RSS

ટાગોરની ટાઈટેનિક ટકોર : પુણ્યશ્લોક પશ્ચિમનો પ્રજ્ઞાપ્રવાસ !

07 May

tagore y

‘પશ્ચિમ’ શબ્દની આપણે ત્યાં બડી અજીબ જેવી એલર્જી હોય છે. બાબા-બાપુઓ અને લુખ્ખા રાષ્ટ્રવાદથી બ્રેઈનવોશ થયેલા રાજકારણીઓએ વર્ષોથી ઓલરેડી ગાંધીવાદને લીધે શુષ્ક થયેલી પ્રજાને પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણથી બીવડાવી દીધી છે. પણ નગીનદાસ પારેખે અનુવાદ કરેલો રવિન્દ્રનાથ ટાગોરનો એક લેખ અદ્ભુત રીતે પશ્ચિમથી ભડકતા ભોટવાશંકરોના મગજ પર ટપલી મારે તેવો છે. સતત નવું નવું શીખવા મળે, એવા એ. જ્ઞાાન-કળા-સાહિત્યના યુ.એસ.એ.-યુ.કે.ના ”અંગ્રેજી” મલકમાં વારંવાર ઉડતી વખતે આ લેખકડાને એ યાદ આવે છે. કુદરતી આફતગ્રસ્તોમાં ય રાજકારણ અને ધર્મ જોયા કરીને બહાર અળખામણા થવાની સંકુચિતતાને રાષ્ટ્રપ્રેમ કહેવાય, તો એ અભણ અડિયલપણું જોઇને ગુરુદેવનાં સચોટ નિરીક્ષણો વરસાદી યાદની જેમ ઝરમર છલકાય.

તકલીફ વેઠીને, ન્યાયનો વિચાર કરી, તકદીર બદલવાના ઉદ્યમથી યુરોપ -અમેરિકા મહાન છે, એને ફક્ત ભૌતિક સગવડોમાં જ આપણું ચિત્ત રાખીને વખોડવું ના જોઈએ! ટાગોરે એમાં જ્યાં ‘યુરોપ’ લખ્યું છે, ત્યાં ‘યુરોપ-અમેરિકા-ઓસ્ટ્રેલિયા’ કે ‘પશ્ચિમ’ એટલું  મનમાં જ સુધારીને આ જરાતરા મઠારેલો લેખ આખો વાંચો, અને પછી કોઈ પણ પશ્ચિમની સારી વાતોના વખાણ કરનારને દેશવિરોધી ફિરંગી ફોરેન એજન્ટ કહી કોચલામાં લખાઈ જવાને બદલે (ટાગોર જેટલું ભારતીય સંસ્કૃતિનું જ્ઞાાન તો આશ્રમના મહામંડલેશ્વરોને ય હોતું નથી!) જરાક દિમાગ કી ખિડકિયાં ખોલો, અને વિચારો કે ભારતની ખામીઓની માફક પશ્ચિમની ખૂબીઓ પણ આટલા દાયકા પછી યે એટલી જ ‘રિલેવન્ટ’ સાંપ્રત કેમ છે?

ઓવર ટુ ટાગોર.

***

”મને ઘણાં પૂછે છે કે ‘તમે યુરોપમાં ફરવા શા માટે જાઓ છો?’ આનો મારે શો જવાબ આપવો એ મને સૂઝતું નથી. ફરવું એ જ ફરવા જવાનો ઉદેશ છે, એવો એક સરળ ઉત્તર જો આપુ તો પ્રશ્ન પૂછનારાઓને જરૃર એમ લાગે કે હું વાતને હસવામાં ઉડાવું છું, પરિણામનો વિચાર કરી – નફા-નુકસાનનો હિસાબ ગણાવ્યા વગર માણસને ટાઢા પાડી શકાતા નથી.

બહાર જવાની ઈચ્છા એ જ માણસને સ્વભાવસિદ્ધ છે, એ વાત આપણે છેક ભૂલી ગયા છીએ. કેવળ ઘરે આપણને એવા બાંધેલા છે, ઉંબર બહાર પગ મુકતી વખતે આપણને એટલાં બધાં કમુરત, એટલા બધાં અપશુકન નડે છે અને એટલાં બધાં આંસુનો સામનો કરવો પડે છે કે બહારનું જગત આપણે માટે અત્યંત બહારનું બની ગયું છે, ઘરની સાથે તેનો સંબંધ તદ્ન કપાઈ ગયો છે. એટલા જ માટે થોડા વખત માટે પણ બહાર જવું પડે, તો આપણે બધા આગળ ખુલાસો કરવો પડે છે.

આધ્યાત્મિક ઉન્નતિને માટે પ્રવાસની જરૃર છે, એ વાત આપણા દેશના લોકો સ્વીકારે છે. એટલા માટે કેટલાક એવી કલ્પના કરે છે કે આ ઉંમરે પ્રવાસે જવાનો મારો ઉદ્દેશ એ જ છે. એથી તેઓને નવાઈ લાગે છે, કે એ હેતુ યુરોપમાં શી રીતે સિદ્ધ થશેઃ એમને મન આ ભારતવર્ષનાં તીર્થોમાં ફરીને અહીંના સાધુ-સાધકોનો સત્સંગ કરવો એ જ એકમાત્ર મુક્તિનો ઉપાય છે.

હું શરૃઆતથી જ કહી રાખું છું કે કેવળ બહાર નીકળી પડવું એટલો જ મારો ઉદ્દેશ છે. દૈવયોગે પૃથ્વી ઉપર આવી પડયો છું તો પૃથ્વી સાથેનો પરિચય બને એટલો સંપૂર્ણ કરતા જવું. એટલું જ મારે માટે પૂરતું છે. બે આંખો મળી છે, તે બે આંખો વિરાટની લીલાને જેટલી બાજુએથી, જેટલે વિચિત્રરૃપે જોવા પામે તેટલી તે સાર્થક થશે!

હું માનું છું કે યુરોપનો કોઈ માણસ જો સાચી શ્રદ્ધાપૂર્વક ભારતવર્ષમાં પ્રવાસ કરી જાય, તો તેને તીર્થયાત્રાનું ફળ મળે. ભારતવર્ષમાં જે શ્રદ્ધાપરાયણ યુરોપીય તીર્થયાત્રીઓને મેં જોયા છે, તેમની નજરે આપણી દુર્ગતિ પડી નથી એમ નથી, પરંતુ તે ધૂળ તેમને આંધળા કરી શકી નથી, ફાટેલાં આવરણ પાછળ પણ ભારતવર્ષના અંતરતમ સત્યને તેમણે જોયું છે.

યુરોપમાં પણ સત્યને કોઈ આવરણ નથી એમ નથી. એ આવરણ જીર્ણ નથી. ઝળહળતું છે, એટલા માટે જ ત્યાંના અંતરતમ સત્યને જોવું કદાચ વધારે મુશ્કેલ છે. વીર પ્રહરીઓ વડે રક્ષાવેલા, મણિમુકતાની ઝાલરોથી શોભતા એ પડદાને જ ત્યાંની સૌથી મૂલ્યવાન વસ્તુ માની આપણે આશ્ચર્ય પામીને પાછા આવી રહીએ એમ પણ બને – તેની પાછળ જે દેવતા બેઠા છે તેમને પ્રણામ કરવાનું ન પણ બને.

યુરોપની સભ્યતા જડવાદી છે, તેમાં આધ્યાત્મિકતા નથી, એવી એક વાયકા આપણા દેશમાં પ્રચલિત થયેલી છે. પરંતુ સમાજમાં જયાં પણ આપણે જે કાંઈ માહાત્મ્ય જોઈએ, તેના મૂળમાં તો આધ્યાત્મિક શકિત રહેલી જ છે. માણસ કદી યંત્ર વડે સત્યને પામી શકતો નથી. તેને તો આત્મા વડે જ મેળવવું પડે છે. યુરોપમાં જો આપણે માણસની કોઈ પ્રગતિ જોઈએ તો તે વિકાસના મૂળમાં માણસનો આત્મા રહેલો છે, એમ આપણે ચોકકસ માનવું જોઈએ.

યુરોપમાં આપણે જોઈએ છીએ કે માણસો નવા નવા પ્રયોગો અને નવાં નવાં પરિવર્તનોને માર્ગે આગળ વધી રહયા છે – આજે જેનો સ્વીકાર કરે છે તેનો કાલે ત્યાગ કરે છે. કયાંય શાંત બેસી રહેતા નથી. બહારની વસ્તુને જ જો આખરી, સર્વોત્તમ માની લઈએ તો ભીંતરની વસ્તુને આપણે જોવા પામતા નથી. યુરોપને પણ ભીતર છે, તેને પણ આત્મા છે, અને તે આત્મા દુર્બળ નથી. યુરોપની એ આધ્યાત્મિકતાને જોઈશું ત્યારે જ તેમાં રહેલા સત્યને જોવા પામીશું.

જે વાત હું કરવાનો પ્રયત્ન કરું છું તે સહેજે સમજાય એવો એક બનાવ બન્યો છે. બે હજાર ઉતારુઓને લઈને આટલાંટિક સમુદ્રમાં એક આગબોટ ‘ટાઈટેનિક’ જતી હતી, તે સ્ટીમર મધરાતે બરફના તરતા પહાડ સાથે અથડાઈને જયારે ડૂબવાની અણી પર આવી, ત્યારે મોટા ભાગના યુરોપીય અને અમેરિકન ઉતારુઓએ પોતાનો જીવ બચાવાની અધીરાઈ બતાવ્યા વગર ીઓ અને બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો. આ ભયંકર અકસ્માત આઘાતથી યુરોપનું બહારનું આવરણ ખસી જવાથી આપણે એક ક્ષણમાં તેના અંતરમાંના માનવાત્માનું એક સાચું સ્વરૂપ જોવા પામ્યા છીએ. એ જોતાંવેંત તેની આગળ માથું નમાવતાં આપણને પછી લગારે શરમ આવી નથી.

આત્મત્યાગની સાથે આધ્યાત્મિકતાને શું કશો સંબંધ નથી? એ શું ધર્મબળનું જ એક લક્ષણ નથી? આધ્યાત્મિકતા શું કેવળ માણસોનો સંગ ટાળીને પવિત્ર થઈને રહે છે અને નામજપ કર્યા કરે છે? આધ્યાત્મિક શક્તિ જ શું માણસને વીર્યવાન બનાવતી નથી?

‘ટાઈટેનિક’ આગબોટ ડૂબવાની ઘટનામાં આપણે એક ક્ષણમાં અનેક માણસોને મૃત્યુના મોઢા આગળ ઉજ્જવળ પ્રકાશમાં જોવા પામ્યા. એમાં કોઈ એક માણસની જ અસામાન્યતા પ્રગટ થઈ છે એમ નથી. સૌથી આશ્ચર્યની વાત એ કે, જેઓ લક્ષ્મીના ખોળામાં ઉછરેલા કરોડાધિપતિ હતા, જેઓ ધનને જોરે સદા પોતાને બીજા બધા કરતા ચડિયાતા માનતા આવ્યા હતા, જેમને ભોગવિલાસમાં કદી કોઈ અડચણ આવી નહોતી અને રોગમાં અને આફતમાં જેમને પોતાને બચાવવાની તક બીજા બધા કરતાં વધુ સહેલાઈથી મળતી રહી હતી, તેઓએ સ્વેચ્છાએ દુર્બળ ને અશકતને બચવાનો માર્ગ મોકળો કરી આપી મૃત્યુને વધાવી લીધું. એવા કરોડાધિપતિ એ સ્ટીમરમાં એકાદ-બે જ નહોતા.

અચાનક આવી પડેલા ઉત્પાત વખતે માણસની મૂળ વૃત્તિ જ સભ્ય સમાજના સંયમને તોડી નાખીને પ્રગટ થવા મથે છે. વિચાર કરવાનો વખત મળે તો માણસ પોતાની જાતને રોકી શકે છે. ‘ટાઈટનિક’ જહાજ ઉપર અંધારી રાતે કોઈ ઊંઘમાંથી એકાએક જાગીને તો કોઈ આનંદપ્રમોદમાંથી એકાએક બહાર આવીને પોતાની સામે અકસ્માતને કારણે આવી પડેલા મૃત્યુની કાળી મૂરત જોવા પામ્યા હતા. એવે વખતે જો એવું જોવામાં આવે કે માણસ ગાંડા જેવો થઈને નબળાને હડસેલી મૂકીને પોતાને બચાવવાનો પ્રયત્ન નથી કરતો, તો સમજવું કે એ વીરતા આકસ્મિક નથી, આખી પ્રજાની લાંબા સમયની તપસ્યા આધ્યાત્મિક શકિત સાથે મળીને ભીષણ કસોટીમાં મૃત્યુ ઉપર વિજય મેળવવા પામી છે.

આ જહાજ ડૂબવાના પ્રસંગમાં એકી સાથે અચાનક ગાઢ રૃપે જે માનવતાની, વીરતાની, એકતાની શક્તિનો અનુભવ કર્યો, તે જ શકિતને યુરોપમાં ભિન્ન ભિન્ન દિશામાં ભિન્ન ભિન્ન સ્વરૃપે શું આપણે જોઈ નથી? દેશહિત અને લોકહિતને ખાતર સર્વસ્વનો ત્યાગ કરવાનાં અને પ્રાણ પાથરવાનાં દષ્ટાંત શું ત્યાં રોજ રોજ જોવા મળતાં નથી? એ નિરંતર સંચિત થઈને ભેગા થયેલા ત્યાગ દ્વારા જ શું યુરોપની સભ્યતાએ પરવાળાના બેટની પેઠે માથું ઉંચું કર્યુ નથી?

કોઈપણ સમાજમાં એવી કોઈ સાચી પ્રગતિ થઈ શકતી નથી, જેનો પાયો તકલીફ સહન કરવા ઉપર ન હોય ! જેઓ જડ વસ્તુના દાસ છે, તેઓ એ કષ્ટ સહન કરી શકતા જ નથી. વસ્તુમાં જ જેને પરમ આનંદ હોય, તે અન્યના કલ્યાણને ખાતર વસ્તુનો ત્યાગ શા માટે કરે? કલ્યાણ એટલે બેઠાં બેઠાં માળા જપવી એમ નહિ, કલ્યાણ એટલે લોકહિતના વ્રતને માનવસમાજમાં સાર્થક કરવું.

યુરોપમાં માણસો દેશને માટે, માણસને માટે, હૃદયના સ્વતંત્ર આવેગથી એવાં દુઃખને, એવાં મૃત્યુને સદા વધાવી લેતા જોવામાં આવે છે. સત્યની ભક્તિ કરવાની આ શક્તિ અને સત્યને ખાતર દુર્ગમ બાધાઓ વળોટી જઈને – દિવસોના દિવસો સુધી પોતાની જાતને સમર્પી દેવાની આ શક્તિ, તેઓ પોતાની રાષ્ટ્રીય સાધનામાંથી જ પામ્યા હતા. અને હું પૂછું છું કે, એ શક્તિ શું આપણે આપણા દેશમાં પૂરતા પ્રમાણમાં જોવા પામીએ છીએ ખરા?

મારે કહેવું એ છે કે, આપણામાં પણ પૂરવા જેવી એક ખામી છે. આ સાંભળતાં જ આપણા દેશાભિમાનીઓ બોલી ઉઠશે, હા, ઉણપ છે ખરી, પણ તે આધ્યાત્મિકતાની નથી, વસ્તુજ્ઞાાનની, વ્યવહારબુદ્ધિની છે – યુરોપ એને જ જોરે આગળ નીકળી ગયું છે!

એમ કદી હોઈ શકે જ નહિ. કેવળ ભૌતિક વસ્તુસંગ્રહ ઉપર જ કોઈ પ્રજાનો વિકાસ ટકી શકે નહિ. કેવળ દુન્યવી વ્યવહારબુદ્ધિને જોરે જ કોઈ પ્રજા બળ પ્રાપ્ત કરતી નથી. દીવામાં સતત તેલ રેડ રેડ કરીએ એથી કંઈ દીવો બળતો નથી. કેવળ દિવેટ વણવાના કૌશલથી જ દીવાને તેજ મળતું નથી. ગમે તે પ્રકારે પણ અગ્નિ પેટાવવો જ પડે છે.

આજે જગતમાં યુરોપ રાજય કરે છે તેના વર્ચસ્વના મૂળમાં બેશક ધર્મનું બળ જ રહેલું છે. એ તેનું ધર્મબળ ખૂબ સચેત છે. એ માણસના કોઈ પણ દુઃખને, કાંઈ પણ અભાવને ઉદાસીનતાપૂર્વક બાજુએ હડસેલી મૂકી શકતું નથી. માણસની બધી જાતની દુર્દશા દૂર કરવા માટે તે સદાસર્વદા વિજ્ઞાાન કે સર્જન કે મનોરંજન કે ઉત્પાદન કે દાનનાં અઘરા પ્રયત્નોમાં મંડેલું જ હોય છે. એ પ્રયત્નોના કેન્દ્રમાં જે એક સ્વાધીન સુબુદ્ધિ રહેલી છે, જે બુદ્ધિ માણસ પાસે સ્વાર્થત્યાગ કરાવે છે, તેને આરામમાંથી ખેંચીને બહાર કાઢે છે, અને ભાવે મૃત્યુના મુખમાં જવાની હાકલ કરે છે, તેને બળ કોણ પૂરું પાડે છે?

કદાચ ઇસુ ખ્રિસ્તના જીવનવૃક્ષમાંથી જે ધર્મબીજ યુરોપના ચિત્તક્ષેત્રમાં પડયું હતું, તે જ ત્યાં આ રીતે ફળવાન બન્યું છે. એ બીજમાં જે જીવનશક્તિ છે, તે શી છે? દુઃખને પરમ ધન તરીકે સ્વીકારવું એ જ એ શક્તિ? એટલા માટે આજે યુરોપમાં હંમેશાં એવી એક આશ્રર્યજનક ઘટના જોવા મળે છે કે, જેઓ મોઢે તો ધર્મનો ઈન્કાર કરે છે અને જડવાદનો જય પુકારતા ફરે છે – તેઓ પણ વખત આવતાં એવી રીતે ધનનો અને પ્રાણનો ત્યાગ કરે છે, નિંદાને અને દુઃખને એવા વીરની પેઠે સહન કરે છે, કે તરત જ આપણને ખબર પડી જાય કે, તેઓ પોતાના અજાણતાં પણ મૃત્યુ ઉપરવટ અમૃતને સ્વીકારે છે… અને સુખ કરતાં માનવજાતના મંગલને જ સાચું માને છે!

‘ટાઈટનિક’ જહાજમાં જેમણે પોતાના પ્રાણને નિશ્ચિત રૃપે તુચ્છ ગણીને પારકાના પ્રાણ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, જે બધા જ કંઈ નિષ્ઠાવાન ધાર્મિકો હતા એમ નથી. એટલું જ નહિ, તેઓમાં કોઈ કોઈ નાસ્તિક અથવા અજ્ઞેયવાદી પણ હોવાનો સંભવ છે. પરંતુ તેઓ કેવળ પોતે જુદો મત સ્વીકાર્યો છે એટલા જ કારણે આખી જાતિની ધર્મસાધનાથી પોતાને તદ્દન અલગ શી રીતે કરી શકે? કોઈપણ જાતિમાં જે તપસ્વીઓ હોય છે તેઓ આખી જાતિ વતી તપસ્યા કરતા હોય છે.

ભગવાન પ્રત્યેના પ્રેમને લીધે માણસનાં નાનાં મોટાં બધાં દુઃખો પોતે ઉઠાવી લેવાની આવી શક્તિ અને સાધના આપણા દેશમાં વ્યાપક ભાવે જોવામાં આવતી નથી, એ વાત ગમે એટલી અપ્રિય હોય તોયે એનો સ્વીકાર કર્યા વગર આપણો છૂટકો નથી. પ્રેમભક્તિમાં જે ભાવનો આવેગ હોય છે, રસની લીલા હોય છે, તે આપણામાં પૂરતાં છે, પરંતુ પ્રેમમાં જે દુઃખનો સ્વીકાર હોય છે, જે આત્મત્યાગ હોય છે, સેવાની જે આકાંક્ષા હોય છે, જે પરાક્રમ દ્વારા જ સિદ્ધ કરી શકાય છે, તે આપણામાં ક્ષીણ છે.

આપણે જેને ઠાકોરસેવા કહીએ છીએ તે દુઃખપીડિત માણસો મારફત ભગવાનની સેવા નથી. આપણે પ્રેમની રસલીલાને જ ઐકાન્તિક રીતે સ્વીકારી લીધી છે, પ્રેમની દુઃખલીલાને સ્વીકારી નથી. પ્રેમને ખાતર દુઃખ વેઠવું એ જ સાચું ત્યાગનું ઐશ્વર્ય છે, એના વડે જ માણસ મૃત્યુ ઉપર વિજય મેળવે છે. શાસ્ત્ર માં કહયું છે કે ‘નાયમાત્મા બલહીનેન લભ્યઃ’ અર્થાત દુઃખ સ્વીકાર કરવાનું બળ જેનામાં નથી તે પોતાને સાચી રીતે પામી શકતો નથી. એનો એક પુરાવો એ છે કે આપણે પોતાના દેશને પોતે પામી શકયા નથી. આપણા દેશના માણસો કોઈના પણ પોતીકા ન થઈ શકયા. દેશ જેને પુકારે છે, તે જવાબ દેતો નથી. અહીંની જનસંખ્યા તેની શક્તિને બદલે, પોતાની દુર્બળતાને જ પ્રગટ કરે છે.

એનું મુખ્ય કારણ એ કે આપણે દુઃખ દ્વારા એકબીજાને પોતાના કરી શકયા નથી. આપણે દેશના માણસોને કશું મૂલ્ય જ ચૂકવ્યું નથી – મૂલ્ય ચૂકવ્યા વગર કશું મળે શી રીતે? મા પોતાના પેટનાં સંતાનને પણ રાત-દિવસ સેવા દુઃખનું મૂલ્ય ચૂકવીને પ્રાપ્ત કરે છે.

યુરોપના ધર્મે યુરોપને એ દુઃખપ્રદીપ્ત સેવાપરાયણ પ્રેમની દીક્ષા આપી છે. એને જોરે જ ત્યાં માણસ સાથે માણસનું મિલન સહજ બન્યું છે. એને જોરે જ જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં સેંકડો તપસ્વીઓ આત્માની આહુતિ આપીને આખા દેશના ચિત્તમાં રાત-દિવસ તેજનો સંચાર કરતા રહે છે. એ કઠિન યજ્ઞાહુતાશનમાંથી જે અમૃત પ્રગટે છે – તેના વડે જ ત્યાં ચિત્ર-શિલ્પ-કળા, વિજ્ઞાાન, સાહિત્ય, વેપાર અને રાજકારણનો આટલો વિરાટ વિસ્તાર થાય છે, એ તપસ્યાનું સર્જન છે, અને એ તપસ્યાનો અગ્નિ જ માણસની આધ્યાત્મિત શકિત છે, માણસનું ધર્મબળ છે!

મલેરિયાના વાહક મચ્છરથી માંડીને સમાજની અંદરનાં પાપ સુધીના બધા જ અસુરોની સાથે ત્યાં હાથોહાથની લડાઈ ચાલી રહી છે, નસીબ ઉપર જવાબદારી નાખીને કોઈ બેસી રહેતું નથી – પોતાના પ્રાણને સુધ્ધાં જોખમમાં નાખીને વીરોનાં દળ સંગ્રામ ખેલી રહયા છે.

હા, યુરોપમાં નબળી પ્રજાઓ પ્રત્યે ન્યાયનો વ્યભિચાર પુષ્કળ જોવામાં આવે છે. પરંતુ તેની સાથોસાથ એ નિુર બળના મદથી મત્ત બનેલા લોભના ખેતરમાંથી જ ધિકકારના પોકાર પણ જાગે છે. પ્રબળ અન્યાયનો પ્રતિકાર કરવા ઈચ્છે એવા સાહસિક વીરોની પણ ત્યાં ખોટ નથી, દૂર દૂરની પરાઈ જાતિનો પક્ષ લઈને દુઃખો વેઠવામાં લગારે ન ખંચાય એવી દઢનિષ્ઠાવાળી સાધુચરિત વ્યક્તિઓનો ત્યાં તોટો નથી. તેઓ સમાજમાં રહેલી ન્યાયપરાયણતાની શક્તિના પ્રતિનિધિ હોય છે. તેઓ જ ખરા ટેકીલા ક્ષત્રિય યોધ્ધા હોય છે, પૃથ્વીના સમસ્ત દુર્બળોનું ક્ષયમાંથી પ્રાણરક્ષણ કરવા માટે તેમણે સહજ ભાવે કવચ ધારણ કરેલું હોય છે. દુઃખમાંથી માણસનો ઉદ્ધાર કરવા માટે જેમણે દુઃખ વેઠયાં હતાં, મૃત્યુમાંથી માણસને અમૃતલોકમાં લઈ જવા માટે જેમણે મૃત્યુ વધાવી લીધું હતું, એવા તેમના સ્વર્ગીય મસીહાના લોહીખરડયા દુર્ગમ માર્ગે તેઓ હારબંધ ચાલ્યા જ જાય છે.

આપણામાં ઘણા અહંકારપૂર્વક કહેતા હોય છે કે, દારિદ્રય, કંગાલિયત જ અમારું આભૂષણ છે. વૈભવને પ્રાપ્ત કરવાની અને પોતાના કબજામાં રાખવાની જેમનામાં શકિત છે તેમનું જ દારિદ્રય ભૂષણ હોઈ શકે. જેમને પેટ ભરીને ખાવાનું મળતું નથી એટલા માટે જેઓ અવસાદથી ફિકકા પડી ગયા હોય છે, જેઓ કોઈ પણ ઉપાયે જીવ બચાવવા ઈચ્છે છે, છતાં જીવ બચાવવાનાં અઘરા ઉપાય લેવાની જેમનામાં શક્તિ નથી એટલે જેઓ વારંવાર ધૂળમાં આળોટી પડે છે, પોતે ગરીબ હોવાને કારણે જ જેઓ તક મળતાં બીજા ગરીબનું શોષણ કરે છે અને પોતે અશકત હોવાને કારણે જ સત્તા મળતાં જ બીજા અશકતો ઉપર ઘા કરે છે, તેમનું ‘દારિદ્રય’ એટલે કે આપણી ગરીબી ભૂષણરૃપ નથી જ.

એટલે હું કહેતો હતો કે તીર્થયાત્રાની ભાવનાથી જ જો યુરોપના પ્રવાસે જઈએ તો તે નિષ્ફળ નહિ જાય. ત્યાં પણ આપણા ગુરુ છે – એ ગુરુ તે ત્યાંના માનવસમાજની અંતરતમ દિવ્યશક્તિ.

બધે જ ગુરુને શ્રદ્ધાપૂર્વક શોધી લેવા પડે છે, આંખ ઉઘાડતાં જ કંઈ સામે મળતા નથી. ત્યાં સમાજના જે પ્રાણ-પુરુષ છે, તેમને આપણી અંધતા અને અહંકારને કારણે જોયા વગર જ પાછા આવી રહીએ એ અસંભવિત નથી. અને એવી એક વિચિત્ર માન્યતા લઈને પાછા આવીએ એમાં પણ નવાઈ નથી કે, યુરોપનું ઐશ્વર્ય કારખાનાં ઉપર આધાર રાખે છે અને પશ્ચિમ ખંડના સમસ્ત માહાત્મ્યના મૂળમાં યુદ્ધના શસ્ત્ર, વેપારનાં વહાણો, અને બાહય વસ્તુના ઢગલા રહેલાં છે.

જે પોતાની અંદર સાચી શક્તિને અનુભવી શકતો નથી તે બહુ સહેલાઈથી એમ માની બેસે છે કે, બધી શક્તિ બહારની વસ્તુઓમાં છે અને જો કોઈ પણ રીતે અમે પણ કેવળ એ બહારની વસ્તુઓ ઉપર કબજો મેળવી શકીએ, તો અમારું બધું દારિદ્રય ફીટી જાય. પરંતુ યુરોપ ચોકકસ જાણે છે કે રેલવે, યંત્રો અને કારખાનાઓને લીધે તે મોટું નથી. એટલા માટે જ વીરની પેઠે તે સત્યને ખાતર ધન અને પ્રાણ સમર્પણ કરી રહયું છે!”

ફાસ્ટ ફોરવર્ડ

”બધી ભૂલોને રોકવા દરવાજા બંધ કરશો, તો સત્ય પણ બહાર જ રહી જશે!”( રવિન્દ્રનાથ ટાગોર)

Tagore-old

 
14 Comments

Posted by on May 7, 2015 in Uncategorized

 

14 responses to “ટાગોરની ટાઈટેનિક ટકોર : પુણ્યશ્લોક પશ્ચિમનો પ્રજ્ઞાપ્રવાસ !

 1. Jignesh

  May 7, 2015 at 7:04 PM

  Bhartiy sanskriti na gana gata chokhliyao ne tamacha jevo artical…

  Liked by 1 person

   
 2. નિરવ

  May 7, 2015 at 10:22 PM

  જય સર , આ વાંચીને ફરી ફરી એ યાદો તાજી થઇ ગઈ . . . મેં અંદાજે છ’એક પોસ્ટ્સ ટાગોર’દાદા’ની આવી અણમોલ વાતો અને વિચારોને મિત્રો સાથે વહેંચવા બનાવેલી અને આ ટાઈટેનીક’વાળો કિસ્સો પણ વહેંચેલો [ રવીન્દ્રનાથ સાથે વાંચનયાત્રા પુસ્તક’માં – કેવો મજાનો જોગાનુજોગ ]

  મોકળાશે જરૂર મુલાકાત લેશો , ટેગ’વાઈઝ પોસ્ટ’ની લિંક નીચે મુજબ છે :

  https://niravsays.wordpress.com/tag/ravindranath-tagore/

  Liked by 1 person

   
 3. હેમનું હલકું ફૂલકું

  May 7, 2015 at 10:46 PM

  આલેખન સરસ ..હમણાં જ ટાગોરની લાવણ્યા વાંચી .

  Like

   
 4. Bansi Thakkar

  May 7, 2015 at 11:08 PM

  Nice post Sent from Yahoo Ma

  Liked by 2 people

   
 5. Jitendra Joshi

  May 8, 2015 at 12:12 AM

  મારા ત્રણ વખતના યુ.કે.પ્રવાસ દરમ્યાન મને ત્યાની પ્રજા નિખાલસ અને નિર્દંભ લાગી છે . તેની સામે આપણી પ્રજાની સરખામણીજ ના થાય. આપણાં લોકો દેખાડે ધાર્મિક ખરા, પણ આધ્યાત્મિક નહીં .આપણે તો ચહેરા ઉપર ચહેરો પહેરી ફરવાવાળા .પશ્ચિમમાં ચહેરે-ચહેરે નિર્દંભ સ્મિત જોવા મળે , તે પણ કદાચ તેમનો આધ્યાત્મિક સંસ્કાર જ છે .

  Liked by 2 people

   
 6. PARTH JOSHI

  May 8, 2015 at 5:58 AM

  Article saras chhe.
  Tagore ae to wah pokari didhi . 🙂

  Liked by 1 person

   
 7. pravinshastri

  May 9, 2015 at 7:16 AM

  આભાર સહિત મારા બ્લોગમાં રિબ્લોગ કરું છું.

  Liked by 1 person

   
 8. સુરેશ જાની

  May 9, 2015 at 9:01 PM

  એકદમ વાસ્તવિક વાત. સીધી શીરાની જેમ ગળે ઊતરી ગઈ.

  ગાંધીયુગને આમેય દેશવટો મળેલો જ છે. દેશીઓ ગાંધીત્વ અને અધ્યાત્મ સાથે પશ્ચિમનાં અત્યંત ઉજ્જ્વળ પાસાંઓ આત્મસાત કરતા થાય તો?
  બાકી એક ભારતીય બૌદ્ધિક રીતે કોઈ ગોરાથી ઊતરતો નથી… નથી….ને નથી જ. એના અસંખ્ય દાખલા આપી શકાય જ.
  ———–
  ૭૨ વરહના આ ડોહાએ ચાર વરસના બાળકો માટે બનાવેલો આ પ્રોજેક્ટ નજર અંદાજ઼ કરવા વિનંતી…
  https://scratch.mit.edu/projects/61192784/
  દુનિયાભરના પાંચ લાખ સ્ક્રેચરોમાં આ એક જ જણ ગુજરાતી મુઓ છે !

  Liked by 1 person

   
 9. nabhakashdeep

  May 10, 2015 at 7:22 AM

  પ્રેમભક્તિમાં જે ભાવનો આવેગ હોય છે, રસની લીલા હોય છે, તે આપણામાં પૂરતાં છે, પરંતુ પ્રેમમાં જે દુઃખનો સ્વીકાર હોય છે, જે આત્મત્યાગ હોય છે, સેવાની જે આકાંક્ષા હોય છે, જે પરાક્રમ દ્વારા જ સિદ્ધ કરી શકાય છે, તે આપણામાં ક્ષીણ છે.
  એકદમ વાસ્તવિક વાત. ….We should realize with true spirit.

  Ramesh Patel(Aakashdeep)

  Like

   
 10. aataawaani

  May 10, 2015 at 5:43 PM

  ઉત્તમ લેખ તમે વાંચવા આપ્યો ,,પ્રવીણ ભાઈ તમે
  મારા બાપા મને યાદ આવી ગયા . એક હરિજનનો છોકરો બારેક વરસનો છોકરો ચાલતાં ચાલતાં અચાનક ગર કીચડમાં પડી ગયો .એના કપડાં તો બગડ્યા પણ શરીર પણ છોલાય ગયું , મારા બાપાએ આ દૃશ્ય જોયું .એણે છોકરાને બેથ્હો કર્યો . આ વખતે રડતાં રડતાં બોલ્યો . બાપા મને અડતા નહિ અભડાઈ જશો હું મેઘવાળ છું .(હરીજન ) બાપાએ મનોમન કીધું તુને અડવાથી મારું મન વધારે પવિત્ર થઇ જશે ,બાપા આ છોકરાને નજીકના રામ કૃષ્ણ આશ્રમમાં લાવ્યા . એને નવડાવ્યો એનાં કપડાં ધોઈ આપ્યાં એને ખાવાનું આપ્યું . અને એનાં જેવાં તેવાં અધકચરાં સુકાએલાં કપડા પહેરાવીને વિદાય આપી .આ વાત રાજકોટની છે . આ વખતે આશ્રમના અધ્યક્ષ ભુતેશાનંદ સ્વામી હતા સ્વામી એ બાપાને ઘણી શાબાશી આપી . અને જાહેરમાં સાધુઓ અને કેટલાક વચ્ચે બાપા વિષે વાત કરી .
  मरना भला है उसका जो अपने लिए जिए
  ज़िंदा रहा जो मरचुका इन्सानके लिए

  Liked by 1 person

   
  • ચંદુભાઈ

   July 1, 2015 at 10:07 PM

   જય ભાઈ ટાગોર ની વાતો ને આપ થકી વાંચી યુરોપ ની સુગ મુરજાઇ ગઈ ચંદુભાઈ ડોડીયા // મહેસ ડેરી રાજકોટ

   Like

    
 11. Pradip Kumar Pandya

  May 11, 2015 at 6:22 AM

  Jay
  I am living in Sydney since last 26+ years. I must say, I have found people in two categories. Majority are frank, open and you will find them as you see. While there is a small but dominant group who lives by their own ideas and philosophy. Many can labelled them as racist or fanatic.
  But underneath a good human there is a layer of wealth and power and that layer segregates one group from other and like our castism we find an unhuman approach at the time of crisis.

  I love your views and it is my earnest wish to visit Australia /New Zealand and meet Guajarati’s.

  Pradip Pandya, Sydney

  Like

   
 12. doshibina91060

  May 15, 2015 at 11:56 AM

  Thanks bahu janva malyu

  Liked by 1 person

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: