આજે સવારમાં આપણા ઉત્તમ કવિ – સાહિત્યકાર- વક્તા , સાહિત્ય અકાદમીમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા અને ભાવનગર ગુજરાતી ભાષા ભવનના કુલપતિ સમકક્ષ અધ્યક્ષ એવા શ્રી વિનોદ જોશીનો એસ.એમ.એસ. આવ્યો હું સુતો હતો ત્યારે જ. એ અહીં જેમ નો તેમ લખું છું : “beautiful. pure poetry in prose.”
મને તો સવારમાં આવા મરમીની કસોટીમાં પાર ઉતર્યાના આનંદમાં જાણે કેરીના રસમાં ધુબાકા માર્યા હોય એવું લાગ્યું ! ઋતુને સંવેદી એના અલગ અલગ પાસાનાં રસિક વર્ણન વ્યક્ત કરવાની ભારતમાં પ્રાચીન પરમ્પરા હતી. આપણા સંસ્કૃત સાહિત્ય જેવા ઋતુવર્ણનો જગતમાં ક્યાય નથી. વિશ્વના સૌથી પ્રાચીન મહાકાવ્ય રામાયણમાં પણ ઋતુઓના અત્યંત માદક વર્ણનો જોવા મળે. દરેક કવિએ હિંદી ફિલ્મોમાં ગીત ફરજીયાત હોય એમ એ ગાવા જ પડે. પ્રકૃતિની રસિક તથા રૌદ્ર છટાઓનાં વર્ણનોમાં કલ્પનાશીલ દ્રશ્યો ગૂંથવાના અને સાથે નર-નારીના ઈરોટિક રોમાન્સની ફીલિંગ વણી લેવાની કારણ કે એ આનંદનું ચરમ શિખર હોય છે. ઋતુવર્ણનોથી સરસ્વતીની સાધનાના એ વારસાના પ્રતિનિધિ તરીકે બચપણમાં વાંચેલી પ્રાચીન ભારતીય કૃતિઓની અસરમાં મેં પણ શિયાળો, ઉનાળો અને ચોમાસું ( તથા ઋતુલેખો ઉપરાંત આનુષાન્ગિક / related પર્વો-ઉત્સવો યાને ફેસ્ટીવલ્સ પર) લખવાનું શરુ કર્યું. પણ નકલના ભાવથી નહિ એટલે એ ખેડાણ કરી ચુકેલા ગુજરાતી / સંસ્કૃતના ભારતીય સર્જકોને અંજલિ આપી એવા જ ભાવ અનુભવી ચુકેલા પરદેશી સારસ્વતો સાથે એમનું અનુસંધાન જોડીને ક્લાઈડોસ્કોપિક ઈફેક્ટ ઉભી કરવાની – પણ સંકલન નહિ – એમાં પોતીકા નિરીક્ષણ ઉમેરવાના. ખુદના અવાજ અને આજના ધબકતા આધુનિક જમાનાનો સ્પર્શ ઉમેરવાનો. સંદર્ભોને મસાલા તરીકે લઇ ખુદના અનુભવો / વિચારોનું સ્પાઈસી શાક વઘારવાનું! ભારતીય સંસ્કૃતિને સલામી આપવાની મારી અનેક છુપી સાઝિશ હોય છે : જેમ કે, આ ઋતુસાહિત્યનુ નવસંસ્કરણ !
આવી રીતે રસિકતાથી છલોછલ અને મોસમના અવનવા સારા-ખરાબ રંગોને ઝીલતા લેખો લખાતા જાય છે. જેમ કે, વરસામાં રોમાન્સ જ આવે એમ નહિ- એના વર્તારાનું વિગન, એનો વિશાળ કે એના સાઉન્ડનું મેજિક કે એના ફિલ્મગીતો કે એના દ્રશ્યો….!એ પ્રકૃતિપ્રેમી પૂર્વસૂરિઓના સર્જન અને મારા પોતાના સ્પંદન સુધી ભાવકને પહોંચાડી નવા પ્રકૃતિપ્રેમીઓ ઘડવા માટે સેતુ પણ બને છે. અત્યાર સુધીમાં ફક્ત ઋતુઓ પર જ મારા સીઝનલ ચાલીસેક લેખ થયા હશે. જેમાં વિજ્ઞાનથી લઇ પ્રેમ, ધર્મથી લઇ પ્રવાસ, લોકપરંપરાથી લઇ સાંસ્કૃતિક જીવન : પહેરવેશથી ખાણીપીણીની છાયાઓ ઝીલી છે. અંગ્રેજીના ક્વોટસ, ગુજરાતીની કવિતાઓ અને સંસ્કૃતના શ્લોકોએ એમાં મારી “થીમ” તણા ચંદરવામાં ભરેલા વેલબુટ્ટાની ગરજ સારી છે. તો દૂહા-શાયરીઓ જાણે એને શોભાવતા આભલા બન્યા છે. સાહિત્ય અને ( લેખનાં ફોટા હું જ મોકલાવતો હોઈ ) ફોટોગ્રાફી કે પેઈન્ટીંગ સાથે પણ એની મહેક ફેલાઈ છે. પણ હર વખતે કોઈને કોઈ નવો જ એન્ગલ લઇ હું ઋતુઓને આકંઠ ગટગટાવતો એના લેખનમાં સારી પડું છું. શૃંગાર તો પેલા કાવ્યશાસ્ત્રવિનોદેન રૂપ પ્રધાન ભાવ વિશ્વભરમાં પ્રત્યેક કાળમાં અને પ્રત્યેક કળામાં ય હોવાનો જ. પણ આટઆટલા લેખો છતાં ભાગ્યેજ કોઈ નિરીક્ષણ કે પંક્તિ કે કિસ્સા/કહાનીનું એમાં પુનરાવર્તન થયું હશે. મતલબ દરેક વખતે ઋતુ એક જ હોય પણ એના રંગ નવાનવા હોય એમ નવી નવી અનુભૂતિઓ ઈશ્વરકૃપાથી સાંપડતી રહી છે ! મૂળ તો આ જ હોય છે, એમાં ઉછીની અક્કલ કે કોઈની નકલ કામ નથી કરતી – હું હમેશા ભારપૂર્વક કહું છું એ : I feel, I express…therefore i am ! આ લેખોએ બહારની જ નહિ, મારી અંદરની મોસમનો મિજાજ પણ બ-ખૂબી ઝીલ્યો છે. એ એક અદ્રશ્ય ડાયરી છે પાનખરથી વસંત સુધીની !
પ્રકૃતિને, વાતાવરણને આપણી આસપાસના સચરાચરને સરાબોર થઇ વિજળીના કરંટનાં સુવાહકની માફક ફીલ કરવું પડે અંદરથી, અને પછી એમાંથી આથો આવે એ એક્સપ્રેશન ! જે કાલ મુજબ બદલાય એ તો સહજ સાર્વત્રિક પરિવર્તન છે. ગુજરાતીમાં લલિતનિબંધ વાડીલાલ ડગલી, સ્વામી આનંદ કે કાકાસાહેબ કાલેલકર ઇત્યાદિએ લખ્યા પછી પોતપોતાની શૈલી લઇ સુરેશ જોશી, ગુણવંત શાહ, મધુ રાય, ચંદ્રકાંત બક્ષી, સૌરભ શાહ, અનિલ જોશી, રમેશ પારેખ, મકરંદ દવે, સુરેશ દલાલ વગેરે આવ્યા – જેમાં આગળના મહાનુભાવોનો પડઘો વૈશ્વિક બન્યો. હવે ગ્લોબલાઈઝડ જનરેશનનો – ડિજીટલ યુગનો નવો-તાજો-જુદો-આગવો અવાજ હોય કે નહિ ? પણ જામી પડેલી લીલ જેવા ચીકણા બુઝુર્ગો એ સમજવા-સાંભળવા-સ્વીકારવા તૈયાર જ નથી હોતા. અને નવી પેઢીના ઘણા ય મિત્રો પોતાના સમયનો સાદ પાડવાને બદલે ચાંપલી ફીલસુફીની લપસણી પર ગલોટિયાં ખાધા જ કરે છે ! એમના અલાયદા ઓબ્ઝેર્વેશન્સ કે સ્પેશ્યલ સ્ટાઈલ એટલે ખાસ બનતી નથી. અસર લાંબી રહેતી નથી. બાકી, મારો તો જાતઅનુભવ છે- ઓડિયન્સ ફૂલડે વધાવવા બેઠું જ છે. હું થોડો કંઈ ઘેર ઘેર વાહવાહી ઉઘરાવવા જાઉં છું ? પણ એક સચ્ચાઈનો અને સર્જકતાનો નવીન-હસીન રણકો છે જે ગૂંજે છે ને ગમે છે!
આ ઋતુલેખો કદી મેં આગોતરા લખીને નથી રાખ્યા. એવો મૂડ જ નથી આવ્યો. આમ પણ મારા લેખો હું કદી રિ-રાઈટ પણ કરતો નથી. ફર્સ્ટ ડ્રાફ્ટ ઈઝ ફાઈનલ ડ્રાફ્ટ. પણ બદલાતી મોસમની પશુ-પંખી-પુષ્પ-પહાડ-પાણીને લાગે એવી એક કિક લાગે અંદરથી. બહારની સીઝન અંદરથી રિઝન આપે લખવાનું. હમખયાલ દોસ્તો સાથે ક્યારેક ચર્ચા થાય..કશુંક વાંચેલું અંદરથી ઉગી આવે કોળેલા બીજની જેમ. એટલે સારું નરસું બધું જ ઝીલાય. સિતમગર બફારાથી લઇ શીતલજલ બારિશ સુધી ! કંઈ કેટલાય ડિફરન્ટ કલર્સ ઝીલતા જાય છે કિસ્મ કિસમની મોસમના. માણસે મશીન ના બનવું હોય તો વેધરકોકની જેમ એટલા વાયરા તો ઝીલતા રહેવા જોઈએ આસપાસના વાતાવરણના : પછી એ ઝરણ હોય કે રણ – બેઉની પોતપોતાની બ્યુટી છે, બેઉના પોતપોતાના ડેન્જર છે !
પણ આર્ગ્યુંએબલી, ગુજરાતીમાં કોઈએ નથી લખ્યા એટલા સૌથી વધુ અને સર્વાધિક વૈવિધ્યસભર આટઆટલા ઋતુલેખો લખ્યા ( ૪૦+ એન્ડ સ્ટિલ કાઉન્ટીન્ગ! ) , ઋતુસંહારનાં મેઘદૂત કાલિદાસને આ બહાને અર્ધ્ય આપ્યા ત્યારે એનું ગરદન ટટ્ટાર થાય એવું ગૌરવ થાય ને વિનોદભાઈ જેવા જાણતલ જોશી સામે ચાલીને એની નોંધ લે ત્યારે ચરબીના ભાર છતાં છાતી ગજ ગજ નહિ તો ય ઇંચ ઇંચ ફૂલે ( સર્જકને પોતાના જ સારા સર્જન માટે ચાહત કે માન ના હોય તો બીજાઓને ના જ હોય – અને આજના વિદ્વાન વિવેચક વિહોણા અને ડી.જે.ધમાલ યુગમાં પોતાનું પાટિયું પોતે જ ચિતરવું કાળગણનાની આર્કાઈવલ વેલ્યુ માટે ય ફરજીયાત ડ્યુટી છે – એટલે આ સ્વાભાવિક પ્રેમનાં ગુલાલને ગુમાન મારવાની ભૂલ ના કરશો ! ) અને નુક્ક્ડના પાનવાળાથી કિચનની ગૃહિણી સુધી, શ્વેતકેશી મર્મજ્ઞથી લઇ સોનાકેશી કોલેજગર્લ સુધી, ઉદ્યોગપતિથી લઇ ટેકનોક્રેટના હ્રદય સુધી આ રસિક ઋતુલેખો તડકા, ઠંડક કે વરસાદની માફક એકસરખી રીતે પહોંચ્યા એનો પરમ સંતોષ પણ હોય…પણ પણ પણ..આ આનંદમાં અફસોસ પણ છે. આ મામલે હું લાસ્ટ ઓફ ધ મોહિક્ન્સ હોઉં એવું લાગે છે. કોઈ આવી રીતે ઋતુલેખો પરીક્ષાઓમાં નિબંધો લખીને, ક્લાસરૂમમાં ભણાવી ભણાવી મોટા થયા છતાં લખતું નથી. થોડુંક વરસાદ પર લખાય અને બાકી યદાક્દા જે નજરે ચડે એ એનું એ જુનું કોહવાઈ ગયેલું ! નવો ઉન્મેષ નહિ, નવા સ્પંદન નહિ! ઋતુઓ તો દર વરસે આવે તો ય આપણે વિકસીને બદલાતા હોઈએ ત્યારે કેવી નવી નવી થાય ? આખરી મુઘલની જેમ શું હું ઋતુલેખોનો અંતિમ અધ્યાય હોઈશ ગુજરાતીમાં ? એવો વિચાર ટાઢનાં લખલખાં કે ઉનાળુ લૂ જેવો પીડાદાયક છે ! ક્યાં છે નવી મોસમ ?
વેલ, આ બધું ભીતર પેટાવવા માટે ફરી વાર થેન્ક્સ વિનોદભાઈ. અને ગયે વખતે અનિરુદ્ધસિંહ ગોહિલનું ફેસબુક પર એક કાવ્ય વાંચ્યું ને ઉનાળા પર લેખ લખાઈ ગયેલો. આ વખતે બસ એ.સી. વિના રાજકોટની ગરમીમાં શેકાતા જલતા હૈ બદન ગીત ( જુઓ છેલ્લે વિડીયો ) યાદ આવ્યું ને અડધે સુધી એ માટે ઉનાળાને કોસતો અને પછી એમાં ય પોઝિટીવ જોઈ એને બાહોંમાં ભીંસતા આજના અનાવૃતનો વધુ એક લેખ આ રહ્યો , ના વાંચ્યો હોય તો વાંચો લાલ લિંક પર ક્લિક કરીને ( એમાં ઝિંગ થિંગ કૃણાલ દર”જી”નું છે, અને પ્લસ સાઈઝ બિકીની વાળા ઈનપુટ માટે શુક્રિયા મુર્તઝા પટેલ, ને લેખ સાથેની તસ્વીર જાણીતી રૂપલલના કેટી પ્રાઈસની છે 😛 ) :
તડકાની તલવાર, સૂરજની સરકાર : પ્યાસ ભડકી હૈ સરે શામ સે, જલતા હૈ બદન…!
* અને લેખમાં છેડે મુકેલી કવિતા મૂળ અંગ્રેજીમાં પીનલ લવ મહેતાના સૌજન્યથી :
I like my body when it is with your body.
It is so quite new a thing.
Muscles better and nerves more
I like your body. I like what it does.
I like it hows, I like to feel the spine.
of your body and its bones ,
and the trembling –firm–
smoothness and which I will
again and again and again
kiss, I like kissing this and that of you.
I like, slowly stroking the
shocking fuzz of your electric fur, and
what–is–it comes over parting flesh….
And eyes big love — crumbs ,
and possibly I like the thrill
of under me you so quite new.
——-E.E. Comings