એવોર્ડ પરત કરવાની ચર્ચા મેન્ટલ હોસ્પિટલના વોર્ડમાં પહોંચી રહી છે, ત્યારે વિચારોનું વાસ્તવિક વિરાટદર્શન!
તાજો લેખ રિલેવન્ટ છે, એટલે અહીં મુક્યો. મુનવ્વર રાણા જેવા ગમતા શાયરે એવોર્ડ રકમ સહિત અને સરકારને બદલે સમાજના વિરોધમાં એવી સ્પષ્ટતા સાથે પરત કર્યો એ ક્લેરિટી ગમી પણ ખરી.
આ ખરા અર્થમાં ૩૬૦ ડીગ્રીના સત્ય વાળો લેખ પ્રગટ થયા પછી ઘણા સરસ પ્રતિભાવો મળ્યા. જાણીતા અને ખરા અર્થમાં જાનપદી એવા સંવેદનશીલ કર્મશીલ લેખક ધ્રુવ ભટ્ટે એમના મેસેજમાં કહ્યું કે એવોર્ડ કૃતિને મળે છે, વ્યક્તિને નહિ ! તો વ્યક્તિ એના પર આવો માલિકીભાવ કઈ રીતે રાખે ? પોઈન્ટ.
એવો જ સરસ મુદ્દો રીડરબિરાદર વિશાલ પારેખે કહ્યો કે, “મને તો આ સાહિત્યકારોની સન્માન પરત કરવાની ઝુંબેશની અને કોમી હુલ્લડોની મોડસ ઓપરેન્ડીમાં ઘણી સમાનતા લાગે છે. જેમ કોમી હુલ્લડમાં કેટલાક ગણ્યા ગાંઠ્યા તત્વો કોઈ બહાનું શોધી ટોળું ભેગું કરી એને ઉકસાવે છે પછી તોફાનની શરૂઆત કરી પોતે છુમંતર થઇ જાય છે.અને બાકી નું કામ પેલું ટોળું જ પુરું કરી દે છે. એમ જ આની શરૂઆત કેટલાક ખંધા,ચીબાવલા ને મોદી વિરોધી માનસિકતાવાળા લેખકો એ કરી અને પછી, મૂળ તો આ જમાત સંવેદનશીલ ને ભાવુક, એટલે બીજા બિનરાજકીય હોવા છતાં ભાવુકતા માં આવીને જોડાતા જાય છે. અને આ ભગવા બ્રિગડ પાછી બધાને એક જ ચશ્માથી જુએ છે ને બળતામાં ઘી હોમે છે. જો બંને પ્રકારના ને એક જ નજરે જોશે તો સરકાર આ ટ્રેપમાં વધારે જ ફસાતી જશે.”
અને રીડરબિરાદર અનિલ જગડે તવલીન સિંહ જેવા વરિષ્ઠ ( અને ભૂતકાળમાં પાકિસ્તાનમાં પ્રેમલગ્ન કરી ચુકેલા પત્રકારના લેખની લિંક આપી – આ રહી એ.
=======
વર્ષો પહેલા અભિનેતા નસીરૃદ્દીન શાહે ઉત્તમોત્તમ અભિનય જેમાં કરેલો એવી અંધારીઘોર, ધીમીધીમી, ‘નિસબત’ વાળી પેરેલલ ઉર્ફે સમાંતર ગણાતી ફિલ્મો પડતી મૂકીને ત્રિદેવમાં ઓયે ઓયે લલકારવાનું શરૃ કરેલું. ત્યારે દૂરદર્શન પર એમનો ઈન્ટરવ્યૂ આવેલો. આ ‘મૂલ્યનિષ્ઠ’ ફિલ્મો પરત્વેની એમની ‘ગદ્દારી’ બાબતે એમને સવાલ પૂછાયેલો કે, એમણે કેમ ‘એસ્કેપીસ્ટ’ ગણાતી કમર્શિયલ ફિલ્મો તરફ દોટ મૂકી?
નસીરે લાંબો જવાબ આપેલો એમાં એક ઘટના કહેલી. એક એવોર્ડની દુનિયામાં પ્રતિષ્ઠિત ગણાતા આર્ટ ફિલ્મમેકરની ફિલ્મ મજદૂરોની વેદના અને સંઘર્ષ, શોષણ પર હતી. નસીરૃદ્દીન અને ઓમ પુરી એમાં સાવ મફતના ભાવે ‘સમાજ માટે કંઈક કરી છૂટવાના’ દાખડાથી કામ કરતા હતા. સેટ પર આવતા સાવ મામૂલી કારીગરોને દાળિયાના ફોતરાં જેવું વેતન એ નિર્માતા-નિર્દેશક ચૂકવતા હતા. એક એકસ્ટ્રા છોકરીએ આખા દિવસના થાક પછી મહેનતાણું માંગ્યું, તો એનો કંઈક ઉધડો લઈ લેવાયો. આ દ્રશ્યના સાક્ષી એવા નસીરૃદ્દીનનું મન આ નિસબતની નૌટંકી પરથી ઉઠી ગયું, અને એણે ચાલતી પકડી.
છાશવારે ગાંધીજી, મૂલ્યનિષ્ઠા, નિસબત, સામાજિક ન્યાયની દૂહાઈઓ દીધા રાખતા અમુક પત્રકારો કે લેખકો ચંદ રૃપિયા વધારે મળે એટલે થોડાક જ વર્ષોમાં કે ક્યારેક મહિનાઓમાં સરકસના ટ્રેપિઝ આર્ટિસ્ટની પેઠે નોકરી બદલાવી નાખે છે- અને પછી પાછા વાચકો માથે નીતિમત્તાના ચીપિયા ખણખણાવે છે! સારું છે, એ જોઈને રહ્યાસહ્યા કે રડયાખડયા વાચકો એમનાથી આમ મોહભંગ થતા રૃઠી નથી જતા! મર્સીડિસમાં ફરતા અને ફાઈવ સ્ટારની લોન્જમાં મધરાતે પરદેશી સિગારેટસનું પેકેટ સાફ કરી નાખતા સર્જકો પાછી ગરીબની ભૂખ અને છેવાડાના માણસની ચિંતા પ્રગટ કરે છે, ત્યારે એ જોઈને હવે ગુસ્સો નથી આવતો, હસવું આવે છે. જે પોતે એક જોક છે, એ બીજા પર જોક કરે ત્યારે કોમેડીની ટ્રેજેડી થઈ જતી હોય છે.
એનો અર્થે એવો નથી કે સરસ લાઈફસ્ટાઈલથી જીવવું ખોટું છે. પ્રામાણિક મહેનત કરનારાને ગમતી મજાઓ માણવાનો હક છે. પણ ઝૂંપડપટ્ટીવાળાને ય મનમોહન દેસાઈથી સિદ્ધાર્થ રાંદેરિયા સુધીનું મનોરંજન જ વ્હાલું લાગતું હોય, ત્યાં એની ચિંતાનો ઢોંગ કરવાનો ઢોલ વગાડવા ખોટો છે. જે પોલું હોય, એ જ જોરશોરથી વાગે. પણ એમાં ઘા મારો, તો અંદરથી નીકળેઃ હવા!
* * *
હ્યુમન બ્રેઈનમાં ‘ઈમિટેશન’ યાને નકલ કરવાનું ઘેટાંચાલ બિહેવિઅર જૂનું અને જાણીતું છે. સભાગૃહમાં કોઈ એક માણસ તાળી પાડે કે તરત સાયકોલોજીકલ રિસ્પોન્સ રૃપે બીજા પાડે. એમાંથી ઘણી સ્કિલ્સ ડેવલપ થાય, તો ઘણા ફેશન ટ્રેન્ડસતણી, સરવાણી ફૂટી નીકળે. નવરાત્રિમાં એક જગ્યાએ ભાઈ ભાઈ ભલા મોરી રામા ચાલે તો બીજે તરત એ કોપી થાય.
આવું જ સાહિત્ય અકાદમીના એવોર્ડસ પાછા આપવાના અચાનક સર્જાયેલા ચેઈન રિએકશનમાં થયું છે. દિલ્હીના આંતરરાષ્ટ્રીય પુસ્તકમેળાથી લઈને સ્થાનિક બૂક ફેર લગીમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમીના સ્ટોલ્સમાં કાગડા ય ઉડતા નથી હોતા, એ પરમેનન્ટ વિઝ્યુઅલ છે. એક નિયમિત ગ્રાહક તરીકે બિલ બનાવવા માટે પણ કાઉન્ટર પર નસકોરાં બોલાવતા બંધુને ઉઠાડવાનો જાતઅનુભવ છે. મતલબ એવો નથી કે સાહિત્ય અકાદમીના પ્રકાશનો બધા ફાલતુ હોય છે. ઘણા વિદ્વાનોનું ઉત્તમ સર્જનકાર્ય દાયકાઓથી એના માધ્યમે ગ્રંથસ્થ થતું રહ્યું છે. થેન્કસ, થમ્બસ અપ.
પણ પોઈન્ટ એટલો જ છે કે જેની સૌથી વધુ ચર્ચા અને ચિંતા એમાં થાય છે, એ લોકો સુધી જ આ સાહિત્ય કે એના રચયિતાઓ ભાગ્યે જ પહોંચે છે. સાહિત્ય અકાદમીના એવોર્ડસ પાછા આપવાના સમાચારોને ચમકાવતા પત્રકારો, વખાણતા કે વખોડતા મિત્રો- બધામાંથી આ એવોર્ડસવિજેતા પુસ્તકો ખરીદીને વાંચ્યા કેટલાએ અત્યાર સુધી- એ સર્વે કરવા જેવો છે. સ્થાનિક કક્ષાએ ફલાણોઢીકણો એવોર્ડ ન સ્વીકારનારા લેખકો પરદેશી- ફેલોશિપ કે રાષ્ટ્રીય સન્માન માટે ઝાંવા નાખતા હોય છે. આમીરખાન સ્ક્રીન-ફિલ્મફેર જેવા એવોર્ડસનો સૈદ્ધાંતિક વિરોધ કરી હાજરી ના આપે, પણ ઓસ્કાર કે નેશનલ એવોર્ડમાં હોંશે હોંશે પહોંચી જાય એમ જ.
એટલે પહેલી નવાઈ તો એ જ લાગવી જોઈએ, કે જો રાજકીય ખટપટ અને નફરત-અસહિષ્ણુતાના રાજકારણથી આટલી જ ચીડ હતી તો જે-તે વખતે આ એવોર્ડ સ્વીકાર્યો જ શા માટે? એ મળ્યો ત્યારે શું રાજકારણીઓ માનસરોવરના શ્વેત હંસ હતા અને હવે આંબલીના ઝાડ પરની ચીબરીઓ રાતોરાત થઈ ગયા? એવી ખુદ્દારી કે ખુમારી કે લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર પ્રત્યે આટલી જ ધૃણા હોય તો એવા એવોર્ડ લેવા જવાય જ નહિ. સિમ્પલ.
અને એવા પૂર્વગ્રહો બિલકુલ પ્રેક્ટિકલ નથી. એમ તો ક્રિકેટથી લઈને કોઠા (તવાયફોના) સુધી બધે જ સ્તરનું પતન થયું છે, ધંધાદારીપણું અને કાવાદાવા વધ્યા છે, એટલે શું જીવવાનું બંધ કરીને પેલા લેમિંગ્સની જેમ સામૂહિક આપઘાત કરવા પાણીમાં પડતું મૂકવું?
પપ્પુ પેજરો એવી દલીલો કરે છે કે ટાગોર કે ગાંધીએ સન્માન પરત કર્યા ત્યારે કોઈએ પૂછયું નહીં કે પહેલા એમણે એ પરત કેમ ન કર્યા? અને લેખકો ‘ઈન્ટોલરન્સ’ની ચિંતામાં એવોર્ડ પરત કરે છે ત્યારે કેમ બધા પૂછે છે કે કાશ્મીરી પંડિતો વખતે, કટોકટી વખતે, શીખ રમખાણો વખતે, સાબરમતી એક્સપ્રેસ કે એવા ત્રાસવાદી હુમલાઓ વખતે કે એવીતેવી ઘટનાઓ વખતે કેમ પરત ન કર્યા?
સંજય ગુપ્તા જેવા લીલા ફિલ્ટરો આંખે પરાણે ચડાવવાના આ ક્લાસિક કેસીઝ છે. બે ઘટનાઓના વાતાવરણની સરખામણી જુદી છે. આઝાદીની અહિંસક લડતમાં ગુલામ બનાવતી સરકાર સામે વિરોધ પ્રગટ કરવા રશિયા કે જર્મનીમાં પણ આવા પ્રદર્શન થયા છે. પણ લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર સામે આમ એવોર્ડસ પરત કરવાની ફોરેન મીડિયાને એમ્પ્લીફાય કરવા મળે એવી તક તાસક પર આપવાની લાઈન અચાનક લાગે, એમાં ‘ઘટનાનો લોપ’ થઈ જાય છે! આ તો રણજી ટ્રોફીના પ્લેયર અને ઈન્ટરનેશનલ ટેસ્ટ ક્રિકેટરને એક જ ત્રાજવે તોળવાની વાત થઈ! વળતા જવાબો જડતા ન હોય, ત્યારે ભળતાસળતા ઉદાહરણોની છટકબારી કે ડાયલોગબાજી જેવા અવતરણો ન ચાલે.
રાજકીય કે ત્રાસવાદી ઘટનાઓ જવા દો. પણ વાત જો અસહિષ્ણુતાના વધારાની જ હોય, તો એ માત્ર અત્યારે જ છે, એવું માની લેવું એ નરી બનાવટ છે, વધતી ઉંમરનો સ્મૃતિલોપ- ડિમેન્શિયા છે. આઝાદી અગાઉથી આપણા દેશમાં વિવિધ કારણોથી આવી ‘ઈનટોલરન્ટ ઈન્સીડન્ટસ’ સમયાંતરે બન્યા જ કરે છે. ના જ બનવા જોઈએ. પણ બન્યા જ કરે છે. ગાંધીજીએ કેટલીવાર હિંસા-અસહિષ્ણુતાના માર્ગે જતા ટોળાથી વ્યથિત થઈ ઉપવાસ કરવા પડેલા, સરદારે ચાબખા મારવા પડેલા, નેહરૃએ ભાષણો કરવા પડેલા. ગાંધીને ગોળી મારી દેવાની ઘટના આપણામાં હાડોહાડ પેઠેલી અસહિષ્ણુતાની જ ચરમસીમા હતી ને?
અને સ્વાતંત્ર્ય પછીના શરૃઆતી દૌરને બાદ કરતા બધી જ વખતે વોટને ખાતર વટ જતો કરતી તમામે તમામ સરકારો મોટેભાગે માટીપગી જ પુરવાર થઈ છે.
એક પણ પક્ષની એકપણ સરકારનો એમાં ઉજળો હિસાબ નથી. શાહબાનોના ચૂકાદાને ઉલાટાવવામાં કે રામરથયાત્રાના ભડકાઉ ભાષણોમાં કોમવાદ નહોતો? કેરલમાં પ્રોફેસરના હાથ કાપી નાખવાની ઘટનામાં અસહિષ્ણુતા નહોતી? ગ્રેહામ સ્ટેઈન્સને જીવતા બાળી નખાયા, એ શું વીરતા ચંદ્રકને લાયક કૃત્ય હતું? શાહરૃખખાન માટે ખોટી અફવાના મેસેજીઝ ફેલાયા કે વાનખેડેની પીચ ખોદી નાખવામાં આવી- આ બધું શું સહિષ્ણુતા દર્શાવે છે? ઠાકરેના મરાઠીવાદ કે બંગાળના સામ્યવાદમાં ‘ધેટ્ટોઆઈઝેશન’ નહોતું? અભિજીતે અદનાન સામીનો વિરોધ અગાઉ નહોતો કર્યો? લવ જેહાદના કાલ્પનિક ભયમાં સમાચારપત્રો ય કોમવાદી ઝેર રેડતા નથી? પુનરપિ જન્મમ, પુનરપિ મરણ, પુનરપિ જનની જઠરે શયનમ જેવો આ ‘કાળો’ કાળક્રમ છે. જે એક જ લૂપમાં ભારતમાં ચાલ્યા જ કરે છે. ન ચાલવો જોઈએ, પણ મુદ્દો એટલો જ છે કે આજકાલનો નથી. અને બધા જ સ્વાર્થી રાજકારણીઓ એને નાથવામાં નિષ્ફળ જ છે. એ નિષ્ફળતા પણ કંઈ આજકાલની નથી!
બીજું તો ઠીક, અભિવ્યક્તિની આઝાદી પર પણ નિરંતર હુમલા ચાલુ જ છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ અભય વચન પછી પણ એમ.એફ. હુસેન જેવા ચિત્રકારના ચિત્રો તૂટયાફૂટયા છે. દાભોલકરની હત્યા થઈ ત્યારે રાજ્ય અને કેન્દ્ર બંનેમાં વર્તમાન કરતાં જુદી જ સરકાર હતી. અને વ્હીસલ બ્લોઅર બનવાના મુદ્દે જ પંકજ ત્રિવેદીની ગુજરાતમાં કે સત્યેન્દ્ર દૂબે જેવા અમુકની બીજે હત્યાઓ થઈ. અભિવ્યક્તિ સહન ન થતાં સ્વામી સચ્ચિદાનંદ પર ગોળીબાર થયેલો, કલબુર્ગી પર જ અચાનક પહેલીવાર થયો છે, એવું નથી. આસારામના સાક્ષીઓને ભડાકે દેવાયા જ છે ને! આમ જ સફદર હાશ્મીના શેરીનાટકો સહન ન થતા હત્યા નહોતી થઈ? પાશ જેવા કવિઓને મારી નથી નખાયા? તે ન માર્યા હોય તો ય દુષ્યંતકુમારોએ કે મુક્તિબોધે આજીવન સામા પૂરના તરવૈયા થઈને પોતાનો અવાજ સંઘર્ષો વખતે ઉઠાવ્યો નથી?
રજનીશથી રાજ કપૂર સુધી મોરલ સેન્સરશિપે અભિવ્યક્તિનો ટોટો પીસી દેવાનો પ્રયાસ કર્યો જ છે. ફિલ્મોની કે ટીવીની તદ્દન વાહિયાત અને પછાત સેન્સરશિપ રોજેરોજ આપણે ત્યાં લિબર્ટી એન્ડ ક્રિએટીવિટીની હત્યા કરે છે, એના વિરોધમાં કેમ કોઈ એવોર્ડ પાછો આપતું નથી?
એઆઈબી રોસ્ટથી લઈને ફાયર કે વોટર જેવી ફિલ્મોના મુદ્દે કેમ એના સર્જકોની વહારે સાહિત્યના આ મૂર્ધન્ય સર્જકો ટટ્ટાર અને મક્કમ થઈને ઉભા ન રહ્યા? પાવલીછાપ લોકો સરકારી મહેરબાનીથી અગાઉ પણ મહામહિમો કે હાકેમો થઈ જતા હતા, એ કેમ ખૂંચ્યું નહિ? ઓવૈસીના કે લાલુના વાણીવિલાસ ના ખૂંચ્યા? માયાવતીના પૂતળાનું શું? સલમાન રશદી કે તસ્લીમા નસરીનની અભિવ્યક્તિ પર હુમલા થયા એ ખોટા? તુમ્હારા ખૂન ખૂન, ઔર હમારા ખૂન પાની?
અને ફ્રેન્કલી સ્પીકિંગ, સરકાર તરફથી મળેલા એવોર્ડ જુદા-અલાયદા દેખાય છે, પણ વાસ્તવમાં ઘણા સરકારી લાભો- નોકરી- ટીએડીએ પણ આવા લોકોને કે એમના પરિવારને મળે છે. એટલે સાવ એનાથી મુક્ત બનીને જીવવાનાં ખ્વાબમાં આત્મસંતોષ હશે, પણ વિચારયજ્ઞ નથી.
એવોર્ડ પરત કરનાર વરિષ્ઠ સાહિત્યકારો તો બીજા સાથે બનેલી અસહિષ્ણુતા- ભેદભાવની ઘટનાથી દુખી થયા. પણ કેટલાય એવા છે કે જે તો સ્વયમ આ ઝેરીલી માનસિકતા સામે સંઘર્ષ કરીને આગળ વધ્યા હોય. સાનિયા મિર્ઝાને ફેનેટિક રેડિકલ એલીમેન્ટસની આકરી તાવણીમાં તપવું પડયું છે. હવે શું આ સાહિત્યકારો એવોર્ડ પરત કરવા નીકળ્યા એટલે એ પોતાની વેદના સાચી સાબિત કરવા ખેલરત્ન એવોર્ડ પાછો આપી દે? વિમ્બલડન- યુએસઓપનના કપમાંથી નામ પાછું ખેંચી લે? નોર્થઈસ્ટની મેરીકોમ ઓલિમ્પિક ચંદ્રક પાછો આપે દે? ઈરફાનખાન કે સલીમખાન ઘરમાંથી બધી ટ્રોફીઓ પાછી આપે તો જ સેન્સિટિવ ઈન્ટલેકચ્યુઅલ?
ઘણા સર્જકો બેશક એવા હશે જ કે જેમનો જીવ દાદરી કે ગુલામઅલી જેવી ઘટનાઓથી બળ્યો હશે, બેફામ ભગવા નિવેદનોથી એમને ગુસ્સો પણ ચડયો જ હશે, લાચારી પણ મહેસૂસ થઈ હશે. પણ માનો કે એમણે એવોર્ડ પાછો ન આપ્યો, તો શું એમની વ્યથા, એમનો આક્રોશ, એમની નિસબત, એમની સંવેદનશીલતા ઓછી ગણાય?
એટલે માનો કે આ એવોર્ડ મળ્યા કરતા પાછા આપવામાં વધુ ફૂટેજ મળે, એનો પબ્લિસિટી સ્ટંટ નથી, તો ય આ ઓવર રિએકશન તો છે જ છે. તલનું તાડ! આ યાદીના મોટા ભાગના સાહિત્યકારો વયોવૃદ્ધ છે. હિન્દીમાં સઠિયા ગયા કે અંગ્રેજીમાં સીનિકલ કહેવાય એ ઉંમરે પહોંચેલા છે. આ ઉંમરે મેમરી અને રિસ્પોન્સીઝમાં ગરબડો સંભવ છે, એ તો મેડિકલ ફેક્ટ છે!
* * *
સમજણ તો સમજ્યા વિના સાહિત્યકારોના ‘વોઈસ ઓફ પ્રોટેસ્ટ’ની ખિલ્લી ઉડાડનારાએ પણ થોડીક કેળવવાની છે. કલાકાર કે સાહિત્યકાર જુદી દુનિયામાં જીવનારા જીવ હોય છે. સંવેદનશીલ એ બીજા કરતા વધુ હોય, થોડા ઘેલાદીવાનાધૂની પણ હોય. એ જ તો કવિ થાય, વાર્તાકાર થાય. નોર્મલ માણસ કરતાં એમની ફીલિંગ સેન્સિટીવિટી જરાક આળી જ હોય. સમાજ અને સરકારે હંમેશા ઉદારભાવે અને આદરભાવે સર્જકતાને એના આ અસંતુલન સાથે સાચવી લેવાની હોય, વ્હાલા બાળકની જેમ.
ક્રિએટિવ રીતે એમના નિર્ણયો પર કટાક્ષ થઈ શકે, પણ પૂરી માહિતી વિના અંગત આક્ષેપો ન થાય. એવોર્ડ પાછો આપવો પ્રતીકાત્મક છે, એમાં રકમ કેમ ન આપી, એ સવાલ ના હોય. નયનતારા સહગલ નહેરૃવંશના છે એ સાચું છે, એમ એમને ઈન્દિરા સાથે ભળ્યું નથી એ ય સાચું છે. સાહિત્ય જ શીખવાડે છે કે કેરેકટર્સ પ્રિઝમ જેવા મલ્ટીકલર, મલ્ટીલેયર્ડ હોય છે. બ્લેક એન્ડ વ્હાઈટ નહિ પણ ફૂલ ઓફ ગ્રે શેડસ. નયનતારા માટે એ સમજણ આપણે કેળવીએ એમ જ એ નરેન્દ્ર મોદી માટે પણ લાગુ પડે. એમાં ય બાયસના જેટ બ્લેક ચશ્મા ન ચાલે, અહોભાવના ફુલ વ્હાઈટ પણ નહિ!
નીંદક નીઅરે રાખિયે આંગન કુટિ છવાય. વિરોધના સૂર ઉઠે, ટીકા થાય એ તો સ્વસ્થ લોકશાહીનો પાયો છે. એ ખોટી વિગતોવાળી હોય, રૃઢિજડસુ, સંકુચિત, હિંસક કે અસંગત/ઈરરિલેવન્ટ હોય ત્યાં તોડી પાડવાની હોય, પણ બાકી તો મોકળાશથી અસંમતિ કે ભિન્નમત પ્રગટ કરવાની છૂટ આપતો અધિકાર હોય, એ દેશ જ મહાસત્તા બને, એ સમાજ જે વિભૂતિઓ પેદા કરી શકે, એ જ આગળ વધે. એ તો જટાયુથી વિકર્ણ સુધીનો ભારતીય વારસો છે. અહિંસક અભિવ્યક્તિ કે અંગત પસંદગીનો હિંસક જાહેર પ્રતિભાવ ત્રાસવાદ જ છે. દુર્ભાગ્યે, એકેડેમિક ડિબેટ અથવા ક્રિએટિવ ફ્રીડમ બાબતે આપણે જ્યુરાસિક યુગમાં છીએ.
પોઈન્ટ એટલો જ છે કે સામાજિક અસહિષ્ણુતા વધે એ ચલાવી ના જ લેવાય. એવી ધાર્મિક કટ્ટરતાના રંગે રંગાયેલી દેશદાઝને પંપાળવા જતા અળસિયાઓ કેવા અજગર થઈ જાય છે, એ આપણા જ ડીએનએ ધરાવતા પાકિસ્તાનના પ્રયોગે બતાવી દીધું છે. માટે ચેતીને ચાલવા જેવું છે. તાલિબાની કલ્ચરની વાનરનકલ એ હિન્દુત્વ નથી. બધા સામસામી ધાંધલધમાલ કરવા લાગે, તો ડાહ્યા કોણ છે, એ નક્કી કરવું અશક્ય બની જાય. માટે કોઈક ઓર્થોડોકસની નકલ કરવામાં ખુદનું લિબરાલિઝમ છોડવું ન જોઈએ. ભારતીય સંસ્કૃતિના બની બેઠેલા અભણ અને જંગલી ઠેકેદારો ગૌરવ નથી, શરમ છે. રામતત્વ રાવણ સામે લડવામાં છે, રાવણ જેવા બની જવામાં નથી. હિન્દુ શબ્દ અવ્યાખ્યાયિત છે, એ જ તો એની બેજોડ બ્યુટી છે.
સાથોસાથ, આદર્શવાદીને બદલે જરાક વાસ્તવવાદી થઈએ તો એ ય સ્વીકારવું પડે કે સવા અબજ બેવકૂફથી બદમાશ, સેવાભાવીથી સ્વાર્થી નાગરિકોના શંભુમેળા જેવા દેશમાં શિક્ષણ અને શિસ્તના અંધકારયુગમાં રાતોરાત સ્વર્ગ બની જવાનું નથી. કમનસીબ ઘટનાઓ અમુક પ્રમાણમાં પહેલા બનતી, આજે ય બને છે, આવતીકાલે ય બનશે. આપણા ધર્મગુરૃઓ, બિઝનેસમેનો અને રાજકારણીઓ ત્રણેનું કાતિલ કોકટેલ બદલાશે નહિ, ત્યાં સુધી ઉંધા રવાડે ચડી બીજાને મારનારા કે જાતે આપઘાત કરી મરી જનારા ફૂટકળિયાઓ પેદા થયા જ કરશે.
સાયન્સ, મેથેમેટિક્સ, ઈકોનોમિક્સ ત્રણેમાં લાગુ પડતો એક કોન્સેપ્ટ છેઃ માર્જીન ઓફ એરર. દરેક યંત્ર, સમીકરણ, ઘટનામાં અમુક ટકા ભૂલો- ગફલતો સ્વીકારીને જ ચાલવાનું હોય. કારણ કે, પરફેક્ટ સીસ્ટમ હજુ જગતમાં શોધાઈ નથી. દરેક દવાની સાઈડ ઈફેક્ટનું પતાકડું કંપનીએ જ છાપેલું વાંચો, તો ભડકીને ચક્કર આવી જાય! પણ એ નિયંત્રિત જોખમ/કન્ટ્રોલ્ડ રિસ્ક હોય છે. માત્રા યોગ્ય હોય ત્યાં સુધી એ વધારાના નુકસાન કામચલાઉ હોય છે, અથવા જીવલેણ નીવડતા નથી. આપણા શરીરમાં-શ્વાસમાં રોજેરોજ ટોકસિક એલીમેન્ટસ, રજકણો, ધાતુઓ, રંગો જાય છે જ. પણ ટોલરન્સ લિમિટમાં હોય ત્યાં સુધી એ ચલાવીને આગળ વધી શકાય. પરમિસિબલ ફૂડ કલર્સ ખાવા જેવું.
એમ જ આપણા દેશમાં આવી કરૃણ-કરપીણ ઘટનાઓ બને છે, અને બેફામ ગપ્પા મારતા સોશ્યલ નેટવર્કને લીધે સરકાર મક્કમ કદમ ભાષણોને બદલે કડક સજાતણા ના ઉઠાવે, ત્યારે વધવાની ખતરનાક શક્યતા છે. પણ હજુ માર્જીન ઓફ એરરની ટોલરન્સ લિમિટ ક્રોસ થઈ ગઈ હોય એવું લાગતું નથી. નવરાત્રિમાં ગૌમૂત્ર છાંટવાની બેતૂકી ફતવાનકલનો અમલ ભાગ્યે જ કોઈ ગ્રાઉન્ડ પર રિયલમાં થાય છે. મીડિયા એકની એક નેગેટિવ ઘટના ઘૂંટયા રાખે, એમાં સેંકડો પોઝિટિવ ઘટનાઓ દટાઈ જાય છે. ભારતનું ફેબ્રિક જૂનું ને જરા ઝાંખું થયું હશે, સાવ ઝળી નથી ગયું. જાતે જ બુમાબૂમ કરી ધરાર હોરર સીનારિયો બનાવવો હોય, તો મુબારક એ લેફટીઝમ!
પણ ભલે હિન્દી સાહિત્યના ચાળે સામ્યવાદી વિચારધારાની સર્જકતાના મૂલ્યો સાથે સેળભેળ થઈ ગઈ, ઓથર કંઈ ફૂલટાઈમ એક્ટીવિસ્ટ નથી. એ રવાડે ચડવા જાય તો ઓબ્ઝર્વર કે કોમેન્ટેટર ન રહી શકે. લેખકોના સ્વાંગમાં લેફટીસ્ટસ આપણે ત્યાં સાહિત્યનું સેબોટેજ કરવા એવા ઘૂસી ગયા છે કે એમને તો અમિતાભ હિન્દી વિશે બોલે, એમાં ય વાંકુ પડે છે! ખરેખર સર્જકોએ પાયાનું કામ દુઃખી થઈને એવોર્ડ પરત કરવા સિવાય – પોગ્રેસિવ કલેક્ટિવ વોઈસ સતત નવી પેઢીમાં બુલંદ કરવાનું છે. વડાપ્રધાનને ભલે પ્રકાશસિંહ બાદલમાં નેલ્સન મંડેલા દેખાય, અસલી મંડેલા સામે બાદલની હેસિયત રાઈના દાણા જેટલી છે. કારણ કે નેલ્સન મંડેલા કહેતા કે માણસ નફરત સાથે જન્મતો નથી, નફરત એને શીખવાડવામાં આવે છે. ને જો એ શીખવાડી શકાય તો પ્રેમ કેમ નહી?
ફાસ્ટ ફોરવર્ડ
‘જેનો મોહ હોય એને તમે સાંભળો, પણ બીજાના કાજી ન બનો. અવાજ ઉઠાવો, પણ ઝંડો ન ઉઠાવો!’ (પિયુષ મિશ્રા)
સ્પેકટ્રોમીટર * જય વસાવડા ૧૮ ઓક્ટોબર, ૨૦૧૫. ગુજરાત સમાચાર.