RSS

Monthly Archives: March 2015

એકલી બહાર નીકળતી યુવતી……પીછો કરતી હજાર નજર!

malena 1

૨૧મી સદીના ૧૫ વર્ષે ય આપણે ત્યાં એકલી રૃપાળી જવાન સ્ત્રી હોવું એ શ્રાપ છે?

અકેલી ઔરત કા હંસના
નહીં સુહાતા લોગોં કો.
કિતની બેહયા હૈ યે ઔરત
સિર પર મર્દ કે સાયે
કે બિના ભી,
તપતા નહીં સિર ઈસ કા!
મૂંહ ફાડકર હંસતી
અકેલી ઔરત
કિસી કો અચ્છી નહીં લગતી.
જો ખુલકર લુટાને આયે હમદર્દી,
વાપસ લેતે હૈ!
જબ ઉસકે ચેહરે પર
એસા શૂન્ય પસરા હોતા હૈ
પૂરી કી પૂરી
આપ કે સામને ખડી હોતી હૈ
ઔર આધી પૌની હી દિખતી હૈ!

*

અકેલી ઔરત
અકેલે સિનેમા દેખને જાતી હૈ
ઔર કિસી દ્રશ્ય પર
જબ હોલ મેં હંસી ગૂંજતી હૈ,
વહ અપને વહાં ન હોને પર
શર્મિંદા હો જાતી હૈ.
બગલ કી ખાલી કુર્સી મેં
અપને કો ઢૂંઢતી હૈ,
જૈસે પાની કી બોતલ
રખકર ભૂલ ગઈ હો!
અકેલી ઔરત
કિતાબ કા બાંઈસવા પન્ના
પઢતી હૈ, ઔર ભૂલ જાતી હૈ
કિ પિછલે ઈક્કીસ પન્નોં પર
ક્યા પઢા થા?
અકેલી ઔરત
ખુલે મૈદાનમેં ભી ખુલકર
સાંસ નહિ લે પાતી,
રોના એક ગુબાર કી તરહ
ગલે મેં અટક જાતા હૈ.

કવિયત્રી સુધા અરોડાની બે કવિતાઓ ‘અકેલી ઔરત કા હંસના’ અને ‘અકેલી ઔરતકા રોના’ના ચૂંટેલા અંશો અહીં સંપાદિત કરી મૂક્યા છે.

આ એકલી સ્ત્રી કોઈ યંગ સ્ટુડન્ટ પણ હોઈ શકે, અને ગામડામાં કુટુંબ હોય એનું- શહેરમાં નોકરી કરી ભરણપોષણ કરતી દીકરી પણ. એ કોર્પોરેટ ઓફિસની સોફિસ્ટિકેટેડ એમ્પલોયી હોઈ શકે, અને જેનું ઘર ડામાડોળ હોય, એની સ્થિરતાનો બોજ પોતાના કૂમળા ખભા પર ખેંચતી ગૃહિણી પણ. એ બળવો કરીને, સંબંધોમાં ખત્તા ખાઈને એકલી રહેતી સ્વતંત્ર યુવતી હોઈ શકે, અને તરછોડાયેલી- તિરસ્કૃત ત્યક્તા એવી સંઘર્ષશીલ નારી પણ હોઈ શકે. બની શકે કે, એના ઘરના કુટુંબી નાના ભાઈભાંડુ કે વૃધ્ધ મા-બાપ, નાનકડા બાળકો કે મજૂરીકામ કરતો કે બીમાર અશક્ત પતિ બધા અંધકારના બેકડ્રોપમાં ઢંકાઈ જતા હોય… અને અજવાળામાં દેખાતી હોય બધાને બસ બહાર નીકળતી એ એકલી સ્ત્રી. કે પછી એનો કોઈ ફ્રેન્ડ હોય, કમ્પેનિયન હોય- જે દૂર હોય, બીજે કામ કરતો હોય…માટે એ એકલી લાગતી હોય…

અને એકલી સ્ત્રી જો જુવાન અને કમસીન હોય, ખૂબસુરત અને તૈયાર થઈને બહાર જનારી હોય, તો સમાજ એને ગૂગલ પર પડેલા પોસ્ટરની માફક ડાઉનલોડેબલ માની લે છે! પુરૃષ નામનું કવર સાથે નથી, તો આ સ્ત્રી ઓપન લેટર બની જાય છે. જાણે હસ્તાક્ષર પાડવાની ઉઘાડી છૂટ હોય એમ પેનમાંથી બૂંદ બૂંદ ટપકતી શાહીની જેમ આસપાસના પુરૃષોની આંખોમાંથી લાળ ટપકે છે, અને આસપાસની સ્ત્રીની આંખોમાંથી ઝેરીલી લીલી ઈર્ષા!

જી હા, એકલી બહાર નીકળતી યુવતી સનાતન અપરાધી છે. અને એનો ગુનો છેઃ એનું સૌંદર્ય. હર બ્યુટી ઈઝ હર ક્રાઈમ ફોર હિપોક્રિટ પર્વર્ટ સોસાયટી!

આંતરરાષ્ટ્રીય મહિલા દિને એટલે યાદ આવી જાય છે, એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ! ‘મલેના.’ પૃથ્વી પર હયાત સુંદરીઓમાં સર્વશ્રેષ્ઠ એવી મોનિકા બેલૂચીના શ્વાસ થંભાવી દે એવા બેનમૂન રૃપજોબનથી છલોછલ ઈરોટિક દ્રશ્યોને લીધે મલેના લસ્ટી ભારતમાં એમ તો જોવાયેલી ફિલ્મ છે. પણ એ જોનારાઓ કદાચ જાણતા નહિ હોય કે – ‘સિનેમા પેરેડાઈસો’ જેવી કલ્ટ ક્લાસિક ફિલ્મ આપનાર ઈટાલીયન ફિલ્મમેકર જીયુસ્પી ટોર્નાટોરની ૨૦૦૦ની સાલમાં બનેલી મલેના બેસુમાર ફિલ્મી એવોર્ડસ મેળવી ચૂકેલી ઈટાલીયન ફિલ્મ છે. જેમાં એકલી સુંદર નારી અને લોલુપ લંપટ સમાજની કાતિલ કટાક્ષમય કરૃણકથા કાળજું કોતરી લે, એમ રજૂ થઈ છે.

આવો, જરાક મલેનાના કથાસારમાં ડૂબકી મારીને થોડાક પાપ ધોવાનો પ્રયત્ન કરીએ.

***

malena 5

બીજા વિશ્વયુધ્ધ સમયના ઈટાલીના એક રમણીય ગામમાંથી ફિલ્મ શરૃ થાય છે. યુધ્ધ જેવી રીતે પ્રકૃતિને ધમરોળી રહ્યું છે, એમ લોકો સ્ત્રીની કાયા ઉપર આંખોથી આક્રમણ કરતા હોય છે. તક મળે તો રમત રમતમાં કીડીને ભોળવી ટટળાવીને પછી ચૂંથીચગદીને મારવામાં પાશવી તાકાતનો સડેલો વિકૃત આનંદ આવતો હોય છે.

આખી ફિલ્મ, આખી વાર્તા લાજવાબ રીતે એક તરૃણની આંખોથી જોવાઈ અને કહેવાઈ છે. મોં પર મૂછનો દોરો ન ફૂટયો હોય, પણ ભીતર મધ્યબિંદુએ મર્દાનગી ફૂટી ગઈ હોય એવી એક કિશોરાવસ્થા બધાની હોય છે. ૧૩-૧૪ વર્ષની કૂંવારા સપનાઓ ભૂરાં ભૂરાં જોવાની ઋતુ. (કર્ટસીઃ કવિ જગદીશ જોશી). એટલે મલેનાની કથા બોઝિલ કે ઉપદેશાત્મક નહિ, પણ રસિક અને નિર્દોષ રહે છે. પેલો સાઈકલ લઈ સ્કૂલે જતો કાચી ઉંમરનો કિશોર બાકીના ગામની જેમ એક સ્ત્રીથી ખેંચાયેલો ખોવાયેલો રહે છે. એ સ્ત્રીને મનોમન વસ્ત્રવિહીન કરી ઝંખે છે.

અને એ સ્ત્રી છે મલેના. રૃપરૃપના અંબાર જેવી પણ એક સામાન્ય પરિવારની છોકરી. વૃધ્ધ બાપ કાને બહેરો એવો ભાષાનો શિક્ષક છે. ગામમાં પેટિયું રળવા આવ્યો છે. પણ આ જુવાન દીકરી બાપની ઘેર નથી રહેતી, પોતાના આ ગામના વતની એવા સૈનિક પતિના ઘેર રહે છે. એનો પિયુ, એનો ભરથાર, એના તન-મનનો રણીધણી એવો કંથ તો પરદેશ યુધ્ધ લડી રહ્યો છે. મલેના એ રીતે તો ગામની વહુ છે. પરદેશ યુધ્ધ લડતા પ્રેમીની મૌન પ્રતીક્ષા કરે છે.

પણ ગામની હાલત તો રમેશ પારેખના શબ્દોમાં એક છોકરીના હાથમાંથી રૃમાલ પડે ને આખું ય ગામ એ લેવા નીચે ઝૂકે- એવી છે. મલેના ગામ માટેનું મફત મનોરંજન છે, જોણું છે. એ બિચારી ચૂપચાપ કોઈ વધારાના શણગાર પણ કર્યા વિના, આસપાસની ભૂખાળવી શિકારી નજરોથી સભાન થઈને પોતાની નજર નીચી ઢાળીને, મુલાયમ હોંઠ મક્કમતાથી ભીડેલા રાખીને જ હંમેશા ઉતાવળા કદમે બજારમાં નીકળે છે. પણ એમાં ય લોકો તો એની લહેરાતી મતવાલી ચાલના વળાંકોથી ઘાયલ થઈને કોમેન્ટસ કરતા ફરે છે. પુરૃષોના ડોળા ફાટેલા રહે છે, એ અપ્સરા પાસેથી પસાર થાય ત્યારે! સ્ત્રીઓ તમતમીને બળી મરે છે, અને લાજશરમ પર ચોવટકૂથલી કરવા લાગે છે.

malena-2000-01-gપેલો ઘેલો બનેલો કિશોર રેનેટો સતત એની પાછળ પાછળ ઘૂમ્યા કરે છે, અને એની ચોકીદારી ગુપચુપ કરે છે. રાતમધરાત ડોકિયાં કરી એના ઘરમાં ફાટી આંખે એના રૃપનું રસપાન કરવાની કૂમળી લાલચે પણ તાકયા કરે છે, અને એમ મલેનાનું અંગત વિશ્વ આપણી સામે એના શરીરથી વધુ રસપ્રદ રીતે ઉઘડતું જાય છે.

મલેના રોજ સહજ શણગાર કરીને બહાર નીકળે, એ જ ગામ માટે ડેઈલી શો છે. ભણવાના નામે ઘર બહાર રખડવા નીકળી જતા આવારા વિદ્યાર્થીઓથી ઓટલાં ભાંગતા ખૂસટ બૂઢાઓ સુધી બધા મલેનાની સામે ટીકી ટીકીને જોયા કરે, અને હાથને બદલે આંખોથી એનું વસ્ત્રહરણ કરી મનોમન સ્ટ્રીપટિઝની રંગત માણે! (લોચન યાને આંખો પરથી જ લુચ્ચો શબ્દ આવ્યો છે!) શરૃશરૃમાં તો બહુબધી કૂથલી ચાલે છે કે મલેના રોજ કયાં ‘કયા યાર’ને મળવા જાય છે? એકલી રહેતી સ્ત્રીનું કોઈ છિદ્ર સાંપડે, તો આંગળી નાખી એને પહોળું કરી શકાય ને!

પણ એ તો વૃધ્ધ બીમાર બાપની સેવા માટે જાય છે, એ જાણકારી પછી ઘણાનો હરિરસ ખારો થઈ જાય છે. મલેના બાપ માટે રસોઈ કરે, કપડાં ધોઈ દે અને પોતાના ઘર માટે ખાવાપીવાની સામગ્રી લઈ પાછી ફરે. એ ‘ડાકણ’ પોતાના ઘર પર ડોળા ના નાખે, માટે એને સીધુંસામાન દેવા પર ગામની મહિલાઓએ વણલખ્યો પ્રતિબંધ ફરમાવ્યો છે. આમ પણ લડવા ગયેલા પતિની પ્રતીક્ષામાં જીવતી મલેના પાસે થોડા પેન્શનની બચત સિવાય પૈસા નથી.

એવામાં સમાચાર આવે છે કે એનો પતિ તો યુધ્ધમાં કયાંક મરાઈ ગયો હશે. કોઈ ખરાઈ થતી નથી. પણ મલેના શોકના કાળા વસ્ત્રો પહેરી લે છે. એના ઘરમાં પીપિંગ ટોમની જેમ જોતો પેલો કિશોર જાણે છે કે, એકલી એકલી મલેના પતિને યાદ કરી ગીતો ગાય છે. કયારેક એને ગમતો ડ્રેસ પહેરી, એની અને પોતાની લગ્નની છબી હાથમાં લઈ અરીસા સામે ઉભી રહે છે. કોઈ કરૃણ રોમેન્ટિક ગીત ગ્રામોફોન પર મૂકી એકલી એકલી નાચે છે, અને થાકીને એના પત્રો, એની તસવીરો પોતાની ઉપસેલી ઉત્તુંગ છાતી પર દબાવી હીબકાં ભરી એના વિરહમાં તડપે છે!

કિશોર જાણી જાય છે કે, ગામ ભલે મલેનાના પ્રેમમાં પાગલ થાય, મલેનાના દિલ પર તો એક જ પુરૃષ – એના પ્રિયતમ પતિનો કબજો છે. પણ હવે તો મલેના શહીદની વિધવા છે. ગામના ખાટસવાદિયાઓની હિંમત ખુલે છે. પેલા છૂપા થતા ઈશારા હવે ખુલ્લી ગંદી કોમેન્ટસ બનતા જાય છે. ‘માય ડીપ કોન્ડોલન્સીઝ’ કહીને જૂઠો શોક જતાવતા ઉભા રહેનારાઓ એ પીઠ ફેરવે એટલે ‘નાઈસ એસ’ બબડીને હોંઠ પર સાપ જેવી જીભ ફેરવે છે. મલેના વધુ ખુલતા, વળાંકો ઢંકાય એવા વસ્ત્રો પહેરે છે, પણ પુરૃષની નજરો સ્ત્રીના અંગો એકસરે વિઝનથી માપી લેતી હોય છે. ગામના પુરૃષો નથી મળી, એવી મલેના વિષે એ મળી હોવાની અફવા ફેલાવી એને સ્પર્શ્યાનો સંતોષ લે છે.

એમાં એક દહાડો આર્મીમાં રહેલો એનો જૂનો મિત્ર મળવા આવે છે રાતનાં. બેઉ સુખદુઃખની વાતો કરે છે. પણ ગામમાં કેટલાય તાકીને અને ટાંપીને બેઠા હોય છે, એમનો ગરાસ લૂંટાઈ જાય છે. એક મલેનાને ભોગવવા તલપાપડ ડેન્ટીસ્ટ ત્યાં જ આંટાફેરા કરતો રહે છે, અને એ પેલા આર્મીમેન સાથે બથ્થંબંથ્થા આવી જાય છે. ગિન્નાયેલો પ્રૌઢ ડેન્ટીસ્ટ અને એની આબરૃ સાચવવા ઈચ્છતી એની પત્ની મલેના પર ગામનું ચારિત્ર્ય બગાડવાના, દેહવ્યાપાર કરવાના, માસૂમ બાળકો પર કુસંસ્કારના કૂચડા મારવાના એવા આરોપસર કોર્ટકેસ ઠોકી દે છે. પાકી કેરી હાથમાં ન આવે તો શિયાળ માટે ખાટી!

કોર્ટમાં તો ગભરાયેલી અને ખામોશ મલેનાને દલીલો કરી એક આધેડ વકીલ છોડાવે છે. પેલો મળવા આવેલો આર્મીમેન તો ઓળખતો જ નથી કહી નામુકર જાય છે અને મલેનામાં રસ ધરાવતો એનો ઉપરી એની બદલી કરી નાખે છે. પણ એ ગંદોગોબરો ઠીંગણો આધેડ વકીલ રાતના મલેનાને ઘેર જાય છે. મલેના રહીસહી બચતના પૈસા એને ફી પેઠે આપે છે, પણ વકીલ તો છોડાવવાની ફી વસૂલ કરવા એની સાથે નિયમિત રાત ગુજારવાની માંગણી કરે છે. મલેનાની ચીસો અને પ્રતિકારના પ્રયત્નો છતાં એના પર બળાત્કાર કરે છે! કિશોર ફાટી આંખે એ ઝાડની ડાળીએ ચડી જુએ છે. ગમતી મલેનાને પીંખાતી જોઈ તરફડે છે. એને રોવું આવે છે, ગુસ્સો આવે છે. પણ મલેનાની જેમ એ ય લાચાર છે. મલેના ફરિયાદ કોને કરે? પોલિસ અધિકારી તો પહેલેથી જ એની પાસે ભૂંડી માંગણી ગલીચ શબ્દોમાં કરી જ ચૂકયો છે, અને ગામના નગરપતિની કૂડી નજર તો એના પર પહેલેથી જ છે!

એમાં એક એરસ્ટ્રાઈકમાં મલેનાનો બુઝુર્ગ બાપ મરી જાય છે. વિધવા મલેનાનું હવે કહેવા પૂરતું કોઈ સ્વજન રહ્યું નથી. પણ સગા અને વ્હાલા થવા માટે હોડ ફાટી નીકળે છે. એકલી હોવાના રેશમી અપરાધને લીધે મલેનાના આડાસંબંધોની મરીમસાલેદાર કથાઓ ફેલાવા લાગે છે. મલેના પાસે પૈસા ખૂટી જાય છે. બ્રેડ લેવા જાય તો વેંચનારો એનો સ્પર્શ કરવાનો ગેરલાભ ચૂકતો નથી. એ વાળ વેંચી ગુજરાન ચલાવવાની કોશિશ કરે છે. જાણી જોઈ કદરૃપી દેખાવા પ્રયત્ન કરે છે. પણ કુદરતી ભેટ જેવું એનું સૌદર્ય એમ છૂપાતું નથી, અને શ્રાપ બનીને એને કનડે છે.

ધીરે ધીરે મલેનાની મજબૂરીમાં મોજ માણવાવાળાઓ વધતા જાય છે. પરદેશી લશ્કરી થાણાવાળા, જાહેરમાં આવી કુલટા સ્ત્રીની ટીકા કરનારા ધર્મૌપદેશક, ગામના ઉતાર જેવા એક હજામત કરનારાથી લઈ શહેરના પ્રતિષ્ઠિત ગણાતા જૈફ આગેવાન – બધા જ મલેનાને રગદોળતા રહે છે. એ ચૂપચાપ પીસાતી, હીબકતી રહે છે.

malena-1પછી યુધ્ધ હળવું થતાં જોરમાં આવેલા ગામના બધા બૈરાંઓ પોતાના ઘરના ‘માસૂમ’ છોકરાઓને ભોળવનારી અને પોતાના ધણીઓને છેતરીને એની જાળમાં સપડાવનારી શિકારી સાપણ જેવી મલેનાને વખોડે છે. એની પાપી કામણટુમણને ગાળો દે છે. મલેના તો રોજીંદા શોષણથી નિસ્પૃહ થઈ, હવે ચોક વચ્ચે બિન્દાસ નીકળતી હોય છે, અને એની સિગારેટ પેટાવી દેવા ય પુરૃષો લળીલળીને સેવા કરવા ઢગલો થઈ જતા હોય છે. પણ ‘લોકોનો ચુકાદો એટલે ઈશ્વરની આજ્ઞાા’ એવું કહેતું સ્ત્રીઓનું ટોળું આ એક આગવું વ્યક્તિત્વ ધરાવતી સ્ત્રીને સહન નથી કરી શકતું. પોતાના પુરૃષો પર જે રોષ નથી નીકળતો, એ મલેના પર બધી બાઈઓ ઠાલવે છે.

વ્યક્તિમાંથી વાસનાની વસ્તુ બનાવી દેવાયેલી ‘પબ્લિક પ્રોસ્ટીટયુટ’ મલેનાને બધી સ્ત્રીઓ ગામ વચ્ચે ઢોરમાર મારે છે. ચીસો પાડી મદદ માટે વિનવતી મલેનાની વહારે રાતના એની સોડમાં લપાઈ જતો કોઈ પુરૃષ ધોળે દહાડે આવતો નથી. એના બધા વાળ ગામની સ્ત્રીઓ કાપી નાખે છે, એના કપડાં ફાડી એને જાહેર ચોકમાં સાવ નગ્ન હાલતમાં ફટકારે છે. પેલા વગર વાંકે પીંખાઇ અને પછી વગર વાંકે પીટાઈ ! પાગલ ભિખારણની જેમ મલેના ચીસો પાડતી, આંસુડા સારતી, આક્રંદ કરતી, આ સ્ત્રીત્વના અપમાન પછી જેમ તેમ ચીંથરા ભેગા કરી ઢસડાતી ઘરભેગી થાય છે. ખળભળી ઉઠેલો પેલો કિશોર જુએ છે કે બીજો દિવસે મોં છૂપાવી, ઘરને તાળું મારી મલેના બીજે ગામ જતી ટ્રેનમાં ચડી જાય છે.

અને બલા ટળીનો ‘પવિત્ર’ સંતોષ ગામની મહિલાઓ લે છે, એના કેટલાક મહીનાઓ પછી મલેનાનો સોલ્જર પતિ જેને યુધ્ધનો શહીદ મનાતો હતો, એ કપાયેલા હાથે ગામમાં પાછો ફરે છે! પોતાના ઘર, પોતાની પત્ની વિશે પૂછપરછ કરે છે. કોઈને કશી ખબર નથી, એમ ખભા ઉલાળે છે. બધા ઘટનાક્રમને મુગ્ધ પ્રેમીની તરસથી નિહાળનાર પેલો કિશોર રેનેટો એ પત્ની શોધવા રઘવાયા બનેલા સૈનિકને ગુમનામ પત્ર લખે છે:  ભલે એના શરીર પર બધાના દુરાચારીના હાથ અને નજર ફર્યા, એનું હૈયું તારૃં જ છે. એ ફલાણી ટ્રેનમાં આ ગામ ગઈ એ મેં જોયું છે!

એક દિવસ ગામના ચોકમાં રોજીંદી ચહલપહલ છે, ત્યારે બજાર જાણે પૂતળાંની જેમ સ્થિર થઈ જાય છે. પુરૃષોના મોં ફાટયા રહી જાય છે. સ્ત્રીઓનો અવાજ ગળામાં દબાઈ જાય છે. ગામમાં પૂરા કોન્ફિડન્સથી, સાદા વસ્ત્રો પણ ટટ્ટાર ચહેરે, પતિના હાથમાં હાથ નાખીને વટભેર બેગ ઉંચકી મલેના પ્રવેશ કરે છે! કશું બોલતી નથી. ઠંડી નજર નાખી પ્રિય પતિને વધુ નજીક પડખામાં ખેંચી ચાલી જાય છે. જૂના મકાનમાં સજોડે રહેવા. સૈનિકે એને શોધી કાઢી, અને એનો સ્વીકાર કરવા જેટલો ખરો મર્દ પ્રેમી નીવડ્યો – એ જોઈ કિશોર મલકાય છે. બીજે દિવસે મલેના શાક લેવા નીકળે છે. બાઈઓ કાનાફૂસી કરે છે. ”જો ને આંખે કૂંડાળા છે, જાડી થઈ ગઈ છે” હવે જાણે એ પતિ સાથે રહેતી પરણીતા હોઈને ખતરો નથી. અચકાતા અચકાતા એ મલેનાને બોલાવે છે. મલેના મંદ સ્મિત કરી, કોઈ જૂની ચર્ચા ઉખેળ્યા વિના ગુડ મોર્નિંગ કહી, ફટાફટ ખરીદી કરે છે. હાથ પકડીને બધા વેપારી ફળો એને બતાવે છે. પેલો કિશોર જીવનમાં પહેલી અને છેલ્લી વાર એની સાથે જરાક વાત કરી એને શુભેચ્છાઓ આપે છે, એની સામે મલેના સ્મિત કરે છે. ફલેશબેકમાં ચાલતી કથા સમાપ્ત થાય છે. શાકની થેલીઓ લઈ લોકો વચ્ચેથી પસાર થતી લાવણ્યમયી સુંદરી મલેના પર કેમેરો ફોકસ થઈ જાય છે!

***

malena 4

મલેના મૂળ તો એ મેરી મેગ્ડોલીન નામની વેશ્યાનું નામ છે, જેને લોકોના પથ્થરમારાથી “જેણે પાપ ના કર્યું એકે, એ પહેલો પથ્થર ફેંકે” કહીને ઈસુ ખ્રિસ્તે બચાવી હતી. અને યાદ રહે, બીજા વિશ્વયુધ્ધના સમયનું ઇટાલી આજે ઘણું બદલાયું છે ( ઇટાલીનું કુટુંબજીવન ભારત જેવું જ છે), પણ ભારતને તો હજુ ય આ વાર્તા યથાતથ લાગુ પડે છે, જાણે ગલી ગલી, ગામે ગામની વાસ્તવિકતા હોય !

આજે ય સિંગલ રહેતી ન હોય, પણ દેખાવડી, જુવાન અને સ્વતંત્ર રીતે ભણવા કે કામ કરવા બહાર નીકળતી હોય એવી કરોડો મલેનાઓને આ પવિત્ર ભારતવર્ષ સીતાની જેમ પહેલા લક્ષ્મણરેખા, પછી અગ્નિપરીક્ષામાં મૂકે છે ! અહલ્યાની જેમ વગર વાંકે શંકાથી પથ્થર બનાવી દે છે. ઉર્મિલાની જેમ અસ્તિત્વ ઓગાળી નજરકેદ કરવા મજબૂર કરે છે. શૂપર્ણખાની જેમ જરાક એડવાન્સ્ડ થાય તો નાક – કાન કાપી નાખે છે!

ટીનેજર કરતાં પણ ગરજાઉ બૂઢા વધુ શિકાર કરે છે, આવી ઔરતોનો! બહાર નીકળી સ્વતંત્ર કામ કરે કે જરા શણગાર કરે એટલે સ્માર્ટ સ્ત્રી ‘અવેલેબલ’ જ હોય? એ હાથ ન આવી હોય તો, કલ્પનામાં મળી જ ગઈ હોવાની જૂઠી વાર્તાઓ મસાલો નાખીને ફેલાવવાની અને હાથ આવી હોય તો એની તસવીરો પબ્લિક કરી વિજેતાનો આનંદ લેવાનો! અને બીજી સ્ત્રીઓને તો પોતાને ન મળેલ સૌંદર્ય કે સ્વતંત્રતા કે સગવડતા ભોગવનાર આવી નારીને નીચે પાડવામાં વધુ લુત્ફ આવે. એ એના બચાવને બદલે એની ગંદકીથી સમાજ શુધ્ધ કરવાની સૂફિયાણી શાહૂકારી જ કરે.

મહિલા દિને આપણી આસપાસની મલેનાઓ તરફ મેલ વિના જોવાની નજર કેળવીશું? વૈદિક સપ્તપદીના નામે પત્ની નામની ગુલામડી ઘરભેગી કરવાના નાટકો છોડીશું? સેકસ પ્રોસેસ કરતા ફર્નિચરને બદલે સ્ત્રીની પણ આ ધરતી પર મરજી અને મોજ મુજબ જીવવાની આઝાદી સ્વીકારીશું? વિચારોના વ્યભિચારોથી વામા વિશે વાર્તાઓ ફેલાવવાનું બંધ કરીશું?

ફાસ્ટ ફોરવર્ડ

સળગતી મીણબત્તીને
સ્થિર કરવા મથતો
સૂસવતો પવન…! (પન્ના નાયક)

malena 6

બોનસ :

આ વાંચીને “મલેના’ ફિલ્મ જોવાની ઈચ્છા થઇ હોય તો આ લિંક પર ક્લિક કરો, અંગ્રેજી સબટાઈટલ સાથે ડાઉનલોડ પણ કરી શકશો, અને રીઝોલ્યુશન વધારી એચડી ક્વોલિટીમાં એ પેજ પરના જ પ્લેયરને ફૂલ સ્ક્રીન મોડમાં મૂકી જોઈ શકશો.પણ હા, જેમની કુણી કુણી લાગણીઓ નેચરલ ન્યુડિટીથી દુભાઈ જતી હોય એવા સંકુચિત દિમાગના કે શારીરિક/માનસિક રીતે પુખ્ત ના હોય એવા લોકો આ લિંક પર ક્લિક ના જ કરે એ હિતાવહ છે.

http://www.solarmovie.ws/watch-malena-2000-online.html


( એક્સટેન્ડેડ સ્પેકટ્રોમીટર , વિમેન્સ ડે, ૨૦૧૫ )

 
16 Comments

Posted by on March 9, 2015 in cinema, feelings, india

 
 
%d bloggers like this: