સ્ટોન માઉન્ટન વિષે તો તમે વાંચ્યું છેલ્લા અનાવૃતમાં ( સંદર્ભ : આ પોસ્ટ ).
આજે ચાલો એની તસ્વીરી સફરે. ( રીડરબિરાદર જયેશ કામદારનો આભાર, ઈમેજ રિસાઇઝરના સુચન માટે ) પણ એ જોતા પહેલા થોડી વધારાની વાતો. ખાસ તો બે યાદગાર અનુભવોની.
અમેરિકન ઇતિહાસના મહત્વના રાજ્ય જ્યોર્જીયાનું એટલાન્ટા નગર બહુ વિખ્યાત છે. કોકોકોલાની ફેક્ટરી અને વિશ્વનું સૌથી મોટું એક્વેરિયમ પણ ત્યાં છે અને સીએનએનનું હેડક્વાર્ટર પણ છે. એટલાન્ટામાં બહુ મજા પડેલી ગયા વર્ષે હું ગયો ત્યારે એ કાર્યક્રમની વાત ફિર કભી. મારી ટેવ મુજબ પ્રોગ્રામ પતાવી થયેલી આવક ખર્ચી નાખવા હું તો અમેરિકામાં જ્યાં હોઉં ત્યાં લહેરથી ફરવા નીકળી જાઉં.એમાં સ્ટોન માઉન્ટન જવાનું સુચન મળ્યું.
એ જ દિવસે સવારે ભવ્ય કન્વેન્શન સેન્ટરમાં વ્યાખ્યાન પૂરું કર્યું. ખૂબ બધા મળવા આવ્યા. પણ હું પૂરું જમવા ય રોકાયો નહિ. આયોજક યજમાનો પ્રવીણભાઈ પટેલ અને જીગ્નેશ પંડ્યાને મારી અલગારી રખડપટ્ટીની વાત અગાઉ જ કરેલી. મારી હોટલ તો એરપોર્ટ પાસે હતી અને સ્ટોન માઉન્ટન તો ખાસ્સો દુર સમા છેડે. કાર તો હતી નહિ. એટલે પહેલા ટ્રેનમાં બેઠો. બે વાર ટ્રેન બદલાવી.
પણ સ્ટોન માઉન્ટનની દિશામાં લાસ્ટ સ્ટોપ પર ઉતર્યા બાદ ગરબડ શરુ થઇ. ત્યાં જવા માટે ( એટલે કે એથી નજીકના ગામ જવા માટે ) બસ પકડવી પડે એમ હતી અને ત્યાં ઉભેલા જૂજ વ્યક્તિઓમાંથી કોઈને સાચી બસ વિષે ખબર નહોતી. એટલે વળી એક બસમાં બેસી બે સ્ટોપ પાછળ ગયો, જ્યાં થોડું મોટું બસ સ્ટેન્ડ હતું. એમાંથી જે બસ નંબર મળ્યો એમાં બેઠો.
આ બસ એક કાયામાં ભીમપલાસી પણ હસમુખા પ્રૌઢ બ્લેક આંટી ચલાવતા હતા. એમને પહેલા જ પૂછી લીધું, અને એમણે અચરજ થાય એવા વ્હાલથી યોગ્ય જગ્યાએ ધ્યાન ખેંચીને ઉતારી દેવાનું પ્રોમિસ કર્યું. પછી ખ્યાલ આવ્યો કલાકેકની મુસાફરીમાં કે એમાં અચરજનો પ્રશ્ન નહોતો, આ તો એમનો સ્વભાવ હશે. બસ નાની બસ્તી કહેવાય એવા ગ્રામીણ ઇલાકાઓમાંથી પસાર થતી હતી. પણ પેલા ડ્રાઈવર આંટી – જેમનું નામ માર્થા હતું , એને લગભગ બધા જ નિયમિત “અપ-ડાઉનીયા” પેસેન્જર ઓળખતા હતા ! બધા એની સામે હાથ હલાવી વાત કરતા ચડે-ઉતરે..અને માર્થાને પણ બધાના નામ યાદ હોય, દરેકને પૂછે, કૈક વાત કરે. અરે, બસ જ્યાં રોકાય ત્યાં ય દુકાનવાળા કે અમુક ઉભેલા છોકરડા પણ એને ઓળખીને હાય માર્થા કહી બોલાવે. સ્કુલથી આવતી બચ્ચીઓ અને ધ્રુજતા હાથે દરવાજો પકડતા વડીલો પણ ! માર્થા પણ “સબ અપની અપની સમાલિયો”ના એ “મલક”માં મલકાતા મલકાતા બધાને અભિવાદન કરતા જાય. હું ઉતરવામાં ગાફેલ ના રહું એ ખાતર એમની નજીકની સીટ પર બેસી એ જોયા કરું.
એમનો પહોળા સ્મિત અને ઉત્સાહથી છલકાતો ચહેરો અત્યારે ય મને યાદ છે. જાણે રાજકુમાર હિરાણીની ફિલ્મનું જાદુ કી ઝપ્પી વાળું કોઈ વાસ્તવિક પાત્ર ! જે રીતે એમનું બધા સાથે કનેક્શન હતું એ જોતાં એમના સ્નેહાળ વ્યક્તિત્વના વર્ષો સુધી વાવેતરનો આ પડઘો જ હશે એમ લાગ્યું. એમણે સામે ચાલીને મને સ્ટોપ આવતા યાદ રાખીને બોલાવ્યો. પાછા ફરવા અંગે ય સામેથી જ પૂછ્યું. અને આ બાબતે અભિમન્યુની અદામાં પૂરી ખબર વિના જ નીકળી પડવાનું મારું સાહસ પારખી, સલાહ આપી કે છેલ્લી બસ રાતના ૧૨ વાગે આવશે. એ માટે સામેની કઈ જગ્યાએ ઉભવું એ ય કહ્યું અને એમાં ચડી ક્યાં ઉતરી ટ્રેન સ્ટેશન સુધી પહોંચવું એ પણ વગર પૂછ્યે કહ્યું !
અને પછી હું તો નાના નાના કોટેજ જેવા સરસ મકાનો વીંધતો જ્યોર્જીયાની પસીનો વાળી દેતી ગરમીમાં ચાલ્યો સ્ટોન માઉન્ટનની વાટે.
બીજો અનુભવ ત્યાં થયો. એ જગ્યા વિષે તો મેં લખ્યું જ છે. એમાં પહોંચ્યા બાદ હું તો બાળકોના પાર્કમાં ફર્યો, સ્મૂધી પીધું અને ગ્લાસ ફેક્ટરી તથા ૪ડી ફિલ્મ પણ જોઈ. પેલું કોતરકામ થયું એ અંગેનું મ્યુઝિયમ પણ. જ્યોર્જીયામાં ત્યારે અંધારું રાતના ૮ પછી થાય, રઝળપાટ બાદ થાકીને નાસ્તો કરવા સ્ટોન માઉન્ટન સામે બધા શો જોવા ગોઠવાતા હતા એ પહેલા એક મોટા સ્ટોર કમ રેસ્ટોરાંમાં ઘુસ્યો. ત્યાં પહેલા બધું લઇ પછી બિલીંગ કાઉન્ટર પર જવાનું હતું. મેં ચિપ્સ, કોક ઝીરો, એક મલ્ટીગ્રેઇન બ્રેડ એ બધું લીધું. પણ આઈસ મશીનમાં આઈસ ખતમ હતો. એની ફરિયાદ કરી એ આવે એની રાહ જોઈ. કાઉન્ટર પરની એકલી છોકરી જ બધું મેનેજ કરતી હતી. અને સ્ટોર તથા ભીડ વધુ હતી. તો ય લાઈન ( ક્યુ) શિસ્તબદ્ધ હતી. ત્યાં શોનો ટાઈમ થયો એટલે બધી સામગ્રી લઇ ઝટ ભાગ્યો. અને દસેક ડોલરના બિલનાં પૈસા ચુકવતા તો ભૂલી જ ગયો !
લેસર શો લહેરથી માણ્યો. ( એમાં પહાડ તૂટવાની થ્રીડી ઈફેક્ટ તો લાજવાબ ! )પછી યાદ આવ્યું પૈસાવાળું. એક પળ માટે થયું કોણ હવે પાછું જાય? જાને દો, કિસ કો થા પતા કિસ કો થી ખબર ? પણ તરત અંદરથી અવાજ ઉઠ્યો કે એમણે ગ્રાહકની પ્રમાણિકતા પર મુકેલા ભરોસાનું આવું વળતર આપવાનું ?
ફરી ગયો, એ બંધ કરતી હતી ત્યાં જઈ વસ્તુઓ ગણાવી પૈસા ચૂકવ્યા. છોભીલો પડું એવી એક કોમેન્ટ કે વર્તન નહોતું. ઓહ ઈઝ ઇટ સો ? કહી એ લેતી વખતે એણે તો મને લેસર શોમાં મજા આવી કે નહિ? એ પૂછ્યું !
જસ્ટ એક શેરિંગ. એવી રીતે પૈસા ગુપચાવ્યાના ક્ષણિક આનંદ કરતા એ આપીને અનુભવેલી કાયમી હળવાશનો આનંદ વધુ હતો !
બધા તો વાહનો લઇ લઇ ભાગ્ય , ને બંદા તો એકલા જ ચલ ચલા ચલ મોડમાં હતા. ધીરે ધીરે સાવ નિર્જન અને ઝાંખી કુદરતી રોશનીવાળો રસ્તો રાતના થતો ગયો. અમેરિકાની મારી લાઈફ લાઈન અને મારા તમામ અનુભવોના પ્રથમ શ્રોતા જેવા મિત્ર અલ્પેશને ફોન કરી થોડી વાતો કરતા કરતા ચાલ્યો. દિવસના ભાગમાં ચાલવા કરતા રાતના ભાગમાં ચાલવું જુદો જ અનુભવ હતો અજાણ્યા દેશના દૂરના વિસ્તારમાં સાવ નિર્જન એકાંત. હા, વચ્ચે એક પોલીસ પેટ્રોલિંગ કાર નીકળી. રોડ પર ઉભી રહી અને ઓફિસરે દુરથી બૂમ પડી મને પૂછ્યું ” ઈઝ એવરીથિંગ ઓલરાઈટ ? ” મેં હાથ હલાવી સબ સલામતનો સંકેત આપતા એ ય ગાયબ થઇ ગઈ. એટલાન્ટા ક્રાઈમ માટે ય કુખ્યાત છે, પણ હું એકલો તો ક્યાંય હોતો જ નથી. શાહોનો શાહ મારી સંગાથે હોય જ છે. મેં તો એ વાતાવરણ મોબાઈલ કેમેરામાં વિડીયો શૂટ પણ કરી લીધું છે 😀
બસ સ્ટોપ પર પણ એકાંત. અને વચ્ચે વચ્ચે ખુલ્લી કારમાં મ્યુઝીક અને ડ્રીંક તથા ગર્લ્સ સાથે નીકળતા ફિલ્મોમાં દેખાય એવા ઘરેણાઓથી સજ્જ સ્નાયુબદ્ધ બ્લેક પીપલ. સહેજ કુતુહલથી જુએ, અને ફરી પોતાની મસ્તીમાં.
આવા તો બેસુમાર સ્થળોના અઢળક અવનવા અનુભવો મારા મનમાં ટૂંટિયું વાળી પડ્યા છે. પણ ઘણા વખતથી બ્લોગબડીઝ માટે કશું લંબાણથી લખ્યું નહોતું એટલે એમાંથી એક ખૂણો સાફ કરી સ્પેશ્યલી અહીં લખ્યું. હવે માણો સ્ટોન માઉન્ટનની તસ્વીરી ઝલક. અમેરિકામાં બાળકોને લઈને બધા ફરે છે એ ય દેખાશે. 😉
(કમિંગ અપ નેક્સ્ટ : મોરજીમ બીચ અને કુંભલગઢ )