RSS

Monthly Archives: April 2013

હી-મેન હનુમાનઃ તુમ રક્ષક કાહુ કો ડરના?

તલગાજરડા ખાતે મોરારિબાપુના સાન્નિધ્યમાં અસ્મિતાપર્વ-૧૬માં હનુમાનસ્તુતિ પ્રસ્તુત કરતા કવિતા કૃષ્ણમૂર્તિ પુત્ર સાથે.

તલગાજરડા ખાતે મોરારિબાપુના સાન્નિધ્યમાં અસ્મિતાપર્વ-૧૬માં હનુમાનસ્તુતિ પ્રસ્તુત કરતા કવિતા કૃષ્ણમૂર્તિ પુત્ર સાથે.

હનુમાનજયંતી ( ૨૦૧૧ ) એ લખેલો આ લેખ કદી જુનો થવાનો નથી. કટોકટીમાં સંકટમોચન હનુમાનચાલીસાથી મળતા આત્મબળનો જાતઅનુભવ આ બંદાને છે, માટે આ લેખ પર્સનલ ફેવરીટ પણ છે. ૨૦૧૩ના અસ્મિતાપર્વની હનુમાનજયંતીએ સમાપ્તિ માં મોરારિબાપુએ  “મારા હનુમાનને માત્ર ભજનો જ નથી સંભળાવવા, ફિલ્મ ગીતો પણ સંભળાવી પ્રસન્ન કરવા છે ” એવું હળવાશથી કહ્યું એ સાથે ‘શિવતંત્ર’ને ટાંકી ચિદાનંદ ચિરંજીવ શિવસ્વરૂપ હનુમાન શબ્દ, સુર, લય, તાલ, નૃત્યના પંચરંગી અધિષ્ઠાતા બજરંગી છે – એવું માર્મિક વિવેચન કર્યું. હનુમાન ધર્મને અતિક્રમી કર્મના ગ્લોબલ આઇકોન છે ત્યારે હનુમાનજયંતીની આ ગ્રહવાસીઓને હાર્દિક શુભકામના. લેખના અંતે  ‘વાહ લાઈફ હો તો ઐસી’ અને ‘તૂફાન’ના ગીત ઉપરાંત અમિતાભ સહિત વિવિધ ગાયકોના કંઠમાં હનુમાનચાલીસા સાંભળી શકશો. 

hanu0

એક પ્રસંગ રામાયણના યુઘ્ધકાંડના ૭૪માં સર્ગમાં છે. રાવણપુત્ર ઈન્દ્રજીતે હાહાકાર મચાવીને રામ-લક્ષ્મણ સહિતની આખી વાનરસેના ઢાળી દીધી છે. જાંબુવાનની હાલત ગંભીર છે. ડચકા ખાતા અવાજે એ બોલે છે કે ‘મને દેખાતું નથી, પણ અવાજ પરથી લાગે છે કે તમે વિભીષણ છો. પણ એ કહો કે હનુમાન જીવે છે કે નહિ?’

વિભીષણને અચરજ થયું. રામ-લક્ષ્મણ કે વાનરરાજ સુગ્રીવ, યુવરાજ અંગદને બદલે આવી હાલતમાં હનુમાનના સમાચાર? જાંબુવાને એને જવાબ આપ્યો છેઃ ‘એટલા માટે કે હનુમાન જીવતા હશે, તો આ પરાજીત સેના આખી ફરી ઉભી થઈ શકશે. પણ એ નહિ હોય તો આપણે બધા જીવતા જ મરેલા છીએ! (જીવંત અપિણ મૃતાવયઃ!)’ ચારો જુગ પરતાપ તુમ્હારા એ આનું નામ!

પણ હનુમાનજીના મંદિરે શનિવારે તેલ-અડદ સાથે સિંદુર – આકડાની માળાઓ ચડાવતા ભારતે આ મહાતેજ, મહાસત્વ, મહાબલને ઓળખવાનો પ્રયાસ કર્યો છે ખરો? ‘જય બજરંગબલિ’ના પોકારો કરનારા ઘણા હનુમંતપ્રેમી સંસ્કૃતિરક્ષકોને તો બજરંગ શબ્દનો અર્થ ખબર નથી હોતી! ઈન્દ્રના આયુધ વજ્ર (થંડરબોલ્ટ!) જેવું મજબૂત અંગ/શરીર ધરાવનાર એટલે બજરંગ!

* * *

hanu8રામાયણની લોકપ્રિયતાને લીધે દેશ-દુનિયામાં એના એટલા તો વર્ઝન્સ થયા છે, કે મૂળ વાલ્મીકિ રામાયણનો પાઠ કોઈ વાંચવાની પણ તસદી લેતું નથી. જેમ કે, સ્ત્રીથી સદંતર દૂર રહેનારા ‘બ્રહ્મચારી’ હનુમાનજી તો સ્કંદપુરાણમાં પ્રગટ થાય છે! વાલ્મીકિના હનુમાન તો એવા શૃંગારને ‘હડે હડે’ કરનારા કોઈ ચોખલિયા નથી, પણ જીતેન્દ્રિય છે. ૠષિકવિ વાલ્મીકિએ દરેક પાત્રોને સહજ માનવીય રૂપમાં ચીતર્યા છે. હનુમાનનો નિવાસ કોઈ સાઘુની કુટિર નથી, પણ સ્ત્રીજનં શોભિત (યાને નારીથી પણ હર્યોભર્યો) છે. એવું વાલ્મીકિ લખે છે. થાઈલેન્ડના રામાયણમાં હનુમાન એક મત્સ્યકન્યાથી મોહિત થયા હોવાની અને એના થકી પુત્ર (મકરઘ્વજ?) હોવાની વાત જ નહિ, ભીંતચિત્રો પણ છે. ભારતમાં રામ-લક્ષ્મણને અહીરાવણ પાતાળલોકમાં લઈ જાય છે, ત્યારે અર્ધમત્સ્ય, અર્ધવાનર એવો હનુમાનપુત્ર મકરઘ્વજ એને મળે છે, એ કથા છે. જેમાં સમુદ્ર પાર કરતી વખતે વીર્યવાન વીર હનુમાનના પરસેવાનું ટીપું ગળી ગયેલી માછલી થકી ઉત્પન્ન થયેલું એ સંતાન છે. સ્વયમ હનુમાનના જન્મ અંગેની કથા જ એ પ્રમાણિત કરે છે કે એ વખતનો સમાજ આજના જેટલો સંકુચિત નહોતો.

રામાયણ-મહાભારતમાં તો સાવ સ્વાભાવિક રીતે નિયોગ જેવી અતિઆઘુનિક જીવનરીતિના ઉલ્લેખો આવે છે. હનુમાનની તેજસ્વી અને સ્વરૂપવાન માતા અંજના કેસરી વાનરની પત્ની હોવા છતાં કોઈ જ છોછ વિના મંગલમૂર્તિ હનુમાન મારૂતિનંદન (સૂર્યપુત્ર કર્ણની માફક) કહેવાય છે. આ પવનપુત્ર અંજની અને મરૂત (વાયુદેવ)ના મિલનથી જન્મેલા છે. (એક દંતકથા દશરથની વધેલી ખીર સમળી દ્વારા અંજની સુધી પહોંચ્યાની છે!) એટલે સ્તો ‘લીલ્યો તાહિ મઘુર ફલ જાનુ’ કરવા સૂરજને સફરજન સમજીને ખાવા કૂદેલા બાળહનુમાન ઈન્દ્રના વજ્રના પ્રહારથી જમીન પર પડતા દાઢી (હનુ)ને ભાંગી બેઠા. માટે તો હનુમાન કહેવાયા અને આ ઘટનાથી દેવતાઓ પર ગુસ્સે ભરાયેલા વાયુદેવના ક્રોધને ઠંડો કરવા હનુમાનને બચપણથી અવનવા વરદાનો મળ્યા!

અલબત્ત, પ્રાચીન શિવપુરાણમાં હનુમાન શિવપુત્ર છે. કથા રોમાંચક છે. વિષ્ણુના લલચામણા મોહિની સ્વરૂપના દર્શનથી શિવનું સ્તંભિત રેતસ (સિમેન) સ્ખલિત થયું અને અંજનાના દેહમાં દાખલ થતાં હનુમાન જનમ્યા. નારદીયપુરાણના હનુમાન શિવભક્ત છે. વાયુપુરાણમાં સીતાને ‘ભાનુમાન’ નામના ભાઈના હોવાનો ઉલ્લેખ આવે છે! દક્ષિણ ભારતમાં પંચમુખી આંજનેય હનુમાન પણ પૂજાય છે. આદિવાસીઓમાં સંતાનપ્રાપ્તિ માટેના ‘હડમત’ દેવ છે.

રામાયણના હનુમાન કોઈ જડબુદ્ધિ અવૈજ્ઞાનિક અર્થમાં બ્રહ્મચારી બની નહિ, પણ ‘જીતેન્દ્રિય’ સિઘ્ધ પુરૂષ છે. કામવાસના પ્રત્યે એમનો અભિગમ ભડકીને ભાગી છૂટવાનો કે બઘું પડતું મૂકીને એને જ વળગવાનો અંતિમવાદી નથી. સ્વસ્થ અને સમતોલ છે. એનું શ્રેષ્ઠ દર્શન લંકામાં પ્રવેશેલા હનુમાનના પ્રસંગોમાં છે. રાવણના મહેલમાં હનુમાન રાવણે જગતભરમાંથી મેળવેલી અત્યંત રૂપાળી સ્ત્રીઓને નિકટથી નિરખે છે, કારણ કે જેને અગાઉ જોયા નથી, એ સીતાને શોધવાના છે. સંગીત, નૃત્ય, રતિક્રીડા, મદિરામાં મસ્ત આકર્ષક પરિધાનવાળી આ સ્ત્રીઓનું રામાયણમાં થયેલું વર્ણન બેહદ રસિક છે. કોઈ પણ ફ્રેન્ચ- ઈટાલિયન ફિલ્મ દિગ્દર્શકોને લલચાવે એવું! લોજીકલ થિન્કિંગવાળા હનુમાન માત્ર ચહેરાના ભાવ અને સૂવાની સ્થિતિ પરથી સીતાના ન હોવાનો તાગ માંડે છે.

hanu7પણ પછી એ જાત સાથે સંવાદ કરે છે. ‘‘મૂળ તો ઈન્દ્રિયોને શુભ-અશુભ કાર્યમાં મન રાખે છે, અને મારું મન સાબૂત છે. અહીં સૌંદર્યનો અનાવૃત વૈભવ માણવા નહિ, પણ સીતાને શોધવા હું આવ્યો છું, અને અત્યારે આ નિરીક્ષણ પણ મારી ફરજનો ભાગ છે. માટે મારામાં વિકાર નથી!’’ ક્યા બાત હૈ! આને કહેવાય કર્મ-ઘ્યાની! આ અર્થમાં હનુમાન જીતેન્દ્રિય છે. વાસનાને વિકૃતિમાં પલટાવા ન દેવા જેટલું આત્મનિયંત્રણ તેમનામાં છે. મેદાનમાં રમતી વખતે પાર્ટીમાં ચિત્ત પરોવાયેલું રહે તો સ્કોર ન થાય, એ સમજવાની બુદ્ધિ છે. ચંચળ મનની વૃત્તિઓ પર એમનો સેલ્ફ કંટ્રોલ છે!

સંસ્કૃત સાહિત્યના સુવર્ણયુગની સમાપ્તિ પછી આપણે ત્યાં કેલેન્ડરિયા ‘ધાર્મિક’ અહોભાવમાં આવા અદ્‌ભુત ચરિત્ર (કેરેકટર્સ)ના મનોભાવોનું મૌલિક નિરૂપણ લગભગ અટકી ગયું. શેક્સપિયરની સ્ટાઈલમાં હનુમાનનું પાત્ર નિહાળો, તો કેવું રસપ્રદ છે! હનુમાન વિખૂટા પડેલા પ્રેમી યુગલ રામ-સીતાને મિલન કરાવવા માટે મહેનત કરતા નાયક છે એ રોમેન્ટિક મેસેજના દૂત (મેસેન્જર) પણ બને છે. રામના પ્રણયવ્યથિત વર્ણનો સાંભળે છે, સીતામુખેથી પિયુ-પ્રિયાના ઈન્ટિમેટ રિલેશન્સના પ્રાઈવેટ પ્રસંગો સાંભળે છે પણ પુરું સંતુલન જાળવીને (હાય રે, મારા જીવનમાં આવું ક્યારે થશે? આવો પ્રેમ હોય? નર-નારી વચ્ચે આવું થાય? એવી મથામણમાં પડ્યા વિના) કોઈ પણ જાતના જજમેન્ટ-કોમેન્ટ વિના કે અંગત આક્રોશ વિના છૂટા પડેલા બે પ્રિયજનોને પૂરી નિષ્ઠાથી મેળવે છે, અને એમના રક્ષણ માટે જાત પર જોખમો ઉઠાવે છે. હનુમાનજીના નામ સાથે સંકળાયેલી રાજકીય સંસ્થાઓના અભણ કાર્યકરો રાવણગીરી કરીને રીતસરના વાનરવેડાથી આજે નિર્દોષ લવર્સને પરેશાન કરે, ત્યારે આવા દિવ્ય પ્રેમમૂર્તિ હનુમાનના જીવનકવનનું અપમાન થતું હોય એવું ન લાગે? આનું નામ કળિયુગ!

* * *

અવધી ભાષામાં લખાયેલી શ્રેષ્ઠતમ રચના કોઈ હોય, તો એ છે પર્સનલ ફેવરિટ હનુમાનચાલીસા! તુલસીદાસજીની શબ્દો પરની પક્કડ અહીં ટૂંકમાં એવી ખીલે છે કે અસર મોટી થાય! આખું ચરિત્ર થોડી લીટીઓમાં સમાવવાની સાથે હનુમાન ચાલીસામાં રીતસર હતાશ કે હારેલા માણસમાં આત્મવિશ્વાસ રિચાર્જ કરી દેતી શાબ્દિક તાકાત છે. ઈટસ ઈન્જેકશન ઓફ પોઝિટિવ ફાઇટીંગ સ્પિરિટ! રાબેતા મુજબ, ગોખણિયો પાઠ કરનારા એનો ય અર્થ સમજવા ઉંડા ઉતરતા નથી. ‘નિજ મન મુકુર સુધાર’ કરતા નથી! (મુકુર એટલે અરીસો- દર્પણ જેવા મનને હનુમાનભક્તિ પહેલા ગુરૂચરણ રજ લઈ ચોખ્ખું કરવાની વાત છે!) સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા…વાળી પંક્તિઓ કેવી સિમ્બોલિક છે! આજે મેનેજમેન્ટ થિંકર્સ કહે છેઃ ‘ગેમ્સ પીપલ પ્લે’. એક માણસ અલગ અલગ ભૂમિકા રોજ ભજવતો હોય છે. કડક પુલીસ અફસર પ્રેમાળ પિતા પણ હોય છે. તોફાની – અજ્ઞાની વિદ્યાર્થીઓને ઠપકો આપતો શિક્ષક ઉત્તમ વિદ્યાર્થીઓ સાથે હસીને વાત કરે એમ બને. સીતા સમક્ષ નાનકડા થઈ જતા વ્હાલા હનુમાન રાક્ષસો સામે રૌદ્ર-વિનાશક બને છે. પણ બઘું ય ખુદના અભિમાન માટે નહિ- રામચંદ્ર (યાને સત્ય, ન્યાય, નીતિ) કે કાજ સંવારવા માટે! ક્યા કહેને ગોસ્વામીજી!

hanu‘લંડન ડ્રીમ્સ’માં હનુમાન ચાલીસાની કડી ફાસ્ટ બીટમાં ગવાયેલી, અને ટીનેજર દોસ્તોને એની રિધમ કોઈ વર્લ્ડ ક્લાસ રેપ/રોક સોંગ કરતાં વઘુ ડોલાવી દે એવી મેગ્નેટિક લાગે છે. પણ આપણને નવી પેઢી માટે આવું ચકાચક પ્રેઝન્ટેશન કરતાં નથી આવડતું. છતાં ય ‘વાહ લાઈફ હો તો ઐસી’ જેવી ફાલતુ ફિલ્મમાં શંકર મહાદેવને મૂળ સ્વરને ખલેલ પહોંચાડયા વિના જે મોડર્ન બીટસમાં હનુમાન ચાલીસા ગાયો છે, એ આર્ગ્યુએબલી હનુમાન ચાલીસાનું ભારતવર્ષમાં થયેલું શ્રેષ્ઠત્તમ કંપોઝીશન છે! સારી સાઉન્ડ સીસ્ટમમાં સાંભળો તો રૂંવાડા ઉભા થઈ જાય!

પણ હનુમાનજી ફક્ત મહાબીર વિક્રમ જ નથી, બિદ્યાવાન ગુણી અતિ ચાતુર અને તેજ પ્રતાપ મહા જગ વંદન પણ છે. મોરારિબાપુ કહે છે, તેમ બુદ્ધિમતાં વરિષ્ઠમ છે.

તમારે રામ સરીખા વિજેતા રાજા બનવું હોય તો, હનુમાન જેવા કોમ્યુનિકેશન અને જજમેન્ટમાં એક્કા સચિવ/પર્સનલ આસિસ્ટન્ટ જોઈએ! હનુમાનની ખૂબી એ છે કે એમાં પડકાર અને સમયસૂચકતા, વીરતા અને નમ્રતા, આક્રમણ અને પલાયન, મઘુર વાણી અને કાતિલ કટાક્ષ, તાકાત અને કવિતા, સ્મિત અને આક્રોશ,આવા વિરોધાભાસી ગુણોનું કૃષ્ણ જેવું કમાલ કોમ્બિનેશન થયેલું છે! અજાણ્યા રામ-લક્ષ્મણને જોઈ સુગ્રીવ એની ભાળ મેળવવા હનુમાનને મોકલે છે, ત્યારે હનુમાન જે વિવેકથી સવાલો પૂછીને રામનું હૃદય જીતી લે છે, એ તુમાખીભરી તોછડાઈથી તપાસ કરતા સરકારી અધિકારીએ શીખવા જેવું છે. વાલ્મીકિ એ સમયે રામના મુખમાં હનુમાનની જે પ્રશંસા મૂકી છે, એની કુશળ વકતૃત્વકળાની આખી ટેકસ્ટબૂક આવી જાય! યાદ રહે કે રામ-હનુમાન સમગ્ર જીવનકાળમાં ચંદ મહિનાઓ જ સાથે રહ્યા છે, પણ છતાંય એમની દોસ્તી આજીવન સાથે રહેનારા ભાઈઓ કરતાં વઘુ ગાઢ અને ‘અન્ડરસ્ટેન્ડીંગ’વાળી છે.

વગર કહ્યે ઘણુ સમજી જતા આ અતુલિત બલશાલી હનુમાન વર્ષા પુરી થાય, ત્યારે સામે ચાલીને સુગ્રીવને એના સીતાની શોધના વચનની યાદ અપાવે છે, અને થોડા સમયમાં જ ગુસ્સાથી લાલપીળા લક્ષ્મણનો સામનો કરતી વખતે હનુમાનની સૂચનાથી સુગ્રીવે શરૂ કરેલી તૈયારી જ કામ આવે છે. સીતા શોધવા ભટકતી તરસી વાનરટૂકડીને અજાણ ગુફામાં શેરલોક હોમ્સ જેવા ડિટેક્ટિવની અદાથી ‘અહીં પક્ષીઓ ઉડે છે, માટે અંદર તળાવ કે કૂવો હોવો જોઈએ’નું તારણ કાઢી હનુમાન અંદર દોરી જાય છે, જ્યાં તપસ્વીનિ સ્વયંપ્રભા થકી અચાનક જ આગળનું માર્ગદર્શન મળે છે. જાણીતી એવી સમુદ્ર ઓળંગવાની ઘટના વખતે જ હનુમાનની અદ્‌ભુત પ્રશંસા છે- બલં બુદ્ધિ ચ તેજં ચ સત્વં હરિપુંગવ, વિશિષ્ટ સર્વભૂતેષુ… તારું બળ, બુદ્ધિ, ઓજસ, સત્વ (પ્રતિભા) તો સમગ્ર સજીવસૃષ્ટિમાં શ્રેષ્ઠ છે! અગાઉ પણ હનુમાનને વિદિતાઃ સર્વલોકાઃ- આખા જગતનો જાણતલ અને સર્વશાસ્ત્ર વિદાંવરઃ- તમામ ગ્રંથોના અભ્યાસી તરીકે નવાજવામાં આવ્યા છે.

hanu6પોતાના વખાણ વખતે હમેશા શિસ્તબદ્ધ મૌન રાખી ધીરગંભીર રામને જીતી લેતા રમુજી હનુમાન જ્યારે સામી છાતીએ લડવાની વાત આવે છે, ત્યારે ગર્જે છે. મમ ઉરૂ જંધા આવેદન, સમુત્થતઃ! મારા સાથળોના હલનચલનથી (તરું ત્યારે) સમંદરને ખળભળાવી નાખીશ! મૈનાક, સુરસા, સીહીંકા જેવા વિધ્નો વટાવી ઉડતા, તરતા હનુમાન લંકા પહોંચે છે. પછી શત્રુનગરીનું બારીક નિરીક્ષણ કરે છે. એમની સ્માર્ટનેસ જુઓ, સીતા સામે સીધા પોતે પ્રગટ થશે તો સીતા રાવણની માયા સમજશે, એમ માની સીતાનો ભરોસો જીતવા પહેલા રામનું આખ્યાન ગાય છે! એ ય રાવણને પ્રિય સંસ્કૃત ભાષામાં નહિ, વનવગડાની લોકબોલીમાં! સીતાને ભવિષ્યનો ભરોસો મળે એ માટે ‘હું તો વાનરસેનામાં સૌથી તુચ્છ છું, ને અહીં પહોંચ્યો છું. બાકી તો બધા મારાથી વઘુ ઉત્તમ છે’ એવું હૈયાધારણ પૂરતું જરૂરી અર્ધ-સત્ય પણ બોલી જાણે છે.

સીતામિલન પછી પણ સોંપાયેલું કામ જ કરવાની ભણેશરીઓની કોપીબૂક સ્ટાઈલને બદલે હનુમાન ‘અહીં સુધી આવ્યો છું, તો દુશ્મનોની નગરરચના અને તાકાતનો અંદાજ લેતો જાઉં’નો પ્રેક્ટિકલ એપ્રોચ રાખી જાણી જોઈને તોફાને ચડે છે! આદર્શ મંત્રી એક આદેશની પાછળની બીજી બાબતો પોતે જ આગોતરી વિચારીને બધી જ ડિટેઈલ્સ એક સાથે વગર પૂછયે રજુ કરે તેવો હોવો જોઈએ. એટલે જ અંગદનો બળવો ઠારવા સુગ્રીવ એમની મદદ લે છે, અને અયોઘ્યા પાછા ફરતી વખતે રામ ભરતને સંદેશ આપવા હનુમાનને મોકલે છે. જેથી હનુમાન યંત્રની જેમ મેસેજ પાઠવી દેવાને બદલે, ભરતના ચહેરા પર સિંહાસનની લાલચે કોઈ ભાવપરિવર્તન આવે છે કે નહિ- એ નિરીક્ષણથી પારખીને રામને કહી શકે!

