ઉપ્સ, ગરબડગોટાળો !મૂળ તો આ રવિવારે સ્પેકટ્રોમીટરમાં નવી રિલીઝ થયેલી સુપરમેન ફિલ્મ ( મેન ઓફ સ્ટીલ ) પરના લેખના અનુસંધાનમાં અગાઉની ફિલ્મ ( સુપરમેન રીટર્ન્સ – જે એની ટીકા છતાં મને તો ખુબ ગમેલી..સરસ રોમેન્ટિક એન્ડ રિયલ ફિલ્મ હતી ) રિલીઝટાણે લખેલા બે લેખો અહીં બ્લોગ પર મુકવાના હતા કારણ કે એમાંના એક નિરીક્ષણનું અનુસંધાન વર્તમાન લેખમાં હતું. ( જાતે જ પીઠ થાબડી લેવાનો મોકો ય 😉 lolzzz ) સતત પ્રવાસને લીધે બે લેખો સેવ કરીને રવિવારે અપલોડ કરવા રાખેલા. પણ ભૂલમાં જુનો અનએડિટેડ ડ્રાફ્ટ જ ક્લિક થઇ ગયો. પછી એ જોવાયું જ નહિ. હજુ ભુજ આજ રાતના કાર્યક્રમ માટે જવાનું છે એમાં જેમ તેમ કરી ટાઈમ કાઢી આ ડેમેજ કંટ્રોલ કરી લઉં છું. સોરી ફ્રેન્ડસ, ટાઈપની ભૂલો ને કોઈ પૂર્વાપર સંબંધ વિના જ રજુ થઇ ગયેલા બે લેખો માટે. હવે નવો લેખ પણ જરૂરી કાપકૂપ સાથે એમાં લિંક આપ્યા ઉપરાંત પણ જોડી જ દીધો છે. જેથી સળંગ સમગ્ર વાંચી શકાય. ત્રણે લેખો એકસાથે જોડ્યા છે, પણ કલર ટોન ડિફરન્ટ રાખ્યો છે. ટાઈપિંગની ભૂલો ગઈ કાલે હતી, એ શક્ય તેટલી સુધારી લીધી છે. ડેરડેવિલ, ઈલેકટ્રા વાળો જસ્ટીસ લીગનો જૂની ભૂલનો સુધારો સૂચવવા માટે રીડરબિરાદર ભાવિનનો સોરીસહ આભાર 🙂
પહેલા બે લેખો તો મેં હું ૨૦૦૬માં જર્મની હતો, ત્યાં બેઠા બેઠા લખ્યા હતા. ત્યારે બ્રાયન સિંગર એક્સ મેનથી અને ક્રિસ્ટોફર નોલન બેટમેન બિગીન્સથી કોમિક બૂક કેરેક્ટરના ફિલ્મી અવતાર માટે જાણીતા યુવા નામો હતા. સિંગરનો સુપરમેન ઓછી એક્શનનાં લીધે બ્રાન્ડોન રૂથ દંતકથામય અને સુપરમેન બનવા જ અવતરેલા ક્રિસ્ટોફર રીવ પછી સારો સુપરમેન હોવા છતાં ફિલ જોઈએ તેટલી સફળ નાં થઇ, અને નવી ફિલ્મ નોલાને લખી ને પ્રોડ્યુસ કરી. સાત વરસમાં તખ્તો પલટાઈ ગયો. સિંગર હવે વુલ્વરીન લઈને આવે છે. પણ નોલાન આગળ નીકળી ગયા. સુપરમેનમાં ભરપુર એક્શન ઉમેરવા ઝેક સ્નાઈડરને સાથે રાખીને. જેમને પહેલી વાર લોઈ લેનને અગાઉથી જ બધા રહસ્યોની ખબર હતી એવું લોજીક પણ બતાવ્યું છે , અને સુપર પાવરની સુપર સાઈડ ઈફેક્ટ પણ હોય એવું તબાહીનું નુકસાન પણ ! એમ તો એમાં એક સેટેલાઈટ પર બ્રુસ વેઇનનો લોગો બતાવ્યો છે, અને એક બિલ્ડીંગ પર લેક્સ લુથરની કંપનીનું સાઈનબોર્ડ છે.
સુપરમેનની પહેલી અને બીજી ક્લાસિક ફિલ્મ્સ મેં મમ્મી-પપ્પાની આંગળી ઝાલી, એ વખતે રાજકોટ ગેલેક્સીમાં જોઈ છે. એના ઘણા કોમિક્સનું કલેક્શન આજે ય મારી પાસે હિન્દી /ગુજરાતી / અંગ્રેજીમાં છે. ફોરેનનો ફિલ્મથી પરિચયમાં આવેલો એ પહેલો સુપરહીરો હતો. અને એ રીતે એ સદાય સ્પેશ્યલ છે. પણ આ પોસ્ટ ફક્ત કોમિક બૂક સુપરહીરોના ફેનની નથી. એથી આગળના ઘણા જીવનઉપયોગી અર્થઘટનો એમાં છે !
કઈ સાલ પહલે કી એક બાત હૈ…!
આપણે ત્યાં આઝાદીની ચળવળો અને ગોળમેજી પરિષદો કે દાંડીયાત્રાઓ થવાની હતી. મોહનદાસ કરમચંદ ગાંધી સામાન્ય માનવીમાંથી ‘મહાત્મા બનીને દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા હતા, એ અરસામાં અમેરિકામાં બે દોસ્તો સ્કૂલેથી ભાગીને ખેતરો અને ગુફાઓમાં અલગારી રખડપટ્ટી કરતા. એમની એક ફેવરિટ અવાવરૂ ગુફા હતી એક મિત્ર કેનેડિયન હતો, એનું નામ જો શૂસ્ટર અને બીજો અમેરિકન હતો એનું નામ જેરી સીગલ. એકને કલમ સાથે દોસ્તી, બીજાને પીંછી સાથે ! એક શબ્દોથી ચિત્રો દોરે, બીજો ચિત્રો બનાવી જોનારના મનમાં શબ્દો ઉભા કરે !`
એક રાત્રે ગુફામાં બેઠા-બેઠા બંનેને એક પાત્ર સર્જવાનો વિચાર ઝબુક્યો કોલસાથી એક આકાર ભીંત પર એમણે દોરવાનો શરૂ કર્યો. એક બોલે, બીજો સુધારા કરે.
ફાઇનલી 1932માં એ કેરેક્ટરના ઘાટ ઘડાઈ ગયા. લાડમાં જેને ‘જાંગીયો પેન્ટની ઉપર પહેરે તે’ એવો એ સુપરમેન રચાઈ ગયો એનું નામ અતિ પ્રભાવશાળી છતાં અતિ સરળ હતું. બસ, સુપરમેન ! બેઉ ભાઈબંધો જુવાન હતા ડિટેક્ટીવ કોમિક્સ (પછીથી ‘ડીસી` ઉર્ફે ડાલ્ટન કોમિક્સ)ને પોતાની ચિત્રવાર્તા વેચવા ગયા. પોતાના મૌલિક આઇડિયાની એમને ખુદને ખબર નહોતી, અને ભોળા સર્જકોની દગાખોર દુનિયાને કદી કદર હોતી નથી. કહેવાય છે કે શૂસ્ટર અને જેરી સીગલે સર્જેલું, ચિતરેલું, વિચારેલું સુપરમેનનું પાત્ર અને એની કહાણી ડીસી કોમિક્સે તમામ હક હિસ્સા સાથે, ફૂલ એન્ડ ફાઇનલ ફક્ત ત્રણસો એક ડોલરમાં ખરીદી લીધી પછીથી પણ કોઈ રોયલ્ટી નહિ ! 1938માં ‘એક્શન કોમિક્સ’ ના ટાઇટલ નીચે સુપરમેનનો પહેલો ઇસ્યૂ બહાર પડયો !
સુપરમેન કદી સુપરહિટ ગયા વિના રહે ખરો ? રાજાની કુંવરીની માફક જ એની લોકપ્રિયતા કૂદકે ને ભૂસકે વધવા લાગી… વર્ષો સુધી એ કોમિક્સની દુનિયાનો સરતાજ રહ્યો. સુપરમેન પરથી પછી ટીવી સીરીયલ્સ જ નહિ, ચાર-ચાર હોલિવુડ ફિલ્મો બની. સ્વર્ગસ્થ ક્રિસ્ટોફર રીવ એનું પાત્ર ભજવીને ઇતિહાસમાં અમર થઈ ગયો. 30મી જૂને, 2006ના રોજ ‘સુપરમેન રીટર્ન્સ’ નામની પાંચમી ફિલ્મ જગતભરમાં રજૂ થવાના પડઘમ ગાજ્યા.
પણ જગતભરના પીડિતોને અન્યાય દૂર કરનારો આ સુપરમેન પોતાના ઘડવૈયાઓનો અન્યાય આજીવન દૂર ન કરી શક્યો. સીગલ અને શૂસ્ટર બંને આ દુનિયામાં આજે પણ નથી. પણ એમના પાત્રથી કરોડો રૂપિયા રળી લીધા. કોમિક્સ કંપનીઓ, ટી.વી. ચેનલો, માર્કેટીંગ કંપનીઓ, ટોય કંપનીઓ, ફિલ્મ પ્રોડયુસરો એક્ટરો… બધાએ ! પરંતુ, એ બે બદનસીબોને એમાંથી ફૂટી બદામ પણ ન મળી ! એમણે તો ખોબે ભરાય એટલા દામમાં દરિયો ઉલેચાય એવો ખજાનો ખાલી કરી નાંખ્યો હતો. પાછળથી મિડિયાના અહેવાલો અને લોકજાગૃતિને લીધે એમને થોડું વળતર મળ્યું, પણ દુનિયા બદલી નાંખનારો એમનો – આઇડિયા એમની ભૂલે કે એમની ઉસ્તાદીથી ઉલ્લુ બનાવનારા શોષણખોરોની છેતરપીંડીને લીધે એમને ફળ્યો જ નહિ. સુપરમેન વેચાઈ ગયો, સીગલ-શૂસ્ટર ખોવાઈ ગયા !
* * *
સુપરમેનનું સર્જન થયું, એ કાળમાં પશ્ચિમી દેશોમાં સાયન્સ ફિક્શનનો નશો બરાબર ચડયો હતો. પણ સુપરમેન જેવું આધુનિક પાત્ર કોઈ સર્જી શક્યું નહોતું. સુપરમેનની કહાણી – સરળ છતાં (કે એટલે જ) સરસ રીતે ગૂંથાયેલી હતી.
ક્રિપ્ટન નામનો એક ગ્રહ હતો. દૂર આકાશગંગાના એ ગ્રહ પર પણ માણસો જેવી જ વસ્તી હતી. ત્યાં પ્રલયની સંભાવના આવી. સુપરમેન ત્યારે તો તાજું જ જન્મેલું બાળ હતો. એના માતાપિતાએ એને એક ‘સ્પેસ કેપ્સ્યુલ’માં મૂકીને અવકાશમાં મોકલી, પ્રલયમાંથી બચાવી લીધો. પોતે ભસ્મીભૂત થઈ ગયા. સુપરમેન ત્યારે માત્ર મામુલી બચ્ચા તરીકે એક નિઃસંતાન પ્રૌઢ દંપતીને પૃથ્વી પર (નેચરલી, અમેરિકામાં) મળી આવ્યો. એમણે અવકાશયાન પડતાં અચાનક મળી આવેલા બાળકને દીકરાની જેમ ઉછેર્યો. નાનપણમાં જ પોતાની અલૌકિક શક્તિઓનો સુપરમેનને અહેસાસ થયો એનામાં અપાર બળ હતું. એ પૂરપાટ ઝડપે પવનને ચીરીને આસમાનને ચૂમવા ઉડી શકતો. એની આંખોનું વિઝન એક્સ-રે વિઝન કપડા જ નહિ, કોંક્રીટની દીવાલો વીંધીને અંદર જોવા સક્ષમ હતું અને ‘ડેઇલી પ્લેન્ટ’ (જૂનું નામ ‘ડેઇલી સ્ટાર’) છાપામાં ચશ્મીસ ખડ્ડૂસ રિપોર્ટર ક્લાર્ક કેન્ટ તરીકે જોડાયો. મોટા શહેરમાં બનતા દરેક ક્રાઇમની ફોટોગ્રાફર દોસ્તી જામી પત્રકાર તરીકે એને ખબર પડે, અને ચપ્પટ પટિયા પાડેલા વાળ અને માસ્તરિયો કોટ-ટાઇ છોડી એ રેડ-બલ્યુ કલરના એવરગ્રીન ડ્રેસમાં દુશ્મન સામે જંગ છેડવા ઝૂકાવી દે ! સાથી રિપોર્ટર લુઈસ (લોઈ) લેન સાથે નવરાશમાં એ તારામૈત્રક રચે ! રૂડી રૂપાળી લુઇસને ક્લાર્ક કેન્ટ દીઠ્ઠો ન ગમે, પણ સુપરમેન પાછળ એ ઘેલી ઘેલી થઈને ફરે ! (સારઃ છોકરીઓને સુપરમેન સીધોસાદો, શાંત સ્નેહાળ પ્રેમી બનીને સાક્ષાત પ્રગટ થાય તો પારખતા નથી આવડતું, એમને આકર્ષવા માટે સ્ટાઇલ, પાવર એન્ડ ચાર્મ જોઈએ !)
સુપરમેન પૃથ્વી ગ્રહ પર ક્રિપ્ટન ગ્રહના બાળક કાલ-એલમાંથી સુપરમેન કેવી રીતે બન્યો ? એનું કારણ એવું અપાયું છે કે પૃથ્વીના પીળા સૂર્યને લીધે સુપરમેનના શરીર ફરતું ઊર્જા કવચ રચાયું. (સન ઓફ સન ગોડ ? ) એ એલીયન (બહારના ગ્રહનો) હોઈ અહીંના વાતાવરરણમાં કિરણોત્સર્ગી અસરને લીધે દિવ્ય શક્તિઓનો સ્વામી બની ગયો ! પણ સુપરમેનની નબળાઈ એના જ ગ્રહક્રિપ્ટનનો લીલો ક્રિપ્ટોનાઇટ પદાર્થ હતો, જેની હાજરીમાં એની તમામ શક્તિ હણાઈ જતી ! એના સુપર વિલન લેક્સ લૂથરને એ બરાબર ખબર હતી !
* * *
બીજા વિશ્વયુદ્ધને લીધે સુપરમેનને પ્રગટતા વેંત જ અપરંપાર સફળતા મળી. સુપરમેન થોડા દાયકાઓમાં તો ફેન્ટમ, ટારઝન, મેન્ડ્રેક, સ્પાઇડરમેન, બેટમેન જેવા લોકપ્રિય કોમિક હીરોઝને હટાવીને અમિતાભ બચ્ચન બની ગયો. એનો અમેરિકન રાષ્ટ્રધ્વજમાંથી આવેલો એવો રેડ બ્લ્યુ કલરને પેપ્સીએ અપનાવી લીધો. એની નકલમાં કેટલાય નવા પાત્રોનું સર્જન થયું એ આજે પણ ચિત્રપટ્ટીનું પાત્ર નહિ બલ્કે એક વિશેષણ છે એની જેમ પાછળ લબાદો રાખીને ફરવાની કે કપાળે વાંકી લટ રાખવાની ફેશન ચાલી નીકળી. એની ફિલ્મના પણ ઉપરાછાપરી ચાર ભાગ બની ગયા ! સમય મુજબ લેખકો સુપરમેનની આજુબાજુનું બેકગ્રાઉન્ડ આધુનિક બનાવતા ગયા… સુપરમેન અમેરિકન સમાજનો ઇશ્વર થઈ ગયો !
પણ જમાનો બદલાયો, એમ જનરેશન ફાસ્ટ બનતી ગઈ. ધીરે ધીરે સુપરમેનના વળતા પાણી શરૂ થયા. હળવે હળવે એની ચિત્રવાર્તાઓ ઘટતી ચાલી. એ લગભગ બંધ પડી ગયા પછી – 1986માં જોન બેયર નામના લેખકે ડીસી કોમિક્સ માટે જ ‘મેન ઓફ સ્ટીલ’ તરીકે એનો પુનર્જન્મ કરાવ્યો. જૂના સુપરમેનની વાર્તામાં ઘણાં ફેરફારો સાથે મોડર્ન સુપરમેન રજૂ થયો. આ સુપરમેન ‘ટેસ્ટ ટયુબ બેબી’ તરીકે (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) જન્મેલો બતાવાયો હોઈને એ પૃથ્વી પરનો જ માનવી સિદ્ધ કરાયો… 1990માં સ્પેશ્યલ વેડિંગ આલ્બમ બહાર પાડીને એના લગ્ન કરાવ્યા (અફ કોર્સ, એની સ્વીટહાર્ટ લુઈસ લેન સાથે… આ કોમિક્સ છે, જીંદગી નથી કે એમાં પ્રેમ નિષ્ફળ જાય !) નવા ખલનાયકો આવ્યા બેટમેન, રોબિન, વન્ડરવુમન,ગ્રીન લેન્ટર્નસાથે સુપરમેનની દોસ્તી બતાવાઈ. ફ્લેશ ઇત્યાદિ સાથે મળીને ‘જસ્ટીસ લીગ ઓફ અમેરિકા` (જે.એલ.એ.)ની સુપરમેને સ્થાપના કરી.
પણ કોમ્પ્યુટર યુગ પારણામાંથી પોકારો કરતો હતો. કોલ્ડવોર (રશિયા સાથેની) પૂરી થઈ ગઈ હતી. અમેરિકા સુપરપાવર બની ગયું હતું. હવે સુપરમેન એટલો મહાન દેખાતો નહોતો અંતે 1993માં ‘ડ્રમ્સ ડે` નામના વિલન સામે બાથ ભીડતા એને માર્યા પછી પ્રેમિકા લુઈસ લેનની બાહોમાં સુપરમેન મરી પરવાર્યો ! પછીથી ‘સુપરબોય` નામે એના ભૂતકાળના પરાક્રમો અને બ્લેક સિલ્વર ડ્રેસમાં ‘કાર્લ એલ` નામે એના બીજા ગ્રહના પરાક્રમો થોડા સમય પ્રગટ થયા પણ પછી બાળકો માટે વિડિયો ગેઇમ્સના નવા અજીબોગરીબ એબ્સર્ડ સુપરહીરો આવતા ગયા કાર્ટૂન નેટવર્ક, પોકેમોન, નવા સ્વરૂપે ફિલ્મોથી છવાયેલા બેટમેન અને સ્પાઇડરમેન… આમાં સુપરમેને રિટાયર થયા વિના છૂટકો નહોતો ! મેચ્યોર્ડ પબ્લિકને અતિશય પરાક્રમી ‘સુપરહીરો’ કરતાં ‘હ્યુમન હીરો’માં વધુ રસ પડતો, અને યંગ કિડ્સ માટે સુપરમેન આઉટડેટેડ હતો.
પણ દિગ્દર્શક બ્રાયન સિંગરે ખૂબ બધી તલાશ પછી બ્રોન્ડોન રૂથને લઈને ‘સુપરમેન રીટર્ન્સ’ ફિલ્મ બનાવી વર્ષો બાદ. ( જે જૂની વન અને ટુપછીની સિકવલ છે.થ્રી-ફોર નબળી હોઈ ને !) એ સફળ છતાં થોડી નબળી પડતા હવે નોલન સ્નાઈડરે એને રીબુટ કરી કહાની એકડે એકથી માંડી છે ) કિંગકોંગ પાછો આવ્યો, સ્પાઇડરમેનને સુપર સક્સેસ મળી… એક્સમેને વિક્રમી કમાણી કરી છે ! માટે દેખીતી રીતે નવા સુપરમેન માટે તકો ઉજળી છે. જેમ્સ બોન્ડની માફક સુપરમેન બ્રાન્ડ ફરી સજીવન થશે ? ક્રિસ્ટોફર રીવને બદલે બ્રોન્ડોન રૂથ કે હેનરી કેવિલને લોકો નવો ચહેરો હોવા છતાં સ્વીકારી લેશે ? સુપરમેનની નવી ફિલ્મ કેવી હશે ?
આ બધા સવાલો કરતાં પણ વધુ અગત્યના કેટલાક સવાલો છે. સુપરમેનનું સપનું માનવજાતને કેમ આવ્યા કરે છે ? અમેરિકાની વાસ્તવિક જિંદગીમાં સુપરમેનનો કશો રોલ ખરો ? જગત માટે સુપરમેનનું પાત્ર કઈ રીતે કોમિક્સ હીરોથી જરાપણ વિશેષ સંદેશો લઈ આવે છે ?
***
ગોડ ઈઝ ડેડ.
ઈશ્વર મરી ચૂક્યો છે – આ એક વાક્ય લખીને જર્મન ફિલસૂફ ફ્રોડરિક નિત્શેએ સર્જેલો ખળભળાટ હજુ શમ્યો નથી. અલબત્ત, આજે આ વાક્યની ચર્ચા કરીને સૂતેલા સર્પને છંછેડવો નથી. પણ ઈશ્વરનો ઇન્કાર કરનાર આ જીનિયસ ચિંતકે એક કલ્પના કરી હતી. એ હતી ‘ઓવરમેન`ની કલ્પના. ઈશ્વરમાં માણસ જે અલૌકિક શક્તિઓ આરોપિત કરે છે, એ ક્યારેક એ પોતે પણ ધરાવી શકે… એવો કંઇક એનો સૂર હતો. દેવતાઈ અવતારોની રાહ જોવા કરતાં માનવમાંથી જ કોઈ ગાંધી, આઈન્સ્ટાઈન, અમિતાભ કે કાસ્પારોવ જેવો ‘ઓવરમેન` પેદા થઇ શકે છે. નિત્શે કરતાં જુદા જ એવા આધ્યત્મિક એંગલથી મહર્ષિ અરવિંદે એમની ખૂબ જાણીતી એવી ‘અતિમનસના વિસ્તાર` વાળી વાત તરતી મૂકી હતી. માણસમાં પેઢી દર પેઢી વધુ સ્માર્ટ, વધુ તેજસ્વી બાળકો પેદા થતાં જાય છે. પૃથ્વી પર આવા પ્રચંડ મેધાવી પ્રજ્ઞાપુરુષો (અને અફકોર્સ સ્ત્રાeઓ)નું પ્રમાણ વધતું જશે અને નકામા, નિર્બળ, નિસ્તેજ, નિર્માલ્ય માનવીઓનું અસ્તિત્વ કુદરત જ ઘટાડતી જશે. (ડાર્વિન મીટ્સ ડિવાઇનિટી !) કોમ્પ્યુટરયુગના કદમ પછી આમ પણ માણસ વધુ હોશિયાર અને ચબરાક બનતો જતો હોય એવું નથી લાગતું ?
ખેર, બકરી અને માણસમાં ‘મેં… મેં… મેં…`નો ધ્વનિ સરખો જ નીકળે છે. કોમિક હીરો સુપરમેનના ડ્રેસ પર જો ‘એસ` લખેલો દેખાતો હોય, તો દરેક કોમિક જીંદગી જીવતા કોમનમેનની છાતી પર પણ કેપિટલ ‘આઈ` કોતરાયેલો હોય છે. અલબત્ત, એ કદી દેખાતો નથી ! સુપરમેનનું સપનું એ આપણો જ વિરાટ પડછાયો છે. અજેય, અભેદ્ય, આકર્ષક, અદ્ભુત અને અલૌકિક વ્યકિતત્વની માનસિક તલાશનો જવાબ !
* * *
ધાર્મિક પુરાણકથાઓ હોય કે વિદેશી કોમિક બુક…. દરેકના, અરે ફાલતુ ફિલ્મોના પણ વીરનાયકોમાં આટલી વાતો તો લાગુ પડવાની. સ્પાઇડરમેનથી ટારઝન અને હનુમાનથી હરકયુલીસ સુધી આ બધી વાતોના છેડા લંબાવીને ગૂંચળું વીંટાળી શકાય. પણ ‘સુપરમેન’ નામનો એક જમાનાનો અમેરિકાની ઓળખાણ જેવો હીરો આ બધી ફિલસૂફી ઉપરાંત પણ કંઈક જુદી જ માયા ધરાવે છે. આખી દુનિયા જેમાંથી બટકું ભરવા માંગે છે, એ ‘બિગ એપલ’ (ન્યૂયોર્કનું હુલામણું નામ) પણ એમાં છુપાયેલું છે, અને એની ડાળી જેવા યુ.એસ.એ.ના મેગ્નેટનું મેજીક પણ!
પૃથ્વી પરનો એકમાત્ર સત્તાવાર સુપરપાવર એવો દેશ ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા` આખરે શું છે ? એનાં મૂળિયાં શું ? એનો ઇતિહાસ શું ? એની સંસ્કૃતિ શું ? ભારતમાં જ નહિ, યુરોપમાં પણ લોકો આ સવાલોને હંસીમજાક અને ટીકાટિપ્પણનો મુદ્દો બનાવે છે. પ્રમાણમાં પછાત ગણાતા ભારતથી લઇને હાઈ ટેક ગણાતા જર્મની… દરેક દેશની નવી પેઢી અમેરિકન કલ્ચરમાં કંઇક વિશેષ આનંદ અનુભવે છે. અમેરિકાના ખરા અસ્તિત્વને માંડ બે સદી થઇ છે, પણ જગતભરની નદીઓ આ સમુદ્રમાં ઠલવાઇ જવા માટે બે કાંઠે ઉભરાઇ જાય છે. અને એટલે જ યુ.એસ.એ.નું નામ છે : કન્ટ્રી ઓફ ઇમિગ્રન્ટસ ! પરદેશી પંખીડાંઓ ઉર્ફે બહારના વસાહતીઓનો દેશ ! ભારતીયો, ચાઈનીઝ, સ્પેનિશ, મેકસિકન, ફ્રેન્ચ, બ્રિટિશ, આફ્રિકન.. અમેરિકા દરેક પ્રજા, દરેક રંગનું છે !
લોહિયાળ આંતરવિગ્રહ અને વિકરાળ રંગભેદ જોઈ ચૂકેલા અમેરિકામાં મુખ્યત્વે આજે મહત્ત્વ વ્યકિત કઈ ભાષા, દેશ, રંગ કે જાતની છે, એનું રહ્યું નથી, મહત્ત્વ છે, એની ક્ષમતાનું, એની પ્રતિભાનું અને એની આવડતનો ઉપયોગ કરવાની તથા આર્થિક વળતર મેળવવાની આઝાદીનું ! દેશમાં યુ.એસ. વિઝા કોન્સ્યુલેટ સામે લાગતી લાંબી કતારો આ ‘લેન્ડ ઓફ લિબર્ટી`ની ઇમેજને આભારી છે. અમેરિકન કલ્ચર (જો એવું કંઇ હોય તો) શા માટે રવાના શીરાની જેમ લસરક દરેકના ગળે ઉતરી જાય છે ? મેકડોનાલ્ડસથી મિકી માઉસ શા માટે બધે જ એકસરખા લોકપ્રિય બને છે ? પોપસોંગ્સ, એમટીવી, ડાયનોસોર, હોલીવૂડ, હુ વોન્ટસ ટુ બી મિલિયોનર (કૌન બનેગા કરોડપતિ !), સિડની શેલ્ડન… આ બધાના ઝંડા કેમ માત્ર અમેરિકાને બદલે બધે જ લહેરાય છે ? એનાથી ક્યારેક વધુ ટેલન્ટ કે ક્રિએટિવિટી બીજા દેશોમાં હોવા છતાં દુનિયાથી દૂર સમંદરપાર બેઠેલા અંકલ સેમ (અમેરિકાનું લાડકું નામ)ની ગોદ કેમ બધાને વ્હાલી લાગે છે ? આઇન્સ્ટાઇન કે સ્પીલબર્ગ જેવા યહૂદીઓ અમેરિકન બને છે. ઓસ્ટ્રuલિયન મેલ ગિબ્સન કે નિકોલ કિડમેન અમેરિકન સુપરસ્ટાર ગણાય છે. બ્રાઝિલ, આર્જેન્ટિના ઇત્યાદિ દક્ષિણી દેશોના રિકી માર્ટિન કે જેનીફર લોપેઝ કે નીગ્રો કાર્લ લુઇસ અને મુસ્લિમ મોહમ્મદ અલી પણ અમેરિકન થઇ જાય છે. બ્રિટિશ જેમ્સ બોન્ડ અને ફ્રેન્ચ ઓપેરા અમેરિકામાં જીવંત છે. જર્મન ‘સિન્ડ્રેલા` અને આફ્રિકન ‘લાયન કિંગ` અમેરિકન છે !
આ કોયડો ઉકેલવાની ઘણી ચાવીઓ છે, જેમાંની એક ગુરુચાવી છે – સરલીકરણ ! સિમ્પ્લી ફેકેશન ! અમેરિકા પર હજારો વર્ષોના ભવ્ય અને ભાતીગળ ઇતિહાસનો બોજ નથી. જેમ શાસ્ત્રીય સંગીત કરતાં રિમિક્સ પોપ વધુ સરળ લાગે છે, એમ અમેરિકન લાઇફસ્ટાઇલ એન્ડ કલ્ચર પણ સમજવા – અપનાવવામાં સરળ છે. દાખલા તરીકે, અમેરિકન ટ્રેડિશનલ ડ્રેસ શું ? જીન્સ-ટી શર્ટ ! અમેરિકન ટ્રેડિશનલ ફૂડ શું ? ઇટાલિયન પિત્ઝા ! અમેરિકન ઝંડાના રંગો પણ બ્રિટિશ છે. ભૂતકાળના નામે કોલંબસની એન્ટ્રી પછી ખતમ થઇ ગયેલા રેડ ઇન્ડિયન્સ છે.. અને બોલીવૂડ કે ભાંગડા પણ ત્યાં ગુંજી ઊઠે છે.
આવું કેમ થયું ? ફક્ત પ્રયત્નોથી થયું નથી. આપમેળે થયું છે. બિકોઝ યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ એ નેશન ઓફ ઇમિગ્રન્ટસ ! માટે અવનવા દેશ અને બેકગ્રાઉન્ડના માણસોને સમજાય અને અપીલ કરે એવો જીંદગીની મોઝમજાનો નકશો તૈયાર થતો ગયો છે. પણ દૂધમાંથી દહીં, દહીંમાંથી છાશ, છાશમાંથી માખણ અને માખણમાંથી ઘી નીતારવાની… એક ‘મેલ્ટિંગ પોટ’ સર્જી દેવાની પ્રક્રિયા આસાન નથી. એમાં ઘણુ પીલાવું પડે છે. કાળા લોકો કે એશિયન લોકો રાતોરાત સ્વીકૃત નથી થયા… હજુ પણ બહારથી સ્વસ્થ દેખાતા શરીરમાં અંદર શ્વેતકણો અને રોગના જંતુઓ વચ્ચેનું યુધ્ધ ચાલુ જ છે.
* * *
સુપરમેનનું પાત્ર દાર્શનિક રીતે અમેરિકન જીવનમાં આ ‘ઇમિગ્રન્ટસ`નું પ્રતિનિધિત્વ કરે છે. સુપરમેન ઉર્ફે કાલ એલ ઉર્ફે કલાર્ક કેન્ટ અમેરિકન બોર્ન સિટિઝન નથી ! એ દૂરની આકાશગંગાના ગ્રહ ક્રિપ્ટનનો વતની છે ! એના મૂળ, એનું કુળ, એની ખરી ભાષા, એનું ખરું કુટુંબ બધું જ અલગ છે. એના ગ્રહમાં જે સામાન્ય ગણાય એવી બાબતો પૃથ્વી પર અસામાન્ય શક્તિરૂપ ગણાય છે ! એને એની આગવી ઓળખાણ – ‘સ્પેશ્યલ આઇડેન્ટીટી` અમેરિકામાં (કે ધરતી પર) મળે છે, માટે હવે પૃથ્વી અને પૃથ્વીવાસીઓ એને પોતીકા લાગે છે. છતાં ય ઘણી વખત પોતે પૃથ્વીવાસી નથી, એ સત્ય નકારાત્મક રીતે (મોટે ભાગે ખલનાયકો દ્વારા નબળાઇ તરીકે) એની સામે વિકરાળ મોં ફાડીને ઉભું રહે છે ! એ વખતે જગત ઉપરાંત ટકી રહેવા માટે એણે જાત સાથે પણ લડવું પડે છે. એની પ્રેયસી લોઇ લેને પણ આ સત્ય સ્વીકારીને એને પ્રેમ કરવો પડે છે… અને એક ‘બહાર`નો માણસ અમેરિકન જીવનમાં લોકપ્રિયતા, પ્રેમ, પરિવાર, પ્રતિષ્ઠા બધું જ મેળવે છે. એ અમેરિકન સિટીઝન બનીને અમેરિકાના દુશ્મનો સામે લડે છે.
પણ સુપરમેનની લડત જ્યોર્જ બુશ જેવી પૂર્વગ્રહ કે સ્વાર્થપ્રેરિત નથી. એ બાળકોનો નાયક છે, ચૂંટણીનો નેતા નથી. એ લડે છે ન્યાય, સત્ય અને શંિતની ખાતર ! જે વળી બીજી રીતે જોઈએ તો પરમેશ્વરના પાશ્ચાત્ય પ્રતિનિધિ એવા ઇસુ ખ્રિસ્તનો સંદેશો છે. બાઇબલની કથાઓ અને ચર્ચના પોલિટિકસને બાજુએ મૂકો તો આ ગાંધીજીના સંદેશ જેવી ‘યુનિવર્સલ’ વાત છે. જાનના જોખમે પણ સુપરમેન આ મૂલ્યોને વળગી રહેવાની કોશિશ કરે છે. અને એ સંઘર્ષમાં પરિવારને પણ દાવ પર લગાડીને મોતના મુખમાં પહોંચે છે. ‘મેન’માંથી ‘સુપરમેન’ બનેલા મહાત્મા મોહનદાસ ગાંધીએ પણ આ જ પરાક્રમ કરી બતાવેલું ને ?
સુપરમેનના કેરેકટરની એક ઓર સ્પેશ્યાલિટી પણ છે, જે રાજ કપૂરે પોતાની ફિલ્મોમાં આબાદ ઉપસાવી હતી. એક નાના ગામડાનો માણસ મોટા શહેરમાં આવીને પોતાની જાતને સાબિત કરવાનો જંગ છેડે એ વાત ભારત આસાનીથી સમજી શકે છે. ગંગા કિનારેવાલા કંઇક છોરાઓ આજે મુંબઇના ‘મોટા માણસો` બની ગયા છે. ચરોતરનાં ગામડાંઓમાં રહેતા પાટીદારો ઇમિગ્રન્ટ તરીકે અમેરિકા જઇને પોતાનો પાવર બતાવે છે. અભણ પટેલો પરદેશમાં કોઠાસૂઝ અને આપબળના જોરે મોટા વેપારી બની જાય છે. દક્ષિણ ભારતના લૂંગીધારી ગામડિયાઓ બિલ ગેટની ‘સિલિકોન વેલી’ના સર્જકો બને છે. પંજાબ દા પુત્તરો સરસોં કા ખેતમાંથી નીકળીને દુનિયા હલાવી દે છે.
જર્મનીના જ નહિ, યુરોપના આર્થિક મહાનગર ગણાતા ફ્રેન્કફર્ટના ગગનચુંબી સ્કાયક્રેપર્સની ટોચે આવેલી ઓફિસમાં મેકેન્ઝી મેનેજમેન્ટ કન્સલ્ટન્સી જેવી વિરાટ કંપનીના ડાયરેકટર ક્રિસ્ટોફ વોલ્ફ બેઠા છે. એ વારંવાર ભારત આવે છે. ભારતીય વાનગીઓ રાંધી જાણે છે. અને એમને લાલુ પ્રસાદ યાદવ એકદમ ફની અને લવેબલ પોલિટિશ્યન લાગે છે ! લાલુને વગર કારણે પણ કોઇ પરદેશી શા માટે યાદ કરે ? કારણ કે, લાલુએ એક બ્રાન્ડ ઉપસાવી છે. ‘ગમાર દેહાતી’. મોટા શહેરોમાં જઇને સિક્કો જમાવે એની ઓળખના જોરે એણે મત ઉસેટયા છે. માટે અંગ્રેજી આવડતું હોવા છતાં એ બોલે નહિ, હજામ હાજર હોવા છતાં હેરસ્ટાઇલ ફેરવે નહિ !
નાના ગામમાંથી મોટા શહેરમાં વટ પાડી દેવાની વાત બહુમતી જનતાને હીરોઇક લાગે છે. આ પણ એક બહુ મોટું યુધ્ધ છે, અને એના વિજેતાઓ સલામીને લાયક છે ! સુપરમેન પણ ‘સ્મોલવિલે’ નામના નાનકડા ગામમાં ઉછરેલો છે. અને પછી ‘મેટ્રોપોલિસ’ (જે દેખાવે અને સ્વભાવે ન્યૂયોર્ક જ છે !) જેવા કાલ્પનિક મહાનગરમાં સુપરમેન તરીકે સ્થાપિત થાય છે ! ‘સ્મોલ’થી જે ભડવીર નર કે નારી ‘મેટ્રો’ સુધી પહેચાન બનાવીને પોતાના જૌહર બતાવે – એ દરેક સુપરમેન કે સુપરવુમન છે.. ભલે ને એમની કોમિકબૂક, ટીવી સિરિયલ કે ફિલ્મો ન બને…. કે આવા લાંબાલચ વિશ્લેષણવાળા લેખો એમના પર ન લખાય !
***
સો નેચરલી, રિલિઝ થતા વેત અમેરિકા અને ભારતમાં પણ બોક્સ ઓફિસ પર સુપરપંચથી ભુક્કા બોલાવતી સફળતા મેળવી રહેલી ‘મેન ઓફ સ્ટીલ’ ફિલ્મના ગર્ભાધાનની પણ પહેલા એમાં સુપરમેનના ચરિત્રના જે પાસા પર ભેજાભાજોએ ભાર મુક્યો છે, એની ચર્ચા સાત સમંદર પાર ગુજરાતી ભાષામાં આગોતરી જ થઇ ચુકી છે ! મેન ઓફ સ્ટીલ ન બનો, તો યે બ્રેઇન ઓફ સ્કિલ બનો- યારો, જમાનો સુપરથોટ્સનો છે !
અને ધૂમધડામની વચ્ચે પણ કશીક ઉમદા થોટફૂલ વાત કહેતી ફિલ્મ જોયા પછી થોટ્સ આવવા સ્વાભાવિક છે. વાત ફક્ત ફિલ્મની પણ નથી. વાત તો ધ સુપરમેનની છે. એક એવો કેમિક્સ આઇકોન જે અમિતાભની જેમ અલ્ટીમેટ મહાનાયક છે. જે દેશ અને પેઢીઓની ઉંમરની સરહદો વટાવીને પણ પોતાના કાલ્પનિક અસ્તિત્વનો વાસ્તવિક વિજયવાવટો ફરકાવવા સક્ષમ છે. બચપણમાં ગુજરાતના ગામડા સુધી આ ડીસી કોમિક્સના સહકારથી ‘સ્ટાર કોમિક્સ’માં જેની કથાઓ ફેન્ટમ-મેન્ડ્રેકની માફક ગુજરાતી- હિન્દીમાં પણ ડીએનએ પર ઇમ્પ્રિન્ટ થઇ ચૂકી છે. ભલે સ્પાઇડર-નોલાન એને પ્રયત્નપૂર્વક પોતાના ડાર્ક-ગ્લૂમી- ઉડી ગયેલા ઝાંખા રંગોવાળા બેટમેન / ૩૦૦ વિશ્વમાં એની ફિલ્મ લઇ આવ્યા, કારણ કે એ આજકાલ ‘ચાલે’ છે.
પણ આ સુપરમેનનું અસલી વિશ્વ નથી. સુપરમેન કોમિકસના પાનાઓ પર પણ બ્રાઇટ, વાઇબ્રન્ટ રંગોની છોળો છવાયેલી રહેતી. એ મેઇનસ્ટ્રીમ હીરો હતો. જયારે સુપરમેન ન હોય ત્યારે ‘ડેઇલી પ્લેનેટ’ અખબારમાં કલાર્ક કેન્ટ તરીકે કામ કરતો. એમાં ય ચશ્મા પહેરે કે વાંકડિયા ઝૂલ્ફાવાળા વાળને પાથી પાડે એમ એ ન ઓળખાય એવું ન્હોતું. કારણ કે, સુપરમેન ચહેરો માસ્કથી ઢાંકનારો હીરો નથી. પણ કલાર્ક કેન્ટની પર્સનાલિટી જ સુપરમેનથી સાવ ઓપોઝિટ હોય. એ ગફલતો કરતો ગૂફી, નર્વસ એવો નરમ, હ્યુમરસ એવો હસમુખો ને ડિસીપ્લીન્ડ એવો ડાહ્યોડમરો જ હોય! એટલે એના પર શંકા જ ન જાય!
પણ સુપરમેન કોમિકસ સુપરહીરોઝના યુનિવર્સમાં, કહો કે ઓલ્ટરનેટ રિયાલીટીમાં સ્પેશ્યલ છે. આ વર્ષે જયારે ૧૯૩૮માં એનું બે જવાન છોકરાઓએ સર્જન કર્યું, એને ૭૫ વર્ષ થઇ રહ્યા છે, ત્યારે પણ એ એકો અહમ, દ્વિતીયો નાસ્તિ જેવો જ અજોડ રહ્યો છે. એ કેવી રીતે મેચલેસ, એકસકલુઝિવ છે- એનો બહુ જ સચોટ ખુલાસો જીનિયસ ફિલ્મમેકર કવાન્ટીન ટેરેન્ટીનોએ એની સુપર એકશન થ્રીલર ફિલ્મ “કિલબિલ”ના બીજા ભાગના એક સંવાદમાં આપ્યો છે :
દરેક સુપરહીરોની દંતકથામાં એક સુપરહીરો હોય છે, અને એક એનો ઓલ્ટર ઇગો. (યાને દુનિયાને દેખાડવાનું એક સ્વરૂપ, બીજી પહેચાન!) બેટમેન ખરેખર તો બ્રુસ વેઇન છે. સ્પાઇડરમેન- વાસ્તવમાં પીટર પાર્કર છે. એ જયારે સવારે ઉઠે છે, ત્યારે પીટર પાર્કર છે. એણે સ્પાઇડરમેન બનવા કોસ્ચ્યુમ પહેરવો પડે છે. (ડિટ્ટો ફેન્ટમ, આયર્નમેન, હલ્ક, કેપ્ટન અમેરિકા, કેટ વુમન ઇત્યાદિ) અને અહીં સુપરમેન એકલો બીજાથી અલગ ઉભો છે. ટટ્ટાર, સુપરમેન તો જન્મજાત જ સુપરમેન છે. એ જન્મ્યો છે જ સુપરમેન તરીકે (જેમ કે, ભારતના ચમત્કારિક અવતારો) એ સવારે ઉઠે છે ત્યારે પણ સુપરમેન જ હોય છે. આમ આદમી કલાર્ક કેન્ટ બનવું એ એનો ઓલ્ટર ઇગો છે! એનો છાતી પર એસ લખેલો સૂટ (જેમાંથી હવે આમ પણ લાલ અન્ડરવેર છેલ્લી ફિલ્મમાં નીકળી જતા એ ડ્રેસ જ અન્ડરવેઅર બની ગયો છે!) એના કાયમી કપડા છે. જે કલાર્ક કેન્ટ પહેરે છે, એ ચશ્મા, ફોર્મલ સૂટ-ટાઇ, હેરક્રીમ એ છેતરામણો કોસ્ચ્યુમ છે. જે એ એટલે પહેરે છે કે એ માનવજાત સાથે ભળી શકે. અને કલાર્ક કેન્ટ નબળો છે, પોતાના અંગે થોડો નારાજ છે, કન્ફયુઝડ છે, કાયર છે. આ સુપરમેન માનવજાતિને ખરેખર કયા સ્વરૃપમાં અંદરથી નિહાળે છે એનું ચિત્રણ છે. આ મનુષ્ય પરની સુપરમેનની કોમેન્ટ છે!
યસ, સુપરમેન ઇઝ બોર્ન સુપરમેન. હી ઇઝ એલીયન. એ આ દુનિયાનો નથી. બહારથી આવેલો છે. જુદો બંદો છે. એ બધા સાથે ભળવાનો અને મદદરૃપ થવાનો પ્રયત્ન કરે છે, એ એની સારપ છે. પણ એના મૂળિયા, એના શકિતઓ, એના સંસ્કારો, એનું વ્યકિતત્વ ઘડતર એને સામાન્ય સંસારથી અલગ જ રાખે છે. કારણ કે, એ કોમન નથી એટલે એ સુપર છે. અને એ સુપર છે, એટલે એકલોઅટૂલો છે. એલોન એટ ધ ટોપ. જન્મદાતા અને ઘડવૈયા માતાપિતાની હુંફ અને સાચી સલાહોથી ભરપૂર સ્મૃતિઓ સાથે પણ એ અલ્ટીમેટલી જુદો પડીને ઉભો છે.
* * *
મેન ઓફ સ્ટીલ ફિલ્મમાં અમુક જગ્યાએ જરૃર લોઢુ સ્ટેઇનલેસ સ્ટીલને બદલે કટાઇ ગયેલું છે. એકધારો ચાલતો ટ્રાન્સફોર્મર, એવેન્જર્સ જેવો સ્કાયસ્કેપર્સનો કચ્ચરઘાણ કાઢતો કલાઇમેકસ છે. નોલાન (અને એના પાળીતા સહલેખક ડેવિત ગ્રોયર)ની ડેપ્થ અદ્દભૂત હોય છે. પણ વરાયટીની રેન્જ ટૂંકી હોય છે. (એટલે જ સ્પીલબર્ગ- સુપરડાયરેકટર છે!) માટે અહીં સુપરમેનને પૂછવું પડે તેમ છે, વ્હાય સો સીરિયસ? પેલો સુપરમેન રિટર્ન્સ (૨૦૦૬)નો બ્રાન્ડોન રૂથ (જે વર્તમાન હેનરી કેવિલ કરતા વધુ સ્ટાન્ડર્ડ સુપરમેન દેખાતા) જો લવસિક દેવદાસ જેવો ઓવરસેન્ટીમેન્ટલ હતો તો અહીં એ વધુ પડતો સ્થિરગંભીર છે!
અને જે સુપરમેનના વાળ પણ કાપી શકાતા નથી, એને દાઢી ઉગે છે એ તો સમજયા પણ આગમાં યથાવત રહેતી એ દાઢી પૃથ્વી પરની કઇ ધાતુની બ્લેડથી કપાઇ? કોમિક ટચ આપતા ગાબડા પણ છે.
છતાંય મનોરંજન પછી પણ મનોમંથન કરાવે એવી મેજીકલ મોમેન્ટસને લીધે! અહી એ કોઇ ફિલોસોફિકલ સ્પિરિચ્યુઅલ એપિક બને છે, જેમ કે, સુપરમેન કરતા ‘થોર’ની વધુ હોય એવી રીતે રજૂ કરેલી ક્રિપ્ટન ગ્રહની બેકસ્ટોરી. સુપરમેનનો મૂળ ગ્રહ કેમ ખતમ થયો, એનું સચોટ અને સો ટચના સોના જેવું વિઝન અપાયું છે. બધી રીતે એડવાન્સ્ડ એવા મહાન ક્રિપ્ટનમાં જન્મતા પહેલાં જ બાળકોના ડીએનએનું કોડિફિકેશન અને મોડિફિકેશન થઇ જતું હતું. એટલે જ વર્કર કલાસના હોય એ વર્કર બને અને ઓફિસર કલાસના હોય એ ઓફિસર. સોલ્જરથી સાયન્ટીસ્ટ સુધી આ જડબેસલાક ચોકઠાં રહેતા!
જાણીતું લાગે છે ને? હા, આપણી જ વર્ણવ્યવસ્થાની કરૂણકથા છે આ હોલીવૂડ ફિલ્મમાં! દર્શન- ચિંતન- સર્જનમાં ભવ્ય વારસો ધરાવતી ભારતીય સંસ્કૃતિ ગુલામ અને પછાત કેમ બની? ક્રિએટીવિટીનો ધસમસતો ધોધ અને ઓરિજીનાલિટી કયાં સુકાઇ ગઇ? કારણ કે, બહારના આક્રમણથી નહિં, પણ અંદરની ફોલ્ટલાઇનથી પરાજય થતો હોય છે જીવનમાં! સુપરમેનના પિતા જોર-એલ ‘મેન ઓફ સ્ટીલ’માં ભાર મૂકીને આ કહે છે કે સમાજ પરના નિયંત્રણ (મર્યાદા- રૂલ્સ)ના અભિમાનમાં અમે પ્રગતિનો પાયો જ છીનવી લીધો- ચોઇસ. માણસ એની દિશા જાતે નક્કી કરે, એ પહેલાં જ જન્મથી એના પર બંધનો ઠોકી બેસાડવામાં આવ્યા. એને જાતે નિર્ણયો લેવાની સ્વતંત્રતા કે એ માટેની તાલીમ ન રહી. પરિણમે લાંબા ગાળે (અમુક મુસ્લીમ દેશોમાં બન્યું છે તેમ) ઘરેડમાં ચાલતો ક્રિપ્ટન નવા પડકારો ઝીલી બદલાવાને બદલે ભાંગી પડયો!
એવી જ રીતે આ પેરન્ટીંગના સેક્રિફાઇસની, બલિદાનની પણ કહાની છે. જન્મદાતા અને પાલક બંને પિતા, પોતાના સંતાનને હુકમો નથી આપતા, પણ એને જાતે જ દાખલો બેસાડીને મૂલ્યો શીખવાડે છે. બીજાનું ભલું કરવાના ઉચ્ચ આદર્શો કેળવવા હોય તો કશુંક ગમતું છોડવાની તૈયારીનું તપ કરવું પડે છે. અને આવા ઘડતર થકી જ ફકત ચહેરાના ઘાટ કે આંખો- વાળના રંગ કે અવાજમાં જ નહિં, પણ વ્યકિતત્વમાં પિતા (કે માતા) પુત્રમાં (કે પુત્રીમાં) જીવંત રહે છે!
‘ડુ ગુડ’ કહેવુ સહેલું છે, એટલું કરવું સહેલું નથી. પાવર સુપર હોય, તો પેઇન પણ સુપર હોય છે. દુનિયા ખુદ સામાન્ય, મીડિયોકર, નોર્મલ હોવાની એટલે પાગલથી ડરે, એમ જીનિયસથી પણ ડરે છે, તીવ્ર તેજસ્વીતા કે અદ્દભૂત રિજેકટ કરે છે કે એના વિશે ગેરસમજ કરે છે કે એનાથી અંદરખાનેથી અસલામતી અનુભવે છે. સુપરશકિતઓ કયારેક જીંદગી જીવવામાં વરદાનને બદલે શ્રાપ બને છે. સૂરજના તેજને વખાણનારા એને માટે જરૂરી તાપથી અકળાઇ જાય છે. કયારેક વધુ જ્ઞાન મનની કેદ બની જાય છે. જેમ ફિલ્મમાં બાળક કાલ એલની કોઇ પણની આરપાર જોવાની ગિફટ એના માટે ભૂતાવળનું હોરર સર્જન કરે છે!
અને સુપરમેન પણ પીડા અનુભવી શકે છે, મુંઝાઇ શકે છે, સહારાની તરસ (ફ્રાય ફેર સપોર્ટ) એને ય કોરી નાખે છે.
એક જમાનામાં સુપરમેનના કેરેકટરની સિમ્બોલિક સરખામણી જીસસ ક્રાઇસ્ટ સાથે થતી. પુખ્ત વયના બોય સ્કાઉટ જેવા ચિત્રણની પાછળ આ ઉંડાણ પણ છે. ખ્રિસ્તી ધર્મ મુજબ ગોડ (જોર એલ) સ્વર્ગમાંથી જ કાઢી મૂકાયેલા શેતાન લ્યુસિફર (જનરલ ઝોડ) સામે સચ્ચાઇ અને સ્નેહનો સંદેશ આપવા પોતાના પુત્ર જીસસ (સુપરમેન)ને ધરતી પર મોકલે છે. જે ખરતા તારાની જેમ આકાશમાંથી એક નાના ગામના નિઃસંતાન દંપતી જોસેફ-મેરી (જોનાથન- માર્થા કેન્ટ)ને મળે છે. જીસસની માફક એ ય અલગારી રખડપટ્ટી કરતા મોટો થાય છે, ગુમનામ જગ્યાએ આવેલી ફોરટ્રેસ ઓફ સોલિડયુડમાંથી, પોતાના જીવન કર્તવ્યોનો બોધ લઇ લોકો વચ્ચે પાછો ફરે છે. અને ખાસ વારસાની વિશેષતા છતાં સામાન્ય માણસો વચ્ચે તેમના જેવો થઇને રહે છે. એમને સતત દિશા બતાવી, ન્યાય અને નીતિના માર્ગે વાળવાની કોશિશ કરે છે. પોતાની ચમત્કારિક શકિતઓથી એમની મદદ કરે જ છે, પણ એથી વધુ એમના સફરિંગ (પીડા)માં બહારનો દેવતાઇ હોવા છતાં પોતાની સમજીને સંવેદનાથી સહભાગી બને છે, એમને ખાતર છેલ્લા શ્વાસ સુધી ઝઝૂમીને માણસમાં ઉંડે ઉંડે રહેલી સારપને શોધીને ઢંઢોળી બહાર લઇ આવવા મથે છે!
જે ખરા સંતો, દિવ્ય મહાપુરૃષો છે- એ જ્ઞાાતિ, ધર્મ, દેશ કે પૂર્વ-પશ્ચિમ જેવી કોઇ વાડાબંધીમાં માનતા નથી. બ્રહ્માંડ આખું એમના માટે ઘર છે. અન્યાય, અસત્ય, શોષણ, સિતમ, લાલસા, ક્રૂરતા એમના શત્રુઓ છે. પ્રેમ, પરોપકાર, પરાક્રમ એમનો ધર્મ છે. એ આસ્તિક ઉપદેશો કે જૂના જડ પરંપરાગત નિયમો ઠાલવતા નથી, પણ શિક્ષકની માફક જ્ઞાાનના અજવાળે અજ્ઞાાનનો અંધકાર ઉલેચે છે. અલબત્ત, નોલાન-ગોયર- સ્નાઇડરે (અને અગાઉ સિંગરે પણ) આ ડોનરના જુના અલૌકિક સંત સુપરમેનને ‘મેન’ યાને સહજ સ્વાભાવિક ઇન્સાન હોવા પર ફોકસ રાખ્યું છે. જેમ રૃથનો સુપરમેન પોતાની પ્રેયસીને બીજા સાથે જતી જોઇ એકસ રે વિઝનનો ઉપયોગ કરી નાખતો હતો (અને છેલ્લે પ્રેમિકાના પતિના સદ્દભાવને લીધે ભારે હૈયે બ્રેક અપનું વજન ખમી શકયો હતો) એમ હેનરીને સુપરમેન લડે-ઝગડે છે. મુંઝાય છે ‘શ્રદ્ધા રાખ તો ભરોસો આપોઆપ બેસી જશે’ જેવું આધ્યાત્મિક માર્ગદર્શન મેળવે છે. એ દુશ્મનની કતલ કરતો રૌદ્ર યૌદ્ધા કૃષ્ણ બની શકે છે. એ તમામને બચાવી શકોત અવાસ્તવિક આદર્શ નથી. એના લીધે કોલોટરલ ડેમેજ (ઇરાદો ન હોય છતાં મોટું કામ કરવા કરતાં અજાણતા કોઇને નાનું નુકસાન પહોંચે તે) સર્જાય છે, લડાઇમાં! અને એની સામેનો જનરલ ઝોડ પણ ટિપિકલ વિલન નથી. એ ય સિદ્ધાંત ખાતર, પોતાની પ્રજા માટે લડે છે. જેમ આજના અમુક માનવજાતના દુશ્મનો વાસ્તવમાં ખરાબ હોવા કરતાં પોતાના ધાર્મિક આદેશો કે ‘ખુદના અંગત નહિં પણ જ્ઞાાતિ / ધર્મ / દેશના સ્વાર્થથી આંધળા બનેલા ખલનાયકો હોય છે એમ જ!
અને એટલે જ સુપરમેન મેન ઓફ સ્ટીલ એની તાકાતથી નહિ, હાર્ટ ઓફ ગોલ્ડથી બને છે. એ ય બહારનો છે, પણ ગાંધીની જેમ બે દુનિયા વચ્ચે પ્રેમનો સેતુ ઝંખે છે. જીન્નાહની જેમ શ્રેષ્ઠતાના દાવે અલગ વસાહત નહિં, શંકાઓ વચ્ચે એ પોતાના પૃથ્વી પર હોવાનું કારણ શોધે છે, અને એ છે કે માનવીઓ એનાથી નબળા છે, કયારેક આગળ વધવા જતા પડશે, લથડશે પણ એણે એમને સૂર્યના પ્રકાશ તરફ ઉડીને લઇ જવાના છે! એટલે જ ફિલ્મમાં સુપરમેન આશાનું પ્રતીક છે. એ લડતી-ઝગડતી-ડરતી સ્વાર્થી માનવજાતનાં સુધારાની આશા છે.નવી ફિલ્મમાં તો એની છાતી પરના “એસ”ને હોપનો જ સિમ્બોલ કહ્યો છે. જુદા છે, એમાં ય ખુદા જોઇને એમની મદદે ચડવામાં એને ખૌફ કે ક્ષોભ નથી. પોતાના લોકો સામે એ આ ન્યાય અને સત્યના સિધ્ધાંત ખાતર પડી શકે છે.
ફિલ્મમાં જોનાથન કેન્ટ ઉછેરેલા દીકરાને કહે છે કે ‘તારે જ પસંદગી કરતા શીખવાનું છે કે મોટો થઇને તું કેવો માણસ બનવા માંગે છે- સારો કે ખરાબ, જેવો બનીશ એવી રીતે દુનિયા બદલાશે!’
અને ફિલ્મને કવિતાની ઉંચાઈ પર લઇ જતાં દ્રશ્યમાં રૂમમાં ભરાઇ પડેલો નાનકડો બાળક મમ્મી માર્થાને કહે છે ‘દુનિયા બહુ મોટી (અને બિહામણી) છે, મમ્મી’
અને મમ્મી કહે છે ‘ધેન મેઇક ઇટ સ્મોલ સન. મારા અવાજ પર ધ્યાન દે, અને માની લે કે એ દરિયા વચ્ચેનો આરામનો ટાપુ છે!’
