RSS

Daily Archives: July 7, 2013

રાંઝણા – 2

ગયા વખતે આ પોસ્ટમાં  તમે રાંઝણા ફિલ્મ પર મેં લખેલા લેખનો પહેલો ભાગ વાંચ્યો. પહેલો બ્લોગ પર મુકવો પડ્યો એટલે એટલી પ્રિન્ટ મિસ્ટેક્સ ના હોવા છતાં બીજો ય મુકવાનો જ રહે. હજુ બ્લોગ પર લેખ લખતી વખતે એકઠા થયેલા ડીલીટેડ સીન્સનો એક ટૂંકો ત્રીજો ભાગ મુકવાની ઈચ્છા છે. આફ્ટરઓલ, બિલકુલ સેલેબલ નહિ એવી પેર હોવા છતાં હીટ તો ખરી જ પણ રિલીઝના બે વીક પછી પણ જેની ચર્ચા થતી રહે એવી ઐતિહાસિક અસર છોડતી આ ફિલ્મ બોલિવુડની એવરગ્રીન ક્લાસિક છે. એની વે, અત્યારે ફિલ્મમાં ન્હાયા પછીનો બીજો સહજ વધુ ડાર્ક પણ ઓછી ચર્ચાતી વાસ્તવિકતા દર્શાવતો લેખ વાંચી લો…ફિલ્મ ના જોઈ હો તો જોઈ લેજો.

 

બડી વફા સે નિભાઈ હમને, તુમ્હારી થોડી સી બેવફાઈ..!

raanjhanaa

કેમ છોકરીઓ માટે એને જે પાગલની જેમ ચાહતો હોય અને પોતે જેના પાછળ પગલી હોય તે પુરૂષ મોટે ભાગે અલગ અલગ હોય છે?

 

તું છો રાણી, ક્વીન.

તારાથી ઘણીયે ઉંચી હોય છે.

તારાથી કેટલીયે વધુ પવિત્ર હોય છે. શુદ્ધ.

તારાથી વધુ પ્યારી પણ ઘણી હોય છે.

પણ તો ય તું છો રાણી.

તું જ્યારે શેરીમાં નીકળે છે

ત્યારે બધા તને એ રીતે ઓળખતા નથી.

કોઈને નથી દેખાતો તારા ચહેરા પર ઝગમગતો તાજ.

કોઈ જોતું નથી એ લાલ સોનેરી જાજમને- જેના પર તું ચાલે છે.

અને જ્યારે તું દેખાય છે,

બધી જ નદીઓ મારા શરીરમાં ઉમટે છે.

ઘંટારવ આસમાન ધ્રુજાવે છે

મંત્રગાનથી સૃષ્ટિ ભરાય છે

માત્ર તું અને હું,

માત્ર તું અને હું, માય લવ

મને સાંભળ તો ખરી !

 

પાબ્લો નેરૂદાની આ અદભુત પ્રેમકવિતા છે. એક આશિક દીવાનાના દિલનો દસ્તાવેજ.

આશિક અહીં માશૂકને કહે છે કે તું જ એકમાત્ર રૂડીરૂપાળી સુપરસ્પેશ્યલ છો, એવું નથી. આમ તો બીજા ઘણા માટે તું ઓર્ડિનરી જ છો. પણ મારા માટે તું એકસ્ટ્રા ઓર્ડિનરી છો, રૂદિયાની રાણી છો. ગોપીઓ વચ્ચે રાધા છો. અને જે તારૃં છલકતું રૂપ, દમકતો ઠસ્સો દેખાય છે, એ કોઈ પરમના સાક્ષાત્કારથી કમ નથી. લૈલા કો જરા મજનૂ કી નિગાહોં સે તો દેખો !

લવના સ્ટેજ હોય છે, ફેઝ હોય છે. એક લવ શરૃઆતમાં એડિકશનવાળો હોય છે, જેમાં પ્રેમી/પ્રેમિકાનું વળગણ થયા રાખે છે. આસમાનના સિતારા કરતા વધુ સંખ્યામાં રોજ એના જ વિચારો આવ્યા કરે, એનો જ ચહેરો દેખાયા કરે, એના જ સ્વરના ભણકારા ગુંજયા કરે! એક પેશનવાળો હોય છે, જેમાં ગમે તેમ કરીને એને પામવાની, સ્પર્શવાની, જીતવાની, ચૂમવાની આરઝૂમાં મન ઝૂર્યા કરે. એના ગાલ સાથે ગાલ અડાડી ભેટવાનું કે એના ખોળામાં માથું અને એમાં ચાલતા સઘળા અવળાસવળા વિચાર મૂકીને સૂવાનું મન થયા કરે.

અને એક લવ ડિવોશનવાળો હોય છે. (એમ તો ઓબ્સેશનવાળો- મારામારી કરવાવાળો કે નુકસાન પહોંચાડવાવાળો પણ હોય છે, લેકિન વો લવ નહિ, જેલસી- પઝેસિવનેસ હો ગઈ). ટેન્શન નહિ, સેન્સેશન. ટુ સરેન્ડર, ટુ સેક્રિફાઈસ. કોઈ અપેક્ષા નહિ, બસ ભક્તિની માફક મુક્તિ કાજે સમર્પણ! તર્ક નહિ, લાગણીઓનો અર્ક. વિકસતો વિકસતો આ પ્રેમ આપોઆપ કેસરકઢેલી બાસુંદી જેવો મલાઈદાર અને મેચ્યોર બને છે, જીવનના તાપમાં ઉકળી ઉકળીને! જેમ શિષ્ય ગુરૃ સામે, ભક્ત ભગવાન સામે ઝૂકી જાય છે, અને ગુરૃ કે ગોવિંદ ગમે તેટલી કસોટીઓ કરે, ગમે તેટલા ફટકા મારે- તો ય સુખ આપે તે જ ભગવાન જેવી સોદાબાજી કરતો નથી. જવાન દીકરાના મોતના દુઃખ પર પણ જે ગમે જગતગુરૃદેવ જગદીશને કહીને નરસિંહ મહેતાની જેમ શામળિયાના ધ્યાન અંગે શંકા કરવાને બદલે વધુ સમર્પિત થાય એવો ડિવાઈન ડિવોશનલ લવ!

‘રાઝણા’ની મંઝિલ પડતા- આખડતા- ભૂલો કરતા- આવેશમાં આવતા માસૂમ બચ્ચાંથી જેનું દિલ દુખે તે જવાન અને ત્યાંથી તબક્કાવાર પ્રેમની આંતરચેતનાના અજવાળે ઈશ્વરતુલ્ય ઈન્સાન બનતા નાયકના ગ્રોથનો ગ્રાફ કંડારવાની છે. જેમ ભક્ત-ભગવાનનો પ્રેમ આમ જુઓ તો વનસાઈડેડ જ હોય છે. ભગવાન ભાગ્યે જ દેખાવાના કે રોજ મળીને વાત કરવાના છે કે બધા દુખો કંઈ ચપટી વગાડતા દુર કરવાના નથી, ઉલટું મોક્ષ-મિલનની તડપ વધારવાના છે, છતાં એકતરફી સમર્પણથી ભક્ત તો પ્રભુચરણે શરણાગિત સ્વીકારતો જ જાય છે, એણે જ ભજેલા ઈશ્વર-અલ્લાહ-ગોડનું આપેલું મોત પણ એક દિવસ સંધારાની જેમ સ્વેચ્છાએ ગળે વળગાડી લે છે, એવું જ આપણા આ બનારસીયા રાંઝણાનું છે. એટલે સ્તો ગત સપ્તાહે ‘અનાવૃત’ના લેખમાં જોયું તેમ, એની કહાની બનારસમાં આકાર લે છે. જે શહેર જ ભારતીય સંસ્કૃતિમાં નિઃસ્વાર્થ ભક્તિ, પાપનો પસ્તાવો કરી પુણ્યની શુધ્ધિ અને પવિત્ર નિર્મળતાનું જીવતું જાગતું પ્રતીક ગણાય છે.

આજે બધા ‘સાચો પ્રેમ હોય?’ એવા ડાઉટ કરે છે (જેને ‘સાચી શ્રધ્ધા હોય?’ એવો ય સંશય ઢોંગીઓના ફુગાવાને લીધે ઉઠે જ છે ને!) ત્યારે બનારસના સિમ્બોલથી અસલી પ્રેમના શંકરે નીલકંઠ બની ઝેર પીને કુંદન (સોનુ) બનવા કેવું બળવું-ટીપાવું પડે છે, એની ગાથા છે રાંજણા. પ્રેમથી પરમેશ્વર બનવાનો “ગાઈડ” (વિજય આનંદ)નુમા સંદેશ! આ રાજધાની દિલ્હીનો વિચારીને, ગણીને, ભવિષ્યની સંભાવના મુજબ ચોકઠાં ગોઠવીને એરેન્જ કરાતો કે દુનિયાને દેખાડવા માટે જીવનસાથી પામતો સંબંધ નથી. આ ગંગા જેવો ખુદાઈ ઈશ્ક છે!

raanjhnaa 3અને એટલે જ ફિલ્મની વાર્તાને જ આગળ વધારતી કડી બનતા ઈરશાદ કામિલ-રહેમાનના ગીતોમાં આ મોંઘેરી મહોબ્બતના રંગીન લસરકા ચીતરાયા છે. મોહે ચાકર રાખો જી,ની અદામાં નાયક કેફિયત આપે છે- તુમ તક તુમ તક અરજી મેરી, ફિર આગે જો મરજી તેરી, મેરી અક્કલ દીવાની તુમ તક, મેરી સકલ જવાની તુમ તક… અને દુશવારી, હોશિયારી, ખુમારી, કહાની બધું જ પ્રિયજનના ચરણે પુષ્પની જેમ ધરી દીધા પછી એ જ હીરો ચિલ્લાઈ છે- ઐસે ના દેખો, મુજે કુછ નહિ ચાહિયે તુમ સે, ના દિલાસા ના ભરોસા, ના વાહવાહી… ના હમદર્દી… ના સપના, ના સહુલત… મૈં હું ઉન લોગો કા ગીત જો ગીત નહિ સુનતે, પતઝડ કા પહેલા પત્તા, રેગિસ્તાન મેં ખોયા આંસુ, ગુઝરા વક્ત…

એક ખોવાઈ ગયેલી, ચુકાઈ ગયેલી ક્ષણ ફરીથી મેળવવાની ‘દેવદાસીય’ પીડામાંથી પસાર થતા પુરૃષનો આ આર્તનાદ છે. પુરૃષનો એટલે કે પ્રેમમાં ફાઈનલ ચોઈસ હમેશા સ્ત્રીની હોય છે. બળજબરીથી દેહ ભોગવવા કે સંબંધ દુનિયાને દેખાડવા મળે- પણ સ્ત્રીનું હૈયું ના મળે! પ્રપોઝ કરવા પુરૃષે ઘૂંટણિયા ટેકવવા પડે, અને પ્રચલિત માન્યતાથી વિરૃધ્ધ બહુધા (મોસ્ટલી) પુરૃષે અંદરથી ચોટ ખાઈને જીવવું પડે. સ્ત્રી તો રડી, પછડાઈને મોટે ભાગે પોતાનો રસ્તો એડજસ્ટ કરી લે.

એટલે ભલે અમુક નાલાયક નાદાન પુરૃષો સ્ત્રીને રમકડું માની બહેલાવવા કે છેતરવા હથેળીમાં ચાંદ દેખાડીને ફરી જાય. અપવાદો બાદ કરતા સ્ત્રીના કન્ફ્યુઝન પુરૃષનો ફ્યુઝ ઉડાડી દેતા હોય છે!

‘રાંઝણા’ના નાયકની આવી જ અવસ્થા છે, એ શેતાન નથી કે બધું ખેદાનમેદાન કરે, એટલે પ્રેમમાં સફળ થવા કરતા, (એકતરફી) પણ પ્રેમમાં રહેવામાં જ એ ધન્યતા અનુભવતો ભોળોનાથ છે. પણ જેણે સહન કર્યું હોય એને ખબર હશે કે નરના મગજમાં એકવાર એક ગમતી નારી સ્થાન લઈ લે, પછી એમાં બાકી બધું સેકન્ડરી, ગૌણ બને છે. બીજા વિચારો બહુ આવતા નથી. મોટે ભાગે આખી જીંદગી એ અધુરી કેપેસીટીથી જ કામ કરે છે. પ્રેમપ્રાપ્તિનો ખાલીપો એની પાંખો આજીવન ઘાયલ રાખે છે. એમાં જે ખરી શક્યતાઓ હોય છે, કારકિર્દીમાં આગળ વધવાની એ પેલી મનમાં અડ્ડો જમાવીને પડેલી પ્રેયસીની યાદોમાંથી જલાધારીની જેમ ટપકતા સ્મૃતિઓના ટીપાંને લીધે કદી પૂરી થતી જ નથી. ફિલ્મના ડાયલોગની જેમ પનોતી સાડાસાત વર્ષે છોડે, પણ યુપીએસસી એકઝામની જેમ વર્ષો સુધી પ્રેમ નથી છોડતો. દિશા અને દશા બધું પલટાવી નાખે છે. અને આવો હડહડતો અન્યાય કરનારી સ્ત્રી મોસ્ટલી શાંતિથી પોતાની લાઈફ સ્ટેપ બાય સ્ટેપ સેટ કરતી જાય છે. પુરૃષ સ્ટેપ બાય સ્ટેપ ડિફ્રોસ્ટ થઈ ઓગળતો જાય છે! કેન્ડેન્સ બુશનેલનું ક્વોટ હતું ને : પુરૃષે ભલે આગ શોધી હોય, સ્ત્રીને એની સાથે રમતા આવડે છે!

* * *

એવરેસ્ટ અને કૈલાસ જેવા ‘રાંઝણા’ના બે ડાયલોગ્સ છે. જેમાંનો એક તો ફિલ્મની ધરી જેવો છે, સેન્ટર પેટ્રોલ ટેન્ક જેવો છે! (સ્પોઇલર એલર્ટ, ઓનવર્ડસ!)

ધનુષ એના ગર્લફ્રેન્ડ હોવાથી સ્કૂટર પાછળ બેસાડવા ફીલ ઝંખતો, એનો ઉપયોગ કરતી સોનમને કંઇક આવું કહે છેઃ તુમ્હેં કયા લગતા હૈ, તુમ હૂર કી પરી હો? તુમસે પ્યાર કરના મેરા ટેલન્ટ હૈ, ઇસમેં તુમ્હારા કોઇ હાથ નહિં. તુમ્હારી જગહ કોઇ ભી હોતી તો મૈં ઉસસે ભી ઇતના તૂટ કર પ્યાર કરતા.

બસ, અહીં આ ફિલ્મ છે એવું લાગે કારણ કે મોટેભાગે જીંદગીમાં કુંદન જેવા સીધાસરળ પ્રેમી પુરૃષો હોય (ચાલબાજ જૂઠા ગિલીન્ડરોની વાત નથી) જે હસતા મોંઢે બલિદાનવાળો પ્રેમ કરતા હોય છે. ઝોયા જેવી છોકરીઓ હોય જે સેનેટરી નેપકીનની જેમ એમના મૂડ બદલીને કયારેક હુંફાળી ઇઝી તો કયારેક સુગાળવી બિઝી બનતી હોય છે. ઘડીકમાં વ્હાલ વરસાવે, ઘડીકમાં અંતર રાખે! અને રિયલ લાઇફના ડાહ્યાડમરા લાફા ખાઇને પણ પપ્પીનો અહેસાસ મેળવનારા બિચારા કુંદનો ભમરાળી ઝોયાઓને આ સંભળાવી નથી શકતા! પછી એમના સ્કૂટરની ઘોડી ચડીને સ્થિર થતી નથી. ( બાકી, પુરુષ પ્રેમ રેડી રેડીને કોઈ સામાન્ય સ્ત્રીને પોતાના મનમાં મહાન બનાવી દે છે – વાંચો અહીંની આગળ લખેલી કવિતા અને પછીનો ફકરો )

કુંદનબિરાદરો, મોટી દક્ષિણા ચૂકવીને જડેલો ગુરૂમંત્ર બરાબર યાદ રાખો- તમે જેના હેડ ઓવર હિલ્સ લવમાં ઉંધેકાંધ પડયા હો, એ છોકરી લવની વાત સાઇડ પર રાખીને ફ્રેન્ડશિપ ઓફર કરે ત્યારે એમાં હજાર હજાર એમ્બ્યુલન્સની સાયરન સાંભળીને ભડકી ભાગતા શીખજો! નહિં તો અંજામ રાંઝણાઓ કે રાંઝાઓની જેમ બીજાની થઇ ચૂકેલી મહેબૂબાઓના હાથે ઝેરના પ્યાલાઓ પીવાનો આવવાનો! એકઝાટકે નહિં મરો, તો ટુકડે ટુકડે એને કયારેક જોઇને, મળીને, વાત કરીને, એનો ખભો બનીને ટેકો કરીને અંદર અંદર મરતા રહેશો! એને તો આ દર્દનો કદી અહેસાસ જ નહિં હોય, સહાનુભૂતિ હશે બસ બહુ બહુ તો!

છોકરીઓ (અપવાદો બાદ કરતા) ભાગ્યે જ લોજીકથી મેચ્યોર ડિસિશન લે છે. એટલે તમારા પ્રેમ અંગે તમે ગમે તેટલી મજબૂત પુરાવાઓવાળી દલીલો કરશો, તો યે ખાસ ફરક નહિં પડે. ફ્રેન્ડ બનેલી ગર્લને તમે દુઃખમાં સહારો આપશો, તો બીજી વાર દુઃખ પડે ત્યારે જ તમને યાદ કરશે- પણ પાર્ટનર બનાવી સુખ નહિં આપે! પ્રેમઘેલા થઇ સપોર્ટ કરવા જાવ, તો હસતા મોઢે સપોર્ટ સ્વીકારી લેશે- પણ પ્યારની વાતોથી મોં મચકોડશે. એને ચેલેન્જ ફીલ થાય (જેમ સોનમને એની નોંધ ન લેતા અભયમાં થાય છે) તો એ ગલોટિયાં ખાઇને પાછળ પડી જશે, મેસેજીઝ કરશે અને મળવા દોડશે. પણ એને બધો લવ એક સાથે હોલસેલમાં તાસક પર શરૃઆતમાં ધરી દેશો કે મુંઝાઇને મુળ મુદ્દા પર આવવાને બદલે ચૂપ રહી આડીઅવળી રીતે એની કંપની ઝંખવા હવાતિયાં મારશો તો એ ભાવ ખાશે, આપશે નહિં! પછી એના લગ્નની કંકોત્રી મળે એમાં ગેસના બાટલા ય ગોઠવવા પડશે બહુ સારા માણસ હશો તો લગ્નની તૈયારીના!

raanjhanaa 2ફિલ્મમાં બરાબર બતાવ્યું છે એમ છોકરીઓ ખલનાયક હોય છે, એવું ય નથી. ઝોયાનું ચરિત્ર સરસ ઘડાયુ છે અને સપાટ સોનમે એ પાત્રના વળાંકો બરાબર ઉપસાવ્યા છે. ફિલ્મની ઉંચાઇ એ જ છે કે કુંદન નહિં, સર્જકની નજરમાં પણ નાયિકા ખરાબ નથી. પણ મોટે ભાગે ભણેલી, સ્માર્ટ લાગતી છોકરીઓને ય પ્રેમ કે પસંદગીની બાબતમાં પોતે શું કરે છે, તેની ખબર ખુદને ય હોતી નથી. એમનો વાંક નથી, એમની મેન્યુફેકચરિંગ ‘ઇફેકટ’ છે. (ડિફેકટ તો કેમ કહેવાય ગમતી ગર્લને! 😛 😉 ) એ ફીલિંગમા ઝોલા ખાય છે. કોઇ બદઇરાદાથી નહિં પણ સહજભાવે પોતાને પ્રેમ કરતા વ્યકિતને જ પોતે જેને પ્રેમ કરે છે, એની વાર્તાનો શ્રોતા કે એની મુંઝવણોનો મદદગાર બનાવી દે છે. એને એમાં ‘વિશ્વાસુ મિત્ર’ દેખાય છે. એક વાર ફ્રેન્ડ મોડમાં ગયા પછી ફરી મહોબ્બત મોડમાં આવવું બહુ અઘરૃ, બહુ ફિલ્મી છે. ખાસ કરીને ત્રીજો ખૂણો હોય ત્યારે. માટે છોકરી લવની દરખાસ્તના જવાબમાં આપણે ફ્રેન્ડશિપ કરીએ એવું કહે કે કાળોતરો નાગ ફેણ ચડાવી બેઠો હોય એમ ઠેકડો મારીને, મુઠ્ઠીઓ વાળીને નાસજો. ‘ચૂલામાં પડી તારી ફ્રેન્ડશિપ, કપાળ તારા બાપનુ’ કહી પતલી ગલીમાં છટકજો. એમાં બેઉ પાર્ટીનું ભલું છે, અને ‘પલટ’નો ચાન્સ પણ!

મગર, કમબખ્ત ઇશ્ક હૈ! જો વાદળ ફાટવા જેટલું પ્રેમનું ઘોડાપૂર હશે તો આ એટલું આસાન નહિં હોય, અને પળ પળ કપાવા, પૂરમાં તણાવા તૈયાર રહેવું પડતું હોય છે પછી! થઇ શકે તો ફિલ્મ ઇન્ટરવલમા હેપી એન્ડિંગ સાથે પૂરી. પણ પ્રેમ એવી સ્થિતિ છે કે જેમાં તમારૃં સુખ જ સામેનાના સુખમાં સમાયેલું હોય છે. યહી તો ઇશ્ક હૈ. ઝોયાની જગ્યા બિંદિયા ન લઇ શકે. આંસુઓથી સીંચીને મોગરો ખીલવવાની કળા, પ્રેમ જતાવવાની કળા ન આવડે તો એ પછી કેળવવી પડે છે. બધા પોતપોતાને રસ્તે જઇ નથી શકતાં. કોઇ કુંદન જડની જેમ ઉભો રહી જાય છે અધવચ્ચે. પછી પોતાની સહજ ભૂલ માટે જાતને કોસતો પ્રિયજનના કદમ જે કેડીએ હોય ત્યાં ચૂપચાપ પાછળ પડછાયો બની એના મુક રખેવાળની જેમ ચાલ્યા કરે છે. એના શોખ, એની પસંદને પોતાનું તળ બનાવીને પસંદ કરે છે. પોતાના દિલનું દર્દ, એના ક્ષણિક સહવાસના સ્મિતમાં છુપાવતો રહે છે. હૃદય પર રોજ બોકિસંગ રિંગ જેવા મુક્કા પડે છે. આંસુ આંખને બદલે મગજમાંથી લોહી બનીને ઝમે છે…

અને એ કંટકછાયા પ્રેમપંથ પર કંકુને બદલે લોહીના પગલાં પાડતા ચાલતા ખામોશ પાગલની ભીતર પરમાત્માનો આવાસ થાય કારણ કે એનું અંતર રોજ નીતરી ચોખ્ખું થાય છે, એ ત્યાગ અને બલિદાનનું જીવતું ગીત બને છે. કારણ કે મુળ વાત છે પ્રીત માટે ફના થઇ જવું, પોતાના જીવથી વધુ અન્યને ચાહવું. એમાં અકલ કે પર્દે પીછે કર કે ઘુંઘટ કે પટ ખોલ, તો હે પિયા મિલેંગે! ઉસી કો પાના, ઉસી કો ખોના… નૈનો સે ના કુછ દેખા જાતા હૈ, નૈના મીંચો તો વો સબ દિખ જાતા હૈ… જહાં પે વો ના, વહાં પે સૂના !

એટલે ફિલ્મનું કૈલાસ છેલ્લે આવે છે. પ્રેમમાં સમર્પિત થઇ ખતમ થતો નાયક નવો નથી, પણ એનો સંવાદ નવો છે. બહુ જાણીતો થયેલો એ સંવાદ સમશેર જેવો ધારદાર છે. હજુ દિલમાં રાખની નીચે અંગારા છે- પણ સાલા, અબ ઉઠે કૌન? કૌન ફિર સે મેહનત કરે દિલ લગાને કી, દિલ તુડવાને કી. યે લડકી આજ ભી હાં બોલે તો મહાદેવ કી કસમ વાપસ આ જાયેંગે… લેકિન અબ સાલા મૂડ નહિ હૈ!

હા, આ ધોબીપછાડ ખાધી હોય એને સમજાય કે આ પ્રેમના ચક્રવ્યૂહમાં પુનરપિ જન્મમ, પુનરપિ મરણમની જેમ પીસાવું કેવો કાતિલ અનુભવ છે. ફરીને કોણ એ કરે? હવે એ ઇનોસન્સ, એ થ્રિલ, એ ચાર્મ ઘસાઇ ગયો હોય. એ મજાઓ પાછળની સજા દેખાઇ ગઇ હોય. હવે થાક લાગે એક વાર જે ઉત્સાહ હતો એ ઓસર્યા પછી! લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન મુજબ પહેલા- બીજા-ત્રીજા કોળિયા પછી સ્વાદ ફિક્કો થતો જાય…. પ્રેમ તો દુનિયા દંગ રહી જાય, એવો કરીએ પણ જવા દો, એની કદર કેવી થાય છે, એ જોયા પછી મૂડ નથી!

છતાં ય ફિલ્મના અંતની જેમ નવા નવા ‘રાંઝણા’ પેદા થતા રહેવાના ! અગર મિલે ખુદા તો, પૂછુંગા ખુદાયા… જીસ્મ મુજે દે કે મિટ્ટી કા, શીશે સા દિલ ક્યો બનાયા ? ઔર ઉસપે દિયા ફિતરત કે વો કરતા હૈ મુહોબ્બત… વાહ રે વાહ તેરી કુદરત, ઉસ પે દે દિયા કિસ્મત !

 ફાસ્ટ ફોરવર્ડ

‘સાચો પ્રેમ એકતરફી હોય તો પણ શું એ પ્રેમ નથી? જયારે તમે કોઇને તમારૃં અસ્તિત્વ જ આપી દો અને બદલામાં પ્રેમને બદલે (શારીરિક નહિં તો) માનસિક ત્રાસ પણ સતત સહન કરો, ત્યારે તમે એના ગળાબૂડ પ્રેમમાં હો છો. લાગણીને ના સમજનારાથી અલગ થઇ જવાનું બોલવું સહેલું છે, પણ વાસ્તવિકતા એ છે કે એ હેરાન કરે કે તિરસ્કાર કરે તો ય દૂર ના જઇ શકો! પોતાના અવગણના કરતા પોતાને જે સ્થાન જોઇતું હોય, એ સ્થાન પર બીજાને જુએ ત્યારે સહન ન થઇ શકે. જીયા ખાનની જેમ કોઇ આત્મહત્યા કરે, કોઇ જીવતા રહીને રોજ મરે!

(શૈલેષ સગપરિયા)

raanjhna 5

 

 
 
%d bloggers like this: