્તનનો ! દિવાળી એ બદલાતા પંચાંગનું સાંસ્કૃતિક સમયપત્રક નથી. લક્ષ્મીનું પૂજન નથી. રૂટિનમાંથી એસ્કેપની ઉજવણીતણી મોસમ નથી. સંબંધોમાં હળીમળીને ઓઇલિંગ કરવાની વાર્ષિક સુવર્ણ તક નથી.
તો દિવાળી હવે શું છે?
સિર્ફ હોલિડેઝ એન્ડ પરચેઝિંગ પાવર ! સમર વેકેશન જેવી રજાની મજા ! દિવાળીએ બધા બહારથી ઘેર આવતા, હવે ઘરથી બહાર જાય છે. અને સાથે ઉત્સવનો ઉત્સાહ પણ ચાલ્યો જાય છે !
ફટાકડો ફુટયો : ધડામ… ધુમાડો રહ્યો! બાકી બધું કેવળ ભૂતકાળ. ભૂતકાળની મુલાકાત લઇ શકાય છે, પણ એમાં રહી શકાતું નથી! સ્વજનો ગયા, પરંપરાઓ ગઈ, ઉમળકો ગયો, કદીક આપણે જઇશું! પણ દિવાળીની ચમકદમક રહેશે?
કે એક પેઢી પછીનું ભારત દિવાળીને બદલે ૩૧મી ડિસેમ્બર પછી જ ‘હેપી ન્યુ ઈયર‘ કહેતું થઈ જશે ?
ફાસ્ટ ફોરવર્ડ
દીપાવલી કે દિન એક દિયે ને દૂસરે સે કહા :
તુમ આદમીમેં કબસે બદલને લગે?
મુજકો દેખ કે જલને લગે?!
(હાસ્ય કવિ સંમેલનમાં સાંભળેલું)
સંવર્ધિત સ્પેક્ટ્રોમીટર , ગુજરાત સમાચાર, તા. ૦૮ / ૧૧ / ૨૦૧૫.
zalak
November 11, 2015 at 4:01 PM
Enter your comment here…aae hae…
Mja pdi gai… ❤
LikeLike
Piyush S. Shahi
November 11, 2015 at 5:20 PM
બહુ સરસ , જય ભાઈ…!
ભૂતકાળ ની યાદો તરોતાજા થઇ ગઈ..
” દિવાળીએ બધા બહારથી ઘેર આવતા, હવે ઘરથી બહાર જાય છે. અને સાથે ઉત્સવનો ઉત્સાહ પણ ચાલ્યો જાય છે !” સાવ સાચું કહ્યું આપે … લોકો પહેલા ઉમળકાથી મે’માન આવે તેની રાહ જોતા હતા દિવાળી ટાણે..અને હવે, દિવાળી આવતા પહેલા તો ઘરે દેડકો લટકાવી રફુચક્કર થઇ જાય છે ..
આપને દિવાળી ની હાર્દિક શુભકામનાઓ અને નુતન વર્ષાભિનંદન..
LikeLike
Sushant
November 11, 2015 at 5:23 PM
Jay bhai… Sachi vaat Che. Vacation to atyarey pade Che, pan mama na ghare kya Javay Che.
LikeLike
KULIN SANGHANI
November 11, 2015 at 6:29 PM
Exactly. We become nostalgic but have to accept the change. Soul of the festival celebration should remain in spite of changes.
LikeLike
VJ
November 11, 2015 at 6:50 PM
Reblogged this on SVBIT.
LikeLike
mahesh rana vadodara
November 11, 2015 at 6:54 PM
PURANI YADO NI SAFAR AND REALITY OF LIFE FOR MIDDLE MEN SARAS ANE SACHOT RAJUAAT WISH ALL OF YOU HAPPY NEW YEAR
LikeLike
JAGDISH RAVAL
November 11, 2015 at 7:54 PM
જય વસાવડા જી,
ભૂલી હુઈ યાદો હંમે ઇતના ના તડપાઓ , અબ ચૈનસે રહેને દો મુઝે, મેરે પાસ ના આઓ…
જૂની યાદો તમારી સાથે વાગોળતા સમયના પ્રવાહ માં જે ગુમાવ્યું છે તેનો હિસાબ માંડતા ગડગડા થઇ જવાયું અને પરાણે આંખો ભીંજાવા ના દીધી.
~ જગદીશ રાવલ
LikeLike
pravinshastri
November 12, 2015 at 1:29 AM
ખૂબ સરસ લેખ. વગર ઓળખાણે તમારા દરેક લેખ મારા બ્લોગમાં રિબ્લોગ કરવાની ટેવ પડી ગઈ છે. બસ આભાર. વધુ કશું જ નહીં.
LikeLike
pravinshastri
November 12, 2015 at 1:39 AM
Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
ભાઈશ્રી જય વસાવડાના દરેક લેખ ખૂબ જ અભ્યાસ પૂર્ણ અને નવીન દૃષ્ટિ અને વિશિષ્ટ શૈલીથી લખાયલા હોય છે. મારા બ્લોગમાં પીરસાતા વાંચન રસથાળની એક અનોખી રસિક વાનગી બની રહે છે. આશા છે કે આપ સૌને પણ ગમશે જ.
આ સાથે મારા અને મારા પરિવારના આપ સૌ વાચકોને દિવાળી અને આગામી નવા વર્ષની અનેક શુભેચ્છાઓ. ભાઈ જય વસાવડાનો હાર્દિક આભાર.
LikeLiked by 1 person
Vijay
November 20, 2015 at 9:18 AM
Excellent jai
What can say about you .you are writing excellent
I think this your family tradition and style
Vijay rana
Junagadh/usa
LikeLike
મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ.
November 22, 2015 at 12:41 AM
બહુ સુંદર લેખ. જુની યાદો તાજી થઇ ગઈ…
આ સાથે આપ સૌ વાચકોને દિવાળી અને આગામી નવા વર્ષની અનેક શુભેચ્છાઓ.
ભાઈ જય વસાવડાનો હાર્દિક આભાર.
LikeLike
pravinshah47
June 23, 2016 at 9:16 AM
અમે નાના હતા અને ગામડામાં દિવાળી ઉજવતા હતા, તે દિવસો યાદ આવી ગયા. બહુ જ સચોટ વર્ણન.
LikeLike