* * *

‘‘પશ્ચિમ પાસે જે કોઈ કોમિક સુપરહીરો છે, એ તમામ સ્પાઈડર મેનથી સુપરમેન, બેટમેનથી ફેન્ટમ છેલ્લા ૧૦૦ વરસમાં ઉભા થયા છે. ભારત પાસે હજારો વર્ષોથી (જેના એક-એક પરાક્રમને ટીન્સ કોમિક બૂકમાં કે ગ્રાફિક નોવેલમાં ઢાળી શકાય એવો) વિશ્વશ્રેષ્ઠ અને આ તમામથી ચડિયાતા પરાક્રમોનો ફર્સ્ટ એન્ડ ઓરિજીનલ સુપરહીરો છેઃ હનુમાન!’’ આ વાત આજથી ૪૦ વર્ષ પહેલા ભારતીય સંસ્કૃતિના રસજ્ઞ એવા એમ.એફ. હુસેને પહેલી વખત કહી હતી! આજે કમ સે કમ ભારત પૂરતા તો ‘ડીઅર હનુ’ના સોફટ ટોયઝ એનિમેશન હનુમાન ફિલ્મ મારફતે આવ્યા છે. પણ આપણા રૂઢિચુસ્તોના વાનરવેડાં જોતાં વર્લ્ડ લેવલે હનુમાનનું સુપરહીરો તરીકે બ્રાન્ડિંગ કરવા માટે મહાભારત લડવું પડે! પથ્થર પર સિન્દુરીયો રંગ ચડે એટલે હનુમાન બને એ ય ફક્ત ‘રિલિજીયસ’ નહિ, પણ ‘આર્ટિસ્ટિક’ ઘટના નથી? વેસ્ટના ‘મંકી ગોડ’ની ખોટી ઇમેજ તોડવા હનુમાનનું મોડર્ન  પેકેજીંગ દુનિયાભરમાં કરવું જોઇએ. હાઉ એબાઉટ હનુ-મેન વિડિયો ગેઇમ?

hanu4સંજય-અર્જુન સિવાય આખી ભગવતગીતાને લાઈવ જાણનારા હનુમાનદાદા (કૃષ્ણના રથની ધજામાં બેસીને) કળાઓને પણ માણનારા છે. સંસ્કૃતનું સૌથી લાંબું હનુમાન નાટક એમના નામે છે. અકોણા શનિ પર એમનું સામર્થ્ય ચાલે છે. સાળંગપુરમાં સુવર્ણ સિંહાસન બને કે યુવરાજસિંહ પોતે રોજ સવારે હનુમાન ચાલીસાના પાઠ કરતો હોવાની કબૂલાત કરે- બજરંગબલિ ન્યુઝમાં ય અમર છે. ફિટનેસમાં ચૂસ્ત અને મિજાજમાં મસ્ત એવા હનુમાન જીમ્નેશિયમ જનરેશનના આઇકોન છે અને અને અમેરિકન પ્રેસિડેંટ ઓબામાથી અંગકોરવાટનાં મંદિરની દિવાલો સુધી છે. બાલાજી વેફરથી લઇને મારુતિ કાર સુધી સર્વવ્યાપી હનુમંત જીવંત છે. આ લેખમાં પણ કશું  ન ગમે, તો કોઈએ મારૂતિનંદન વતી પેરવી કરવાની તકલીફ ન લેવી- કારણ કે ‘જ્યાં સુધી જગતમાં રામકથા રહેશે, ત્યાં સુધી તારા પ્રાણ રહેશે’નું ચિરંજીવ આયુષ્ય રામ પાસે આશીર્વાદરૂપે મેળવનારા સંકટમોચન ખુદ જ હાજરાહજુર હયાત છે. નહીં ગમે તો ગદાનો ગોદો ફટકારશે અને ગમશે તો આ બાળ ભોળાને મોં ફુલાવી, હસાવીને મીઠી પરસાદી આપશે! 😉

બોલો બજરંગબલિની જય.

ફાસ્ટ ફોરવર્ડ

‘કરોતી સફલ જંતુઃ કર્મ યતચઃ કરોતીયઃ’

લંકામાં સીતાની શોધમાં થાકેલા હનુમાન આ સેલ્ફ મોટિવેશનથી ફરી આળસ ખંખેરી નાખે છે. ડિપ્રેશનમાં આવી જતા દોસ્તોએ આ શ્લોકનો  અનુવાદ યાદ રાખવો – કામ સતત કરતા રહીએ, તો સફળતા અવશ્ય મળે છે!

hanuman

 
44 Comments

Posted by on April 25, 2013 in india, philosophy, religion

 
 
%d bloggers like this: