અંતે લાંબા સમયનું સોણલું સાકાર થયું. તારીખ ૮ સપ્ટેમ્બરનાં રવિવારે આગલી સાંજે ભાવનગરમાં સ્ટર્લીંગ હોસ્પિટલનો સ્વાસ્થ્ય સંવાદ પતાવી મુંબઈ પહોંચ્યો, અને મારા નવા પુસ્તક “JSK – જય શ્રી કૃષ્ણ”નું ત્યાં હકડેઠઠ ભરાયેલા હોલમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનનાં કૃષ્ણમય કાર્યક્રમમાં ક્રાંતિકારી સ્વામી કેવલાનંદજી , દિનકર જોશી,ચેતન ગઢવી, મુકેશ જોશી અને હિતેન આનંદપરાની ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ થયું. ત્યાં રખાયેલી પુસ્તકની નકલો તો જોતજોતામાં ચપોચપ ઉપડી ગઈ, અને એ દિલ માંગે મોર જેવી એની ડિમાન્ડ હજુ ય ચાલુ છે.
સુભગ અને સુખદ સમન્વય એ થયો કે બીજે દિવસે તો મારે પૂજ્ય મોરારિબાપુ દ્વારા આયોજિત સંસ્કૃતસત્રમાં પહોંચવાનું હતું. ત્યાં પૂજ્ય અને પ્રિય બાપુને પુસ્તક આપ્યું એ મારી મનગમતી મોસમ ! અને પાછો આવ્યો ત્યાં તો હવે મારે બાપુની કથાના નિમિત્તે ભોમિયા વિના દોસ્તો સંગ ડુંગરા ને કંદરા જોવા સિક્કિમ જવા નીકળવાનું છે. બધું જ પ્રચલિત માન્યતાથી વિરુદ્ધ અનાયાસ આપોઆપ સર્જાયેલું. આજે રાતના હું સતત દોડધામ પછી એક બ્રેક લેવા , પ્રકૃતિનો ખોળો ખુંદવા મારા નિકટ મિત્રો કિન્નર, ઇલિયાસ, ધર્મેશ અને ગૌરવ જસાણી સંગ નીકળી પાડવાનો છું. પપ્પાનું સ્વાસ્થ્ય સારું રહે એ દરમિયાન એવી દુઆઓ માંગતો….
“જે.એસ.કે.”ની સર્જન કથા નરસિંહ મહેતાનાં જીવનપ્રસંગોની રિમેક જેવી છે ! મેં મુંબઈમાં દિલ ખોલીને એ વર્ણવી હતી. અહીં લખવી પણ છે. ટૂંકી વાત એટલી જ કે આ બ્લેસ્ડ બૂક છે. એ મેં તૈયાર કરી નથી.કૃષ્ણે રીતસર ધક્કો મારીને મારી પાસે તૈયાર કરાવી છે ! 🙂 એમાં પળેપળ મને કોઈ અદ્રશ્ય ચૈતન્યના સાથનો અજાયબ અહેસાસ થયો છે. એ ય અહીં ચોક્કસ લખીશ.
કાલથી જે.એસ.કે. બધે ધીરે ધીરે રવાના થશે. ગણતરીના દિવસોમાં જ ગુજરાતભરમાં મળતી થશે. કૃષ્ણ તો સહુ કોઈના છે , એટલે વિવિધ જગ્યા એ આ નિમિત્તે કૃષ્ણને આધુનિક સંદર્ભમાં મુકતા અને પુસ્તકને અવનવી રીતે વધુ ને વધુ ભાવકો સુધી પહોંચાડવાના કાર્યક્રમો કરવા છે. આપણા હાથમાં કર્તવ્યનો સંકલ્પ છે, પુરો કરવાનું હરિને હાથ છે. એની મરજી હશે, એમ કશુંક ગોઠવાયા કરશે !
હું તો આમજ બિન્દાસ મારૂ ગાડું એને સોંપીને જીવું છું. આ જુઓ ને, પુસ્તકની બધી નકલો બાઈન્ડ થઈને આવી ત્યારે ય મારા મિત્રો સાથે નવા પ્રદેશ જોવા અને ગમતી વ્યક્તિઓનો સંગ માણવા બાપુની કથામાં જવાનું છોડ્યું નથી. મારું પુસ્તક એટલે સતત એને વેંચવા તૂટી જ પડવું, એવો કોઈભાવ મારું તન-મન-ધન દાવ પર હોવા છતાં ય મને આવે જ નહિ. આંનંદ પહેલા, અભ્યાસ પહેલા. બાકી બધું બાયપ્રોડક્ટ. લેકચર પણ છોડ્યા એ ગાળાના બધા….એટેચમેન્ટ કર્મનું. કમાણીનું નહિ. થયા કરશે, એની રીતે – આપણે મસ્તીમાં નિજાનંદે રહેવું. મહેનત પુસ્તક માટે કરવાની હતી , ઉજાગરા-તબિયત-જીવ રેડીને એ કરી લીધી. ઘણું શીખ્યો. જલસો પડ્યો. કચાશ રહી હશે, એ ય સુધારતો જઈશ. પુસ્તકની પ્રિવ્યુ કોપી જેના હાથમાં ગઈ છે, એમને ખૂબ ગમ્યું છે.
JSK ફક્ત બૂક નથી, એકનુભવ છે.એમાંનો કેટલોક કન્ટેન્ટ અગાઉ ક્યાંક વાચકો પાસે પહોંચ્યો છે…પણ મારે એને જે રીતે સજાવવો હતો એ રીતે નહિ. માટે અહીં એનું રીતસર નવસંસ્કરણ કર્યું છે. અમુક લેખોમાં તો બીજા લેખ જેટલો ઉમેરો જોડ્યો છે. ગુજરાતી શું, અંગ્રેજી પ્રકાશનો પણ વિઝ્યુઅલ્સની ભાષા શીખ્યા નથી. મોબાઈલ યુગમાં એ અનિવાર્ય છે. મારે ‘જય હો’ સુપરહિટ થયા બાદ પબ્લિક ડીમાંડ છતાં પ્રકાશક તરીકે જાતને રીપીટ નહોતી કરવી. કશુંક ડીફરંટ કરવાની ચેલેન્જ લેવી હતી. માટે એક એક લેખ સાથે આંતરરાષ્ટ્રીય સ્તર અને ટ્રેડીશનલ – મોડર્નનાં ફ્યુઝન સાથે સ્પેશ્યલી તૈયાર કરાવેલા અને અમુક ખાસ મેળવેલા રંગીન ચિત્રો મુક્યા છે. અગાઉ આવું કામ કૃષ્ણ જેવા મહા-પોપ્યુલર સબ્જેક્ટ છતાં ભારતમાં કોઈને શબ્દ-પીંછીના સમન્વયથી એમના પર કર્યું નથી, એની ગેરંટી મારી. ઉપરાંત કવિતાઓ પણ ખાસ ચૂંટેલી.અને કૃષ્ણનાં તમામ પાસા સાચી વિગતો અને નવી નજરે સમાવતા લેખો. ધાર્મિક એન્ગલ નહિ, યુવા એપ્રોચ. હિંદુ જ નહિ,વિશ્વના કોઈ પણ નાગરિકને વાંચવા-સમજવાની મજા પડે અને જીવનઉપયોગી બને એવી સામગ્રી એમાં મુકી છે.
આ બધું ખૂબ ખર્ચાળ છે, પણ કોઈકે તો ગુજરાતીમાં મેઈનસ્ટ્રીમ બૂક ગ્રાફિક નોવેલની મોટી સાઈઝના આર્ટપેપર પર તમામ પાનાં મેઘધનુષી કલરમાં જ છપાય, એ પહેલ કરવી જ પડે. પુસ્તકની કિંમત એને લીધે થોડી વધી- જે મારા કાબુ બહાર હતું – પણ જોયા પછી કદાચ વસૂલ લાગશે.હું સબસીડી કરતા સ્કોલરશીપમાં માનું છું. મલ્ટીપ્લેક્સની ટીકીટ કે રવિવારના ડીનર કે સાડી-ગુટકાના બજેટની જેમ બૂક્ પાછળપણ પૈસા ખર્ચવાની ટેવ પડવી જોઈએ. અને સામે બૂક્પણ પૈસા વસૂલ અનુભવ કરાવે તેવી હોવી જોઈએ. જો કે, જેન્યુઈન જરૂરતમંદ રીડરબિરાદરો સુધી એને કોઈક રીતે આસાન કરી પહોંચાડવાના પ્લાન્સ પણ રમે છે. પણ આ એકલરામને અત્યારે તો પંદરેક દિવસનું વેકેશન ખપે છે. 😛
બૂક તમામ બૂકસ્ટોરમાં મળતી થઇ જશે ચાર-પાંચ દિવસમાં.નવભારત ( રોનક શાહ, ફોન નમ્બર : ૯૮૨૫૦૩૨૩૪૦ ) નાં વિતરણ દ્વારા. પ્રભુને પ્રસાદ ધરવો આપણા હાથમાં છે, એમ વાચકો સામે એ ધરું છું. કામ ચકાચક છે,જોઈએ ફળ ટકાટક મળે કે નહિ. જય શ્રી કૃષ્ણ ત્યારે બધા ને 🙂